11 July 2006 - Agyaat darr in Gujarati Short Stories by Dr Sagar Ajmeri books and stories PDF | 11 જુલાઇ 2006 : અજ્ઞાત ડર

Featured Books
Categories
Share

11 જુલાઇ 2006 : અજ્ઞાત ડર

11 જુલાઇ 2006 : અજ્ઞાત ડર

મોબાઇલના એલાર્મના અવાજે સવાર થયાનો સંકેત આપ્યો. ગઈરાત્રે વિચારોના વમણમાં ડૂબ્યા રહેવાથી ઘણે મોડે સુધી ઊંઘ ના આવી એટલે જ તો સવાર ક્યારે થઈ તેનો ખ્યાલ ના રહ્યો..! કાલ રાતના વિચાર ફરી મનમાં આવ્યા. દિવાલ પર રાખેલ પત્નીના હાર ચડાવેલ ફોટા તરફ નજર જતાં ઊંઘે ભરેલ આંખોમાં ફરી પાણી નીતરવા લાગ્યું. શાવરના ગરમ પાણીથી શરીર ભીંજાયું તે કરતા આંખથી નીતરતા આંસુની ધારે મન વધારે ભીંજાયુ. બાથરૂમથી બહાર આવી ભીંજાયેલ માથું ટુવાલથી સાફ કરતા લાલઘૂમ આંખે અરીસામાં ક્યાંય સુધી મૌન બની જોઇ જ રહ્યો. જાણે કિચનમાંથી “સાંભળો છો... બ્રેકફાસ્ટ રેડી છે...ઉતાવળે આવો...!” અવાજ સંભળાયો. આંખ આગળ આંસુનું ટીપું વહેલી પરોઢના ઝાકળની જેમ ચમકતું બાઝ્યું. સામે રાખેલા ડાયનિંગ ટેબલ પર મારી મનપસંદ રેડ કલરની સાડી પહેરી માથામાં મોગરાની વેણીની ખુશબોની છોળ ઉછાળતી પત્ની તેની કાજલભરી મોટી આંખોથી મીઠું સ્મિત ફરકાવતી મારી તરફ જોઇ રહી. આંખ આડે આવેલા આંસુની બૂંદની આરપાર આ બધું દેખાયું. આંખના પલકારા સાથે જ રોકી રાખેલ આંસુ ધાર બની નીચે વહી ગયું. સામેનું સૂમસામ ડાયનીંગ ટેબલ નજરે પડ્યું..!

જમણા પગમાં રોડ નાખવાથી પગ ઢસડતા ચાલતા હું કિચન તરફ આગળ વધ્યો. ગેસ પર ચા ઉકળવા મૂકી હું જરા ઊભો રહ્યો. મારી નજર સમક્ષ મારી પત્ની ચા બનાવતી મરક મરક હસતી સામે જોઇ રહેતી દેખાઇ. તેને કારણે જ મેં ચા પીવાની આદત પાડી હતી અને આજે મારી સાથે માત્ર તે આદત રહી, પણ મારી પત્ની નહીં. ચા ઉકળી ઉભરાવા લાગી ત્યાં જ અચાનક મારું ધ્યાન ચા તરફ વળ્યું.ઉતાવળે ગેસ પરથી ચા ઉતારવા જતા સાણસી લેવા ભૂલી જઈ હાથથી તપેલી અડી જતા આંગળીએ દાઝી ગયો અને ચાની તપેલી હાથથી છૂટી જતા પ્લેટફોર્મ પર આડી પડી. દાઝી લાલચોળ થયેલી આંગળીઓ તરફ ધ્યાન જતા જાણે તેને મારી પત્નીએ ઉતાવળે મોંમાં અડાડી તરત તેના પર પાણી નાખી બર્નોલ લગાવતું દ્રષ્ય દેખાયું. વળી કેટલીયે વાર ના કહેવા છતાંયે તેણે રૂમ વાળવા સાવરણી લીધી કે તરત તેને મારા હાથે ખેંચી લીધી.

“તને કેટલીવાર ના કહી છે કે તારે આ બધું કામ નહીં કરવાનું..?”

“અરે પણ આ જરાક જ..”

“ના...તને કાંઇ કામ કરવા દઉં, તો આ છોટું મને વઢશે..!” હળવેથી ઉદર પર હાથ અડાડી કહ્યું.

“અને હું છોટુંના પપ્પાને કામ કરવા દઇશ, તો પણ છોટું મને વઢશે ને..!” આંખ મીંચકારતા મને સામે જવાબ આપ્યો.

