ડણક
A Story Of Revenge.
ભાગ:15
( માનવભક્ષી સાવજ ના હુમલા માં પોતાની પત્ની સેજલ ને ગુમાવ્યાં બાદ કાનો અર્ધ પાગલ બની જાય છે. એક પછી એક હત્યાઓ કરતો સિંહ વનવિભાગ દ્વારા પણ નથી પકડાતો. હિરલ રેખા ને સિંહ ના હુમલામાં ગોવિંદ ના બચવા પાછળ કાના નો હાથ હોવાનો પુરાવો આપે છે.. બીજી બાજુ રેખા જોડેથી જાણેલી સેજલ ગર્ભવતી હોવાની વાત કાના ને જણાવે છે.. જે સાંભળી ગુસ્સેથી સિંહ ને મારી સેજલ અને પોતાનાં થનારાં અંશ નો બદલો લેવાનો નીર્ધાર કરે છે.. હવે વાંચો આગળ.. )
કાના ને પોતાનાં ઘર ભણી જતો જોઈ ગામલોકોમાં આશ્ચર્ય અને આનંદ નું મીશ્રીત મોજું ફરી વળે છે.. હિરલ પણ કાના નાં ડગ થી ડગ મિલાવી એની સાથે જતી હોય છે.. કાના ને પોતાનું સર્વસ્વ માની ચુકેલી હિરલ માટે તો અત્યારે આમ કાના નું એનાં મૂળ રૂપમાં પાછું આવવું એ કોઈ હરખ થી ઓછું નહોતું.. કાનો જેવો ઘરનાં ફળિયે પહોંચે છે ત્યારે જોવે છે કે એનો ભત્રીજો રાજુ કંઈક લખી રહ્યો હોય છે.. !!
"રાજુ.. શું લખે છે લ્યા.. અને આમ આવા અક્ષર નો હાલે.. એવું લાગે કીડી મંકોડા દોડતાં હોય"
રાજુ ની નજર જેવી આ સાંભળી કાના પર પડી એવો એ કાના ને વળગી ગયો.. અને રડીને કહેવા લાગ્યો..
"કાકા.. તમે આવી ગયાં.. હવે તમે ના જતાં. કાકી નાં ગયાં પછી તમે પણ ઘરે નથી રહેતાં એટલે હું તો કંટાળી ગયો છું.. મને નથી ગમતું તમારાં વીના.. "
રાજુ ને રડતો જોઈ કાના એ એને પોતાની ગોદ માં તેડી લીધો અને એની આંખો લૂછતાં કહ્યું.
"હવે હું ક્યાંય નથી જવાનો.. અને અહીં જ રહેવાનો છું. "
કાના નો અવાજ સાંભળી અંદર ઘરકામ કરતાં ચંદા ભાભી બહાર આવ્યાં.. કાના ને આમ હસતો જોઈ એમની આંખો પણ ખુશી નાં આંસુ થી ઉભરાઈ આવી.. એમનાં મન કાનો દિયર નહીં પણ એક દીકરો હતો.
કાનો ઘર ભણી જતો હતો એ વાત મળતાં તો એનાં મોટાભાઈ લખમણ ભાઈ અને ગાભુ પણ ખેતર નું કામ પડતું મૂકી દોડીને ત્યાં આવી પહોંચ્યા.
"ભાઈ કાના.. તું આવી ગયો.. તારાં વગર આ ઘર સાવ સુનું હતું મારાં ભાઈ.. "કાના ની તરફ જોઈ લખમણ ભાઈ એ હરખાતાં કહ્યું.
કાના એ ભાઈ અને ભાભી નાં આશીર્વાદ લીધાં અને પછી ગાભુ ની તરફ આગળ વધ્યો. ગાભુ કંઈક બોલવા જતો હતો પણ એને ગળે ડૂમો ભરાઈ ગયો અને એ કાના ને વળગી ડૂસકે ને ડૂસકે રડી પડ્યો.
"અલ્યાં ગાભલા આમ શું બાઈ માણહ ની જેમ રોવે છે.. આ તારો ભેરુ હવે આવી ગયો હવે રડવાનું નહીં.. "ગાભુ ને ગળે લગાડી હસીને કાનો બોલ્યો.
