ક્ષિતિજ
ભાગ-8
મોહનભાઈ પણ બોલતાં બોલતાં ઉભા થયાં.. એટલે તરતજ નિયતિ પણ એમને આવજો કહેવા ઉભી થઈ.
“ અરે...તું ક્યા હાલી ? તું બેસ આરામ કર “
હર્ષવદન ભાઇ બોલ્યા
“ આરામ જ તો કરું છું અને આમ પણ કોઈ આવે જાય તો પપ્પા ન હોય ત્યારે દરવાજો ખોલવા તો ઉભું થવું જ પડે અને થોડું ફ્રેશ પણ લાગે. “
“ સારું ..પણ પછી બરાબર આરામ કરજે અને જલદી આવજે આશ્રમ. “
હર્ષવદન ભાઇ એ કહ્યુ.
બધા ઘર ના ગેઇટ પર પહોંચ્યા દરવાજો ખોલતાં જ નિયતિ બોલી ઉઠી
“ અરે..! આ ?”
નિયતિ ને આમ આશ્ચર્ય માં જોઈને બધાને નવાઈ લાગી. તરતજ પંકજભાઇ બોલ્યા.
“ કેમ બેટા શું થયું? કંઈ..?”
“ અરે..પપ્પા આ..આતો..એજ કાર છે જેની સાથે..મારું “
નિયતિ ના આટલું બોલતા જ હર્ષવદનભાઇ ના કાન
ચમક્યા. એ તરતજ બોલી ઉઠ્યા..
“ આ...કાર..? શું આની સાથે જ તું અથડાઈ હતી..? ખરેખર? ..”
એ સમજી ગયાં પણ કંઈ બોલ્યા નહી ઉલટું નિયતિ ને એમણે વધું કન્ફ્યુઝ કરી.
“ હા..આ..આ. આજ કાર હતી..”
“ ખરેખર? કેમકે રાજકોટ મા ઔડી ઘણી છે. અને આ કાર તો મારી છે . એટલે હું ન વાપરુ ત્યા સુધી તો પડી જ રહે. અને આમ પણ આ ગાડી હવે ફક્ત મને આશ્રમ લેવા અને મૂકવા જ આવેછે.. “
નિયતિ થોડી વધું ગુંચવણમા પડી.
“ હોય કદાચ આવીજ કાર..મને તો નંબર પણ યાદ નથી.. ચાલો જે હોય તે..”
“ બસ દિકરા તું જલદી સાજીથઇને આવીજા એટલે મારો કંટાળો દુર થાય. “
“ હા અંકલ હવે બે ત્રણ દિવસ ની વાત છે .”
“ ચાલો ત્યારે પંકજભાઇ ખુબ મજા આવી. હવે રજા લઇએ”
મોહનભાઈ અને હર્ષવદનભાઇ બંને ગાડી મા બેઠાં અને ડ્રાઇવરે કાર સડસડાટ રસ્તા પર દોડાવા માડી. પોણા સાત વાગતાં માંજ બંને ફરી આશ્રમ પહોચી ગયા. પણ આખા રસ્તે હર્ષવદનભાઇ એક પણ શબ્દ ન બોલ્યા. એ કંઈ વિચાર મા હતાં. મોહનભાઈ ને થયું કે નિયતિ સાથે ખુબ લાગણી થી જોડાયેલ હોય એમને ચિંતા થતી હશે. રાત્રે જમીને બંને ફરી પોતાનાં રૂમ માં આવ્યા ત્યા સુધી હર્ષવદનભાઇ ચુપ હતાં. મોહનભાઈ ન્યુઝ પેપર પર નજર ફેરવી રહ્યા હતાં. અચાનક એમનાં ખભા પર હાથ મુકીને હર્ષવદનભાઇ બોલ્યા..
“ મોહન..! તમને નિયતિ કેવી લાગે છે?”
મોહનભાઈ ને આ પ્રશ્ર્ન થી થોડું આશ્ચર્ય થયું પણ છતા એ મજાક માં બોલ્યા.
“ હર્ષવદન આ ઉમરે આવો પ્રશ્ન થોડો વિચિત્ર ન લાગે? “
બંને જણાં હસવા લાગ્યા..
