Making of Murderer's Murder - 3 in Gujarati Crime Stories by Hardik Kaneriya books and stories PDF | મેકિંગ ઑફ મર્ડરર’સ મર્ડર - ભાગ – ૩

Featured Books
Categories
Share

મેકિંગ ઑફ મર્ડરર’સ મર્ડર - ભાગ – ૩

૬. ફોન બન્યો માથાનો દુખાવો

અમારે (મારે અને હાર્દિક ક્યાડાને) વાર્તામાં એવું બતાવવું હતું કે એક પાત્રએ બીજા પાત્રને મોકલેલા વ્હોટ્સએપ મેસેજ ત્રીજું પાત્ર વાંચી લે છે અને તેનાથી તે ન જાણવા જેવી વાત જાણી જાય છે. (વાર્તામાં આવું એક જ વાર થાય છે એટલે તે ક્યાં અને ક્યારે થાય છે તે આપ સમજી ગયા હશો.) આ વાત લખતા પહેલા ખરેખર તેવું થઈ શકે કે કેમ તેની અમે ચકાસણી કરવા માંગતા હતા. આથી, અમે કયાડાના એન્ડ્રોઇડ ફોનનું પોપ-અપ ઓન રાખ્યું અને મેં તેને ઉપરા છાપરી બે મેસેજ કર્યા. તેમાં પહેલા મેસેજના અક્ષરો વંચાયા, પરંતુ જેવો બીજો મેસેજ કર્યો કે “૨ મેસેજીસ ફ્રોમ હાર્દિક કનેરિયા” દેખાવા લાગ્યું. મતલબ એક જ વ્યક્તિ, એન્ડ્રોઇડ ફોનમાં એક કરતા વધુ મેસેજ કરે તો પોપ-અપ ઓન હોવા છતાં એક પણ મેસેજ વાંચી શકાય નહીં તેવું સાબિત થતું હતું. બાદમાં, મેં અને હાર્દિક કયાડાએ સેટિંગ ફેરવીને એકબીજાને કેટલાય મેસેજ કરી જોયા, પણ જોઈતું પરિણામ મેળવી શકાયું નહીં. વળી, એક જ મેસેજમાં ભેદ ખુલી જાય એવું બધું લખાણ લખી સેન્ડ કરીએ તો, લોક થયેલી સ્ક્રીન પર અડધો જ મેસેજ ડિસ્પ્લે થતો હતો. (પોપ-અપ ઓન હોય તો ય સ્ક્રીન પર મેસેજના અમુક ફિક્સ અક્ષરો જ ડિસ્પ્લે થાય.)

બાદમાં, મેં આ પ્રયોગ મારા પપ્પાના આઇ ફોનમાં કર્યો. તેમાં મેં જેટલા પણ વ્હોટ્સએપ મેસેજ કર્યા તે તમામ અલગ અલગ દેખાતા અને વંચાતા હતા. અમને લાગ્યું કે વાર્તામાં આઇ ફોન વાપરીશું એટલે ચાલ્યું જશે. પરંતુ, મુસીબત ત્યાંથી જ શરૂ થઈ. આપ જાણો છો કે જે વ્યક્તિ પાસે આઇ ફોન હતો તે તો વાર્તામાં મૃત્યુ પામે છે અને મરેલા માણસના આઇ ફોનને પોલીસ અનલોક કરી શકે તે જરૂરી હતું.

આ માટે અમે એવું વિચાર્યું કે આઇ ફોનમાં ફિંગરપ્રિન્ટ સેન્સર હોય છે એટલે મરેલી વ્યક્તિની આંગળી મૂકીને ફોન ખોલી લઈશું. પરંતુ, અર્ચિત નામના મિત્રએ અમને વાર્યા. તેણે કહ્યું, “આઇ ફોનના લોક કેપેસિટિવ આવે છે, માટે તે મરેલા માણસની આંગળીથી નહીં ખૂલે.”