કાના નાં આમ ઘરે પાછો આવવાની ખુશીમાં ઘરે કંસાર મુક્યા.. બધાં ખૂબ જ ખુશ હતાં કે કાનો આમ સાજો સારો થઈને ઘરે આવી ગયો છે. હિરલ ને કાનાની સાથે જોઈને ચંદા ભાભી અને લખમણ ભાઈ તો એને જ હવે કાના ની ભાવિ પત્ની નાં સ્વરૂપ માં જોવા લાગ્યાં હતાં.
કાનો પાછો તો આવ્યો પણ કેમ આવ્યો હતો એ વિશે ના કોઈએ પૂછ્યું ના કાના એ એક હરફ પણ એ વિશે ઉચ્ચાર્યો.. ખાલી હિરલ જ જાણતી હતી કે કાનો ભલે પાછો ઘરે તો આવી ગયો પણ એ પોતાની પત્ની અને આવનારાં બાળક નો બદલો લેવાનું આયોજન કરી ચુક્યો છે.. એટલે થોડાંક જ દિવસો માં એ નીકળી જવાનો છે એ હત્યારા સાવજ નો ખાત્મો કરવાનાં ઉદ્દેશ થી.. એટલે એ હસી તો રહી હતી પણ ફિક્કું.. !!
***
કાના નાં ઘરે આવ્યાં નાં પાંચેક દિવસ થવા આવ્યાં.. આ દિવસો દરમિયાન કાનો એકવાર કિસા પણ સેજલ નાં પિયરમાં જતો આવ્યો.. કાના ને આમ સ્વસ્થ જોઈને માનસિંહ બાપુ અને ચંપાબેન ને હૈયે થોડી ટાઢક વળી.. કાનો ત્યાં વિરજી અને લીલાબેન ને પણ મળતો આવ્યો.. જતાં જતાં એને વિરજી ને રાવટા આવવા માટે પણ કહી દીધું.. વિરજી એ કારણ પૂછ્યું પણ કાના એ એને કારણ તો ના આપ્યું પણ એટલું જરૂર કહ્યું કે હું મારા મન ની શાંતિ માટે કંઈક કરવા જઈ રહ્યો છું. જેમાં તારી હાજરી હોવી આવશ્યક છે.
વિરજી કાના ના કહ્યા મુજબ રાવટા આવી પહોંચ્યો.. કાના નાં ઘરે બપોરે જમ્યા પછી વિરજી એ કાના ને એકાંત માં લઈ જઈને પૂછ્યું..
"કેમ ભાઈલા એવી તે કઈ શાંતિ ની ખોજ માં તું જવાનો છે.. કહીશ ખરો.. ?"
વિરજી ની વાત સાંભળી કાના એ એને બધું જણાવી દીધું કે કઈ રીતે એ આદમખોર સાવજે સેજલ ની સાથે પોતાનાં થનારાં બાળક ની પણ હત્યા કરી દીધી હતી.. અને પોતે એ સાવજ ને મારી પોતાની પત્ની અને બાળક નો બદલો લેવા માંગે છે. કાના ની વાત સાંભળી વિરજી ને પણ એ હત્યારા સાવજ પર પારાવાર ગુસ્સો આવ્યો અને એને કાના નાં ખભે હાથ મૂકી કહ્યું.
"તો દોસ્ત.. ક્યારે નીકળવું છે એ આદમખોર ને એનાં કર્મો ની સજા આપવા.. "
"વિરજી આ મારો અંગત પ્રશ્ન છે.. એટલે મારાં માટે કોઈએ પોતાનો જીવ જોખમમાં મુકવાનો આવતો નથી.. આતો હું તને કહ્યા વગર આ નિર્ણય નહોતો લેવા માંગતો એટલે મેં તને અહીં બોલાવ્યો.. એતો હું મારી રીતે એ શિકારી જનાવર નો શિકાર કરીશ.. "કાના એ વિરજી નાં હાથ પર હાથ મૂકી કહ્યું.
"શું કહ્યું.. આ તારો અંગત પ્રશ્ન છે.. મતલબ કે હું તારા માટે કંઈ નથી એમજ ને.. તો જા આજ થી તારાં અને મારાં વચ્ચે કોઈ સંબંધ નહીં.. "કાના ને ધક્કો મારી ઉભાં થતાં વિરજી એ કહ્યું.. એનાં અવાજ માં ગુસ્સો હતો.
"અરે વિરજી.. અરે મારો કહેવાનો મતલબ એવો નહોતો. પણ તું જ વિચાર મારી આગળ પાછળ કોણ છે.. મારી જીંદગી સમી સેજલ ને તો એ સાવજ ભરખી ગયો પણ તારી આગળ તો તારું ભવિષ્ય છે.. મીના છે.. "વિરજી નો ગુસ્સો પામી જતાં એને સમજાવતાં કાનો બોલ્યો.
