Pram path 5 in Gujarati Fiction Stories by Mital Thakkar books and stories PDF | પ્રેમ પથ 5

Featured Books
Categories
Share

પ્રેમ પથ 5

પ્રેમ પથ

- મિતલ ઠક્કર

પ્રકરણ-૫

સંગીતા ટુવ્હીલર પર નીકળી ત્યારે તેના દિલમાં આકાશની ચિંતા સવાર થઇ ગઇ હતી. અગાઉની કંપનીમાં નોકરી કરતી હતી ત્યાં કામ કરતી મયૂરીનો ફોન આવ્યા પછી તે તરત જ આકાશની ખબર જોવા નીકળી ગઇ હતી. તેને થયું કે આમ અચાનક કેમ તે આટલી હાંફળી-ફાંફળી થઇને ચાલી નીકળી? આકાશ તેનો કોણ હતો? આકાશ પ્રત્યે આટલી લાગણી અને સંવેદના તેના દિલમાં ક્યારથી આવી ગઇ? શું તે હવે આકાશને ચાહવા લાગી છે? પણ આકાશને તેના માટે પ્રેમ જેવી લાગણી હશે? વિચારમાં પડી જતી સંગીતા એક-બે સ્થળે વાહન પરનો કાબૂ ગુમાવતા બચી ગઇ. તેણે તરત જ મનને શાંત કરવાનો પ્રયત્ન કર્યો અને ધીમેથી ટુવ્હીલર ચલાવવા લાગી.

મયૂરીએ આપેલા સરનામે પહોંચવાનું સરળ ન હતું. તેણે આકાશના ઘરના વિસ્તારમાં પ્રવેશ કર્યા પછી ઊભા રહીને આસપાસમાં નજર દોડાવી. ક્યાંય રોડ કે વિસ્તારના સૂચક બોર્ડ ન હતા. તેણે એક જણને પૂછીને ટુવ્હીલર આગળ લીધું. ક્યાંક બંગલા હતા તો ક્યાંક મોટી બિલ્ડિંગો હતી. આગળ જતા ભૂલભૂલામણી જેવો રસ્તો આવ્યો. તેને થયું કે આકાશ કેવા વિસ્તારમાં રહે છે? હવે આકાશને જ પૂછવું પડે એમ હતું. તેણે ફોન લગાવ્યો. આકાશે એક જ રીંગમાં કોલ રીસીવ કરી લીધો. આકાશે બતાવેલા રસ્તા મુજબ તે તેના ઘર પાસે પહોંચી ગઇ. છેલ્લી બે-ત્રણ ગલી તો તેને યાદ જ ના રહી. જતી વખતે આકાશને પૂછીને જ નીકળવું પડશે એમ વિચારતી તે દરવાજા પર આવીને ઊભી.

"અરે! આવ સંગીતા!"

"ઓહ! તું તો હાથમાં પ્લાસ્ટર લગાવીને સૂતો છે..."

"કંઇ ખાસ નથી. જમણા હાથમાં છે પણ અઠવાડિયા પછી પાટો બદલશે એટલે વાંધો નહીં આવે..."

"આ થયું કેવી રીતે ?"

"આજે કંપની પર જવા નીકળ્યો ત્યારે રસ્તામાં એક કારવાળાએ પાછળથી બાઇકને ટક્કર મારી. એનો પણ વાંક ન હતો. ટ્રાફિક જ એટલો હતો કે તેના માટે કારને કાબૂમાં કરવાનું સરળ ન હતું. ખેર! તું ઓફિસ છોડીને આવી કે શું? મેં મયૂરીને કહ્યું હતું કે સંગીતાને જાણ કરજે પણ દોડધામ કરવાની ના પાડજે. મને સારું છે."

"હા! મયૂરીનો ફોન આવ્યો કે આકાશ ઓફિસે આવતો હતો ત્યારે અકસ્માત થયો છે અને હાથમાં ફ્રેક્ચર થયું છે. મને થયું કે ખબર પૂછતી આવું અને કોઇ મદદની જરૂર હોય તો કહેતી આવું.."

"તું ખબર જોવા આવી એ માટે તારો આભાર! બાકી જૂની નોકરીના કલીગને આ રીતે કોઇ યાદ કરતું નથી. મારો મિત્ર છે એ હમણાં એક અઠવાડિયા સુધી મારી સંભાળ લેશે. ટિફિન તો બહારથી આવી જશે. ઘરે કોઇને કહેવું નથી. નકામા દોડધામ કરશે. એના કરતાં સારું થઇ જાય પછી જ કહીશ..."

