Vikruti - 5 in Gujarati Love Stories by Mehul Mer books and stories PDF | વિકૃતિ- એન્ અનકન્ડિશનલ લવસ્ટોરીભાગ-5

Featured Books
Categories
Share

વિકૃતિ- એન્ અનકન્ડિશનલ લવસ્ટોરીભાગ-5

વિકૃતિ- એન્ અનકન્ડિશનલ લવસ્ટોરી
ભાગ-5
પ્રસ્તાવના
        મેઘા ગોકાણી અને મેર મેહુલના સયુંકત પ્રયાસથી તમારી સમક્ષ એક સ્ટોરી રજૂ થઈ રહી છે.આ સ્ટોરી અમે એક સાથે મળી લખવાનું એટલા માટે વિચાર્યું કે અમે વાંચકો સુધી કંઈક નવું રજૂ કરવા ઇચ્છતા હતા.એક પ્યોર લવસ્ટોરી જેમાં કંઈ વધુ પડતો મસાલો ન હોય.એક સામાન્ય લોકોના જીવનમાં જોવા મળતી વાસ્તવિકતા હોય.જેને તમે જીવી હોય કે પછી તમારી આસ પડોશમાં વ્યક્તિઓમાં તમને એ જોવા મળતી હોય.આ સ્ટોરીમાં તમને અલગ અલગ પ્રકારની ફીલિંગ્સ વાંચવા મળશે અને સાથે સાથે અનુભવવા પણ મળશે.
  વાંચક મિત્રો અહીં એક ભાગ આકૃતિ તરફથી હશે અને એક ભાગ વિહાન તરફથી.એક જ પરિસ્થિતિમાં બે વ્યક્તિની વિચારસરણી અને લાગણીઓ કેવી હોય છે તે દર્શાવવાનો એક પ્રયત્ન કર્યો છે.સ્ટૉરીનો વિષય,પાત્રો અને સ્થળ કાલ્પનિક છે.કોઈના અંગત જીવન સાથે આ સ્ટૉરીનો કોઈ સંબંધ નથી જેની ખાસ નોંધ લેશો.વાંચકોના મનોરંજનના હેતુથી જ આ સ્ટૉરી લખવામાં આવી છે.
                      *
(ઈશા આકૃતિને પ્રેન્ક કરવા ડેર આપે છે અને આકૃતિ વિહાનના શર્ટ પર કોલ્ડડ્રિન્ક ઢોળે છે.વિહાન ગુમસુમ બેઠો હોય છે ત્યાં આકૃતિ તેને કારણ પૂછે છે.વિહાન માટે આ શર્ટનું કેટલું મહત્વ છે એ જાણી આકૃતિ તેને સૉરી કહે છે અને નવો શર્ટ અપાવવાની વાત કરે છે.)
વિહાન
       તેણે મને સૉરી કહ્યું,મને સારું ફિલ થયું.તેણે મારા શર્ટ વિશે પણ પૂછ્યું અને મેં કારણ પણ કહી દીધું.તેણે મને કોણીએ ગોળ લગાવવા નવો શર્ટ લેવા કહ્યું,તે પોતાની ભૂલ સુધારવા માંગતી હતી.મારી પાસે બીજો કોઈ વિકલ્પ નોહતો.આમ પણ મારી પાસે વિકલ્પ નથી હોતા એટલે મેં શર્ટ લેવા માટે પણ હામી ભરી દીધી.મારે હજી કોલેજ પછી જોબ પર પણ જવાનું હતું અને આવો ખરાબ શર્ટ પહેરી જવું યોગ્ય નહતું.
    ખુશીએ મને એક્ટિવા ચલાવવા કહ્યું કારણ કે આકૃતિને હજી સુધી એક્ટિવા ચલાવવામાં પ્રૉબ્લેમ થતી.ખુશી ક્લાસમાં ચાલી ગઈ અને મેં પાર્કિંગમાંથી એક્ટિવા બહાર કાઢી.
એ મારી પાછળ  બેસતા બોલી,“આવડે છે ને ચલાવતા, ક્યાંક આ મારા પ્રેન્કનો બદલો મને સ્કૂટીમાંથી પાડીને લેવાનો વિચાર નથી ને?”
      મેં ફક્ત નાની સ્માઇલ આપી. હું ચૂપ રહ્યો.મેં ધીમી ગતિએ એક્ટિવા ચલાવી.અમે મૉલ પહોંચ્યા ત્યાં સુધીમાં કોઈ કંઈ બોલ્યું નહિ.બસ આકૃતિ મને રસ્તો ચીંધતી રહી અને હું એક્ટિવા ચલાવતો રહ્યો.
       મોલમાં પહોંચ્યા બાદ તેણી એ મને શર્ટ પસંદ કરવા કહ્યું પણ મેં એ વાત તેના પર છોડી દીધી.તેણે મારા માટે એવો જ વાઈટ શર્ટ પસંદ કર્યો અને ચેન્જ રૂમમાં જઈ શર્ટ બદલાવવા કહ્યું.
     મેં  અચકાતા અચકાતા શર્ટ લીધો અને શર્ટ બદલ્યો.બહાર આવ્યો એટલે સ્મિત સાથે તેણે શર્ટ સારો છે તેવો ઈશારો કર્યો.તેણે પેમેન્ટ કર્યું ત્યારે હું તેનાથી દૂર ઉભો રહ્યો.ફોર્મલીટી માટે પણ મારી પાસે ઑપશન નથી.મારે તો દાંતે તરણા લેવા જેવું જ થયું.મમ્મીવાળા શર્ટને એક બૅગમાં રાખી અમે બહાર આવ્યા.
“જો સામે ડસ્ટબિન છે ત્યાં આ બેગ ફેંકી દે”બહાર આવતા તેણે કહ્યું.
"કેમ?"હું બોલી પડ્યો.
"અરે એ ખરાબ થઈ ગયો છે ને અને દાગ પણ પડી ગયો છે તો એવા શર્ટને રાખીને શું કરીશ તું ?" એ તેના કેર ફ્રી અંદાજમાં બોલી.
મારી આંખો તેની સામે મોટી થઈ ગઈ.તેની જીભ કપાઈ ગઈ.
“ઇટ્સ ઑકે સાથે લઈ લે સાથે જ”કહી એ એક્ટિવામાં બેઠી.
મેં સ્કૂટર સ્ટાર્ટ કર્યું અને અમે કોલેજ તરફ નીકળી પડ્યા.
“અચ્છા એવું શું ખાસ છે આ શર્ટમાં!!!.માન્યું કે મમ્મીએ લઇ આપ્યો હતો પણ ખરાબ થઈ ગયો તો શું થઈ ગયું.”તેણે ચૂપકીદી તોડી, “તેને બીજો શર્ટ લેવા પણ તું કહી શકે છે ને”
હું વિચારમાં ખોવાયેલો હતો.
“વિહાન,સાંભળે છે તું મને?”તેણે કહ્યું.
“હું ના કહી શકું”
“તો પાપાને કહેજે, એ લઈ જ આપે.જો હું બધા કામ પાપા પાસેથી જ કઢાવું છું”તેણે કહ્યું, “થોડા નાટક કરવા પડે પણ કામ થઈ જાય”
    એક તો તેના કારણે મારો દિવસ બગડ્યો હતો અને ઉપરથી કંઈ જાણ્યા વિના બેફિઝુલી સલાહ આપતી હતી.
છેવટે મેં પણ મારી ચૂપકીદી તોડી. “તેના માટે મારે ઉપર જવું પડે અને મારી મમ્મી પાસે એટલા રૂપિયા નથી કે તે બીજો શર્ટ લઈ આપે,તેણે પાપાએ આપેલા ચૂડલા વેચી મને આ શર્ટ લઈ દીધો છે”હું થોડો ઉશ્કેરાઈ ગયો, “એટલા માટે આ શર્ટ મારા માટે મહત્વનો છે,બોલ હવે કંઈ બોલવું છે તારે?”
"સોરી."આટલું કહી એ ચૂપ થઈ ગઈ.
   કૉલેજ આવી ગઈ.આકૃતિએ એક્ટિવાની ચાવી લીધી અને ચુપચાપ ચાલવા લાગી.
“આઈ એમ સૉરી”મારાથી ના રહેવાયું એટલે મેં કહ્યું.