આ વળી નવું હતું. તેની વાત સાચી છે કે ખોટી તે જાણવા અમે કેટલાક એપલ યુઝર્સનો કોન્ટેક્ટ કર્યો. તેમાંના કોઈ એકને પણ આ વિશે ખબર ન હતી. એવામાં અન્ય એક મિત્રએ જણાવ્યું, “ફિંગરપ્રિન્ટ સેન્સર થર્મોડાયનેમિક સિધ્ધાંત પર કામ કરતુ હોય છે અને મરેલા માણસનું બોડી ટેમ્પરેચર ચેન્જ થવા લાગે એટલે તે વાતાવરણના તાપમાન કરતા અલગ થઈ જતું હોય છે. માટે જ ફોનનું લોક, વાતાવરણ કરતા અલગ તાપમાન ધરાવતા મૃતદેહની આંગળીથી નહીં ખૂલતું હોય.” તેની વાતની પુષ્ટિ કરવા મેં પપ્પાના આઇ ફોનમાં મારુ ફિંગરપ્રિન્ટ લોક સેટ કર્યું અને પછી મારી આંગળીને બે મિનિટ સુધી બરફ સાથે અડકાડી રાખી. ત્યારબાદ લોક ખોલવા જતા તે ન ખૂલ્યું. (હું જીવતો હતો છતાં ન ખૂલ્યું !) એ સિવાય મને એ પણ જાણવા મળ્યું કે તરત મરેલા માણસનું તાપમાન વાતાવરણના તાપમાન કરતા બહુ ન બદલાયું હોય છતાં, તેની આંગળીથી આઇ ફોનનું લોક ખૂલતું નથી.

છેવટે અમે, આઇ ફોનમાં વપરાતા કેપેસિટિવ લોક વિશે ચોક્કસ માહિતી મેળવવાનું નક્કી કર્યું. બહુ ખણ-ખોદ કર્યા બાદ અમે તેની ચોક્કસ કાર્યપદ્ધતિ વિશે સમજી શક્યા. અહીં તે બધું સમજાવી શકવું શક્ય નથી, પરંતુ કેપેસિટિવ સેન્સર એટલે એવું સેન્સર જે ફોનનું લોક ખોલતા પહેલા માણસની આંગળીઓના યુનિક ખાડા-ટેકરા ચેક કરે અને તે આંગળીમાંથી વીજપ્રવાહ વહે છે કે કેમ તેની ખાતરી કરે. (જીવિત માણસના શરીરમાં સતત વીજપ્રવાહ વહ્યા કરતો હોય એટલે આંગળીમાં વહન પામતા વીજપ્રવાહથી તે સેન્સર સક્રિય થાય. પણ, માણસ મરી ગયો હોય તો તેના શરીરમાં વીજપ્રવાહ ન વહેતો હોય, એટલે સેન્સરના કેપેસિટરને જરૂરી ઇલેક્ટ્રીસીટી ન મળે અને લોક ન ખૂલે !) આ બહુ કમાલની વાત હતી, પરંતુ તેણે અમારી મુસીબત વધારી દીધી. અમારે ગમે તેમ કરી મરેલા માણસના આઇ ફોનનું લોક ખોલવું હતું.

બાદમાં, કેટલાય વીડિયો અને લેખ વાંચીને અમે એ તારણ પર આવ્યા કે દાંતના મૉલ્ડ બનાવવા વપરાતા મટિરિયલનો ઉપયોગ કરી, અમુક ચોક્કસ સમયમાં મૃત વ્યક્તિની આંગળી જેવી છાપ તૈયાર કરવામાં આવે અને તેમાં સિલિકોન કે જિલેટિન ઉમેરી સંવાહકતા ઊભી કરવામાં આવે તો ફોનનું લોક ખોલી શકાય, (FBIએ આ રીતે એક મૃત આતંકવાદીનો ફોન ખોલ્યો હતો.) પરંતુ વડોદરા જેવા શહેરમાં કે સામાન્ય દેખાતા મર્ડર કેસમાં આટલી જહેમત કોઈ ન ઉઠાવે.

