Mari ketlik mictofiction ane laghuvartao - 2 in Gujarati Short Stories by Valibhai Musa books and stories PDF | મારી કેટલીક માઈક્રોફિક્શન અને લઘુવાર્તાઓ - 2

Featured Books
Categories
Share

મારી કેટલીક માઈક્રોફિક્શન અને લઘુવાર્તાઓ - 2

મારી કેટલીક માઈક્રોફિક્શન અને લઘુવાર્તાઓ

(ભાગ –૨)

વલીભાઈ મુસા

(૫) સરવાળે શૂન્ય

(ગુજરાતીમાં એક મુહાવરો છે કે ‘વાઘને કોણ કહેશે કે તારું મોંઢુ બધો જ સમય ગંધાય છે!’ અહીં એક બોધકથા છે કે જે મેં ઉપરોક્ત મુહાવરાને આધાર બનાવીને વિચારી કાઢી છે. વળી મારો એવો કોઈ વિચાર પણ નથી કે કથાના અંતે મારે કોઈ બોધપાઠ દર્શાવવો, કેમ કે તે વાર્તામાંથી જ સ્વયં અભિપ્રેત છે. )

***

એક વખતે જંગલમાં પ્રાણીઓ, પક્ષીઓ અને જીવજંતુઓની એક સભા મળી હતી. એક યા બીજા કારણે એકેય વાઘ કે સિંહ આ સભામાં હાજર ન રહી શક્યો. તેમની ગેરહાજરીનો ફાયદો ઊઠાવતાં સભામાંના બાકીના તમામે તેમની ઉણપોની ટીકાટિપ્પણી કરવાની શરૂઆત કરી. તેમણે મુખ્યત્વે તો અહર્નિશ તેમનાં બહુ જ ખરાબ ગંધ મારતાં મોંઢાંની કુથલી કરી. પહાડોમાં હંમેશાં ઝરણાં તો વહેતાં જ રહેતાં હોય છે, આમ છતાંય તેઓ કદીય પોતાનાં મોઢાં ધોવાની દરકાર કરતા નથી. વળી આટલું જ નહિ તેઓ લોહીથી ખરડાએલાં તેમનાં મોંઢાં લઈને તથા દાંતોમાં માંસના રેસાઓ સાથે અહીંતહીં ભટક્યા કરે છે.

પોપટે કહ્યું, ‘તેઓ (સિંહ અને વાઘ) ભલે જંગલના રાજા કે નાયબો હોય, પણ આપણે તેમની પ્રજા તરીકે તેમને મોંઢામોંઢ કહી સંભળાવીને તેમની આ ઉણપ તરફ તેમનું ધ્યાન દોરવું જોઈએ.’

સભામાંનાં હાજર તમામે એક જ અવાજે પોપટની દરખાસ્ત પરત્વે પોતાની અસંમતિ દર્શાવી એમ વિચારીને કે જંગલના કોઈપણ પ્રાણી માટે આવું જોખમ ઊઠાવવું તદ્દન અશક્ય હતું. બીકણ સસલાએ તો કહ્યું, ‘ના, બાબા ના! હું તો એ જોખમ ઊઠાવી જ ન શકું! અને બીજું કોઈ પણ તેમ કરી જ નહિ શકે. એમ કહેવાની કોઈએ હિંમત કરવી એટલે તેણે પોતાની જિંદગીથી હાથ ધોઈ જ નાખવા!’

મચ્છરોના સમુદાયે એકીસાથે ગણગણાટ કરતાં આ પડકારને એક બીજી જ રીતે સ્વીકારી લેવાની તૈયારી બતાવી. તેમણે કહ્યું, ‘તેઓ જાણે જ છે કે જ્યાં જ્યાં દુર્ગંધ હોય, ત્યાં ત્યાં અમે હોઈએ જ છીએ. અમે તેમનાં મોંઢાં પાસે ઊડીશું અને તેમને ખુદને જ તેમનાં મોંઢાં ગંધાતાં હોવાની પ્રતીતિ આપમેળે થઈ જશે.’

