Premni taras in Gujarati Love Stories by Sandhya Chaudhari books and stories PDF | પ્રેમની તરસ

Featured Books
Categories
Share

પ્રેમની તરસ

વરસાદની ઢળતી સંધ્યાએ....
ધોધમાર વરસાદમાં તું મને ચાની લારી પાસે ઉભા રહી ચા પીવડાવે...
હું ચાના સ્વાદને માણતી હોવ ને તું મને જોતો જ રહે એકીટશે...
સુસવાટા વાતા પવનમાં મારા વાળની લટનું ચહેરા પર, આંખ પર આવવું ને તું એને સરખી કરે...
મંદિરમાં લઈ જાય તું મને તારી સાથે...
પગથિયા ચઢતા થાકુ હું ને...
સહસા તારો હાથ પકડી લઉં ને...
તું ચમકીને વિચારમાં પડી જાય...
અનેરા વિસ્મય સાથે આનંદ પામે...
લૉન્ગ ડ્રાઈવ પર નીકળ્યા હોઈએ સાથે...
તું મારા વિશે મને પૂછે ને...
પછી મારું બડબડ ચાલુ થઈ જાય,સુખદ ને કયાંક દુઃખના બિંદુ સાથે...
તોયે મારી વાણી અસ્ખલિત વહેતી હોય...
ને તું સાંભળ્યા કરે...
અંતે છુટા પડતી વખતે તુ પૂછે " બીજુ કંઈ કહેવું છે? "
ને મારી પાંપણોનું ઢળી પડવું...

વહેલી પરોઢે સ્વપ્નની દુનિયામાં ખોવાયેલી હતી સંજના.આવું સપનું રોજ રોજ સંજનાની મુલાકાત લે છે.

શીતળ પવનની લહેર ચહેરા પર આવી સૂર્યના હળવા કિરણો ચહેરા પર આવ્યા અને ધીમેથી સંજનાની નિદ્રા ખુલી. આજે સ્કૂલનો પહેલો દિવસ અને એ પણ ધોરણ 10 નો. એટલે સંજના ચા-નાસ્તો કરીને સ્કૂલે જવા તૈયાર થઈ ગઈ હતી.

સ્વભાવે શાંત,શરમાળ અને સરળ,પ્રમાણમાં ઓછુ બોલવાવાળી,અર્તમુખી સ્વભાવની અત્યંત લાગણીશીલ છોકરી. સંજના વાને શ્યામ હતી. શ્યામ હોવા છતાંય નમણી તો અત્યંત. તેનો શ્યામ રંગ તેને હંમેશા લઘુતાગ્રંથી અપાવતો.મુંબઈ જેવા શહેરમાં રહેતી હતી પણ એને શહેરની હવા લાગી નહોતી.

પોતાની દુનિયામાં જ તલ્લીન.પોતાના સપનાઓની દુનિયામાંથી બહાર જ ન નીકળે. એ જલ્દીથી કોઈ સાથે ભળી શકતી નહીં. એને એકાંતમા રહેવું વધારે પસંદ હતું. સંજના નિર્દોષ અને ભોળી. એને દુનિયાદારી અને સમાજની ખાસ સમજ ન હતી.ખબર નહિ કેમ પણ સંજના હંમેશા અંદરથી ઉદાસ જ રહેતી.

આજે સ્કુલનો પહેલો દિવસ હતો.એટલે કલાસમાં બહુ ઓછી સંખ્યા હતી. બધા મસ્તી કરવામાં વ્યસ્ત હતા.સિયા અને સંજના પણ વાત કરવામાં વ્યસ્ત હતા.સિયા અને સંજના પહેલા ધોરણથી જ ફ્રેન્ડ હતા. કેટલાક વિદ્યાર્થી નવા હતા તો કેટલાક પહેલેથી એ જ સ્કૂલમાં હતા.

ત્યારે અચાનકથી નવો છોકરો વિશાલ આવ્યો અને અચાનકથી સંજનાએ તેની સામે જોયું. વિશાલ સાથે નજરથી નજર મળી.વિશાલને જોઈને સંજનાને હ્દયમાં અલગ જ અહેસાસ થયો.સંજનાના હદયમાં પ્રેમની કૂંપળ ફૂટી.