"સેજલ તારી જીંદગી હતી તો તું મારી જીંદગી છે ભેરુ.. જ્યારથી તને મિત્ર માન્યો એ દિવસ થી તારી ને મારી હસ્તરેખાઓ એક થઈ ગઈ હતી.. અને એ સાવજ ને મારવો કંઈ સામાન્ય બાબત નથી.. અને તું અત્યારે જોશ માં છે.. એટલે પહેલાં એનું નક્કર આયોજન કરીએ અને પછી એનો શિકાર કરવાં જઈએ.. "વિરજી એ કહ્યું.
વિરજી ની વાત નો કાના જોડે કોઈ જવાબ નહોતો એટલે વિરજી ને ગળે લગાવી એ બોલ્યો.. "તું ભેરુ નહીં, ભાઈ છે મારો ભાઈ.. "
ત્યારબાદ વિરજી અને કાના એ નક્કી કર્યું કે સૌપ્રથમ રાવટા ના સરપંચ રામજીભાઈ ને મળીને બધી વાત થી વાકેફ કરવા.. જંબુર નાં પોતાનાં સિદી મિત્ર જુમન ને ખબર પહોંચાડવી કે તાત્કાલિક એ પોતાનાં બે-ચાર સાથીદારો સાથે રાવટા આવે. આ સાથે એ સાવજ નો શિકાર કરવા માટે જરૂરી ઓજારો અને સામગ્રી ની વ્યવસ્થા કરવી અને પછી જ સંપૂર્ણ આયોજન સાથે એ સાવજ નો શિકાર કરવા નીકળવું.
વિરજી ની વાત સાંભળી કાના એ એમ કરવા હામી ભરી દીધી અને જંબુર ગામે રોજ ખેતીની પેદાશો ની લે વેચ કરવા માટે જતાં ઉદા કાકા ને પોતાનો સંદેશો જુમન સુધી પહોંચાડવા કહી દીધું.. અને સાંજે જ બંને ઉપડી ગયાં સરપંચ રામજીભાઈ નાં ઘરે.
હજામત કરેલાં ચહેરા વાળા અને સરસ મજાનાં કપડાં માં સુસજ્જ કાના ને અને વિરજી ને જોઈને ઘરે આરામ ફરમાવતાં રામજીભાઈ એમને સત્કારવા ઉભાં થયાં અને હરખભેર બોલ્યાં.
"આવો મારાં સાવજો.. આવો.. તમને બંને ને આમ સાથે જોઈ ઘણો આનંદ થયો.. એમાં પણ તને જોઈને કાના મારાં હૈયે આનંદ સમાતો નથી.. "
"અરે કાકા આતો એક કામ હતું એટલે આવ્યાં છીએ.. "કાના એ રામજીભાઈ ને પ્રણામ કરી કહ્યું.
"અહીં બેસો અને બોલો.. તમારાં લાયક કોઈ કામ હશે તો એ કરીને મને આનંદ થશે.. "રામજીભાઈ એ ખાટલો ઢાળી ને કહ્યું.
"કાકા મેં અને વિરજી એ એક નિર્ણય લીધો છે જે માટે તમારી સહમતિ અને આશીર્વાદ ની જરૂર છે.. "કાના એ કહ્યું.
"અરે એમાં મારી સહમતિ ની શું જરૂર. તમે બંને તો કોહિનૂર છો.. તમારો દરેક નિર્ણય યોગ્ય જ હશે ને.. એમાં મારી સહમતિ અને આશીર્વાદ હંમેશા રહેલાં જ છે.. "રામજીભાઈ એ કહ્યું.
"આભાર આપ નો.. પણ આપ ગામ નાં સરપંચ છો અને અમારો નિર્ણય ગામ નાં હીત માં છે એટલે તમારી રજા તો લેવી જ પડે.. "વિરજી એ કહ્યું.
"હા બોલો. એવો તો શું નિર્ણય લીધો છે જે આખા ગામ નાં હીત માં છે.. ?"રામજીભાઈ એ પૂછ્યું.
"વડીલ આપણાં અને આજુબાજુના ગામમાં હમણાંથી આદમખોર સાવજ નો જે આતંક વ્યાપ્ત છે અમે એને ખતમ કરવા માટે જવાનાં છીએ મતલબ કે હવે એ શિકારી નો શિકાર થશે અમારાં હાથે.. "કાનો મક્કમ અવાજે બોલ્યો.
