"કલ કરે સો આજ કર, આજ કરે સો અબ,
પલ મેં પ્રલય હો જાયેગા ફિર કરોગે કબ ?"
કબીરજી દ્વારા ઉપરની પંક્તિઓમાં ખૂબ જ સચોટ વાત રજુ કરવમાં આવી છે. કોઈપણ વ્યક્તિ જ્યારે ધારે ત્યારે એ કામ કરી શકતી નથી કે પછી એ કરવાની એમની ઈચ્છા શક્તિનો અભાવ હોય છે ? અહીં બે પરિસ્થિતિ હોય છે. એક એ કે જેમાં વ્યક્તિની ઈચ્છા ખૂબ જ હોય છે કંઇક કરવાની પરંતુ સમય અને સંજોગો એમનો સાથ નથી આપતા, અને બીજી પરિસ્થિતિ એ હોય છે જેમાં સમય, સંજોગ અને ઈચ્છા હોવા છતાં પણ એ વ્યક્તિ એ કાર્ય પૂર્ણ નથી કરી શકતી જે તેમની પ્રબળ ઈચ્છા શક્તિનો અભાવ દર્શાવે છે.
આમ તો પ્રથમ પરિસ્થિતિના અનુસંધાને એવું પણ કેહવાય છે કે, 'મન હોય તો માળવે જવાય', એમ જ જો પ્રબળ ઈચ્છા શક્તિ હોયતો ગમે તેવા કપરા સમય અને સંજોગોનો સામનો કરીને પણ મનની ઈચ્છા પૂર્ણ કરી શકાય. ઘણીવાર એવું પણ બનતું હોય છે કે સમય, સંજોગ, ઈચ્છા, પરિસ્થિતિ બધું જ આપણી તરફેણમાં હોય છતાં આપણે એ કામ પાછળ ઠાલવતા જતા હોઈએ છીએ. આપણું એક સપનું જે ઘણી મહેનત પછી પૂર્ણ થવાના આરે હોય ત્યારે એનું મહત્વ ઓછું આંકી આપણે બીજા કામને પ્રાધાન્ય આપીએ છીએ, પરિણામે એક કામ હંમેશા માટે અધૂરું રહી જાય છે અને સાથે આપણા સપના અને આપણી ઈચ્છાઓ પણ. આ સમજવા માટે એક નાનકડો પ્રસંગ રજુ કરું છું.
એક મધ્યમવર્ગીય કુટુંબમાં એક પતિ, પત્ની અને તેમના બે બાળકો રહેતા હોય છે. આર્થિક પરિસ્થિતિ મધ્યમ હોવાના કારણે તેઓ ભાડાના મકાનમાં રહીને ગુજરાન ચલાવતા હોય છે. પરંતુ પતિ, પત્ની બંનેની ઈચ્છા હોય છે કે થોડા સધ્ધર થઈએ, ઘરનું મકાન લઈએ, બાળકોને સારી સગવડો આપીએ. પોતાના સપનાઓ પૂરા કરવા માટે બંને તનતોડ મહેનત કરે છે અને અમૂક વર્ષો પછી એમની પરિસ્થિતિમાં સૂધાર આવે છે. મઘ્યમવર્ગ તરફથી ઉચ્ચ મધ્યમવર્ગ તરફ તેઓ પ્રગતિ કરે છે.
ઘરનું મકાન ખરીદે છે. બંનેની ઈચ્છા એવી છે કે ઘરનું ફર્નીચર પોતાની ઈચ્છા મુજબનુ કરાવે. પરંતુ પતિ કામમાં વ્યસ્ત હોવાના કારણે ફર્નિચરનું કામ અમૂક સમય માટે મૂલતવી રાખે છે. પતિ એવું વિચારે છે કે હમણાં જ ઘર ખરીદ્યું છે અને સારુ ફર્નિચર કરાવવા માટે મૂડી અને સમય બંને જોઈશે તો થોડા સમય પછી એ કામ કરાવી લઈશું.
આમ જ એકાદ બે વર્ષ પસાર થઈ જાય છે અને પત્નીની ટકોરથી એ ફર્નિચર કરાવવાનું નક્કી કરે છે,ત્યાં જ 14માં વર્ષમાં પ્રવેશેલો એમનો પુત્ર ફ્રેન્ડસર્કલમાં સ્ટેટસ જળવવા માટે સ્કૂટરની માંગણી કરે છે. થોડા વિચાર-વિમર્શ પછી પુત્રની માંગણીને પ્રાધાન્ય આપવામાં આવે છે અને ફર્નિચરનો વિચાર પાછો મૂલતવી રાખવામાં આવે છે. થોડા સમય પછી મૂડી ભેગી કરી ફરી ફર્નિચરનો વિચાર કરે છે.
આ વખતે 18માં વર્ષમાં પ્રવેશેલી પૂત્રી મેડિકલ સાયન્સમાં અભ્યાસની ઈચ્છા દર્શાવે છે. પુત્રીની ફી માં મૂડી વપરાય જાય છે અને ફર્નિચર રહી જાય છે. બસ પછી તો પૂત્રના લગ્ન ,પુત્રીના લગ્ન એમ જ ઘરમાં ખર્ચાઓ આવતા રહે છે અને ફર્નિચરનું કામ બાકી જ રહી જાય છે અને જ્યારે પુત્રને વિચાર આવે છે ફર્નિચરનો ત્યાં તો એ મકાન જ જુનવાણી થઈ જાય છે અને વિચારે છે આ મકાન વેચી હવે નવા મકાનમાં જ બધુ કરાવીશું. આમ, પતિ-પત્નીના સપના અને ઈચ્છા અધૂરા રહી જાય છે.
અહીં જોવા મળે છે કે પહેલા પતિ-પત્નીની ઈચ્છા છે પરંતુ સમય અને સંજોગો એમની સાથે નથી. જ્યારે પછી ઈચ્છા પણ છે અને પરિસ્થિતિ પણ અનુકૂળ છે છતાં તેઓ એ કામ છોડીને બીજા કામને પ્રાધાન્ય આપે છે અને આગળ જતાં ફરી સમય અને સંજોગો પ્રતિકૂળ થતા જાય છે અને કાર્ય અધૂરું રહી જાય છે.
તો મિત્રો અમૂક કાર્ય એવાં હોય છે જે યોગ્ય સમય પર જ થવા જોઈએ. જો યોગ્ય સમય પર એ કાર્ય પૂર્ણ ન થાય તો તેની સાર્થકતા જોવા મળતી નથી. માટે જો સમય અને સંજોગ અનુકૂળ હોય તો આળસના લીધે કાર્યમાં વિલંબ કરવો જૉઈએ નહીં. ઉપરના કિસ્સામાં પણ જો એ માણસે જ્યારે ઘર લીધું ત્યારે જ થોડો સમય કાઢીને ફર્નિચર કરવી લીધું હોત તો એમની ઈચ્છા પૂર્ણ થઈ જાત અને ઈચ્છા મુજબનું ફર્નિચર કરાવવાનો સંતોષ પણ મળત.માટે સાનુકૂળ તક ક્યારેય જતી કરવી જોઈએ નહીં.