ડણક
A Story Of Revenge.
ભાગ:14
(માનવભક્ષી સાવજ ના હુમલા માં પોતાની પત્ની સેજલ ને ગુમાવ્યાં બાદ કાનો અર્ધ પાગલ બની જાય છે. આ તરફ સિંહ દ્વારા થતાં હુમલા વધે જ જાય છે.. વનવિભાગ ની ટીમ દ્વારા પણ ખૂંખાર બનેલાં સાવજ ને પાંજરે પુરવાનો કીમિયો નિષ્ફળ જાય છે. રાવટા માં ગોવિંદ નામનાં એક વ્યક્તિ પર સિંહ હુમલો કરે છે પણ એ કોઈ કારણ થી બચી જાય છે.. હિરલ રેખા ને ગોવિંદ ના બચવા પાછળ કાના નો હાથ હોવાનો પુરાવો આપે છે.. બીજી બાજુ રેખા પણ સેજલે એને કહેલી એક વાત કહેવા નું શરૂ કરે છે. હવે વાંચો આગળ.. )
પહેલાં તો સેજલે છેલ્લે કહેલી વાત હિરલ ને કહેવા માટે રેખા રાજી ના થઈ.. પણ જ્યારે હિરલે કહ્યું કે આ વાત થી કાના ની તબિયત માં કદાચ સુધાર થઈ જાય તો.. એ સાંભળી કાના વિશે વિચારી રેખા એ સેજલે પોતાને જણાવેલી વાત હિરલ ને કહેવાની તૈયારી બતાવી.
રેખા સેજલે પોતાને કહેલી વાત જ્યારે હિરલ ને જણાવે છે ત્યારે હિરલ ની આંખો ઉભરાઈ આવે છે.. એ સાંભળતાં ની સાથે જ રેખા સામે જોઈ હિરલ બેફામ સાહેબ ની પ્રખ્યાત ગઝલ ની બે પંક્તિ ઉચ્ચારતાં કહે છે..
"ખુદા ની કસોટી ની પ્રથા સારી નથી હોતી..
ને સારા લોકો ની દશા જ સારી નથી હોતી.. "
'હે ભગવાન કાના એ શું બગાડ્યું હતું તારું કે એને આટલું દુઃખ આપવું જરૂરી હતું.. કાનો ભલે મારો ન થયો પણ સેજલ ની જોડે એનો સુખી ઘર સંસાર જોઈ હું ખુશ હતી.. રેખા સાચે જ આ વાત સાંભળી મારું હૈયું પણ આક્રંદ કરી રહ્યું હોય એવું મને લાગે.. "
"એટલે જ હું તને કહેતી હતી કે આ વાત મારા હૃદય ના સંદૂક માં હંમેશા માટે ધરબાઈ જાય એમાં જ સૌનું ભલું છે.. ખાસ કરી ને કાનાભાઈ નું.. "રેખા એ વાત ની ગંભીરતા વિશે સમજાવતાં કહ્યું.
થોડો સમય ન રેખા બોલી ના હિરલ.. અચાનક કોઈ વિચાર મન માં સ્ફુર્યો અને હિરલે કહ્યું.
"રેખા હું આ વાત કાના ને કહીશ.. . હા હું સેજલે તને છેલ્લે કરેલી વાત કાના ને અવશ્ય કહીશ.. "
"તું શું બોલી રહી છે એનું તને ભાન તો છે ને.. જોઈ છે તે કાનાભાઈ ની હાલત.. એક જીવતી લાશ હોય એમ જીવે છે અત્યારે.. અને જો તું એમને આ વાત જણાવીશ તો શું વીતશે એમનાં પર એની કલ્પના કરું તો પણ મારાં રૂંવે રૂંવે જ્વાળા સળગી ઉઠે છે.. "રેખા એ કહ્યું.
"અરે આજે નહીં તો કાલે કાનો આમ જ રહેશે તો પાગલ થઈ જ જશે.. એનાં કરતાં હું તારી કહેલી આ વાત કાના ના કાને નાંખી જોઉં.. ક્યાંક એવું બને કે તને જે વાત ઝેર સમાન લાગે છે એ વાત ઓસડ નું કામ કરી જાય.. "હિરલે કહ્યું.
"પણ.. તું આ વાત કાનાભાઈ ને કહ્યા પહેલાં સો વાર વિચારી લેજે.. "સલાહ આપતી હોય એમ રેખા બોલી.
