Murderer's Murder - 48 in Gujarati Crime Stories by Hardik Kaneriya books and stories PDF | મર્ડરર’સ મર્ડર - પ્રકરણ 48

Featured Books
Categories
Share

મર્ડરર’સ મર્ડર - પ્રકરણ 48

“બીજા દિવસે સવારે શું થયું ?”

“મને તે આખી રાત ઊંઘ ન્હોતી આવી. હું પલંગ પર જાગતી પડી હતી ત્યાં અભિલાષાની ચીસ સંભળાઈ. મેં સક્સામિથોનિયમ અને ક્લૉરોફોર્મની બૉટલો બહારથી ચોખ્ખી કરી રાખી હતી. મહેન્દ્રની આંખો હજુ ખૂલી ન્હોતી. હું તે બંને બૉટલને મારી સાડીના પાલવમાં પકડી ઉપર દોડી ગઈ. પહેલા માળે જઈ મેં લલિતના રૂમમાં ડોકિયું કર્યું, ત્યાં કોઈ ન હતું. હું ઝડપથી તેના રૂમમાં પ્રવેશી, મેજનું ખાનું ખોલ્યું અને તેમાં વાયલ તથા બૉટલ મૂકી દીધા. તેમાંની એક પણ વસ્તુ પર મારી આંગળીઓના નિશાન ન ઊઠે તેની મેં પૂરતી તકેદારી લીધી હતી.

પછી, હું કંઈ જાણતી નથી તેવા ચહેરા સાથે આરવીના રૂમમાં ગઈ. ત્યાં અભિલાષા, લલિત, મનીષાબેન અને રામુ હાજર હતા. અંદરનું ચિત્ર મને વિચિત્ર લાગ્યું, રૂમમાં મારી ધારણા કરતા અલગ દ્રશ્ય ભજવાઈ રહ્યું હતું. આરવીના હાથની નસ કપાયેલી હતી અને પલંગ પાસે ફરસ પર લોહી જમા થયું હતું. મારા મનમાં પ્રશ્ન ઉદ્ભવ્યો કે આ કેવી રીતે બન્યું ? મને જોરદાર આશ્ચર્ય થયું, છતાં મેં દુ:ખી થવાનું નાટક કર્યું. જોકે, તમે આવીને કહ્યું કે હત્યારાએ આરવીની હત્યાને આત્મહત્યામાં ખપાવવા, મૃત આરવીના કાંડા પર બ્લેડ મારી છે ત્યારે મને લાગ્યું કે આરવીનું મૃત્યુ મેં મારેલા ઇન્જેક્શનથી જ થયું છે.”

“આરવીના હાથની કપાયેલી નસ જોઈ, આપને કોઈ પર શંકા ગઈ હતી ?”

“જયારે, લલિતે રામુને પોલીસ બોલાવવા કહ્યું અને વરુણે તેને રોક્યો ત્યારે મને વરુણ પર શંકા ગઈ હતી. પછી, વરુણને સાથ આપવા મેં ય પોલીસ બોલાવવાની લલિતની વાતનો વિરોધ કરેલો.”

“મહેન્દ્રએ પાડેલા માધવીના ફોટા અને માધવીએ લખેલો અંતિમ પત્ર અત્યારે ક્યાં છે ?”

“મને તેની ખબર હોત તો મેં આરવીના બદલે પુરાવાઓને ખતમ કર્યા હોત.”

‘સાદી વાતને જટિલ કરી ફરી સાદી કરવા મથે તેનું નામ સ્ત્રી.’ ઝાલા મનમાં બબડ્યા અને પછી ડાભી સામે જોઈને કહ્યું, “આરવીના રાજકોટવાળા ઘરની તલાશી લેવડાવો. મનીષાબેન, આરવી, લલિત અને અભિલાષાના નામે જેટલા પણ સિંગલ કે જોઇન્ટ લૉકર હોય તે તમામ ચેક કરાવડાવો.”

“યસ સર.” ડાભી રિમાન્ડ રૂમની બહાર નીકળ્યા.

