લગ્નના ફેરા ફરાઈ ગયા, ને વિદાયની વેળા આવી. બધાની આંખમાં પાણી હતા. નિકિતાની આંખોમાં આંસુ હતા તો અંતરમાં આનંદ હતો. નિકિતાના લગ્ન આદર્શ સાથે થયા; પોતાના મનમાં હતો એવો રાજકુમાર જેવો જ આદર્શ હતો. બધા નિકિતાના ને આદર્શના વખાણ કરતા થાકતા નહતા.
નિકિતા દેખાવની દ્રષ્ટિએ ખૂબ સુંદર તો ના કહી શકાય પણ સારી લાગતી, તેનો ઘઉંવર્ણ રંગ છતાં પણ નાક નકશોના લીધે તે એક નજરમાં ગમી જાય એવી નાજુક નમણી હતી. નિકિતા ભણવાનું પૂરું કરી, ટેલિકોમ કંપનીમાં સિનિયર પોસ્ટ પર કસ્ટમર સર્વિસમાં જોબ કરતી હતી. જ્યારે આદર્શ કમ્પ્યુટર એન્જીનીયર થયો હતો અને બરોડામાં ખ્યાતનામ કંપનીમાં ડેવલોપમેન્ટનું કામ કરતો હતો. તેનો પગાર પણ સારો હતો. બંને ને જોતા એમ કહી શકાય કે બન્ને એકબીજા માટે બનેલા છે.
બન્ને એક જ નાતના હતા. આદર્શના માતા તેમની ફોઈ પાસેથી નિકિતાની વાત લાવ્યા હતા. સંસ્કારીને સુશીલ ઘરની નિકિતા જોતાં જ વેંત ગમી ગઈ. નિકિતાને આદર્શની એકાંતમાં મિટિંગ થઈ.બન્નેની વચ્ચે સંવાદ થયો ને બન્ને એ એકબીજાને પસંદ કરી લીધા. સામાન્ય છોકરા છોકરીની સામાન્ય વાર્તા હતી. પછી બન્ને ની સગાઈ થઈ, બન્ને વચ્ચે પ્રેમ પાંગર્યો. અને બન્નેના લગ્ન લેવાયાં. બન્ને પરિવાર ખૂબ ખુશ હતા. સાથે સાથે નિકિતાને આદર્શ પણ ખૂબ ખુશ હતા.
લગ્ન પહેલાની એક મુલાકત દરિમયાન નિકિતાએ આદર્શને પૂછ્યું- “તે મને શું જોઈ હા પાડી?”
“બસ, તું ગમી ગઈ એટલે.” આદર્શએ ટૂંકમાં જવાબ આપી હસતા હસતા મોં ફેરવી લીધું. નિકિતા કદાચ આનાથી વધારે જવાબ ઇચ્છતી હતી. પણ કશું બોલ્યા વગર વાત બદલી નાખી. કદાચ બીજી છોકરીઓની જેમ નિકિતા ઇચ્છતી હતી કે આદર્શ એનો હાથ પોતાના હાથમાં લઈ પ્રેમથી કંઈક એવો જવાબ આપે કે પોતાના દિલને સંતોષ થાય. જેવું ફિલ્મોમાં થાય છે એવું કંઈક રોમેન્ટિક થાય. એટલુંજ નહિ સામે આદર્શએ એવું પણ ના પૂછ્યું કે તે મને કેમ હા પાડી. એ વાતનો પણ વસવસો રહી ગયો. સ્ત્રી સહજ સ્વભાવ પ્રમાણે હમેશાં પોતાના વખાણ થાય એવું ઇચ્છતી હોય, નિકિતા પણ એમાની એક હતી.
લગ્ન પછી અને લગ્ન પહેલા હમેશા નિકિતા એની સહેલીને ફરિયાદ કરતી કે આદર્શ ક્યારેય એના વખાણ નથી કરતો. જ્યારે એ તૈયાર થઈ હોય ત્યારે પણ એમ નથી કેહતો કે તું આજે સરસ લાગે છે. હા, એટલું ચોક્કસ હતું કે જ્યારે એ સરસ તૈયાર થઈ હોય તો એની આંખોમાં દેખાઈ આવતું. પણ એ શબ્દોમાં કેમ નથી એ એની ફરિયાદ રહેતી. બીજી તરફ આદર્શ એમ માનતો કે આ બધી વાતો ગૌણ છે. કેહવું એના કરતાં કરી બતાડવું. એટલે એ ક્યારેય નિકિતાને કોઈ વાતમાં ઓછું ના આવવા દેતો.