"તું નાહક માં ચિંતા કરે છે રેખા.. હું કાના ને આ વાત કહીશ તો ખરી પણ એનાં સારા માટે.. જય માતાજી"મક્કમ અવાજે આટલું કહી હિરલ પોતાનું પાણી નું બેડું લઈ ત્યાંથી ચાલી નીકળી.
"જય માતાજી.. "પર્યુત્તર માં આટલું કહી રેખા જતી હિરલ ની પીઠ તાકી રહી.
***
"સેજલ સેજલ તારી યાદ આવે ને મારાં હૈયા ને કરતી ઘાયલ..
હું પણ તારાં વિયોગ માં ભટકું દર દર બની તારો પાગલ.. "
કાનો સાનભાન ભૂલી અલખધણી એવાં પરમકૃપાળુ પરમાત્મા નાં ખોળે પ્રકૃતિ ની ગોદ માં ગામ ને પાદરે આવેલાં શિવ મંદિર ની પાછળ આવેલાં વડ ના વૃક્ષ નીચે અર્ધજાગ્રત અવસ્થા માં આરામ કરતો હતો..
સેજલ આજે મન થી નક્કી કરીને પહોંચી હતી.. "કાં રેખા એ કહેલી વાત જાણ્યાં પછી કાનો સાજો થાય છે અથવા તો પછી હંમેશા માટે પાગલ થઈ જશે.. એક રીતે આ વાત ઓસડ બનશે કે ઝેર.. "
ધીરે થી સેજલ કાના ની નજીક ગઈ.. અને એની બાજુ માં જઈને એનું નામ બોલી એને ઉઠાડવા જ જતી હતી એટલામાં કાનો અચાનક બંધ આંખે જ જોર થી બબડયો..
"હિરલ.. કેમ આવી છે અહીં.. મારે નથી મળવું કોઈને ચાલી જા અહીં થી.. "
આંખો બંધ હોવાં છતાં કાના ને કઈ રીતે ખબર કે પોતે આવી છે.. એ વાત હિરલ ને નવાઈ પડાઈ ગઈ.. . તોપણ પોતાની જાત ને થોડી સંભાળી હિરલ કાના ની નજીક ગઈ અને બોલી.
"કાના હું ચાલી જાઈશ પણ પહેલાં તું મારી સાથે બે ઘડી વાત તો કરી લે ને.. જો હું તારા માટે સુખડી લાવી છું.. "હિરલ ને ખબર હતી કે કાના ને સુખડી બહુ ભાવતી એટલે એ કાના માટે પોતાનાં હાથે સુખડી બનાવી ને લાવી હતી.
"સુખડી.. . મારા માટે.. "સુખડી નું નામ સાંભળતાં જ કાનો ઉભો થઈ ને નાના બાળક ની જેમ અદબ વાળી ઓટલા પર બેસી ગયો.
"હા તારા માટે જ લાવી છું લે આ ડબ્બો"એમ કહી સુખડી નો ભરેલો ડબ્બો હિરલે કાના તરફ લંબાવ્યો.. જે લઈને કાનો સુખડી ખાવા લાગ્યો.. કાના ને જોઈ હિરલ હરખાઈ રહી હતી અને ખુશી નાં બે ચાર આંસુ પણ એની આંખોમાંથી છલકાઈ ગયાં.
થોડીવાર પછી હિરલે કાના ને હળવેક થી પૂછ્યું..
"કાના તારા હાથ માં નાગદેવતા ની પેલી ચાંદી ની વીંટી હતી એ ક્યાં ગઈ.. ?"
સુખડી ખાતાં ખાતાં કાના એ પોતાનાં હાથ તરફ જોયું અને હાથ ની આંગળી ખાલી જોઈને આશ્ચર્ય સાથે બોલ્યો.
"અરે ક્યાં ગઈ.. કાલે તો હતી.. . ?"
"આ રહી તારી વીંટી.. . "કાના ને વીંટી બતાવતાં હિરલ બોલી.
"તારા જોડે ક્યાંથી આવી આ વીંટી.. ક્યાંથી મળી તને.. ?"હિરલ ના હાથમાંથી વીંટી લઈને કાનો બોલ્યો.
"તારા આ સવાલ નો જવાબ ત્યારે જ આપીશ જ્યારે તું મારા એક સવાલ નો જવાબ આપીશ.. "હિરલ બોલી.
"હા પુછ તારે જે પૂછવું હોય એ... "કાનો બોલ્યો.
"કાલે રાતે ગોવિંદ ઉપર સાવજ દ્વારા જે હુમલો થયો ત્યારે તું ત્યાં જ હાજર હતો ને.. ?"હિરલે કહ્યું.
થોડીવાર કાનો ચૂપ રહ્યો પછી બોલ્યો..
"પણ આ વાત થી મારી વીંટી મળવાની વાત ને શું સંબંધ.. ?"કાના એ કહ્યું.
"સબંધ છે આ વીંટી મને ગોવિંદ પર જ્યાં હુમલો થયો ત્યાં જ મળી હતી.. એનો સીધો અર્થ છે કે ગોવિંદ નું સાવજ ના હુમલા પછી પણ જીવતું રહી જવું એ પાછળ નું કારણ તું જ છે.. "હિરલે કહ્યું.
હવે હિરલ થી કોઈ વાત છુપાવવાનો કોઈ અર્થ નહોતો એ સમજી ગયેલો કાનો બોલ્યો..
"હા હિરલ કાલે રાતે હું મારી રોજ ની ટેવ પ્રમાણે અહીં થી તહીં ભટકતો હતો ત્યારે મેં બે ચમકતી આંખો ધરાવતી દૈત્યનુમા પ્રતિકૃતિ ને ગોવિંદ ના ફળીયામાં પ્રવેશતી જોઈ.. હું ઉતાવળાં પગલે એ તરફ આગળ વધ્યો તો જોયું ગોવિંદ ની છાતી પર એક સાવજ ચડી બેઠો હતો અને ક્ષણવાર માં ગોવિંદ નો અંત નજીક હતો તો મેં પળભર નો પણ વિલંબ કર્યા વગર ચૂલા ની અંદર પડેલું સળગતું લાકડું હાથ માં રહીને એ સાવજ નાં ચહેરા પર ફટકારી દીધું.. પોતાની પર થયેલાં ઓચિંતા હુમલા ને લીધે એ સાવજ ત્યાંથી નાસી ગયો. મેં ગોવિંદ ની નાડી તપાસી તો એનો શ્વાસ ચાલુ હતો એટલે પછી હું ત્યાંથી નીકળી ગયો.. "
"એનો મતલબ કે તારી સેજલ નો હત્યારો એ માનવભક્ષી સાવજ તારી સામે હતો ને તે એને જીવતો જવા દીધો.. . ?"નવાઈ ભર્યા સુર માં હિરલ બોલી.
"અરે ગોવિંદ નો જીવ બચી ગયો એટલે બહુ છે.. બાકી હવે સેજલ ના ગયાં પછી મને આ દુનિયા થી કોઈ મતલબ નથી.. ગોવિંદ ને બચાવવા ની પણ મારી કોઈ ઈચ્છા નહોતી પણ આતો એનાં બાળકો અને પત્ની નો વિચાર આવતાં મારાં પગ અનાયાસે એ તરફ વળી ગયાં.. બાકી એ સાવજે જ સેજલ ને મારી હોય એ વાત ની કોઈ સાબિતી ખરી.. ?"કાના એ હિરલ ની વાત નો પ્રત્યુત્તર આપતાં કહ્યું.
"અરે આ એજ સાવજ હતો જેને અત્યાર સુધી નાનાં ભૂલકાઓ અને માસુમ લોકો સહિત પંદર જેટલાં લોકો ને કાળ નો કોળિયો બનાવ્યો છે.. અને એનો પહેલો શિકાર તારી પત્ની સેજલ હતી... હજુ બીજાં લોકો મરે એવું તું ઈચ્છે છે.. શું તને એ વાત નું દુઃખ નથી થતું કે ઘણા પરિવારો નાં આંગણા ની કિલકારીઓ એ હેવાન ના લીધે બંધ થઈ ગઈ.. "હિરલે કહ્યું.
"અરે એમાં હું શું કરું.. મેં થોડો બધાં ને બચાવવાનો ઠેકો લઈ રાખ્યો છે.. જો લોકોને પેટ માં લાય બળતી હોય તો જાય જાતે એ સાવજ નો મુકાબલો કરવા.. એમાં હું શું કરું.. ?"નફ્ફટાઈથી કાના એ કહ્યું.
"કૂકડો ના બોલે ને સવાર ના થાય એવું જો કૂકડો વિચારતો હોય તો એનો વ્હેમ છે.. બાકી આજે નહીં તો કાલે એ સાવજ નો કોઈને કોઈ શિકાર તો અવશ્ય કરશે.. પણ પછી તને એક વાત નો અફસોસ રહી જશે કે સેજલ ના હત્યારા ને તું તારા હાથે ના મારી શક્યો.. "કાના ને સમજાવતાં હિરલે કહ્યું.
"હિરલ.. વારંવાર તું સેજલ નું નામ બોલી મને ઉશ્કેરવાનું બંધ કર.. હું મારી વાત પર મક્કમ છું.. મને મારા હાલ પર છોડી દો.. બસ હવે તો આ ફકીરી ની હાલત માં જ જીવીશ અને મરીશ.. "કાનો પોતાની વાત પર કાયમ હતો.
"આ મારી વાત માને એવું લાગતું નથી... સેજલે રેખા ને કહેલી વાત કહીશ ત્યારે ક્યાંક જઈને આ કાના નું પથ્થર હૃદય ઓગળશે અને એ સાવજ નો ખાત્મો કરવાનું એ વિચારશે.. "મનોમન હિરલ બબડી.
"હા કાના સેજલ ની મોત થી તને કોઈ ફરક નથી પડ્યો લાગતો પણ જ્યારે તું જાણીશ કે એ સાવજે સેજલ ની સાથે એની પેટ માં મોજુદ તારા અંશ ને પણ સેજલ ની સાથે જ એ સાવજે ખત્મ કરી દીધું.. ત્યારે તો તારા પેટ માં તેલ રેડાશે ને.. ?"
"શું.. મારો અંશ.. . સેજલ ના પેટમાં.. તને એ વાત ની કઈ રીતે ખબર.. ?"જાણે કોઈએ હજારો સોંય શરીર માં ખુંપી દીધી હોય એમ કાનો બોલ્યો.
"હા કાના હું સાચું બોલી રહી છું.. સેજલ જ્યારે કિસા ગઈ ત્યારે એને ખબર પડી કે એ માં બનવાની છે પણ એને આ વાત ઘરે કોઈને ના કરી.. ખાલી ત્યાંથી નીકળતી વખતે રેખા ને કહ્યું હતું કે પોતે માં બનવાની છે અને આ વાત એ સીધી કાના ને જઈને કહેશે.. ખૂબ ખુશ હતી તારી સેજલ તને આ વાત કહેવા માટે.. પણ એ સાવજે તારી ખુશીઓ ને ગ્રહણ લગાવી મૂક્યું કાના.. તારી સેજલ ની સાથે તારા આવનારા બાળક ને પણ એ ભરખી ગયો.. "આટલો બોલતાં હિરલ ની આંખો ભરાઈ ગઈ.
"કેમ આવું કર્યું મારી જોડે ભગવાન.. મેં કોઈનું શું બગાડ્યું હતું.. ?"
કાનો આકાશ સામે જોઈ જોરથી બોલ્યો અને પછી વલોપાત અને આક્રંદ કરવા લાગ્યો.. . એનું આક્રંદ તો પથ્થર દિલ ને પણ પીગળાવી દે એવું હતું.. સેજલ ની મૃત્યુ પછી પણ ના રડેલો કાનો આજે મન મુકીને રડ્યો.. હિરલે પણ એને રડવા દીધો.. એનાં સઘળાં આંસુ વહી જવા દીધાં.. રખેને એના હૃદય નો ભાર હળવો થઈ જાય.
થોડોવાર આમ જ હિરલ કે કાનો કોઈ કંઈપણ બોલ્યું નહીં.. કાના ના બધાં આંસુ જ્યારે આંખો માં થી નીકળી ગયાં.. ત્યારે કાનો શાંત થયો.. પછી થોડી સ્વસ્થતા ધારણ કરીને બોલ્યો.
"હિરલ સારું કર્યું આ વાત તે મને જણાવી.. એ સાવજે મારી સેજલ ને મારી એ વાત તો હું ભૂલી પણ જાત પણ એને મારી સેજલ ની સાથે મારાં આવનારા બાળક ને પણ ભરખી લીધું છે એ વાત મારી સહનશક્તિ બહાર ની છે.. હવે હું નહીં છોડું એ હત્યારા માનવભક્ષી સાવજ ને.. એનો ખાત્મો હવે હું કરીશ.. "આંખો માં જાણે આગ સળગી રહી હોય એમ ક્રોધ થી કાના ની આંખો લાલચોળ દેખાઈ રહી હતી.