"શું વાત કરો છો.. ? ખૂબ સરસ.. હકીકત માં કાના મને જ્યારથી વાત મળી કે તું હવે સાજો સારો થઈને ઘરે આવી ગયો છે.. હું જ આ ગામ વતી તારાં જોડે એ સાવજ નો શિકાર તું કરવા જાય એવી વિનંતી કરવા આવવાનો હતો.. પણ આજે સામે ચાલીને તે તારો આ નિર્ણય જણાવીને મને ખુશ કરી દીધો.. બેટા તું હકીકત માં સાવજ છે એ તે આજે ફરીથી પુરવાર કરી દીધું.. "રામજીભાઈ નાં અવાજ માં એક અનેરો ઉત્સાહ હતો.
"તો હું બે ત્રણ દિવસ માં મારાં સાથીદારો સાથે નિકળીશ એ આદમખોર નો શિકાર કરવા.. હવે એનો અંત નજીકમાં છે.. "કાનો બોલ્યો.
"તમે બીજાં સરપંચો ને પણ આ વિશે કહી દેજો.. "વિરજી એ કહ્યું.
"ચોક્કસ.. હું બધાં ને જાણ કરી દઉં છું.. "રામજીભાઈ એ કહ્યું.
"સારું તો કાકા અમે નીકળીએ.. "ઉભાં થતાં કાનો બોલ્યો.
"અરે એમ થોડું જવાય.. આજે તો ખુશી નો દિવસ છે.. સાંજ નું વાળું મારાં ઘરે જ કરીને જવાનું છે.. "રામજીભાઈ એ ભારપૂર્વક કહ્યું.
એમની વાત સાંભળી કાનો અને વિરજી ના પાડી શક્યાં નહીં અને ત્યાંજ રામજીભાઈ નાં ઘરે જમીને રાતે પોતપોતાનાં ઘરે વળ્યાં.. વિરજી એ પોતે બે દિવસ પછી પાછો રાવટા આવશે એમ કહી ને કાના જોડે થી વિદાય લીધી . !!
***
કાનો રામજીભાઈ ને મળી ને પોતે આદમખોર સાવજ ને મારવા માટે નીકળશે એ વાત કરીને આવ્યો છે એ વાત વાયુ વેગે આખા ગામ માં પ્રસરાઈ ગઈ.. બધાં ખુશ હતાં કે કાના એ આ જવાબદારી પોતાનાં માથે ઉઠાવી લીધી હતી.. પણ આ વાત ની જ્યારે ગાભુ ને ખબર પડી એટલે એનો ગુસ્સો સાતમા આસમાને પહોંચી ગયો અને એ તરત જ કાના ને મળવા એનાં ખેતરે પુગી ગયો અને કાના ના જોડે જઈને આવેશમાં બોલ્યો.
"વાહ.. કાના.. વાહ.. જોર નિભાવી તે ભાઈબંધી.. "
"અલ્યા કેમ આમ અકળાયેલો છે.. શું થયું તને?? અને આ બધું શું બોલે.. ભાઈબંધી નું .. ?"કાનો સમજી ચુક્યો હતો કે ગાભુ કેમ આવ્યો હતો.. પણ હવે એ ગાભુ ને વધારે ચીડવાવા માંગતો હતો.
"જો મજા નહીં આવે લ્યા.. આમ મારાં થી આટલી મોટી વાત છુપાવવાની.. "હજુ ગાભુ ગુસ્સે જ હતો.
"અલ્યા પણ શેની મજા નહીં આવે.. કાંઈક સમજાય એવું બોલ.. "કાનો ગાભુ ની ફીરકી લઈ રહ્યો હતો.
"તું સાવજ નો શિકાર કરવા જંગલ માં જાય છે અને મને કીધું પણ નહીં.. આટલી મોટી વાત તે મારાં થી છુપાવી.. તારાં ગાભલા થી.. "ગાભુ નો ગુસ્સો હવે દુઃખ માં બદલાઈ ગયો હતો.
"ગાભુ.. હું તને કહેવાનો જ હતો.. "કાના એ ગાભુ ને ખભે હાથ મૂકીને કહ્યું.
"તો કીધું કેમ નહીં.. મારે પણ આવવું છે તારાં જોડે.. "ગાભુ બોલ્યો.
