ભાંગ્યાનો ભેરૂ. – નવલકથા
લેખક-નવીન સિંગલ.
પ્રકરણ-૧.
“ માતાજીનું પ્રાગટ્ય ”
અખંડ બ્રહ્મદેશમાં આવેલું એક સોહામણું રાષ્ટ્ર.નામ એનું પદમાલય.એમાં વસતા લોકો પદમ તરીકે ઓળખાતા.પદમાલયના લોકો રૂપ-ગુણના ભંડાર કહેવાતાં.બીજા રાષ્ટ્રોના લોકો ની ખાનદાનીની સરખામણીમાં પદમાલયના માણસો જરાય ઉણા ઉતરે એવા નહોતાં. આદર-સત્કાર અને મહેમાનગતિમાં એમનો જોટો જડે તેવો નથી.ભૂખ્યાને અન્ન અને તરસ્યાને પાણી એ ખ્યાલ તો એમની નસ-નસમાં લોહી બની વહેવા લાગ્યો.
કોઇકે ઠીક જ કહ્યું છે કે જેનામાં મદદ કરવાની ભાવના હોય તો ઈશ્વર તેવા માણસો ને તમારી પાસે મોકલી દેતો હોય છે.અને જો માણસો તમારી પાસે ના આવે તો તમારે માણસો પાસે જવું પડે.જેમ મેકરણ દાદા રણમાં ભૂલાં પડેલાં મુસાફરોને રોટલો આપતાં અને પાણી પીવડાવતાં હતાં.બસ એમજ.
ગામમાં પદમોની સંખ્યા ઝાઝી.એમાય પાછા બે ફાંટા.એક વર્ગ હતો લાલા પદમ,તો બીજો વર્ગ હતો પાલા પદમ.આભડછેટમાં બંને પદમો અવ્વલ હતાં.પદમો એવું માનતા કે આભડછેટ ની પ્રથાના તેઓ ઉદઘોષક છે.ગામની નીચલી જાતિ અને પતિતોમાં આ પદમોની જબરી ધાક હતી.ગામ આખામાં આભડછેટે તો જાણે માઝા મૂકી હોય એમ વર્તાતું હતું.નીચલી જાતિ ના માણસો કોઈપણ પ્રકારના મોજશોખ ના કરી શકે.વાર-તહેવારે પણ સારા લૂગડાં પહેરી ના શકે. નહાવા નું પણ નહીં.જો નહાવું હોય તો અડધી રાત્રે છાના-માના કોઈ જુએ નહીં તે રીતે નાહી લેતાં. તેમના કૂવા પણ જુદાં અને સ્મશાન પણ જુદાં.
આ પદમો નીચલી જાતિ ઉપર તો અત્યાચારો કરતાં પણ તેમનાં કૂવા ઉપર પણ અત્યાચાર કરતાં.પદમોના માથાભારે યુવકો રાત્રે છાંટો-પાણી પી ને છાકટા બની નીચલી જાતિના કૂવા ઉપર જઇ પેશાબ કરતાં અને મળ ત્યાગ પણ કરતાં.જો કોઈ નીચલી જાતિનો માણસ જોઈ જાય તો એનાથી કશુંય બોલાય નહીં.નીચલી જાતિના લોકો મૂંગા મોંઢે આ અત્યાચાર સહન કરતાં.
નીચલી જાતિનો મોટો વર્ગ ઉજળિયાતના ખેતરોમાં મજૂરીએ જતો.મજૂરીમાં ફક્ત એટલાં જ નાણાં મળતાં જેનાથી તેમનાં કોરા ચૂલા સળગતા.પાછા આ ચૂલા ક્યારેક આડા પણ ફાટતાં.ચોમાસાના દિવસે જે ચૂલામાં તમે ભીના ઈંધણા નાખી ફૂંકો મારી-મારીને,ઘોંચ-પરોણા કરીને તેને જો પજવો તો એ આડા દિવસે આડા જ ફાટે ને.એમાય આતો પાછી મરેલ-ગરેલ પ્રજા.જો એમના માં ઝાઝી પહોંચતી હોત તો આઝાદી પછી પણ એમની આવી કફોડી સ્થિતિ ના હોત.એમની આવી હાલત માટે ખુદ તેઓ પોતેજ જવાબદાર છે.આપણે બધાં એક જ ઈશ્વરના સંતાન છીએ,આ વાતનું ખંડન કરતાં પહેલાં લોકો કેમ સમજતાં નથી ? હશે.એ જાણે અને એમનો રામ જાણે.
