Imandari mate pravesh bandh chhe in Gujarati Short Stories by kalpesh maniar books and stories PDF | ઈમાનદારી માટે પ્રવેશ બંધ છે

Featured Books
Categories
Share

ઈમાનદારી માટે પ્રવેશ બંધ છે

નોકરી નો પ્રથમ ઇન્ટરવ્યૂ હોશ માં નહિ, જોશ માં અપાતો હોય છે. ઊંચી અપેક્ષાઓ અને કંઈક કરી દેખાડવાની ધગશ માં યુવાનો ગોથા ખાઈ જતા હોય છે.


એક દિવસ મારે ધીરેન્દ્ર કોન્સ્ટ્રકશનની ઓફિસે જવાનું થયું. વાત એમ છે કે મારા એક મિત્રના ઘરે તાત્કાલિક લગ્ન ગોઠવાઈ ગયા, બધું એટલું જલ્દી માં થયું કે કોણ કઈ તૈયારી કરે એની હડબડાહટ માં ઘણા અગત્યના લોકો ને લગ્નનું નિમંત્રણ આપવાનું રહી ગયું. ધીરેન્દ્રભાઈ મારા મિત્ર ના અગત્યના ક્લાઈન્ટ હતા. મને વિનંતી કરવામાં આવી કે કે હું પર્સનલી જઈને નિમંત્રણ આપું અને સાથે મારા મિત્રની પરિસ્થિતિનો ચિતાર આપું. ઘણી વાર આપણા ગુજરી ગયેલા વડીલો ની ઓળખાણ કાઢી દૂરના સંબંધીઓ અચાનક ફુટી નીકળતા હોય છે, એમ આ ધીરેન્દ્રભાઈ મારા મિત્રની ઓળખાણમાંથી ફૂટી નીકળ્યા. એમને કઈ રીતે વાત ની રજૂઆત કરવી એની મથામણ કરતો હું ધીરેન્દ્રભાઈની ઓફિસે પોહ્ચ્યો.


ધીરેન્દ્રભાઈની રોડ કન્સ્ટ્રકશન કંપની છે. જાહેર છે કે કન્સ્ટ્રકશનની કંપની હોય એટલે ઓફિસ ઝાકઝમાળ વાળી હોય. દેખાડો કરવામાં ધીરેન્દ્રભાઈ જાય એવા નોહતા. રિસેપ્શન પર એવી ફુટડી છોકરી બેસાડી હતી કે લેણદાર આવે તો એની મીઠી વાતોમાં પરોવાઈ રહે ને ધીરેન્દ્રભાઈ ને સરકી જવાનો મોકો મળે. મારા મિત્રે મને ચેતવ્યો હતો કે ધીરેન્દ્રભાઈ બહુ મોટી માયા છે. કોઈ એમને વેચવા જાય ને પોતે વેંચાઇને આવે. અડધો કલાક એર કન્ડિશન્ડ લોબીમાં બેઠા પછી મારો વારો આવ્યો.


ધીરેન્દ્રભાઈને પહેલી વાર જોયા તો એવુંજ લાગ્યું કે સફારી સૂટ પેહરીને રીછ બેઠું છે. કાળા વાનમા ગોલ્ડન સફારી સૂટ, ઝાડની લચી પડેલી ડાળખી જેવા નાકપર ચડાવેલા ગોલ્ડન ફ્રેમના ચશ્મા, હાથમાં ગોલ્ડન ઘડિયાળ જોઈ એવું લાગતું હતું કે આફ્રિકાની કાળી ડિબાંગ ખાણો માં સોનાના ટુકડા પડ્યા હોય, માથા પર વાળ નોહતા પણ ભ્રમર એટલી જાડી હતી કે ભગવાને ભ્રમરને માથું સમજી બધા વાળ ત્યાં લગાવી દીધા હશે. ખાસ બનાવેલી ખુરસી પર શરીર પાથરી ને બેસેલા ધીરેન્દ્રભાઈએ મને હસી ને આવકાર આપ્યો. મેં મારો પરિચય આપ્યો, એમણે મને ખુરસી પર બેસવાનો ઈશારો કર્યો. મેં એમને કંકોત્રી આપી. એમને વિનયથી સ્વીકારી.