"આકાશ, કોઇ મદદની જરૂર હોય તો કહેજે ખરેખર. તું ઓફિસમાં મને પૂછ્યા વગર મદદ કરતો હતો. હું તને પૂછી રહી છું!"

"અરે! એવું બધું વિચારવાનું નહીં. બોલ, તારી નોકરી કેવી ચાલે છે?"

"સરસ! ખાસ કામ હોતું નથી. હવે થોડું વધશે એમ લાગે છે..."

થોડીવાર બંને ચૂપ થઇ ગયા. આકાશ મોબાઇલમાં મેસેજ કરવા લાગ્યો. સંગીતા આમતેમ નજર નાખી મોબાઇલમાં મેસેજ ચેક કરવા લાગી. પછી જવાની વાત કરી એટલે આકાશે થોડીવાર બેસવા કહ્યું.

ફરી આકાશ સાથે થોડી વાત કર્યા પછી સંગીતા જવા માટે ઊભી થઇ. ત્યાં આકાશનો મિત્ર આવી ગયો. આકાશે તેનો પરિચય આપ્યો. સંગીતાને તેની સાથે વધારે વાત કરવાની જરૂર ના લાગી. અને આકાશને રસ્તો પૂછી તે નીકળી ગઇ.

બે-ત્રણ ગલીમાં ફર્યા પછી સંગીતા ગૂંચવાઇ. તેને લાગ્યું તે આ વિસ્તારમાં જ ફરી રહી છે. બહાર જવાનો મુખ્ય માર્ગ આવતો જ નથી. એક જણને પૂછ્યું પણ તે પરપ્રાંતિય હતો. તેને સમજાયું જ નહીં. સંગીતા રસ્તો શોધતી શોધતી ફરી આકાશના ઘરની ગલીમાં આવી ગઇ. તેણે દૂરથી તેના ઘરનો દરવાજો જોયો અને ખ્યાલ આવી ગયો કે ફરી ફરીને ત્યાં જ આવી ગઇ. સંગીતા મનમાં જ હસી:"લાગે છે કે આ ગલી પ્રેમની છે. મને વારંવાર બોલાવી રહી છે!"

અચાનક તેની નજર આકાશના ઘરની બારી પર પડી અને તેના પગ ચોંટી ગયા. તે ટુવ્હીલરનું સ્ટીયરીંગ પકડી હતપ્રભ થઇને આકાશના ઘરનું દ્રશ્ય જોઇ રહી. તેને પોતાની આંખ પર વિશ્વાસ આવતો ન હતો. તેણે આંખ ખેંચીને જોયું ત્યારે તેને વિશ્વાસ આવી ગયો કે તે સત્ય જોઇ રહી છે. તેણે આકાશને કેવો ધાર્યો હતો અને એ કેવો નીકળ્યો. પહેલી વખત તેણે આકાશ તરફ પ્રેમની લાગણી અનુભવી હતી. આજે એ લાગણીને તેણે લૂણો લગાવ્યો હતો. સંગીતાએ જોયું કે આકાશ તેના મિત્રને ખુશીથી ભેટી રહ્યો હતો. અને ત્યારે તેના જમણા હાથમાં ફ્રેક્ચરનો પાટો જ ન હતો. મતલબ કે તેણે નાટક કર્યું હતું. હમદર્દી મેળવીને તે મને પોતાની પ્રેમજાળમાં ફસાવવા માગતો હતો. તેણે મિત્ર સાથે મળીને આખું નાટક રચ્યું હતું. સારું થયું કુદરતી રીતે તેને રસ્તો ના મળ્યો પણ આકાશના ઘરનો રસ્તો કાયમ માટે ભૂલી જવાનો. તે ખોટા રસ્તે હતી એ સમજાઇ ગયું. તે પ્રેમપથ પર ચાલવા નીકળી હતી. આ પથમાં કાંટા પણ હોય છે એવું સાંભળ્યું હતું. આકાશના પથ પર પોતાને ઠોકર ખાવી પડી છે. સારું છે કે પ્રેમના એકરાર પહેલાં જ સત્ય સામે આવી ગયું. તે મને મદદ કરતો હતો એની પાછળ મને પામવાનો સ્વાર્થ હતો એ સાબિત થઇ ગયું. મેં નોકરી છોડી એ પછી તેણે ઇપીએફનો હિસાબ કરાવીને તેનો પત્ર આપવાને બહાને મુલાકાત કરી હતી. હું પણ તેને મારી ખુશી વહેંચવા લાગી હતી. સંગીતાને થયું કે તે અહીંથી નીકળી જાય અને આકાશનો ફરી સંપર્ક કરવાનો પ્રયત્ન નહીં કરે. પછી થયું કે આકાશ આવી રીતે બીજી છોકરીને છેતરે ના એટલા માટે તેને ખુલ્લો પાડવો જરૂરી છે.