      એ અટકી ગઈ.ચાર કદમ પાછી આવી અને ‘ઇટ્સ ઑકે’ કહ્યું.મારા હાથમાંથી શર્ટની બૅગ ખેંચી એ ફરી ચાલવા લાગી.
“મારો શર્ટ…”મેં બૂમ પાડી પણ મને ઇગ્નોર કરી એ કલાસ તરફ ચાલવા લાગી.મેં સમય જોયો તો નવ વાગવામાં પંદર મિનિટ બાકી હતી.
       ઉતાવળે પગે હું ઑફિસ તરફ ગયો.મારા ડોક્યુમેન્ટ ચૅક કરાવી મારું આઈડી લઈ બતાવ્યા મુજબ કલાસ તરફ ગયો ત્યારે પહેલો લેક્ચર પૂરો થઈ ગયો હતો અને બીજા લેક્ચર માટે પ્રોફેસર આવી ગયા હતા.
“મે આઈ કમ ઇન મેડમ?”મેં ડૉર પર જઈ છાતી પર હાથ રાખી એક હાથ આગળ કર્યો.
“યસ,પ્લીઝ કમ ઇન”મેડમે કહ્યું, “સિન્સિયર બૉય” કહી તેણે અંદર આવવા ઈશારો કર્યો.
     હું અંદર પ્રવેશ્યો.ગ્રુપ વાઇઝ બધા બેન્ચ પૅક કરી બેઠા હતા.ટુ સ્ટેટ્સમાં જેમ બેઠક વ્યવસ્થા બતાવવમાં આવી હતી એ મુજબ બેઠક વ્યવસ્થા હતી.
“યોર ગુડ નેમ?”હું બધું ચીરી પાછળ બેસવા પહોંચ્યો ત્યારે મેડમે મને પૂછ્યું.
“વિહાન..વિહાન દિવેટિયા”મેં અચકાતા અચકાતા કહ્યું.
“ફર્સ્ટ ડે?”મેડમે પૂછ્યું.
“યસ મેમ”
" વિરાજ સ્ટેન્ડ અપ.ગો એન્ડ સીટ બિહાઇન્ડ આકૃતિ એન્ડ વિવાન યુ સીટ ધેર”
“બટ વાય મૅમ?”વિરાજે પૂછ્યું.
“નૉ આરગ્યુમેન્ટસ."મેડમે શાંતિથી કહ્યું.
     હું વિરાજની જગ્યા એ બેસી ગયો અને એ છોકરો પાછળ ચાલ્યો ગયો.હું સીટ પર બેઠો ત્યારે મને ખ્યાલ આવ્યો કે મૅમ ‘આકૃતિ’ નામ બોલ્યા હતા.હું પાછળ ઘૂમ્યો તો આકૃતિ મારી સામે જોઈ રહી હતી.એ છેલ્લી બેન્ચ પર બેઠી હતી.ઇશાની બાજુમાં.ઈશા મારી સામે જોઇને નાક ફુલાવતી હતી.મેં બાજુમાં નજર કરી તો ખુશી મારી બાજુમાં બેઠી હતી.
“એ ક્લાસનો વોન્ટેડ છોકરો છે,મને હેરાન કરવા હું જ્યાં બેઠી હોઉં ત્યાં મારી પાસે આવીને બેસી જાય છે.થેન્કયું.તારા કારણે પીછો છૂટ્યો”ખુશી મારા કાનમાં ગણગણી.મેં સ્મિત કર્યું અને ઈશારાથી એને આગળ ધ્યાન આપવા કહ્યું .કારણ કે મેડમની નજર ખુશી પર હતી.
     મેં બુક્સ કાઢી અને લેક્ચરમાં ધ્યાન આપ્યું.લેક્ચર પૂરો થયો ત્યાં સુધી.વચ્ચે થોડા અસામાજિક તત્વો ખલેલ પહોંચાડતા હતા.જેમાં ઇશાનો અવાજ ઓળખીતો હતો.લેક્ચર પૂરો થયો એટલે મેડમ બહાર ગયા અને બ્રેક પડ્યો.ઇશા તેની સહેલીઓ સાથે આગળની બેન્ચ તરફ આવી.
“સૉરી” કહી તેણે શૅકહેન્ડ કરવા હાથ લંબાવ્યો, “ફ્રેન્ડ્સ?”