લગ્નને છ મહિના થઈ ગયા. આદર્શનો કોલેજનો મિત્ર દર્પણની પાર્ટી હતી, એમાં આદર્શને પત્ની સાથે નિમંત્રણ મળેલું. લગભગ નિકિતનો પહેલો પ્રસંગ હતો આદર્શના મિત્રોને વ્યવસ્થિત રીતે મળવાનો. એકાદ બે વાર મુલાકાત થઈ હતી પણ તે ઉપર છલ્લી હતી. પહેલીવાર આદર્શના મિત્રો અને તેમની પત્ની સાથે નિકિતા પહેલીવાર સુમેળ સાધી રહી હતી. દર્પણના બીજા ઘણા મિત્રો હાજર હતા. આદર્શ, નિકિતા, દર્પણ અને તેની પત્ની આયુષી વાતો કરી રહ્યા હતા, ત્યાં દર્પણનો બાળપણનો મિત્ર વૃષભ આવ્યો. આદર્શ અને દર્પણ પાક્કા મિત્રો હતા ને હમેશાં સાથે હરતાં ફરતા હતા. જેના લીધે બંને એકબીજાના મિત્રો સગા સંબંધી બધાને ઓળખતા હતા.
“અભિનંદન, આદર્શ” વૃષભ આદર્શને ભેટીને કહ્યું.
“ભાભી, તમને પણ અભિનંદન” વૃષભે હાથ લંબાવી નિકિતા સાથે હાથ મિલાવતા કહ્યું.
“નિકિતા, આ વૃષભ, દર્પણનો બાળપણનો મિત્ર.” આદર્શએ નિકિતાની ઓળખાણ કરાવી.
“ફેસબુક પર ફોટા જોયા, જોરદાર પ્રિ-વેડિંગના ફોટા હતા. પણ એતો કહે કે લવ મેરેજ કે અરેન્જ મેરેજ?” વૃષભ આદર્શને પૂછી રહ્યો હતો.
“લવ મેરેજ.” આદર્શ જવાબ આપે તે પેહલા દર્પણએ જવાબ આપી દીધો.
“ના, અરેન્જ મેરેજ છે.” નિકિતા મુંઝાઈ ગઈ, દર્પણને જોતા બોલી. તેને એ ના સમજાયું કે દર્પણ આવું કેમ કહી રહ્યો છે?
દર્પણ મંદ મંદ મલકાઈ રહ્યો હતો અને આદર્શ તેને ચૂપ રહેવાનો ઈશારો કરી રહ્યો હતો. નિકિતા વિચારમાં પડી ગઈ કે પોતાના અરેન્જ મેરેજ હોવા છતાં દર્પણ આવું કેમ ફેંકી રહ્યો છે અને આદર્શ પણ એને ચૂપ રહેવાનો ઈશારો કેમ કર્યો?
“નિકિતા કહે છે કે એના અરેન્જ મેરેજ છે અને દર્પણ, તું કહે છે કે લવ મેરેજ? મને સમજાયું નહીં કે ખરેખર કોણ સાચું છે?”
“હું અને દર્પણ કેવી રીતે મળ્યા એ મને ખબર ના હોય! અને અમને અમારા પરિવારે મલાવ્યા હતા તો પછી લવ મેરેજ ક્યાં થી હોય?”
“એમાં જ તો રહસ્ય છે.” દર્પણ ઉત્સાહમાં બોલી રહ્યો હતો. આદર્શનું મોઢું મલકાઈ રહ્યું હતું.
“શુ?” નિકિતા એ આશ્ચર્યથી પૂછ્યું.
“તું જે કંપનીમાં કામ કરતી હતી ત્યાં જ હું અને આદર્શ આવેલા એકાદ વર્ષ પહેલાં, મારા મોબાઈલના કાર્ડમાં ઇસ્યુ હતા, તો એના સોલ્યુશન માટે આવેલા ને ત્યારે પહેલીવાર આદર્શ એ તને જોયેલી. એ તારી પર ફિદા થઈ ગયેલો. મારા કાર્ડ માટે અમારે બે-ત્રણ વાર આવવાનું બનેલું અને એ તને જોયા જ કરતો. એ વખતે તો તું એનું આકર્ષણ જ હતી. પણ એ પછી આદર્શની માતાના ફોઈના ત્યાં પ્રસંગે તને જોયેલી. આદર્શ તને જોઈ ને પાગલ થઈ ગયો. તેને એજ માનવા માં નહતું આવતું કે તું એના જ નાતની છે. અને એજ વખતે નક્કી કરી લીધું કે એ તારી સાથેજ લગ્ન કરશે. એણે એની મમ્મીને વાત કરી ને અને એમણે એમના ફોઈ જોડે તમારી વાત ચલાવી. હવે કહે કે લવ મેરેજ કે અરેન્જ મેરેજ?”
બે મિનીટ સુધી નિકિતા કશું ન બોલી.
“તે મને કેમ ક્યારેય આ વાત ના કીધી?” નિકિતા આશ્ચર્ય સાથે આઘાત લાગ્યો કે આટલી મોટી વાત ક્યારેય મને આદર્શએ કેમ કીધી નહીં?
“ક્યારેક હું તને સરપ્રાઈઝ આપવા માંગતો હતો.”
આ વાતને લઈ નિકિતા રિસાઈ ગઈ. આદર્શએ તેને આ વાત કેમ ના કીધી? પણ અંદરથી ખૂબ ખુશ હતી કારણકે તેની કહાની સામાન્ય નહતી. બધા કરતા થોડી અલગ હતી. એ આદર્શનો છૂપો પ્રેમ હતી.