ભાગ ૩૨
વરુણ રોહનની હાલત સમજી શકતો હતો, તેની ઉદાસી જોઈ તેને લાગ્યું કે તે અવંતિકા વિશે ચિંતિત છે. વરુણના પપ્પા આવતા વરુણ રોહનને લઈ બહાર નીકળ્યો, તેને ખુશ કરવા માટે તેને ઘણી બીજી વાતો કરી પણ રોહનના ચહેરાની ઉદાસી એવી જ રહી. રોહને ઘરે જવાની ઈચ્છા દર્શાવી. પણ વરુણ તેને એકલો મુકવા નહોતો માંગતો. ઘણું સમજાવતા રોહન છેલ્લે રિવરફ્રન્ટ બેસવા તૈયાર થયો. વરુણે ગાડી રિવરફ્રન્ટ તરફ જવા દીધી. ઘણીવાર સુધી બંને ત્યાં બેસી રહ્યાં. રોહનની નજર નદીના સામા કિનારે બનેલી ઊંચી ઊંચી બિલ્ડીંગમાં ક્યાંક ખોવાયેલી હતી. એવામાં જ રોહનના મોબાઈલમાં મેસેજ ટોન સંભળાઈ. રોહનનું ધ્યાન હજુ નદીના સામા છેડે જ હતું પણ વરુણને માલુમ પડ્યું કે કોઈનો મેસેજ આવ્યો છે. વરુણ જાણતો હતો કે રોહનના મોબાઈલમાં ખાસ કોઈના મેસેજ આવતા નહિ, એટલે એને રોહનને કહ્યું તારા મોબાઈલમાં મેસેજ છે જોઈ તો લે કદાચ અવંતિકાનો હોઈ શકે !!! રોહને મોબાઈલ હાથમાં લેતાં જોયું તો મેસેજ અવંતિકાનો જ હતો. વરુણની વાત સાચી પડી.
મેસેજમાં અવંતિકા એ લખ્યું હતું :"સોરી રોહન, લગ્નની તારીખ ઘણાં દિવસથી નીકળી ગઈ છે અને કાર્ડ પણ વહેંચાવવાના શરૂ થઈ ગયા છે. મેં ઘણીવાર હિંમત કરી તને મેસેજ કરવાની પણ હું તને એકવાર મળવા માંગતી હતી , અને મળી ને જ તને બધી વાત કરવી હતી, પણ આજે હું મારી જાતને રોકી શકી નહીં તને મેસેજ કર્યા વગર. મળવા માટે ટાઈમ મળવો પણ મુશ્કેલ થઈ ગયો છે, બહાર નીકળતા કોઈને કોઈ સાથે હોય છે, પણ મેં સરસ્વતીને બોલાવી છે, એ આવશે એટલે એની સાથે બહાર નીકળી તને ચોક્કસ મળવા આવીશ. તું ખુશ રહેજે એવી જ ઈચ્છા. બહુ જલ્દી મળીશું આપણે."
રોહન મેસેજ વાંચી ક્ષણવાર માટે તો વધુ નિરાશાના ઊંડાણમાં ધકેલાઈ ગયો. પણ વરુણે તેના ખભે હાથ મૂકી અને આશ્વાસન આપ્યું. અને કહ્યું : "જો આવી ગયોને અવંતિકાનો મેસેજ. શું કામ તું અપસેટ થાય છે ? અવંતિકા તારા પ્રેમને ક્યારેય નહીં ભૂલી શકે. ભલે બીજું કોઈના સમજી શકે પણ હું જાણું છું તમે બંને એકબીજાને કેટલો પ્રેમ કરો છો ! આતો કિસ્મતની વાત છે કે તમારા બંનેના લગ્ન ના થઇ શક્યા. માટે ચિંતા છોડ અને તારા લક્ષ વિશે જ વિચાર કર."
રોહન : "સાચું કહે છે તું દોસ્ત. પ્રેમ તો અમર છે. રાધા અને કૃષ્ણએ પણ એકબીજાને પ્રેમ કર્યો હતો, પણ બંને ક્યાં મળી શક્યા ? મારા માટે તો અવંતિકા ખુશ રહે એજ મારા પ્રેમની જીત છે."
વરુણ : "હા, બસ એમ જ વિચારીને આગળ ચાલ."
