રેડલાઇટ બંગલો
-રાકેશ ઠક્કર
પ્રકરણ-૩૭
અર્પિતાએ બહુ જલદી સમજી લીધું કે રાજીબહેનને હવે તેના પર શંકા ઊભી થઇ છે. અને એટલે જ તેના રૂમમાં ખુફિયા કેમેરા લગાવી દીધા છે. તે હવે પોતાના પર નજર રાખીને પળેપળની ખબર મેળવશે. હવે કોઇની પણ સાથે સમજી વિચારીને બોલવાનું અને કેમેરામાં ખ્યાલ ના આવે એ રીતે હરકત કરવાની. રચનાનો સાથ મળવાનો છે એ બાબતે અર્પિતા વધારે ખુશ હતી. આવતીકાલે કોલેજ જઇને રાજીબહેનનો ધંધો બંધ કરવાની અંતિમ યોજનાને અંજામ આપવાની તૈયારી કરવાના વિચાર સાથે અર્પિતા ઊંઘવાની તૈયારી કરી રહી હતી. ત્યારે તેને ખબર ન હતી કે તેની આજની ઊંઘ ઉડી જાય એવા સમાચાર આવવાના છે. તેના કાકા હરેશભાઇનો અંજામ ખરાબ આવી ગયો છે. અર્પિતાએ હજુ આંખ મીંચી ત્યાં મોબાઇલની રીંગ વાગી. અર્પિતાએ જોયું તો માનો ફોન હતો. તે માને શહેરમાં સારવાર માટે બોલાવવાનું નક્કી કરી ચૂકી હતી. તે માને થયેલા એઇડસની સારવાર શહેરમાં કરાવી તેને બચાવી લેવા માગતી હતી. માએ જ્યારે રડતાં રડતાં હરેશકાકાના અવસાનના સમાચાર આપ્યા ત્યારે અર્પિતાને પહેલાં તો સાચું જ ના લાગ્યું. એમને અકસ્માત થયા પછી શરીરમાં થોડી તકલીફ હતી. હવે ચાલવા લાગ્યા હતા. તો મૃત્યુ કેવી રીતે પામી શકે? માએ તેને સવારે વહેલા આવવાનું કહી ફોન મૂકી દીધો. તેને સમજાતું ન હતું કે કાકાનું મૃત્યુ કેવી રીતે થઇ શકે. તે ગામમાં બે દિવસ રહી એ દરમ્યાન માની ચાલચલગત પર શંકા હતી એટલે વિનયને નજર રાખવાનું કહી આવી હતી. વિનય હરેશકાકાના ખેતરનું કામ સંભાળતો હતો એટલે તેમના માટે ચિંતા ન હતી. તેને થયું કે વિનયને ફોન કરીને પૂછી જોવું જોઇએ. પણ પછી થયું કે રાત ઘણી થઇ છે. સવારે ગામ પહોંચીને જ આગળની વાત કરીશ. પહેલાં રાજીબહેનને જાણ કરવી પડશે. તેણે કાકાના અવસાનની વાત કરી એટલે રાજીબહેને તેને કાર લઇને જવાની સલાહ આપી. અર્પિતાએ આ વખતે ના પાડી નહીં. વહેલી સવારે કારમાં નીકળવાનું ગોઠવી કાઢ્યું. સૂઇ જતાં પહેલાં અર્પિતાએ રચનાને પોતાની યોજનાને સાકાર કરવા એક કામ સોંપી દીધું.
