Mari ketlik mictofiction ane laghuvartao - 4 in Gujarati Short Stories by Valibhai Musa books and stories PDF | મારી કેટલીક માઈક્રોફિક્શન અને લઘુવાર્તાઓ - 4

Featured Books
Categories
Share

મારી કેટલીક માઈક્રોફિક્શન અને લઘુવાર્તાઓ - 4

મારી કેટલીક માઈક્રોફિક્શન અને લઘુવાર્તાઓ

(ભાગ –૪)

(૧૨) ભાગ, ભાગ; જલ્દી ભાગ!

ભારતની આઝાદી પૂર્વે પાલનપુર નવાબી સ્ટેટના એ જાગીરી ગામમાં બે પોલીસમેનની રાતદિવસ કાયમ હાજરી રહેતી હતી, જેમાંનો એક પોલીસ હથિયારધારી અને બીજો બિનહથિયારધારી રહેતો. એક ચોમાસાની ઋતુમાં કેટલાંક ગામોમાં પશુઓમાં રોગચાળો ફેલાયો હતો. આ રોગચાળો અન્ય ગામોમાં ન ફેલાય તેની સાવચેતીના ભાગરૂપે ઘોડેસ્વાર પોલીસો દ્વારા ગામડેગામડે શાસકીય ફરમાન ફેરવી દેવામાં આવ્યું હતું, જેમાં સ્પષ્ટ આદેશ હતો કે એક ગામથી બીજે ગામ દુધાળાં ઢોરોનાં દૂધ, દહીં, છાશ કે ઘીની હેરેફેર ન થવા દેવી.

આ ગામે હથિયારધારી પોલીસમેન નવીન બદલી પામીને આવ્યો હતો, જ્યારે પેલો બિનહથિયારધારી પોલીસ જૂનો અને સ્થાનિક વતની હતો. ગામપાદરે પ્રવેશદ્વારની લગોલગની ચોકીમાં બેઠેલા એ બંને જણ ગપસપ કરી રહ્યા હતા, ત્યાં તો બાજુના ગામના ‘નીલકંઠ મહાદેવ મંદિર’ના પૂજારી મહારાજ હાથમાં કડીવાળા ડોઘલા સાથે ગામમાંથી આવી રહ્યા હતા.

હથિયારધારી પોલીસમેને રૂઆબભેર એ મહારાજને પૂછ્યું, ‘અય મહારાજ, ડોઘલેમેં ક્યા હૈ?’

‘ઘી હૈ સાબ. હમારે મંદિરમેં અયોધ્યાસે આએ હુએ એક સાધુ મહારાજ મેહમાન હૈ. હમારા પૂરા ગાંવ કપડેકે કારોબારમેં લગા હુઆ હૈ, ઈસલિયે પશુપાલન કમ હૈ. હમેં માલૂમ હૈ કિ દૂધ બનાવટેંકી હેરાફેરી કરના મના હૈ. વો કિસાન ભી યે ઘી દેતે હુએ ડરતા થા, પર મેરી બિનતીસે માન ગયા. આપસે ભી મૈં બિનતી કરતા હૂં કિ આપ મુઝે જાને દીજિએ. આપકી બડી મેહરબાની હોગી.’

‘બિલકુલ નામુમકિન. યે ઘી વાપસ દે આઈએ, વરના યે ફૈંકવા દિયા જાયેગા!’

‘અચ્છા! પર સા’બ મિટ્ટીમેં ફૈંકવા દેનેસે કિસીકો ભી ક્યા ફાયદા હોગા? ઈસસે બહેતર તો યે રહેગા કિ મૈં ઈસે સહી મુકામપે પહુંચા દૂં તો!’

આમ કહીને મહારાજ તો ડોઘલામાંનું એકાદ શેર જેટલું ઘી ગટગટાવી ગયા અને પછી બોલ્યા, ‘સાબ, અબ મૈં જાઉં?

પેલો હથિયારધારી પોલીસમેન તો મહારાજની આ અણધારી હરકતથી થોડોક છોભીલો તો પડ્યો, પણ આખરે તેણે કહેવું પડ્યું, ‘હાં, આપ જા સકતે હૈ; અબ હમ આપકો કાનૂનન રોક સકતે નહિ હૈ.’

મહારાજ થોડેક દૂર ગયા પણ નહિ હોય અને પેલો બિનહથિયારધારી પોલીસમેન કે જે ચલતાપુર્જા હતો, તેણે પોતાના ઉપરીને પોતાની શેહમાં લઈ લેવાની તક ઝડપી લેતાં બોલ્યો, ‘સાબ, અબ આપકો જિંદગીસે હાથ ધોના પડેગા! યે અખાડા સાધુ હૈ ઔર કરામતવાલા હૈ. વો અપને મુકામપે જાકે શીર્ષાસન કરકે પેટકી યૌગિક ક્રિયાસે પૂરાકા પૂરા ઘી બરતનમેં નિકાલ દેગા! વહાં ઘી નિકલેગા ઔર યહાં આપકે મુંહમેંસે લહૂ નિકલેગા! અગર આપકો અપની જિંદગી બચાની હૈ, તો મૈં ભાગકર ઉન્હેં હાથાજોડી કરકે મનાકે વાપસ લે આઉં; ઔર આપ ભી ઉનકી માફી માંગકે ઉન્હેં ઉતના હી ઘી દિલવા દેના!’

‘ભાગ, ભાગ; જલ્દી ભાગ! મેરે છોટેછોટે બચ્ચે હૈ, મુઝે અભી મરના નહી હૈં!’

બિનહથિયારધારી પોલીસમેને દોડતા જઈને મહારાજને આખી કેફિયત સમજાવી દીધી અને મનાવી લીધાનું નાટક કરીને પાછા બોલાવી લીધા.

***

મહારાજે મંદિરે પહોંચીને મહેમાનસાધુને ઘીનું ડોઘલું પકડાવતાં કહ્યું, ‘ગુરુવર્ય, આપ આરામસે લડ્ડુ યા શીરા જો ભી બનાના હૈ, વો બનાકર ખા લીજિએગા; મુઝે ખાના નહીં હૈ. હસીંવાલી એક બાત બની હૈ, જો મૈં આપકો બાદમેં બતાઉંગા. અભી તો મૈં અપને મંદિરકે કુએમેં શામ તક તૈરતા રહૂંગા, ક્યોંકિ મૈંને એક શેર ઘી પી લિયા હૈ, જો! ઘીકો હજમ તો કરના પડેગા ન!’

***

(૧૩) કન્યાદાન

બી.બી. એન્ડ સી.આઈ. રેલવે*ના જમાનામાં એ એક નાનકડું ફ્લેગસ્ટેશન હતું. રેલવેની હદની એન્ગલોને અડીને પટરીઓથી દૂરસુદૂર ખુલ્લી જગ્યામાં જીર્ણશીર્ણ સાડીઓ-સાદડીઓ વડે ઢંકાએલા છાપરામાં માત્ર બે જ જણનું એ બજાણિયા કુટુંબ હતું. મહામારીમાં માર્યા ગએલા બહોળા પરિવારમાંથી બચેલાં એ વૃદ્ધા નામે ફતુડી અને ફાટુફાટુ થતા યૌવનના ઉંબરે ઊભેલી પોતરી નામે રૂખલી હતાં. દોઢેક માઈલ છેટેના એ સુખી ગામમાં ભીખ માગીમાગીને લાડકોડથી ઊછેરેલી પોતાની વહાલસોયી પોતરીને જ્ઞાતિના જ કોઈક સુખી પરિવારમાં પરણાવવાના એ વૃદ્ધાને કોડ હતા. પરંતુ સ્ટેશના સ્ટાફનાં છોકરાંની હારોહારનું રૂખીનું પ્રાથમિક શાળાનું ભણતર એની ગેરલાયકાત બન્યું હતું. વરપક્ષવાળાં બસો રૂપિયાના દહેજની હઠ પકડીને બેઠાં હતાં. તેમની દલીલ હતી કે ભણેલી વહુ ભીખ માગતાં શરમ અનુભવશે અને તેને ઘેરેબેઠાં ખવડાવવું પડશે! ફતુ ડોશી પાસે ફૂટી કોડી ન હતી. કરજ લેવા અવેજમાં કોઈ દરદાગીનો પણ ન હતો. પણ હા, પોતાની અસ્ક્યામત કે જે ગણો તે, પેલા સુખી ગામમાં ભીખ માગવા માટેનો ઈંગ્લેન્ડના બંધારણ જેવો બેએક પેઢીથી ચાલ્યો આવતો એકાધિકાર જેવો તેનો ઇજારો હતો; જેને જ્ઞાતિજનોએ માન્ય રાખેલો હતો. ફતુ ડોશીએ પોતાના શેષ જીવનની ભૂખમારાની પરવા કર્યા સિવાય દહેજના બસો રૂપિયાના બદલામાં એ ગામમાં ભીખ માગવાના ઈજારાના વેચાણખત ઉપર અંગૂઠો કરી આપીને હરખનાં આંસુડે પોતરીનું કન્યાદાન કર્યું હતું.

