Mari ketlik mictofiction ane laghuvartao - 3 in Gujarati Short Stories by Valibhai Musa books and stories PDF | મારી કેટલીક માઈક્રોફિક્શન અને લઘુવાર્તાઓ - 3

Featured Books
Categories
Share

મારી કેટલીક માઈક્રોફિક્શન અને લઘુવાર્તાઓ - 3

મારી કેટલીક માઈક્રોફિક્શન અને લઘુવાર્તાઓ

(ભાગ –૩)

(૮) જ્યાં માણસ હોદ્દો બની જાય છે!

વિદ્યુતબૉર્ડના એ મુખ્ય ઇજનેર નવીન વીજજોડાણો અને રાડ-ફરિયાદોનાં લોકોનાં કામો એટલી ત્વરિત રીતે પતાવવા માંડ્યાં કે ખાસ કરીને ખેડૂતોએ તો તેમને ભગવાનનો દરજ્જો આપવાનું જ બાકી રાખ્યું હતું. બારેક મહિનાના એ સબસ્ટેશનમાંના તેમના કાર્યકાળમાં લોકજીભે ‘મલેક સાહેબ’…’મલેક સાહેબ’ નામ એવું રમતું થઈ ગએલું કે તેમની બદલી થતાં તેમની જગ્યાએ આવતા જતા નવીન સાહેબોને પેલા ખેડૂતો ‘પટેલ મલેક સાહેબ’, ‘દરજી મલેક સાહેબ’, ‘જોશી મલેક સાહેબ’, ‘પરમાર મલેક સાહેબ’ એ રીતે જ સંબોધવા કે ઓળખવા માંડ્યા હતા. ફરજનિષ્ઠા માણસને કેટલો ઊંચે લઈ જઈ શકે તેનો આનાથી વધારે સબળ પુરાવો બીજો કયો હોઈ શકે કે જ્યાં માણસ હોદ્દો બની જાય છે!

-વલીભાઈ મુસા

***

(૯) ‘લે લેતો જા, લે લેતો જા!’

હાઈવેની એ હોટલ આગળ બસ ઊભી રહી કે તરત જ તેનાં પેસેન્જર ટપોટપ નીચે ઊતરીને ડ્રાઈવરને ઘેરી વળ્યાં.

‘એય ડ્રાઈવર, આટલી બેફામ બસ દોડાવે છે; તે અમને બધાંને અમારા ઘરે પહોંચાડવાં છે કે ઉપર?’ મેં ધમકીભર્યા અવાજે કહ્યું.

’એ કંડક્ટર, આ લોકોની ટિકિટો ઉપર તારી સહીઓ કરીને એમને બીજી બસોમાં રવાના કરી દે અને તારા વે-બિલમાં લખી નાખ કે ગાડી ‘બ્રેક ડાઉન’! આવાં ફટુ મુસાફરોને લઈને આ બસ હવે આગળ નહિ જાય.’

‘બાઈડી સાથે ઝઘડો કરીને નોકરીએ આવ્યો છે કે શું?’

‘જાઓ ‘હા’, અને એ મારી અંગત વાતમાં માથું મારો નહિ.’

‘લે, તારી અંગત વાતમાં માથું ન મારીએ; પણ તારા માથા ઉપર ખાસડાં તો મારીએ કે? સુવ્વર, અમારી વાત સાંભળતો નથી અને તારું જ હાંક્યે જાય છે!’ એક ડોશીમા બગડ્યાં.

‘આ કંડક્ટરને પૂછો મારી ત્રણ વર્ષની નોકરીમાં એકેય કૂતરાને પણ માર્યું છે? બધાય કંડક્ટર ફટુ છે અને આ એકલો જ મર્દનું બચ્ચું છે અને અમારી બંનેની સાથે જ નોકરી હોય છે. હું ગાડી રિવર્સમાં પણ ઝડપથી હંકારું છું, પણ કોઈ મને ઘરભેગો કેમ કરતું નથી? મારો બાપ મને પરાણે નોકરી કરાવવા માગે છે અને મારે ડ્રાઈવરી કરવી નથી!’

