ઝાલા અને ડાભીના દિમાગમાં દરેક વાત સ્પષ્ટ થઈ ગઈ હતી ; આરવીને ગૂંગળાવનાર અભિલાષા હતી, ઝેરનું ઇન્જેકશન મારનાર મુક્તાબેન, બ્લેડ મારનાર દુર્ગાચરણ અને રેડિયમનું દિલ બદલનાર મનીષાબેન હતા. વિશેષે આત્મહત્યા કરી હતી અને નેહા સાથે જે થયું તે અકસ્માત હતો.
“હું તને એક વાત જણાવી દઉં કે આરવીએ તારી હત્યા કરવાની યોજના ઘડી હતી.” એમ કહી ઝાલાએ આરવીની યોજના, મનીષાબેનને તેની જાણ થતાં છૂપી રીતે ભજવેલો રોલ અને તેના કારણે દુર્ગાચરણે અભિલાષાના બદલે આરવીના હાથની નસ કાપી નાખી એ તમામ વાતો જણાવી.
ઝાલાની વાત પૂરી થતાં જ અભિલાષાના ચહેરા પર ખુન્નસ ઊભર્યું. તે ગુસ્સાથી બોલી, “મને તો મારા કર્યાનો પસ્તાવો થતો હતો, હું અંદરથી રિબાતી હતી, મને શું ખબર કે આરવી આ હદે નીચ હશે ? હવે, તેને માર્યાનો મને કોઈ શોક નહીં રહે.”
“આરવીએ જે કર્યું એ તો શોચનીય હતું જ, પરંતુ એથી તને તેને મારી નાખવાનો હક્ક મળી જતો નથી. મને અફસોસ છે કે હવે ઘણાં વર્ષો સુધી તારે જેલમાં સબડવું પડશે.” ઝાલાએ કહ્યું અને અભિલાષા નાના બાળકની જેમ રડી પડી.
****
“કેમ ઉદાસ દેખાવ છો ?” કૅબિનમાં પ્રવેશેલા ડાભીએ ઝાલાને પૂછ્યું.
“ઉદ્વેગ અને આવેગ બ્રેક વગરની ગાડી જેવા હોય છે, બંને માણસનું જીવન તબાહ કરી નાખે છે. આરવી અને લલિત વચ્ચે જે થયું એ ક્ષણિક આવેગનું પરિણામ હતું અને અભિલાષાએ કર્યું તે ઉદ્વેગનું...
આરવીનો ગર્ભપાત, અભિલાષાની હત્યાની યોજના, દુર્ગાચરણની સંડોવણી, મનીષાબેનનું સામેલ થવું, અભિલાષાનો ઉશ્કેરાટ, ડરથી વિશેષે કરેલી આત્મહત્યા કે નેહાને નડેલો જીવલેણ અકસ્માત, આ કંઈ જ ન બન્યું હોત અગર લલિત અને આરવી વચ્ચે અનુચિત સંબંધ ન બંધાયો હોત. માધવીનું મોત અને મુક્તાબેનનું ગુનાયુક્ત વર્તન પણ લંપટ મહેન્દ્રની જાતીય ભૂખનું જ પરિણામ હતું. જાતીય આવેગના સંવેગમાં માણસને યાદ નથી રહેતું કે આનું પરિણામ ભયંકરથી અતિ ભયંકર આવી શકે છે. જો પુરુષ અને સ્ત્રી આવી સંવેદનશીલ પળોને સાવધાનીથી ટાળી દે તો તેઓ બહુ મોટી મુસીબતથી બચી જતા હોય છે.”
“તમારી વાત સાચી છે. પણ, પવન, પવન મટીને તોફાન બની જાય ત્યારે સમજણનું હોકાયંત્ર કામ આવતું નથી, સાચી દિશા જાણતો હોવા છતાં ખલાસી વહાણને પવનની દિશામાં જતાં રોકી શકતો નથી.”
*****
જુલાઈ, 2018.
આરવીની હત્યાને આઠ મહિના વીતી ચૂક્યા છે. ફક્ત વડોદરા જ નહીં, સમગ્ર ગુજરાતમાં હાહાકાર મચાવનાર આ મર્ડર કેસમાં તારીખો પડી રહી છે.
દુર્ગાચરણ પર આરવી સાથે મળી હત્યાની યોજના ઘડવાનો અને આરવીના કાંડા પર બ્લેડ મારી હત્યાનો પ્રયાસ કરવાનો ગુનો લગાવવામાં આવ્યો છે. તેને મોટી સજા થશે એમાં શંકા નથી.
