"પ્રવાસમાં બધા શિક્ષકોએ વ્યવસ્થિત રીતે તૈયાર થઈને આવવાનું છે. મહાબલેશ્વરના આ પ્રવાસમાં ટ્રસ્ટી સાહેબ અરુણભાઈ આપણી સાથે આવવાના છે તો દરેકે વ્યવસ્થિત તૈયાર થઈને આવવું " પ્રિન્સિપાલ રમેશચંદ્રે સ્ટાફને સૂચના આપતા કહ્યું.
" સાહેબ, ટ્રસ્ટી સાહેબ સાથે આવે ઇ તો વાંધો નઈ પણ વ્યવસ્થિત એટલે કેવી રીતે આવવાનું ? તમે બે વખત ખાસ કહ્યું એટલે જરા વ્યવસ્થિતની વ્યાખ્યા સમજાવી દેશો તો અમને ખ્યાલ આવશે " રસિક જાનીએ વધેલી દાઢી ખંજવાળતા પૂછ્યું. અને સ્ટાફમાં હાસ્યનું હળવું મોજું ફરી વળ્યું. સ્ટાફને હસતો જોઈ આચાર્ય થોડા ખીજવાયા, "જુઓ જાની સાહેબ, તમે છે ને હોશિયારી ના મારો . વ્યવસ્થિત એટલે વ્યવસ્થિત.એમ કંઈ વ્યાખ્યા ન હોય. પોત પોતાનો સમાન પણ વ્યવસ્થિત રાખવાનો રહેશે, અને પ્રવાસ દરમ્યાન વ્યવસ્થિત રહેવાનું રહેશે"
"ટૂંકમાં આખો પ્રવાસ વ્યવસ્થિત રીતે જ કરવાનો છે ,એમ કહોને !" રસિક જાનીએ ફરી ટીખળ કર્યું.
અને સૌને રાત્રે અગિયાર વાગ્યાનો સમય આપવામાં આવ્યો.
સ્કૂલમાંથી શિક્ષકો માટેનો મહાબલેશ્વરનો પ્રવાસ આયોજિત થયેલો.ટ્રસ્ટી અરુણભાઈ કડક સ્વભાવના અને સ્વચ્છતા, સુઘડતાના ખૂબ જ આગ્રહી હતા.તેમની દ્રષ્ટિએ શિક્ષક માથાથી પગ સુધી વ્યવસ્થિત એટલે ક્લીન શેવ, વાળ ટૂંકા અને તેલ નાખીને વ્યવસ્થિત ઓળેલા, શર્ટ ઇન કરેલું ,બેલ્ટ સારો પહેરેલો હોવો, પેન્ટ ઈસ્ત્રી ટાઈટ અને પગમાં બુટ પોલિશ કરેલા અથવા નવા હોવા અને ફ્રન્ટ પોકેટમાં પેન અવશ્ય હોવી જોઈએ. આ રીતે જે શિક્ષક તૈયાર થઈને શાળામાં ન આવ્યો હોય તેની ધૂળ કાઢી નાખવામાં આવતી. ઇરેગ્યુલારીટી બદલ પગાર પણ કાપી લેવાની સૂચના પણ આપવામાં આવતી.
આચાર્યને આ બાબતમાં વારંવાર ખખડાવવામાં આવતા.અરુણભાઈ ખૂબ જ કડક મિજાજના અને પોતાના દરેક નિર્ણયોનો અમલ પણ પરાણે કરાવતા.એમની હાજરી માત્રથી શાળાનો સ્ટાફ પોતાનું કામ ચોકસાઈથી કરતો. ક્યારે ભૂલ પકડીને એ બાબત પર ઓફિસમાં બોલાવીને ખખડાવશે એ કોઈ જાણતું નહિ. અને એક અદ્રશ્ય ભય હમેંશા માથા પર તોળાઈ રહેતો.
