Hampi - addbhut pravasdham in Gujarati Travel stories by Suresh Trivedi books and stories PDF | હમ્પી -અદભૂત પ્રવાસધામ - હમ્પી –(૧) પમ્પાદેવી (પાર્વતી)ની તપસ્યા ભૂમિ

Featured Books
  • ભાગવત રહસ્ય - 158

    ભાગવત રહસ્ય-૧૫૮   એક વખત મહારાષ્ટ્રમાં સંતો ની મંડળી એકઠી થય...

  • નિતુ - પ્રકરણ 68

    નિતુ : ૬૮ (નવીન)નિતુની અણનમ આંખો એને ઘૂરી ઘૂરીને જોઈ રહી હતી...

  • ઉર્મિલા - ભાગ 10

    દરવાજા પર પ્રાચીન ભાષામાં ખોદાયેલા શબ્દો "મૂકી દેવું એ જ મુક...

  • આસપાસની વાતો ખાસ - 11

    10. હિતેચ્છુ “અરે સાહેબ,  હું તો તમારો  મિત્ર અને હિતેચ્છુ છ...

  • છેલ્લો દિવસ

    અંગ્રેજી કૅલેન્ડર પ્રમાણે આજે વર્ષનો છેલ્લો દિવસ છે. આવતીકાલ...

Categories
Share

હમ્પી -અદભૂત પ્રવાસધામ - હમ્પી –(૧) પમ્પાદેવી (પાર્વતી)ની તપસ્યા ભૂમિ

વર્ષ ૨૦૧૩માં બેંક અધિકારી તરીકે નિવૃત્ત થઈને અમદાવાદ સેટલ થયા પછી, અમે પતિ-પત્ની દર વર્ષે ત્રણેક મહિના માટે અમારા પુત્ર નિકુંજને ઘેર બેંગલોર આવીએ છીએ. અમને બંનેને ફરવાનો ઘણો શોખ હોવાથી અને પ્રભુકૃપાથી તંદુરસ્તી સારી હોવાથી અમે દર વર્ષે બેંગલોરની આજુબાજુ અલગ-અલગ જગ્યાએ ફરવા જઈએ છીએ.

અગાઉનાં વર્ષોમાં બેંગલોરથી દક્ષિણ દિશામાં મૈસુર, શ્રીરંગપટ્ટનમ, સકલેશ્વર, કોટીલિંગેશ્વર, પિરામિડ વેલી, તિરુપત્તી, કોડાઈકેનાલ, મુન્નાર, ઠેકડી, કુર્ગ, વિગેરે સ્થળોની મુલાકાત લીધી હતી. એટલે આ વર્ષે બેંગ્લોરથી ઉત્તર દિશામાં આવેલ હમ્પીની મુલાકાત લેવાનું નક્કી કર્યું. જુઓ હમ્પીનાં વિવિધ આકર્ષણોનું વિહંગાવલોકન:

હમ્પી વિષે પ્રાથમિક માહિતી એકઠી કરી, ત્યારે જાણ્યું કે આમ તો હમ્પી મધ્ય કર્ણાટકના પૂર્વ ભાગમાં તુંગભદ્રા નદીને કિનારે આવેલું, ફક્ત બે હજાર માણસોની વસ્તી ધરાવતું સાવ નાનકડું ગામ છે. પરંતુ પર્યટન સ્થળ તરીકે ફક્ત કર્ણાટક રાજ્યમાં જ નહીં, સમગ્ર દેશમાં પણ મહત્વનું સ્થાન ધરાવે છે.

હમ્પીની આ અગત્ય ચાર કારણોને લીધે છે:

૧) હમ્પી પૌરાણિક કાળનું પાર્વતીનું તપસ્યા ક્ષેત્ર અને શિવ-પાર્વતીનું મિલનસ્થળ હોવાનું કહેવાય છે, એટલે આ વિસ્તારનું મોટું તીર્થ છે. હમ્પીનું વિશાળ અને ભવ્ય વિરૂપાક્ષ મંદિર મોટું યાત્રાધામ છે અને દરરોજ હજારો યાત્રાળુઓ અહીં દર્શનાર્થે આવે છે. જૂઓ આ મંદિરની એક ઝાંખી:

૨) હમ્પી રામાયણ કાળમાં કિષ્કિન્ધા નગરી તરીકે જાણીતું હતું, જ્યાં વીર હનુમાનનો જન્મ થયો હતો, વાલી અને સુગ્રીવની લડાઈ થઇ હતી, સીતાની શોધમાં નીકળેલા રામ અને લક્ષ્મણનો હનુમાન તથા સુગ્રીવ સાથે મેળાપ થયો હતો અને રામે શબરીનાં એંઠાં બોર ખાધાં હતાં. આમ આ જગ્યા મોટું ઐતિહાસિક અને ધાર્મિક મહત્વ ધરાવે છે.

