Adhura Armano - 40 in Gujarati Fiction Stories by Ashq Reshammiya books and stories PDF | અધુરા અરમાનો-૪૦

Featured Books
Categories
Share

અધુરા અરમાનો-૪૦

અધુરા અરમાનો-૪૦

પરોઢ થવાની તૈયારીઓ થવા માંડી હતી. કિન્તુ સૂરજને કોઈ જ ગતાગમ નહોતી. એને એમ જ લાગતું હતું કે જાણે પોતે મરી ગયો છે. એ જ વખતે મગરને જાણે સૂરજથી ઉબ આવી હોય એમ એને દૂર ફેંકી દીધો.

દુનિયાની બદનામીથી ડરી ગયેલો અને દર્દને બાથમાં લઈને મોતના મુખમાં હોમાયેલા સૂરજને જાણે હજીએ જગતની બદનામી - બરબાદી, દર્દો, જખ્મો.... અરે બીજું ઘણું બધું સહેવાનું બાકી રહ્યું હોય એમ સાવ જખમાયેલી દશામાં પ્રકૃતિએ એને જીવતો છોડી દીધો હતો.

આ તરફ લાશની જેમ ઢગલો થઈને પડેલી સેજલને જરાક કળ વળી. આંખ ખોલતા જ બાઘાની માફક એણે ચોફેર નજર ફેરવવા માંડી. અચાનક એને સૂરજ સાંભર્યો. પોતે સૂરજને ગોતવા નીકળી છે એવું ભાન થતાં જ એણે ઉભા થઈ દોડવા માંડ્યું. જે શરીરમાં ઉભા થવાનીયે તાકાત નહોતી રહી એ શરીરને એણે વધારે ઝડપથી દોડાવવા માંડ્યું. સાનભાન ભૂલીને દોડતી સેજલ પ્રભાત ખીલતાં સુધીમાં તો અજાણતા જ એ દરિયા કિનારે આવી પહોંચી જ્યાં સૂરજ જિંદગીની છેલ્લી ઘડીઓ ગણતો પડ્યો હતો. ત્યાં આવીને એ પણ થાકી જવાથી બેભાન થઈને ફરીથી ઢળી પડી.

કુદરતની કહો કે સમાજની કહો કે પછી પોતાની ક્રૂરતાથી વિખૂટા પડેલા બે જીવો એકબીજાને શોધતાં-શોધતા અચાનક જ એકમેકની નજીક આવીને પડ્યા હતા. કંઈ જ ભાનસાન વિના જ.

વિશાળ મહેરામણ મોટા મોટા મોજાઓના ટુકડેટુકડા કરી રહ્યો હતો. બિહામણા જંગલના સૂતેલા વૃક્ષો જાગી ગયા હતાં. એ વખતે સૂર્યનારાયણે અંતરિક્ષમાં ડગ માંડ્યા. સુર્યનારાયણનાં પ્રથમ કિરણો ભાન ભૂલીને પડેલા પેલાં બંને શરીર પર પડ્યા. પડ્યા એવા જ બંનેના શરીરમાં પ્રવેશ્યા. અને પ્રવેશતાવેંત બંનેને કળ વળવા માંડી. આળસ મરડાવા માંડી.

કળ વળતા જ સૂરજ કરાડી ઉઠ્યો. એનો આક્રંદવાનો- રડવાનો અવાજ સાંભળીને માળો છોડીને ઊડી જવા લાગેલા પંખીઓ સહેજવાર એના તરફ આવીને ઊભા રહી ગયા. એ જ ઘડીએ એ આક્રંદ સેજલના કાને અથડાયો! ને અથડાયો એવો જ રદયમાં ઊતર્યો. અને એ સટાક કરતી ઊભી થઈ ગઈ. સૂરજ પાસે આવી. જે સેજલ પોતાના ઘેર આવેલા સૂરજને ઓળખી શકી નહીં એે સેજલ સૂરજને, જે ખુદ પોતે પોતાને ન ઓળખી શકે એવા સૂરજને એક માત્ર અવાજ પરથી પારખી ગઈ! એ બંનેને ભાનમાં આવેલા જોઈને સમુદ્ર જાણે હારી ગયો હોય એમ સાવ શાંત બની ગયો. સઘળી માછલીઓ કિનારે આવીને એમને માણવા લાગી ગઈ. એક હંસ બેલડી આવીને એમને વાયરો નાખવા લાગી.