રોહન થોડો ચિંતા માંથી સ્વસ્થ થયો. બંને જમવા માટે હોટેલમાં ગયા, અને પછી ઘર તરફ.
અવંતિકાના લગ્નનો દિવસ નજીક આવવા લાગ્યો. તો બીજી તરફ રોહન અને વરુણની નવા પ્લાન્ટ તરફ જવાની પણ બધી જ તૈયારીઓ થઈ ચૂકી હતી. રોહનના કહેવાથી અવંતિકાના લગ્નના દિવસે જ દહેજ જવા માટે નીકળવાનું નક્કી કર્યું હતું. રોહન અવંતિકાને એકવાર મળી પોતે જે કામ કરવા જઈ રહ્યો છે તે જણાવવા અને જેની સાથે અવંતિકા લગ્ન કરવા જઈ રહી છે એ વ્યક્તિ વિશે જાણવા માંગતો હતો.
સરસ્વતી લગ્નના થોડા દિવસ પહેલાં આવી ગઈ. તેના આવવાના બીજા જ દિવસે રોહનને મળવાનું આયોજન અવંતિકાએ ગોઠવી દીધું. રોહનને પણ સરસ્વતી દ્વારા ફોન કરીને જણાવી દેવામાં આવ્યું. આ વખતે અવંતિકાએ તેની મમ્મીને રોહને મળવા જવાની વાત કરી નહિ. બીજા દિવસે સવારે જ અવંતિકા અને સરસ્વતી નીકળી ગયા. થોડા જ દિવસમાં લગ્ન હોવાના કારણે અવંતિકાને એક્ટિવા ચલાવવાનું તેના મમ્મી પપ્પાએ ના કહ્યું હતું માટે ટેક્ષી બુક કરાવી હતી.
રોહન અને વરુણ પણ નિર્ધારિત કરેલી જગ્યા ઉપર પહોંચ્યા. અવંતિકા અને સરસ્વતી વરુણની ગાડીમાં બેસી ગયા. કારને શહેરની બહાર લઈ જવા માટે અવંતિકાએ કહ્યું. વરુણે પોતાની કાર શહેરની બહાર એક મંદિર પાસે જ્યાં અવર જવર ઓછી હતી ત્યાં લઈ જઈ અને ઊભી કરી. બધા કારમાંથી ઉતરી મંદિર પાસે મેદાનમાં રાખેલા બાંકડા ઉપર બેઠા. સરસ્વતી અને વરુણ રોહન અને અવંતિકાને એકલા મૂકી થોડે દૂર ગયા.
અવંતિકાએ વાતની શરૂઆત કરી...
અવંતિકા : "તે શું વિચાર્યું છે રોહન ? પોતાનો નિર્ણય બદલિશ કે નહીં ?"
રોહન : "ના અવંતિકા હું મારા નિર્ણય ઉપર કાયમ છું, પ્રેમ મેં તને કર્યો છે અને કરતો રહીશ."
અવંતિકા : "પણ હવે રોહન, થોડા જ દિવસમાં મારા લગ્ન છે, હું પરણી અને લંડન ચાલી જઈશ !!"
રોહન : "અવંતિકા, મેં તને પ્રેમ કર્યો છે, અને દરેક પરિસ્થિતિ માટે હું પહેલાથી જ તૈયાર હતો, યાદ છે મેં તને એકવાર કૉલેજના મેદાનમાં બેસી ને આ વાત કરી હતી. અવંતિકા મારા માટે તારી ખુશી મહત્વની છે, તારા લગ્ન મારી સાથે થાય કે રોહિત સાથે તું સદાય ખુશ રહે એજ હું તો ઈચ્છું છું."
અવંતિકા : "પણ ક્યાં સુધી ? ક્યાં સુધી તું એકલો એકલો જીવીશ ?"
રોહન : " હું ક્યાં એકલો છું ? મારી સાથે વરુણ છે. અને હવે તો મને બીજું એક લક્ષ પણ મળી ગયું છે."
અવંતિકા : "કેવુ લક્ષ ?"
