The first half - 6 in Gujarati Fiction Stories by Virajgiri Gosai books and stories PDF | ધ ફર્સ્ટ હાફ - 6

Featured Books
Categories
Share

ધ ફર્સ્ટ હાફ - 6

“ધ ફર્સ્ટ હાફ” (ભાગ – ૬)

વિરાજગીરી ગોસાઈ

રાત્રે ૧૧ વાગ્યા હતા. હું મારા રૂમની બાલ્કનીમાં ઉભો ઉભો દિપાલી સાથે ફોનમાં વાત કરી રહ્યો હતો. આ હવે મારી લગભગ રોજની આદત બની ગઈ હતી. દિપાલી રાત્રે સુતી વખતે બ્લેન્કેટને માથા સુધી ઓઢી લેતી જેથી કરીને કોઈને ખબર ના પડે કે તે મારી સાથે ફોનમાં વાત કરે છે અને આ વાતની ખબર તેની મોટી બહેન એટલે કે જયની ગર્લફ્રેન્ડ સિવાય કોઈને ન હતી. દિપાલી સાથે મારા ફોન ચાલુ થયા તે પહેલા હું જયને હંમેશા કહ્યા કરતો કે તું ગર્લફ્રેન્ડ સાથે આટલી શું વાતો કરે છે અને એ પણ રોજ રોજ! અને ત્યારે જય એક જ વાત કહેતો કે તારી કોઈ ગર્લફ્રેન્ડ બનશે કે સગાઇ થશે ત્યારે તને ખબર પડી જ જશે. હા, હવે મને ખબર પડી ગઈ હતી કે જય સાચું કહેતો હતો. જયારે કોઈ છોકરી તમારી ‘જસ્ટ ફ્રેન્ડ’ હોય ત્યારે તેના દ્વારા અપાતા ટૂંકા જવાબો જેમ કે, ‘હમમ’, ‘ઓકે’ વગેરેના તમે લાંબા લાંબા મેસેજ લખીને વાત લંબાવવાનો પ્રયત્ન કરતા હોવ છો પરંતુ જયારે કોઈ છોકરી તમારી ગર્લફ્રેન્ડ હોય ત્યારે તમે એની સાથે આવું નથી કરી શકતા. તમારે તેના લાંબા પ્રશ્નો ના લાંબા જવાબો આપવા જ પડે છે.

“કેમ ભાઈ? શું વાતો કરે છે કલાકો સુધી ફોનમાં?” જય બાલ્કનીનું બારણું ખોલીને થોડું જોરથી બોલ્યો, ખાસ મને સંભળાવવા.

“હમમ” મેં કહ્યું અને અમે બંને હસવા લાગ્યા.

“શું થયું?” દિપાલીએ મને પૂછ્યું.

“કઈ નહિ. જય હતો” મેં કહ્યું.

“અચ્છા સાંભળને, તું અમદાવાદ ક્યારે આવવાનો છે? મારે તને જોવો છે. મારે તને મળવું છે”

“હમમ” મેં કહ્યું.

“શું હમમ? તારું ધ્યાન ક્યાંક બીજે જ છે. હું જ ગાંડી છું જે એકલી એકલી બબડ્યા કરું છું. હું ફોન મૂકું છું. બાય” તેને ગુસ્સામાં આવીને ફોન મૂકી દીધો.

મને અહેસાસ થયો કે મેં ખોટા સમયે ખોટો પ્રત્યુતર આપ્યો હતો. મારા ચહેરા પર સ્મિત આવી ગયું. તેણીનો ગુસ્સામાં આવીને ફોન મૂકી દેવો તો એક બહાનું હતું, ખરેખર તો તેનો ફોન હવે તેની બહેનને આપવાનો સમય થઇ ગયો હતો. તે બંને બહેનો વચ્ચે એક જ ફોન હતો અને રાત્રે ૧૧:૦૦ વાગ્યા પછી તેણીને ફોન તેની મોટી બહેનને આપવો પડતો હતો જેથી તે જય સાથે વાત કરી શકે. હું રૂમમાં પ્રવેશ્યો ત્યારે જય ફોનમાં વાત કરી રહ્યો હતો. હું બેડમાં સુતો અને પંખા સામે જોતો દિપાલીએ આપેલા અમદાવાદ આવવાના ઇન્વીટેસન વિશે વિચારી રહ્યો હતો. પહેલીવાર કોઈ છોકરીએ મને એવું કહેલું કે તે મને મળવા માંગે છે, તે મને જોવા માંગે છે. અલબત હું પણ તેને મળવા માંગતો હતો, જોવા માંગતો હતો પરંતુ તેના કરતા વધારે મને ગુજરાતી ફિલ્મ ઉદ્યોગની ઘેલછા હતી. ફિલ્મો કેવી રીતે બને છે એ જોવા માંગતો હતો, ફિલ્મો બનાવવા માંગતો હતો. સુરતથી ચાર કલાકની મુસાફરી કરીને અમદાવાદ દિપાલીને મળવાને બદલે ફિલ્મ ઉદ્યોગ વિશે જાણવાના મારા સ્વાર્થી વિચારે મારા ચહેરા પર સ્મિત લાવી દીધું.

“કોના વિચારોમાં છે એલા?” જય તેનો ફોન મૂકતા બોલ્યો.

“કોઈના નહિ. તારી વાત બહુ જલ્દી પતી ગઈ આજે?” મેં કહ્યું.

“હા આજે થોડી કામમાં છે એ, મહેમાન રોકાયા છે એના ઘરે”

“અચ્છા જય, આ અમદાવાદ જવા માટે કાઈ ટ્રેન બ્રેન છે કે નહિ? કાઈ આઈડિયા છે?” મેં અચકાતા પૂછ્યું.

“હા છે ને. ઘણી ટ્રેઇનો છે. પણ આ અમદાવાદ, અચાનક?” જય મને પૂછવા લાગ્યો.

“કાઈ નઈ, એમ જ. એક ફ્રેન્ડને મલવા જાવું’તું” મેં શક્ય એટલું ટૂંકમાં કહ્યું.

“ફ્રેન્ડ?” જય આંખોના નેણ ઊંચા કરીને બોલ્યો.

“કેમ? ના હોય?”

“હોય ને. કેમ ના હોય? પણ અમદાવાદમાં તારી એવી તે કઈ ખાસ ફ્રેન્ડ રયે છે કે તારે એને મળવા છેક અમદાવાદ જાવું પડે?” જય મારી પાસે સાચું બોલાવવા માટે પ્રયત્ન કરવા લાગ્યો.

“કેમ એવી ફ્રેન્ડ એટલે? મેં ક્યાં એમ કીધું કે તે છોકરી છે?”

“તે નથી કીધું પણ જીજ્ઞાએ મને કીધું”

“એનીમાને. એલા તકલીફ છે આ તો” મ કહ્યું.

“કેમ?” જયને આશ્ચર્ય લાગ્યું.

“બધું એકબીજી ને કઈ દયે છે”

“તે બેઈ છોકરીઓ છે ઋષિ અને અધૂરામાં પૂરું તે બેય બહેનો છે” જય બોલ્યો.

“હા એતો છે” મેં કહ્યું.

“તો ક્યારે આ રવિવારે જાય છે?”

“હા પ્લાન તો એવો જ છે”

“વિચાર કરવાનું મૂક, આપણે આ રવિવારે જ જઈએ” જય તેનો ફોન બેટરી ચાર્જ કરવા મૂકતા બોલ્યો.

“એક મિનીટ એક મિનીટ, ‘આપણે’ જઈએ મતલબ?” મને જયે કહેલી વાત પર આશ્ચર્ય થયું.

“મતલબ એ કે અમદાવાદ તું એકલો નથી જવાનો, હુય હારે આવવાનો છું. જીજ્ઞા ય દિપાલીની હારે આવવાની છે તો એને મનેય બોલાવ્યો છે” જય બોલ્યો.