રસિક જાની બિન્દાસ્ત જણ હતો. એને લઘરવઘર વેશ પ્રિય હતો.પોતાની મસ્તીમાં જીવવુ અને ખૂબ જ કાળજીથી બાળકોને ભણાવવા એને ગમતા. એને શર્ટ ઇન કરવું ગમતું નહીં, બુટમોજાને બદલે સાદા સ્લીપરમાં એ મોકળાશ અનુભવતો. રોજ સવારે ક્લીનસેવ કરવાની એને આળસ થતી.બેલ્ટ પહેરવામાં એ શરીરને જકડાયેલું સમજતો. ખુલ્લું શર્ટ નીચેથી હવાને પેસવા દેતું એ એને બહુ ગમતું.પોતે શિક્ષક હોવા છતાં એ બીજાની પેન લઈને જ રજીસ્ટરમાં સહી કરતો. અને ક્લાસમાં હાજરી પુરવાનું કામ એના ક્લાસનો મોનીટર જ કરી નાખતો. ધોરણ અગિયાર અને બારમાં એ તર્ક શાસ્ત્ર ભણાવતો.અને એટલું સરસ ભણાવતો કે વિધાર્થીઓ એના પિરિયડની વાટ જોતા.એ કદી ખુરશીમાંથી ઉભો થતો નહીં પણ એનો ઘેરો અને બુલંદ અવાજ, મનોવિજ્ઞાન અને તર્ક શાસ્ત્રની નીરસ થિયરીઓ પ્રત્યે પણ વિદ્યાર્થીઓને જકડી રાખવા સક્ષમ હતો.
વિદ્યાર્થીઓમાંની આ લોકપ્રિયતાએ જ એને આ શાળામાં ટકાવી રાખ્યો હતી. અરુણભાઈને આ લઘરવઘર શિક્ષક દીઠયો પણ ગમતો નહિ.પણ એના જેવો કાબેલ શિક્ષક બીજો મળવો મુશ્કેલ જ નહીં પણ અશક્ય હતું.એ વાત અરુણભાઈ પણ બરાબર જાણતા હતા.કારણ કે એ
સમયે હાયર સેકન્ડરીમાં આર્ટ્સનો આથમતો યુગ હતો. સાયન્સ અને કોમર્સ પ્રવાહમાં જ વિદ્યાર્થીઓ ભણતા. અને ગણી ગાંઠી બે ચાર સ્કૂલોમાં આર્ટ્સ ચાલતું.એટલે આર્ટ્સમાં શિક્ષકો મળવા ખૂબ જ મુશ્કેલ હતા.એટલે ના છૂટકે રસિક જાનીને સહન કરવો પડી રહ્યો હતો.જો કે અરુણભાઈ તો રોજ પ્રિન્સિપાલને જ ખખડાવતા કે "તમે ખૂબ જ ઢીલા છો, રૂલ્સ અને રેગ્યુલેશન તમારા કારણે જ જળવાતા નથી, આ રસિક જાની જેવા લબડીયા અહીં શિક્ષક તરીકે વ્યવસ્થિત નથી આવતા." વગેરે વગેરે કંઇક સંભળાવતા.
આજે પ્રવાસની બસ ઉપડવાની તૈયારીમાં જ હતી ત્યાં જ અરુણભાઈએ લઘરવઘર વેશે આવેલા રસિક જાનીને જોયો.પ્રવાસનો આખો મૂડ જાણે કે ખરાબ થઈ ગયો. તરત જ આચાર્ય રમેશચંદ્રને બોલાવીને તેઓએ કહ્યું
"પેલો ભામણો, દાઢું વધારીને, લઘરવઘર અને સ્લીપર પહેરીને ગુડાણો છે, તમને હજાર વખત કિધેલું છે કે પ્રવાસમાં કોઈ પણ અવ્યવસ્થિત ન આવે એ સૂચના આપવી, પણ કોણ જાણે તમારું મગજ ક્યાં ભમે છે, જાવ એ ડોબાને કહો કે અત્યારે ને અત્યારે દાઢી કરાવી આવે, અને સારા કપડાં અને બુટમોજા પહેરીને આવે, જાવ જલ્દી..''
"હા હા સર. મેં કહ્યું જ હતું પણ એ સાલ્લો ..." કહીને રમેશચંદ્ર ત્યાંથી ભાગ્યા અને શિક્ષકોનું ટોળું ઉભું હતું ત્યાં આવ્યા.
"યાર, જાની તમે મારો જીવ લેશો. તમને વ્યવસ્થિત આવવાનું કીધું તો હતું., તમારો ડોહો ન્યા રાડયું ઠોકે છે, તમને ભાળીને ભૂરાંટો થાય છે, જાવ જલ્દી, તમે દાઢી કરાવીને આવો યાર.." રમેશચંદ્ર કરગરી પડ્યો.