રોહન : "વરુણના પપ્પાએ એક નવા પ્રોજેકટની જવાબદારી મને અને વરુણને સોંપી છે. હું આ શહેરથી દૂર જવા માંગતો હતો, અને વરુણે મને આ વાત કરી. જે મારા નવા જીવનનું કારણ બનશે. હું ક્યાં જઈશ ? શું કરીશ ? એ મને કંઈજ ખબર નહોતી પણ વરુણના પપ્પાએ મને આ કામ આપ્યું. જે મારુ લક્ષ બની ગયું છે. હું તન મનથી આ કામ કરવા માગું છું. અને સફળ થવા ઈચ્છું છું."
અવંતિકા : "આ તો ખૂબ સારું કહેવાય, મને પૂરો વિશ્વાસ છે કે તું આ કામમાં જરૂર સફળ થઈશ."
રોહન : "મારુ તો થઈ જશે, તું એમ કહે કે રોહિત તને ખુશ રાખી શકશે ?"
અવંતિકા : "રોહિત જ્યારથી ઇન્ડિયા આવ્યો છે, એને વારેવારે મળવાનું થયું, નાની નાની વાતોમાં મારી કેર કરે છે, મને સમજે છે, મારા ભૂતકાળ વિશે પણ કઈ જાણવા નથી માંગતો કે ના એને મને કંઈ પૂછ્યું છે. એનો પરિવાર પણ ખૂબ જ માયાળુ છે.એ પણ મારા પરિવારમાં ભળી ગયો છે."
રોહન : "સારું ને તો. તું એની સાથે ખુશ રહી શકીશ તો હું પણ નિરાંતે મારુ કામ કરી શકીશ, તારી ચિંતા પણ નહીં થાય."
અવંતિકા : "તું મારા લગ્નમાં આવીશ ?"
રોહન : "ના અવંતિકા, હું તને મારી આંખો સામે કોઈ બીજાની થતાં નહિ જોઈ શકું. અને મેં તને કહ્યું હતું એ પ્રમાણે જ તારા લગ્નના દિવસે જ હું અને વરુણ આ શહેર છોડી ચાલ્યા જઈશું. વરુણ આ શહેરમાં ક્યારેક પાછો ફરશે પણ હું ક્યારેય નહીં આવું."
અવંતિકા : "રોહન આજની મુલાકાત આપણી છેલ્લી મુલાકાત છે. જો કિસ્મતમાં હશે તો ફરી ચોક્કસ મળીશું, પણ હું તને કોઈ વચન નથી આપવા માંગતી."
રોહન : "હું પણ કોઈ આશા નથી રાખતો અવંતિકા. બસ તું જ્યાં પણ રહે ખુશ રહે એવી જ ઈશ્વરને પ્રાર્થના કરતો રહીશ. ક્યારેય તને મારી ખોટ ના રહે જીવનમાં એવુ ઇચ્છીશ."
રોહન અને અવંતિકા પોતાની વાતોમાં મશગુલ હતાં, ક્યારેક આંખોમાંથી બંનેનો પ્રેમ પણ આંસુ રૂપે છલકાઈ ઉઠતો પણ રોહન અવંતિકાને ખુશી ખુશી વિદાય આપવા માંગતો હતો.
આ તરફ સરસ્વતી અને વરુણ પણ એકલા જ હતાં. સરસ્વતી વરુણને એકતરફી પ્રેમ કરતી હતી. તેની વરુણને પણ જાણ નહોતી.
વરુણ : "આજે અવંતિકા અને રોહન બંને એકબીજાથી કાયમ માટે અલગ થઈ જશે. કદાચ પછી ક્યારેય એક બીજાને મળી નહિ શકે."
સરસ્વતી : "હા, એ ખૂબ જ દુઃખની વાત છે. પણ શું કરી શકાય ? અવંતિકા સામે તેના પપ્પા અને રોહન બે જ ઓપશન હતાં. અને અવંતિકાએ તેના પપ્પાનો પ્રેમ સ્વીકાર્યો. અને એને ખોટું પણ નથી કર્યું, એની પણ મજબૂરી હતી."
વરુણ : "હા, સરુ. આ મજબૂરી જ ઘણી પ્રેમ કહાનીઓને અધૂરી રાખી દે છે.અવંતિકાએ કઈ ખોટું નથી કર્યું એ રોહન પણ જાણે છે અને એટલે જ એ બંને આજે મળી રહ્યા છે. રોહને તો તેના જીવનમાં હવે કોઈને પ્રવેશ આપવો નહિ અને અવંતિકાને જ પ્રેમ કરતાં રહેવાનું નક્કી કરી લીધું છે."