વાંદરાંઓના મુખિયાએ નકારાત્મક ડોકું હલાવતાં મચ્છરોને આ શબ્દોમાં એવું જોખમ ન ખેડવાની સલાહ આપી કે, ‘એ લોકો પોતાની શારીરિક શક્તિ અને સત્તાના જોરે જંગલ ઉપર રાજ કરે છે, પણ તેમને મગજ તો છે જ નહિ કે જેથી તમે જે સંદેશો તેમને પહોંચાડવા માગો છો તે તેમને સમજાય. તેઓ તમને બધાને ગળીને ઓહિયાં કરી જશે.’

પણ મચ્છરો તેમના પક્ષે મક્કમ હતા અને તેથી તેમણે બધાંયને જોખમ ખેડવા દેવાની વિનંતી કરી. બધા જ વર્ગનાં પ્રાણીઓના આગેવાનોએ આપસમાં ચર્ચા કરીને મચ્છરોને કોઈ એક સિંહ કે વાઘ ઉપર અખતરો કરવાની અનુમતિ આપી. તેમણે વિચાર્યું કે જો તેઓ ભોગ બને તો ઓછામાં ઓછા મચ્છરોની ખુવારી થાય.

બધાં જ પ્રાણીઓએ સર્વસંમતિથી ઠરાવ્યું કે મચ્છરોને વાંદરાંઓના નિરીક્ષણ હેઠળ પ્રયોગ કરવા દેવામાં આવે. મચ્છરો તેમનો પ્રયોગ તરત જ કરી દેવા ખૂબ ઉત્સાહિત હતા. તેઓ વાઘની ગુફા તરફ ઊડ્યા. તેમના સારા નસીબે એક વાઘ પોતાની અર્ધી મીંચેલી આંખે ગુફાની બહાર જ બેઠેલો હતો. બધાં જ પ્રાણીઓ જંગલની ગીચ ઝાડીમાં સંતાઈને પ્રેક્ષકો તરીકે ગોઠવાઈ ગયાં. વાંદરાંઓના મુખીએ તીવ્ર ચીસ પાડીને મચ્છરોને તેમના મિશન તરફ આગળ વધવા હૂકમ છોડ્યો.

પણ… પણ, બધા જ પ્રેક્ષકોના આશ્ચર્ય વચ્ચે વાંદરાંઓના મુખીની આગાહી સાચી સાબિત થઈ રહી હતી. વાઘે તો પોતાના ખુલ્લા મોંઢાને ઝડપથી લાંબુ કર્યે જઈને પેલા મચ્છરોને ગળી જવાનું શરૂ કરી દીધું. બધાં જ પ્રાણીઓ આ દૃશ્ય જોઈને ભયભીત બની ગયાં. વાંદરાંઓનો મુખી પોતાની કટોકટીની કૂમકના ભાગ રૂપે ઝડપથી ઝાડ નીચે કૂદી પડ્યો અને વાઘના જમણા ગાલે ચણચણતો તમાચો જડી દીધો અને વીજળીવેગે પાછો ઝાડ ઉપર ચઢી ગયો.

હવે વાઘ તો વાંદરાની આવી હિંમત જોઈને ગુસ્સાથી ધૂઆંપૂઆં થઈ ગયો. તેણે મચ્છરોને મારવાનું બંધ કરીને વાંદરાંઓના મુખી ઉપર હૂમલો કરવાનું લક્ષ બનાવ્યું. તે મોટેથી ત્રાડ નાખતો પોતાના અપમાનનો બદલો લેવા ઝાડ ઉપરના પેલા મુખિયા વાંદરાને પોતાનો શિકાર બનાવવા કૂદકા ઉપર કૂદકા મારતો રહ્યો. વાઘ પોતાના ક્રોધમાં ગાંડો બની ગયો હતો. તેણે નાનાં બચ્ચાંની જેમ ઝાડ ઉપર ચઢવાની કોશિશ કરી, પણ તે મોટી ઉંમરનો અને શરીરે વધારે પડતા વજનવાળો થઈ ગયો હોઈ સફળ થઈ શક્યો નહિ. પછી તો તેણે જે ઝાડ ઉપર પેલો વાંદરો બેઠો હતો તેના થડ પાસે ઉપર કૂદકો મારવા માટે કેટલાક પથ્થરો અને ઝાડનાં સૂકાં ડાળાંનો ઢગલો કરવાનું શરૂ કર્યું. કલાકોની થકવી નાખતી મહેનતના અંતે ઉપર કૂદકો મારવા માટેના આધાર સમો ઢગલો બનાવવામાં તે સફળ થયો. પણ આ સમય દરમિયાન પેલો ચતુર વાંદરો સ્મિત કરતો કરતો બીજા ઝાડની ડાળી ઉપર કૂદી ગયો.