"દાઢી કરવી કે ન કરવી એ તો સાહેબ મારી મરજીની વાત છે ને ! મારી દાઢી છે, અને ભારત સ્વતંત્ર છે, દાઢી મારી છે, હું સાહેબને ક્યાં નડ્યો ? અને આ તો પ્રવાસ છે, જિંદગી પણ એક પ્રવાસ છે, પ્રવાસમાં સહ પ્રવાસી મળે એને દાઢી હોય પણ ખરી, કેટલાકને ન ગમતી હોય તો એ ન રાખતા હોય. મને તો ગમે છે, દાઢી મારી છે સાહેબ, તમે મને રાત્રે અગિયાર વાગ્યે દાઢી કરાવવાનું ન કહી શકો. આ વક્તિગત સ્વાતંત્રય પર તરાપ મારી કહેવાય, આ તો અન્યાય છે, તમે મારી સાથે અન્યાય કરી રહ્યા છો. એક આચાર્ય એક શિક્ષક ઉપર રાત્રે અગિયાર વાગ્યે બળાત્કાર...''
"મારા બાપ, બંધ થા, બંધ થા. તું જરા સાહેબ પાસે આવીને આ બધું ભસ ને બાપા.." રમેશચંદ્રે બે હાથ જોડ્યા.
"સાહેબ, હું માણસ છું. હું ભસી ન શકું,અને એ પણ એક શિક્ષક ! એટલે મને ભસવાની આજ્ઞા કરીને તમે મને કૂતરો કહી રહ્યા છો. આ તો ત્રાસ કહેવાય.એક શિક્ષકને આચાર્યશ્રી કૂતરો કહીને અપમાનિત કરી રહયા છે, આ બધા સાક્ષી છે, તમે મને કૂતરો કહ્યું . હવે હું દાઢી નહિ કરાવું. એકવખત હું તમારી વાત માની પણ લેત, પણ મને કૂતરો કહીને હડધૂત કરનારની વાત હું શું કામ માનું ? જાવ, સાહેબ કહી દો તમારા ટ્રસ્ટીને, હું હવે તો દાઢી નહિ જ કરાવું.કહેતા હોય તો હો ઘેર ચાલ્યો જાઉં. બાકી દાઢી તો નહીં જ થાય !" રસિક જાનીએ વાતનું વતેસર કરી નાખ્યું.અને હાજર સૌ શિક્ષકો ખડખડાટ હસી પડ્યા.એમને હસતા જોઈને રસિકને પણ પોતાનો વિજય થયો હોવાનું માલુમ પડ્યું, અને એણે પણ અટ્ટ હાસ્ય કર્યું.
અરુણભાઈ ક્યારના દૂર ઉભા ઉભા આ તમાશો જોઈ રહ્યા હતા. પોતાના આચાર્યનો ઘોર પરાજય જોઈને એમને આ યુદ્ધમાં ઝંપલાવવાનું મન થયું, પણ એ "છોટે લોગો કે મૂંહ લગનાં નહિ ચાહતે થે" એટલે એમને ત્યાંથી જ બુમ પાડી, " રમેશભાઈ, અહીં આવો "
"જાઈએ જનાબ, આપ કે આકા આપ કો પુકાર રહે હે " રસિક જાની ને હવે નવું જોમ ચડ્યું હતું.
રમેશચંદ્ર અરુણભાઈ પાસે આવીને શીશ ઝુકાવીને ઉભા રહ્યાં.
" એ બામટો એમ કે છે કે હું પ્રવાસમાંથી ચાલ્યો જઈશ પણ દાઢી નહિ કરાવું એમ ?"અરુણભાઈએ ગુસ્સે થઈને કહ્યું.
"જવા દો ને સાહેબ. હવે તો બસમાં જ બેસી જવાનું છે ને. કાલે સવારે હું એને વ્યવસ્થિત કરાવી દઈશ"
"એમ નહિ, પણ એ તમારી વાત માનતો કેમ નથી ? તમે સાવ નબળા પડો છો. એ એમ કઈ રીતે કહી શકે ? એને કહો કે દાઢી ન કરાવવી હોય તો ઘેર ચાલ્યો જાય. બાકી અવ્યવસ્થિત રીતે કોઈને હું નહિ ચલાવી લઉં, જાવ જઈને ના પાડી દો એને." અરુણભાઈ ગરજયા.
એમની ગર્જના સાંભળીને શિક્ષકમંડળીમાં સોપો પડી ગયો.
"જવા દો ને સાહેબ, તમે શું સાવ નાની વાતમાં..." આચાર્ય યુદ્ધ અટકાવવા કરગરી પડ્યા.