આ નીચલી વર્ણના લોકો તહેવારોમાં ધૂમ ખર્ચ કરતાં.પછી તેમને ભલે વ્યાજે રૂપિયા લાવવા પડે.પણ તહેવાર હોય કે પછી સામાજિક કે ધાર્મિક પ્રસંગ ઉજવવાનો તો ઠાઠથી જ.પછી ભલે બે દિવસ પાણી પી ને સૂઈ રહેવું પડે.આ લોકો જે પદમોના ખેતરમાં કામ કરતાં ત્યાંથી જ તેઓ વ્યાજે પૈસા લેતાં.મજૂરી બધી વ્યાજમાં જતી રહેતી.અને બદલામાં મળતો સૂકો રોટલો અને છાશ.પણ ખુમારી તો એવી જાણે છપ્પ્ન પકવાન ખાતાં ન હોય.જે વ્યક્તિ વધારે રૂપિયા વ્યાજે લેતી તેની શાખ ઘણી મોટી મનાતી.વ્યાજમાં ને વ્યાજમાં જે ખેતરના તેઓ માલિક હતાં,આજે એજ ખેતર માં એક મામૂલી દા’ડીયા તરીકે કામ કરતાં થઈ ગયાં.ભલે જમીન જાય,પણ વટ ના જવો જોઈએ. આવા ખોટા વટના ગાજર ખાવામાં પાછા સુરા.પદમો એમની આ નબળાઈ સારી પેઠે જાણતાં હતાં. અને સમયે-સમયે તેનો કિંચિત લાભ પણ ઉઠાવતાં.નીચલી વર્ણ તો મૂળ ત્યાંના જ નિવાસી હતાં. જ્યારે પદમો તો માયગ્રેટ થઈને આવ્યાં હતાં.
પદમોની પ્રગતિ થઈ પણ નીચલી વર્ણ તો ઠેરની ઠેર જ રહી.ખોટાં ખર્ચા અને સામાજિક પ્રસંગોમાં વ્યર્થ પૈસાનો ધુમાડો તેમનાં નીચલા સ્તર માટે જવાબદાર પુરવાર થયો.ક્યાંક ખોટાં દેખાડા થાય,તો ક્યાંક દેખા-દેખી થાય.બસ આ જ કારણે તેઓ નીચલા સ્તરે પહોંચી ગયાં.
આવા ગુણિયલ પદમાલયનું એક નાનેરું ગામ.નામ એનું ઝાંઝપુર.મા ઝાંઝરીદેવીનું પ્રગટ ધામ.એવું કહેવાય છે કે સદીઓ પહેલાં આ ગામના પદમો દૂર ગામે આવેલાં તેમનાં કુળદેવી શ્રી ઝાંઝરીદેવી ના દર્શને પગપાળા યાત્રા કરતાં.મા ઝાંઝરીદેવીનું મંદિર અડાબીડ જંગલો પસાર કર્યાં પછી આવતું.રસ્તામાં ચોર-ડાકુ અને લૂંટારાઓનો સતત ભય રહેતો.તેઓ જ્યારે-જ્યારે મા ના દર્શને જતાં ત્યારે અચૂક લૂંટાતા.ગામના આગેવાનોએ સર્વાનુમતે નક્કી કર્યું કે આ હાલાકીમાંથી નિકળવાનો એકમાત્ર ઉપાય છે કે આપણે માતાને વિનંતી કરીએ અને પોતાની સાથે પોતાને ગામ લઈ જઈએ.
