Mari ketlik mictofiction ane laghuvartao - 5 in Gujarati Short Stories by Valibhai Musa books and stories PDF | મારી કેટલીક માઈક્રોફિક્શન અને લઘુવાર્તાઓ - 5

Featured Books
Categories
Share

મારી કેટલીક માઈક્રોફિક્શન અને લઘુવાર્તાઓ - 5

મારી કેટલીક માઈક્રોફિક્શન અને લઘુવાર્તાઓ

(ભાગ - ૫)

(૧૭) ગ઼ાલિબી ખયાલ અચ્છે તો હૈ!

આ વખતે રાષ્ટ્રને સાદાસીધા રાષ્ટ્રપતિ મળ્યા. એ મધ્યમવર્ગી ખેડૂત સમુદાયના હતા. રાષ્ટ્રપતિ ભવનમાં એક અલાયદા ઓરડામાં કુટુંબ સાથે રહે. ગામડેથી ઘરવખરી મંગાવી દીધેલી; વાણ ભરેલા ખાટલા, માટલાં, કલેડું, ઓરસિયો, વેલણ, જમવા માટેની થાળીઓ, પાણીના લોટા-ગ્લાસ-ડોયો, લૂગડાંલતાં, ગોદડાં-પાથરણાં વગેરે. પાંચ વર્ષની હોદ્દાની અવધિ હતી, એટલે ભણતાં છોકરાંને પણ રાજધાનીએ લાવી દીધાં હતાં. હાઈ-ફાઈ શિક્ષણસંસ્થાઓને બદલે તેમણે સરકારી સ્કૂલો અને કોલેજોમાં તેમને પ્રવેશ અપાવી દીધો હતો. છોકરાં માટેની વાહનસુવિધાઓ અંગેની સેક્રેટરીની તમામ વિનંતીઓને ફગાવી દઈને તેમણે પબ્લિક ટ્રાન્સપોર્ટની સવલત સ્વીકારી લીધી હતી. વિદેશી મહેમાનો સાથેના ભોજનસમારંભમાં તેઓ યજમાનની ભૂમિકાએ બેસતા ખરા, પણ માત્ર સાદું પાણી કે લીંબુપાણી જ લેતા અને આમ જ હોદ્દાની ગરિમાને જાળવી રાખતા. જાહેરમાં રાષ્ટ્રપતિને છાજે એવાં વસ્ત્રપરિધાન કરતા, પણ પોતાના એ વસવાટના ઓરડામાં તો એ જ પોતાના ગ્રામ્યજીવનના કલ્ચરને બધી રીતે જાળવી રાખતા. એમનાં ધર્મપત્ની તો સાદગીનાં એટલાં બધાં આગ્રહી હતાં કે એમણે પોતાના નિવાસના ઓરડાઓમાંની વાતાનુકૂલિત વ્યવસ્થાને સ્થગિત કરાવી દીધી હતી. છોકરાંઓનાં માનસોમાં પણ એવી કોઈ મોટાઈની ભાવના પ્રવેશી ન હતી. એમણે પગારભથ્થાં લેવાનો ઈન્કાર કરી દીધો હતો. પોતાના સંયુક્ત કુટુંબની ખેતીવાડી સંભાળતા તેમના નાના ભાઈ દર મહિને જરૂરી ખર્ચનાં નાણાં તેમને વતનમાંથી મોકલી આપતા હતા. પોતાના વસવાટના ઓરડાઓ માટે વપરાતી વીજળી માટેનું એક સબ-મીટર તેમણે મુકાવી દીધું હતું અને એ પ્રમાણે પોતાની વીજવપરાશનું બિલ પણ પોતે અંગત રીતે ચૂકવી દેતા હતા.

મને લાગે છે કે આપણા આ રાષ્ટ્રપતિ વિષેની આટલી અંગત ઓળખ પૂરતી થઈ રહેશે. અતિવિસ્તાર કરવા જતાં અત્રે એમના એક મહત્ત્વના કાર્યની અને તેના પ્રત્યાઘાતની વાત ગૌણ બની જશે.

