અભ્યંતર
abhyantar
ગઝલ સંગ્રહ
પ્રવીણ શાહ Pravin Shah
માતૃભારતી પર મારા બે પુસ્તકો અભ્યસ્ત અને અભ્યસ્ત 2, આપ સૌએ વાંચ્યા છે અને તેમાંની રચનાઓ સૌને ગમી છે. આજે અહીં અભ્યંતરમાં મારા-તમારા દિલની વાતો લખી છે જે આપ સૌને વાંચવી ગમશે તો મને ખૂબ આનંદ થશે. વાંચ્યા પછી આપનો અભિપ્રાય જરૂરથી આપશો.
- પ્રવીણ શાહ
કાયમ હશે...
આજ આડે કાલ પણ કાયમ હશે,
અહીં સમયના દાવ પણ કાયમ હશે.
સૂર્ય જેવો સૂર્ય સાંજે આથમે,
દિન પછી તો રાત પણ કાયમ હશે.
કામ આખી જિન્દગી રહેવાનું છે,
ઊંઘ, ને આરામ પણ કાયમ હશે.
હસ્તરેખાઓ હશે છેવટ સુધી,
એમ તો બે હાથ પણ કાયમ હશે.
રક્ત વહેતું, દિલ ધડકતું રહે સદા,
લાગણીના સ્રાવ પણ કાયમ હશે.
000
પૂછો નહીં...
કો’ પ્રમાદી ક્ષણ વિશે પૂછો નહીં,
ખાલી ઉડતા કણ વિશે પૂછો નહીં.
હોય ટોળે તોય ગૂપચૂપ લાગશે,
એકલા એ જણ વિશે પૂછો નહીં.
સાંજ આવી ઝાંઝવા સૌ પી ગઈ,
રણ વગરના રણ વિશે પૂછો નહીં.
જાળ જ્યાં-ત્યાં પાથરે છે એમને,
પંખીઓના ચણ વિશે પૂછો નહીં.
વાત પોતાની રીતે સમજી જજો,
વાક્યમાંના પણ વિશે પૂછો નહીં.
000
સામેલ છે...
સાંજના શણગારમાં સામેલ છે,
રાતના દરબારમાં સામેલ છે.
ભાવભીની લાગણીથી તરબતર,
પ્રેમના વહેવારમાં સામેલ છે.
ચેતના-ચિંતનમહીં હાજર સદા,
હર હૃદય-ઉદગારમાં સામેલ છે.
એ સકળ અજવાસનું કારણ બને,
ને સ્વયં અંધારમાં સામેલ છે.
જિન્દગીની દોર એના હાથમાં,
કાળના પડકારમાં સામેલ છે.
000
ટપાલમાં વાંચી...
ખાનદાની ટપાલમાં વાંચી,
ઋત દીવાની ટપાલમાં વાંચી.
પહાડને કોરતા વહે ઝરણાં,
એ જુવાની ટપાલમાં વાંચી.
પુષ્પ રહે જ્યાં સદૈવ તાજાં, એ
ફૂલદાની ટપાલમાં વાંચી.
દિલ ઉમંગે ભરાયું ત્યારે, પળ
આસમાની ટપાલમાં વાંચી.
શબ્દ-સૌંદર્ય પાંગરે જ્યાં, એ
કાવ્યબાની ટપાલમાં વાંચી.
000
એ ખોટું...
આ દિવસ એળે જાય એ ખોટું,
સાંજ વેળા પસ્તાય એ ખોટું.
સો નદીઓના નીર પીને પણ,
સાગરો ના છલકાય એ ખોટું.
છે બધે ફરવાની પવનને છૂટ,
કંઈક સાથે લઇ જાય એ ખોટું.
બાગ ખીલી ઉઠે ને એકાએક,
આ હવામાન બદલાય એ ખોટું.
હોઠ કંપીને ચૂપ થઇ બેસે,
ને ઇશારો’ ના થાય એ ખોટું.
દર્દ ઘૂંટાતું રહે સતત દિલમાં,
ને ગઝલ ના લખાય એ ખોટું.