"તમને આ વાત નાની લાગે છે ? તમે આચાર્ય તરીકે ચાલો તેમ છો જ નહીં... અલ્યા એ નરશી, પેલા જાની ને કહી આવ કે સાહેબે બસમાં ચડવાની ના પાડી છે જા "
અરુણભાઈએ પટ્ટાવાળાને બુમ પાડીને આદેશ આપ્યો.
આ બધો સિનારિયો સ્કૂલના ગ્રાઉન્ડમાં ચાલી રહયો હતો. એક શિક્ષકની વધેલી દાઢી ( એ પણ બ્રાહ્મણની !) ને કારણે મામલો ગરબડાઈ રહ્યો હતો.
રસિક જાની એક આઝાદ વ્યક્તિત્વ હતું.એ કોઈ બંધનમાં રહીને, નિયમોમાં રહીને ગુલામની જેમ કામ કરવા તૈયાર નહોતો.અને પોતાનું સ્વમાન ગીરવે મૂકીને તો નહીં જ. આચાર્યશ્રીએ એને શાંતિથી સમજાવ્યો હોત તો એ કદાચ માની પણ ગયો હોત. પણ હવે હથિયાર હેઠા મૂકે તો તો એનું બ્રહ્મતેજ લાજે એમ એ માનતો હતો. અરુણભાઈનો આદેશ એણે કનોકાન સાંભળ્યો. પટ્ટાવાળો નરશી એને ના કહેવા આવે તે પહેલાં તો એ પોતાનો બગલથેલો લઈને ચાલતો પણ થઈ ગયો.
એને જતો જોઈને તમામ શિક્ષકો નિરાશ થઈ ગયા. પ્રવાસમાં અમુક તો એવા હતા કે રસિક આવતો હતો એટલે જ આવ્યા હતા. એની પાસે જોક્સનો ખજાનો હતો. પેટ પકડીને હસી હસીને બેવડ વળી જવાય એવા કિસ્સાઓની એની પાસે ખાણ હતી. ખુદ આચાર્ય રમેશચંદ્ર પણ એના જોક્સની લુફત ઉઠાવતા. એની ભણાવવાની ઉચ્ચત્તમ કાર્યપધ્ધતિથી પણ આખો સ્ટાફ પ્રભાવિત હતો.વિદ્યાર્થી આલમમાં જાની સાહેબનો સિક્કો હતો. રમેશચંદ્ર એટલે જ રસિક જાનીને અરુણભાઈની નજરોથી હમેંશા બચાવતા. પણ આજ આખી વાત એક સામાન્ય કારણથી બગડી ગઈ હતી.
આખરે રસિક જાનીને છોડીને પ્રવાસની બસ વ્યવસ્થિત રીતે ઉપડી ગઈ. ત્રણ દિવસનો પ્રવાસ કે જે ખૂબ જ મજા કરાવનાર હતો એ પ્રવાસ સાવ ઉદાસીથી પૂરો થયો. બસમાં કોઈ અંતાક્ષરી ન રમ્યુ, ન કોઈએ જોક્સ કહ્યા. દરેક શિક્ષકને રસિક જોડે થયેલો અન્યાય ખૂંચી રહ્યો હતો. હા રસિકનો પણ વાંક હતો જ કે એ લઘરવઘર આવ્યો હતો, જેની મનાઈ કરવામાં આવી હતી એ જ બાબત એ કરીને આવ્યો હતો.એટલે ટ્રસ્ટીશ્રી એમની રીતે સાચા હતા. અને કોઈ શિક્ષકની મનમાની આ રીતે ચલાવી લેવામાં આવે તો ડીસીપ્લીન જેવું રહે જ નહીં એ વાત પણ એટલી જ સાચી હતી. છતાં સૌને આ બાબત ખૂબ ખૂંચી રહી હતી.
અરુણભાઈએ પણ પ્રવાસ દરમ્યાન નોંધ્યું કે કોઈને મઝા આવતી નથી. રસિકનો પ્રભાવ અને લોકપ્રિયતાનો ખ્યાલ પણ તેમને આવ્યો હતો. પણ મેનેજમેન્ટ કોઈ શિક્ષકની ઇરેગ્યુલારીટી તો ન જ ચલાવી શકે એ હકીકત હતી.
પ્રવાસ પૂરો થયો.શાળા શરૂ થઈ ગઈ.પણ રસિક જાની સ્કૂલે ન આવ્યો. તે દિવસે પોતાની દાઢી માટે થઈને પ્રવાસમાંથી એને પડતો મુકવામાં આવ્યો એને કારણે એણે સ્કૂલ છોડી દીધી. આ વાતની જાણ જ્યારે અરુણભાઈને થઈ ત્યારે તેમણે તરત જ મિટિંગ બોલાવી.
