અધુરા અરમાનો-૩૮
દિલ્હીની જેલમાં સૂનમૂન બનીને સૂરજ સડતો રહ્યો. એની પાસે પોતાનું કહી શકાય એવું કશું જ નહોતું, હતું તો માત્ર એક અખંડ અરમાન, સેજલને હંમેશ માટે પોતાની બનાવવાની તીવ્ર તાલાવેલી. એ માટે જીંદગી ખોઈ નાખવાનો કે એવો કોઈ વસવસો નહોતો.
પરાણે લગ્ન કરાવીને અમેરિકામાં મોકલાયેલી સેજલ પોતાના પ્રિયતમ સૂરજના વિયોગે ઝુરી ઝુરીને મરવા લાગી હતી. અમેરિકાનું એક અઠવાડિયું તો એણે નર્કાગારની જેમ તરફડી તરફડીને વિતાવ્યું હતું. આવી ઘેલછામાં એ કંઈ ઉંધું ના કરી બેસે એ માટે એના પર નજરબંધી રાખવામાં આવી હતી. છતાંય સૂરજના પ્રેમની વિજોગણ સેજલ વિફરેલી વાઘણની જેમ કોઈને દાવ નહોતી દેતી. એક સવારે એના પતિ દ્વારા એને જુઠ્ઠા અને માઠા સમાચાર સંભળાવવામાં આવ્યા કે પોતે જે સૂરજ માટે થઈને બહાવરી બનીને મરવા બેઠી છે એ સૂરજ તો બિચારો ચાર દિવસ પહેલા જ રેલદુર્ઘટનામાં પ્રભુને પ્યારો થઈ ગયો છે.
અને આટલું સાંભળતા જ એણે ચોથે માંળેથી પડતું મૂક્યું! જે વાલમ કાજે એ વિરહની આગઝરતી યાતના વચ્ચેય જીવતી રહી એ જ એનો વહાલા વાલમ વિના હવે પોતે જીવીનેય શું કરે? જેવો ભૂસકો માર્યો એવી નીચે ઊભેલી મારુતિ ઉપર પટકાઈ પડી. જો એ મારુતિ ઉપર ન પડી હોત તો ક્યારનાય એના રામ રમી ગયા હોત! તાત્કાલિક એને હોસ્પિટલ ભેગી કરવામાં આવી. તાત્કાલિકની ડોક્ટરી સારવાર અને એના સૂરજના કિસ્મતે એને બચાવી રાખી. જાણે સૂરજ સાથે મરવાના આખરી અરમાન ફળવાના નહીં હોય એમ!
"અમે અરમાનોના દીપક પ્રગટાવી બેઠા;
તમ ઈંતજારે અમે જીંદગી જલાવી બેઠા!"
બે જીવ જ્યારે મળીને એકાકાર થઈ જાય અને એ એકમય બની ગયેલા જીવોને સંજોગો જ્યારે અળગા કરી દે ત્યારે થતી વિરહની વેદનાને જેને જાણી હોય, પામી હોય એ જ માણી શકે. કિન્તુ અત્યારની દુનિયામાં દિવાનાઓની દિવાનગીના વિયોગભર્યા દર્દને ભાગ્યે જ કોઈ જાણી શકે છે.
વરસાદના વિયોગે તડપતા ચાતકની જેમ તડપી રહેલા સૂરજની હાલત કોઈથી જોઈ જાય એમ નહોતી. એક દિવસ જેલના મુખ્ય પોલીસ ઓફિસરની નજર કણસતાં સુરજ પર પડી. એમણે લાગણીસભર સાંત્વના આપીને સૂરજની વીતકકથા જાણી. પ્રેમના રંગોથી લથબથ થયેલી સૂરજ-સેજલની પ્રેમ કહાની સાંભળીને એ પોલીસ ઓફિસર લાગણીથી ગળગળો થઈ ગયો! 'સંસારના દિવ્ય પ્રેમની આવી હાલત!' અને સૂરજને એની સેજલ જોડે પહોંચાડવાની હૈયાધારણા આપી. માનવતાના પુજારી એવા એ પોલીસ-ઑફિસરે આઠ દિવસથી જેલમાં પડેલા સૂરજને માત્ર બે દિવસમાં જ છોડાવીને અમેરિકા જવાની બંદોબસ્ત કરી આપી. સૂરજને જરૂરી વસ્તુઓ આપીને અમેરિકાના મુખ્ય સ્થળોની માહિતી સાથે એને અમેરિકા પહોંચાડી દીધો.
