Mari ketlik mictofiction ane laghuvartao - 1 in Gujarati Short Stories by Valibhai Musa books and stories PDF | મારી કેટલીક માઈક્રોફિક્શન અને લઘુવાર્તાઓ - 1

Featured Books
Categories
Share

મારી કેટલીક માઈક્રોફિક્શન અને લઘુવાર્તાઓ - 1

મારી કેટલીક માઈક્રોફિક્શન અને લઘુવાર્તાઓ

(ભાગ – ૧)

વલીભાઈ મુસા

(૧) હમદર્દી!

રસ્તાના ખૂણે બેઠેલો એક માણસ રડી રહ્યો હતો. આ ઘટનાના મુખ્ય પાત્ર એવા એક અન્ય ભાઈએ ત્યાંથી પસાર થતાં પેલાની પાસે થોભીને પૂછ્યું, ‘દોસ્ત, તું કેમ રડે છે? તને શું થયું છે?’

‘હું છેલ્લા ત્રણ દિવસથી ભૂખ્યો છું.’ પેલાએ જવાબ વાળ્યો.

અન્ય ભાઈએ તો સ્વગત ‘બિચ્ચારો!’ બોલીને પેલાની પાસે બેસી જઈને રડવાનું ચાલુ કરી દીધું. પહેલાવાળો નવાઈ પામતાં પૂછી બેઠો., ‘ભલા માણસ, પણ તમે શા માટે અને કોના માટે રડી રહ્યા છો?’

‘હું પણ એક દિવસનો ભૂખ્યો છું અને તારા દુ:ખને સમજી શકું છું; અને એ માટે જ હું રડી રહ્યો છું!’

‘પણ, તમારા હાથમાં બ્રેડ છે અને છતાંય રડો છો! આપણે બંનેએ આ બ્રેડથી આપણી ભૂખ મિટાવીને રડવાનું બંધ ન કરી દેવું જોઈએ?’

‘આપણે બંનેએ? બિલકુલ નહિ! હું તારી પાસે કલાકો સુધી બેસીને તારી ભૂખ અને તારા દુ:ખમાં સહભાગી થવા રડી લેવા તૈયાર છું; પણ આ બ્રેડ તો ન જ આપી શકું, કેમકે એ તો મારા કુટુંબ અને મારા માટે જ છે!’

***

(૨) સાબિતી

શિયાળાના એ દિવસોમાં હું મારા મકાનના ધાબા ઉપર સૂર્યસ્નાન કરી રહ્યો હતો. એક અજાણી વ્યક્તિ તેના વિચિત્ર ચહેરા ઉપર સ્મિત રેલાવતી મારી સામે આવીને ઊભી રહી. હું તેને કંઈક પૂછું તે પહેલાં તેણે જ મારી સામે કોઈપણ જાતના સંદર્ભ વગર જ સીધો એક પ્રશ્ન મૂકી દીધો.

”તમે ઈશ્વરમાં માનો છો?”

“ના, બિલકુલ નહિ.”

“તો તમે બુદ્ધિવાદી (Rationalist) હશો! હું સાચો છું?”

“હા,બિલકુલ. પણ, તેનું તમારે શું કામ?”

તેણે મારા શબ્દો તરફ ધ્યાન આપ્યા વગર જ આગળ કહ્યું, ”મહેરબાની કરીને તમે મારા ઉપર એક ઉપકાર કરશો? તમારા બુદ્ધિવાદ (Rationalism) માં એવું કોઈ સૂત્ર ખરું કે જે તમારી સંપૂર્ણ વિચારધારાને સમજાવી શકે?”

“અલબત્ત. હા તે છે : ‘ઈશ્વર ક્યાંય નથી. (God is nowhere.)

“તમને વાંધો ખરો, જો હું તમારા ‘ક્યાંય (nowhere)’ શબ્દને બે શબ્દો ‘હવે અહીં (now here) એમ છૂટો પાડું તો?”

“પણ, શા માટે? હું સમજી શકતો નથી કે તમે શું કહેવા માગો છો?”

“હું તમારા માટે સાબિત કરી શકું કે ઈશ્વર અહીં છે.”

“મારે કોઈ સાબિતીઓની જરૂર નથી કે જે હું માનતો હોઉં!”

“ચાલો બરાબર. પણ, હવે તમે મારા છેલ્લા એક પ્રશ્નનો જવાબ આપશો?”