"શિક્ષકમિત્રો, આપ સૌ આ સંસ્થા માટે ખૂબ જ અગત્યના છો જ. પણ રૂલ્સ અને રેગ્યુલેશન પણ એક ચીજ છે.આપણે વિદ્યાર્થીઓને સમયસૂચકતા, અને પર્સનાલિટીના પાઠ નહિ ભણાવીએ તો સમાજમાં કોઈ વેલ્યુ નહિ થાય. તમે પોતે ગમે તેટલા જ્ઞાની હોય તો પણ તમારી પર્સનાલિટી નહિ હોય તો તમને તમારું નોલેજ પ્રદર્શિત કરવાની તક જ નહીં મળે. આગળથી સૂચના આપી હોવા છતાં રસિક જાની સુચનાઓની ઐસી તૈસી કરીને પોતાને ફાવે તે રીતે વર્તન કરે તે ચલાવી લેવું જોઈએ તેમ તમે લોકો માનો છો ખરા ? જો મેં જે પગલું લીધું એ યોગ્ય હોય તો આપ સૌ પોતાનો હાથ ઊંચો કરીને પુષ્ટિ કરો"
સાહેબની વાત સાંભળીને ઘડીભર કોઈ કાંઈ ન બોલ્યું. પછી રસિકના ખાસ મિત્ર નરેશ સાવલિયાએ પોતાનો હાથ સાહેબની તરફેણમાં ઊંચો કર્યો. તેનું જોઈને તમામ શિક્ષકોએ રસિકનું તે દિવસનું વર્તન ગેરવ્યાજબી ઠેરવ્યું. અને અરુણભાઈએ શાંતિથી ઊંડો શ્વાસ લઈને મિટિંગ પુરી કરી.
બે મહિના પછી રસિક જાનીની જગ્યાએ એક નવો જ શિક્ષક હાજર થયો. અને એ હતો રસિક જાની પોતે જ ! પણ ક્લીન શેવ કરેલો ચકચકિત ચહેરો, વ્યવસ્થિત ઇનશર્ટ કરીને પહેરેલા પેન્ટ અને શર્ટ, કમર પર નવો જ બેલ્ટ અને પગમાં સ્લીપરની જગ્યાએ નવા ચકચકિત બુટ !! અને શર્ટના ખિસ્સામાં એક રેડ અને એક બ્લુ પેન પણ મોજુદ.
તેની પીઠ પર ધબ્બો મારીને નરેશે એને કહ્યું, "કેમ દીકરા સુધરી ગયો ?"
" યાર, શુ વાત કરું ? મને એમ હતું કે મને તો કોઈ પણ સ્કૂલમાં જોબ મળી જશે. કારણ કે આપણે ભણાવીએ છીએ જોરદાર, એ તો તને ખબર જ છે ને ! પણ જ્યાં જ્યાં ગયો ત્યાં ત્યાં મારો લઘરવઘર વેશ મને નડ્યો. એક જગ્યાએ તો એવું કહ્યું કે તમે શિક્ષકની જગ્યા માટે પૂછો છો ? મને એમ હતું કે પટ્ટાવાળાની જગ્યા માટે તમે આવ્યા હશો ! ત્યારે મને અરુણસર નો વ્યવસ્થિત રીતે રહેવાનો હુકમ યાદ આવ્યો. અને રમેશભાઈને મારા કારણે સાહેબની ખરીખોટી સાંભળવી પડતી હતી તેનો પણ ખૂબ અફસોસ થયો. છતાં પણ હું આ સ્કૂલમાં તો પાછો નહોતો જ ફરવાનો, પણ જ્યારે નરશી પટ્ટાવાળો મારા ઘેર પગાર આપવા આવ્યો, અને બોલ્યો કે સાહેબે કહ્યું છે કે જ્યાં સુધી તમને બીજી જગ્યાએ નોકરી ન મળે ત્યાં સુધી આ સ્કૂલમાંથી તમને પગાર આપવામાં આવશે, જેથી તમારા બયરા છોકરા રઝળી ના પડે. અને વ્યવસ્થિત રીતે આવવું હોય તો આપણી સ્કૂલના દરવાજા તમારા માટે ખુલ્લા છે !, સાહેબની મોટાઈ તો જો નરીયા, આવા ટ્રસ્ટીને છોડીને દાઢી વધારું તો બાવો જ થઈ જાઉને !" કહીને રસિક હસી પડ્યો.