“ના, જરાય નહીં. હવે તારે બસ આરામ...આરામ...અને આરામ જ કરવાનો..!” હળવે હાથે તેને ઉંચકી પથારી પર સૂવડાવતા અમારા બંનેના ખડખડાટ હાસ્ય સાથે અમારું આખું ઘર ઉભરાઇ ગયું..! આમ ખડખડાટ હાસ્યથી આંખે પાણી આવી ગયું. હાસ્યથી આંખે આવેલ પાણી ક્યારે આંસુમાં ફેરવાઇ ગયું તેનો ખ્યાલ જ ના રહ્યો અને તે આંસુની બૂંદ નીચે સરકતા દ્રષ્ટિગત થયેલ ભ્રમ દૂર થયો. પ્લેટફોર્મ પર ઢોળાયેલી ચા કપડા વડે સાફ કરી ચા પીધા વિના જ ઑફિસે જવા નીકળ્યો.

ચર્ચગેટ રેલવે સ્ટેશને પહોંચી પ્લેટફોર્મ પર ચાની કિટલી પર ઉભા રહી ચાનો ઓર્ડર આપ્યો. મારી ટ્રેઇન આવવાને વાર હતી. રેલવે સ્ટેશને માણસોની ભીડ જોતા મેં ગરમ ચાની ફૂંક મારતા ચૂસ્કી લીધી. જરા વધુ ગરમ લાગતા જાણે જીભ દાઝી ગઈ. વળી ફૂંક મારી ચા ઠંડી કરવા કર્યું. આ દાઝેલી જીભ હવે કાંઇ તકલીફ નથી આપતી. તે દિવસે દાઝેલા શરીરના ભાગ કરતા આની બળતરા કાંઇ જ ના હતી..! પ્લેટફોર્મ પર આવતી એક પછી એક ટ્રેઇનમાં ચઢતા અને ઉતરતા સેંકડો મુસાફરોને જોઇ કાંઇ વિચારતો રહ્યો. આ જગતમાં કેટલાં બધા માણસો છે..! આ સેંકડો માણસમાં ધબકતા સેંકડો હૈયા, તેમાં ઉછળતી સેંકડો લાગણીઓ, તેમાં છૂપાયેલી સેંકડો ઇચ્છાઓ..! આ દરેક માણસ જીવનને સુખી અને સમૃધ્ધ કરવા સવારથી સાંજ સુધી કેટલીયે દોડધામ કરતા રહે છે..! અહીં કોઇને ભલે તેમની આગામી ક્ષણ વિશે પણ કાંઇ જ ખબર નથી તેમ છતા પણ દરેક વ્યક્તિ પોતાની આવતીકાલ માટે આજની દરેક પળ થાક્યા વગર કામ કરવામાં વીતાવે છે..!

આ સ્વાર્થી દુનિયામાં તો આપણા સિવાય બીજા કોઇને જીવ પણ છે તે પણ વિચારવાનું પણ સૌ ભૂલી ગયા છે..! મને ત્યાં જ મોબાઇલ પર કોલ આવ્યો. મારે જેમને મળવા જવાનું હતું તે ભાઇ સાંજે મળશે તેવો સંદેશો મળ્યો. હવે ફરી ઘરે પાછો જાઉ..? ના, પણ ઘરે જાઉ કોના માટે...? એક સમયે ઘરે દોડી જવા કરતો તે હું આજે ઘરથી દૂર ભાગતો રહું છું. હવે મારા માટે તે કોઇ ઘર ના હતું. મારી પત્નીના ગયા પછી તે માત્ર એક મકાન જ બની રહ્યું. સવારથી સાંજ સુધી આવતી જતી ભીડને જોઇ રહ્યો. સમયના કાંટે માણસોના એક રેલા પછી બીજો રેલો આવતો રહેતો..! અજાણ્યા માણસોની ભીડમાં કોઇ જાણીતો ચહેરો શોધતી મારી આંખો નિરાશ થઈ ઝૂકી રહેતી. માણસોની આટલી ભીડ વચ્ચે પણ હું સાવ એકલો જ હતો..! મારી નજર સામે રેલવે પ્લેટફોર્મ પર આઇસક્રીમ ખાતા યુગલને જોઇ જાણે ઘડીભરમાં મારા હાથમાં રાખેલો ચોકોબાર આઇસક્રીમ કોન ખેંચી લઈ મારી પત્ની હસતા હસતા ખાઇ લેતી. તરત જ મારો ઉદાસ ચહેરો જોઇ પેલો ખેંચી લીધેલો આઇસક્રીમનો કોન મારા મોંમાં પ્રેમથી ખવડાવી દીધો..! અત્યારે પણ ફરીવાર મારી પત્નીના હાથે આઇસક્રીમ ખાવા અજાણતા જ મોં ખૂલી ગયું, પણ વાસ્તવિકનો ખ્યાલ આવતાં તરત જ મોં બંધ કરી આસપાસ કોઇએ આ બધું જોયું તો નથી ને તે વિચારે બધે નજર ફેરવી ચૂપચાપ બેસી રહ્યો. મારી પત્ની સાથેની તે દરેક પળ ત્યારે લાગી તેના કરતાં આજે ઘણી અમૂલ્ય લાગી..!