“પૂછો. પણ, તમે કોણ…?”

તેણે મારા પ્રશ્નને અધવચ્ચેથી જ કાપી નાખીને તેની અવગણના કરતાં પૂછ્યું, “તમે ભૂતમાં માનો છો?”

“ના, જરાય નહિ. હું વૈજ્ઞાનિક પણ છું! તમે જાણો છો કે વિજ્ઞાન પ્રયોગો વડે સાબિતીઓના આધારે જ સત્યને શોધે છે?”

“હું દિલગીર છું કે હું તમને ઈશ્વર વિષેની કોઈ સાબિતીઓ આપી શકતો નથી, એટલા માટે કે તમને સારી રીતે સમજાવવા માટેની એ પ્રક્રિયા ઘણી લાંબી થાય તેમ છે. પણ, હું તમને હાલ તરત જ ભૂતના અસ્તિત્વ વિષેનો પ્રયોગ બતાવી શકું!”

”ખરેખર!”

પણ, મેં શું જોયું!

પેલો અજાણ્યો માણસ મારી આંખો સામે જ અદૃશ્ય થઈ ગયો, જાણે કે તે હવામાં ઓગળી ગયો હોય! અને, મેં મારા પરસેવાથી જ સ્નાન કરી લીધું!!!

***

(૩) સાચ્ચો ન્યાય

હું મારા વરંડામાં હાથમાં સમાચારપત્ર સાથે આરામખુરશીમાં ઝૂલી રહ્યો છું. હું મારા વાંચનમાં મગ્ન છું, ત્યાં તો મારા બંને દીકરાઓના બુલંદ શબ્દો મારા કાને સંભળાય છે. તેઓ ઝગડતા નથી, પણ તેમની વચ્ચે પોતપોતાની ઊંચાઈ અંગે મતભેદ ઊભો થયો છે. તેઓ મારાથી દસેક ફૂટ દૂર ખભેખભા અડકાડીને તેમની બાળસહજ બોલીમાં મને પૂછે છે, “ડેડી,મહેરબાની કરીને તમારો સાચ્ચો ન્યાય આપજો. અમારા બંનેમાં ઊંચો કોણ છે?”

હું સ્મિતસહ તેમને ચોકસાઈપૂર્વક નીરખું છું, કેમ કે મારે તેમને સાચો ન્યાય આપવાનો છે. બંનેની ઉંમરમાં માત્ર બે જ વર્ષનો ફરક છે, છતાંય ઊંચાઈમાં બંને લગભગ સરખા જેવા જ લાગે છે. હું કંઈક બોલવાનો પ્રયત્ન કરું છું, પણ આ દરમિયાન હું થોડાક દૂરના ભૂતકાળ તરફ સરકી જાઉં છું. થોડીકવાર પછી તો મને તેમના ચહેરા ધૂંધળા દેખાય છે, કેમ કે મારી આંખો અશ્રુથી ઊભરાઈ ગઈ છે.

બંને જણ સફાળા મારી તરફ ધસી આવે છે અને મારી બંને બાજુએ ગોઠવાઈ જાયછે. તેઓ તેમની નાનકડી ગુલાબી હથેળીઓ વડે મારાં અશ્રુ લૂછી નાખે છે અને રડતાં રડતાં બોલી ઊઠે છે, “ડેડી, તમે રડી રહ્યા છો?”

હું મારી જાતને સંભાળી લેવાનો પ્રયત્ન કરું છું કારણ કે તે સત્ય છે કે હું રડી જ રહ્યો છું. સમાચારપત્ર મારા ખોળામાં પડી જાય છે અને હું તેમના ગાલોને મારા ગાલો સમીપ દબાવી રાખતાં સાચો ન્યાય આપી દઉં છું, “તમે બંને સરખા જ છો. કોઈ કોઈનાથી સહેજ પણ વધારે ઊંચો નથી. પરંતુ તમારા બંનેની પાછળ બંને ગાલો ઉપર ખંજન સાથે કબૂતરી જેવી લાગતી અને ખીલેલા ફૂલની જેમ સ્મિત કરતી મારી સ્વાતિને મેં ઊભેલી જોઈ. તે તમારા બંને કરતાં વધારે ઊંચી હતી. મારી એ સ્વાતિ કે જે તમારા બંનેના જન્મ પહેલાં જ અમને રડતાં કકળતાં મૂકીને લગભગ તમારી જ ઉંમરે સ્વર્ગમાં દાદાના ખોળલે રમવા ચાલી ગઈ હતી, એ સ્વાતિ !”

