જીવનરસ
માણસ એક વિચિત્ર પ્રાણી છે, એની આદતો, વ્યવહાર, અને બીજા લોકો અને પ્રાણીઓ પર ભરોસો ના કરવાની વૃત્તિ વિસ્મય પમાડે એવી છે. કહેવાય છે માણસ બીજા પ્રાણીઓ કરતા થોડો વધુ ભાગ્યશાળી છે કેમકે એને બુદ્ધિ મળી છે ,એને એ સમજ મળી છે જેનાથી એ સાચા અને ખોટા માં ભેદ કરી જાણે છતાં એ કોઈક ને કોઈક કારણસર દુઃખી થવાના રસ્તા શોધી કાઢે છે.એને બીજા પશુ પક્ષીઓ ને જોઈએ થાય કે વાહ આમને તો સારું કશી ઉપાધિ નહીં. મને એ જોઈને આશ્ચર્ય થાય કે ઘણા લોકો ના જીવનમાં મોટાભાગની બાબતો બરાબર હોય છતાં તેઓ પરાણે પરેશાનીઓને ખોદી કાઢીને દુઃખી થતાં રહે. આપણે બધા જાણીએ છીએ કે જીવન ક્ષણભંગુર છે, છતાં એને ખૂબ સસ્તું માનીને વેડફતા કેમ હોઈએ છીએ? શ્રી કૃષ્ણ પાસેથી જીવન કેમ જીવવું એ શીખવા જેવું છે, તમે જુઓ તો કૃષ્ણ જીવનરસ થી છલોછલ છે, જીવનનાં કોઈ ક્ષણ ને ક્યારેય એમણે નહી માણ્યું હોય એવું એમનાં જીવનમાં નહીં દેખાય આપણ ને. કૃષ્ણની લીલાઓને બાદ કરીયે તો પણ પૃથ્વી લોક પર અવતરીને મનુષ્યની માફક ,મનુષ્ય હોવાની સીમાઓને જાણીને પણ એમણે સારું,નરસું બધું કેટલી સહજતાથી સ્વીકાર કર્યું. હું માનું છું કે કલા તમારી અંદરના જીવનરસ ને ઉજાગર કરે છે. કલાથી જેટલા નજીક,જીવનથી એટલા નજીક થઈ શકાય. જીવનરસ મા જીવનથી નજીક લઇ જનાર બધા જ રસ શામિલ છે, જેટલા માણી શકો એટલા ઓછા.ક્યારેક આપના અતિચલિત મન ને આરામ આપી વહેલી સવાર ની શાંતિ ને ખલેલ પહોંચાડીને ને પણ શાંત રાખતા પક્ષીઓને સાંભળ્યા છે? સૂર્ય ને આખા આકાશમાં લાલિમા પ્રસરાવીને દેતા કૂણાં તડકામાં રહેલ હૂંફ ને માણી ખરી?નાના બાળકની ઝીણવટભરી નજરે એને જોયેલ દ્રશ્યનુ એમની કાલીવાલી ભાષામાં વર્ણન સાંભળ્યું ખરું? ક્યારેક ક્ષોભ ના રાખીને મન ખોલીને નાચ્યું કે ગાયું ખરું? કોઈને બતાવવા નહીં પણ જાત સાથે મળવા, ઈશ્વરને મળવા. ખળખળ વહેતી નદીના કિનારે બેસી એના વહેણનાં અવાજને આખો બંદ કરી મન નાં અવજોથી થોડી વાર ધ્યાન હટાવીને સાંભળ્યો ખરો? પ્રકૃતિ ની નીરવતામાં ગજબનો જાદુ હોય છે.ક્યારેક વરસાદમાં બીમાર થવાના ભય કે કિચડની અરુચીને નેવે મૂકી પેલા મેઘના બુંદોનો સ્પર્શ ઝીલ્યો છે? , ભીની માટીની સુગંધ, સુસવાટા મારતો પવન ને નવજીવન પામતી પુરી સૃષ્ટી ને આંખોમાં બે ઘડી સમાવી છે ક્યારેય? માત્ર ભૂખ લાગી છે એટલે જ નહીં પણ ભોજન ના બધા સ્વાદને લેતા , તૃપ્ત થઈને જમ્યુ છે ક્યારેય? કોઈ પ્રેમથી તમારા માટે જમવાનું બનાવે એના દિલથી વખાણ કરી એના ચહેરા પર આવતી મુસ્કાનને ક્યારેય પ્રત્યક્ષ જોઈ છે? કોઈની આંખોમાં આપણા માટેની ભાવનાઓને માત્ર આંખોથી સમજી હૃદયમાં થતી હલચલ અનુભવી છે ક્યારેય?સાચું કહ્યું છે ,દુનિયાનાં શ્રેષ્ઠતમ અનુભવો એટલા તો શ્રેષ્ઠ હોય છે કે એમને શબ્દોમાં વર્ણવી નથી શકાતા, માત્ર જીવી શકાય છે... ક્યારેક હારેલા , ત્યજેલા અને હૃદય માં ન સમજાય એવી ઉદાસી મહેસુસ કરતા હો અને અચાનક કઈક સમાધાન મળી જાય ત્યારે ઈશ્વરનું તમારી સાથે હોવાનું યથાર્થ લાગ્યુ છે? ક્યારેય જીવી ગયેલ જીંદગી ને અવલોકતા , દુનિયાદારીને ના સમજતા, કડવા અનુભવો નો સામનો ના કરેલ પોતાની જાત ને યાદ કરી એક સ્માઇલ તમારા ચહેરા પર આવી છે? ક્યારેય એકદમ નવી વેદના ને દિલ માં ધરબાયેલી રાખવાના નિષ્ફળ પ્રયાસો પછી અચાનક એ વેદનાના વાદળો ને વરસવા દીધા છે; મન નાં જંજાવાત ને લાગણીઓના વહેણ ને રોકવા ચહેરા પર હાથ ભીંસી વરસાદ ની હાજરી માં રડી ,ધ્રુજતા શરીરે, એક જીદ સાથે, ખાલી થયા છો ક્યારેય? જીવનમાં આપણુ ધાર્યું જ થાય એ આભાસ તૂટતા, અનેક સુંદર સપના તૂટતાં ,પોતાની અંદર પણ કંઇક નષ્ટ થયાની અનુભૂતિ ક્યારેય થઇ છે ક્યારેય? ક્યારેક પોતાના જ સવાલોથી માથું ઘૂમી જાય, જવાબ ની તલાશ મા ફરી નવા સવાલો સામે આવી જાય ત્યારે આ સવાલ જવાબ ના ચક્ર થી કંટાળો આવી એને પડતાં મુકવાનું મન થયું છે ક્યારેય?