" અનંત દિશા " ભાગ - ૮
આ વાર્તા એ "અનંત" ના જીવનમાં આવેલી એક મિત્ર દિશા અને એ મિત્ર સાથે જોડાયેલ લાગણીઓ ની છે. ફરી એક વાર અનંતના વિચારો ને રજુ કરતી આ વાત અનંતના જ શબ્દોમાં રજુ કરીએ તો કદાચ વાંચવામાં મજા આવશે...
તો આ જ અનંતના જીવનની અનંત સફર વાર્તામાં જાણે અનંત પોતે તમને કહી રહ્યો હોય એ જ રીતે રજુ કરીએ...
છે કાલ્પનિક પણ તમને લાગશે કે જાણે વાસ્તવિક પણ હોઈ શકે...!!!!
આપણે જોયું સાતમા ભાગમાં કે દિશા અને અનંત ના આ લાગણીભર્યા સંબંધો આગળ વધી રહ્યા છે અને એમાં એ બંને એકબીજાને ખૂબજ સાથ આપી રહ્યાં છે. પણ ત્યાંજ એક નવો વળાંક આવ્યો... હા દિશા અપરણિત હોવા છતાં કડવા ચોથ નું વ્રત કરે છે એ અનંત ને ખબર પડી. અનંત ને સમજાઈ રહ્યું નહોતું કે આ શું થઈ રહ્યું છે. હવે આપણે જોઈએ આ સંબંધ આગળ કયા નવાં આયામ પર પહોંચે છે અને આ કડવા ચોથ નું શું રહસ્ય છે.
હવે આગળ........
મારું મન એ જ વાત વિચારી રહ્યું હતું કે એક અપરણિત સ્ત્રી અને કડવાચોથનુ વ્રત કેમ? કોના માટે કરતી હશે? હવે તો એક જ વાત હતી એ જ રવિવારની જ રાહ હતી.
આખરે એ દિવસ આવી ગયો. આખી રાત મને સરખી ઊંઘ જ ના આવી. મને આવુંજ થતું જ્યારે પણ મનમાં કોઈ વાત હોય ત્યારે ઊંગ આવે જ નહીં. આજે મારા બધા સવાલના જવાબ મળવાનાં હતા. અને સૌથી વધારે તો એ મહત્વનું હતું કે દિશા જાતે જ મને એની જિંદગી ની એ મહત્વની વાત કરવાની હતી...! જાણે અમારી મૈત્રી આજે એક નવા શિખર ને સર કરવા જઈ રહી હતી...!!! મેં તરત જ મોબાઇલ હાથમાં લીધો અને દિશાને મારા મન ની આ વાત કહેતો મેસેજ કર્યો.
" રાહ જોઇ એ સવાર આખરે આજે આવી...
મિત્રતા ની ફોરમ સાથે લઈને આવી...
આજે ખુલશે એ બધા લાગણી ના રાઝ...
જેણે મને બેચેન બનાવ્યો હતો આજ...!!!
Good Morning, જય શ્રી કૃષ્ણ... "
આ મેસેજ કરી ફટાફટ તૈયાર થઈ ગયો, મને ખબર હતી કે દિશાનો આજે ફોન આવવાનો છે એટલે મારે એ વાત વચ્ચે કોઈ ડિસ્ટર્બ ના જોઈએ એવું મનમાં વિચારી રાખ્યું હતું.
એટલામાં જ મોબાઇલ માં દિશા નો મેસેજ આવ્યો...
" ખુબ સરસ ! આટલું બધું તું કઈ રીતે રચે છે ? Very Good Morning, જય શ્રી કૃષ્ણ... હું તને લગભગ ૯ વાગ્યે ફોન કરીશ... "
હું " હા, ઓકે... હું રાહ જોવું છું... "
આટલી વાત કરી હું ગાડી લઈને રિવર ફ્રન્ટ જવા નીકળ્યો. આમતો હજુ ૮ વાગ્યા હતા પણ મનની અધિરાઈ મને જલ્દી દોરી ગઈ. હું ૮:૩૦ તો રિવર ફ્રંટ પહોંચી ગયો. હજુ તો ફોન આવવાની વાર હતી, એટલે હું આ રિવર ફ્રન્ટ ની સુંદરતા જોવા લાગ્યો અને ઠંડા પવનની શીતળતા માણવા લાગ્યો. આમ તો સમય જતો નહોતો પણ અત્યારે આ પ્રકૃતિ જોડે એકાકાર થવામાં સમય ક્યાં જતો રહ્યો એની ખબરજ ના રહી...! એટલામાં જ મોબાઇલ માં દિશાનો ફોન આવ્યો.
દિશા "good morning, જય શ્રી કૃષ્ણ..."
હું "good morning, જય શ્રી કૃષ્ણ...બોલ તો હવે શું કહેવાની હતી...!?"
દિશા "અરે, થોડી રાહ તો જો, મને મન માં ગોઠવવા તો દે ક્યાંથી શરૂ કરું? આટલી બધી ઉતાવળ ના કર...!"
હું "હા, શાંતિ થી કહે અને વાત શું અને ક્યાંથી શરૂ કરવાની એમાં ગોઠવવાનું શું...? આ કડવા ચોથ થી જ તો...!!!"
દિશા "ઓકે, તો સાંભળ આ વ્રત મેં " સ્નેહ " માટે કર્યું હતું, મારો ભૂતકાળ અને થોડો વર્તમાન... મારું જીવન મારો " સ્નેહ"...!!!
હું "સ્નેહ" ! આ કોણ છે..? શું સંબંધ છે તારો..? મેં ક્યારેય આ નામ તો સાંભળ્યુ જ નથી..!! મારા મનમાં વિચારો અને તરંગો દોડી રહ્યા હતા...
દિશા "આટલું બધું ના વિચાર... એક સામટા આટલા બધા સવાલ ના કર... હું કહું છું ને એ સાંભળ... વચ્ચે બોલ બોલ ના કરીશ !!!"
હું " હા, એ બરાબર છે... તું બોલ હું સાંભળું છું ડિયર...!"
દિશા.......
" સ્નેહ જે મારા માટે મારી જિંદગી છે! જેના વગર હું મારા અસ્તિત્વની કલ્પના પણ ના કરી શકું! જેની રાહમાં જ હું જીવી રહી છું! જેનાં વગર મારું અસ્તિત્વ ક્યારેય પૂર્ણતા ના પામી શકે... એ મારો "સ્નેહ"...!!! હા, હું ફક્ત આજ નહીં મારા જન્મો જન્મ જેની સાથે વરી ગઈ છું અને બસ એનાથી જ મારી શરુવાત અને અંત છે... એ મારો "સ્નેહ"...! એના માટેજ આ કડવા ચોથ નું વ્રત કર્યું હતું...!
હું " હા હું સમજી ગયો કે ખાસ છે આ તમારો સ્નેહ... પણ આગળ તો કઈ કહે ! "
દિશા....
" તને તો સહેજ પણ ધરપત નથી... તું આવો ક્યાં સુધી રહીશ ? ક્યારેક તો શાંત થા.... "સ્નેહ" મારી જિંદગી છે...! મેં એમને પહેલીવાર આજથી ૫ વર્ષ પહેલાં જોયા હતા. હું અત્યારે છું એ પહેલાં જે કમ્પ્યુટર ક્લાસમાં ટીચર હતી એ એમના જ કમ્પ્યુટર ક્લાસ હતાં અને તે બધાને ટ્રેન પણ કરતા હતા. ત્યાંથી જ મેં નોકરીની શરુવાત કરી હતી. પહેલી વખત જોયા ત્યારથીજ એમના વ્યક્તિત્વ ના પ્રભાવથી હું અંજાઈ ગઈ હતી ! મારા માટે આ પહેલી જોબ હતી એટલે મને ઘણી તકલીફ પડતી હતી. પણ સ્નેહ હમેશાં એક્દમ શાંત ચિત્તે વાત કરતા હતા, અને ગુસ્સો તો ક્યારેય એમના મોઢા પર જોયો જ નહોતો. હમેશાં એક મંદ હાસ્ય જોવા મળતું હતું. આ બધી વાતો એટલી બધી મને પ્રભાવિત કરી ગઈ હતી કે હું એમના તરફ ઢળતી જતી હતી એની મને ખબરજ ના રહી ! આમતો આ પહેલા મને એકતરફી પ્રેમ જેવુંજ લાગતું. હું મારી એ જ એકતરફી લાગણી અને સ્નેહ ના વિચારોમાં દિવસો પસાર કરતી હતી. મારી પાસે સ્નેહનો મોબાઇલ નંબર તો હતો જ એટલે હું કોઈ વાર good morning અને festival wishes કરતી હતી. આમને આમ સમય વીતવા લાગ્યો લગભગ એકાદ વર્ષ થવા આવ્યું હશે ત્યાં સુધી તો અમે દરરોજ ચેટ કરતા થઈ ગયા હતા. આખરે મારી આતુરતા નો અંત આવ્યો અને એક દિવસ ચેટ માં વાત કરતા કરતા સ્નેહે મને પ્રપોઝ કર્યું...! હું એક્દમ ખુશ હતી !!! જાણે મારી પાસે આ ખુશી વ્યક્ત કરવા કોઈ શબ્દો જ નહોતા ! જાણે મારા જીવનનો એક નવો અધ્યાય શરૂ થયો હોય એવું લાગતું હતું. જાણે કે બહુ જ રસપ્રદ પ્રકરણ મારી જિંદગી માં ઉમેરાતું હોય એવું જ...!!! હું એક્દમ ખુશ હતી કે મારું એક સપનું કે મેં જે આ જ જન્મમાં જોયું હતું એ પુર્ણ થઈ રહ્યું હતું !!! આ મારી જિંદગીની એક અમૂલ્ય ખુશી હતી અને ખૂબ જ મહત્વનો સંબંધ..!!! "
હું " વાહ, આટલો અદ્ભુત અને મહત્વ નો સંબંધ..! પણ, કેમ ક્યારેય તે આ વાત ના કરી...?"
દિશા...
"હા, એ બધું જ કહીશ... આ સંબંધ બંધાયા પછી પણ અમે ક્લાસમાં એક્દમ નોર્મલ રહેતા હતા. ખાસ તો અમે whatsapp માં જ વાત કરતા અને કોઈવાર કોલ માં પણ. હું તો હમેશાં એમનો અવાજ સાંભળવાની રાહ જોતી હતી અને એટલે જ ખાસ એમના ફોનની રાહ જોતી હતી. આ જ અરસામાં એક વખત ક્લાસ માં અમે બંને એકલા હતા, અને એમણે મને ઓફિસ માં બોલાવી. મને થયું ક્લાસ ને લગતું કોઈ કામ હશે એટલે બોલાવી હશે. એ ઊભા હતા. હું જેવી ઓફિસ માં ગઈ મારી અને એમની આંખ મળી... આજે દરરોજ કરતા એમની આંખમાં કોઈ અલગ ભાવ લાગતો હતો...જાણે કોઈ નશો...!!! હા, અમારા પ્રેમનો જ નશો હતો...! જાણે આજે એક નવી શરૂવાત થવા જઈ રહી હોય એવું લાગ્યું મને... અને એ ખરું જ હતું... કારણ કે, હું જેવી એમની નજીક પહોંચી એમણે મારો હાથ પકડ્યો અને મને એમના આલિંગનમાં જકડી લીધી. હું સહેજ પણ વિરોધ ના કરી શકી ! હકીકતમાં તો મને આ ગમ્યું હતું... એમના આલિંગનમા જવું...! એમનામાં સમાવવું...! એક્દમ સોફ્ટ હાથથી એક્દમ હળવું આલિંગન !!! મારા જીવન નો એક નવો જ અનુભવ ! મારા શ્વાસ એક્દમ તેજ થઈ રહ્યા હતા જાણે કે એ પણ એમના શ્વાસમાં તાલ મિલાવી ને સાથ આપી રહ્યા હતાં...!!! મનમાં એવું જ હતું કે આ પળ અહીંજ રોકાઈ જાય... અને આ શ્વાસ એમના શ્વાસમાં ભળી એક થઈ જાય...!!! આ અમારું પ્રથમ આલિંગન હતું અને અમારા આ પ્રેમની શરુવાત...!!! "
એ રાત્રે સ્નેહનો મેસેજ આવ્યો હતો...
" રાહ જોતો હતો એ પળની
જ્યારે
હોય તું એ પળમાં...
સાથ હોય એવો અપાર
કે
વિસરાય બધું એ પળમાં...
આ આલિંગનમા સમાઈ
ને
વસે તું મારા તનમાં...
આ તનની તારી ભીનાશ માણી
હું
હરખાઈ જાઉં આ મનમાં...!!!"
હું " ઓહ! અરે વાહ ! ખુબ સરસ... આમજ તમારો સાથ જળવાઈ રહે...!!! "
દિશા....
" હા, કદાચ આમ જ જળવાઈ રહે...!! "
જાણે મનમાં કોઈ નિસાસો નાખ્યો હોય એમ બોલી અને થોડીવાર ચૂપ થઈ ગઈ. મારા માટે આ બધું જાણવું ખૂબજ જરૂરી થઈ ગયું હતું. ખૂબજ રોમાંચક સફર લાગી રહી હતી...સાથે સાથે હું પણ આ રોમાંચ જાણે અનુભવી રહ્યો હતો...!!!