000
ચાલ્યા કરો...
આંખથી છલકાવતા ચાલ્યા કરો,
દર્દને દફનાવતા ચાલ્યા કરો.
ઝાંઝવાની જેમ વહેવું ક્યાં સુધી,
વાદળાં વરસાવતા ચાલ્યા કરો.
ખૂબ ઘૃણા, દ્વેષ ને ઈર્ષા, હવે
પ્રેમને અજમાવતા ચાલ્યા કરો.
જનસમૂહને સહેજમાં સમજાય એમ,
જીવીને બતલાવતા ચાલ્યા કરો.
રીત ભૂલી ને બધી ભૂલી રસમ,
જિન્દગી મહેકાવતા ચાલ્યા કરો.
શબ્દ તો હળવે રહીને જાગશે,
મૌનને અપનાવતા ચાલ્યા કરો.
000
ચૂપકી લગાવી લે...
હોઠ પર ચૂપકી લગાવી લે,
આંખ પરથી પરદો હટાવી લે
નહીં મળે આવા વ્હાલના મોતી,
શુષ્ક છે પાંપણો, સજાવી લે.
કંઇ ન આપે, સિવાય એક ઠોકર,
રસ્તે પથ્થર પડ્યો, ઉઠાવી લે.
હર પળે ઉમ્ર તો વધતી ચાલી,
આવતી ઇચ્છાને વધાવી લે.
શબ્દ આવી ઉભા છે તારે દ્વાર,
એક સારી ગઝલ લખાવી લે.
000
લખજો ગઝલ...
એક પ્યાસી ક્ષણ વિશે લખજો ગઝલ,
ઓસના કામણ વિશે લખજો ગઝલ.
સ્થાન એનું વિશ્વમાં નહિવત હશે,
ધરતીના કણકણ વિશે લખજો ગઝલ.
સાગરોના તટ વિશે તો શું લખો !
ભીતરી કો રણ વિશે લખજો ગઝલ.
આમ તો છે જિન્દગી ઘટના ભરી,
શૂન્યતાની ક્ષણ વિશે લખજો ગઝલ.
પ્રેમ તો છે વેદની ઋચા સમો,
આપણી સમજણ વિશે લખજો ગઝલ.
આપણા સંબંધ તૂટે રોજ અહીં,
કાયમી સગપણ વિશે લખજો ગઝલ.
000
ઉડવા લાગશે...
પાંખ મળતાં જીવ ઉડવા લાગશે,
ક્યાંક કૂણે દિલ ઉતરવા લાગશે.
જોઇ નમતા સૂર્યને અસ્તાચળે,
સાંજ પણ મદહોશ થાવા લાગશે.
ખુશ્બુ રૂપે શબ્દ લઇ આવે પવન,
મન પછી તો શેર કહેવા લાગશે.
કોઇનો જો સાથ હુંફાળો મળે,
પળમાં દિલની આગ ઠરવા લાગશે.
એક કાપો, પણ ઉગાડો વૃક્ષ ચાર,
વીજ ‘ને વાદળ હરખવા લાગશે.
સંતના ગુણો પ્રથમ અપનાવી લો,
વસ્ત્ર જે પહેરો એ ભગવા લાગશે.
000
શું કહેશો તમે...
જોઇ ડહાપણ મારું, શું કહેશો તમે !
આડો-અવળો ચાલું, શું કહેશો તમે !
પ્હાડ ઉભા છે યુગોથી સ્થિર, એમ
હું તસુંય ના હાલું, શું કહેશો તમે !
ગમતિલો કે ના સરળ-સીધો, છતાં
સૌને માફક આવું, શું કહેશો તમે !
ઝંખના સૌ થઇ લીરા-ચીરા, અને
મન એનાથી ઢાંકું, શું કહેશો તમે !
ના કશી આશા કરી લેવા કદી,
કંઇક સૌને આપું, શું કહેશો તમે !
000
મારી કથા...
સ્તબ્ધ થઇ જોતી રહી આખી સભા,
જ્યાં ગઝલમાં મેં કહી મારી કથા.