આ રકઝક ચાલતી હતી, ત્યાં તો એક સફેદ એમ્બેસેડર આવી. તેમાંથી એક સાહેબ ઊતર્યા. કંડક્ટર તેમને ઓળખી ગયો અને તેમને સલામ ભરી. પેલા સાહેબે ડ્રાઈવરને એક તમાચો જડી દીધો અને ઑર્ડર કરી દીધો, ‘મારી એમ્બેસેડરની પાછળપાછળ તારે આગળના ડેપો સુધી બસ હંકારવાની છે. જો મને ઓવરટેક કરીશ તો મરી ગયો સમજજે. આ રિવોલ્વર જોઈ લે. નાલાયક, હું તારી પાછળપાછળ આગળના બસ સ્ટેન્ડથી આવું છું. મેં સતત હોર્ન વગાડ્યે જ રાખ્યું છતાં તેં મને જ સાઈડ નથી આપી! મારી સાથે રેસ કરતો હતો?’

‘પણ…પણ તમે કોણ છો અને મને તમાચો….?’

‘પૂછ તારા કંડક્ટરને, એ મને ઓળખતો લાગે છે.’

‘એ પાગલ, આ આપણા ડિવિઝનલ કન્ટ્રોલર કેપ્ટન ભરૂચા સાહેબ છે!’

પારસી બાવા ભરૂચા સાહેબ મિલિટરીમાંથી વહેલી નિવૃત્તિ લઈને એક્સ સર્વિસમેન તરીકે સીધા જ આ ઊંચા હોદ્દાએ નિયુક્તિ પામ્યા હતા.

‘સાહેબ, હમણાં અમને આ જનાવર કહેતો હતો કે કોઈ મને ઘરભેગો કેમ કરતું નથી? હવે સાહેબ એ બિચારાની ઇચ્છા પૂરી કરો!’ પેલાં માજી બોલ્યાં.

‘આગળના ડેપોએ તમારાં સ્ટેટમેન્ટ લઈને એ જ કરવાનું છે, તમે લોકો બસમાં બેસી જાઓ. ગભરાશો નહિ. એ મારી પાછળ જ રહેશે. આમ તો તેને હાલ જ ફરજ ઉપરથી ઊતારીને મારા ડ્રાઈવરને બસ હંકારવાનું કહી શકું, પણ કાનૂની કાર્યવાહી થયા સિવાય તેને બરતરફ ન કરી શકાય.’

એમ્બેસેડર પ્રમાણિત ઝડપે આગળ વધતી રહી અને એરંડિયું પીધેલા જેવા મોંઢે એ ડ્રાઈવર અમારી બસ હંકારતો રહ્યો. થોડીકવાર તો બસમાં ચૂપકીદી છવાયેલી રહી, પણ ઓચિંતાનાં પેલાં માજીએ તેનો હુરિયો બોલાવવો શરૂ કરી દીધો, ‘લે લેતો જા, લે લેતો જા!’

બસનાં તમામ મુસાફરોએ સાદ પુરાવ્યો, ‘લે લેતો જા, લે લેતો જા!

***

(૧૦) ભ્રષ્ટ નોકરશાહો કેવા માટીપગા હોય છે!

(નીચેની એવી એક આફ્રિકન દેશની ભ્રષ્ટાચારની એકમાત્ર અજીબોગરીબ ઘટના જ વિશ્વનાગરિકોને ઘણા સંદેશાઓ આપી જાય છે.)