૩) હમ્પી મધ્યકાળમાં મહાન વિજયનગર સામ્રાજ્યનું પાટનગર હતું. મળતી માહિતી મુજબ હમ્પી ઈ.સ. ૧૫૦૦ સુધીનું ચીનના બૈજીંગ પછીનું વિશ્વનું બીજા નંબરનું સૌથી મોટું શહેર અને વિશ્વનું સૌથી વધુ સંપત્તિવાન શહેર હતું. અહીં મળી આવેલ ૧૬૦૦થી પણ વધુ ભવ્ય સ્થાપત્યોનાં ખંડેરો આ વિશાળ શહેરના સુવર્ણયુગનાં સાક્ષી છે. આ સ્થાપત્યોને યુનેસ્કો દ્વારા ‘વર્લ્ડ હેરીટેજ સાઈટ’ ઘોષિત કરવામાં આવ્યાં છે, જેની મુલાકાતે દર વર્ષે દેશ-વિદેશના લાખો પર્યટકો આવે છે.

૪) હમ્પીમાં મોટા ખડકોવાળા અનેક પર્વતો આવેલા છે, જેમાં કુદરતે ગોળાકાર પથ્થરોની અજાયબ ગોઠવણી કરીને અદભૂત દ્રશ્યો રચ્યાં છે. હમ્પીમાં બીજું કશું ના જુઓ અને ફક્ત આ પર્વતોની સાથે તળેટીમાં નદી, સરોવરો, કેળાંની વાડીઓ, શેરડી અને ચોખાનાં લીલાંછમ ખેતરો વિગેરે કુદરતી દ્રશ્યોની મજા માણો, તો પણ મન પ્રસન્ન થઇ જાય એટલી સુંદરતા ત્યાં ભરી પડી છે. જુઓ નીચેનાં દ્રશ્યો:

સપ્ટેમ્બર મહિનો ચાલતો હોવાથી વરસાદની સિઝન પૂરી થવા આવી હોવાથી વધુ વરસાદનું વિઘ્ન નડે તેમ નહોતું. એટલે અમે તા.૧૮-૦૯-૨૦૧૮થી ત્રણ દિવસ-ચાર રાતનો પ્રોગ્રામ બનાવ્યો. સામાન્ય પર્યટક માટે હમ્પીમાં બે દિવસ પૂરતા છે. પરંતુ જો તમને પુરાણાં સ્થાપત્યોમાં ઊંડી દિલચશ્પી હોય તો ચાર-પાંચ દિવસમાં પણ પૂરું હમ્પી ના જોઈ શકાય, એટલી વિવિધતા ત્યાં છે.

બેંગલોરથી હમ્પી ઉત્તર દિશામાં ૩૭૬ કિમી દૂર આવેલું છે. બાય રોડ લગભગ સાત-આઠ કલાકનો રસ્તો છે. બેંગલોરથી ડાયરેક્ટ હમ્પી જવા કર્ણાટક એસટી (KSRTC)ની બે બસ ઉપડે છે: રાત્રે ૧૧ વાગે નોન-એસી સ્લીપર અને રાત્રે ૧૧.૩૦ વાગે એસી સ્લીપર. જો કે નજીકના મોટા શહેર હોસ્પેટ સુધી જવા માટે રાત્રે ઘણી બસ મળી રહે છે. બેંગલોરથી હોસ્પેટ માટે રાત્રે એક ટ્રેન પણ જાય છે. હોસ્પેટથી હમ્પી ૧૩ કિમી છે, જે માટે ઘણી બસ મળે છે, તેમજ રિક્ષાઓ પણ જાય છે.

હમ્પીનું નજીકનું એરપોર્ટ બેલ્લારી છે, જે હમ્પીથી ૬૦ કિમી દૂર છે.