છે ને પૂજવાલાયક એક પોલીસ અધિકારીની માનવતા! હજુંય જગતમાં પ્રેમની સત્યતાને પૂજનારા પડ્યા છે. જગતમાં એવા માનવતાવાદી લોકો છે કે જેઓ પ્રેમમાં તરબોળ આશિકોને એમની મંઝીલે પહોંચાડવા પોતાનાથી બનતું અને ન બનતું બધું જ કરી છૂટતા હોય છે. આખું જગત- સમાજ ભલે પ્રેમનો વિરોધી થઈ જાય, કિન્તું આવા બે-ચાર માણસો જો પ્રેમના પડખે આવી ઊભા રહે તો જખ મારે છે આ જગત!
ઘર છોડ્યું, પરિવાર છોડ્યો, ગામ છોડ્યું, સગા- સબંધી ને મિત્રો છોડયા અને આખરે દેશ છોડીને એકવારની ત્યજી દીધેલી પત્નીને- પ્રિયાને પામવા અમેરિકા પહોંચી ગયો! નવો દેશ, નવો પરદેશ ને નવી ધરતી! જેનું ભારતની ભવ્ય ધરતી આગળ કંઈ ના ઉપજે એવી ધૂળમાં રગદોળાઈને સૂરજના ગળેફાંસો આવવા લાગ્યો. કિન્તુ સેજલનો કોઈ પત્તો ન જડ્યો. જે દેશમાં પોતાનું કોઈ સ્વજન નથી, સિવાય કે સેજલ, એ દેશમાં એ લાચાર બની દ્વારે દ્વારે ભટકી રહ્યો હતો. રણમાં જેમ પેલું હરણ મૃગજળની પાછળ દોડે એમ એ દસ દસ દિવસ સુધી સેજલની શોધ મેળવવા પાછળ પડ્યો. આખરે એની દીવાનગીની મહેનત ફળી. ને એ સેજલના દ્વારે જઈ પહોંચ્યો! સેજલ બારણું ઝાલીને ઊભી હતી. જેમ માતાથી વિખૂટા પડી ગયેલું બાળક માતાને જોઈને એની છાતીમાં લપાઈ જાય એમ સુરજ સેજલને જોતાંવેંત દોડીને એની છાતીએ ચોંટી ગયો! મૃત્યુની ખીણમાં સફડાતા માણસને જેમ નવજીવન મળે એમ એ અનહદ ખુશીમાં આવી ગયો. જાણે સ્વર્ગ મળી ગયું હોય એમ! એ બોલ્યો:" સેજલ! મેં તને બહુ દુઃખ આપ્યું છે. મને માફ કરી દે મારી જાન, જાનું! હવે આવો અક્ષમ્ય અપરાધ નહીં કરું! આપણા અરમાનોને હવે હું...!"
એ આગળ બોલે એ પહેલા તો સેજલે એને દૂર હડસેલી દીધો. અને એણે બૂમાબૂમ કરી મૂકી.
કેવા હતા ને કેવા સંજોગો આવીને ઊભા રહી ગયા! જેના માટે જીવ હોડમાં મૂક્યો હતો એણે પળમાં જ આંખોથી અળગો હડસેલી દીધો! રે કુદરત કેવી તારી લીલા!
જેના વિના જીવવાનું હરામ થઈ ગયું હતું; જેના ઇંતેજારે વિજોગણ બનીને આખી રાતોની રાતો વિરહથી કણસી- કણસીને વીતાવી હતી એ સેજલ આજે પોતાનો એકવારનો ભરથાર આંખ સામે હતો છતાંય ઓળખી ન શકી! એને બિચારાને ધક્કા મારી મારીને ધુત્કારી જ કાઢ્યો. જે આંખો માત્રને માત્ર સૂરજને જ જોવા જંખતી હતી એ જ આંખો બિચારા સૂરજને ઓળખી ન શકી! કિન્તું એનોય બિચારીનો ક્યાં વાંક હતો! વાંક તો હતો એના ફૂટેલા નસીબનો કે એ સૂરજને ભૂલી ગઈ. ભૂલી ભૂલી ને સાવ ભૂલી ગઈ! એ જાણી જોઈને નથી ભૂલી પણ સંજોગોએ એને મજબૂર રાખી હતી.