નિર્દોષ તેજપ્રતાપના અભિલાષાની હત્યાની યોજનામાં સામેલ હોવાના કે આરવીની હત્યામાં સંડોવણી હોવાના કોઈ પુરાવા મળ્યા નથી. છતાં તે ગરીબ, મહાકાલ જ્યોતિષના કાર્ડ પર મળેલી ફિંગર પ્રિન્ટ્સના કારણે, કોર્ટ કચેરીના ધક્કા ખાઈ રહ્યો છે.
હજાર રૂપિયા જેવી નજીવી રકમ માટે દુર્ગાચરણને ક્લૉરોફોર્મની બૉટલ લાવી આપનાર બાબુ વિરુદ્ધ ચાર્જશીટ દાખલ કરાઈ છે. તેના પર મેડિકલ સ્ટૉરમાંથી ક્લૉરોફોર્મ ચોરવાનો અને હત્યાના આરોપીને મદદ કરવાનો ગુનો લગાવવામાં આવ્યો છે.
માધવીના મૃત્યુની ફાઇલ રિ-ઓપન કરાઈ છે. મહેન્દ્રના બેંક સ્ટેટ્મેન્ટ તપાસતા માલૂમ પડ્યું છે કે તેણે માધવીના મૃત્યુ પછી જ બેંક એફડી તોડી હતી. મતલબ, તે રૂપિયા તેણે સરકારી અધિકારીઓને ખવડાવી કેસ રફેદફે કરાવ્યો હતો. રાજકોટ પોલીસે આરવીના બેંક લૉકરમાંથી મહેન્દ્રએ પાડેલા માધવીના અશ્લીલ ફોટા તેમજ માધવીએ લખેલો અંતિમ પત્ર શોધી કાઢ્યા છે. હવે, મહેન્દ્રની બાકીની જિંદગી જેલમાં વીતશે એ નક્કી છે.
મુક્તાબેનના ડીએનએ રિપૉર્ટ પરથી સાબિત થયું છે કે આરવીના રૂમમાંથી મળેલો નાનકડો વાળ તેમનો જ હતો. વીરેન્દ્રએ કરેલી કબૂલાત અને આરવીના પીએમ રિપૉર્ટમાં થયેલા સક્સામિથોનિયમના ઉલ્લેખથી મુક્તાબેન બચી શકે તેમ નથી.
અભિલાષા પર આરવીની હત્યા કરવાનો અને મનીષાબેન પર આરવીની હત્યામાં મહત્વપૂર્ણ ભાગ ભજવવાનો તથા પોલીસને ગુમરાહ કરવાનો મુકદ્દમો ચાલી રહ્યો છે. તે બંનેએ ઘણાં વર્ષો સુધી જેલમાં રહેવું પડશે તે નિર્વિવાદ છે.
લલિત પર આરવીને ગર્ભપાત કરવાનું દબાણ કરવાનો તથા ડૉ. પ્રબોધ મહેરા પર ગેરકાયદેસર ગર્ભપરીક્ષણ અને ગર્ભપાત કરવાનો આરોપ લગાવવામાં આવ્યો હતો. શરૂઆતમાં તો પ્રણવ હોસ્પિટલ સીલ કરી દેવાઈ હતી, પરંતુ બેમાંથી એકેય ડૉક્ટર વિરુદ્ધ પોલીસને કોઈ નક્કર પુરાવા ન મળ્યા. આરવીએ ગર્ભપાત કરાવ્યો હોવાનું કહેનારા પુરુષ નર્સે પણ નિવેદન ફેરવી તોળ્યું. આથી, બંને ડૉક્ટર અત્યારે મુક્ત ફરી રહ્યા છે અને પોતપોતાના કામે લાગી ગયા છે. વકીલોના કહેવા પ્રમાણે તેમનો વાળ પણ વાંકો થાય તેમ નથી.
રામુકાકા તો નિર્દોષ હતા જ, અને વરુણ આરવીની હત્યામાં સીધો કે આડકતરી રીતે સંડોવાયેલો ન હતો. તેમને પોલીસ વધારે સમય સુધી કેદ ન રાખી શકી.
ઝાલા અને ડાભીને આ કેસમાં પરિશ્રમ કર્યાનો સંતોષ છે, તેમને લાગે છે કે તેમણે કેસના તમામ આરોપીઓને પકડી પાડ્યા છે, કોઈ પુરાવો કે શકમંદ તેમના ધ્યાન બહાર ગયો નથી. ઉપરી અધિકારીઓથી લઈ સમાચાર પત્રોએ તેમની કામગીરીની ખૂબ પ્રશંસા કરી છે. પરંતુ, બધા ગુનેગાર પકડાઈ ગયા હોવાનું માનનારા ઝાલા અને ડાભી બેવકૂફ છે, એક મુખ્ય ગુનેગાર તેમને ઉલ્લુ બનાવવામાં સફળ રહ્યો છે. મેડિકલ કૉન્ફરન્સના બહાને મજા કરવા યુએસ ગયેલો લલિત, ફાઈવ સ્ટાર હોટેલના એસી રૂમમાં બેસી કોઈની રાહ જોઈ રહ્યો છે.
****
અભિલાષાએ આરવી અને લલિત વચ્ચેની વાતચીત સાંભળી ત્યારે, લલિત-અભિલાષાના બેડરૂમમાં કંઈક અલગ દ્રશ્ય ભજવાઈ રહ્યું હતું.
****
હોસ્પિટલથી પાછા ફરેલા લલિતે આરવી, વરુણ, મહેન્દ્રભાઈ, મુક્તાબેન, મનીષાબેન અને અભિલાષાને ડ્રૉઇંગ રૂમમાં બેસીને ગપ્પાં મારતા જોયા. રાત્રે બધું તેની યોજના પ્રમાણે થશે કે કેમ તે વિચારતો તે થોડું ટેન્શન અનુભવતો હતો. પગથિયાં ચડી તે પોતાના બેડરૂમમાં પ્રવેશ્યો પછી થોડી જ વારમાં આરવી દાખલ થઈ. આરવીએ રૂમનો દરવાજો બંધ કર્યો અને લલિતે તેને બાહોમાં લીધી. તેણે તેના હોઠ પર તસતસતું ચુંબન કર્યું.
“બસ આજની રાત છે, કાલે સવારે અભિલાષા ખતમ થઈ જશે અને પછી આમ છુપાઈ-છુપાઈને નહીં મળવું પડે. હું કાયમ માટે તમારી થઈ જઈશ.” આરવીએ કહ્યું.
“અરે, ગાંડી છુપાઈને મળવામાં જે મજા છે તે ખુલ્લે આમ મળવામાં નથી. મને તો થાય છે કે તારી સાથે લગ્ન જ ન કરું જેથી કાયમ આવો રોમાંચ આવ્યા કરે.” લલિતે મજાક કરી વાતાવરણને હળવું કરવા પ્રયાસ કર્યો. તે જાણતો હતો કે પોતે ખાલી યોજના ઘડી હોવા છતાં આટલું દબાણ અનુભવે છે તો આ યોજનાનો અમલ કરાવનારી આરવી પર કેટલું દબાણ હશે.
“તો તમારે મારી સાથે લગ્ન નથી કરવા, એમ ને ?” આરવીએ શરારતી અવાજે પૂછ્યું.
“એ કેવી રીતે બને ? હું તો અભિલાષાને ચાહું છું !” લલિતે આંખ મારી.
“તો હું દીદીને જઈને કહી દઉં છું કે તમારા પતિનો અંશ મારા પેટમાં રહી ગયો હતો.” આરવીએ થોડી નારાજગી દર્શાવતી હોય તેમ નખરા કર્યા.
“તું મને બ્લેકમેઇલ કરે છે ?” લલિતે આરવીની કમરે હાથ વીંટાળ્યો.
“હા, હું તમને બ્લેકમેઇલ કરું છું. મને આઇ લવ યુ કહો.” પોતાના હોઠ ચૂમવા નજીક આવેલા લલિતના હોઠોને તેણે સલૂકાઈથી રોકી દીધા.
“નહીં કહું, હું ફક્ત અભિલાષાને જ આઇ લવ યુ કહું છું કારણ કે હું તેને સાચો પ્રેમ કરું છું !” લલિતે મજાક લંબાવી.
“હું ય જોઉં છું કે અભિલાષા પ્રત્યેનો તમારો પ્રેમ કેટલો સમય ટકે છે ?” આરવીએ દીવાલ ઘડિયાળ તરફ ઇશારો કર્યો. તેનો કહેવાનો મતલબ એ હતો કે રાત્રે અભિલાષાની કતલ થયા પછી લલિત એક પણ વાર તેને યાદ કરવાનો નથી. “ગુડ બાય...” આરવી ઊલટી ફરીને જવા લાગી.
લલિતે તેને પાછળથી પકડી. તેણે આરવીની ગરદન પર હળવેથી બચકું ભર્યું અને કહ્યું, “જાનેમન, અભિલાષાથી હું ઉબાઈ ગયો છું એટલે તો મેં તેને ખતમ કરવાની યોજના બનાવી છે. હું તને દરરોજ હજાર વાર આઇ લવ યુ કહેવા તૈયાર છું, પણ તારે તે દરેક આઇ લવ યુની ફી ચૂકવવી પડશે.”
“બધા પુરુષો એક જેવા જ હોય છે.” એમ કહી આરવી, લલિતની પક્કડ છોડાવી ચાલી ગઈ.
ક્રમશ :