હમ્પી માટે બેંગલોરથી પ્રાઇવેટ લકઝરી બસ પણ જાય છે, પરંતુ આ ગાડીઓ આગળ જતી હોવાથી આપણને હાઈવે પર ઉતારે છે, જ્યાંથી હમ્પી ચાર કિમી દૂર છે. તો આ બાબતની પહેલેથી ચોકસાઈ કરી લેવી. અમે એટલા માટે એસટી બસમાં જવાનું પસંદ કર્યું હતું.

અમે ઘેરથી જમીને નિકુંજની ગાડીમાં નીકળ્યા અને રાત્રે ૧૦.૩૦ વાગે મેજેસ્ટિક વિસ્તારમાં આવેલ સેન્ટ્રલ એસટી સ્ટેશન પર પહોંચ્યા.

બેંગલોર શહેરમાં એક વિશિષ્ઠ સગવડ એ છે કે સેન્ટ્રલ એસટી સ્ટેશન, સેન્ટ્રલ લોકલ બસ સ્ટેશન અને મુખ્ય રેલ્વે સ્ટેશન એ ત્રણેય એક જ વિસ્તારમાં એકબીજાને અડોઅડ આવેલાં છે. અમદાવાદમાં આ ત્રણેય સ્ટેશન લાલ દરવાજા, ગીતામંદિર અને કાલુપુર એમ એકબીજાથી ઘણા દૂરના વિસ્તારમાં હોવાથી ટ્રાન્સપોર્ટેશન થોડું મોંઘુ, અઘરું અને સમયનો ભોગ લેનારું બને છે.

બસ સ્ટેશન પર અમારે એક કલાક રાહ જોવાની હતી, એટલે અમે એક બાંકડા પર શાંતિથી બેઠા. પણ ત્યાં એવો ઠંડો પવન આવતો હતો, કે અમારે પહેલાં તો બેગમાંથી ગરમ ટોપી અને સ્કાર્ફ કાઢીને પહેરવાં પડ્યાં.

બેંગલોરના હવામાન વિષે જાણતા ના હોય તેમના લાભાર્થે જણાવી દઉં કે બેંગલોર ૩૦૦૦ ફૂટની ઉંચાઈએ આવેલું છે, જે ભારતનાં મોટાં શહેરોમાં સૌથી વધુ ઉંચાઈ પર વસેલું શહેર છે. તે ઉપરાંત આપણા કાંકરિયા તળાવથી ય મોટાં એવાં ૨૫૦થી પણ વધુ સરોવર અને ૫૦૦થી પણ વધારે મોટા મોટા બગીચા બેંગલોરમાં આવેલા છે. તે સિવાયનું ગ્રીન કવર (વૃક્ષવિસ્તાર) પણ ઘણા મોટાં પ્રમાણમાં છે. આ બધાં કારણોને લીધે બેંગલોરનું હવામાન બારે ય મહિના ખુશનુમા રહે છે. ઉનાળામાં પણ સવારે અને સાંજે સ્વેટર તથા ટોપીની જરૂર પડે. થર્મોમીટરનો પારો ચોવીસ કલાક ૨૦ થી ૨૫ ડીગ્રી વચ્ચે જ રહે. અમદાવાદથી આવતા મારા જેવા લોકોને તો અહીં બારેય મહિના શિયાળો ચાલતો હોય એવું લાગે!

પાછા અહીંના લોકલ લોકો ફરિયાદ પણ કરે કે ‘છેલ્લાં દસ-પંદર વર્ષમાં બેંગલોરનો આડેધડ વિકાસ થયો હોવાથી ગ્રીન કવર ઓછું થઇ ગયું છે, જેને લીધે ગરમી વધી છે અને હવે ઉનાળામાં પંખા ચાલુ કરવા પડે છે. બાકી પહેલાં તો કોઈ ઘરમાં પંખા નંખાવતું જ નહિ!’

-*-

અમે ગરમ કોફી મંગાવીને ઠંડક સામે રક્ષણ મેળવ્યું. નોધવા લાયક વાત છે કે દક્ષિણ ભારતમાં બધી જગ્યાએ ફક્ત ૧૦ રૂપિયામાં સારી ચા-કોફી મળી જાય છે. અને હા, અહીં ચામાં કટિંગ મળતી નથી અને એક કપમાંથી બે-ત્રણ ભાગ કરીને પીવાનો અમદાવાદી રીવાજ પણ નથી!