“ હા ..લાગે તો ખરા પણ એક વાત કહો..નિયતિ જેવી દિકરી ને તમારે તમારા દિકરા માટે પસંદ કરવી હોય તો તમે એના ગુણ જોવો કે એમની આર્થિક સ્થિતિ?”
“ સાચું કહું..? હું જો પહેલા નો મોહન હોત તો અચુક એની આર્થિક સ્થિતિ પહેલાં જોત. પણ હવે જીંદગી નું ખુબ મોટું સત્ય સમજી ચુક્યો છું હર્ષવદન. એટલે પૈસા કરતાં વધું મહત્વ ગુણોનું હોયછે એ વાત બરાબર સમજી ગયો છું. પણ તમે અત્યારે કેમ આ સવાલ મને કરો છો?”
હર્ષવદનભાઇ થોડીવાર કંઈ વિચારતાં હોય એમ ચુપ થઈ ગયા. પછી બોલ્યા.
“ મોહન તમને ખબર છે નિયતિ જેની સાથે અથડાઈ એ કોણ હતું?”
મોહનભાઈ એમની સામે એકદમ આશ્વર્ય ભરી નજરે જોઇ રહ્યા. અને પુછ્યુ
“ કોણ..?”
“ એ ...એ મારો જ દિકરો હતો બીજું કોઈ નહીં. “
મોહનભાઈ એકદમ આશ્ચર્ય પામી ગયા.
“ હેં...!! તમને કેમ ખબર..? “
“ યાદ કરો આપણે બહાર આવ્યા એ વખતે કાર જોતાં જ નિયતિ બોલી ઉઠી અરે.. આ...”
મોહનભાઈ ભાઇ તરતજ સમજી ગયાં..
“ અરે...હા... સાચી વાત.પણ તમે તો??”
“ હા.. મેં એને કન્ફ્યુઝ કરી..એટલા માટે કે મારે મારા દિકરા સાથે એક વાર વાત કરવી છે અને હું બંને માંથી એકને પણ જાણ નહી થવા દઉ કે હું બંન્ને ને ઓળખું છું. બસ એમનો સબંધ મારી ઇચ્છા મૂજબ આગળ વધશે. પણ એમને જાણ પણ નહી થાય. મારી પત્ની ના ગયાં પછી ખરેખર મને એની કદર થાયછે.પહેલાં પણ હતી જ પણ મેં ક્યારેય જણાવ્યુ નહી. પણ હવે એકજ ઇચ્છા છે મારો દિકરો પણ એવું પાત્ર પરણે જે હંમેશાં એનું ધ્યાન રાખે. એની ચિંતા કરે.અને હંમેશાં એને સાચા રસ્તા પર રહેવા મા મદદ કરે. “
મોહનભાઈ હર્ષવદનભાઇ ની સામે જોઈ રહ્યા. એમની આંખો માથી આંસુ છલકવાની તૈયારી માંજ હતાં. એમણે તરતજ હાથની બે આંગળીઓ વડે આખો લૂછી ને હર્ષવદનભાઇ ભાઇનો હાથ પકડયો.
“ સાચી વાત છે હર્ષવદન તમારી. મેં મારી મોટાઈ મા જ થાપ ખાધી. દિકરા માટે ઘણા સંસ્કારી ઘરની દિકરી ની વાત આવતી પણ મારે તો જોઇતું હતું કે આર્થિક રીતે મારી હાર ના હોય..અને એમા જ હું હારી ગયો. પણ તમારા વિચારો પહેલેથી જ આવા છે જાણીને આનંદ થયો. “
“ હા...બસ તો હવે કંઈ વિચારવું પડે. જેથી એ લોકો વારંવાર મળે. અને કેવી રીતે...એ..પણ”
બંને અંદર થી ખુશ હતા. હર્ષવદનભાઇ વિચારી રહ્યા હતા કે શું કરવુ? એટલે પહેલાં તો એમણે તરતજ એમના દિકરા ને ફોન લગાવ્યો. નંબર ડાયલ કર્યો સામે છેડે રીંગ વાગી રહી હતી. ફોન જેવો રીસીવ થયો કે તરતજ એ બોલ્યા.