અમે બરાબરના ભેરવાયા હતા. બાદમાં, બહુ વિચારતા લાગ્યું કે માર્કેટમાં ઓપ્ટિકલ સેન્સર ધરાવતો ફોન આવતો હોય તો પાત્ર પાસે તે ફોન છે એવું બતાવીએ. (ઓપ્ટિકલ સેન્સર એટલે એવું સેન્સર જે આંગળીમાં વીજપ્રવાહ વહી રહ્યો છે કે નહીં તેવું ચેક કર્યા વગર, ફક્ત આંગળીના યુનિક ખાડા-ટેકરા સ્કેન કરીને ફોનને અનલોક કરી દે. તેવા કિસ્સામાં મરેલા માણસની આંગળી વડે ય ફોન ખોલી શકાય.) આ માટે, અમે નેટ પર અને વિવિધ મોબાઈલ શોપમાં જઈને અલગ અલગ ફોન વિશે તપાસ કરી. કયા કયા સસ્તા ફોનમાં ફિંગરપ્રિન્ટ લોક અવેલેબલ છે અને તેમાં ફિંગરપ્રિન્ટ સેન્સર ઓપ્ટિકલ છે કે કેમ, તેની જાણકારી મેળવી. (મોંઘા ફોનમાં તો કેપેસિટિવ લોક જ આવે તે નક્કી હતું.) આપને જાણીને આશ્ચર્ય થશે કે, મોટાભાગના દુકાનદારો અને સેલ્સપર્સનને ય આ વિશે કોઈ જ્ઞાન ન હતું. આથી, તેઓ જે-તે કંપનીના સેલ્સ મેનેજરને ફોન કરતા અને અમારા પ્રશ્નનો જવાબ મેળવતા.

આમ ને આમ અઠવાડિયું નીકળી ગયું, પરંતુ જે પણ ફોનમાં ફિંગરપ્રિન્ટ સેન્સર અવેલેબલ હતા તે તમામ કેપેસિટિવ જ હતા, પછી તે ગમે તેટલા સસ્તા ફોન કેમ ન હોય ! પત્યું, માર્યા ઠાર, હવે શું કરવું ? કોઈ રસ્તો મળતો ન હતો.

તેવામાં એક ઓળખીતો પરિવાર અમારા ઘરે બેસવા આવ્યો. તેનો પાંચ વર્ષનો છોકરો ખૂબ ચંચળ હતો અને બધી વસ્તુઓ અડાઅડ કરી રહ્યો હતો. તે જપીને બેસે તે હેતુથી તેના પપ્પાએ તેને પોતાનો સ્માર્ટ ફોન આપ્યો. છોકરો તેમાં ગેમ રમવા લાગ્યો. તેમાં કંઈ નવાઈ પામવા જેવું ન હતું, પણ તેના પપ્પાએ જે કહ્યું તે મારા માટે કામનું નીકળ્યું. તેમણે કહ્યું, “મેં આ ફોન ગઈ કાલે જ ખરીદ્યો છે. નવો પાસકોડ સેટ કર્યો અને તેની (છોકરા) સામે એક જ વાર નાખ્યો તો ય તેને યાદ રહી ગયો છે. આ છોકરાઓને મોબાઇલનું જબરું વળગણ હોય છે.”

મારો કોયડો ઉકલી ગયો. મારી નજર સામે રહેલો પાંચ વર્ષનો છોકરો તેના પપ્પાના ફોનનો પાસકોડ એક જ વારમાં યાદ રાખી શકતો હોય તો વાર્તામાં રહેલું એવડું બાળક તેની નજીકની વ્યક્તિના ફોનનો પાસકોડ યાદ ન રાખી શકે ? અટકેલી વાર્તા આગળ ચાલી.

હવે, અમારું કામ એવા મેસેજ બનાવવાનું હતું જેનો એકેક અક્ષર પોપ-અપમાં દેખાય અને તે વાંચનાર પાત્રને અને વાચકને અમારે જે ધારણા કરાવવી હોય તે કરાવી શકીએ. આ માટે અમે પચાસ જાતના મેસેજ લખ્યા, ફોરવર્ડ કર્યા, વાંચ્યા અને સુધાર્યા. કેટલાકમાં છેલ્લા અક્ષરો આવતા ન હતા તો કેટલાકમાં અમારે જે કહેવું હતું તે કહી શકતા ન હતા. ફાઇનલી, અમે સંતોષકારક મેસેજ બનાવી શક્યા. (અમે આવી અને આટલી મહેનત, વાર્તાનો અંત બદલી નાખતા દ્વિઅર્થી સંવાદ માટે પણ કરી હતી.)

ક્રમશ :