૧૧.૧૫ વાગે અમે બસમાં બેઠા. ઓફ સીઝન હોવાથી બસ ખાલી જેવી જ હતી. રસ્તામાં પણ ક્યાંય પેસેન્જર્સની ખાસ ચડઉતર ના થઇ. બસ સમયસર ઉપડી, એટલે અમે થોડો સમય મોબાઇલમાં પસાર કરી પછી ઊંઘવાનો પ્રયત્ન કર્યો. પણ બસ એટલી ઉછળતી હતી કે શાંતિની ઊંઘ આવવી મુશ્કેલ હતી. બેંગલોરથી ચિત્રદુર્ગ સુધીનો અડધો રસ્તો સારો છે, પરંતુ ત્યાંથી હોસ્પેટ સુધીનો રસ્તો થોડો ખરાબ છે. એટલે ઊંઘ અડધીપડધી જ આવી.

આઠ કલાકના સળંગ રસ્તા પર મોટાં શહેર આવતાં નથી. એટલે અમારી બસ જાણે નોન-સ્ટોપ જ ચાલી. આપણે ગુજરાતમાં બે-ત્રણ કલાકે ડ્રાઈવર ચા-પાણીનો હોલ્ટ કરે, તેવું કશું અહીં ના થયું. કોઈ પેસેન્જરને બાથરૂમ જવું હોય તો ય ડ્રાઈવરને સ્પેશિયલ વિનંતી કરવી પડે!

સવારે છ વાગે હોસ્પેટ આવ્યું એટલે અમારા બે સિવાય બાકીના બધા પેસેન્જર્સ ત્યાં ઉતરી ગયા. થોડીવારે એક ભાઈ બસમાં આવીને મને કહેવા લાગ્યા: “હવે બસમાં તમે બે જ પેસેન્જર છો, એટલે આ બસ હમ્પી ગામમાં નહિ જાય અને તમને હાઇવે પર ઉતારી દેશે. પછી ત્યાંથી હમ્પી માટે બીજું સાધન નહિ મળે. તો તમે અહીંથી રિક્ષામાં હમ્પી જતા રહો.”

પણ એક ગુજરાતી અને તેમાંય પાછો બનાસકાંઠાનો વતની અને અમદાવાદનો રહેવાસી એમ કંઈ છેતરાય? મને તરત જ ખ્યાલ આવી ગયો કે આ ભાઈ પોતે જ રિક્ષાવાળા છે અને પોતાને ધંધો મળે એટલે આવી વાત કરી રહ્યા છે. એટલે મેં તેમને વિદાય કરી દીધા. પરંતુ બસના ડ્રાઈવરને પૂછીને ખાત્રી પણ કરી લીધી કે બસ હમ્પી ગામમાં જશે જ.

હોસ્પેટથી ૯ કિમી મુખ્ય રોડ પર ગયા પછી હમ્પી માટે ૪ કિમી સિંગલ રોડ પર જઈને અમે સવારે ૭ વાગે હમ્પી બસસ્ટેન્ડ પહોંચી ગયા. જેવી બસ ઉભી રહી કે તરત જ આઠ-દસ રિક્ષાવાળાઓ અમને વીંટળાઈ વળ્યા. દરેકના હાથમાં હમ્પીનો રંગીન નકશો હતો, જેમાં જોવાલાયક સ્થળોની યાદી હતી. અમે એક રિક્ષાવાળા જોડે વાત કરીને કહ્યું કે ફ્રેશ થયા પછી વધુ વાત કરીશું.

હમ્પી નાનું ગામ હોવાથી ત્યાં બાંધેલું બસ સ્ટેન્ડ નથી કે નથી કોઈ એસટી ની કેબીન. પરંતુ બાજુમાં જ સરસ, મોટું અને ચોખ્ખું સુલભ શૌચાલય છે. અમે આખી રાતની નોન સ્ટોપ મુસાફરી કરીને આવ્યા હતા. એટલે અમે પહેલું કામ કર્યું પાંચ રૂપિયામાં મળતી વોશબેઝીન, બાથરૂમ અને જાજરૂની સગવડનો લાભ લેવાનું.