“ કેમ ભાઇ....બાપ ને વૃધ્ધાશ્રમ મા મુકી ગયો એટલે કંઈ જાણ નહી કરવા ની?.. “
“ એટલે..? શેની જાણ? શુ થયું છે પપ્પા?”
“ તે ગાડી ભટકાળી..?”
“ અરે...પણ.! તમને ...?”
“ એ ..અરે...ઓરે જવા દે હા કે ના માં જવાબ આપ..”
“ હા... બસ !! પણ હવે કહો તમને કોણે કહ્યું?”
“ બાપ છું તારો .. ખબર તો પડી જ જાય ને.. આજે ગાડી ની હેડલાઇટ પાસે ઘોબો જોયો એટલે મે હરજી ને પુછ્યુ..એણે કહ્યુ કે નાના શેઠ એ કયાક ભટકાળી છે..”
“ અરે...યાર.આ હરજીકાકા તમારી વફાદારી કયારે મુકશે..? મેં એમને ના પાડેલી. પણ જો અંતે “
“ એ મારો વફાદાર છે તારો નહી હવે.ચાલ માંડીને વાત કર.અને તને કયાંય વાગ્યું તો નથી ને?”
હર્ષવદનભાઇ ભાઇ એ થોડા ઉંચા અવાજે મીઠો ગુસ્સો કરતાં કહ્યુ.
“ ના..ના.. પપ્પા હું તો કારમાં અંદર હતો. વાગ્યું તો એ છોકરી ને..”
“ હેં..!!! છોકરી ને? કંઈ વધારે તો નથી ને? અરે જોજે આજકાલની છોકરીઓ આમ આટલી મોંઘી કાર જોતાંજ પછી માથાકુટ વધારે..એ.. “
હર્ષવદનભાઇ હજુ આગળ કંઈ બોલે એ પહેલાંજ એમનાં દિકરા એ એમને રોક્યા..
“ એ..એએ..એએ.. પપ્પા..પપ્પા.. બસ બસ. હું આજનાં જમાનાનો છોકરો છું જાણું છું બધું જ .પણ એ..એ છોકરી એવી ન હતી. “
“ તો..? તો કેવી હતી?”
હર્ષવદનભાઇ થોડા મલકાતા બોલ્યા..
“ એ... સારી હતી. એટલે થોડી ક્રેક. હતી. તરતજ મારી સાથે ઝઘડા ના સુર માં વાત કરવા લાગી . પણ મેં પૈસાની વાત કરી તો વધુ ગુસ્સે ભરાઇ. એટલે આમ અલગ જ હતી. હું પછી એને હોસ્પિટલ પણ લઇ ગયો . અમે પછી ઘણી વાતો પણ કરી. એનાં પપ્પા આવ્યા એટલે હું પછી નીકળી ગયો. બસ.”
“ હમ.. એ છોકરી તને ગમી?”.
અચાનક હર્ષવદનભાઇ ના આ સીધાં સવાલ થી એ થોડો હલબલી ગયો..
“ પપ્પા આર..યુ..આઉટ ઓફ યોર માઇન્ડ..? ના ના એટલે આમ તબીયત તો સારી છે ને? “
“ હા..કેમ ? મને શું થવા નું?”
“ અરે એટલે કહું છું કે તમે આટલા વર્ષો માં મારી આટલી ફ્રેન્ડ માથી એક પણ વિશે આવું પુછ્યુ નથી અને આ તો ફક્ત એક એકસીડન્ટ હતો ..બાકી...”
“ જો બેટા જીંદગી મા આવનાર લોકો બની શકે કે પહેલેથી એક બીજા ને જાણીતા ન પણ હોય.ક્યારેક કોઇ પરમેનન્ટ આવવાં ના આશય થી પણ ભટકાયુ હોય.”
“ પપ્પા હવે આ રામાયણ મુકો.”
“ હમ..સારું.. પણ તારી વાત પરથી લાગે છે કે છોકરી સારી હશે..”
“ હા... “
સામેથી એકદમ કોરો જવાબ આવ્યો..