વર્ષો પુરાણા જર્જરીત મંદિરના પૂજારીએ પણ આ વાતને સમર્થન આપ્યું.અંતે માતા ને વિનંતી કરવામાં આવી.અને લોક-લાગણીને માન આપી માતાજી તેમનાં ગામે આવવા માટે રાજી થયાં.
માતાજીએ તેમને કહ્યું કે જ્યારે તમારા ગામમાં વગર સીઝને આંબે ત્રણ કેરી આવે તો માનજો કે મારી સંપૂર્ણ ઇચ્છા તમારાં ગામમાં વસવાની છે.અને જે આંબામાં ત્રણ કેરી દેખાય ત્યાં જ મારૂ સ્થાનક બનાવવું.સાથે માતાજીએ એ પણ કહ્યું કે આ ત્રણ કેરી ફક્ત નીચલી જાતિના લોકોનો મોભી જ તોડશે અને તેને કાપીને સર્વ પ્રથમ એ લોકો જ મને ચઢાવશે.પહેલાં એમને પ્રસાદ આપવો પછી બીજા બધાંએ પ્રસાદ ખાવો.આ પરંપરા કાયમના માટે રહેશે.ગામના મોભીઓ એ આ વાતને મંજૂર રાખી.ગામમાં માતાજીની વાતે તર્ક-વિતર્ક થવા લાગ્યાં.અંધશ્રધ્ધાળુઓની સંખ્યા કરતાં શ્રધ્ધાળુઓની સંખ્યા બમણી હતી.અંતે એક દિવસ બધાં શ્રધ્ધાળુઓની શ્રધ્ધા રંગ લાવી.બધાંના આશ્ચર્ય વચ્ચે ગામના પાદરે આવેલા આંબામાં ત્રણ કેરી બેઠી.લોકોના હરખનો પાર ન રહ્યો.આખું ગામ આનંદથી ઝૂમી ઉઠ્યું.માતાજીનાં આ ચમત્કારને ગામલોકોએ હોંશે-હોંશે વધાવી લીધો.તેમનાં ગામના એક વૃધ્ધ નીચલી જાતિના વશરામને આ કેરી તોડવા માટે તથા પ્રસાદ ધરાવવા માટે તેને પસંદ કરવામાં આવ્યો.ગામ આખામાં ઓચ્છવનો માહોલ સર્જાયો.
માતા ઝાંઝરીદેવી આમ તો પદમોની કુળદેવી.પણ ગામ આખામાં માતાજી માટે બધાંને આદર થવા લાગ્યો.મા નો ઓચ્છવ માત્ર પદમો પૂરતો સીમિત ન રહ્યો,પણ ગામ આખાનો ઓચ્છવ બની રહ્યો.અત્યારે ગામ આખામાં લોકોની જીભે માતાજીનાં ચમત્કારનું રાજ ચાલતું હતું. જોત-જોતામાં તો માતાજીનાં મંદિર માટે ઉઘરાણાનો દોર શરૂ થઈ ગયો.બધાંએ યથાશક્તિ ફાળો આપ્યો.અને આમ જોત-જોતામાં તો માતાજીનું ભવ્ય અને વિશાળ મંદિર બંધાઈ ગયું.
બીજા દિવસે આખા ગામનો ભંડારો કરવામાં આવ્યો.આગલી રાતે ગામ આખાના પદમોના યુવાનો બીજા દિવસની તડામાર તૈયારીઓ કરવા લાગ્યાં.ગામના જ પ્રજાપતિ રમલા રસોયાને જમણનો ઓર્ડર અપાયો.જ્યારે રસોયા રસોઈની તૈયારીઓ કરતાં હતાં ત્યારે પદમના મોભીઓએ એક તાકીદની મિટિંગ બોલાવી.મિટિંગનો મુખ્ય આશય એ હતો કે આ ભંડારામાં નીચલી જાતિના લોકોને બધાંની સાથે પંગતમાં બેસાડીને જમાડવા કે તેમની પંગત અલગ પાડવી ? જુવાન પદમોનું એવું સૂચન હતું કે તેમને પણ બધાંની સાથે પંગતમાં જ બેસાડવા.બધાં જુવાનિયા ઓએ આ વાતમાં હામી ભરી.એની સાથે જ જાણે ઘરડાઓના મગજનો વાયસલ ફટયો હોય તેમ બધાં એક સાથે ગરજયાં.અને યુવાનો પર બધાં સાગમટે તૂટી પડ્યાં.