"ચાંલ્લો તમને આપવાનો છે?" ધીરેન્દ્રભાઈના અણધાર્યા ધડાકાથી હું ચોંકી પડ્યો. શું બોલવું એ મને સમજાયું નહિ. હું એમની સામે મોઢું ફાડી તાકી રહ્યો. ત્યાં તો ધરતીકંપ થયો હોય એમ એમનું પેટ ઉછાળવા માંડ્યું, યુદ્ધનું બ્યુગલ વાગતું હોય એમ એમના ગળામાંથી તીણી સિટી જેવો અવાજ નીકળયો, પછી મને સમજાયું કે આ એમની હસવાની વિશેષ શૈલી છે. મારા મોઢાના હાવભાવ જોઈને ધીરેન્દ્રભાઈ ખડખડાટ હસવા લાગ્યા. પેટમાં ધરતીકંપ પર ધરતીકંપ આવા લાગ્યા. અચાનક બઝર વાગવાનો અવાજ આવ્યો. બઝર એમને વગાડ્યું કે પછી એમના પેટ માં થી વાગ્યું એ સમજ પડે એ પહેલા એક પ્યુન હાજર થઇ ગયો. ધીરેન્દ્રભાઈએ કોફીનો ઓર્ડર આપ્યો. પ્યુન ગયો કે તરતજ ફોનની ઘંટડી વાગી. ફોન પર ગોરીલા રૂપ ધારણ કરી ત્રણ વખત હું..હું..હું.. કહી ફોન મૂકી દીધો.


મારી સામે આંખ મારી ધીરેન્દ્રભાઈ બોલ્યા "બેસજો..... હમણાં ઇન્ટરવ્યૂ છે."


હું કઈ બોલું એ પહેલાજ દરવાજે ટકોરા પડ્યા.


"'મેં આઈ કમ ઈન?" એક સૌમ્ય અવાજ આવ્યો


"કમ ઈન" ધીરેન્દ્રભાઈએ મિલિટરીના મેજરની જેમ કડક અવાજે કહ્યું


એક ૨૦-૨૨ વર્ષનો યુવક હાથમાં ફાઈલ અને મોઢા પર સ્મિત લઈને અંદર આવ્યો.


"ગુડ મોર્નિંગ, સર" યુવકે વારા ફરતી અમને અભિવાદન કર્યું.


ધીરેન્દ્રભાઈએ યુવક ને બેસવાનો ઈશારો કર્યો. યુવકે પોતાનો પરિચય આપ્યો, એનું નામ હાર્દિક હતું.


"તમે રાજકીય ચળવળ વાળા હાર્દિકભાઈ તો નહિ ને?" ધીરેન્દ્રભાઈના અણધાર્યા હુમલાથી ડઘાઈ ગયેલા હાર્દિકભાઈ કઈ સમજે એ પહેલાજ પેટમાં ફરી ધરતીકંપ થયો, યુદ્ધનું બ્યુગલ વાગ્યું અને લાકડા ના બોક્સ અથડાતાં હોય એમ ગડગડાહટ સાથે હાસ્ય નો ધોધ ફૂટી પડ્યો. હાર્દિકભાઈ પણ ગભરુ ગાય શિકાર કરવા આવેલા વાઘને ખુશ કરી છટકવાનો પ્રયત્ન કરતી હોય એમ આછું આછું હસવા લાગ્યા. કોફી સર્વ થઇ. વાતાવરણ થોડું હલકું થયું પણ હાર્દિકભાઈ ધીરેન્દ્રભાઈના રૂપમાં બેસેલા રિછને જોઈને નર્વસ થયેલા લાગ્યા. ધીરેન્દ્રભાઈએ બાયોડેટા હાથમાં લીધો. ધીરેન્દ્રભાઈ બાયોડેટા વાંચતા હતા કે એમાં કશુંક શોધતા હતા એ કળવું મુશ્કેલ હતું.


બાયોડેટા ટેબલ પર મૂકી ગંભીર સ્વરે ધીરેન્દ્રભાઈ બોલ્યા "તો, તમે અમારી કંપની માં નોકરી કરવાની ઇચ્છા ધરાવો છો?"


"હા સર" હાર્દિકભાઈએ ટટ્ટાર થઇ જવાબ આપ્યો.


"તમે અમારી કંપની માંજ કેમ નોકરી કરવા ની ઈચ્છા ધરાવો છો?" ધીરેન્દ્રભાઈએ ઝીણી આંખ કરી બાઉન્સર ફેંક્યો.


હાર્દિકભાઈ જાણે જવાબ ગોખીને આવ્યા હોય એમ આત્મવિશ્વાસ થી બોલ્યા "સર, તમારી કંપની થી મારી કૅરિઅરની શરૂઆત થશે તો હું મારી જાતને ભાગ્યશાળી માનીશ. આપણી કંપની ધધાંકીય મૂલ્યો માટે જાણીતી છે તથા વિશાળ પ્રોજેક્ટસને સમયસર પૂરાં કરવા માટે મશહૂર છે. સર, એક ચાન્સ આપશો તો નિરાશ નહિ કરું."


ધીરેન્દ્રભાઈએ બગાસું ખાધું અને હાર્દિકભાઈ નાચહેરા પર પેનિક ની રેખાઓ ઉપસી આવી. કદાચ જે ચોપડીમાં થી જવાબ ગોખીને આવ્યા હતા એમાં બગાસાનો ઉલ્લેખ નહિ હોય.


"સર, હું પૂરી ઈમાનદારી અને લગન.........." ધીરેન્દ્રભાઈએ હાથના ઇશારાથી હાર્દિકભાઈને રોક્યા.


"તમે મને એ કહો કે ૬% ની ગણતરી કરીને ટેન્ડર ભર્યું હોય ને મારે ૧૬% કમાવા હોય તો મારે શું કરવું જોઈએ?" ધીરેન્દ્રભાઈની ગુગલી થી હું પણ ક્લીનબોલ્ડ થઇ ગયો.


હાર્દિકભાઈ તો મગરના જડબામાં ફસાયા હોય તેમ વિચારોના તળાવમાં છબછબિયાં કરવા લાગ્યા. ટટ્ટાર રહેતા એમના ખભા પ્રશ્ન ના વાવઝોડા થી ઝૂકી ગયા.


"સ...સર....તમે કેહવા શું માંગો છો?, હું કંઈ સમજ્યો નહિ" હાર્દિકભાઈની જીભ લથડવા લાગી.


"એજ જે તમે સમજ્યા" ધીરેન્દ્રભાઈ એ ઠંડે કલેજે જવાબ આપ્યો


હાર્દિકભાઈ ઉછાળ્યા "હું ઈમાનદાર છું. ના તો હું બેઇમાની કરીશ અને ના તો બેઇમાની કરવા દઈશ." હાર્દિકભાઈ પોતાનો શોટ બરાબર લાગ્યો છે કે નહિ તે જોવા ધીરેન્દ્રભાઈને તાકી રહ્યા


ધીરેન્દ્રભાઈ જુના ખેલાડી છે "તમે જે જોશ ભર્યું પ્રવચન આપ્યું એના માટે બાજુ ની ગલ્લીમાં રાજકીય પક્ષની ઓફિસ છે ત્યાંથી તાળીઓ જરૂર મળશે, પણ મને તો નફો જોઈએ જે તમારા આદર્શવાદમાંથી ના મળે."


"સર, ઈમાનદારી એન્ડ ઈમાનદાર વ્યક્તિઓ આજે પણ લાંબા ગાળે એસેટ સાબિત થાય છે. બેઇમાની કરી પાપ નો પૈસો મેળવવા કરતા કરતા બે લૂખી રોટલી ખાવી સારી....આત્માને શાંતિની નીંદર તો આવે." હાર્દિકભાઈ ઇમાનદારી ને ધર્મના ફાયદા વેચવા લાગ્યા


"ઈમાનદારીથી લાંબા ગાળે ટકી શકશો તો ને. ઈમાનદારી વાહ વાહી અપાવી શકે નફો નહિ."


"સર, ઈમાનદારી બજારમાં શાખ બનવામાં મદદ કરે છે, ડૂબી ગયેલી કંપની ને ફરી ઉભી થવામાં સહાય કરે છે." હાર્દિકભાઈના અવાજમાં જોશ તો હતું પણ હવે એ પણ ઝાંખું પડતું જતું હતું.


"મારે જ્યાં ધંધો કરવાનો છે ત્યાં બધાય ચોર છે." ધીરેન્દ્રભાઈ મુછમાં હસ્યા


"સોરી સર, પણ મારાથી નહિ થાય." હાર્દિકભાઈની દ્રઢતાથી હું પણ અંજાઈ ગયો


ધીરેન્દ્રભાઈએ માથું ધુણાવ્યું "તો આપણું નહીં જામે. ઓલ ધ બેસ્ટ હાર્દિકભાઈ."


હાર્દિકભાઈએ ફાઈલ સમેટી "એક સવાલ પૂછું, સર?"


ધીરેન્દ્રભાઈએ ભવાં ચડાવ્યા.