*
વિનયના ઘરમાં આજે માહોલ ગરમ રહેવાનો હતો. લાભુભાઇના નિર્ણય સામે વિનય બંડ પોકારવાનો હતો. લાભુભાઇએ સૂચવેલી નટુભાઇની છોકરી સાથે વિનયને લગ્ન કરવા ન હતા અને લાભુભાઇ વર્ષાબેનની છોકરી અર્પિતાને વહુ સ્વીકારવા માગતા ન હતા. તેમને લાગતું હતું કે તેનો પરિવાર સંસ્કારી નથી. હવે ગામમાં વર્ષાબેનના ચારિત્ર્ય વિશે વાત થવા લાગી હતી. પોતાના જેવા પ્રતિષ્ઠિત ખેડૂતને ત્યાં સામાન્ય પરિવારની અને જેના પિતા કે માતા વિશે કોઇ સારું બોલતું નથી એ અર્પિતા આવે એ તેમને હરગીઝ મંજૂર ન હતું. આજે તે પણ વિનય સાથે લડી લેવાના વિચારમાં હતા. પણ વાતાવરણમાં અચાનક પલટો આવી ગયો હતો. ઘરમાં માહોલ ગરમ થવાને બદલે ઠંડો પડી ગયો હતો. અર્પિતાના કાકાનું અવસાન થયું હતું. સૌથી વધુ ચિંતાની વાત લાભુભાઇ માટે એ હતી કે તેમના ઘરેથી આજે જમવાનું ગયું અને હરેશભાઇનું પ્રાણપંખેરું ઊડી ગયું હતું. ડોક્ટરે તો કુદરતી મોત ગણાવ્યું હતું. પણ ગામલોકો તેમની સામે શંકાની નજરે જોવાના હતા. લાભુભાઇએ વિનયના લગ્નની વાત હમણાં બાજુ પર મૂકી દીધી હતી. તેમણે વિનયને પૂછ્યું:"ભાઇ, જમવાનું તું આપી આવ્યો હતો?"
"ના, લાલુ મજૂર લઇ ગયો હતો."
પછી લાભુભાઇએ કંચનબેનને ઉદ્દેશીને પૂછ્યું:"કંચન, જમવાનું તો બરાબર બન્યું હતું ને? એમાં ગરોળી કે એવું કોઇ જીવડું તો પડ્યું ન હતું ને?"
"તમે કેવી વાત કરો છો. જમવાનું બનાવતી વખતે હું પૂરું ધ્યાન રાખું છું. એક માખ તેના પર બેસવા દેતી નથી. એક વખત દૂધમાં માખ પડી ત્યારે મેં કૂતરાને પીવડાવી દીધું હતું."
"આપણે ગમે તેટલી કાળજી રાખી હોય પણ દોષનો ટોપલો આપણા માથે ના આવે તો સારું છે..."
"તમે નકામી ચિંતા કરો છો. ચાલો સૂઇ જાવ. કાલે સવારે સ્મશાનયાત્રામાં જવાનું છે."
લાભુભાઇએ આંખો બંધ કરી પણ અકલ્પિત ભયથી તેમનું મન ફફડી રહ્યું હતું.
વિનયની ઊંઘ પણ હરામ થઇ ગઇ હતી. હરેશભાઇને છેલ્લે મળનાર તે હતો અને જમવાનું મોકલનાર તેનો પરિવાર હતો. વિનયને હવે લાલુ પર વહેમ વધી ગયો. તેણે વિચાર્યું કે તે દિવસે હેમંતભાઇને ત્યાંથી નીકળેલો માણસ લાલુ જેવો જ લાગતો હતો. અને તેના હાવભાવ અને કપડાંથી હરેશભાઇને ત્યાં તેના પર વધુ શંકા જતી હતી. લાલુએ જમવાનું લઇ જઇને શું કર્યું હશે એ કોઇ કહી શકે એમ નથી. હેમંતભાઇએ તેને ઇશારામાં કહ્યું જ હતું કે હરેશભાઇના કામ માટે તું સમય કાઢી શકે તો સારું છે. હરેશભાઇએ તેમનું કામ હેમંતભાઇને ના સોંપ્યું એની નારાજગી હતી. તેમનું ખેતર સળગાવ્યા પછી ફરી એ જ ખેતરનું કામ કરી આપીને હેમંતભાઇ પોતાનું પાપ ધોઇને લોકો સામે ઊજળા સાબિત થવા માગતા હતા. હેમંતભાઇ ખતરનાક ખેલાડી છે. વિનયને થયું કે અર્પિતાના પ્રેમમાં પાગલ થઇને તેણે ભૂલ તો નથી કરીને?
*
સવારે હરેશભાઇની અંતિમયાત્રામાં ગામના લોકો મોટી સંખ્યામાં જોડાયા. સ્મશાનમાં લોકોએ એ વાતની ધીમા સૂરમાં ચર્ચા કરી કે હરેશભાઇને જમવામાં કંઇક આવી ગયું હશે કે પછી કોઇનું કાવતરું હશે? હરેશભાઇ પર એક પછી એક આપત્તિ એ વાતનો દરેકને સંકેત આપતી હતી કે તેમના જીવનમાં અઘટિત થઇ રહ્યું છે. પહેલાં કોઇ બુલેટવાળો અકસ્માત કરી ગયો. પછી ખેતરમાં આગ લાગી. અને આમ અચાનક અવસાન થયું. કોઇએ કહ્યું કે વારંવારના આઘાતમાં હરેશભાઇ તન અમે મનથી ભાંગી પડ્યા હશે એમાં હ્રદયરોગનો હુમલો આવી ગયો હશે. ગામમાં જેટલા મોં એટલી વાતો હતી.