સરસ્વતીને વરુણની આ વાતથી બોલવાનો અવસર મળી ગયો. તેને પણ વરુણ ને કહી દીધું :
"તે પણ રાધિકા એ જે કર્યું એના પછી પણ એવું જ નક્કી કર્યું હતું ને ?"
વરુણ : "હા, મને પણ ત્યારે પ્રેમ ઉપરથી વિશ્વાસ ઉઠી ગયો હતો. પણ આજે રોહન અને અવંતિકાનો પ્રેમ જોઈ એમના માટે લાગણી જન્મે છે. એક તરફ રાધિકા છે જેને પોતાના મોજશોખ માટે મને છેતર્યો તો બીજી તરફ અવંતિકા છે જે પોતાના પપ્પાના પ્રેમને માટે રોહનને છોડી રહી છે. અમારા બંનેના જીવનમાં એકલા રહેવાનું ઈશ્વરે લખ્યું હશે. અને અમે બંને જ એકબીજાનો સહારો બનીશું."
સરસ્વતી : "પણ વરુણ, તને કોઈ પ્રેમ કરતું આવશે તો તું શું કરીશ ?"
વરુણ : (થોડું હસીને) "મને કોણ પ્રેમ કરવાનું ? હું અને રોહન હવે કામકાજમાં વ્યસ્ત થઈ જઈશું. પ્રેમ કરવાનો પણ સમય નહિ મળે."
સરસ્વતી : "એવું આપણે માની લઈએ છીએ વરુણ. પણ આપણને કોણ ક્યારે પ્રેમ કરતું હોય એ આપણે પણ નથી જાણી શકતા."
વરુણ : "જવા દે હવે એ વાત. જ્યારે જે થવું હશે એ થશે. અવંતિકા તો પરણી અને લંડન ચાલી જશે. પછી કદાચ ક્યારેય નહીં મળે પણ તું તો મળીશ ને ? કે પછી તારે પણ લગ્ન કરી અને વિદેશ જવાની ઈચ્છા છે ?"
સરસ્વતી : "ના, હું વિદેશ નહિ જાવ. અહીંયા જ સારું છે. કદાચ હવે અમદાવાદ આવવાનું નહિ થાય પણ તું સુરત જરૂર આવજે. આપણે હવે સુરતમાં મળીશું."
વરુણ : "હા, જરૂર હવે તો એ તરફ જ આવવાના છીએ એટલે ક્યારેક આવી ચઢીશું સુરતમાં પણ. હું અને રોહન."
સરસ્વતી : "એ તરફ એટલે ?"
વરુણ : "પપ્પા નવો પ્રોજેકટ ભરૂચ પાસે શરૂ કરવાના છે જેની જવાદારી મારી અને રોહનની છે, થોડા જ દિવસમાં હું અને રોહન ત્યાં શિફ્ટ થઈ જઈશું."
સરસ્વતી : "તો ચોક્કસ તમે બંને ઘરે આવજો."
મોડા સુધી એક તરફ અવંતિકા અને રોહન અને બીજી તરફ વરુણ અને સરસ્વતી વાત કરતાં રહ્યાં. ઘરે જવાનો સમય થતાં કારમાં બેઠા, આ વખતે રોહન અને અવંતિકા પાછળની સીટમાં અને સરસ્વતી વરુણ પાસેની સીટમાં આગળ બેઠી. અવંતિકાને રોહનને છોડવાનું દુઃખ ઘણું હતું. ગાડીમાં રોહનનો હાથ પકડી તે રડી પણ ગઈ. પણ રોહને મન મક્કમ કરી તેને સમજાવી અને જીવનમાં આગળ વધવા જણાવ્યું. અવંતિકા અને સરસ્વતીને ઉતારી વરુણે કાર ઘર તરફ જવા દીધી. રોહન અવંતિકાની સામે તો રડી ના શક્યો પણ ઘરે પહોંચી વરુણના રૂમમાં તેને ભેટી ખૂબ રડ્યો. વરુણે તેને સમજાવી શાંત કર્યો.