“ સારી હતી. અને વધારે તો એની ઇમાનદારી ગમી. અને નિખાલસતા પણ. “
હર્ષવદનભાઇ નો દિકરો ધીમેથી બોલ્યો.
“ હા બેટા..મેળ પડે તો એકવાર એની ખબર કાઢી આવજે .. સારુ લાગે .આમ પણ કાર તેં ભટકાળી હતી તો..”
“ હા જોવ છું..એડ્રેસ નથી મારી પાસે.”
હર્ષવદનભાઇ એકદમ થી નિયતિ નું એડ્રેસ બોલવા જતાં હતા ત્યા મોહનભાઈ એ માથું ના માં હલાવી ને ઈશારો કર્યો. એટલે હર્ષવદનભાઇ એ વાત ફેરવી નાખી.
“ હા....એ તો આપણે અંતર થી ઇચ્છીએ તો કંઈ પણ કરી શકાય. ચાલ હવે ફોન મૂકું. આવજે “
“ ઓકે ગુડ નાઈટ પપ્પા “
હર્ષવદનભાઇ ને જાણીને આનંદ થયો કે નિયતિ પ્રત્યે પોતાનો દિકરો પણ પોતાનાં જેવા જ વિચારો ધરાવે છે. બીજી તરફ એમનો દિકરો પણ ફોન મૂક્યા ઓફીસ માં બેઠો બેઠો વિચાર મા પડી ગયો. એકસીડન્ટ ની ઘટનાં વારંવાર એનાં મનમાં ચાલતી. .એ સ્ટ્રેચર પર બેભાન નિયતિ ને યાદ કરતો થોડો મલકાતો પણ જાણે કેમ ફક્ત કોઈ ના કહેવાની રાહ હોય. જે દિવસ થી નિયતિ ને મળીને આવ્યો હતો એ વારંવાર નિયતિ નો ચહેરો એનો અવાજ યાદ કરતો. સાવ સામાન્ય પણ થોડી અલગ હતી એ. પોતે બારમાં ધોરણ પછી કોએજયુકેશન મા ભણેલો. પછી આર્કિટેક્ચર ભણતી વખતે તો ધણી છોકરીઓ એની ફ્રેન્ડ હતી.અરે ઘણીવાર તો સામે થી પણ પ્રપોઝ કરતી.. ખુબજ બ્યુટીફૂલ. પૈસાદાર ઘરની છોકરી ઓ જેમની પાછળ છોકરાંઓ પાગલ હોય એવી છોકરીઓ પોતાની ખાસ મિત્ર હોવા છતાં પણ ક્યારેય એમના માટે આવું ફિલ નહોતું થયું . પણ આવી સાવ સામાન્ય ઘરની, સાવ સારી ને નોર્મલ દેખાતી છોકરી વિશે આટલાં વિચારો?. એ વિચાર કરતાં કરતાં ઓફીસ માંજ ઉંઘી ગયો...
સવારે છ વાગ્યા હતા. આશ્રમમાં મા નિયમ પ્રમાણે યોગ ના કલાસ ચાલી રહ્યા હતાં. પછી સવારનો નાસ્તો અને ચ્હા પી ને હર્ષવદનભાઇ અને મોહનભાઈ રૂમ પર આવીને બેઠા. બંને આગલા દિવસે હર્ષવદનભાઇ ના દિકરા સાથે થયેલી વાત પર ચર્ચા કરી રહ્યા હતાં. આશ્રમનું રૂટીન ચાલું હતું..એ પતાવતાં બપોરે ચાર વાગી ગયાં હતા.હર્ષવદનભાઇ એ નિયતિ ને ફોન લગાવ્યો અને ખબરઅંતર પુછ્યા..
“ કેમ છે બેટા તું હવે? “
“ અંકલ હવે ખુબ સારું છે.બસ એકાદ બે દિવસ મા ડોક્ટર હા પાડે એટલે આશ્રમ આવવાનું શરૂ ફરીથી.”
એટલામાં જ ડોરબેલ વાગતા જ નિયતિ હર્ષવદનભાઇ નો ફોન મુકી ને દરવાજા ખોલ્યો..
ક્રમશઃ