***

નગરના એ પ્રતિષ્ઠિત વેપારીની આવકવેરાની સ્કુટિનીમાં એ પેઢીના થાપણદાર બે ખેડૂતોને આવકવેરા અધિકારીએ પૂછપરછ માટે રૂબરૂ બોલાવ્યા હોય છે. આ તેમનો ત્રીજો ધક્કો હોય છે. પેઢીના વકીલે એ ખેડૂતોનાં કબૂલાતનામાં પણ રજૂ કર્યાં હોય છે કે તેઓ ખેડૂત હોવાના કારણે તેમની કરમુક્ત ખેતીની આવક ઉપરાંત બિનખેતીની આવક પણ મુક્તિમર્યાદાથી વધતી ન હોવાના કારણે કોઈપણ આવકવેરાને પાત્ર થતા નથી. આમ તેમને મળેલી વ્યાજની આવકમાંથી આગોતરી કરકપાતનો પણ સવાલ ઊભો થતો ન હોઈ તે અંગેનાં નિર્ધારિત ફોર્મ પણ રજૂ કર્યાં હોય છે. વળી કાયદાની જોગવાઈ પ્રમાણે પેલા વેપારીની સ્ક્રુટિનીની તપાસમાં પેલા ખેડૂતોની અનામત અંગેનો કોઈ ઉલ્લેખ પણ થયો હોતો નથી. આમ છતાંય એ બિચારા ખેડૂતોને ઑફ ધી રેકોર્ડ એટલા માટે બોલાવવામાં આવી રહ્યા હોય છે કે જેથી પેલા પેઢીના માલિક ઉપર માનસિક દબાણ લાવી શકાય અને લાંચરુશ્વત મેળવવા માટેનો માર્ગ મોકળો બની રહે. સર્વત્ર પોલિસ ખાતા વિષે એવી ઉક્તિ પ્રચલિત છે કે ‘જમનું તેડું આવજો, પણ જમાદારનું નહિ!’ પરંતુ આજકાલ એ પોલીસની વર્ધી કરતાં પણ વધારે ખતરનાક આ સફેદ વસ્ત્રધારી અધિકારીઓ ગણાતા હોય છે, જે પ્રમાણિક નાગરિકોને પણ કાયદાની એવી આંટીમાં લઈ લે કે સામેવાળાના છક્કા છૂટી જાય.

ત્રસ્ત થઈ ગએલા પેલા ખેડૂતોએ પેઢીના વકીલને આખરી અલ્ટીમેટમ આપી દીધું હોય છે કે એ દિવસે એમનાં સ્ટેટમેન્ટ નહિ લેવાય અને હજુપણ ચોથી મુદ્દત આપવામાં આવશે તો તેઓ પેલા અધિકારીની ઑફિસમાં ઘૂસી જઈને સઘળો મામલો પોતાની મેળે પતાવી દેશે.

થાપણદારો પેઢીના માલિકના સગાવહાલા હોય છે અને તેમણે સાચે જ બેંકવ્યવહારથી સાચી જ થાપણો આપેલી હોઈ તેમનું નૈતિક મનોબળ મજબૂત હોય છે. પેઢીના માલિક પક્ષે પણ એટલી જ મક્કમતા હોય છે કેમ કે પેલા ભ્રષ્ટ અધિકારીએ ખોટી હેરાનગતિ દ્વારા અમર્યાદ મોટી રકમની લાંચની માગણી કરી હોય છે. વળી તેમના વકીલે એવી પાકી હૈયાધારણ આપી હોય છે કે આગળ અપીલમાં જતાં તેમનો કેસ નીકળી જશે અને તેઓ અચૂક વિજયી બની રહેશે.

પેલા ખેડૂતોની ધારણા પ્રમાણે જ હેડ ક્લાર્કે તેમને ચોથી મુદ્દત આપી હોય છે અને તેઓ ધૂંઆંપૂઆં થતા પેલા અધિકારીની ઑફિસમાં ઘૂસી જઈને બૂમબારાડા શરૂ કરી દેતા હોય છે.

તેઓ તેમનો આક્રોશ આ શબ્દોમાં ઠાલવે છે : ‘એ લાંચિયા, અમારા જવાબો લે છે કે પછી આ ત્રીજા માળની તારી પાછળની બારીએથી ભૂસકો મારીને અમે આપઘાત કરી લઈએ. અમે અમારાં બૈરાંછોકરાંઓને માફ કરાવીને સ્થાનિક મેજિસ્ટ્રેટ, પોલિસ વડા અને સમાચારપત્રોને મોકલવાની પ્રેસનોટ્સ વગેરેનાં કવરો આપીને આવ્યા છીએ. એમાં ચોખ્ખું લખ્યું છે કે આ અધિકારી અમને ખોટી રીતે હેરાન કરી રહ્યો છે અને માનસિક ત્રાસ આપી રહ્યો છે, જેનાથી કંટાળીને અમે આપઘાત કરવા મજબૂર બન્યા છીએ.’