તેણે હિંમત કરી અને આકાશના ઘરના દરવાજે જઇને ઊભી રહી. આકાશ તેના મિત્ર સાથે ખુશી વહેંચવામાં મશગૂલ હતો. ખુલ્લા દરવાજે ટકોરા સાંભળી તેની નજર ત્યાં ઊભેલી સંગીતા પર ગઇ. સંગીતાને જોઇ તેના ચહેરા પરનો ખુશીનો રંગ પલકવારમાં ઊડી ગયો. તેની નજર પોતાના સાજાસમા હાથ પર ગઇ અને તે ક્ષોભ પામ્યો. શું બોલવું એ જ તેને સમજાતું ન હતું.

સંગીતાએ કહ્યું:"આકાશ, તારે કંઇ કહેવાની જરૂર નથી. તારા હાથમાં તો ફ્રેક્ચર થયું નથી પણ તારા માટેની મારી લાગણીમાં જરૂર ફ્રેકચર થયું છે. અને તે ક્યારેય સારું થવાનું નથી. તેં મારી લાગણી સાથે રમત રમીને સારું કર્યું નથી. હું મયૂરીને પણ આ વાત કહીશ..."

"સંગીતા, સોરી!"

"તું માફીને લાયક નથી આકાશ. તેં યોગ્ય કર્યું નથી...." કહી સંગીતા ત્યાંથી નીકળી ગઇ.

સંગીતાને મુખ્ય રસ્તો શોધવામાં તકલીફ પડી. પણ તેણે જાતે માર્ગ શોધી જ લીધો.

સંગીતા ઘરે પહોંચીને જલદી જમીને પોતાના રૂમમાં જતી રહી. તેને આકાશના જ વિચાર આવતા હતા. સંગીતાને ખબર હતી કે તેની સુંદરતાથી જ મોહિત થઇને આકાશે પામવાનો વિચાર કર્યો હશે. જૂની ઓફિસમાં તે સતત તેની મદદ માટે તૈયાર રહેતો હતો. પણ તેને પામવા માગે છે એવું લાગવા દેતો ન હતો. પોતે કંપની બદલી પણ કોઇને કોઇ રીતે સંપર્કમાં રહેતો હતો. એની દેખાતી સારી ભાવનાથી પોતે પ્રભાવિત થઇ ગઇ હતી. એ તો તેને પામવા માટે આ બધું કરી રહ્યો હતો. જો તેણે સાચી રીતે મારો પ્રેમ મેળવવો હોત તો આવું નાટક કર્યું ન હોત.

જીવનમાં પહેલી વખત કોઇના માટે પ્રેમની ભાવના જાગી અને તે બીજ તો છોડ બને એ પહેલાં જ જમીનમાં મરી ગયું હતું. પ્રેમપથ પર તે ચાલી શકી નહીં એનો તેને રંજ થયો. તે ઊંઘવાની તૈયારી કરવા લાગી ત્યાં તેના ફોનની રીંગ વાગી. અત્યારે કોનો ફોન હશે? તે વિચાર કરતી ફોન હાથમાં લઇ જોવા લાગી. મોબાઇલના સ્ક્રિન પર કંપનીની સંજનાનું નામ વાંચી તેને નવાઇ લાગી.

"હા સંજના..."

"સંગીતા, તને કંઇ જાણવા મળ્યું?"

"ના, કેમ શું થયું?"

"હમણાં મેનેજર સાહેબનો ફોન હતો કે હિતેન સાહેબને અકસ્માત થયો છે..."

સંગીતાને આંચકો લાગ્યો. અચાનક તેને આકાશનો અકસ્માત યાદ આવી ગયો. હિતેનની પણ આ કોઇ ચાલ હશે? આકાશે મયૂરીને સમાચાર આપીને પોતાને કહેવા કહ્યું હતું. હવે હિતેન સંજનાના માધ્યમથી આવા સમાચાર આપીને પોતાની હમદર્દી મેળવવા માગે છે? હિતેન પોતાનાથી દૂર રહીને દિલ જીતવા માગતો હતો? એમાં સફળ ના થયો એટલે આવું નાટક કર્યું હશે?

સંજના કશુંક કહેતી હતી પણ વિચારમાં પડેલી સંગીતાના કાને એ વાત પડી જ નહીં.

વધુ હવે પછી...

મારી દિયર-ભાભીના સંબંધ પરની રોમાંચક અને રસપ્રદ લઘુનવલ "મોનિકા" પણ આપ વાંચી શકો છો.