અવંતિકા પણ ઘરે જઈ ઉદાસ હતી પણ લગ્નના કામકાજમાં બધાની સામે હસતા મોઢે જ ઉપસ્થિત થઈ. રોહને હવે પછી કોન્ટેક્ટમાં પણ નહીં રહેવાનું અવંતિકાને જણાવી દીધું. રોહન નહોતો ઇચ્છતો કે તે પોતાને યાદ કરી એના જીવનમાં આગળ ના વધી શકે. ક્યારેય મારા કારણે કોઈ તકલીફ થાય. બસ રોહનની ઈચ્છા અવંતિકા સદાય ખુશ રહે એવી હતી અને રોહિત વિશે જાણ્યા બાદ તેની આશા હતી કે અવંતિકા ખુશ રહેશે અને મને ભૂલી જશે.
અવંતિકા સાથે રોહિતના લગ્ન થવાના હતાં, જેની ખુશી બંને પરિવારોમાં હતી. રોહિત પોતાના લગ્નને લઈને ખૂબ જ ઉત્સાહિત હતો. અવંતિકા પણ હવે રોહન વિશે વિચારી દુઃખી થવા નહોતી માંગતી. રોહિત તેને પસંદ હતો.
લગ્નના દિવસની આગળની રાત્રે અવંતિકાના પપ્પા અને મમ્મી તેના રૂમમાં આવ્યા. તેના પપ્પા તેની બાજુમાં બેઠા ખભે હાથ મૂકી કહેવા લાગ્યા : "દીકરીઓ ક્યારે મોટી થઈ જાય એ કોઈ નથી જાણતું, હજુ તો એવું લાગે છે જાણે કાલે જ આ આંગણામાં તું હસતી રમતી હતી. મારા ઓફિસથી આવતા પપ્પા પપ્પા કહી ને મને ભેટી પડતી, તારા ગયા બાદ આ ઘર કેટલું સુનું થઈ જશે ?" આટલું બોલતા બોલતા અનિલભાઈની આંખોમાં આંસુ આવવા લાગ્યા. અવંતિકા પણ તેમની છાતી ઉપર માથું મૂકી ને રડવા લાગી. સુમિત્રાની આંખોમાં પણ આંસુ આવી ગયા.
દરેક દીકરી તેના પિતાને સૌથી વ્હાલી હોય છે, દરેક દીકરી માટે તેના પિતા જ તેના સુપર હીરો હોય છે. નાનપણથી લાડ પ્રેમથી ઉછરેલી એ દીકરીને એક દિવસ પારકા ઘરે જવાની છે એ જાણ હોવા છતાં પણ દરેક બાપ પોતાની દીકરીને ઘણા લાડ પ્રેમથી ઉછેરે છે, પોતે ભલે દુઃખ સહન કરી લેશે પણ પોતાની દીકરી ઉપર ક્યારેય દુઃખ નહીં આવવા દે. દીકરીની દરેક ઈચ્છાઓ, દરેક ખુશીઓ તેના પપ્પા જ પુરી કરતા હોય છે. અવંતિકા બીજા દિવસે લગ્ન કરી અને સાસરે ચાલી જશે. અવંતિકાની ખોટ તેના પપ્પાને જ સૌથી વધુ સાલશે. અનિલભાઈ જાણે છે કે અવંતિકાએ તમેની ખુશીઓ માટે પોતાની ખુશીઓ પણ કુરબાન કરી દીધી છે. અવંતિકા ઉપર તેમને ગર્વ છે. તેના કારણે જ અત્યારે અવંતિકાના રૂમમાં આંસુઓએ આધિપત્ય જમાવ્યું છે. ત્યાં ઉભેલા દરેક વ્યક્તિની આંખો આંસુઓથી છલકાયેલી છે.
ઘણીવાર સુધી અવંતિકાના રૂમમાં અનિલભાઈ અને સુમિત્રા બેઠા. ઘણી બધી વાતો કરી અને પછી પોતાના રૂમમાં ગયા. બીજા દિવસે અવંતિકાના લગ્ન હતાં. રોહિત જાન લઈને માંડવે આવશે. અવંતિકા સાથે લગ્ન કરી થોડા જ દિવસમાં બંને લંડન ચાલ્યા જશે.
(વધુ આવતા અંકે..)
નીરવ પટેલ "શ્યામ"