દિશા....
" આમજ આ અમારો પ્રેમ આગળ વધી રહ્યો હતો. દિવસે ને દિવસે અમે એકબીજાની વધુ ને વધુ નજીક આવી રહ્યાં હતાં ! આ અમારા સબંધ નો સુવર્ણકાળ હતો...! અમે ક્લાસ પર આમ તો પ્રોફેશનલ જ રહેતા પણ ક્યારેક ક્યારેક આંખના ઇશારે એકબીજાની છેડતી કરી લેતા, તો કોઈકવાર એકબીજાને પગ મારી દેતા ! અમે જાણે લગ્ન પહેલાંનો સમય ભોગવી રહ્યા હતા ! અમારા દિવસો વધુ ને વધુ રોમાન્ટિક થઈ રહ્યા હતા...!!!"
હું "અરે વાહ! દિશા શું વાત છે...? ગોલ્ડન દિવસો... અદ્ભૂત...!!!"
દિશા...
" હા, અદ્ભૂત જ લાગ્યું હતું, મને પણ! સપના એક એક કરી બધાં પુરા થઈ રહ્યા હતા. આ દરમિયાન અમે એક્દમ પર્સનલ વાતો પણ શેર કરતા થયા. અમારી વચ્ચે જાણે એવી કોઈ વાતો નહોતી જે અમે કરી ના હોય. આ અરસામાં એકબીજાની ફેવરેટ વસ્તુઓ, ફેવરેટ ખોરાક બધું જ જાણી લીધું. એમના ફેવરેટ ઢોકળા છે. એમના માટે કંઇ નવું અને એમને ભાવતું બનાવવું અને એમને ખવડાવવું મને બહુ ગમતું... એટલે હું હમેશાં એમના માટે કાંઈક ને કાંઈક લઇ જતી. ખાસ દિવસોમાં ઢોકળા તો હોયજ. "
હું " અરે વાહ! ખુબ સરસ...જાણે એકમેક માટે બન્યા હોય એવું.. "
દિશા...
" હા, એકમેક માટે જ... એટલેજ, હું એમના માટે કડવા ચોથ પણ કરવા લાગી. મારે મારા સ્નેહ જન્મો જન્મ જોઈતા હતા. હજુપણ યાદ છે જ્યારે મેં પહેલીવાર કડવા ચોથ નું વ્રત કર્યું હતું ! અને એમને મને ખબર પણ નહોતી પડવા દીધી કે એમણે પણ ઉપવાસ કર્યો છે. એમણે પણ કાંઈ જ નહોતું ખાધું. આખો દિવસ સતત મારું ધ્યાન રાખ્યું હતું. રાત્રે મને એવું થતું હતું કે હું કઈ રીતે એમને જોઈશ અને મારું વ્રત પુરુ કરીશ ? ત્યાં જ એમનો મેસેજ આવ્યો અને એમને મને વિડિયો કોલ કર્યો... મેં એમાં જ એમના મુખ ના દર્શન કર્યા... મારા સાચા ચાંદ ના... અને પૂજા કરી વ્રત પૂર્ણ કર્યું. એ વખતે એમણે મને કહ્યું કે ચાલ તું કાંઈક ખાઈ પી લે એટલે હું પણ ખાઈ પી લઉં. ત્યારે મને ખબર પડી કે એમણે પણ ઉપવાસ કર્યો છે. એવું લાગ્યું જાણે મારા સપના કરતાં પણ વિશેષ જીવનસાથી મળ્યા છે! હું ખૂબ જ ખુશ થઈ... એમને પણ જમવાનું કહ્યું અને હું પણ જમી. એ રાત્રે અમે આખી રાત ચેટ પણ કરી અને એ દિવસ અને રાતને એક્દમ યાદગાર બનાવી...!!! મારી જિંદગીની અદ્ભૂત ક્ષણો...! "
હું " હા, એક સ્ત્રી ને બીજું શું જોઈએ... એટલું તો હું પણ સમજુ છું કે આવો સ્નેહ તો ભાગ્યેજ કોઈને મળે... અને આ તો નામથી પણ સ્નેહ હતો...!!! "
દિશા...