મારા સમાચારપત્રના ખુલ્લા પાના ઉપર અમારી છએ આંખો આંસુથી ઊભરાઈને વરસાદનાં ટીપાં જેવા ધ્વનિ સાથે ટપટપ વરસી જાય છે. વળી બરાબર એ જ સમયે મારી પત્ની ટીપોય ઉપર ચાની ટ્રે મૂકવા નીચી નમે છે. તેણીનાં પણ હૂંફાળાં આંસુ ગરમ ચાના કપમાં પડે છે અને તેમાં ભળી જાય છે.

***

(૪) એકવીસમી સદીના બાપબેટાની ઘોડેસ્વારી !

(આ એક બોધકથા છે. ખૂબ જ જાણીતી વાર્તા ઉપરથી રચાએલી રમુજી Parody (વક્રોક્તિ) ને અનોખી ઢબે રજૂ કરવાનો અહીં મારો નમ્ર પ્રયત્ન છે. આશાવાદી છું કે વાંચકોને આ વાર્તા અવશ્ય ગમશે જ.)

બળબળતા બપોરે બાપબેટા વચ્ચે એક જ ઘોડો અને તેઓ એક ગામથી બીજે ગામ સફર કરી રહ્યા છે. બેટાએ બાપને ઘોડે બેસવા દીધા છે અને પોતે પગપાળો સાથે ચાલી રહ્યો છે.

સામેથી આવતો એક વટેમાર્ગુ માર્મિક ટકોર કરતાં બોલે છે, ‘શો કળજગ આવ્યો છે! બાપ ઘોડે અને બેટો જોડે (ખાસડે અર્થાત્ પગપાળે)!’

બેટાએ જવાબ ફંગોળ્યો,’હે, કળયુગી જીવ! જીવ બાળ મા. આ તો સતયુગ જ છે. પેલા શ્રવણે અંધ અને વયોવૃદ્ધ માબાપને કાવડમાં બેસાડીને જાત્રાઓ કરાવી, તો હું આટલુંય ન કરી શકું?’

પેલાએ કહ્યું, ‘હે જુવાન, ધન્ય છે તારી સમજદારી અને બુદ્ધિને! તેં એવો જવાબ વાળ્યો કે મારી ધારણા ખોટી પડી! ખરે જ, પેલી બોધકથા જેવા તમે બાપબેટો મૂર્ખશિરોમણિ નથી કે લોકોની વાત કાને ધરો!’

***

આગળ જતાં બાપ બેટાને પોતાની મરજીથી ઘોડે બેસવા દે છે અને બાપ પગપાળો ચાલી રહ્યો છે.

સામેથી એક બીજો વટેમાર્ગુ આવે છે અને છોકરાને મહેણું મારતાં કહે છે, ‘અલ્યા મોટિયાર, તને શરમ નથી આવતી! બાપને…..’

પેલાની વાતને વચ્ચે જ કાપી નાખતાં બાપે પેલા વટેમાર્ગુને પરખાવી દીધું, ‘અલ્યા, તું પરણ્યો હતો, ત્યારે એકલો જ ઘોડે બેસતાં તને શરમ નહોતી આવી! તારો બાપ વરઘોડામાં ચાલતો ન હતો! ભાઈ, તું તારે તારા રસ્તે પડ! અમે ઠીક લાગે તેમ કરવાવાળા છીએ, તમારા જેવાઓની કોઈ વાતની અમારા ઉપર કોઈ અસર નહિ થાય, સમજ્યો!’

***

વળી આગળ જતાં પોતાની મનમરજીથી બંને બાપબેટો ઘોડા ઉપર ડબલ સવારીએ બેઠા, તો સામે મળેલા કોઈક જીવદયાપ્રેમીને પણ હસતાંહસતાં બેટાએ જવાબ પરખાવી દીધો, ‘ભાઈ, પેલાં એંજિનોમાં જેમ હોર્સપાવર વધારે તેમ તેની કાર્યક્ષમતા વધારે હોય! ભલા માણસ, અમારો ઘોડો અઠ્ઠોકઠ્ઠો જોઈને તને નથી લાગતું કે તેનામાં સામાન્ય રીતે કોઈ ઘોડામાં હોય તેનાથી વધારે હોર્સપાવર છે? તું અમારી વાત સમજ્યો નથી લાગતો! અમે અમારા ઘોડા (હોર્સ)ના વધારે હોર્સ પાવર હોવાની વાત કરીએ છીએ!’