"ઈમાનદારીની શું કોઈ કિંમત નથી? આપણે આપણા મહાન નેતાઓ વિષે જે ભણીએ છીએ જે પ્રેરણા લઈએ છીએ શું તેની કોઈ કિંમત નથી?" હાર્દિકભાઈને અવાજમાં છેતરાયા હોવાનો અફસોસ વર્તાતો હતો.


"છે ને. ઈમાનદારીની કિંમત છે. આ દુનિયામાં બધીજ વસ્તુની કિંમત છે. બહાર જે એકાઉન્ટન્ટ બેઠા છે એ ઈમાનદારીથી એમનું કામ કરે છે એના બદલામાં એમને પગાર મળે છે. પગાર પણ શેનો? બેઈમાનીના પૈસાનો ઈમાનદારીથી હિસાબ રાખવાનો. પોતે પરિવાર સાથે બહારગામ ફરવા પણ નથી જઈ શકતા. એમના પુત્રની સ્કોલરશીપ માટે મને કહી રાખ્યું છે. એમનો પુત્ર ભણશે પણ બેઈમાનીના પૈસા થી. મારો ચોકીદાર પૂરી ઇમાનદારીથી જીવના જોખમે મારા કારખાનાઓ મિલ્કતોનું રક્ષણ કરે છે. ઈમાનદારીની કિંમત એટલેજ છે કારણ કે એ બેઈમાનીનું રક્ષણ બહુ સારી રીતે કરી શકે છે." ધીરેન્દ્રભાઈએ વ્યાપારી ઢબે સમજાવ્યું.


"પણ એમનું જમીર તો સાફ છે ને. એમને આ દેશ, આ દુનિયા ટકાવી રાખી છે" હાર્દિકભાઈના અવાજ માં દર્દ હતું


"તમે અર્થશાસ્ત્ર જાણો છો?" ધીરેન્દ્રભાઈએ પાસો ફેંક્યો


હાર્દિકભાઈના ચેહરા પર જુદી જુદી રેખાકૃતિ બનવા લાગી. સિવિલ એન્જિનિયર ને કોઈ અર્થશાશ્ત્ર પૂછસે એવી તો એમને કલ્પના પણ નહિ કરી હોય.


"થોડું ઘણું જાણું છું સર." હાર્દિકભાઈએ જ્ઞાનનો વિસ્તાર વધાર્યો જોકે અર્થશાસ્ત્ર એમના માટે પરગ્રહવાસી જેવું લાગતું હતું, ના સમજાય, ના સમજાવી શકાય ફક્ત ઘબરાઇને ભાગી શકાય.


ધીરેન્દ્રભાઈ હસ્યા "સામાન્ય માનવી અને દેશ ના અર્થશાસ્ત્રમાં બહુ ફરક છે. ભ્રષ્ટાચારી અર્થશાસ્ત્ર દેશના વિકાસ માટે જરૂરી છે. ઇમાનદારીને અને પ્રગતિને બાપે માર્યા વેર છે. જુઓ.." ધીરેન્દ્રભાઈએ સમજાવ્યું કોન્ટ્રાક્ટર ને રસ્તા બનાવાનો કોન્ટ્રાક્ટ મળે અને ૬ મહિના માં તૂટવા લાગે તો ફરી રિપેર કરવો પડે, એના માટે માણસો, સિમેન્ટ વગેરે જોઈએ, રસ્તાના ખાડાઓ લોકો ને જુદા જુદા પ્રકારના દર્દો આપે, વાહનો ને નુકસાન થાય તો રિપ્લેસમેન્ટ પાર્ટ્સ બનાવતી કંપનીઓ, ઈન્સુરન્સ કંપનીઓ, હોસ્પિટલો.....અર્થતંત્રના આતો અમુક હિસ્સા છે જેમને ખાડે ગયેલી બાંધકામ પદ્ધતિથી ફાયદો થાય, આમ સમગ્ર અર્થતંત્ર ના હિસ્સાઓનેં કૈક ને કૈક ફાયદો જરૂર થાય છે."


હાર્દિકભાઈ મોં ફાડી ને જોઈ રહ્યા. વાસ્તવિકતા જે રીતે આદર્શવાદના લીરા ઉડાડી રહી હતી એ જોઇને એમને વિશ્વાસ નોહ્તો આવતો.
"અને વળી રાજકીય પક્ષોને નવરાશના સમયમાં કાર્યકરોને કામે લગાડવાનો મુદ્દો મળી જાય, મીડિયા ને હેડલાઇન મળી જાય, નોકરીશાહી ને સમિતિયો રચી વધુ કમાણી કરવાનું સાધન મળી જાય." ધીરેન્દ્રભાઈએ અર્થતંત્રનું ગણિત સમજાવ્યું.