વાઘ તો દિવસરાત પેલા ડાળીઓ અને પથ્થરોના ઢગલાને એક ઝાડથી બીજા ઝાડે વાંદરો જેમ ઝાડ બદલતો જાય તેમ ફેરવતા રહેવાનો આકરો પરિશ્રમ કરતો જ રહ્યો. આ દૃશ્ય જોઈને બધાં પ્રાણીઓ ખુશખુશાલ થઈ ગયાં. વાઘ તો તમાચાનો બદલો લેવાની લ્હાયમાં લગભગ ગાંડા જેવો બની ગયો હતો. તે શિકાર કરીને પોતાનો ખોરાક મેળવવાનું અને પાણી સુધ્ધાં પીવાનું પણ જાણે કે ભૂલી ગયો હતો. તેણે તો પોતાનો એક જ ઉદ્દેશ નક્કી કરી લીધો હતો કે ગમે તે હિસાબે પેલા વાંદરાને મારી નાખવો. પોતાના મોંઢા વડે કાંટાળી ડાળીઓ અને અણીદાર પથરાઓને એક જગ્યાએથી બીજી જગ્યાએ ખસેડતા જવામાં તેના મોંઢાને ઈજાઓ પહોંચી હતી. તેની માનસિક હાલત રઘવાયા જેવી થઈ ગઈ હતી. તેનો શ્વાસ પણ જોસથી ચાલતો હતો. તેનું હૃદય પણ ભારે ધબકરા કરી રહ્યું હતું. તેના પગ લથડિયાં ખાતા હતા જાણે કે તેણે તેમના ઉપરથી પોતાનો કાબૂ ગુમાવી દીધો હતો.

તેની અવિરત સખત મહેનતનો ત્રીજો દિવસ થયો. વાદરાંઓના મુખીના એક માત્ર તમાચાના બદલા માટે તેને મારી નાખવાના ઈરાદાને સિદ્ધ કરવા જતાં તે એટલો બધો થાકી ગયો હતો કે જેમ ખાલી કોથળો જમીન ઉપર પછડાય તે રીતે તે ફસકી પડ્યો. તે જમીન ઉપર લાંબા લાંબા શ્વાસ લેતો, પોતાના આગળના બે પગ ભેગા કરીને એવી રીતે ચત્તોપાટ બેસી ગયો, એમ જાણે કે તે પોતાની હાર કબૂલી લઈને બધાં જ પ્રાણીઓની માફી ન માગતો હોય!

***

(૬) અર્થશાસ્ત્રનું નોબલ પ્રાઈઝ!

(સાવ નવીન જ એવી વિભાવના અને વિશિષ્ટ તેનો અંત એ આ વાર્તાની ખૂબીઓ છે એવું જે તે બ્લોગ ઉપરના આ વાર્તાના ભાષ્યકારોનું મંતવ્ય છે. વાર્તા મૌલિક નથી, પણ ૪૦-૫૦ વર્ષ પહેલાં અમદાવાદ-વડોદરા-રાજકોટ-ભુજ રેડિયો ઉપર સાંભળેલા રમુજી ટુચકાની સ્મૃતિ ઉપર આધારિત આ રચના છે.)

***

બે મિત્રો નામે સુરદા અને વલદા અમદાવાદમાં જૂના વિક્ટોરિયા ગાર્ડન નજીક પાડોશમાં જ રહેતા હતા. બંને વાલીડા એક નંબરના આળસુ, કામધંધો કરે નહિ. બંનેનાં બૈરાં સિલાઈકામ, પાપડ વણવા વગેરે જેવી દિવસરાત મહેનત કરીને ઘર નિભાવે. એક દિવસે બંનેએ ઘરે જલેબી બનાવીને તોલત્રાજવાં સાથે પેલા બેને જલેબી વેચવા બગીચે મોકલ્યા. સુરદાનાં ઘરવાળાંએ તેમને રોકડો એક રૂપિયો આપ્યો. વલદાના ઘરે કડકી હતી એટલે તેમને વકરામાંથી એક રૂપિયો ઊછીનો લેવાનું કહેલું. બંનેને તાકીદ કરવામાં આવી કે બપોરે જમવાના સમયે વારાફરતી નજીકની લોજમાંથી અડધું અડધું ભાણું ખાઈ આવવાનું (સોંઘવારીના દિવસો હતા) અને કોઈએ વેચવાના માલમાંથી ખાવું નહિ અને માલ વેચાઈ ગયા બાદ પૂરેપૂરો વકરો ઘરેલાવવો.