-*-

પછી તો હમ્પી ગામની અંદર પણ સુલભ શૌચાલયની આવી જ સરસ સગવડ જોવા મળી. આ બાબતે કર્ણાટક ટુરિઝમની પ્રશંશા કરવી જોઈએ કારણ કે તેમણે પર્યટકોની સગવડનું ઘણું ધ્યાન રાખ્યું છે. દરેક ટુરિસ્ટ સેન્ટરમાં અને મોટાં શહેરોમાં પણ ઠેકઠેકાણે આવી બેઝીક સગવડો પૂરતા પ્રમાણમાં હોવી જ જોઈએ. તો જ સ્વચ્છતા જળવાય અને તંદુરસ્તી સચવાય.

મેં એક બીજી વાત પણ નોંધી. દક્ષિણ ભારતમાં દરેક બસ સ્ટેશન પર, મોટાં મંદિરમાં અને દરેક જોવાલાયક સ્થળોએ ચોખ્ખાં ટોઇલેટની સરસ સગવડ હોય છે, જ્યાં પાંચ રૂપિયાના નોમિનલ ચાર્જમાં ટોઇલેટ અને બાથરૂમની સગવડ ઉપલબ્ધ થાય છે.

આની સરખામણીમાં ગુજરાતમાં જાહેર જગ્યાએ મફત ટોઇલેટની સગવડ હોય છે, પરંતુ આ ટોઇલેટ એટલાં ગંદાં હોય છે કે તેમાં પગ મૂકવાનું મન ના થાય. ખાસ કરીને મહિલાઓને તો આ મુદ્દે ઘણું સહન કરવું પડે છે.

અમદાવાદ શહેરની જ વાત કરો. બહારગામના લોકો આવે, તો તેમના માટે જાહેર સ્વચ્છ ટોઇલેટ કેટલી જગ્યાએ છે? આ બાબતે ગુજરાતીઓએ જાગ્રત થવાની જરૂર છે. સરકારે પણ વિચારવું જોઈએ. અમિતાભ બચ્ચનને લઈને જાહેરાતો બનાવવા માત્રથી પર્યટકો ના ઉમટી પડે. પહેલાં તેમના માટે બેઝીક સગવડો ઉભી કરવી પડે. લોકોએ પણ મફતિયા વૃત્તિ છોડીને પેઈડ સર્વિસ માટે તૈયાર થવું પડશે. તો જ ચોખ્ખાઈ જાળવી શકાય.

ટોઇલેટની વાત નીકળી છે, તો એક બીજો અનુભવ પણ શેર કરવાનું મન થાય છે. આપણા દેશમાં જાહેર જગ્યાએ ટોઇલેટની સગવડ ઓછી હોય છે અને ટોઇલેટ હોય તો પણ દૂરના કોઈ અંધારા ખૂણામાં હોય છે. આપણાં મંદિરોમાં તો દર્શનાર્થીઓ માટે ટોઇલેટની સગવડ હોય તેવું વિચારી શકાય જ નહીં. પરંતુ થોડાં વર્ષ પહેલાં અમે થાઇલેન્ડમાં પ્રખ્યાત બુદ્ધ મંદિરની મુલાકાતે ગયા, ત્યારે અમારા આશ્ચર્ય વચ્ચે મંદિરના મુખ્ય પ્રવેશદ્વારની બાજુમાં જ મોટું અને ચોખ્ખું ટોઇલેટ જોયું, જ્યાં તરત ધ્યાન ખેંચે તેવું મોટું બોર્ડ પણ મૂકેલું હતું.

એવો જ સરસ અનુભવ સિંગાપુરમાં પણ થયો હતો. સિંગાપુરના મુખ્ય આકર્ષણ કેન્દ્ર ‘યુનિવર્સલ સ્ટુડીઓ” માં ઠેરઠેર પીવાના પાણીની અને ટોઇલેટની સુંદર વ્યવસ્થા હતી અને તે પણ મુખ્ય રસ્તા પર જ, દૂરના કોઈ અંધારા ખૂણામાં નહીં. એટલે તમારે પાણીની બોટલ પણ સાથે રાખવાની જરૂર નહિ.