"અને લોકોને શું મળે?" હાર્દિકભાઈ દુઃખી સ્વરે બોલ્યા.


ફરી એકવાર ધરતીકંપ થયો, યુદ્ધનું બ્યુગલ વાગ્યું, લાકડાના બોક્સ અથડાયા. "મનોરંજન" ધીરેન્દ્રભાઈનું હાસ્ય વેરાયું


જીવન ના પાઠને સરળ સમજતા હાર્દિકભાઈ જે રીતે એક ખાડામાંથી બીજામાં અથડાતા હતા એ જોઇને લાગતું હતું કે એમનો આત્મા અધમુઓ થઇ ગયો છે. આદર્શવાદ નું વસ્ત્રાહરણ જોઇને એમને ગુસ્સો અને શરમ બંને આવી રહ્યા હતા.


"ઈમાનદારી સાવ મરી પરવારે તો દુનિયાનું સત્યાનાશ નીકળી જાય. બધાજ બેઈમાન થઇ જાય તો અંધાધૂંધી સર્જાઈ જાય" હાર્દિકભાઈએ ઘવાયેલી ઈમાનદારી પર વ્યર્થ મલમ લાગવાનો પ્રયાસ કર્યો.


"એટલે તો ઈમાનદારીની જીવતી રાખવા લોકોને નોકરીએ રખાય છે જેથી ઇમાનદારોને એમ ના લાગે કે એમને બાંધછોડ કરી છે સાચું કહું તો ઈમાનદાર લોકો બેઈમાનીને જે ઈમાનદારીથી છાવરે છે એનો કોઈ જવાબ નથી." ધીરેન્દ્રભાઈની આંખોમાં લુચ્ચું સ્મિત હતું. "બધાજ જાણે છે કે બેઇમાની થઇ રહી છે પણ વફાદારીના કપડા પેહરી ને બેઈમાનીને નજરઅંદાજ કરાય છે. આ વ્યવસ્થા બધા માટે લાભદાયક છે, ઈમાનદારીની ઈમાનદારી સચવાઈ જાય છે અને બેઈમાનની બેઇમાની."


"આજે પણ ઈમાનદાર અને આદર્શવાદી અફસરો ભ્રષ્ટ નેતાઓ ના કૌભાંડો ને છતાં કરી બેઈમાનો ની ઊંઘ હરામ કરે છે. એમના એક અવાજ પાર લોકજુવાળ ફાટી નીકળે છે, ક્રાંતિઓ થાય છે. બેઈમાનો ના પૂતળાં બળાય છે બનાવતા નથી." હાર્દિકભાઈએ પોતાના ડૂબતા જહાજને બચાવાનો મરણિયો પ્રયાસ કર્યો.


હાર્દિકભાઈ હજી પોતાની ઇંનિંગ્સ શરુ કરી રહ્યા હતા જયારે ધીરેન્દ્રભાઈ એકેડેમી ખોલી ટેલેન્ટ તૈયાર કરવાની ઉંમરે પોહચી ગયા હતા. તેઓ હાર્દિકભાઈના હાર હુમલાને નકામો બનાવી દેતા.


"એટલે તો આ આદર્શ વ્યવસ્થા છે બધાને ફાવે છે. ઇમાનદારી ને પૂતળાંથી પ્રેમ છે ને બેઇમાનીને પૈસા થી. તમે પૂતળાં બનાવો, અમે પૈસા. અપને વિરોધાભાસી મત વાળા છીએ. આપણે એક બીજા ને સંપૂર્ણ પણે નથી જાણતા એટલે તો સાથે રહી કામ કરી શકીએ છીએ, વિશ્વાસ કરી શકીયે છીએ"


"તમે બનાવેલા રસ્તા ને પુલ તૂટે તો તમને તો સજા નહીંજ થવાનીને." હાર્દિકભાઈએ કટાક્ષ કર્યો


"અમે તો સજા ભોગવવા તૈયાર છીએ પણ અમને કોઈ પકડવા તૈયાર નથી, કાયદો કહે છે કે જે બનાવે એ જવાબદાર ગણાય અને ટેક્નિકલી જુઓ તો પુલ બનાવ્યો છે મજૂરે તો એના તૂટવા માટે મજૂર જવાબદાર છે અને જેને દુઃખ સહન કરવાની આદત હોય દુઃખ હંમેશા એના ઘરેજ આવે અને વ્યાવહારિક રીતે જુઓ તો મારા પર ૫૦૦ માણસો નભે છે અને મજૂર પર ૫. હવે તમેજ વિચારો કે ૫૦૦ સહન કરે એ સારું કે ૫?" ધીરેન્દ્રભાઈએ વ્યાવહારિકતાનું પ્યાદુ ઉતાર્યું.