આટલું સાંભળતાં જ પેલો અધિકારી એટલો બધો હતપ્રભ બની જાય છે કે પોતાના પટાવાળાને અંદર બોલાવવા માટે તે એકધારી કૉલબેલ વગાડ્યે જ રાખે છે. જોતજોતાંમાં આખો સ્ટાફ ઑફિસમાં આવી જાય છે. એક પટાવાળો તેમની ખુરશી પાસે જઈને સતત વાગ્યે જતી કૉલબેલ ઉપરની આંગળીને ખસેડાવી દે છે અને બીજો પટાવાળો ટેબલ ઉપરનો પાણીનો ગ્લાસ આગળ ધરી દે છે. ઑફિસમાં એ.સી. હોવા છતાં પરસેવાથી રેબઝેબ એ આયકર અધિકારી પોતાની છાતી ઉપર હાથ દબાવી રાખતો એક ઈન્સપેક્ટરને કહે છે કે આ લોકોનાં સ્ટેટમેન્ટના કોરા કાગળ ઉપર તેમની સહીઓ લઈલઈને તેમને તાત્કાલિક જવા દે અને એ લોકો જાય પછી જ એમ્બ્યુલન્સને બોલાવી લેવામાં આવે.’

પેલા બે જણા અદબ વાળીને સ્થિતપ્રજ્ઞ ઊભા રહીને સઘળો તમાશો જોતા રહે છે. તેમના પેટનું પાણી પણ હાલતું નથી હોતું. તેઓ મનોમન વિચારતા હોય છે કે લૂખી ધમકી પણ મક્કમતાથી આપવામાં આવતી હોય તો કેવી અસર કરી શકતી હોય છે અને ભ્રષ્ટ નોકરશાહો કેવા માટીપગા હોય છે!

***

(૧૧) ’ના, લંગોટીભેર!’

છેલ્લી ત્રણ પેઢીથી એ લોકો સરકારે આંકી આપેલી ગરીબીરેખાની લગોલગ જીવી રહ્યાં હતાં, ન ઉપર ન નીચે!!! તેઓ ગરીબીરેખાથી સ્હેજ નીચે હોત તો વિના સંકોચે ભીખ માગીને આરામની જિંદગી જીવી શકતાં હોત, તો વળી તેઓ ગરીબીરેખાથી થોડાંક ઉપરની સ્થિતિએ હોત તો પેટભર ખાધા પછી કોઈ ભૂખ્યાને થોડીક ભીખ આપવા માટે પણ શક્તિમાન બન્યાં હોત! આમ ત્રિશંકુ જેવી તેમની હાલની આર્થિક સ્થિતિ ન તો તેમને ભીખ માગવા દેતી હતી, ન તો ભીખ આપવા દેતી હતી. પ્રાથમિક શિક્ષણ ફરજિયાત હતું, માટે જ તો એ ત્રણેય પેઢીઓ કૉર્પોરેશન હસ્તકની પ્રાથમિક શાળાઓમાં સાત ધોરણ સુધી ભણી હતી; પરંતુ મરજી હોવા છતાં એ લોકો આગળનું મરજિયાત શિક્ષણ મેળવી શક્યાં નહોતાં. આમ અપૂરતા ભણતરના કારણે તેમને વ્હાઈટ તો શું બ્રાઉન પણ નહિ એવા કૉલરની નોકરી મળી શકી ન હતી અને કાળી મજૂરી થકી પહેરણના કાળા કૉલર કરવા સિવાય તેમની પાસે કોઈ વિકલ્પ બચ્યો ન હતો.