“ઇટ્સ ઑકે”કહી મેં પણ હાથ લંબાવ્યો ત્યાં તેણે હાથ પાછો ખેંચી લીધો અને પોતાના વાળમાં એ હાથ પસવાર્યો, “માય ફૂટ,તને તો હું જોઈ લઈશ”
     મેં આકૃતિ સામે જોયું,એ મને શાંત રહેવા ઈશારો કરતી હતી.અને ધીરે થઈ ગણગણી "ઇગ્નોર." હું કંઈ ન બોલ્યો.મેં ઈશાને એક સ્માઇલ આપી અને મારી બુક્સ બેગ માં રાખવા લાગ્યો.
“હુહ,વિરાજ કમ ઑન”તેણે પેલા છોકરાને બોલાવ્યો.બધા તેની પાછળ ચાલવા લાગ્યા.
            મેં બેગમાંથી ડ્રોઈંગબુક કાઢી.મારી નજર પેલી વરસાદમાં પલળતી છોકરીના ચિત્ર પર પડી.એ પૅજ પર મેં હાથ ફેરવ્યો, ‘જ્યારે તું મને મળીશ ત્યારે હું કેવી રીતે ઓળખીશ તને?’ હું પોતાની સાથે વાત કરતો હતો. ‘મળીશ ને?’
        અચાનક આકૃતિએ મારી બેન્ચ પર ટકોરો માર્યો,મેં બુક બંધ કરી દીધી.
“શું?”મેં કહ્યું.
“બ્રેક પુરો થઈ ગયો,તું ઇશાને થોડા દિવસ સહન કરજે યાર પ્લીઝ.હું તેને સમજાવીશ”એ ઇશાની ભલામણ કરવા આવી હતી. મેં હકારમાં ડોક ધુણાવી એટલે સ્મિત કરી એ પાછળ ચાલી ગઈ.
       જ્યારે આપણી પાસે સત્તા ના હોય ત્યારે ચૂપ રહેવું જ સારું છે.મમ્મીની જવાબદારી મારા પર હતી,જૉબ પર પણ જવાનું હતું. જો હું ઈશા સાથે ઝઘડો કરું તો વિના કારણે સમય વેડફાઇ.ઈશાની એકપણ વાતનો હું રિસ્પોન્સ નહિ આપું એમ વિચારી લીધું.
     કૉલેજ પુરી કરી હું બહાર આવ્યો.મારી પાસે સૉ રૂપિયા હતા એ ગુસ્સામાં મેં ઇશાને આપી દીધા હતા એટલે ચાલીને જ જૉબ પર જવું પડ્યું.ત્યાં પહોંચતા સુધીમાં એક વાગી ગયો.મેં બેગમાંથી ટિફિન કાઢ્યું જે કોલેજમાં સૌથી છુપાવેલું હતું.જમીને મેં હાશકારો અનુભવ્યો.ત્યાં કોઈ ડિસ્ટર્બ કરવાવાળું નોહતું.બે કલાકમાં ટ્રેનિંગ પિરિયડ પૂરો થઈ ગયો અને મને એક ડેસ્ક સોંપવામાં આવ્યું.
      તેઓની પાસે મોબાઇલની એજન્સી હતી.દિવસ દરમિયાન ડિસ્પેચ કરેલા મોબાઈલના આઇએમઇઆઈ ઉપલોડ કરી રિપોર્ટ કરવાનું કામ મારું હતું.જો મોબાઈલ ફિઝિકલ સામે હોય તો ગન દ્વારા આઇએમઇઆઈ અપલોડ કરી શકાય પણ હું પાર્ટ ટાઈમ જતો એટલે સવારે જે હેન્ડસેટ ડિસ્પેચ થાય તેની એન્ટ્રી નંબર ઇનપુટ કરીને જ કરવી પડતી.
        એક મોબાઈલમાં તેર આંકડાનો આઇએમઇઆઈ હોય છે તેથી નંબર ઇનપુટ કરતા થોડો સમય લાગે પણ કી-બોર્ડ પર મારી સારી એવી પકડને કારણે મારા માટે આ કામ સરળ છે.થોડીવારમાં કામ પૂરું કરી હું વિચારે ચડ્યો.