સુરજને જોતા જ એની આંખોમાં રક્તન આંસુ ભરાઈ આવ્યા. સૂરજના મહાજખ્મોની પીડા જાણે પોતાને લાગવા માંડી હોય એમ એનું રોમરોમ કણસવા લાગી ગયું. એ દોડીને એને ભેટી પડે એ પહેલાં તો સૂરજ દોડીને તેને ભેટી પડ્યો. એ પોતાના દુખ-દર્દ ભૂલી ગયો! જાણે નવી જિંદગી મળી હોય એમ! એ બંનેને એકબીજાની બાહોમાં જોઈને આકાશમાં મહાલવા નીકળેલા સુરજદાદાય ઘડીવાર તો ચાલવાનું વિસરી ગયા. સૂરજદાદાને એ મળેલા જીવ પર આશીર્વાદ વરસાવવાની જવાન ઈચ્છા થઈ આવી. કિન્તું એ જ વેળાએ આશીર્વાદની જગ્યાએ એમની આંખેથી સરીતાસમી અશ્રુધારા વહી આવી. કેમકે તે આશીર્વાદ આપે એ પહેલા સૂરજ સ્વર્ગારોહણ કરી ગયો હતો!

પોતાની બાહોમાં રહેલા સ્વામીનાથ સૂરજને ચૂમતા રહેલી સેજલને જ્યારે ભાન થયું કે સૂરજ જતો રહ્યો છે! ત્યારે એ પાગલ પાગલ બનીને આક્રંદી ઊઠી. છાતી કુટી કુટીને રડવા માંડી. હૈયાફાટ રડવા લાગી. એનો ચિત્કાર સાંભળીને દરિયો જાણે થીજી જવા લાગ્યો. જંગલના ઝાડવે ઝાડવા મૃતપ્રાય: બનવા લાગ્યા. "સૂરજ.… સુરજ....!" કરતી એ ગાંડી સાવ ગાંડી બની ગઈ. એટલી બહાવરી બની કે એ સૂરજને લઈને શહેર તરફ જવાને બદલે દરિયા તરફ દોડવા લાગી! દરિયો એને જમીન અને જમીન જાણે દરિયો લાગવા માંડ્યો. સૂરજને ખભે નાખીને દોડતી એ દરિયાના પાણીમાં પડી. ઊભી થઈને ફરી દોડવા લાગી. ભાન ભૂલીને દોડતી સેજલને ભગવાને સદબુધ્ધિ સુઝાડી એટલે એ સૂરજને લઈને શહેર તરફ દોડવા લાગી.

સુરજના રામ રમી ગયા છે એ અનુભવ થતા સેજલની સ્થિતિ થઈ હતી એ સ્થિતિ કદાચ બીજી કોઈ સ્ત્રીની થઈ હોત તો એ જ ઘડીએ મરણને શરણ થઈ ગઈ હોત! સેજલે આવી મહાભયંકર સ્થિતિમાં પણ સૂરજને જીવતો કરવાની હિંમત કરી રાખી.

સૂરજ ધરતી પરનું સ્વધામ છોડીને આખરી સ્વધામસમાં ઈશ્વરના દરબારમાં જઈને ક્ષણે-ક્ષણે જિંદગીનો હિસાબ આપી રહ્યો હતો. 'પોતે સમાજના લોકોથી ડરી જઈને, દુનિયાના ડર અને બદનામીથી ડરી જઈને સેજલને કેમ સ્વીકારી નહીં ?' ઈશ્વરે પૂછેલા આ સવાલના જવાબમાં અટવાઈને એ શરમથી મોં નીચું કરીને ઊભો હતો. આંખમાંથી આંસુઓ ટપકતા હતા. અહી પણ એનો આત્મા ફફડતો હતો.

