Pustak samiksha in Gujarati Book Reviews by Tanvi Tandel books and stories PDF | પુસ્તક સમીક્ષા - અતરાપી

Featured Books
Categories
Share

પુસ્તક સમીક્ષા - અતરાપી

પુસ્તક: અતરાપી
લેખક:- ધ્રુવ ભટ્ટ
 ધ્રુવ ભટ્ટનું પુસ્તક તત્વમસિ વાંચીએ અને તેના  કથા તત્ત્વ પરથી બનેલ રેવા ફિલ્મ જોઈયે ... કેટલી ધારદાર રજૂઆત...તે જ રીતે સમુદ્રાન્તિકે, અગ્નિકન્યા, તિમિર પંથી, અકૂપાર, લવલી પાન હાઉસ, અતરાપી દરેક પુસ્તકો જેટલી વાર વાંચીએ એટલું તેમને સમજવું અઘરું અને ઓછું જ પડે. દરેક વખતે નવી વિચાર સ્ફુરણા,, દરેક પાત્ર ના વિચારોમાં નવીન દ્રષ્ટિ જોવા અચૂકપણે મળે.
 'અતરાપી' પુસ્તક ને ઓળખવા ધ્રુવજીના પ્રવાહમાં પૂરતો સમય આપી ડુંબવું પડે. પ્રથમ વાર પુસ્તક હાથમાં લીધું ત્યારે શરૂઆતમાં લાગ્યું શ્વાન એક સામાન્ય પાત્ર હશે આગળ જતા કોઈ સરસ કથાનાયક આવશે એમ વિચારી વાંચતી રહી પણ...અહીંતો આખે આખું પુસ્તક શ્વાન પર .. જલસો પડી જાય. 
મનુભાઈ ત્રિવેદી ની પંક્તિ છે:
જુદી જિંદગી છે મિજાજે મિજાજે 
જુદી બંદગી છે નમાજે નમાજે
છે એક જ સમંદર, થયું એટલે શું?
જુદા મુસાફર જહાજે.
જુદા અર્થ છે શબ્દના બોલવા પર,
શબ્દો ય જુદા અવાજે અવાજે...
ખરેખર, અહી પણ એવું જ થાય છે. કથાની શરૂઆત થાય છે  સરદ્ધાવની નામની એક માં ના બે ગલૂડિયાં, કોલેયક અને સારમેય થી. કૉલેયક મોટો - આજ્ઞાપાલન, ભણી ગણી હોશિયાર થવાની ઈચ્છાવાળો જ્યારે સારમેય - વિપરીત..રહસ્યથી સભર..માં બન્ને ને તાલીમ દ્વારા ઉચ્ચ શ્વાન  બનાવવા ઈચ્છે છે જ્યારે સારમેયના મતે એ આપોઆપ ગલૂડિયાં માંથી મોટો થશે એટલે શ્વાન બનવાનો જ.એમાં આપણે જે હોઈયે એ બનવા બીજા પાસે કઈ કેમ શીખવું? શિક્ષક તેને છોડી દે છે.બસ તે તેનીજ દુનિયામાં મસ્ત.. અલ્લડ. માળી પણ તેને ઓળખી ગયો છે એ કહે છે યાદ રાખ તેરે કો બંધના નહિ હે..
સારમેય હમેંશ આઝાદી ઝંખતું, બંધનમુક્ત રહેવા ઈચ્છતું, આપણા મનમાં વિચારો પ્રગટાવતું પાત્ર બની રહે છે. કોલેયક તાલીમ લઈ ગુરુપ્રિય બનવામાં જીવન ખર્ચી નાખે છે.બીજી બાજુ સારમેય ગુરુને મળે છે પણ પગે સુધ્ધાં પડતો નથી.જે મૂર્તિપૂજા, વ્યક્તિપૂજા પર પ્રહાર સૂચક છે. અહી સંસારના રહસ્ય સમજવા મથતા, કોઈપણ પ્રકારના બંધન વિના પોતાના માટે સ્વની શોધ માટે ભ્રમણ કરતા - સારમેય ની વાત છે.
જીંદગીના સફરમાં એકાંતમાં રહેવાની આદત પડી મને
કહ્યાવિના મસ્તીથી ચાલતા રહેવાની આદત પડી મને
સારમેયની દરેક વાત રહસ્ય સમાન છે. સારમેયની વાતો સમજવા મગજનો ખુબ ઉપયોગ કરવો પડે.
દરેક વખતે જુદી જુદી જગ્યાએ પાત્રો સાથે સારમેયની નિર્લેપભાવે વર્તવાની આગવી રીત અહી વર્ણવાયી છે. સરમાં સાથેની દીપડા ને એના બચ્ચા ફાડી નાખવાની વાતે સારમેય કહે છે -  મંગળ અમંગળ માં ફર્ક હુ વર્તી શકતો નથી. આપણે મંગળ અમંગળ ની વાતોમાં દુઃખી થઈ એ છીએ.જ્યારે અહી દરેક પરિસ્થિતિમાં નિશ્ચલ ભાવ, શિથિલ બનવાનું સૂચવાયું લાગે છે.
 વિશ્વકદ્રુ સાથેની મુલાકાતમાં પણ સારમેય પોતાને તેનું નામ બોલવામાં પડતી તકલીફ ને પોતે અભણ હોવાનું કહી પોતે ભણ્યો નથી છતાં તેને શરમ નથી.. આ વાત સૂચવે છે કે પોતાના સ્વની સન્માન  અપમાન ની પરવા પણ તેને નથી. 
માણસો બહુ શરતો મૂકે છે અને પોતાને શરતો બહુ માફક આવતી નથી.- સુંદર વાક્ય કથન સારમેય દ્વારા.
એક જગ્યાએથી બીજી જગ્યાએ કોઈનેય કહ્યા વિના ગમે ત્યારે જતા રહી વધુ બંધનમાં બંધાવું નહિ આ સારમેય ની રીત છે. તે બસ રખડપટ્ટી કરે છે. 
'સ્વ' નું શુદ્ધ સ્વરૂપ પરમતત્ત્વ છે. સ્વની ખોજ માટે, અમુક વખતે કોઈ પણ કારણ વિના બસ એમજ , પ્રકૃતિના રહસ્યો ઉકેલવા..પોતાની મરજી મુજબ ઈચ્છા ફાવે તેવું વર્તન - સારમેયની વિશિષ્ટતા છે.
દોસ્તાર સાથે તે મરજી મુજબ રહેવા તૈયાર થાય છે ત્યારે તેમની વચ્ચેના સંવાદો,' સપનાની રમત' - ખરેખર વાંચવા ને સમજવા લાયક છે. સારમેયના મતે  ઝાડવાની ભાષા જાણવા પ્રેરણા, ભાવના, કે વિચારની અભિવ્યક્તિ માટે ભાષાની જરૂર સચરાચર માં કોઈનેય પડતી નથી. પ્રકૃત્તિ તમારા મનને પામી જાય છે.. જેવા વિચારો આપણને ફિલોસોફી માં ખેંચી લઈ જાય છે.
જગતના દરેક પ્રશ્નોના ઉત્તર દેવા જરૂર નથી.
દુનિયાના મતલબી ઘોંઘાટમાં ' હું' ખોવાય ના જાઉં.
કોલેયક આશ્રમમાં રહી જિજ્ઞાસુ ને મોનીટર બનાવે છે ત્યારેય સારમેય કહે છે તું કોઈને કંઈ બનાવવાનું છોડી દે. આશ્રમ માં થોડા રોકાણ સમયે પ્રવચન આપતી વખતે કહે છે- જ્ઞાન એ  પણ બંધન છે. ગુરુજી એને પૂછે છે - તે શું જોયું? શું જાણ્યું? શું બોલ્યો? શું સાંભળ્યું?  - તે સમયે કહે છે, 
" ઘણા અવાજોથી જે સાંભળવા યોગ્ય લાગ્યું તે મે સાંભળ્યું,હુ હમેશા જે કહેવા ઈચ્છતો હતો તે જ બોલ્યો.દ્રષ્ટિ પાસે જે આવેલું એ તમામ ધ્યાનપૂર્વક જોયું અને અંતે જાણ્યું કે હું જાણતો નથી." ખુબ વિચરવાયુક્ત દ્રઢ જવાબ.