‘વાડ વિના કોઈ દિવસ વેલા ચડતા નથી.જો મારે સફળ થવું હોય તો કંઈક અલગ કરવું પડશે.દુનિયામાં કરોડો લોકો છે અને બધા પોતાની બુદ્ધિ ક્ષમતાથી પોતાનું ગુજરાન ચલાવે જ છે, જો હું ગાર્ડર પ્રવાહમાં ચાલીશ તો અહીંયા જ રહી જઈશ.કંઈક અલગ કરવા માહિતી હોવી જરૂરી છે અને પાયો મજબૂત બને તો જ ઇમારત અડગ રહી શકે છે’મેં મારી ડાયરી કાઢી અને લખવાનું શરૂ કર્યું,
‘ત્રણ વર્ષ સુધી થોડી બચત કરી નાણાં એકઠાં કરવા,મમ્મીને હાલ સારી સવલતો પુરી પાડવી.જરૂર હોય તેટલો જ ખર્ચો કરવો.બિનજરૂરી ખર્ચ ના કરવો’આટલી લાઈન મેં ડાયરીના પહેલા પૅજ પર ટપકાવી.રોજ આ લખાણ નજર સામે આવે એટલે ધ્યાન દોરાય એ માટે.થોડીવાર ભવિષ્ય બદલવા વિચારણા કરી અને ડેસ્ક પર માથું ઢાળી બેસી રહ્યો.
      અચાનક મને એક વિચાર આવ્યો.મેં પીસીમાં બ્રાઉઝર ખોલ્યું અને ડિઝાઈનિંગ વિશે સર્ચ કાર્યું.મેં ડિઝાઈનિંગ લાઈનમાં જ આગળ જવાનું વિચાર્યું.ક્યાં આઇઆઈએમ અને ક્યાં ડિઝાઈનિંગ.બંને જુદી દિશામાં હતા પણ મને ડિઝાઈનિંગમાં રસ છે.
       સાંજ ઢળી એટલે બધા કામ પતાવી હું ઘરે જવા નીકળ્યો.રીક્ષા કરવાનો તો કોઈ સવાલ જ નોહતો. રસ્તા પર વાહનોની ગતિવિધિઓ નિહાળતો હું ઘરે પહોંચ્યો.
“આ કોનો શર્ટ લઈ આવ્યો વિહાન?”પ્રવેશતાની સાથે જ મમ્મીએ પહેલો સવાલ કર્યો.
“કૉલેજમાં એક છોકરી મારી સાથે અથડાઈ અને તેના હાથમાં રહેલું કોલ્ડડ્રિન્ક મારા શર્ટ પર ઢોળાયું”બૅગ સાઈડમાં રાખી,હાથ-મોં ધોવા ચોકડી પાસે પહોંચતા મેં કહ્યું, “તેણે જ મને નવો શર્ટ લઈ આપ્યો”
“સંસ્કારી છોકરી હશે,નહીંતર અત્યારે કોઈ પાસે આવું વિચારવાનો સમય જ ક્યાં છે?”જમવાનું પીરસતા મમ્મી બોલી, “તારો શર્ટ આપ સાફ કરી દઈશ અને હું તને પૈસા આપી, કાલે તેને આપી દેજે.”
“તેઓ મશ્કરી કરતા હતા મમ્મી,જાણીજોઈને મારા પર એ ઢોળ્યું હતું”મેં ચોખવટ કરતા કહ્યું, “અને મારો શર્ટ પણ એ જ લઇ ગઈ છે”
“ધ્યાન રાખજે વિહાન, બધા માણસો સરખા નથી હોતા”મમ્મીએ શિખામણ આપતા કહ્યુ.
હાથ-મોં ધોઈ,કપડાં બદલાવી હું જમવા બેઠો, દિવસ દરમિયાન બનેલી બધી જ ઘટના મેં મમ્મીને કહી.જમવાનું પૂરું કરી થોડીવાર મેં આરામ કર્યો અને મોટિવેશનની બૂકનું એક ચેપ્ટર વાંચ્યું.ત્યાં સુધીમાં મમ્મીએ વાસણ માંઝીને મારા કપડાંની જોડી ધોઈ નાખી.સવારે મારે એ જ પેન્ટ પહેરવાનું હોય છે એ મમ્મીને ખબર છે.
      એ જ પેન્ટ પર મરૂન શર્ટ પહેરી હું તૈયાર થયો.મારી પાસે બે જોડી કપડાં છે.(‘મારી પાસે બે જોડી જ કપડાં છે’ એમ કહું તો સાબિત થાય કે હું ખરેખર ગરીબ છું)શર્ટ બદલવાથી કોઈને ખબર નથી પડતી.
      પાછળના દિવસે કોઈ સાથે વધુ વાત નોહતી થઈ. કૉલેજમાં હું ખુશી અને આકૃતિને ઓળખતો હતો.આજે નવા મિત્રો બનાવવાના ઈરાદાથી હું કૉલેજ પહોંચ્યો. ક્લાસમાં પ્રવેશ્યો ત્યાં સુધીમાં સાડા સાત વાગી ગયા હતા.
      થોડીવાર પછી ખુશી મારી પાસે આવીને બેઠી.આજે તેણે પણ બ્લૅક-મરૂન રંગનું સલવાર કમિઝ પહેર્યું હતું.તેની સાથે તેની સહેલી આકૃતિ ના દેખાઈ એટલે ફોર્મલીટી માટે મેં પૂછ્યું.
“તેને થોડું લેટ થશે,કામથી ગઈ છે”ખુશીએ કહ્યું અને બાજુમાં આવી બેસી ગઈ.
      થોડીવાર પછી વિરાજ રૂમમાં એન્ટર થયો.મારી પાસે આવી ઉભો રહ્યો.
“એક્સકયુઝ મી,આ મારી જગ્યા છે”તેણે મેને સંબોધીને કહ્યું.
      ખુશીએ મને કોણી મારી.મેં તેની સામે જોયું તો ઉભો ન થવા મને ઈશારો કર્યો.
“મેડમે મને અહીં બેસવા કહ્યું છે,પહેલા તમે તેની પરમિશન લઈ આવો”મેં આત્મવિશ્વાસથી કહ્યું, “અને ત્યાં સુધી આ જગ્યા મારી છે”
“અબે ચંપુ, ઉભો થાય છે કે આપું એક ડાબા હાથની”તેણે જૉરથી કહ્યું.હું ડરી ગયો.એટલામાં જ ઈશા રૂમમાં એન્ટર થઈ.વિરાજ ઠંડો પડી ગયો.
“તમે પહેલા મેડમની પરમિશન લઈ આવો”મેં ફરી મક્કમતાથી કહ્યું.
“શું છે?”ઇશાએ વિરાજ પાસે ઉભા રહી કહ્યું.
“ઈશા કંઈ નથી થયું,તું વિરાજને લઈ જા પ્લીઝ”ખુશીએ ઈશા સામે જોઈ કહ્યું.ઈશા વાત સમજી ગઈ હોય તેમ વિરાજને લઈ પાછળ ચાલી ગઈ.
“એમ તો આપણું પણ ચાલે હો”ખુશીએ હસતા હસતા કહ્યું.મેં પણ સ્મિત કાર્યું.થોડીવારમાં લેક્ચર પૂરો થઈ ગયો.પૂરો લેક્ચર મેં ભણવામાં ધ્યાન આપ્યું.લેક્ચર પૂરો થયો એટલે સર બહાર નીકળ્યા અને આકૃતિ હાંફતી હાંફતી આવી દરવાજા પાસે ઉભી રહી.તેણે મને બહાર આવવા ઈશારો કર્યો.
      બધી બુક્સ ડ્રોવરમાં રાખી હું બહાર ગયો અને પૂછ્યું “શું થયું ?”
(ક્રમશઃ)
         આકૃતિ ક્યાં ગઈ હશે?,કેમ તેણે એક લેક્ચર બંક કર્યો?,ઈશા અને વિરાજ વિહાન સાથે કેવી રીતે વર્તશે?,આકૃતિ અને વિહાન વચ્ચે કોઈ સીન થવાની સંભાવના દેખાય છે?.કદાચ સૌને વિહાનનું આવું બીહેવીઅર માઠું લાગતું હશે પણ સમય બળવાન હોય છે.
        આગળનો ભાગ આકૃતિની ફીલિંગ્સ.
-Megha Gokani & Mer Mehul