બેટો ભણેલોગણેલો હતો એટલે પોતાના પિતાને સમજાવતાં કહે છે, ’બાપા, અંગ્રેજીમાં કહેવાય છે કે History repeats itself; એટલે કે ઇતિહાસનું પુનરાવર્તન થતું હોય છે! આજે કોણ જાણે પેલી ‘બાપબેટાની ઘોડેસ્વારી’ વાળી બોધકથાનું પુનરાવર્તન થતું હોય, એવું જ આપણા માટે બની રહ્યું લાગે છે! આ બધા સામે મળનારાઓએ જાણે કે પુનર્જન્મ લીધો હોય, તેમ એવી જ આપણી ટીકાટિપ્પણી કરી રહ્યા છે, એમ માનીને કે આપણે પેલા બોધકથાવાળા બાપબેટા જેવી મૂર્ખાઈઓ કરીશું! પણ એમને ખબર નથી કે આપણે એકવીસમી સદીના બાપબેટા છીએ! હજુ આગળ બાકી રહેતા બે જાતના માણસો આપણને મળવા જ જોઈએ!’

બેટાની વાત ચાલી રહી હતી, ત્યાં તો સાચે જ કેટલાક માણસો સામે મળ્યા. આ વખતે બંને ચાલી રહ્યા હતા અને ઘોડો સવારી વગર હતો. પેલાઓએ કહ્યું, ‘અલ્યા મૂર્ખાઓ, ઘોડો તો સવારી માટે હોય અને તમે બંને છતા ઘોડે પગપાળા ચાલો છો!’

આ વખતે બાપે મૂછમાં હસતાં જવાબ વાળ્યો, ‘અલ્યા, શહેરોમાં કોઈ શેઠિયાઓ સવારે કે સાંજે ગાડી લઈને શહેર બહાર ચાલવા (Walking કરવા) નીકળ્યા હોય, ત્યારે પોતાના ડ્રાઈવરને ખાલી ગાડી આગળ લઈ જઈને ત્યાં રોકાવાનું કહીને પોતે ગાડી સુધી ચાલતા જતા હોય એમાં તમને કંઈ અજુગતું ન લાગે અને અમારી મજાક ઊડાવો છો!’ પેલા ખામોશ થઈ ગયા, કેમકે આ વખતે બાપે તે લોકોને જડબાતોડ જવાબ વાળ્યો હતો.

***

બેટાએ આગળ જતાં કહ્યું, ‘બાપા, હું નહોતો કહેતો કે ઇતિહાસનું પુનરાવર્તન થઈ રહ્યું છે! હવે છેલ્લા કોઈક મળવા જોઈએ, જેમની ધારણા હશે કે આપણે ભર બપોરે ઘોડાને ચલાવવાના બદલે તેના પગ બાંધીને, વાંસ (Bamboo) પરોવીને ઘોડો ઊંચકીને નદીનો પુલ પસાર કરીશું, ઘોડો ભડકશે, બિચારો બાંધ્યા પગે નદીમાં ખાબકશે અને ડૂબી મરશે!’ આ વાત ચાલી રહી હતી અને ત્યાં તો ખરેખર છેલ્લા ટીકાકારો સામે મળી પણ ગયા અને તેઓએ પેલી બોધકથાવાળી જ વાત કહી.

બાપબેટો ખડખડાટ હસવા માંડ્યા. બેટાએ ઠાવકાઈથી જવાબ વાળ્યો, ‘ભાયાઓ, તમારી વાત સાચી છે! હવે અમે ઘોડાને ચલાવવાના નથી, પણ સરસ મજાની નદી આવી છે તો ઘોડાને નદીમાં નહાવા છોડીશું, અમે ઝાડ નીચે આરામ કરીશું અને ટાઢું પહોર થયે જ અમારી સફર શરૂ કરીશું!’

પેલા ખસિયાણા પડી ગયા કેમ કે પેલી બોધકથાવાળો નજારો (દૃશ્ય) તેમને જોવા મળે તેમ ન હતો!!!

***