બપોર થવા સુધી પાશેર કે નવટાંક જલેબીનું પણ કોઈ ઘરાક લાગ્યું નહિ. સુરદાએ વલદાને કહ્યું, ‘ભાઈ વેપાર થવો હોય તો થાય, પણ હું તો મારો રૂપિયો લઈને લોજમાં જમી આવું.’

‘અરે મૂર્ખના સરદાર, લોજવાળાને રૂપિયો ખટાવે, એના કરતાં અહીં જ વકરો કરાવ ને!’

‘અલ્યા, તારી વાત સાચી છે વલદા!’

લાડુભક્ત સુરદાએ તો અવલોકનથી મનોમન સાબિત કરી લીધું કે જલેબી એ તો ગળપણના ગુણધર્મે લાડવાનું જ બીજું રૂપ કહેવાય અને વળી થોડીક ખટાશ તો વધારામાં! વાલીડાએ વલદાને વિવેક પણ કર્યો નહિ અને જલેબીથી પોતાનું પેટ ભરી લઈને નળે જઈને પાણી પણ પી આવ્યો.

વલદાએ કહ્યું કે ‘મને વકરામાંથી એક રૂપિયો ઊછીનો લેવાનું કહેલું છે, તો બોણી થઈ ગઈ છે એટલે એક રૂપિયો ઊછીનો લઉં?’

‘હા, ભલે! વેવારની વાત છે. પણ, તુંય મારી જેમ રૂપિયાની જલેબી જમી લે ને! એટલે બે રૂપિયાનો તો વકરો થઈ ગયો ગણાયને! આપણે હિસાબખિતાબ કાયદેસર સમજી જ લેવાનો છે.’

વલદાએ પણ રૂપિયાની જલેબી ખાઈ લીધી.

કોઈ ઘરાક લાગે નહિ અને એકલી જલેબીથી ભૂખ થોડી સંતોષાય! થોડીથોડી વારે બંનેને ભૂખ લાગતી જાય, વારાફરતી પેલો રૂપિયો ઊછીનો લેતા જાય અને જલેબી ખાતા જાય! સાંજ સુધીમાં તો થાળ ખાલી અને હરખાતા હરખાતા ઘરે જઈને પોતાના નવીન ધંધાના પહેલા દિવસની બધો જ માલ વેચાઈ ગયાની કામયાબીની વધાઈ પણ ખાઈ લીધી અને પેલીઓના હાથમાં વકરાનો રૂપિયો પણ પકડાવી દીધો. વળી ડંફાસ પણ મારી દીધી કે બસ આ જ રીતે ભારત અને ચીનને હજારો વર્ષો સુધી મંદીનો સામનો નહિ કરવો પડે, કેમ કે ઉત્પાદનોના સ્થાનિક ઉપભોક્તાઓ તેમને મળી જ રહેવાના!

પેલી બે બાઈઓ જરાય ગુસ્સે ન થઈ કેમ કે પેલા બેની છેલ્લી વાત ઉપરથી એમને પાકો વિશ્વાસ થઈ ગયો કે ભલે ને તેઓ કામધંધો ન કરતા હોય, પણ એક દિવસ એવો તો આવશે જ કે અર્થશાસ્ત્રનું નોબલ પ્રાઈઝ એ બંનેને સંયુક્ત રીતે મળ્યા વગર રહેશે નહિ!

***

(૭) ઘોવાળા હારી ગયા!