સુરજની હાલત જોઈને પરમપિતા પરમાત્માએ પ્રેમાળ ભાવે કહેવા માંડ્યું:" હે વત્સ, સૂરજ! માણસનું સર્જન કરવામાં મને હજારો વરસ લાગ્યા. બીજા હજારો વર્ષ મે એનામાં માણસાઈનું ઘડતર કરવામાં કાઢ્યા! માણસાઈથી ભરેલો માણસ જ્યારે દેદીપ્યમાન થઈને દિપવા લાગ્યો ત્યારે મેં એને અવનીની વાત બતાવી. માણસે અવની પર નજર કરી. અને અન્ય જીવોની સ્થિતિ જોઈને મારી પાસે પાછો આવ્યો. મને આજીજી કરવા લાગ્યો, "હે પૂજ્ય પરમપિતાશ્રી! અવની પર જઈને ટકવા માટે મને એક તત્વની કમી મહેસૂસ થાય છે. એ તત્વ એટલે પ્રેમ! પરમપિતાશ્રી મને પ્રેમ આપો. એ પ્રેમનું ઘડતર કરીને એ માણસમાં ભરતાં મને હજારો વર્ષ લાગી ગયા. પછી મેં માણસાઈ અને પ્રેમના અમૂલ્ય અલંકારોથી શણગારીને એ માણસને ધરતી પર મોકલ્યો! એ માણસે આજે ધરતી પર જઈને શું કર્યું? જેને શણગારવા માટે થઈને હજારો વર્ષ વિતાવી નાખ્યા છે આજે સહેજે એ તત્વોને લીલે લાકડે દઈ બેઠો છે!" આટલું બોલતા એની આંખમાંથી આંસુના મોતી પડ્યા.

પછી એમણે સૂરજ પાસે આવ્યા. એના માથે હાથ ફેરવ્યો. ને ધીમેથી કહ્યું:" બેટા સૂરજ! જે દુનિયાએ, જે માણસે તારા પ્રેમને રંજાડ્યો છે એમની દશા તું જોજે! તું પણ પ્રેમથી, પ્રણયના માર્ગથી ડરીને ભાગી ગયો? પ્રેમને તરછોડ્યો છે? એટલે અક્ષમ્ય અપરાધ થયો છે તારાથી! આ અપરાધની સજા છે ચોર્યાસી ભવ સુધી નર્કમાં વાસ? પણ તું ડરીશ નહીં. તે તારી જાતે આ ગુનો નથી કર્યો. દુનિયાથી ડરીને આ ગુનાને તે ગળે વળગાડ્યો છે એટલે તને એક જ ભવનો નરકવાસ આપીશ! કિન્તું સાંભળ:" ધરતી પરના જે લોકો પ્રેમીઓને રંજાડે છે એમને તો પૂરા ચોરાસી વર્ષ સુધી નરકની કઠીન પીડા આપીશ!"

ઈશ્વરના દરબારમાં સૂરજની જિંદગીનો હિસાબ થઈ રહ્યો હતો, જ્યારે ધરતી પર -અમેરિકાની અવની પર સેજલ એના પ્રાણનાથ- હ્યદયનાથ એવા સૂરજને ઊંચકીને એને જીવાડવાની વ્યર્થ અમર આશાઓ લઈને પેલી પૌરિણિક પ્રસંગની પેલી કિસાગોતમી નામની સ્ત્રીની જેમ જ વિહ્વળ બનીને એક એક હોસ્પિટલના એકેક ડોક્ટરના દ્વાર ખખડાવી ખખડાવને થાકી ગઈ! પરંતું સદ્ગતિએ કે અવગતે ગયેલો જીવ ક્યાં પાછો આવે છે તે સૂરજ આવે!

પોતાના જીગરના ટુકડા સમાં સૂરજને પુનર્જીવિત કરવાની ઘેલછામાં ને ઘેલછામાં આખરે એ ખુદ સૂરજમય બની ગઈ! એ પણ સૂર્યની ગતિને પામી ગઈ ગઈ!

જે સેજલને પ્રાણપ્રિય પ્રેમી એવા સૂરજના ખોળામાં માથું નાખીને હંમેશને માટે ચિરનીંદમાં પોઢી જવાના અખંડ અરમાનો હતાં એ જ સેજલની મીઠી ગોદમાં સૂરજ કાયમને માટે ઊંઘી ગયો!

"એમને પામવાના....

અમર ઓરતા અધૂરા રહી ગયા...!

જાણ્યું'તું સંગાથે જીવશું..!

કિન્તું, સંગાથે મરવાના કુઅવસર આવી ઊભા રહી ગયા...!

અમર આશિકોના અખંડ ઓરતા અધૂરા રહી ગયા!"

-અશ્ક રેશમિયા

*સમાપ્ત*

ashkkchauhan@gmail.com

mo: 9879106902