જ્યારે માર પડે છે ને ત્યારે શકું તેને મળવા આવે છે તેની પીઠ પર હાથ ફેરવતા ચિંતા કરે છે એ સમયે તે કહે છે ચિંતા કરીને તું મને બાંધે છે ને પોતે પણ બંધાય છે. તું મુક્ત રહે ને મને મુક્ત રાખ... પૃથા, સંજય સાથેની વાતચીત પણ સુંદર આલેખાઈ છે. અજનમ્ય નું મૃત્યુ, સરમાનું મૃત્યુ, હડકાયા ભાઈબંધ નું મૃત્યુ જેવા પ્રસંગો  એ પણ પ્રાથના કરવી એને જરૂરી લાગતી નથી. 
- તેમ કરવું જરૂરી લાગતું નથી.
- હુ જાણતો નથી.
- તેવું હોય પણ શકે.
બસ આ ત્રણ વિધાનો આખા પુસ્તક માં સમાયેલા છે.જે આપણું ધ્યાન દોરે છે.
કોલેયક તેને વિચાર હિન વિવેકહીન ગણે છે. છતાં ખરાબ દશામાં સારમેય ને જૂએ છે ત્યારે તેને ઉધવમુખી બની પોતાનો માર્ગ બદલવા કહે છે તે સમયે પણ તું જે વર્ણવે છે એ દેહ ની અવસ્થા થી વિશેષ નથી. કહી ઉદ્વમુખ કરવું ક્યારેય જરૂરી લાગતું નથી કહી અંતિમ સમયે એકલો જ રહે છે. 
છેલ્લા પ્રકરણમાં કોલેયક ફરી જનમ લેતા પહેલા અદ્રશ્ય દેવાત્મા પાસે સારમેય ને મળવા નરકમાં જવાની મંજૂરી માંગે છે ત્યારે દેવત્માં કહે છે તે હકીકતમાં તે ક્યાંય નથી. સારમેય થકી અહી  સ્વ ઓળખ માટે વિચારતા ,' સ્વ 'ની અવસ્થા વાળા માનવીની વાતો છે.
ખરેખર ફિલોસોફી થી ચણતર કરાયેલું સુંદર નમૂનેદાર પુસ્તક. 
- ટંડેલ તન્વી કે.