દેશના કોઈક દૂરના વિસ્તારમાં, એક વરરાજાનો વરઘોડો (જાન) કન્યાપક્ષના બીજા ગામે જઈ રહ્યો હતો. જાનૈયાઓ બળદગાડાંમાં સફર કરી રહ્યા હતા. તેઓ બધા જુવાનિયા હતા, કેમ કે તેમણે લગ્નપ્રસંગનો આનંદ મુક્ત રીતે માણવા માટે ઘરડાઓને ટાળ્યા હતા. બધાં ગાડાં હારબંધ એક નેળિયા (સાંકડા રસ્તા)માંથી પસાર થઈ રહ્યાં હતાં.

પહેલું ગાડું ઊભું રહ્યું, ત્યારે બાકીનાં ગાડાંના બધા જ જુવાનિયાઓ શું થયું છે તે જાણવા પોતાનાં ગાડાંમાંથી ટપોટપ નીચે ઊતરી પડ્યા. બધાએ આશ્ચર્યસહ જોયું તો રસ્તા વચ્ચે એક પાટલા ઘો પડેલી હતી. તેમને ખબર જ હતી કે આ પ્રાણી સાવ નિર્દોષ અને બિનઝેરી હોય છે અને જમીન ઉપર લાકડીઓ પછાડીને થોડોક જ અવાજ કરવામાં આવે તો તે ભાગી જ જાય.

પેલા યુવકોમાંનો એક જણ જે ઘાતકી સ્વભાવનો હતો. તે તેને મારી નાખવા માટે આગળ ધસતો હતો, ત્યારે બીજાઓએ તેને વાર્યો. કોઈકે કહ્યું કે તે રસ્તો છોડીને ચાલી જાય તે માટે આપણે તેની સાથે શાંતિવાર્તા ચલાવવી જોઈએ. આમ છતાંય જો તે ન માને તો જ આપણે તેને મારી શકીએ.

એક જુવાનિયો જે તરત જ કવિતા રચી શકે તેવો શીઘ્ર કવિ જેવો હતો. તેણે તળપદી ભાષામાં પેલી પાટલા ઘો ને સંબોધતી કેટલીક કાવ્યકંડિકાઓ રચી કાઢતાં કહ્યું, ‘ઓ ટીમ્બાટુડા (કાલ્પનિક ગામનું નામ)કી ઘો, જરા આઘીપાછી હો; પાંચદસ તેરે મરેંગે, પાંચદસ હમારે મરેંગે, ઈસમેં ક્યા ફાયદા હોગા? ઈતની સી મામૂલી બાતમેં ખૂન બહાના ક્યા અચ્છા રહેગા?’

પેલી ઘો પોતાની જગ્યાએથી જરાપણ હાલી નહિ, એટલે પેલાઓએ તેની સાથે લડી લેવાનું નક્કી કરી લીધું. પણ, તેમનામાંના એક કહેવાતા ડાહ્યા જુવાને ઘોનો પક્ષ લેતાં કહ્યું, ‘કોઈ કમજોરની સાથે લડવું તેમાં ન્યાય નથી. આ ઘો બિચારી એકલી છે અને સામે આપણે ઘણા છીએ. શું આપણામાંના અડધા તેના પક્ષે ન થઈ શકીએ?’

બધા આ દરખાસ્ત સાથે સંમત થઈ ગયા અને તેઓ બધા બે ભાગમાં વહેંચાઈ ગયા. બંને જૂથ વચ્ચે લાંબી અને મજબૂત લાઠીઓ વડે ધમાસાણ લડાઈ શરૂ થઈ ગઈ. બધા લોહીલુહાણ થઈ ગયા, જેમાંના કેટલાકનાં તો હાથ, પગ, આંખો, જડબાં અને માથાં ભાગ્યાં. દરમિયાન બધાના હોંકારા અને દેકારા તથા લાકડીઓના ઝડાઝૂડ અવાજથી ચમકીને પેલી ઘો ભાગી ગઈ. જેવો ઘોએ રસ્તો છોડ્યો કે તરત જ લડાઈ બંધ થઈ અને જીતેલા પક્ષવાળા બૂમો પાડવા માંડ્યા, ’ઘોવાળા હારી ગયા, ઘોવાળા હારી ગયા! શરમ… શરમ, તમારો મુખિયો તો મેદાન છોડીને ભાગી ગયો!’

-વલીભાઈ મુસા