સિંગાપુરનો એક બીજો આશ્ચર્યજનક અનુભવ પણ અહીં જણાવ્યા સિવાય નહિ ચાલે. ત્યાં પુરુષ અને મહિલાઓનાં ટોઇલેટ તો અલગ-અલગ હતાં, પણ પુરુષોના ટોઇલેટના સફાઈ કામદારોમાં મહિલાઓ પણ હતી, જે અનેક પુરુષોની હાજરીમાં પણ પોતાનું સફાઈનું કાર્ય બિન્દાસ કર્યે જતી હતી. પહેલી નજરે થોડું શરમજનક લાગ્યું, પરંતુ થોડો વિચાર કર્યા પછી ત્યાંની મહિલાઓ અને સંસ્કૃતિ પ્રત્યે માન થયું.

ચાલો હવે આપણે મૂળ વાત પર પાછા આવીએ, નહીતર તમને એમ થશે કે આ હમ્પી પરનો લેખ છે કે પછી ટોઇલેટ પરનો? પરંતુ આવા અરુચિકર વિષય પર જો અક્ષયકુમાર ‘પ્રેમકથા’ બનાવે અને તે સફળ પણ જાય, તો મારી વાત પણ કદાચ તમને અરુચિકર નહિ લાગે!

-*-

બસસ્ટેન્ડ પરથી ગામ તરફ નજર નાખી ત્યાં એક ગગનચુંબી સ્ટ્રકચર દેખાયું. પૂછપરછથી જાણવા મળ્યું કે તે હમ્પીના સૌથી પ્રાચીન અને સૌથી મોટા યાત્રાધામ વિરૂપાક્ષ મંદિરનું ગોપુરમ છે. જુઓ નીચેના ફોટો:

દક્ષિણ ભારતીય મંદિરોની એક વિશિષ્ઠ લાક્ષણિકતા એ હોય છે કે તેનું મુખ્ય પ્રવેશદ્વાર, જે ‘ગોપુરમ’ તરીકે ઓળખાય છે, તે ખૂબ ઊંચું, વિશાળ, આકર્ષક અને કલાત્મક કોતરણીવાળું હોય છે. તેની સરખામણીમાં મુખ્ય મંદિર ખાસ ઊંચું હોતું નથી. પરંતુ ગોપુરમની ઉંચાઈ અને ભવ્યતાને લીધે મંદિરને દૂરથી જોતાં જ એક પ્રકારની આભા રચાઈ જાય છે.

વિરૂપાક્ષ મંદિરનું ગોપુરમ નવ સ્તરનું છે અને ૧૬૦ ફૂટ ઊંચું છે, એટલે કે ૧૬ માળના ટાવર જેટલું ઊંચું. આ ગોપુરમ ૧૫મી સદીમાં અહીંના સુવિખ્યાત રાજા કૃષ્ણદેવરાયે બંધાવ્યું હતું, જેથી તેના પર કૃષ્ણદેવરાયની ખડગધારી મૂર્તિ છે અને તેમનું નામ પણ કોતરેલું છે. આ ગોપુરમનું પહેલું સ્તર પથ્થરનું અને બાકીનાં સ્તર ઈંટ તથા ચૂનાનાં બનેલ છે. આ ગોપુરમ સામે લગભગ અડધો કિમી સુધી એકદમ સપાટ અને ખુલ્લો વિસ્તાર છે, જેની ચારે બાજુ નાનીમોટી ટેકરીઓની હારમાળા છે. એટલે ગોપુરમનો ઉઠાવ ખુબ ભવ્ય આવે છે. મંદિરના ઉત્તર ભાગમાં થોડું નાનું બીજું ગોપુરમ પણ છે.

૭મી સદીમાં નિર્માણ પામેલ અને ૧૧મી સદીમાં વિસ્તાર પામેલ આ વિશાળ વિરૂપાક્ષ મંદિરમાં મુખ્ય મંદિર શિવજીનું છે અને તેની બાજુમાં પમ્પાદેવી (પાર્વતી) અને દુર્ગાનાં મંદિર છે. વિરૂપાક્ષ એટલે વિરૂપ (ભયંકર) આંખોવાળા અર્થાત્ ત્રણ નેત્રવાળા શિવજી. અહીં મોટા શિવલિંગ પર પિત્તળની શિવજીની મુખાકૃતિ મૂકવામાં આવી છે, જે ખરેખર જોવાલાયક છે.