આ જગતમાં જે ખરાબ હોય છે એ ઘણું બધુ હોય છે.દૂષ્ટોની સરખામણીમાં સજજનો ની સંખ્યા ખૂબ ઓછી છે.આ જગતમાં જે જીવની સંખ્યા ઓછી છે એને ખરેખર લઘુમતીમાં મૂકવા જોઈએ.પણ આજકાલ તો બહુમતીને પણ લઘુમતીમાં ગણાવાની ગાંડી ઘેલછા લાગી છે.આ ઘેલછા એમને પછાત બનાવે છે.જગતમાં ઘણાં પ્રકારના પછાત લોકો છે.જેમ કે સામાજિક પછાત,આર્થિક પછાત,ધાર્મિક પછાત,વૈચારિક પછાત,માનસિક પછાત તથા અન્ય પછાત.જો કોઈ વ્યક્તિ સામાજિક પછાત હોય તો એની સાથે સદભાવના તથા સૌજન્ય દાખવીએ તો એનું પછાતપણું દૂર થાય.જેનાથી સામાજિક સમરસતા કેળવાય.
જો કોઈ વ્યક્તિ આર્થિક પછાત હોય તો એને આર્થિક મદદ કરીએ તો એનું આર્થિક પછાતપણું દૂર થાય.જો કોઈ વ્યક્તિ ધાર્મિક પછાત હોય તો તેને ધર્મનો બોધ આપી ધર્મના માર્ગે વાળીએ તો એનું ધાર્મિક પછાતપણું દૂર થાય.
જો કોઈ વ્યક્તિ વૈચારિક પછાત હોય તો એની સાથે સદ-સત્સંગ કરવાથી તેનું વૈચારિક પછાતપણું દૂર થાય.પણ જો કોઈ વ્યક્તિ માનસિક પછાત હોય તો એનો આખાય જગત માં કોઈ ઈલાજ નથી.
આ માનસિક પછાતપણાને કોઈ જ્ઞાતિ,જાતિ,ધર્મ,વર્ગ,વર્ણ કે સમૂહ સાથે કઈ પણ લેવા-દેવા નથી.માનો એમણે પછાત થવા માટે હોડ ના લગાવી હોય ? આ રોગ કોઈને પણ લાગુ પડી શકે તેમ છે.અને આ રોગ એટલો બધો ચેપી અને ખતરનાક છે એની કલ્પના તો ખુદ બ્રહ્માજી ને પણ નથી.આ પદમો પણ આવી જ કોઈ કેટેગરીના માણસોનો સમૂહ હતો.
આખરે સાગમટે એવું નક્કી કરવામાં આવ્યું કે બધાં જમી લે પછી નીચલી જાતિના લોકોને બધાનું એંઠું-જૂઠું આપવું.તોય બિચારી નીચલી જાતિના લોકોએ એને માતાજીનો પ્રસાદ સમજીને એમનો એંઠવાડ મૂંગા મોંઢે ખાધો.