એ રાત્રિએ ખડધાન્ય કુરીની ખીચડી અને ભેળસેળ નિયંત્રણ ધારાનો ભંગ કરીને ડેરીની છાશની એક કોથળીને ત્રિગુણિત કરી લીધા પછી તેના વડે બનાવેલા ડુઆને માટીની તાવડીઓમાં લિજ્જતથી સબડકા સાથે પીતા જઈને વચ્ચેવચ્ચે ડુંગળી કે લીલા મરચાને બટકતા જતાં ત્રણેય પેઢીના એ પુરુષો પોતપોતાના ભણતરકાળને વાગોળવા માંડ્યા. ભોજ્યેષુ માતા સમાન એ પહેલી પેઢીની વૃદ્ધા વચ્ચે ટપકી પડતાં અજાણપણે અર્થશાસ્ત્ર ભણાવવા માંડી, આ શબ્દોમાં; ‘અલ્યાં એ જણો સાંભળો. આ ડોકરો કે’તો તો કે ઈંયાંની મા ઈંયોના જલમના દાડે ઈંયોના કિલાસનાં છોરાંને વહેંચવા માટે માતર બનાવી આપતી હતી. પસ મારો વારો આયો તીં મીં માતરના બદલે હુખડી (સુખડી) બનાવ્વા માંડી, અન હવ આ વઉ બાફેલા ઘવની ઘૂઘરી આલે સે!’

કૉર્પોરેશનના રિઝર્વ પ્લૉટમાંની ઝૂંપડપટ્ટીના આ ઝૂંપડાની લગોલગની સોસાયટીના ફ્લેટમાં રહેતા સેલ્સટેક્ષ અને ઈન્કમટેક્ષની પ્રેક્ટિસ કરતા એ વકીલ સાહેબ જમીપરવારીને કમ્પાઉન્ડ વૉલ પાસેના બાંકડે બેઠાબેઠા એ લોકોની વાતો સાંભળી રહ્યા હતા. પેલી વૃદ્ધાની માતર, સુખડી અને ઘૂઘરીની ઊતરતી ભાંજણીની કથની સાંભળીને એ વકીલ મહાશય એ ઝૂંપડા પાસે આવી જઈને એ લોકોને પોતાના વ્યવસાયની ભારેખમ વાત સમજાવતાં કહેવા માંડ્યા કે છેલ્લાં ૩૪ વર્ષોમાં વધતા જતા કૉસ્ટ ઈન્ફ્લેશન ઇન્ડેક્ષના પ્રતાપે તમારા લોકોની માતર ઘૂઘરીમાં ફેરવાઈ ગઈ અને આમ ને આમ પરિસ્થિતિ ચાલુ રહી તો તમારી ચોથી પેઢીના છોકરા કે છોકરીના જન્મદિને તેના વર્ગમાં ગૉળની નાનીનાની ગોળીઓ વહેંચવાના દહાડા આવશે, સમજ્યાં!’

‘શાયેબ, એ ગટુડપટુડ શું બોલ્યા?’

‘સાવ દેશી ભાષામાં કહું તો આપણો રૂપિયો; જો કે તે કદીય કાકો તો હતો જ નહિ, છતાંય માની લઈએ કે એ કોઈ કાળે કાકો હતો, તો હવે એ કાકો મટીને વર્ષોવર્ષ ભત્રીજાનોય ભત્રીજો થવા માંડ્યો છે. ૧૯૮૧ની સાલમાં સરકારે ફુગાવાનો આંકડો ૧૦૦ નક્કી કર્યો હતો, આજે તે આંકડો ૧૦૨૪ છે. આમ આપણી મોંઘવારી લગભગ દસ ગણી વધી કહેવાય. સીધો હિસાબ સમજાવું તો ૧૯૮૧માં જે વસ્તુ ૧૦૦ રૂપિયામાં મળતી હતી એ હવે ૧૦૦૦ રૂપિયામાં મળે! હવે તમને લોકોને સમજાયું મારું ગટુડપટુડ?’

આ સાંભળતાં જ વડીલ બોલી ઊઠ્યા, ‘ તો તો સરકાર ગાંધીબાપુની જેમ લોકોને પોતડીભેર કરી દેશે કે શું?’

ત્રીજી પેઢીનું છઠ્ઠા ધોરણમાં ભણતું છોકરું બોલ્યું, ’ના, લંગોટીભેર!’

સૌ ખડખડાટ હસી પડ્યાં.

-વલીભાઈ મુસા