અધુરા અરમાનો-૩૭
કોઈ પણ વસ્તું યા વ્યક્તિને પામી લીધાના સુખ કરતા એને ખોઈ નાખ્યાનું દુ:ખ બહું જ વસમું હોય છે. અનેકોની જીંદગીમાં અનેકવાર એવું બન્યું જ હોય છે કે મેળવી લીધા પછી એ વસ્તું/વ્યક્તિની અસર ઓસરતી જાય છે પરંતું એ જ વસ્તું/વ્યક્તિને ખોયા બાદ ઉમ્રભર શાયદ વીસરી શકાતી નથી.
સ્હેંજમાં મળી જાય એની નહીં કિન્તું પળમાં ખોવાઈ જનારનું મૂલ્ય વધું હોય છે.
સૂરજે માત્ર રમતવાતમાં પોતાની જીંદગીને- સેજલને ખોઈ નાખી પરંતું એનું દર્દ એના પછી અનુભવાયું.
"ઓ સુરજ, એકવાર તું આવી જા;
વિરહથી ક્ષણ ક્ષણ અકળાઉં છુ."
માંડ કરીને એ સેજલનો મેસેજ વાંચી શક્યો. ઘેરથી આવેલો મેસેજ હજી વાંચવાનો હતો. ને એના હાથમાંથી મોબાઇલ સરકી ગયો. પથ્થરે ટકરાયો, ને વેરવિખેર! કાલે સેજલના લગ્ન છે. પણ હવે શું? એ 'કાલ' તો ક્યારનીયે વીતી ગઈ હતી! એ કાલને તો આજે ચોથો દિવસ હતો. ક્યાં, કેવી હાલતમાં હશે મારી સેજલ? એ બબડી પડ્યો. વળી, દુનિયાથી હારી ગયેલા એણે ભગવાનને દોષ દેવા માંડ્યો:" એ પરવરદિગાર! તુંય કેવો માણસ જેવો નઠારો નીકળ્યો! કે મારા પ્રેમને અન્યને સોંપી દીધો! તને મારી જરાય દયા ના આવી? અરે, કમસેકમ તારે મારી નિંદ્રામાં આવીને મને એના લગ્નની કંકોત્રી તો આપવી હતી! એ બકી રહ્યો હતો પણ એને ક્યાં ભાન હતું કે ખુદ ભગવાને આવીને એના પ્રેમલગ્ન કરાવી આપ્યા હતા.
એણે તાબડતોબ પગ ઉપાડ્યા. ગાઢ અંધારી રાત, મહાભયમંકર બિહામણું જંગલ, મૃત્યું જેવી ખીણો -કોતરો, દિલ ચીરી નાખતા પ્રાણીઓના અવાજો... આ બધાને ભેદતો એ ચાલી નીકળ્યો. પ્હોં ફાટતામાં તો એ પાલનવાડા આવી પહોંચ્યો.
એણે દરવાજો ખખડાવ્યો. અંજલી દરવાજે આવી ઊભી રહી. અંજલી સાથેની વાતચીત દ્વારા એને જાણવા મળ્યું કે સેજલના લગ્ન થયાને તો આજે પાંચમો દિવસ ઊગ્યો છે. અને લગ્ન કરીને સેજલને તાબડતોડ અમેરિકા મોકલી દેવામાં આવી છે. આટલું સાંભળીને એના હોશ કોશ ઉડી જવા લાગ્યા. કિન્તુ એણે સંયમ જાળવ્યો. મન મક્કમ કર્યું
કારણ કે એને સેજલ મેળવવાની હતી. સેજલની ખાતર થઈને જીવવાનું હતું. એકવારની તો એ સેજલને ખોઈ બેઠો પણ હવે તેને ગોતીને હંમેશ માટે પામવાની હતી.