નીચલી જાતિના યુવાનો તથા લબરમૂછિયાઓએ આ વાતનો વિરોધ કર્યો તો ઘરડા ઓએ તેમનાં આ બળવાને ઠારી દીધો.ઘરડાઓની આવી નિમ્ન કક્ષાની વિચાર સરણીને ઘણાં યુવાનો એ ધિકકારી.એક યુવાને બધાંની આગળ પોતાની હૈયા વરાળ ઠાલવી.એણે જણાવ્યું કે “ જ્યારે-જ્યારે નીચલી જાતિને અન્યાય થયો છે ત્યારે-ત્યારે કોઈ માઈના લાલે એનો વિરોધ નથી કર્યો.ધર્મના નામે હાટડી ખોલી બેઠેલાં ઢોંગી સાધુ તથા બાવાઓએ પણ આ વિષે હરફ સુધ્ધાં નથી ઉચ્ચાર્યો.જો તેઓ કઈ બોલે તો પછી એમની ધર્મની હાટડી બંધ થઈ જાય. સેવાના નામે ચરી ખાતી સામાજિક સંસ્થાઓ તો પછી ક્યાંથી બોલે.બધાંને પોતાની દુકાન ચાલુ રાખવી છે.બધાંને પોતાનો રોટલો શેકવો છે, અને પોતાની ખિચડી રાંધવી હોય છે.બ્રહ્મદેશની આ જ વિચિત્રતા છે.બ્રહ્મદેશ આજે પણ વિવિધ ગુલામીમાં જકડાયેલો છે.ક્યાંક ધાર્મિક ગુલામી તો ક્યાંક આભડછેટની ગુલામી.એમાં બિચારો બ્રહ્મદેશ પણ કરે શું ? બધાંને પોતાની જ્ઞાતિ,જાતિ અને ધર્મનું અભિમાન છે પણ દેશનું નથી.દેશ ભલે ખાડામાં જતો આપણે તો સધ્ધર થઈ જઈએ.દેશનું જે થવું હોય તે થાય.આને માનસિક પછાતપણું કહેવાય. ” યુવાનની વાત બધાંને હૈયા સોંસરવી ઉતારી ગઈ,પણ માની કોઈએ નહીં.
માતા ઝાંઝરીદેવીના મંદિરની પ્રાણપ્રતિષ્ઠા વખતે આ યુવાનોના ગુસ્સાને જો દબાવવામાં આવ્યો ના હોત તો આજે બ્રહ્મદેશની નીચલી જાતિઓની પ્રગતિનું ચિત્ર કઈંક જુદું જ હોત.એવું કહેવાય છે કે ઘરડા ગાડા વાળે.પણ અહીં તો ઘરડાઓએજ ગાડા ઉંધા વાળ્યા.આ ઘરડા ઓએ વર્ષોથી જે ગુલામી કરી હતી એવી ગુલામી તેમની આવનારી પેઢી પણ કરે તેમ તેઓ ઇચ્છતા હતાં.પણ આવનારી પેઢી તો કઈંક જુદું જ વિચારતી હતી.
આ પદમાલયનો એક પદમ હતો.એને છ સંતાનો હતાં.એવી કિંવદંતી છે કે પછી લોકવાયકા કે આ પદમની પત્નીને લગ્નના ઘણાં વર્ષો થવા છતાં પણ સંતાન સુખ પ્રાપ્ત નહોતું થયું.હવે આ પદમના ખેતરમાં એક નીચલી જાતિનો મજૂર કામ કરતો હતો.એને અને આ પદમની પત્નીને આડો વહેવાર હતો.એવું કહેવાય છે કે જેને આડો વહેવાર,એને રોજ તહેવાર.આ મજૂરનાં કારણે તેને સંતાન સુખ મળ્યું.સમય જતાં જ્યારે આ પદમને આ વાતની જાણ થઈ તો એણે પેલા મજૂરને મારીને હાંકી કાઢ્યો.પણ ત્યારે બહુ મોડુ થઈ ગયું હતું.આ પદમ જાગ્યો પણ ક્યારે ? જ્યારે એની પત્ની પેલા મજૂરનાં છ સંતાનની માતા થઈ ચૂકી હતી.ચોરની મા હાંલ્લામાં મોંઢું સંતાડીને રડે તેવો ખેલ થયો.આ પદમનું પહેલું સંતાન,નામ એનું ભગવાન.લાડથી બધાં એને ભગો કહેતાં.આ ભગો નાનપણથી જ ઘણો હોંશિયાર અને ચાલાક હતો.નાનપણથી જ એનામાં ચતુરાઇ જાણે ઠાંસી-ઠાંસીને ના ભરી હોય.એવો ચબરાક હતો.એક નાનકડાં બનાવના કારણે આ ભગો આખા પદમાલય ના માણસો માં પાંચમાં પૂછાતો થઈ ગયો.