થઇ અધૂરો ઘટ, ઘરેથી નીકળ્યો,
જોઈ લો શું થઇ પછી મારી દશા.
હાથની રેખા વિષે પૂછો નહીં,
કર્મ મારા ભાગ્યને લખતાં હતાં.
મનનું દર્પણ હર પળે સામે રહ્યું,
હું મથ્યો બહુએ મને ભૂલી જવા.
શ્વાસ છેલ્લો મેં મૂકી દીધો હતો,
ચો-તરફથી એ પળે આવી હવા.
000
એ પછી...
એક મીઠી યાદ આવી એ પછી,
ચાંદ લઈને રાત આવી એ પછી.
એ અહંકારી સૂરજ ડૂબતો રહ્યો,
શીત-લહર લઇ સાંજ આવી એ પછી.
રાત આખીયે પ્રતિક્ષામાં વીતી,
સૌ ઈબાદત કામ આવી એ પછી.
માવઠું એવું અસરકારક રહ્યું,
પ્રેમ-ભીની બહાર આવી એ પછી.
જઈ સભામાં શબ્દ હિલ્લોળે ચઢ્યા,
ને અરવની દાદ આવી એ પછી.
000
વિશ્વાસ લઈને...
ઘડી બે થોભવું છે શ્વાસ લઈને,
ઘણું ચાલ્યો અડગ વિશ્વાસ લઈને.
સભાના મુખ ઉપર પણ પ્રશ્ન જોયા,
ગયો જ્યાં, પ્રશ્ન એવો ખાસ લઈને.
કરો બદનામ ના અંધારને આ,
ઉષા આવે ફરી અજવાસ લઈને.
ભલે દુઃખ હોય કે મનમાં ઉદાસી,
મળું છું સૌને હું ઉલ્લાસ લઈને.
ગઝલનું ચિત્ર મારે દોરવું’તું,
શબદ પાસે ગયો કેન્વાસ લઈને.
000
જડ જેવો થઇ...
વચ્ચે ઉભો જડ જેવો થઇ,
સગપણમાં એ તડ જેવો થઇ.
ડાળ તૂટે તો તૂટવા દેશે,
પોતે ઉભો થડ જેવો થઇ.
અસ્સલને ઓળખવા ના દે,
ચહેરા પરના પડ જેવો થઇ.
ધીમે પગલે ચાલી શકશો,
એ પથરાયો દડ જેવો થઇ.
ઝાકળ એને વહાલું લાગે,
ઉગવા લાગે ખડ જેવો થઇ.
જગ બેસી વિસામો લેતું,
પોતે જીવે વડ જેવો થઇ.
000
કહે એટલું...
હું લખું તો શું લખું ! કહે એટલું.
શું પૂછું શું ના પૂછું ! કહે એટલું,
મોતને પડકારવું સહેલું નથી,
હું મથું કે ના મથું ! કહે એટલું.
સર વિનાના ધડ ફરે છે શહેરમાં,
હું ફરું કે ના ફરું ! કહે એટલું.
મુજ અઢારે અંગ વાંકાં છે, છતાં,
હું ગમું કે ના ગમું ! કહે એટલું.
સ્વપ્ન આપી જિંદગી તો લઇ ગયો,
હું જીવું તો શું જીવું ! કહે એટલું.
આ ધરા પર મન હવે લાગે નહીં,
હું રહું તો ક્યાં રહું ! કહે એટલું.
000
હોવું ટાળવું...
કેટલું દુષ્કર હશે મન વાળવું,
હોય ઈચ્છા, તોય હોવું ટાળવું.
હોય ધુમ્મસ, હોય દ્રશ્યો ધૂંધળા,
એ પળે ગમશે અરીસે ભાળવું.
વેદના બેસે ઘણીયે દૂર જઈ,
ભૂલશો, જો દર્દને પંપાળવું.
છાપરે મૂકી ઉદાસી એ પછી,
સાવ હું ભૂલી ગયો કંટાળવું.
એક પાછળ, બે કદમ આગળ રહું,
સ્થાન મારું એમ કાયમ જાળવું.
-- પ્રવીણ શાહ