"ભાઈ એટલે જ નથી કીધું તને.. તું જાણ્યાં પછી આવવાની જીદ કરત.. અને આ ઝરખ નો શિકાર નથી.. ડામલહથ્થો સાવજ ત્યાં આપણી રાહ જોઈને બેઠો હશે.. હું તારો જીવ મારાં લીધે જોખમમાં મુકવા નથી માંગતો.. "ગાભુ ને સમજાવતાં કાનો બોલ્યો.
"જોયું.. મારો જીવ.. અલ્યાં આ જીવ છે ને તારો છે તારો.. યાદ છે તને જ્યારે આપણે નાના હતાં ને રમતાં રમતાં હું ઝાડ પરથી પડી ગયો અને માથે વાગ્યું અને હું બેભાન થઈ ગયો હતો.. તું મને ખભે ઉપાડી દવાખાને લાવ્યો અને હું બચી ગયો.. એ દિવસ થી આ મારો જીવ તારાં પર ઉધાર છે.. તું કહીશ તો અબઘડી આપી દઈશ.. પણ આમ મને લીધાં વગર તું એકલો જંગલ માં તો નહીં જ જાય એ નક્કી છે.. "ગાભુ નાં અવાજ માં મક્કમતા હતી.
"તું નહીં માને.. સારું ત્યારે તું પણ આવજે.. "કાનો ગાભુ ની જીદ આગળ હારીને બોલ્યો.
"તું પણ.. એટલે બીજું કોણ કોણ આવે છે.. ?"ગાભુ એ પૂછ્યું.
"હું, વિરજી અને જુમન.. જુમન એનાં બે-ત્રણ સાથીદારો ને લેતો આવે એવું કહ્યું છે.. એટલે બીજાં જે આવે એ ખરાં.. "કાના એ ગાભુ ની વાત નો જવાબ આપતાં કહ્યું.
"સરસ.. તો ક્યારે નીકળવું છે.. ?"ગાભુ એ સવાલ કર્યો.
"જુમન અને વિરજી આવે એનાં બીજા દિવસે નીકળીએ.. "કાના એ કહ્યું.
આ વાત ને બે દિવસ પછી જુમન કાના નો સંદેશો મળતાં ની સાથે પોતાનાં કાકા નાં દીકરા અકુ અને એનાં એક મિત્ર નિરો સાથે રાવટા આવી પહોંચ્યો.. જુમન નાં સાથીદારો પણ એનાં જેમ જ કસાયેલા બાંધા ના અને શિકાર કળા માં પારંગત હતાં.
વિરજી પણ પોતાનાં કહ્યા મુજબ રાવટા આવી પહોંચ્યો.. કાના નાં ઘરે બધાં એ સાથે ભોજન લીધું અને બીજાં દિવસે નીકળવાનું નક્કી કર્યું.. ગામલોકો એ પણ કાના અને એનાં મિત્રો ને વિજય તિલક કરી વળાવવા એકઠાં થવાનું નક્કી કર્યું હતું.. લખમણ ભાઈ અને ચંદા ભાભી ને કાના નું આમ શિકાર કરવા માટે જવું સહેજ પણ ગમ્યું નહોતું પણ એ બંને જાણતાં હતાં કે કાનો જ્યાં સુધી સેજલ નો બદલો નહીં લે ત્યાં સુધી એને ચેન નહીં મળે.. એટલે એ બંને ચૂપ રહ્યાં અને હસતાં મુખે કાના ને વળવવાનું નક્કી કર્યું.
બીજાં દિવસે સવારે કાનો પોતાની ટુકડી અને જરૂરી સામગ્રી અને હથિયારો સાથે ગામ ની મધ્યમાં હાજર હતો.. ગામલોકો નું મોટું ટોળું પણ કાના ને વિદાય આપવા હાજર હતું..
"કાના અમને ગર્વ છે તારાં અને તારાં આ મિત્રો પર.. મેં આજુબાજુના ગામ નાં સરપંચો ને પણ તારાં આ નિર્ણય ની જાણ કરી દીધી છે.. એ બધાં એ આર્થિક સહાય રૂપે વિસ હજાર રૂપિયા ની સગવડ મોકલાવી છે. જે તું સ્વીકાર કર.. "રામજીભાઈ એ એક પોટલી કાના ને આપતાં કહ્યું.