"નફા માટે આટલી મથામણ? ન્યાય કે સામાજિક વ્યવસ્થાની કોઈ કિંમત નહિ?" હાર્દિકભાઈ વિચારમાં પડી ગયા


એમના વિચારો જાણી ગયા હોય એમ ધીરેન્દ્રભાઈ બોલ્યા "નફો તો મનુષ્યમાં જનમતા વેંતજ વણાઈ જાય છે, બીજા પાસે ના રમકડાં જોઈ એ મેળવવાની જિદ કરતું બાળક નાનપણથીજ નફાખોરી શીખી જાય છે. શાળામાં પ્રથમ મારે જ આવવું છે એ નફાખોરીની માનસિકતા નથી તો શુ છે? જીવન માં બધા કરતા શ્રેષ્ઠ બનવું છે, આ નફાખોરી માનસિકતા છે. આપણે નફાખોરીને સ્પધાત્મકતાનું નામ આપીને છુપાવીયે છીએ કારણ કે આપણે માનવુંજ નથી કે આપણે નફાખોર સિસ્ટમ નો એક ભાગ છીએ." ધીરેન્દ્રભાઈએ માનસશાસ્ત્રી ની ઢબે માનસિકતા વિષે સમજાવ્યું.


હાર્દિકભાઈનું વાહન કદાચ ડૂબી ગયું હતું. ચેહરા પર ગંભીરતા હતી. મન વિચારોનાં વમળ માં અથડાઈ રહ્યું હતું.


"૫ રૂપિયાની મીઠાઇની ચોરી કરવા વાળા માટે ૬ મહિના ની જૈલની જોગવાઈ છે, પણ વજન માં ૫૦ રૂપિયાનો ગોટાળો કરવા વાળા દુકાનદાર ને કોઈ ડર નહિ કારણ કે પકડાય એજ ગુન્હેગાર છે એવું લખવાવાળા પણ તમારી જેમ જ ઊંચું ભણેલા હતા." ધીરેન્દ્રભાઈએ દુનિયાદારીનું મોહરું ઉતાર્યું "યુનિવર્સિટીમાં ભણાવાતું ગણિત અને દુનિયાનું વ્યાવહારિક ગણિત બંને અલગ છે. જે દુનિયાનું ગણિત શીખી જાય તે ઉદ્યોગપતિ બને અને જે યુનિવર્સિટીનું ગણિત શીખે એને નોકરિયાત, ઈમાનદાર કે પછી આદર્શવાદી ના વિશેષણોથી ઓળખવામાં આવે છે."


ધીરેન્દ્રભાઈએ બીજી કોફી મંગાવી.


"તમે મને પસંદ છો, કાલથી આવી શકો છો. હર વર્ષે ૧૬% પગાર વધારો અને બોનસ મળશે. કૅરિઅરમાં જ્યાં પોંહચવું હશે ત્યાં પોહ્ચવામાં કંપની તમને મદદ કરશે જો તમે આ કંપની ને આગળ વધવામાં મદદ કરો તો." ધીરેન્દ્રભાઈએ પોતાની ઓફર ઉતારી એક તો હાર્દિકભાઈને ના પાડવી હોય તો એમનું સ્વમાન જળવાઈ રહે અને જોડાવું હોય તો એમ ના લાગે કે સ્વમાન બાજુ પર મૂકી સામે ચાલીને નોકરી માંગી.
મારી નજર હાર્દિકભાઈ પર જડાયેલી હતી


કોફીની ચુસકી લેતા હાર્દિકભાઈએ કહ્યું "મને મંજુર છે પણ હું મારા આદર્શ નહિ છોડું."


બંને પક્ષે મૂક સંમંતિ સધાઈ ગયી હતી.


મને સમાજ ના પડી કે ધીરેન્દ્રભાઈ ઈમાનદાર બની ગયા હતા કે હાર્દિકભાઈ બેઇમાન.