અર્પિતાને ભારે શોક હતો. તેનો એક મોટો સહારો છીનવાયો હતો. તેને માતાની અને ભાઇ-બહેનની ચિંતા હતી. તે હ્રદય પર ભાર લઇને બેઠી હતી. મા-દીકરી સવારથી રડીને ઢીલા થઇ ગયા હતા. પાડોશીઓ થોડા કલાક સુધી આશ્વાસન અને સાંત્વના આપીને પોતપોતાના ઘરે જતા રહ્યા હતા. વર્ષાબેનના મનમાં કંઇક બીજું જ ચાલી રહ્યું હતું. તેમણે રાત્રે હરેશભાઇના જમવાની થાળીનું એંઠું ગલૂડિયાને ખવડાવ્યા પછી તેમના મનમાં એ વાત પાકી થઇ ગઇ હતી કે કોઇએ તેમની હત્યા કરાવી છે. અને એ માટે તેમની શંકાની સોય વિનયના ઘર તરફ જઇ રહી હતી. હરેશભાઇએ વિનયને ખેતરનું કામ સોંપ્યું હતું અને અર્પિતા સાથે તેના લગ્નનો વિચાર મૂક્યો હતો. કોઇ પુરાવા ના મળે ત્યાં સુધી કંઇ કહી શકાય એમ ન હતું. એ માટે લાલુ જ સૌથી મોટો સાક્ષી હતો. તે સાંજે આવવાનો હતો. વર્ષાબેન તેની રાહ જોઇને બારણા પાસે જ બેઠા હતા.
થોડીવાર પછી એક કાર બારણે આવીને ઊભી રહી. તેમાંથી હેમંતભાઇ ઉતર્યા એ જોઇ વર્ષાબેન ખુશ થયા. અને અર્પિતા ચિંતામાં પડી.
હેમંતભાઇએ શોક વ્યક્ત કર્યો. તેમણે કોઇપણ મદદની જરૂર હોય તો સંકોચ ના રાખવા કહ્યું. ત્યાં લાલુ મજૂર આવી પહોંચ્યો. તેને જોઇ વર્ષાબેનની આંખમાં ચમક આવી. લાલુએ આવીને વર્ષાબેનના હાથમાં કાગળ મૂક્યા.
"આ શેના કાગળ છે લાલુ?" વર્ષાબેન આશ્ચર્યથી પૂછવા લાગ્યા.
"હરેશભાઇએ મરતા પહેલાં મને આપ્યા હતા. હું તો અભણ માણસ છું. મારા માટે તો કાળા અક્ષર ભેંસ બરાબર...." લાલુએ પોતે ગમાર હોવાનો પરિચય આપ્યો.
વર્ષાબેને કાગળો અર્પિતાને આપી વાંચવા કહ્યું.
અર્પિતાએ કાગળો પર ઊડતી નજર નાખી અને તેની આંખો ફાટી ગઇ. તેને નવાઇ લાગી. આવું લખાણ હરેશકાકા લખી ગયા છે?
"છોડી, વાંચ તો ખરી. શું લખાણ છે..." અર્પિતા કંઇ બોલી નહીં એટલે વર્ષાબેનની ઉત્સુક્તા વધી ગઇ.
"મા, કાકાએ એમની જમીનની વિગતો સાથે લખ્યું છે કે આજથી આ જમીનમાં ખેતીકામની જવાબદારી વિનય લાભુભાઇને સોંપું છું. એમાંથી જે ઉપજ થશે તેની અડધી મને આપવાની રહેશે અને જ્યાં સુધી હું ફરી ના લખી આપું ત્યાં સુધી આ જમીનનો સંપૂર્ણ કબ્જો વિનયનો રહેશે..." કાગળ વાંચતી અર્પિતાને નવાઇ લાગી.
વર્ષાબેન તો એકદમ ભડક્યા:"ઓહો! તો આ કાવતરું વિનયનું હતું. હરેશભાઇએ કામ સોંપ્યું એમાં તેની દાનત ખોરી બની. એણે હરેશભાઇ પાસે બધું લખાવી લીધું અને જમવામાં ઝેર આપીને તેમની જમીનનો કબ્જો લઇ લીધો...."