" હા, એક્દમ બરાબર સમજ્યો ડિયર... મને હતું કે હવે તું એ લાગણીઓ સમજીશ, આ મારી વાત સાંભળીશ એટલે જ મને થયું કે હવે મારે આ વાત તારી સાથે શેર કરવી જોઈએ. તારા જેવો મિત્ર ભાગ્યેજ કોઈ ને મળે ! આટલા સમયમાં હું એટલું તો જાણી જ ગઈ છું કે તારી લાગણીઓ અપાર છે એ ક્યારેય કોઈને કોઈ નુકશાન ના પહોંચાડે...!!! "
હું " ઓહ...તું આવું બધું વિચારે છે ? એ પણ મારા માટે...!!! "
દિશા...
" હા, ડિયર... તું એના માટે લાયક જ છે..."
આ સાંભળી ને મન માં એક અનોખી શાંતી મળી મને...દિશા એ એની વાત આગળ વધારી....
દિશા "બસ આમ જ અમે એકબીજાને યાદગાર દિવસો આપતા જતા હતા અને અમારા યાદગાર દિવસો બનાવતા જતા હતા...!!! એજ અરસામાં એક ઘટના બની... અમારા કમ્પ્યુટર ક્લાસ નો મહત્વનો ડેટા અને દસ્તાવેજની કોપી અમારા વિરોધી ક્લાસ વાળા પાસે કોઈક રીતે પહોંચી ગઈ. આ દસ્તાવેજો બહુજ મહત્વના હતા... અમારા ક્લાસ માં અમે અમારી એક અલગ રીતથી ભણાવતા હતા એટલેજ અમારા વિસ્તારમાં અમે નંબર વન પર હતા! એ માહિતી અમારા વિરોધી પાસે પહોંચી ગઈ હતી અને એના કારણે અમારા ત્યા ટેન્શન નું વાતાવરણ સર્જાયું હતું. મેં પહેલીવાર સ્નેહને આટલા ટેન્શન માં જોયા હતા. આ ક્લાસ નંબર વન બની રહે એ સપનું હતું એમનું અને એ તુટી રહ્યું હતું ! "
હું " ઓહ, આવું કોણ કરી શકે...?? કોઈક અંદરનું જ આવી માહિતી લીક કરી શકે...!! "
દિશા...
" હા, સ્નેહને પણ એવુંજ લાગ્યું હતું. એટલે એ આ ઘટના ની તપાસ એક પ્રોફેશનલ રીતે કરી રહ્યા હતા. મને પણ નહોતું સમજાતું કે આવું કોણે કર્યું હશે ? સ્નેહ નો સ્વભાવ થોડો બદલાયો હતો અને આ ઘટના બન્યા પછી એમણે મારી સાથે બહું વાત પણ ના કરી... કદાચ, એમને એવું લાગ્યું કે મારે આ જલ્દી સોલ્વ કરવું છે એટલે એમનું ધ્યાન માત્ર આ ઇસ્યુ નું સોલ્યુશન લાવવામાં હતું. હું પણ સમજતી હતી. એટલે મેં પણ એમને બહુ પરેશાન ના કરતાં પૂરતો સાથ આપવા પ્રયત્ન કર્યો. "
હું " હા, સાચી વાત છે. તે બરાબર કર્યું... કોણ હતું એ માહિતી લીક કરવાવાળું..!! "
**********
કેવી લાગી રહી છે મિત્રો અને સ્નેહીઓ આ વાર્તા???
આ કોણ હશે જેણે માહિતી લીક કરી ???
આ ઘટના થી દિશા અને સ્નેહમાં જીવનમાં શું ફેર પડશે??
કેવો નવો અધ્યાય તમે વિચારો છો એ પ્રતિભાવ કરજો...
વાંચક મિત્રો અને સ્નેહીઓ તમારા પ્રતિભાવ મારા માટે મહત્વના છે, ત્યાંથીજ પ્રેરણા લઈ હું આગળ લખી શકીશ અને ભુલ સુધારી શકીશ...
ફરી એકવાર જલ્દી મળશું આ અનંત ની અનંત સફરમાં ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ...
Join My fb Group :- Sweet beat Frdzzzzz
આ લાગણીઓના જોડાણની વાર્તાની PDF કોપી ફ્રીમાં મેળવવા કોન્ટેક્ટ કરી શકો છો.
Whatsapp :- 8320610092
Insta :- rohit_jsrk
સદા ખુશ રહો...
સદા જીવંત રહો...
સદા સંબંધો મહેકાવતા રહો...
જય શ્રી કૃષ્ણ...