“ઓહ, ફૂલ પ્લાન. સારું ત્યારે, મારેય એકલા નઈ જાવું પડે” મેં કહ્યું.

“અને કાલે કઈક તારે ને ઓમને ઓલા પ્રોગ્રામમાં જવાનું છે ને?” જયે મને પૂછ્યું.

“કયો પ્રોગ્રામ?”

“ઓલો હવે, એન્વાયમેન્ટ ડે નું કઈક છે ને કાલે?” જય ચાદર હાથમાં લેતા બોલ્યો.

“અરે હા, અમારે બેયને જાવાનું છે. બેય નો પેલ્લો નંબર આવ્યો ભાઈ” મેં કહ્યું.

“એના માટે કોન્ગો કોન્ગો પણ ફિલહાલ ગૂડ નાઈટ” જય બોલ્યો અને ચાદર ઓઢી ગયો.

“મેં પણ ગૂડ નાઈટ કહ્યું અને હું પથારીમાં સુવા પડ્યો. હું મનમાં ને મનમાં ખુશ થઇ રહ્યો હતો કે જય સાથે આવે છે તો જીજ્ઞા અને દિપાલી તેની સાથે રહેશે અને મને થોડો સમય મળી જશે. થોડીવાર બાદ મને જ મારા વિચાર પર હસવું આવી ગયું. હું મારી ‘રેડીમેડ’ ગર્લફ્રેન્ડને મળવા જઈ રહ્યો હતો અને ત્યાં જઈને એની સાથે સમય પસાર કરવાને બદલે હું મારા એવા મિત્રોને મળવાનો હતો જે ફિલ્મ ઉદ્યોગ સાથે સંકળાયેલા હતા. અચાનક હું મારા વિચારોમાંથી બહાર આવ્યો અને મારો ફોન હાથમાં લીધો. મેં મારા કોલેજકાળના એક મિત્ર વિશાલ કે જે અમદાવાદમાં ગુજરાતી નાટક તેમજ દૂરદર્શન પર આવનારી કેટલીક સિરીયલોમાં એક્ટિંગ કરતો હતો તેને એસ.એમ.એસ કર્યો, “હું રવિવારે અમદાવાદ આવું છું, શક્ય હોય તો મળજે”

***

હું સવારે વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી માં સમયસર પહોચી ગયો હતો. વાસ્તવમાં થયું હતું એવું કે વિશ્વ પર્યાવરણ દિવસના એક દિવસ પહેલા મને અને ઓમને ફોન આવેલા કે મારી કવિતા અને ઓમનો નિબંધ ફર્સ્ટ પ્રાઈઝ માટે સિલેક્ટ થયા હતા. એડમીન ડીપાર્ટમેન્ટમાંથી ફોન આવ્યો હતો કે મારે અને ઓમને કંપની દ્વારા યોજાનાર “વર્લ્ડ એન્વાયમેન્ટ ડે સેલીબ્રેસન” કાર્યક્રમમાં હાજર રહેવાનું હતું અને એવોર્ડ પણ જાતે જ લેવાનો હતો. અમે બેય ખૂશ હતા કેમ કે આટલા મોટા સ્ટેજ પર અમારે અવોર્ડ લેવા જવાનું હતું એ પણ પ્રથમ નંબર માટે. મારી જેમ જ બીજા જે જે લોકોની કૃતિઓ અવોર્ડ માટે પસંદ કરવામાં આવી હતી તે લોકો તેમના નામ બોલવાની રાહ જોઈ રહ્યા હતા અને જેઓ ફક્ત કાર્યક્રમ જોવા આવ્યા હતા તેઓ કાર્યક્રમ પૂરો થવાની રાહ જોઈ રહ્યા હતા જેથી અંતમાં સમોસા ખાઈને ઘરે જઈ શકે. કોઈપણ કાર્યક્રમમાં જયારે તમને ખબર હોય કે તમારૂ નામ સ્ટેજ પરથી બોલવાનું છે અને તમારે અવોર્ડ લેવા ત્યાં જવાનું છે ત્યારે તમારી છાતી અમૂક ઇંચ સુધી ફૂલાઈ ગઈ હોઈ એવું તમને અંદરથી જ લાગ્યા કરે છે, મને પણ એવું જ લાગી રહ્યું હતું. હું છેલ્લેથી ચોથી લાઈનમાં પહેલી ખૂરશી પર બેઠો હતો, મારી બાજુની ખૂરશી ખાલી હતી. હું વિચારી રહ્યો હતો કે તે ખૂરશીમાં કોઈ મસ્ત છોકરી આવીને બેસશે અને ત્યાં જ,