એમણે એક દિવસે પોતાના અંગત સેક્રેટરીને સૂચના આપી કે તેઓ અનૌપચારિક રીતે બંને ગૃહોના સદસ્યોને રાષ્ટ્રપતિભવનમાં પોતાના અંગત ખર્ચે ભોજન માટે નિમંત્રવા માગે છે. ભોજનનું મેનુ પણ એમણે સમજાવી દીધું હતું; જેમાં ઘઉં અને બાજરીના ગરમાગરમ કોરા રોટલા અને દાળભાત ઉપરાંત કાંદા, કાચાં લીલાં મરચાં, ગોળનો એક નાનકડો ગાંગડો અને છાશ માત્ર હશે, કે જે દેશનાં લાખો ગામડાંઓના કરોડો માણસોનો હંમેશનો ખોરાક છે. ગળી વાનગી અને શાકભાજીને બાકાત રાખવાનાં હતાં.

રાષ્ટ્રપતિજીની સૂચના પ્રમાણે ભોજન સમારંભનું આયોજન થઈ ગયું. ભોજન શરૂ કરવા પહેલાં તેમણે બધાને ટૂંકા સંબોધને આવકાર્યા અને કિચન મેનેજરે ભોજનના મેનુની પ્રાથમિક સમજ આપતાં જણાવ્યું કે શુદ્ધ શાકાહારી ખાણામાં મુખ્યત્વે દાળ-ભાત-રોટલી છે. બાજરી એ જાડું ધાન્ય હોઈ કદાચ કોઈને અપાચ્ય લાગે તો વૈકલ્પિક ઘઉંની રોટલીની વ્યવસ્થા છે. દક્ષિણ ભારતીઓ માટે ભાત સાથે આમલી-પાણી (રસમ)ની પણ સુવિધા રાખવામાં આવી છે. કોઈને કાંદા વર્જ્ય હોય તો લીલા મરચાને માણી શકે છે. કોઈને કાચું લીલું મરચું તીખું પડે તો સાથે ગોળનો ઉપયોગ કરી શકે છે. આજના ભોજનમાં ગળી વાનગી અને શાકભાજીને રાખવામાં આવ્યાં નથી. તમામ વાનગીઓ અનલિમિટેડ હોઈ જેને જે રીતે ફાવે તે રીતે તેમના સ્વાદને માણી શકે છે.

બધાએ હોંશેહોંશે ભોજનકાર્ય પતાવ્યું. તમામના માટે રાષ્ટ્રપતિ ભવનમાં ગ્રામ્યભોજન માણવા માટેનો આ અનોખો અનુભવ હતો અને સાથે સાથે એમને એ પણ લાગ્યું હતું કે રાષ્ટ્રપતિજીએ આ ભોજનની સાથે સાથે એક ગુપ્ત સંદેશો પણ પિરસાવી દીધો હતો.

છેલ્લે પોતાના મિતભાષી અભિભાષણમાં રાષ્ટ્રપતિ મહોદયે જણાવ્યું હતું કે આજે સૌને પીરસવામાં આવેલું ભોજન આપણા દેશના મધ્યમવર્ગી નાગરિકોનું ભોજન છે. આ થાળીમાં ગળી વાનગી અને બેચાર જાતનાં શાકભાજી ઉમેરાય તો તે ધનિકનું ભોજન બની શકે. આપણે યાદ રાખવું ઘટે કે મધ્યમવર્ગની નીચે ગરીબ અને તેનાથીય નીચે ગરીબી રેખાથી નીચે જીવનારા એવા લાખો કરોડો લોકો છે. આપણે એ વિચારવાનું રહે છે કે આ ભોજનની થાળીમાંથી શું બાકાત કરવામાં આવે તો ગરીબનું ખાણું બની શકે; અને વળી એમાંયથી પણ શું બાદ કરવામાં આવે અથવા તો શું બાકી રહે કે જે પેલા BPL નાગરિકોનું માત્ર એક જ ટંકનું ખાણું બની રહે.