“બધી જ જગ્યાએ ઊંધું ચાલનારા તમે ભૂલી ગયા કે રિવર્સ ગિયરમાં ગાડી એટલી ફાસ્ટ નથી ચાલતી જેટલી ફૉરવર્ડ ગિયરમાં ચાલે છે, લાંબી સજા માટે તૈયાર થઈ જાઓ.” આટલું કહી ઝાલા રિમાન્ડ રૂમની બહાર નીકળી ગયા.

****

“મુક્તાબેનને ઉઠાવી લાવતા પહેલા આપણે વીરેન્દ્રની કડક પૂછપરછ કરી હતી. તેના નિવેદન અને મુક્તાબેનના નિવેદનમાં એક અક્ષરનો ય ફરક નથી.” કડક મીઠી ચા અને ગરમાગરમ ગાંઠિયા સાથે કૅબિનમાં પ્રવેશેલા ડાભીએ કહ્યું.

29મી તારીખની સવાર પડી ચૂકી હતી. ગઈ કાલ સવારે બલર બંગલોમાં સર્ચ આદર્યું ત્યારથી અત્યાર સુધીમાં ઝાલા અને ડાભીએ એક પણ સેકન્ડનો વિરામ કર્યો ન હતો. જોકે, સતત ચોવીસ કલાકના પુરુષાર્થ પછી પણ તેમનો ઉત્સાહ અને જુસ્સો ઓસર્યા ન હતા.

“મુક્તાબેને તેને ઉલ્લુ બનાવ્યો હતો, છતાં દવાનો ગેરકાયદેસર ઉપયોગ થવાનો છે તે વીરેન્દ્ર જાણતો હતો. સક્સામિથોનિયમ જેવી દવાને પ્રિસ્ક્રિપ્શન વગર વેચી તેણે ગંભીર ભૂલ કરી છે.”

“આવો કેસ મેં આખી જિંદગીમાં નથી જોયો. સાલા, બધા શિકારી નીકળ્યા. મહેન્દ્રએ માધવીનો શિકાર કરેલો અને મુક્તાબેન તથા મનીષાબેને આરવીનો શિકાર કર્યો... વળી, શિકાર બનેલી આરવી, અભિલાષાનો શિકાર કરવા નીકળી હતી !” ડાભીએ ગાંઠિયાનું પેકેટ ખોલ્યું અને ચાની બે પવાલી ભરી.

“દુનિયાનો દરેક શિકારી કોઈક અન્ય માટે શિકાર જ હોય છે, ગફલતમાં રહે એટલી જ વાર હોય છે.” ઝાલાએ ગાંઠિયાનો ટુકડો મોંમાં મૂક્યો.

“પણ, મુખ્ય શિકારી કોણ છે તે હજી સ્પષ્ટ થયું નથી. આરવીને ગૂંગળાવનાર વ્યક્તિનો પત્તો લાગી જાય તો કેસથી પીછો છૂટે.”

“પત્તો તો લાગી જ ગયો છે. બસ, તેને ઝપટમાં લઈએ તેટલી વાર છે.”

“શું ?” જાણે કોઈએ ખુરશી પર ઊભી ટાંકણી ગોઠવી હોય અને માણસ બેસતાં વેંત ઊભો થઈ જાય તેમ ડાભી સટાકથી ઊભા થઈ ગયા. તેમના હાથનો થડકો વાગતા ટેબલ પર રહેલી ચાની પ્યાલીમાંથી થોડી ચા ટેબલ પર ઢોળાઈ. “કોણ છે એ ?” તેમણે આતુરતાથી પૂછ્યું.

“તમે જ વિચારો.”

ડાભી વિચારવા લાગ્યા. આરામભેર ચા અને ગાંઠિયાની લિજ્જત માણતા ઝાલાને જોઈ તેમને લાગ્યું, ‘ગુનેગાર અહીં જેલમાં જ લાગે છે, નહિતર સાહેબ આટલા નિશ્ચિંત ન હોય.’

“પીએમ રિપૉર્ટ મુજબ આરવીનું મૃત્યુ બારથી એકની વચ્ચે થયું હતું, તે ગૂંગળાઈને મરી હતી અને સક્સામિથોનિયમનું ઇન્જેક્શન વાગ્યું ત્યારે તે મરી ચૂકી હતી.” થોડી વારે ઝાલાએ ડાભીને ક્લૂ આપ્યો.

“તો ?” ડાભીએ માથું ધુણાવ્યું.

“તો શું, મતલબ સાફ છે, મુક્તાબેન આરવીના રૂમમાં પ્રવેશ્યા ત્યારે આરવી મરી ચૂકી હતી, તેમના આવ્યા પહેલા જ કોઈ આરવીનું કામ તમામ કરીને નીકળી ગયું હતું. આ વાતની ખરાઈ કરવા મેં મુક્તાબેનને, આરવીએ કરેલા પ્રતિકાર વિશે પ્રશ્ન પણ પૂછ્યો હતો.”

“પણ, તેમાં હત્યારાનો ક્લૂ ક્યાં છે ?”

“અરે ભાઈ, દીવા જેવી સ્પષ્ટ વાત છે. મુક્તાબેન પહેલા આરવીના રૂમમાં જે કોઈ ગયું હોય તેણે જ આરવીને મારી હોય.”

“અભિલાષા ?” ગણિતની ગણતરીમાં આવ્યા હોય અને વિજ્ઞાનનું પેપર નીકળે તેમ ડાભી ડઘાયા.

“હા. તે જ આરવીના રૂમમાં સાડા બારે ગઈ હતી, મુક્તાબેનના પ્રવેશની અડધી કલાક પહેલા.”

ડાભી થોડી વાર વિચારતા રહ્યા અને કહ્યું, “મને અભિલાષાના ગુનેગાર હોવા પર શંકા છે. આટલા વર્ષોના અનુભવથી હું અપરાધીઓ અને હત્યારાઓની માનસિકતાનું તારણ કાઢી શકું છું. સામાન્યત: જે તે વ્યક્તિની હત્યા કરનાર માણસ, હત્યા થઈ હોય એ સમયગાળામાં, હત્યા થઈ હોય તે સ્થળ પર, કે જેની હત્યા થઈ હોય તે માણસની આસપાસ હતો એવું કહેતો નથી. જયારે અભિલાષાએ હત્યાના પહેલા જ દિવસે કબૂલ્યું હતું કે તે આરવીના રૂમમાં ગઈ હતી. વળી, આરવીના રૂમમાં જવાના સમયથી માંડી તેની દરેક કબૂલાત મનીષાબેનના ખુલાસા સાથે મળતી આવે છે.

જો આ હત્યા અભિલાષાએ કરી હોત તો તે તેમ કહેત જ નહીં કે તે મોડી રાત્રે આરવીના રૂમમાં ગઈ હતી, જેમ મુક્તાબેને બલર બંગલોનો દરવાજો બંધ કર્યો હોવા છતાં છેક સુધી ન કહ્યું તેમ... અથવા કંઈક કાપકૂપ કરીને કે વધારી-ઘટાડીને કહ્યું હોત. મને તો લાગે છે કે આરવી તેના રૂમમાં સૂઈ ગઈ છે કે કેમ તેની તપાસ કરવા જ તે આરવીના રૂમમાં ગઈ હતી.”

“તમારા ધ્યાન પર આવ્યું નથી, પરંતુ તેની કબૂલાત અને મનીષાબેનના ખુલાસામાં નાનકડો ફરક છે. અભિલાષા આપણી પાસે જૂઠ તો બોલી છે, પરંતુ સિફતથી...”

ડાભીને આંચકો લાગ્યો, “આપ કયા જૂઠની વાત કરો છો ?”

“હત્યાની રાત્રે આરવીના રૂમમાં જવા બાબતે અભિલાષાએ શું કહ્યું હતું ?”

“કોલ્ડ ડ્રિંક પીને સૂઈ ગયા પછી રાત્રે સાડા બારે તેની આંખ ખૂલી ત્યારે, બેડરૂમનો નાઇટ લૅમ્પ બંધ હતો. તેણે લાઇટ ચાલુ કરીને જોયું તો આરવી તેના રૂમમાં ન હતી. માટે, તે બહાર નીકળી અને આરવીના રૂમ પાસે ગઈ. આરવીના રૂમનો દરવાજો ખોલી તેણે જોયું તો અંદર અંધારું હતું, પણ આરવી અંદર સૂતેલી હોય એવું લાગતું હતું. પછી, આરવીની ઊંઘ ન બગડે એટલા માટે રૂમની લાઇટ ચાલુ કર્યા વગર રૂમનો દરવાજો ધીમેકથી બંધ કરી તે પોતાના રૂમમાં ચાલી આવી.”