હિરલ કાના ની આંખો માં રહેલો ક્રોધ જોઈ સમજી ચુકી હતી કે હવે જ્યાં સુધી એ હત્યારા સાવજ નો અંત નહીં થાય ત્યાંસુધી કાના રાહત નો દમ નહીં જ લે એ વાત નક્કી હતી.. પણ સાથે એને કાના ની ચિંતા પણ થઈ રહી હતી.
"પણ કાના તું આમ જોશ માં આવી કોઈ ઉતાવળો નિર્ણય ના લેતો.. આ ઝરખ નથી કે આમ આસાની થી એનો શિકાર થઈ જશે.. આ ડામલહથ્થો સાવજ એમ ખત્મ નહીં થાય.. એના માટે જોશ અને હોશ બંને ની જરૂર પડશે.. "હિરલે કહ્યું.
"હા હિરલ તારી વાત સાચી છે.. મેં મારી નરી આંખે જોયો છે એ સાવજ ને.. એ કોઈ સામાન્ય કદ નો સાવજ નહોતો.. હકીકત માં એ જાનવર કોઈ ખૂંખાર આદમખોર જીવ હતો.. તું ચિંતા ના કર હવે એ સાવજ નો અંત નજીક છે.. ખૂબ જ નજીક.. "મક્કમ અવાજે કાનો બોલી રહ્યો હતો.
"તો હવે ઉભો થા અને ચાલ મારી સાથે.. ઘરે તારા ભાઈ અને ભાભી પણ એમનાં કાના ની રાહ જોવે છે.. આ આખા પંથક ને જરૂર છે એ ભડવીર કાના આહીર ની જેને ઝરખ ના ટોળાં નો ખાત્મો કર્યો હતો.. બધાં ને જરૂર છે એ કાના આહીર ની જે આ સાવજ નો અંત કરી એમની માથે ટોળાતા મોત ના ભય ને ખતમ કરી નાંખશે.. "કાના ને જોમ ચડે એવાં અવાજે હિરલ બોલી.
"હા હિરલ હું આવું છું તારી સાથે.. .. બદલો લેવાશે એ દરેક માસુમ ની મોત નો જે વગર કારણે એ કાળમુખા સાવજ નો શિકાર બન્યાં.. હવે બદલો લેવાશે મારી સેજલ ની મોત નો.. બદલો લેવાશે મારા બાળક ની મોત નો જેને આ ધરતી પર હજુ પગ પણ નહોતો મુક્યો.. હવે એ કાળ નો કાળ હું બનીશ.. "અંગારા જેવો તેજ આંખો માં લાવી કાનો બોલ્યો.
કાના ને પાછો મૂળ હાલત માં જોઈ હિરલ ના ચહેરા પર એક આછેરું સ્મિત ફરી વળ્યું.. હવે નક્કી થઈ ચૂક્યું હતું કે કાના ના હાથે જ એ સાવજ નો ખેલ પૂરો થશે.. !! કાના ની સાથે પછી હિરલ નીકળી પડી ગામ ની તરફ.. . !
ગામલોકો પણ આમ કાના ને પોતાનાં ઘર ની તરફ જતો જોઈ આશ્ચર્ય માં ગરકાવ થઈ ગયાં.. પણ સાથે અમુક ના મન માં એ વાત પણ બંધાઈ કે જો કાનો ઠીક હશે તો પછી એમની મુશ્કેલી અને મોત નું બીજું નામ બનેલો સાવજ પણ નજીકમાં એને હાથે હણાઈ જશે.
વધુ આવતાં અંકે....
પોતાની પત્ની અને બાળક નો બદલો કાનો લઈ શકશે કે કેમ.. ?? શું એ સાવજ ના આતંક નો ખાત્મો થઈ શકશે.. ?? કાનો એ સાવજ નો શિકાર કઈ રીતે કરશે... વાંચો આવતાં ભાગ માં...
હવે શરૂ થશે બદલા ની કહાની.. એક એવી કથા જેમાં જંગલ ની પરિસ્થિતિ અને વાતાવરણ નું વર્ણન છે.. જેમાં આખું ગીર નું કાળસમું વન છે.. પળેપળ રોમાંચ ની અનુભૂતિ આપતી સાહસ અને શિકાર કથા.. જે આપને અવશ્ય થ્રિલ ની ફિલ આપશે.
આ સિવાય તમે મારી અન્ય નોવેલ દિલ કબૂતર પણ વાંચી શકો છો... આભાર.. !!
-દિશા. આર. પટેલ