ભ્રષ્ટાચાર અને દેશી કે વિદેશી કાળા ધન સબબે બોલતાં મહાનુભાવે માત્ર સંત કબીરના આ દોહાને કહી સંભળાવીને પોતાના વક્તવ્યને સમાપ્ત કર્યું હતું. :

બુરા જો દેખન મેં ચલા બુરા ન મિલિયા કોય,

જો દિલ ખોજા આપના, મુજસા બુરા ન કોય.

આમ જનતાને રાષ્ટ્રપતિના આ ભોજનસમારંભની અસર બીજા દિવસે જાણવા મળી હતી, જ્યારે કે વડા પ્રધાને પાર્લામેન્ટમાં નીચે મુજબની ઘોષણાઓ કરી હતી.

(૧) સંસદસભ્યો અને ધારાસભ્યોના પગાર અને ભથ્થાંઓમાં ૮૦ ટકાનો કાપ અને પેન્શનની સંપૂર્ણ નાબુદી.

(૨) કેન્દ્ર અને રાજ્યોની સરકારી કર્મચારીઓની બિન પેન્શનપાત્ર થયેલી નવીન ભરતીઓને પેન્શનપાત્ર ગણવી.

(૩) પાંચ વર્ષ માટેની ઓછા પગારથી સહાયક તરીકેની દેશભરના તમામ સરકારી કર્મચારીઓની નિમણૂકોને પૂરા વેતનમાં ફેરવી દેવી અને ઓછો ચુકવાયેલો પગાર પૂરેપૂરો ચૂકવી દેવો.

(૪) પ્રધાનો અને રાજ્યોના મુખ્ય મંત્રીઓના વિદેશપ્રવાસોને નિયંત્રિત કરવા.

(૫) દેશભરની સેલ્ફ ફાયનાન્સ શિક્ષણસંસ્થાઓની ૯૦ ટકા બેઠકોને ઓપન સીટો જાહેર કરવી અને શિક્ષણ ફી નિયંત્રિત કરવી.

(૬) ખેડૂતોને વીજળી અને નહેરોનાં પાણી મફત પૂરાં પાડવાં અને ખાતર-બિયારણ ઉધાર ધીરવાં, જેના સામે તેમની પાસેથી તેટલા જ મૂલ્યનાં ખેતઉત્પાદનો પોષણક્ષમ ભાવોએ સ્વૈચ્છિક લેવી (Levy) રૂપે સ્વીકારવાં.

(૭) ઉદ્યોગપતિઓ અંગત રીતે બજારમૂલ્ય ચૂકવીને ખેડૂતો પાસેથી જમીન પ્રાપ્ત કરી શકશે. સરકાર તરફથી ભૂમિ હસ્તગત કરવામાં નહિ આવે.

(૮) સરકારી ખાતાંઓ અને મંત્રાલયોના ભ્રષ્ટાચારોને યુદ્ધના ધોરણે નાબૂદ કરવા અને ફરજમોકૂફી કે બરતરફીથી ખાલી પડતી જગ્યાઓએ શિક્ષિત બેકારોની ભરતી કરવી.

(૯) ઝડપી ન્યાય માટે ન્યાયતંત્રની કાર્યક્ષમતા દસગણી વધારવી.

ઉપરોક્ત યાદી ધારીએ તેટલી લાંબી થઈ શકે. રાજપુરુષો વચનોની લહાણી કરી શકતા હોય તો આપણે નાગરિકોએ આકાંક્ષાઓ સેવવામાં શા માટે કસર છોડવી જોઈએ!

દિલકો બહલાને કે લિયે ગ઼ાલિબી ખયાલ અચ્છે તો હૈ!

***

(૧૮) અપવાદ

ટ્રેઇનના દ્વિતીય વર્ગના ડબ્બાની કેબિનમાં શિક્ષણના માધ્યમ ઉપર ગરમાગરમ ચર્ચા ચાલી રહી હતી. સમાચાર હતા કે આગામી વર્ષ માટે નવી ખાનગી માધ્યમિક શાળાઓની દરખાસ્તો અંગ્રેજી અને ગુજરાતી માધ્યમ માટે અનુક્રમે એંશી અને બે હતી.

ચર્ચામાં એક પક્ષે અંગ્રેજીના પ્રોફેસર હતા, બીજા પક્ષે મારા સિવાય બધાં જ હતાં. નવાઈની વાત હતી કે પ્રોફેસર ગુજરાતી માધ્યમના હિમાયતી હતા. તેઓશ્રી ગુજરાતી માધ્યમમાં ભણ્યા હતા, પણ અંગ્રેજીમાં એક વિષય તરીકે પ્રભુત્વ મેળવ્યું હતું. તેમનાં સંતાનો પણ ગુજરાતી માધ્યમમાં ભણી રહ્યાં હતાં. પોતાની નોકરીના સમય સિવાયના પોતાના દૈનિક જીવનમાં પોતે ચુસ્ત રીતે માતૃભાષાને જ પ્રાધાન્ય આપતા હતા.

સામેના પક્ષે બધાંયની હૈયાવરાળ એ હતી કે ઉચ્ચતમ સરકારી નોકરીઓની સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં ગુજરાતીભાષી ઉમેદવારો દક્ષિણ ભારત, પશ્ચિમ બંગાળ આદિ રાજ્યોના ઉમેદવારો સામે શરમજનક રીતે પરાજય પામતા હોય છે. વળી આજકાલ વૈશ્વિકરણના માહોલમાં પશ્ચિમના દેશોમાં ગુજરાતી માધ્યમમાં ભણેલા વિદ્યાર્થીઓ પોતાની કારકિર્દી બનાવી શકતા નથી.

ચર્ચા અધૂરી હતી અને પ્રોફેસરશ્રીનું સ્ટેશન આવી જતાં તેઓ પોતાની હેન્ડબેગ લઈને દરવાજા તરફ જઈ રહ્યા હતા. ઓચિંતી મારી નજર તેમની બેગ ઉપરના લખાણ P.G.L. ઉપર પડી. મેં મારું મૌન તોડતાં તેમને કહ્યું, ‘મિ. પ્રોફેસર, હાથીની જેમ બે જાતના દાંત ન રખાય! આ શું છે?’

પ્રોફેસરે સ્મિતસહ કહ્યું, ’મારા માટે આ જ અપવાદ છે. મારું નામ પાર્થ ગણેશ લખતરિયા છે.’

***

(૧૯) ચાર્લી ચેપ્લીન

સંક્ષિપ્તમાં KDR તરીકે ઓળખાતા અને સાલભર વિવિધ સંસ્થાઓ દ્વારા વિવિધ સામાજિક પ્રવૃત્તિઓથી ધમધમતા આ નગરની એક સંસ્થાએ આ વર્ષે હજારોની મેદની વચ્ચે અનોખો કાર્યક્રમ પેશ કર્યો હતો. નગરનાં જુદાં જુદાં ક્ષેત્રોમાંની અવનવી પ્રતિભાઓનું જાહેર સન્માન કરવામાં આવ્યું હતું. આ પ્રતિભાઓને નગરપિતા, નગરમાતા કે નગરસેવક જેવાં બિરૂદો આપવા ઉપરાંત કેટલાંક રમુજી બિરૂદો પણ અપાયાં હતાં. એ બિરૂદો હતાં : ચાર્લી ચેપ્લીન ઓફ KDR, સ્માઈલીંગ મેન ઓફ ધ ટાઉન, એન્ગ્રી મેન ઓફ ધ વિલેજ વગેરે.