“હેય ઋષિ, ક્યારે આવ્યો?” ઓમ મારી બાજુની ખુરશીમાં આવીને બેઠો અને બોલ્યો. હું જે ખુરશી વિશે વિચારી રહ્યો હતો એ જ ખુરશીમાં!

“જસ્ટ હમણાં જ” મેં કહ્યું.

“કેવું લાગે છે?” ઓમે પૂછ્યું.

“તારા જેવું જ” મેં કહ્યું અને બંને હસવા લાગ્યા.

“બાય ધ વે, કોન્ગ્રેચ્યુલેસંસ. આપણે ગઈકાલ થી વાત જ નથી થઇ એટલે આ બાકી રહી ગયું હતું” ઓમે હાથ મિલાવ્યો.

“સેમ ટૂ યૂ બ્રધર. હા, આમેય તું સીધો ઘરેથી જ આવ્યો ને અત્યારે” મેં કહ્યું.

“અહી પધારેલા તમામ મહાનુભવો તથા દરેક ભાઈઓ અને બહેનોનું હું હાર્દિક સ્વાગત કરું છું” કાર્યક્રમનો એન્કર રાહુલ સ્ટેજ પર આવીને માઈકમાં બોલ્યો. તેને આખા કાર્યક્રમનો એજેન્ડા પ્રસ્તુત કર્યો અને પછી વારાફરતી બધા સ્પીકરને બોલવા માટે આમંત્રિત કરવા લાગ્યો. જે જે સ્પીકરને સ્પીચ આપવાની હતી તેઓએ સમય મર્યાદામાં ભાષણ પુરા કર્યા, અમૂક સીનીયર એમ્પ્લોય્સને બાદ કરતા. અંતે અવોર્ડ વિતરણ કાર્યક્રમ ચાલુ થયો. તેઓએ બેસ્ટ પોસ્ટરથી ચાલુ કરીને બાકીની બધી સ્પર્ધાઓના વિતરણ માટે નામ જાહેર કર્યા. ત્યારબાદ બેસ્ટ નિબંધ માટે ઓમનું નામ બોલવામાં આવ્યું. ઓમ ઉઠીને સ્ટેજ પર ગયો. હું ઓમનો ચહેરો જોઈ રહ્યો હતો. સી.ઈ.ઓ એ જયારે ઓમને સર્ટીફીકેટ અને પ્રાઈઝ હાથમાં આપ્યું ત્યારે ઓમ ફોટો પડાવવા માટે એવો પોઝ આપી રહ્યો હતો જાણે તેને નેશનલ અવોર્ડ મળ્યો હોય. આમ પણ તમને આ સમય પર તમારા પર ગર્વ થવું વ્યાજબી પણ છે અને જરૂરી પણ કેમ કે રૂમની ચાર દીવાલો વચ્ચે જયારે તમે મહેનત કરતા હોવ છો ત્યારે તમને સમયનું પણ ભાન નથી હોતું અને જો તમને જોઈ આવી પ્રવૃત્તિ કરતા જોઈ જાય એ પણ આ ઉમરમાં તો તમારા પર હાસ્યાસ્પદ ટીપ્પણી કરવાનો તેઓ કોઈ મોકો છોડતા નથી. આ સમય તમારો હોય છે જયારે સ્ટેજ પરથી કાઈ પણ બોલ્યા વગર તમે તે લોકોને જવાબ આપતા હોવ છો.