ગામલોકોને ખબર ન હતી કે તેમના ગામનો સોદો થઈ ચૂક્યો હતો!!!

* Bombay to Baroda & Central India Railway

***

(૧૪) યુ - ટર્ન!

વર્ગપ્રાર્થના પત્યા પછી વિદ્યાર્થીઓની હાજરી પૂરવા પહેલાં ગેરહાજર રહેલા વિદ્યાર્થીઓની આવેલી રજાચિઠ્ઠીઓને વારાફરતી મોટેથી વાંચીને લખાણની ટીકાટિપ્પણી દ્વારા તેમની ઠઠ્ઠામશકરી કરવાની ગુરુજીની રોજની આદત બની ગઈ હતી. એકએક શબ્દ કે વાક્ય વાંચતા જાય, કોમેન્ટરી આપતા જાય, પોતે હસતા જાય અને આખા વર્ગને હસાવતા જાય. મોટા ભાગે તેમની કોમેન્ટરીઓ આવી રહેતી : પૂજ્ય ગુરુજી… વાહ ભાઈ વાહ! … અમે પૂજ્ય?… અલ્યા, એને કહેજો કે મારા ઘરે અગરબત્તી ખલાસ થઈ ગઈ છે, તો કાલે એકાદ પેકેટ લેતો આવે, તો અમે પૂજ્ય ખરા! … સવિનય જણાવવાનું કે…ઓહોહો…વિનય સાથે!… વાહ રે!…લ્યો, શું જણાવવાનું છે, મારા ભાઈ?… તાવ આવ્યો છે, એમ કે? … અલ્યા, ઘા કે રિમ નહિ અને એકલો તાવ? વગેરે…વગેરે.

આજે એક છોકરાએ ગુરુજીના ટેબલ ઉપર ચિઠ્ઠી મૂકી અને તે છોકરાઓ સામે મુસ્કુરાતો મુસ્કુરાતો ગુરુજી તરફ પીઠ ફેરવીને પોતાની પાટલી તરફ જઈ રહ્યો હતો. ગુરુજીએ રોજિંદા પુરોવચનોના ટોળટપ્પા પછી આગળ વાંચ્યું કે ‘આપના પેન્ટની પોસ્ટનાં બટન …’ અને તરત જ કબૂતરની જેમ પાટિયા તરફ ફરી જઈને ઝાટકે યુ ટર્ન લેતાં ઘરે રહી ગએલા અધૂરા કામને આટોપતાં તેઓ એટલું જ બોલ્યા, ‘ચાલો, ચાલો…ગુજરાતીનો છઠ્ઠો પાઠ કાઢો.. લ્યા!.’

***

(૧૫) શરમ આવી!

આમ તો એ ભિખારી તો નહોતો જ! કોઈ કામધંધો કરે નહિ અને લોકોને સલામ મારીને તેમની પાસેથી એકાદબે રૂપિયા કઢાવી લે. એ દુકાનદાર કાકા તેની સલામને કદીય ફોગટ જવા દે નહિ અને કંઈકને કંઈક આપે જ. એક દિવસે એમનો દીકરો બાજુના શહેરેથી દુકાનનો સરસામાન લઈને બે થેલાઓ સાથે હાઈવેના બસસ્ટોપે ઊતર્યો. એણે ચારે બાજુ નજર ફેરવી તો તેને કોઈ મજૂર દેખાયો નહિ. એ સમયે આ ભાઈ ત્યાં ટહેલી રહ્યા હતા. એ ભાઈએ એક થેલો ઊપાડી લેવાની પેલાને વિનંતી કરી તો તેણે કોરી આંખ કરીને જવાબ આપ્યો કે ‘હું મજૂર થોડો છું!’ એ બિચારા છોભીલા તો પડ્યા, પણ નસીબજોગે એક મજૂર મળી ગયો.

દુકાને પહોંચીને એમણે પિતાજી આગળ પેલાની ફરિયાદ કરતાં કહ્યું, ‘તમે રોજ એ સાહેબજાદાને ફટવો છો અને આજે તો તેણે મારું માન પાડ્યું!’

એકાદ અઠવાડિયા પછી એ સાહેબજાદો પેલા દુકાનદાર કાકા સામે સલામ મારીને ઊભો રહ્યો. કાકાનો પિત્તો ગયો અને બોલી ઊઠ્યા, ‘અલ્યા, તે દિવસે ભાઈનો થેલો ઊપાડવાની ના પાડતાં તને શરમ ન આવી?’.

સાહેબજાદાએ ઠાવકાઈથી જવાબ આપ્યો, ‘કોણ કહે છે કે મને શરમ ન આવી? આવી, આવી; મને શરમ આવી, કાકા અને એટલે તો મેં ભાઈને થેલો ઊપાડવાની ના પાડી ને!’

***

(૧૬) કેટલાક સવાલો

‘પપ્પા, મારો સવાલ કે સરકાર RTI, RTE અને Right to Food જેવા નાગરિક અધિકારોના કાયદા બનાવે છે, તો અંગ્રેજી મૂળાક્ષરોની સંખ્યા તો ૨૬ જ છે; તો પછી એનાથી વધારે અધિકારોને સંક્ષિપ્તમાં કઈ રીતે દર્શાવાશે? વળી, એક જ અક્ષરવાળા એક કરતાં વધારે અધિકારો હશે તો શું?

‘બેટા, ત્યારે AAA …. ZZZ જેવાં ઓળખનામોએ અનેક કાયદાઓ બની શકશે. તારા બીજા પેટાપ્રશ્નનો જવાબ છે કે તેમને ધૂમ ૧-૨-3 ફિલ્મો જેવા ક્રમાંકો આપવામાં આવશે!’

‘હેં પપ્પા, આગળ મારો સવાલ છે કે દેશમાંથી ગરીબી નાબૂદ થઈ જશે, ત્યારે સરકારના BPL, ગરીબમેળા, ગરીબરથ જેવા જે લાભો જાહેર કર્યા છે તેનું શું થશે?’

‘જો બેટા, આપણે ‘વસુધૈવ કુટુંબકમ્’ના આદર્શને વરેલા છીએ એટલે એ લાભો વિશ્વના ગરીબો સુધી આપણે પહોંચાડીશું!’

‘પપ્પા, એક વધુ સવાલ પૂછી લઉં કે આપણા દેશમાંથી ગરીબી ક્યારે નાબુદ થશે?’

‘બેટા, સાવ સીધો જવાબ છે; જ્યારે ગરીબો જ નહિ હોય, ત્યારે ગરીબી ક્યાંથી રહેવાની છે?’

‘સમજાયું નહિ!’

‘બેટા, Right to Food નો કાયદો તો હશે, પણ જ્યારે સરકાર પાસે પર્યાપ્ત અન્ન જ નહિ હોય; ત્યારે RTD (Right to Death)નો કાયદો પસાર થશે અને આમ ગરીબો અને ગરીબીનો કાયમી ઉકેલ!!!

-વલીભાઈ મુસા