સંજોગાવશાત અમારા ગાઈડનું નામ પણ વિરૂપાક્ષ હતું. તેના જણાવ્યા મુજબ પૌરાણિક કથા પ્રમાણે (સ્થળ પુરાણ મુજબ) શિવજી હેમકૂટ પર્વત પર ધ્યાન ધરી રહ્યા હતા, ત્યારે દેવોએ શિવજીનાં લગ્ન પમ્પાદેવી (પાર્વતી) સાથે કરવા માટે કામદેવને શિવની તપસ્યાભંગ કરવા મોકલ્યો. પરંતુ શિવજીએ ત્રીજું નેત્ર ખોલીને કામદેવને ભસ્મ કરી નાખ્યો. તે વખતે તેમનાં નેત્રોની જવાળાથી હેમકૂટ પર્વતના પથ્થરો પીગળીને પાણી થઇ ગયા અને તેનું સરોવર રચાયું. આ જગ્યાએ મોટો કુંડ બનાવવામાં આવ્યો છે, જે હાલ મન્મથ હોંડા (કામદેવ કુંડ) તરીકે ઓળખાય છે. જૂઓ નીચેનો ફોટો:

હેમકૂટ પર્વતની ટોચ પર જ્યાં શિવજી તપસ્યા કરતા હતા, ત્યાં મૂળ વિરૂપાક્ષ મંદિર બનાવવામાં આવ્યું છે. પમ્પાદેવી નામથી જાણીતાં પાર્વતીએ તપસ્યા કરીને શિવને પ્રસન્ન કર્યા અને શાંત કર્યા. પછી હેમકૂટ પર્વતની તળેટીમાં શિવ-પાર્વતીનાં લગ્ન થયાં. એટલે આ જગ્યાએ મોટા વિરૂપાક્ષ મંદિરનું નિર્માણ કરવામાં આવ્યું છે. પમ્પાદેવીના નામ પરથી આ મંદિર પમ્પાપતિ મંદિર તરીકે પણ ઓળખાય છે. અહીં દિવાળીના સમયમાં શિવ-પાર્વતીની સગાઇ અને લગ્નના પ્રસંગો ખૂબ ધામધૂમથી ઉજવવામાં આવે છે.

આ ગામનું મૂળ નામ પમ્પાક્ષેત્ર હતું. કાળક્રમે ‘પમ્પા’ નું ‘હમ્પા’ અને તેનું અપભ્રંશ થઈને હમ્પી થયું છે. અહીંની નદીનું નામ પણ પુરાતન કાળમાં પમ્પા નદી હતું. હાલ આ નદી તુંગભદ્રા નદી તરીકે ઓળખાય છે. અહીં પમ્પા સરોવર પણ છે, જ્યાં શબરીએ રામને એઠાં બોરનો પ્રસાદ અર્પણ કર્યો હતો.

અંગ્રેજ સમયમાં અહીંના ગોરા અધિકારીએ આ મંદિરથી પ્રભાવિત થઈને તેને સફેદ ચૂનાનો રંગ કરાવેલ હતો. ત્યારથી આ પ્રણાલિકા ચાલુ રાખીને મંદિરને ચૂનાના સફેદ રંગથી રંગવામાં આવે છે.

મંદિરનું પરિસર ઘણું વિશાળ છે. તેમાં રસોઈખંડ, કલાત્મક સભામંડપ, નાનાં મંદિરો, મોટો કુંડ અને વિશાળ પ્રાંગણ છે. દરેક જગ્યાએ અદભૂત કોતરણીવાળાં શિલ્પ જોવા મળે છે. મંદિરની છતમાં સુંદર કલાત્મક ચિત્રો દોરેલાં જોવા મળે છે. એક શિલ્પમાં અમને ચીનના મહાન યાત્રી હ્યુ એન ત્સંગ પણ જોવા મળ્યા, જે બતાવે છે કે એ સમયમાં વિદેશો સાથે કેટલો વ્યવહાર હતો.