બન્યું એવું કે જે દિવસે એ ચોથા માળેથી પટકાઈ હતી એ ભયંકર ગોઝારા અકસ્માત દરમિયાન પોતાની એક આંખ અને સ્મરણશક્તિ સાવ ગુમાવી બેઠી હતી. પોતાના ભવ્ય ભૂતકાળને, અતીતનો આયનાો એનાં દિલ-દિમાગમાંથી સદંદર ભૂંસાઈ ગયો હતો. એક આંખની રોશની નાશ પામવાથી એની જગ્યાએ નવી આંખ તો લગાવી દીધી કિન્તુ એનો મોહબતના વારસા જેવો ભપકાદાર અતીત પાછો મેળવી શકી નહીં. અને એ કારણે જ એ બિચારા સૂરજને ઓળખી શકી નહીં.
કુદરત પણ મારો વાલમો કેવા કેવા ખેલ ખેલે છે? બિચારા બાપડા એવા માણસ પાસે કેવી-કેવી હરકતો કરાવે છે! જે વ્યક્તિઓને એક કરવામાં જેણે કંઈ જ બાકી રાખ્યું ન હતું; જેને પ્રેમલગ્નની અપાર મંઝિલ આપીને ખુશીઓથી ભરી ભરી જિંદગી જીવવાનો અવસર આપ્યો હતો એ જ ઈશ્વરે આ બંનેને કેવી ગર્તામાં મૂકી દીધા! કુદરતની લીલાને કોણ પારખી શકે?
જેના કાજે દેશ-દુનિયા અને પોતાનું સર્વસ્વ છોડીને અમેરિકા આવ્યો હતો. એણે જ આમ કૂતરાની માફક ધિક્કારીને કાઢી મૂક્યો! એ વખતે સૂરજની બિચારાની હાલત કેવી થઈ હશે? તેમ છતાંય સૂરજે સેજલ વિશે કુવિચારો ન કર્યા. એને તો એમ જ હતું કે પોતાના આવા દૂબળા દીદારથી સેજલ પોતાને ઓળખી શકી નહીં હોય. તેથી ગભરાઈને આવું કર્યું હશે. પણ પાછો એક વિચારે એને છંછેડ્યો:" ગમે તે હોય પરંતું એકવારની સેજલ અંધારી રાતમાં માત્ર સ્પર્શથી, અવાજથી પારખી જતી હતી એ અત્યારે કેમ પોતાને પારખી ન શકી?" કિન્તુ સૂરજે પોતાના મમને આવા વિચારો કરતાં રોક્યો. 'ના, ના મારી પ્રિયતમા આવી નઠારી તો ન જ થઈ શકે કે પોતાને આમ કરીને ઓળખી ન શકે?'
સેજલના ઘરના સામેની ફૂટપાથ પર ભૂખ-તરસનો કોળીયો બનીને એણે રાત વિતાવી. કિન્તુ એવી જ હાલતથી સવારે જાકારો મળ્યો જેવો પહેલી મુલાકાતમાં મળ્યો હતો. એમને એમ પાંચ દિવસ સુધી ચાલતું રહ્યું. સેજલના મિલનનો, પ્રેમનો ભૂખ્યો એ ગટરનું ગંદુ પાણી પીને જીવતો રહ્યો. હવે તો એને જિંદગીનું સત્ય સમજાઈ ગયું હતું. ટાણે ખરેખર પોતાના જ પારકા થઇ જાય છે એ કહેવત સાંભરી આવી. જેની ખાતર મોતની મુશ્કેલીઓ વેઠીને અહીં આવ્યો હતો એ હવે એને વિસરી ગયું હતું!
'દેશ છોડ્યો, લોહીનો સ્નેહસબંધ છોડ્યો, મિત્રોની માયા છોડી, સાજનાએ સાથ છોડ્યો! રે જીવડા, હવે કોના કાજે જીવવું?' એમ વિચારતા વિચારતા એને સાતેય ભવ યાદ આવી ગયા. પરિવારની લાગણીને, મિત્રોના સ્નેહને અને સેજલ સાથેના ભવ્ય ભૂતકાળના પ્રેમને સાંભરીને એ ખુબ રડ્યો, ખુબ જ રડ્યો. પરંતુ હવે આમ રડવામાંય ક્યાં કંઈ સાર હતો! હાથે કરીને આવું ભયંકર ભવિષ્ય મેળવ્યું હતું.
"પાગલ બની ભટકી રહ્યો તારી પ્રેમ ગલીમાં;
તું પગલી આમ કેમ તડપાવે છે મને?"
-ક્રમશ: