Mukaam post sasaru in Gujarati Short Stories by ketan motla raghuvanshi books and stories PDF | “મુકામ પોસ્ટ સાસરુ”  

Featured Books
Categories
Share

“મુકામ પોસ્ટ સાસરુ”  

લે.કેતન મોટલા ‘રઘુવંશી’

“મુકામ પોસ્ટ સાસરુ”

અરે, મીનાબેન આપણી સોસાયટીના ૭૦ નંબર વાળા કોમલભાભી છે ને ! તેની સ્વીટી વાંધે બેઠી છે .’ ‘અરે, હોય કઈ ‘, ‘હા રે હા એના લક્ષણ જોઈને હું તો કેતી જ હતી કે આ છોરી લાંબુ ટકવાની નથી.

સ્વીટી, માતા પિતાનું એકલવાયું સંતાન એટલે લાડકોડ માં ઉછેર એટલે હરવા ફરવા, પહેરવા ઓઢવાની બધી સ્વતંત્રતા. ગ્રેજ્યુએશન પછી નોકરી ની પણ રજા મળી અને ઓફિસમાં કામ કરતા અક્ષય સાથે આંખ મળતા પ્રેમ અને અંતે લગ્ન. લગ્નનું બે અઢી વર્ષ બધું બરાબર ચાલ્યું પણ પછી સ્વીટીની વધુ પડતી અપેક્ષાઓ અને પતિના મધ્યમવર્ગી પરિવારની વાસ્તવિકતા ને કારણે મેળ ન બેસતા આખરે સાસરું છોડી દોઢ વર્ષની મીસરી ને લઇ પિતાના ઘરે આવી ગઈ.

‘ જો બેટા, ગૃહસ્થ જીવનમાં રીસામણા મનામણાં ચાલ્યા કરે આમ નાની નાની વાતમાં નારાજ થઇ અહી આવી ના જવાય. અને સાસુ, કે પતિએ બે આકરા વેણ કહ્યા હોય તો તેમાં તારી જ ભલાઈ હશે. મારું માન, તું કહે તો હમણાં અક્ષયકુમાર ને બોલાવી લઉં અને સમાધાન કરી તને માનભેર તેડી જાય. સ્વીટીના પિતા લાગણીથી બોલ્યા.

‘ના, હવે ત્યાં મારી દીકરી નઈ જાય, વારે વારે શું આપણે જ નમતું જોખવાનું ?. અને મારી દીકરી સામું તો જુઓ બિચારી કેવી દુબળી થઇ ગઈ છે. પેલી વિધવા ડોસી મારી દીકરી નો બહુ ખાર કરે છે... !”સ્વીટીની માતા દીકરીના પક્ષમાં બોલી.

‘ હવે, તમે જ બગાડો છો બધું લગ્ન પછી દીકરી સાસરે જ શોભે દીકરીને નાની બાબતોમાં માતા ખોટું પ્રોત્સાહન આપી ચડામણી કરી દીકરીનું જીવન બગાડે છે. અને આ બિચારી મીસરીનો નો વિચાર કર.’

‘ ના, પપ્પા, મેં હવે નક્કી કરી લીધું છે કે હવે એ ઘરમાં નહિ જાઉં. અને હું ને મારી દીકરી તમને ભારે પડતા હોઈએ તો કાલથી નોકરી શોધી લઈશ મારી ફ્રેન્ડ ને મેં નોકરીની વાત કરી રાખી છે અને અને મારે તમારું કઈ જ નથી જોઈતું બસ મારી એક જ વિનંતી છે કે મને ખાલી એક ખુણામાં પડી રહેવા દેજો.’ કહેતા સ્વીટી રડી પડી.

‘બેટા અક્ષય, વહુ માવતરે ગયાને ઘણો સમય થઇ ગયો હવે વહુબેટાને સમજાવી તેડી આવ તો સારું. અને આ સામાજિક પ્રસંગોમાં વહેવારમાં નાતના બૈરાઓ મને પુછાયા કરે છે અને સમાજના આપણું નીચાજોણું થાય છે.’

‘તમારી વાત સાચી છે મમ્મી પણ આપણેતો એને કઈ કહ્યું જ નથી એ તો એમના મન થી જ ચાલી ગઈ. એમની અપેક્ષાઓ જ બહુ મોટી હતી અને કલ્પનાની જિંદગીમાં વાસ્તવિકતા સાથે સરખામણી કરી દુ:ખી રહેતી હતી અને મેં લગભગ આઠ થી દસ વખત વાત કરવા પ્રયાસ કરેલો પણ એમનો એક જ જવાબ કે મારે કોઈ જ વાત કરવી નથી.

‘સ્ત્રીઓ ભણે ગણે ,પગભર થાય કેળવણી મેળવે સ્વંત્ર વિચાર ધરાવે તેનું સ્વાગત છે પરંતુ કુટુંબ વ્યવસ્થાના ભોગે કે દામ્પત્ય જીવન ખોઈ સિદ્ધિ મેળવે અને આવી સિદ્ધિ મળે તો પણ નુકશાન પોતાને જ થતું હોય છે. માત્ર પૈસા પ્રાપ્ત કરવા કે પગભર થવું સફળતા નથી લગ્ન બાદ પોતાના કુટુંબ પરીવારની જવાબદારી સ્વીકારવી આવશ્યક છે. નાની નાની બાબતે માતા પિતાના ઘરે દોડી જવું સમસ્યાનો ઉકેલ નથી. અને કોઈની ચઢામણી કે કાનભંભેરણીથી કોર્ટ કચેરી ના પગથીયા સુધી પહોચી ભરણપોષણના દાવા કરી પાંચ-પચીસ હજાર રુપયા મળશે પરંતુ પરિવારનો પ્રેમ મેળવવા એક આદર્શ પુત્રવધુ બની સાસરિયાની સેવા કરવી પડશે. મેં સીતેર દિવાળી જોઈ છે બેટા પોતાના સાસરિયાનો ત્યાગ કરી કોઈ એકલી સ્ત્રી સુખી રહી નથી, ‘સ્વીટીના પિતાએ જીવનની વાસ્તવિકતા સમજવતા કહ્યું.

દીકરી, તું અમને વહાલી નથી એવું નથી પણ લગ્ન પછી દીકરી સાસરે હોય તો પિતાનું મસ્તક ગર્વથી ઉચુ રહે છે. હું તારી લાગણી સમજી શકું છું તારે પણ સ્વપ્નો, અપેક્ષાઓ હોય હરવું ફરવું હોય સારા કપડા પહેરવા હોય તે બધી વાત ખરી પરંતુ હું હવે માત્ર દીકરી જ રહી નથી એક પુત્રવધુ, પત્ની અને માતા પણ છો. અને સ્ત્રી જ્યારે માતા બને ત્યારે આવેલ સંતાનની સાથે તેમનો પણ બીજો જન્મ થાય છે. હવે તું પહેલાની નાદાન સ્વીટી નથી એક પુત્રીની માતા છે એ વાસ્તવિકતાનો સ્વીકાર કર.’

‘બસ, પપ્પા, હવે હું બધું સમજી ગઈ છું મારા પતિ અને મારું સાસરું જ મારું સર્વસ્વ છે. એની ખુશીમાં જ મારી ખુશી છે. મને કોઈ હક્ક નથી મારી દીકરીને એના પિતા થી અલગ રાખવાનો માતાની સાથે એમને પિતાનો પ્રેમ આપવા હું મારા બધાં જ સ્વપ્નો અને અરમાનોનું બલિદાન આપીશ માત્ર મારી દીકરી માટે. હું સમાન પેક કરું છું તમે આજે જ અક્ષયને સમાચાર મોકલો કે મને તેડી જાય’ આટલું કહેતા સ્વીટીની આંખમાં સમજદારીના દડદડ આંસુ વહેવા લાગ્યા.

(લે.કેતન મોટલા ‘રઘુવંશી’)