“હાઆઆઆ... તો અભિલાષાના કહેવા મુજબ તે આરવીના રૂમમાં પ્રવેશી નથી. પણ, મનીષાબેને કહેલું કે તે આરવીના રૂમમાં ગઈ હતી. હવે, માની લઈએ કે અંદર સૂતેલી વ્યક્તિ આરવી જ છે તેની ખાતરી કરવા તે રૂમમાં ગઈ હોય, તો તેમાં કેટલો સમય લાગે ?”

“વધીને એક મિનિટ.”

“બરાબર. પણ, તે આરવીના રૂમમાં પાંચ મિનિટ રોકાઈ હતી.” ઝાલાએ ઠંડા અવાજે કહ્યું.

“પાંચ મિનિટ ?” ડાભીનો ચહેરો જોવા જેવો થઈ ગયો. “એટલા સમયમાં તો પ્રતિકાર કરી શકે એવા યુવાનને પણ ગૂંગળાવીને પૂરો કરી શકાય.”

“મુક્તાબેનનો એકરાર ચાલુ હતો ત્યારે મારા દિમાગમાં અભિલાષા અને મનીષાબેનની કબૂલાતનો વિરોધાભાસ ઝબકયો હતો. પછી, મુક્તાબેન પાસે જાણવા જેવું કંઈ ન રહ્યું ત્યારે તમે ગાંઠિયા લેવા ગયા અને હું મનીષાબેન પાસે. મેં મારી શંકાના સમાધાન માટે તેમને પૂછ્યું કે અભિલાષા આરવીના રૂમમાં કેટલી વાર રોકાઈ હતી ? તેમણે કહ્યું, “લગભગ પાંચ-સાત મિનિટ...” હવે તમે જ કહો, અડધી રાત્રે અભિલાષાને આરવીના રૂમમાં ‘પાંચ-સાત’ મિનિટનું શું કામ હોય ?” ઝાલાએ ગાંઠિયાના વધેલા ભુક્કાનો બૂકડો ભર્યો અને કાગળને ડૂચો વાળી તેને ડસ્ટબિનમાં ફેંક્યું.

ક્રમશ :

(મર્ડરર’સ મર્ડર નોવેલમાં મુખ્ય ગુનેગાર કોણ હશે તે વિશે અનુમાન કરી આપ આ જ લેખકે લખેલું અને બહુ વખણાયેલું સસ્પેન્સ થ્રિલર પુસ્તક “કારસો” જીતી શકો છો. વાર્તાના પચાસ પ્રકરણ સુધીમાં આપ ધારણા કરીને જણાવી શકશો કે મુખ્ય વિલન કોણ છે. આપની તે ધારણાનો જવાબ નોવેલ પૂરી થતાં સુધી આપવામાં આવશે નહીં. વળી, એક વાચક પોતે જણાવેલા મુખ્ય વિલનનું નામ બદલશે અથવા એક કરતાં વધુ વિલનનું નામ લખશે તો તેને ક્વિઝ માટે ડિસ્ક્વૉલિફાઇ ગણવામાં આવશે. છેલ્લા બે પ્રકરણમાં મુખ્ય વિલન ખુલ્લો થશે ત્યારે ગુનેગારના સાચા નામ ધારનાર વાચકોના નામનો ડ્રો કરવામાં આવશે અને કોઈપણ ત્રણ વાચકને હાર્દિક કનેરિયાએ લખેલું તથા અમોલ પ્રકાશને પ્રકાશિત કરેલું સસ્પેન્સ થ્રિલર પુસ્તક ‘કારસો’ ભેટ આપવામાં આવશે. તો ધ્યાનથી વાંચતા રહો મર્ડરર’સ મર્ડર અને મુખ્ય વિલન વિશે ખાતરી હોય તો કમેન્ટમાં તેનું નામ લખી “કારસો” જીતવાનો પ્રયત્ન કરો.)