સ્કૂલમાં ભણતી વખતે, કેન્ટીનમાં,કે રમતગમતના મેદાનમાં પણ અવારનવાર સંજના અને વિશાલની નજરથી નજર મળતી.
વિશાલના વિચારો કરીને ઊંઘવું અને એના જ વિચારો કરીને ઊઠવું એ સંજનાના જીવનનો નિત્યક્રમ બની ગયો હતો.વિશાલ એના જીવનનો હિસ્સો બની ગયો હતો.

વિશાલને જોઈને સંજનાને અલગ જ અનુભૂતિ થઈ હતી.સંજનાના મનમાં પ્રેમની લાગણી જન્મી હતી.સંજના ધીરે ધીરે વિશાલને મનોમન ચાહવા લાગી હતી.દિવસે દિવસે સંજનાનો વિશાલ પ્રત્યેનો પ્રેમ વધતો જતો હતો.સંજના કંઈ બોલતી નહી પણ એની આંખો ઘણું બોલી જતી.

સિયા અને સંજનાની વિશાલ સાથે હાય હલ્લો જેવી ઔપચારિક અને અભ્યાસની વાતો થતી.વિશાલની વાતચીત કરવાની રીત અને વ્યવહાર પરથી એવું લાગતું કે વિશાલ પણ સંજનાને પ્રેમ કરે જ છે.પહેલા પહેલા તો હાય હલ્લો થતું પણ જેમ જેમ દિવસ જાય છે તેમ તેમ વિશાલ સંજના સાથે વાતચીત કરવાનું વધારી દે છે.પહેલા સંજના અંદરથી ઉદાસ રહેતી પણ હવે વિશાલને લીધે સંજના ખુશ રહેવા લાગી હતી.વિશાલ સાથે જીવન જીવવાના જે સપના જોયા હતા તે ચોક્કસ પૂરુ થશે એવું સંજનાને લાગતું હતું.સિયાએ વિશાલ સાથેની બાબતમાં સંજનાને અવારનવાર સલાહ પણ આપી હતી.પણ સંજનાને ખાસ ફરક ન પડ્યો.

દરેકના જીવનમાં એક એવી વ્યક્તિ ખાસ હોય છે...જેની રોજ એક જ ઝલક જોવાની આપણાં દિલને આશ હોય છે...અને સંજના માટે એ ખાસ વ્યક્તિ વિશાલ હતો.વિશાલ સાથે જીવન જીવવાના કેટલાય સ્વપ્ન જોયા હતા.હંમેશા વિશાલના વિચારોમાં જ ખોવાયેલી રહેતી.જ્યારે પણ વિશાલ એની સામેથી પસાર થાય ત્યારે સંજનાનું હૈયું જોરજોરથી ધબકવા લાગતું અને પોતાના દિલને કહેતી કે

એમ તો મારું હૈયુ તારી માટે જ ધડકતુ જાય છે...પણ તારા સામે આવવાથી એ બેવફા ધબકારો ચૂકી જાય છે...

સંજના તો કેટલીયવાર પોતાના મનને સમજાવતી કે 
"ના કર આટલો બધો પ્રેમ એ દિલ...
પ્રેમનું દર્દ તું સહી નહી શકે...
તુટી જઈશ પોતાના જ હાથે...
કોણે તોડયું એ પણ કોઈને કહી નહિ શકે..."

સંજનાને હંમશા એ વાતનો ડર લાગતો કે પોતાનું દિલ તૂટી ન જાય.

જો કે સંજના જણાવવા નહોતી માંગતી કે કોઈ એના મનની વાત જાણી જાય.સંજના પોતાના મનની વાત માત્ર સિયા ને જ કહેતી.સંજના મનમાં ને મનમાં મૂઝાયા કરતી કે વિશાલ મારા મનની વાત જાણી ગયો હશે તો? શું એ પણ મને ચાહતો હશે? એ મને પસંદ તો કરશે ને? આવા કેટકેટલા વિચારો મનમાં આવી જતા.
સંજનાને એમ લાગતું કે વિશાલ એને પસંદ નહી કરે.