અર્પિતાએ વિનયનો બચાવ કર્યો:"મા, વિનય આવું ના કરી શકે. હું એને ઓળખું છું..."
વર્ષાબેનનું રૂપ બદલાયું:"હું તને પણ ઓળખી ગઇ છોડી. તારો પણ એમાં લાગભાગ હશે. તારે એની સાથે લગન કરવા છે. તમે બંને જમીન પચાવી પાડીને નોખા રહેવા માગો છો..."
"મા, તું ખોટું વિચારે છે..." વર્ષાબેનની વાત સાંભળી અર્પિતા આઘાત અને ચિંતાથી બોલી.
"વિનયના ઘરેથી આવેલા જમવામાં ઝેર હતું એ મેં મારી સગી આંખે ગલૂડિયાને ખવડાવીને જોયું છે...." વર્ષાબેનના સ્વરમાં આત્મવિશ્વાસનો રણકો હતો. તેમણે જમવામાં ઝેર હતું એની વાત કરી.
બંનેની વાત ચાલતી હતી ત્યાં અર્પિતા તરફ જોઇ લાલુ બોલ્યો:"બેન, વર્ષાબેનની વાત સાચી લાગે છે. વિનયે જમવાની સાથે આ કાગળો આપ્યા હતા. અને હરેશભાઇએ જોયા વગર સહી કરી હતી. વિનયના ઘરથી આવેલું ભાણું ખાધા પછી તરત જ તેમની સ્થિતિ ખરાબ થઇ ગઇ અને જોતજોતામાં એમનો જીવ જતો રહ્યો....."
અર્પિતા પાસે લાલુની સામે કોઇ જવાબ ન હતો. તેને ખ્યાલ આવી ગયો કે વિનયને ફસાવવાનું આ કાવતરું છે. વિનય આવું કરી ના શકે. પણ તે કોઇ પુરાવા આપી શકે એમ ન હતી. માએ તેના ઉપર પણ શંકા કરી હતી.
હેમંતભાઇએ મોકો જોઇને પાસો ફેંકી દીધો. "વર્ષા, તું મારા ઘરમાં આવી જા. હું તારી અને બાળકોની જવાબદારી લઉં છું...."
વર્ષાબેનને આવી કોઇ અપેક્ષા જ ન હતી. હેમંતભાઇના દિલની રાણી બન્યા પછી તેમના ઘરની રાણી બનવાની તેમની વાતથી તે મનોમન ખુશ થઇ ગયા.
અર્પિતા ઉપર તો વીજળી પડી. તેને થયું કે માને એઇડસ છે એનો ઘટસ્ફોટ કરી દે. જો આ વાત કરી દે તો હેમંતભાઇના બધા સપનાં ચકચૂર થઇ જાય. માને પોતાની તરફ ખેંચી રહેલા હેમંતભાઇ એઇડસ વિશે જાણીને માને દૂધમાંની માખીની જેમ પોતાના જીવનમાંથી કાઢીને ફેંકી દેશે.
અર્પિતા વિચારતી હતી ત્યાં દાઝયા પર ડામ આપતા હોય એમ હેમંતભાઇ બોલ્યા:"હું કાલે જ પોલીસને બોલાવીને વિનયને જેલભેગો કરાવી દઉં છું. હત્યાના ગુનામાં આખી જિંદગી સબડશે...." પછી મનમાં જ મલકાયા:"અને હું વર્ષા જોડે આખી જિંદગી એશ કરીશ."
અર્પિતાને હેમંતભાઇની રમત સમજમાં આવી રહી હતી. વિનયને મળીને જ આગળનું પગલું ભરી શકાય એમ હતું. અત્યારે તો પ્રશ્ન એ હતો કે વિનયને કેવી રીતે બચાવવો? અને માતાને હેમંતભાઇને ત્યાં જતાં કેવી રીતે રોકવી?
***
રાજીબહેન વિરુધ્ધની યોજનાને સાકાર કરવા અર્પિતાએ રચનાને કયું કામ સોંપ્યું હતું? અર્પિતાના પ્રેમમાં પાગલ વિનયને શું પરિણામ ભોગવવું પડશે? હેમંતભાઇ તેમની રમતમાં સફળ થશે? આ બધું જ જાણવા હવે પછીના રસપ્રચૂર પ્રકરણો વાંચવાનું બિલકુલ ચૂકશો નહીં.