મંદિરમાં લક્ષ્મી નામની હાથણી છે, જે દરરોજ દરેક મંદિર આગળ જઈને ભગવાનને પ્રણામ કરે છે. તેનો મહાવત આ હાથણીને દરરોજ નદીમાં લઇ જઈને સાબુ તથા બ્રશથી ઘસી ઘસીને નવડાવે છે. આ દ્રશ્ય જોવા પર્યટકો, ખાસ કરીને વિદેશી ટુરિસ્ટ ટોળે વળે છે. અમને પણ આ દ્રશ્ય જોવા મળ્યું. જૂઓ આ વિડીઓ:

મંદિરની સામે એકદમ સપાટ અને ખુલ્લો મોટો વિસ્તાર છે, જેની બંને બાજુએ પથ્થરના થાંભલાઓની લગભગ પોણો કિમી લાંબી હારમાળા છે. કોઈ જગ્યાએ આ થાંભલાઓ ઉપર પથ્થરનું છાપરું પણ છે અને અમુક જગ્યાએ તેની ઉપર એક માળ પણ છે. અમારા ગાઈડે જણાવ્યું કે આ થાંભલાઓ પ્રાચીન બજારના અવશેષો છે.

અહીં પ્રખ્યાત વિજયનગર સામ્રાજયનું મુખ્ય બજાર ભરાતું હતું, જ્યાં સોના-ચાંદી, કિંમતી રત્નો, તેજાના, મસાલા, કપાસ, હાથી-ઘોડા વિગેરેનું મોટું બજાર ભરાતું હતું. અહિયાં આરબો, પોર્ટુગીઝો અને બીજા અનેક વિદેશી વેપારીઓ માલની ખરીદી કરવા આવતા . આજથી પાંચસો વર્ષ પહેલાંના કોઈ શહેરમાં આટલું લાંબુ બજાર હોય, તે વિચારીને પણ આશ્ચર્ય થાય અને તેના પરથી આ શહેરની ભવ્યતાનો અંદાજ લગાવી શકાય. જૂઓ આ દ્રશ્યો:

બજારના બીજા છેડે એટલેકે વિરૂપાક્ષ મહાદેવની એકદમ સામે એક જ પથ્થરમાંથી બનાવેલ વિશાળકાય નંદીની પ્રતિમા છે.

આ નંદીમંદિરની પાછળથી લીધેલા આ ફોટા પરથી હમ્પીના બજારની લંબાઈ અને વિશાળતાનો ખ્યાલ આવે છે. સામે ગોપુરમ અને તેની ડાબી બાજુમાં હેમકૂટ ટેકરી દેખાય છે.

આ બજાર તેના સુવર્ણકાળ સમયે કેવું દેખાતું હશે, તેનું એક ચિત્રકારે દોરેલું કલ્પના ચિત્ર હવે જુઓ:

હેમકૂટ ટેકરી હમ્પીનું સૌથી ઊંચું સ્થળ છે, જ્યાંથી સમગ્ર હમ્પીનો વિસ્તાર સરસ રીતે જોઈ શકાય છે. આ ટેકરી પર નાનાં મોટાં ૩૦ પ્રાચીન મંદિર આવેલાં છે, જે બધાં વિજયનગર સમય પહેલાંનાં છે. અહીં સૌથી ઉંચી જગ્યાએ મૂળ વિરૂપાક્ષ મંદિર આવેલું છે. આ ટેકરી અહીંનો સનસેટ પોઇન્ટ પણ છે. જૂઓ અહીંથી લીધેલ એક ફોટો:

વિરૂપાક્ષ મંદિરના સામેના છેડે માતંગ ટેકરી આવેલી છે, જ્યાં 'સનરાઈઝ પોઈન્ટ' છે. પૌરાણિક કથા મુજબ વાલીએ સુગ્રીવને હરાવી દીધો, તે પછી સુગ્રીવ તથા હનુમાને આ માતંગ ટેકરી પર આશ્રય લીધો હતો. અમે સમયના અભાવે આ ટેકરી ઉપર જઈ શક્યા નહોતા.

હમ્પીનાં જોવાલાયક સ્થળોનું લિસ્ટ અને નકશો અહીં મૂકું છું. જો તમે હમ્પીની મુલાકાત કરવા માંગતા હશો તો કદાચ તમને ઉપયોગી થશે:

આ લેખ રંગીન અક્ષરો અને સુંદર ચિત્રો સાથે વાંચવા મારા બ્લોગ www.dadajinivato.com ની મુલાકાત લો. આ લેખમાળાનો બીજો ભાગ “હમ્પી –(૨) વીર હનુમાનની કિષ્કિન્ધા નગરી” ટૂંક સમયમાં અહીં મૂકાશે.