સવારથી સાંજ થઈ. મારી ટ્રેઇનનો સમય થઈ ગયો. રેલવે સ્ટેશનની ઘડીયાળમાં 17:37 સમય થયો. મારી ટ્રેઇન ચર્ચગેટ – વિરાર આવી પહોંચી. ટ્રેઇનમાં ચઢવાના લોકોના ધસારાને ઓછો થવા દઈ હું બધાથી પાછળ ઊભો રહ્યો. ખૂબ બૂમરાણ વચ્ચે ઘડીભરમાં ટ્રેઇનનો આખો ડબ્બો ભરાઇ ગયો. એક સ્ટેશનથી બીજા સ્ટેશને સૌ કોઇને ઉતરવાનું જ છે અને કોઇએ કાયમ તો અહીં રહેવાનું નથી જ તેમ જાણવા છતાં જગ્યા મેળવવા પડાપડી કરતાં કોઇને જે થોડી જગ્યા મળી ગઈ તો તેમની ખુશી ચહેરા પર સમાતી ના હતી તેવી દેખાઇ જતી..! હું શાંતિથી ટ્રેઇનમાં ચડ્યો. ટ્રેન ઉપડી. ટ્રેનના ધક્કાથી મારા શરીરના હલનચલન સાથે મારા વિચારો પણ ગતિમાન બન્યા.

એક સામાન્ય પોલીસ કોન્સ્ટેબલની નોકરીની જે કાંઇ આવક મળતી તેમાંથી હું અને મારી પત્ની ખૂબ ખુશ હતા. અનાથ આશ્રમમાં ઉછરેલી દીકરીના સંસ્કારની સુવાસથી આકર્ષાઇને મેં અનાથઆશ્રમનાં સંચાલક સાથે તેની સાથે લગ્ન બાબતે વાત કરી. જ્યારે તેને પ્રથમ વાર જોઇ ત્યારે તેના લાંબા વાળમાં નાખેલી મોગરાની વેણીની ખુશબોથી મારી દરેક ઇન્દ્રીઓ પ્રફુલ્લિત થઈ ગયેલી..! જ્યારે તેણે મારા લગ્નનો પ્રસ્તાવ સ્વીકાર્યો ત્યારે જાણે મારી અને આકાશ વચ્ચે હાથ વેંતનું જ છેટું રહ્યું તેમ લાગ્યું..! એક સાદગીભરી સંસ્કારી કન્યા સાથે હું મારી જીવનસફર શરૂ કરવા જઈ રહ્યો હતો તેનો આનંદ જ કંઇક અનેરો હતો. પોલીસ વિભાગમાં નોકરી કરવાં છતાંયે ક્યારેય કોઇનો હરામનો પૈસો કે ‘ઉપલી આવક’ ના સ્વીકારવાનો મારો નિયમ મારી પત્નીને ખૂબ ગમ્યો. “ભલે થોડું મળશે, થોડામાં જીવીશું, પણ હંમેશા મહેનતનું જ ખાઇશું” તેના આ શબ્દો મારા હૈયે કોરાઇ રહેલા. મારી સાથે નોકરી કરનાર કર્મચારીઓ પણ મને ‘વધારાની’ કમાણી કરવા ઘણું સમજાવતાં, પણ હું કાયમ તેનાથી નિ:સ્પૃહી જ રહ્યો. અમારી પાસે બીજા કર્મચારીઓની જેમ મોટર ગાડીઓ ના હતી, પણ અમારા માટે રેલવે કે બસની ભીડભાડભરી મુસાફરી પણ રાજવી બની રહેતી..!