અન્ય બિરૂદધારીઓની ઓળખ સભાસંચાલક દ્વારા અપાઈ હતી, પરંતુ સભાના આગ્રહથી ‘ચાર્લી ચેપ્લીન ઓફ KDR’ એવા બિરૂદધારી ઈસ્માઈલ જુનેજાએ સ્વમુખે પોતાનાં કેટલાંક પરાક્રમો વર્ણવ્યાં હતાં. તેમણે ઉનાળાની રાત્રિઓમાં મહેલ્લાઓનાં આંગણાંમાં હારબંધ સૂતેલાં લોકો પૈકીની પોતાનાં નાનાં બાળકો સાથે સુતેલી માતાઓનાં બાળકોને અદલબદલ કરી દેવાં, એક કાકા ખુલ્લા બદને આંગણાના ઢોલિયામાં એક પડખે સુતેલા હતા તેમની બાજુમાં પોદળો મૂકી દેવો, બહારગામનો એક ફેરિયો જે રેંકડીમાં ટૂંટિયું વાળીને ઘસઘસાટ ઊંઘતો હતો તેની રેંકડીને ધીમે ધીમે ચલાવીને ગામના સ્મશાનમાં મૂકી આવવી, લગ્નસરા ટાણે રાત્રિના વરઘોડા માટે વરધી અપાયેલા ઘોડાને સાંજે ગામના પાદરેથી જ પ્રસંગ મુલતવી રહ્યાના બહાનાસર આગામી વારે આવવાનું જણાવીને ઘોડાવાળાને પાછો વાળવો વગેરે.

આ પરાક્રમો સાંભળતાં મેદનીમાં હાસ્યનું મોજું ફરી વળ્યું. છેલ્લે જુવાનિયાઓની માંગ થતાં ઈસ્માઈલભાઈએ ચાર્લી ચેપ્લીનની અદાએ સ્ટેજ ઉપર રાંટા પગે ચાલી બતાવ્યું.

***

(૨૦) વચેટિયો

ધાર્મિક અને ઉદાર ગણેશકાકાને બહોળી ખેતી હતી. ખળામાં અનાજટાણે જરૂરિયાતમંદોને સુડલે સુડલે અનાજ આપતા. ગૌશાળાઓ માટે ગાડાં ભરીભરીને ઘાસ મોકલતા. મંદિરના પૂજારી નીલકંઠગીરી ઉપર તો એમના ચાર હાથ રહેતા. મંદિર માટે જરૂરી ખાદ્યસામગ્રીના ભંડાર ભરી આપતા.

તેઓશ્રી કદીય મંદિરમાં પ્રવેશતા ન હતા. દ્વાર આગળ જ ઊભા રહીને દેવમૂર્તિને વંદન કરી લેતા. તેઓ નીલકંઠગીરી મહારાજને કહેતા, ‘દેવ અને મારી વચ્ચે તમે વચેટિયા. મારા કલ્યાણ માટેની દેવને ભલામણ તમારા શિરે.’

એ દિવસે ખેતસાથી માંદો પડતાં તેઓ ખાતર ખેંચતા હતા. એ ઉકરડાનો છેલ્લો ફેરો હતો અને તેમણે થોડોક વધારે ભાર ભર્યો હતો. રસ્તામાં ચઢાવ આવતાં ગાડું પાછું પડવા માંડ્યું. ગણેશકાકાને લાગ્યું કે ચારેય બળદ ટૂંપાઈ જશે. તેમણે ગાડામાંથી કૂદકો મારીને પૈડું આપવા માંડ્યું કે જેથી ચારેય બળદોને મદદ મળે. પરંતુ કમભાગ્યે તેમનો જમણો હાથ ગાડાના પૈડા નીચે ચગદાઈ ગયો. ધુઆંપુઆં થતા પોતાના લોહીલુહાણ તુટેલા હાથે બળદોને તેમની હાલત ઉપર છોડીને તેમણે ગામના મંદિર તરફ દોટ લગાવી.

સાધુવૃંદ લાડુ જમીને ઘોરતું હતું. ગણેશકાકાએ ડાબા હાથે પગમાંનો જોડો નીલકંઠગીરી ઉપર ઝીંક્યો. ખૂણામાં પડેલી લાકડી લઈને તમામ ઉપર તૂટી પડ્યા. બધા ગણેશકાકાના આક્રોશને પામીને ભાગ્યા. ગણેશકાકાએ ભાગતા નીલકંઠગીરી મહારાજને ચેતવણી આપી કે તેઓ બિસ્તરાંપોટલાં બાંધવા માંડે.

છેલ્લે ગણેશકાકા મંદિરના દ્વાર સામે ગળગળા અવાજે એટલું જ બોલી શક્યા, ‘હવેથી આપણી વચ્ચે કોઈ વચેટિયો નહિ!’

-વલીભાઈ મુસા