એકવાર એવું બન્યું કે આ ભગો એક નીચલી જાતિના માણસના કોઈ સામાજિક પ્રસંગમાં ગયો હતો.અને એને કોઈ પદમ જોઈ ગયો.બસ પછી તો કાગનો વાઘ થઈ ગયો. તાત્કાલિક પદમોનું પંચ બેઠું અને એમાં ભગાનો પંચે ઉધડો લઈ નાખ્યો.લોકો ભગાના ચારિત્ર્ય ઉપર મહેણાં-ટોણાં મારવા લાગ્યાં.ભગાની મા તો પેલા મજૂર સાથે ભાગી ગઈ હતી.આ આઘાતના કારણે ભગાના બાપે આત્મહત્યા કરી હતી.ભગાના માથે તેના ભાઈ તથા બહેનોની જવાબદારી હતી.
વાત જાણે એમ હતી કે પોતાના ભાઈ-બહેનોના ભરણ-પોષણ માટે ભગો નીચલી જાતિના વાસ માં ગયો હતો.નીચલી જાતિના માણસો દરરોજ સવારે જે સફાઈ કરતાં તેના માટે તેમને ઝાડુની જરૂરિયાત રહેતી.આ ઝાડુ બનાવવા માટે ભગાએ ત્યાંના લોકોનો સહયોગ માંગ્યો હતો.ભગો રાતના અંધારામાં કોઈ જોઈ ના જાય તેવી રીતે ચોર પગલે ધાબળો ઓઢીને નીચલી જાતિના વાસ માં જતો હતો.આ કારોબાર છેલ્લાં ઘણાં સમયથી ચાલતો હતો જેની પદમાલયના માણસોને ગંધ પણ નહોતી.પણ એક દિવસ એક નીચલી જાતિના માણસને તેની મજૂરીના પૈસા આપવા ભગો તેમના વાસ માં જતો હતો ત્યારે જ એક પદમ તેને જોઈ ગયો.
પંચ આખાને જ્યારે ખબર પડી કે ભગો આ ધંધો ઘણાં સમયથી ચલાવે છે ત્યારે પંચના માણસો તેને ધિક્કારવા લાગ્યાં.ભગાએ ઘણી દલીલ કરી પણ પંચ ના માન્યું તે ના જ માન્યું.સમગ્ર પંચ અને આખાય પદમાલયના લોકોએ સાગમટે ભગાના હુક્કા-પાણી બંધ કરી દીધાં. તેને નાત બહાર મૂકવામાં આવ્યો.ગામના કુવેથી પાણી ભરવાની પણ મનાઈ ફરમાવવામાં આવી. ઘંટીવાળાએ દરણુ દળવાની ના પાડી.એટલે સુધી કે ખેડૂતોએ તેને દાણા પણ આપવાની ના પડી દીધી.ઘરમાં જેટલાં દાણા-પાણી હતાં ત્યાં સુધી તો ચાલ્યું પણ પછી શું ?
એક અંધારી રાતે આ ભગો ઘરમાં પડેલી બધી માયા-મૂડી લઈને શહેર ભણી ઉચાળા ભરી ગયો.એણે એવું સંભાળ્યું હતું કે નજીકમાં જ રાજનગર નામે શહેર છે.જ્યાં કોઈ પણ જાતના નાત-જાતના ભેદભાવ નથી.ભગાએ મનોમન નક્કી કરી નાખ્યું કે આ રાજનગરની ભૂમિને જ પોતાની કર્મભૂમિ બનાવવી.એમ વિચારીને ભગાએ રાજનગરની વાટ પકડી.
ભગાના જવાના કારણે તેના ભાઈ-બહેનો નધણિયાત થઈ ગયાં.અંતે એક વૃધ્ધ પદમને રહેમ આવતાં તેમને પાછા સમાજમાં લીધાં.પણ નીચલી જાતિના વાસ માં જવાની સ્પષ્ટ મનાઈ ફરમાવવામાં આવી.ભગાના ભાઈ-બહેનોએ આ વાતનો સ્વીકાર કર્યો.
(ક્રમશ:)
-----------------------------------------------------------------------------------------------