અમારા માટે રેલવેની સામાન્ય મુસાફરી પણ ખૂબ રોમાંચિત બની રહેતી. તે દિવસ મારા જીવનમાં અમીટ રીતે કોતરાઇ રહ્યો. 11 જુલાઇ 2006નો તે દિવસ. ઘણા દિવસે અમે બંને પતિ પત્ની કેટલીક ખરીદી કરવા અને સાથે ફરવા ટ્રેઇનમાં બેસી બોરીવલી જવા નીકળ્યા. રેલવેના ધડકારા સાથે તાલ મેળવતાં સાથે ઊભા રહી અમારા હાથનો સ્પર્શ થતાં અમે બંને પતિ પત્ની કંઇક અલગ જ રોમાંચ અનુભવતા. જાણી જોઇ તેનો હાથ સ્પર્શ કરતાં તેની મોટી થઈ જતી કાજળભરી આંખોમાં બસ કાયમ ડૂબ્યાં જ રહેવું ગમતું. અમારી બંનેની નજર મળતા તેણે હળવેથી પોતાના ઉદર પર હાથ સ્પર્શ કર્યો. તેના તે સંતૃપ્તિભર્યા સ્મિતમાં જાણે મને દુનિયાનું સર્વસ્વ મળી ગયું તેવો આનંદ થયો. બે દિવસ પહેલા જ ચેક અપથી તેનો સ્વસ્થ ત્રીજો મહિનો ચાલી રહ્યાનું જાણ્યું. અમારા બંને માટે વિવાહીત જીવન પછીની આ એક અદમ્ય ખુશીની પળ હતી. આજે તો પગારમાંથી બોરીવલીથી તેના માટે ચારેક સાડીઓ લઈ લેવા અને અમારા આવનારા બાળક માટે એડવાન્સથી જ કેટલાક રમકડાં લઈ લેવાનાં સ્વપ્નો સેવી રહી હું મનોમન મલકાતો રહ્યો..! અમારા બંનેના કાનમાં અત્યારથી જ બાળકોની કિલકારીઓ ગૂંજવા લાગી હતી. અમે તો પહેલા મહિનાથી જ બાળકના નામ પણ વિચારી રાખ્યા હતાં..! સ્ટેશન આવતાં મારી આગળ નીચે ઉતરતાં તેના માથામાં નાખેલી મોગરાની વેણીની ખુશબો મારા મનને સુગંધથી છલકાવી દેતી. તે પળમાં ઘડીભર હું નશામાં હોઉ તેવું લાગતું..! ગાડીના ધડકારાથી હું ભૂતકાળની સોનેરી ગલીઓમાંથી અંધારીયા વર્તમાનમાં ધકેલાયો.

ઘડીયાળમાં સમય 6:30 જોયા. આ સમય જોતાં જ જાણે મારામાં કોઇ અજ્ઞાત ધ્રુજારી આવવા લાગી. મારી રીસ્ટ વૉચના સેકન્ડ કાંટા સાથે મારા ધબકારાની ગતિ વધતી રહી..! મારા ચહેરા પર પરસેવાના રેલા આવવાં લાગ્યાં. ફરી સમય જોયો તો 6:32..! જાણે મારી નજર સામેથી આસપાસની લોકોની ભીડ અલોપ થઈ ગઈ.... ડબ્બામાંનો કોલાહલ સાવ શાંત થઈ ગયો...આખા ડબ્બામાં બીજું કોઇ જ નથી, માત્ર હું જ એકલો છું..! ધ્રુજતો હાથ ઊંચો કરી રીસ્ટ વૉચમાં સમય જોયો...6:35..! મારા બીજા હાથે મારી પત્નીનો પ્રેમાળ સ્પર્શ થયો, પણ આ વખતે તેના સ્પર્શે મારામાં કોઇ રોમાંચ ના જગાવ્યો. અમારા બંનેના હાથ ભેગા થયાં, તેના હાથ પણ ધ્રુજી રહ્યા હતા. તેની આંખોમાં કોઇ અજ્ઞાત ડર તરવરી રહ્યો હતો..!

અહીં મનમાં કેટલાક સવાલ ઊઠે છે...

· વાર્તાનાયક ક્યાં જઈ રહ્યો છે..?

· વાર્તાનાયકના જીવનમાં શું અઘટીત બની ગયું..?

· દરેક પળ વધતો અજ્ઞાત ડર કઈ બાબતનો રહ્યો હતો..?

આ દરેક સવાલના જવાબ સાથે એક રોમાંચિત વળાંક સાથેની વાર્તા માટે જરા રાહ..... ટૂંક સમયમાં આવે છે... 11 જુલાઇ 2006 : નવો વળાંક