“કોન્ગ્રેટ્સ ઓમ” ઓમ પાછો આવીને બેઠો ત્યારે મેં કહ્યું.

“થેન્ક્સ બડ્ડી”

“શું છે અંદર?” મેં પૂછ્યું.

“ખબર નહિ. ખોલીને જોઈએ” ઓમ તે પેકેટ ખોલવા લાગ્યો એવામાં સ્ટેજ પર મારું નામ બોલવામાં આવ્યું. હું સ્ટેજ તરફ ચાલવા લાગ્યો. મને નવાઈ લાગી કે તે એન્કર મારી કવિતાને વાંચી રહ્યો હતો જયારે કે તેને બીજા કોઈની કવિતા નહતી વાંચી. મને લાગ્યું કે તે કદાચ પ્રથમ નંબર માટે આવું કરતા હશે. બંધ બારણે લખાયેલી દશ લાઈનોએ મને લગભગ પાંચસો લોકોની વચે પ્રખ્યાત કરી દીધો હતો. હું સ્ટેજ પર પહોચ્યો અને પ્રાઈઝ લેતી વખતે ફોટો પડાવ્યો અને નીચે જવા લાગ્યો. સ્ટેજ પરથી નીચે આવતી વખતે હું બધા લોકોને ઓબ્સર્વ કરી રહ્યો હતો. લગભગ બધા જ લોકો તાલી પાડી રહ્યા હતા. આગળની લાઈનમાં બેઠેલા એક સીનીયર એમ્પ્લોયે કઈ બોલ્યા વગર ઈશારો કરીને મારી કવિતાના વખાણ કર્યા. મેં પણ ઉભા રહ્યા વગર ચહેરા પર સ્મિત આપીને તેમનો આભાર માન્યો. એ ખૂશીનું વર્ણન કરવું લગભગ અશક્ય હતું. હું ઓમ પાસે આવીને બેઠો અને બાકીના બધા અવોર્ડ નિહાળ્યા.

“ચાલ જઈએ?” ઓમેં મને પૂછ્યું.

“એટલે તું સમોસા ની ખાવાનો એમ?”

“એલા સમોસા ખાવા જવાનું જ કહું છું” ઓમ બોલ્યો અને અમે હસવા લાગ્યા.

***

“વજનવાળું છે બોસ્સ” ઓમ બોલ્યો અને ગીફ્ટને હાથમાં એડજસ્ટ કરી. અમે કાર્યક્રમ પૂરો થયા પછી ગેટ પાસે ગાડીની રાહ જોઈ રહ્યા હતા.

“શું લાગે છે? શું હશે?” મેં ટાઈમ પાસ કરવા કહ્યું.

“આપણને કામમાં આવે એવું કઈક, કદાચ” ઓમ બોલ્યો.

“વાવ, કેટલા સરસ ગ્લાસ છે કાચના” અમારી બાજુમાં ઉભેલી બે છોકરીઓમાંથી એકે તેનું ગીફ્ટ ખોલ્યું અને બોલી. મને ઓમને લાગ્યું કે અમારે પણ કાચના ગ્લાસ જ હોવા જોઈએ કેમ કે તે છોકરીને પણ બીજી પ્રવૃતિમાં પ્રથમ નંબર જ હતો.

“લાગે છે આ તારા અને જયના કામનું છે” મેં ઓમને કહ્યું.

“સોલીડ પેગ બનશે આમાં” ઓમ બોલ્યો અને અમે હસવા લાગ્યા. આ જોઇને તે છોકરીઓ અમારી સામે એવી રીતે જોવા લાગી જાણે અમે કોઈ ગુનો કર્યો હોય. અમે પણ તેણીના ચહેરા જોઇને વધુ જોરથી હસવા લાગ્યા, પરંતુ બાજુમાં જઈને!

ક્રમશ ભાગ ૭ માં...અને હા અત્યાર સુધી તમને ધ ફર્સ્ટ હાફ કેવી લાગી એ મને જણાવી શકો છો...

વિરાજ – ૯૨૨૮૫ ૯૫૨૯૦