દિવસે ને દિવસે સંજનાની વિશાલ પ્રત્યે ની લાગણી વધતી ગઈ.સંજનાને પણ એમ લાગતું કે વિશાલ પણ મનોમન એને જ ચાહે છે.

સંજના, સિયા તથા બીજી કેટલીક ફ્રેન્ડસ અને બીજા વિદ્યાર્થીઓ કેન્ટીનમાં નાસ્તો કરવામાં,મસ્તી કરવામાં,વાતો કરવામાં વ્યસ્ત હતા. 

કેન્ટીનમાં વચ્ચે એક છોકરો આવે છે.બધાનું ધ્યાન ત્યાં જાય છે.તેની સાથે એક મયુરી નામની સુંદર છોકરી હોય છે. સંજના પણ એ છોકરાને જોય છે. એ છોકરાની પીઠ સંજના તરફ હોય છે એટલે સંજનાને ખબર નથી કે છોકરો કોણ છે તે. એ છોકરો પેલી સુંદર છોકરીને રેડ રોઝ આપીને પ્રપોઝ કરે છે અને પેલી સુંદર છોકરી ખુશીથી ઉછળી પડે છે. એટલામાં જ પેલો છોકરો ફરે છે અને સંજનાને એનો ચહેરો દેખાય છે.એને જોઈને સંજનાના હ્દયમાં ફાળ પડે છે.એનુ દિલ તૂટી જાય છે. એ છોકરો વિશાલ હોય છે.

સંજનાની આંખમાંથી આંસું સરી પડે છે.પણ બધા હોય છે એટલે સંજના આંસુઓને છૂપાવી લે છે. કોઈને અણસાર પણ આવવા નથી દેતી. સંજના ત્યાંથી તરત જ નીકળી જાય છે.સિયા એને રોકવાની કોશિશ કરે છે પણ સંજના કંઈ ને કંઈ બહાનું બનાવીને જતી રહે છે. 

સંજના તે દિવસે વહેલી ઘરે આવી જાય છે. પોતાના રૂમમાં જાય છે. બધાની સામે તો ન રડી શકી પણ રૂમમાં આવતા જ એની આંખમાંથી દડદડ કરતાં આંસુ નીકળી પડ્યા. ખાસ્સી વાર સુધી સંજના રડતી રહી.દેખાવ પૂરતું જમી લીધું અને રૂમમાં આવીને સૂવાનો પ્રયત્ન કર્યો પણ ઊંઘ ન આવી. ચૂપચાપ રડતી રહી.

" વિલાય ગયું એક રંગીન સપનું....
દિવસના અંધકારમાં....
જેને ઘણું જતન કરીને રાખ્યું હતું....
હદયનાં બંધ પાપણમાં.... "

સવાર થઈ.સંજનાની આંખ ઊઘડી.પણ આજે સંજનાને સ્કૂલે જવાનું મન ન થયું.વિશાલે મયુરીને પ્રપોઝ કર્યું તે આખો બનાવ સંજનાની નજર સમક્ષ તરવરે છે. કેટલીય વાર સુધી શૂન્ય મન્સક બેસી રહી અને રડતી રહી.મમ્મીએ સ્કૂલે જવા કહ્યું તો તબિયત સારી નહી એવું બહાનું બતાવી દીધું.

એના પછીના દિવસે સંજના સ્કૂલે ગઈ.આજે સંજના ખૂબ ઉદાસ હતી.સિયાને તો બધી વાતનો અણસાર આવી ગયો હતો. વિશાલ અને મયુરીને હાથમાં હાથ પકડીને સંજનાને આવતા દેખાય છે. વિશાલ સંજનાને બાળતો હોય એવું વર્તન કરતો હતો.વિશાલ અને મયુરીને જોઈને સંજનાને ઈર્ષા થઈ.એને ખૂબ લાગી આવ્યું.સંજનાનું હ્દય રડી રહયું હતું.પણ સંજનાએ કોઈને અણસાર પણ ન આવવા દીધો.
સંજનાને ઈર્ષા થાય એવું વર્તન વિશાલ અને મયુરી કરતા.વિશાલ સંજનાને ઈગ્નોર કરવા લાગ્યો હતો.સંજનાને ત્યારે ખૂબ દુઃખ થતું હતું.આ તો એમનો રોજનો ક્રમ બની ગયો હતો.

બદલાય જાય છે જીવનની 
હકીકત એ વખતે,,,
જ્યારે કોઈ તમારું...તમારી સામે જ...
"તમારું" નથી હોતું...

ઘણીવાર અમુક વ્યક્તિને આપણે પોતાના જીવનમાં સૌથી નજીક છે એવું માનતા હોઈએ છીએ...પણ હકીકતમાં એ આપણી નજીક નથી હોતી...એ નજીકમાં છે એવા ભ્રમમાં આપણે જીવતા હોઈએ છીએ.....સંજનાને હવે એવું જ લાગી રહયું હતું.સંજનાને ધીમેધીમે સમજાય છે કે વિશાલ એની લાગણી સાથે રમત રમી રહયો હતો. એમાં સંજનાનો વાંક નહોતો.એણે તો વિશાલને હ્દયથી ચાહ્યો હતો.સંજનાને દુનિયાદારીની ખાસ સમજ નહોતી.વિશાલ જવા કેટલાય છોકરાઓ હોય છે જે પ્રેમના નામે રમત રમે છે.

આમ ને આમ દિવસો વીતતા જતા હતા.સંજના હવે ભણવામાં ધ્યાન આપવા લાગી હતી.જોતજોતામાં બોર્ડની પરીક્ષા આવી ગઈ.એક વર્ષ કયા પૂરું થઈ ગયું ખબર જ ન પડી.પરંતુ સંજનાને તો જલ્દીથી એક્ઝામ આપીને આ શહેરથી દૂર જતું રહેવું હતું.આ શહેરમાં હવે એનું મન નહોતું લાગતું.
છેલ્લું પેપર પૂરુ થાય છે અને સંજના તે જ દિવસે એના પરિવાર સહિત મામાને ત્યાં વેકેશન કરવા સુરત જાય છે.વેકેશન તો બહાનું હતું પણ હવે સંજનાને મુંબઈ નહોતું આવવું.સુરતમાં જ રહી આગળનો અભ્યાસ કરશે એવો નિર્ણય લીધો અને એના આ નિર્ણય વિશે મમ્મી પપ્પાને શાંતિથી વાત કરશે એવો વિચાર કરી લીધો હતો.

સંજના જે સ્વપ્નમાં ખોવાઈ જતી તેનો અંત કયારેય મિલનમાં પરિણમતો નથી અને સંજના હજીય રાહ જોય છે આ મીઠા સપનાનાં મીઠા અંતની.

હુઆ હૈ તુઝસે બિછડને કે બાદ,યે માલૂમ
કિ તૂ નહી થા,તેરે સાથ એક દુનિયા થી.

કોઈપણ હસતી વ્યક્તિ અચાનક જ ચૂપ અને તૂટીને વિખરાઈ જાય તો એને એવી વ્યક્તિ થી બહુ મોટી ઠેસ પહોંચી છે.જેને એ આ દુનિયામાં અનહદ પ્રેમ કરે છે. સંજનાના દિલને વિશાલે બહું મોટી ઠેસ પહોંચાડી હતી.

ટ્રેનમાં બારી પાસેની સીટમાં બેસી વિચાર કરે છે મારે કેટલા સમય સુધી આમ વહેવું પડશે ?
એનો ક્યાંક, ક્યારેક તો કિનારો હોવો જોઈએ.
આ એક વિચાર છે.પણ સાચું તો એ છે કે વહેતા રહેવાથી જ સમુદ્રની વિશાળતામાં ભળવા જેવો અંતિમ કિનારો મળી શકશે.એટલે નિયતિ પર વિશ્વાસ મૂકી તેના પર છોડી દેવું.એ જ કિનારા સુધી પહોંચાડશે.