"સરપંચ સાહેબ મારે આની કંઈપણ જરૂર નથી.. અમે જ્યારે પાછાં આવીએ ત્યારે તમે આ રકમ મારાં આ સિદી ભાઈઓને આપી દેજો.. "જુમન અને એનાં સાથી તરફ ઈશારો કરી કાનો બોલ્યો.. કાના દ્વારા આટલી મોટી રકમ પોતાને આપી દેવાની વાત સાંભળી જુમન અને એનાં સાથીઓને સુખદ આશ્ચર્ય થયું.
"સારું તો દીકરા.. આ પંથક ને રંઝાડનાર એ આદમખોર જનાવર ને મારી ને પાછા આવો એવાં આશીર્વાદ.. "રામજીભાઈ એ કહ્યું.
ત્યારબાદ હિરલે કાના અને એમની ટુકડી ને કુમકુમ થી તિલક કર્યું અને વિજયી થઈને પાછાં આવે એવી શુભેચ્છા પાઠવી.. !!
"હું પણ તમારી સાથે આવીશ.. "ફોરેસ્ટર પહેરે એવાં કપડાં અને હેટ માં હાજર એક ત્રીસેક વર્ષ નો પુરુષ ટોળાં ને ચીરતો આગળ આવ્યો.
"તમારો પરિચય.. તમારી ઓળખાણ ના પડી સાહેબ.. ?"રામજીભાઈ એ બધાં ના વતી પૂછી લીધું.
"મારું નામ વિજય ઝાલા.. હું ગીર ફોરેસ્ટ અધિકારી છું.. મને જેવી વાત મળી કે આ ગામ નાં અમુક યુવાનો આદમખોર સાવજ નો શિકાર કરવા જંગલમાં જાય છે તો હું ક્ષણવાર નો વિલંબ કર્યા વગર અહીં આવી પહોંચ્યો.. "એ અધિકારી એ પોતાની અને પોતાની પોસ્ટ ની ઓળખાણ આપતાં કહ્યું. કમરે ભરાવેલી રિવોલ્વર અને અવાજ માં રુવાબ નાં લીધે વિજય નું વ્યક્તિત્વ અલગ જ લાગતું હતું.
"એનો મતલબ કે તમે અમારી સાથે જંગલમાં આવશો.. સાવજ નો શિકાર કરવા માટે અમારી મદદ કરવા.. ?" વિરજી એ વિજય ને પૂછ્યું.
"હા મારે આવવું જ પડશે.. મારાં વગર તમે ત્યાં નહીં પહોંચી શકો જ્યાં તમારે પહોંચવાનું છે.. તમારી મંજીલ મારાં સાથ વગર તમને નહીં મળે.. "વિજયે વિરજી નાં સવાલનો જવાબ આપતાં કહ્યું.
"તો તો ખૂબ સરસ.. હવે તો એ સાવજ નો અંત નજીક છે.. "ગાભુ એ આનંદમાં આવીને કહ્યું.
જય સોમનાથ નાં ઉદઘોષ સાથે પછી કાના અને એનાં સાથીદારો ને વિદાય આપવામાં આવી.. સાત લોકો ની ટુકડી નીકળી પડી હતી એક એવાં અભિયાન પર જેમાં પળેપળ મોત હતું.. ડર હતો.. એક એવી રોમાંચ ની સફર હતી જેમાં પોતે શિકાર બનશે કે સાવજ નો શિકાર કરી શકશે જેની એમને અત્યાર પૂરતી તો સહેજ પણ ખબર નહોતી.. !!
વધુ આવતાં ભાગે.
પોતાની પત્ની અને બાળક નો બદલો કાનો લઈ શકશે કે કેમ.. ?? શું એ સાવજ ના આતંક નો ખાત્મો થઈ શકશે.. ?? કાનો એ સાવજ નો શિકાર કઈ રીતે કરશે... વાંચો આવતાં ભાગ માં...
હવે શરૂ થશે બદલા ની કહાની.. એક એવી કથા જેમાં જંગલ ની પરિસ્થિતિ અને વાતાવરણ નું વર્ણન છે.. જેમાં આખું ગીર નું કાળસમું વન છે.. પળેપળ રોમાંચ ની અનુભૂતિ આપતી સાહસ અને શિકાર કથા.. જે આપને અવશ્ય થ્રિલ ની ફિલ આપશે.
આ સિવાય તમે મારી અન્ય નોવેલ દિલ કબૂતર અને રૂહ સાથે ઈશ્ક પણ વાંચી શકો છો... આભાર.. !!
- દિશા. આર. પટેલ