અમેરિકાનું નામ સાંભળીને સૂરજ દિંગ્મૂઢ બની ગયો. એને ધોળા દિવસે તારા દેખાવા લાગ્યા. હજી તો હમણાં જ સૂર્ય ઊગ્યો છે છતાંયે કાળીભમ્મર રાત દેખાવા લાગી. કારણ કે જેને મુંબઈ કે દિલ્હી જવાનાયે ફાંફા હોય એ અમેરિકા શી રીતે પહોંચી શકે? તેમ છતાં એણે અમેરિકા જવાની તરકીબો શોધી કાઢી. બીજો દિવસ થતાં થતાં તો એ છેક દિલ્હી પહોંચી ગયો. એના સૂકાયેલા હોઠ પર એક જ ધૂન રમતી હતી કે 'ગમે તે ભોગે અમેરિકા જવું, અમેરિકા જઈને મારી સેજલને મળવું અને પછી એના સંગાથે વતનની ધૂળના વિયોગે ત્યાં જ ભલે મરી જવાતું.
"દિલ પડ્યું છે ભ્રમણામાં તારા જવાથી જ તો;
દિવાના આ દિલને કેમ કરી મનાવુ?"
એકવાર 'કંઈક' ગુમાવી ચૂકેલા માણસને એ 'કંઈક'ને પામવાની તાલાવેલી કેટલી હોય છે! સરળતાથી મળેલા 'કંઈક' ને ગુમાવ્યા પછી એને પામવાની જીદે માણસ જિંદગીને હોડમાં મૂકતાય અચકાતો નથી. કારણ કે કંઈક ગુમાવ્યાનો વસવસો માણસને જિંદગીભર સર્પની જેમ ડંખતો રહે છે.
'કંઈક' ગુમાવ્યા પછીની વેદના કેવી હોય છે એ તો જેણે ગુમાવ્યું હોય એને પૂછીયે તો જ ખબર પડે.
સૂરજે અમેરિકા જવાની તરકીબો વિચારી લીધી. કિન્તુ પૈસાનો અભાવ, ત્યાં ઓળખાણનો અભાવ ને વળી માણસોમાં માનવતા નો અભાવ! કેમ કરીને જવું અમેરિકા? છતાંયે સિક્યુરિટીની ચાંપતી નજરોમાં મરચાં નાખીને એ અમેરિકા જતી ફ્લાઈટમાં ચડી બેઠો. હજુ ફ્લાઈટ ઉપડવાની વાર હતી. એણે મનમાં હાશકારો અનુભવ્યો. સેજલને મળવાની ઈચ્છા ફળતી હોય એમ એની આંખમાં ચમક આવી ગઈ. સુકાઈ ગયેલા શરીરની નસેનસમાં નવી કૂંપણો ફૂટવા લાગી. ઘડીકમાં તો એણે કંઈ કેટલાય રળિયામણા સપનાઓ જોઈ લીધા. એવામાં એરહોસ્ટેસની અવરજવરથી એનું દિલ ભૂકંપના તીવ્ર આંચકાની જેમ ધ્રુજવા લાગ્યું. તેમ છતાં એની જોડે જાણે અમેરિકાનો વિઝા હોય અને ભારતનો પાસપોર્ટ હોય અને ગજવામાં જાણે ટિકિટ હોય એવી અદાથી એ બેઠો હતો. ચહેરાની વિશિષ્ટ મુદ્રાથી એમ લાગતું હતું જાણે કોઇ મહાન વિભૂતિ બેઠી ન હોય! અને પ્રેમમાં સુકાઈ ગયેલી આ મહાવિભૂતિ પર એરહોસ્ટેસની નજર પડી. તે મલકાતા ચહેરે સૂરજ તરફ આવી. જેવી તે નજીક આવી કે સૂરજની છાતી ધડક ધડક કરતી ધ્રુજવા લાગી. પેલીએ આવીને સૂરજના ખભે હાથ મૂક્યો કે તરત જ સૂરજનું શરીર ઑર ધ્રુજવા લાગ્યું.
વિના ટિકિટે વિમાનમાં ઘૂસી જવા બદલ સૂરજને જેલની સજા થઈ. જિંદગીમાં જેણે જેલનો દરવાજો કે જેલનું મોઢુંય નહોતું જોયું એ સૂરજને બીજીવાર જેલની જિંદગી જીવવી પડી. જોકે પહેલીવાર તો સેજલે એને બચાવી લીધો હતો પણ હવે કોણ બચાવે? દિલ્હીમાં એને કોણ ઓળખે? જો એનો સાગરીત થઈ એને છોડાવે? તેમ છતાં સેજલને આખરી વાર મળી લેવાની એક આશા પાંપણની અણીએ સંતાડીને બાકીની શાખાઓ છોડીને એ જીવતો બેઠો હતો.
જેલમાં પડ્યો પડ્યો સૂરજ અતિતના આયનાને ઘસી ઘસીને ઉજળો કરી રહ્યો હતો. વારંવાર એનું મન અનાયાસે જ મિલનના એ સ્થળે વળી જતું હતું, જ્યાં ભોળાનાથના મંદિરમાં સેજલ સાથે અગણિતવાર મળી ચૂક્યો હતો. એકવાર એ મંદિરના બાગને વાગોળી રહ્યો હતો. અને અચાનક તે સ્વપ્નમાં સરી પડ્યો. પડ્યો પડ્યો સપનાની પાંખ લઇને એ મંદિરે પહોંચી ગયો. સ્વપ્નમાં મંદિરના દરવાજે પહોંચ્યો. મંદિરના બાગની નીરવતા જોઈને એ ગાંડોઘેલો બની ગયો. જ્યાં સ્નેહમિલનનો મેળો જામતો અને જેનામાં પ્રેમની બેસુમાર આપ-લે થતી હતી; જ્યાં રોજ ગગન ધોળા દિવસે સિતારાઓ ખેરવતું રહેતું હતું; જ્યાં આખા જગતભરના બાગની ખુશ્બુ પ્રેમ બનીને ફોરમાતી હતી; જ્યાં આઠોપ્રહર પ્રેમની વસંત નવા નવા રૂપે ખીલતી રહેતી હતી; જ્યાં ચૈતન્યના, ઊર્મિના, સ્નેહાનંદના, પ્રેમની પરમ દિવ્તાના અવિરતપણે ફુંવારા ઉડતા રહેતા હતા એ બાગમાં અત્યારે વીરાનીઓ જાણે અડ્ડો જમાવી બેઠી હતી. જેના નીચે એ લોકો કલાકોના કલાકો પ્રેમાલાપ કરતા હતા એ પીપળો જાણે સુકાઈને જર્જરિત થઈ ગયો હોય એમ લાગતું હતું. એ તુલસીક્યારો સૂકાઈ રહ્યો હતો. એ પથ્થર જેના પર પર બેસીને તેઓ પ્રેમગોષ્ટિ કરતાં હતાં. એ પથ્થર જાણે સુકાઈને કાળોમેંશ બની ગયો હતો. જે જગ્યાએ લીલીછમ લોન પર આડા પડીને બંને વીંટળાઈ વળતા હતા એ જગ્યા કોરીકટ પડી હતી. ત્યાંની લીલોતરી ઊડીને જાણે એ બંનેને ગોતવા ગઈ ન હોય!
જ્યાં બેસીને એમણે પ્રેમની મદમસ્ત જિંદગીના બેસુમાર અરમાનો મનના મોતીઓથી સજાવી રાખ્યા હતા, એ આરમાનો એમના વિયોગમાં મંદિરની દિવાલે અથડાઈ પટકાઈને તમ્મર ખાઈને કોમામાં સરી પડ્યા હોય એવા લાગતા હતા. એ અરમાનો સૂરજનો પગરવ થતા જ જાણે આંખ ચોળીને ઊભા થઈ ગયા. એ દોડતા આવીને પોતાને -સૂરજને ઢંઢોળીને જાણે કરી રહ્યાં હતાં કે, 'સૂરજ !અમને તારી સેજલની ભવ્ય મંઝીલે પહોંચાડ. સેજલ જોડે અમને પહોંચાડ. અમે તમારા વગર સાવ સુકાઈ ગયા છીએ.' અને આવો આભાસ થતાં જ એ બરાડા પાડી ઊઠ્યો:" નહીં, સેજલ નહીં! હું તારા અરમાનોને આમ રઝળવા નહિ દઉં!" અને એ જેલના દરવાજાને મુક્કો મારી બેઠો. નીચે ઢળી પડ્યો. એનો ચિત્કાર સાંભળીને જેલર દોડતો આવ્યો. સાંત્વના આપીને સૂરજને ઠંડો પાડ્યો.
ભેંકાર અડધી રાતે "સેજલ...! સેજલ...!" કરતો એ નિંદ્રાવશ થઇ ગયો. અને તેનો પડઘો સવાર સુધી હવામાં ગુંજતો રહ્યો.
-ક્રમશ: