'
જીવનની હકીકત -3 ' તું ક્યાં જાય છે?
વાચક મિત્રો મારા જીવનની હકીકતને મેં 'મને કહોને શું છે?' 1 'બેચેન રાત્રિ 2' 'તોફાની ગતિ 3 ' 'તું ક્યાં જાય છે?4' એમ લખી છે.તમને પ્રશ્ન થાય કે કોમલ નામ કેમ પસંદ કર્યું છે? હું નાનપણમાં 'પોચકી ' ડરપોક હતી . મોટાભાઈઓ અને બાપૂની છાયામાં રહેવા ટેવાયેલી. વાત વાતમાં રિસાવાનું .મનમાં રડ્યા કરવાનું,તેથી મારા જીવનની વાર્તાનું પાત્ર કોમલ છે.વાચકોના ઉમળકાભર્યા પ્રોત્સાહન બદલ આભાર.
'તું ક્યાં જાય છે? '
કોમલ દોડતી ટ્રેનના બારણા પાસે ઊભેલા મોટાભાઈને 'આવજો' કહી ઝડપથી પ્લેટફોર્મની બહાર આવી. તે ઘડી ઘડી મોટાએ આપેલા પેકેટને દબાવી શું છે જાણવા ઉતાવળી થઈ હતી ,એનું કુતુહલ માઝા મૂકી રહ્યું હતું ! પેકેટમાં શું હશે?
નડિયાદના સ્ટેશનથી સીધા રોડ પર પાંચમી દુકાન બાપુની.'45ની સાલમાં જયારે તેમણે ભાડે રાખેલી ત્યારે નડિયાદમાં ખાસ ધન્ધા સ્ટેશન રોડના વિસ્તારમાં નહીં,રસ્તા તૂટેલા,પથરા જડેલા તે તૂટીને ખાડા પડેલા. ગામમાં અમદાવાદી બજારમાં નાના મોટા ધન્ધા હતા.નજીકના ગામડેથી લોકો ખરીદી કરવા અમદાવાદી બજારમાં આવતા.સ્ટેશન વિસ્તારમાં દુકાનો ખાલી પડી રહેતી.સ્ટેશન રોડ પર ટાઉનહોલ આકર્ષણનું કેન્દ્ર.બાપુએ વાત કરેલી કે 15મી ઓગસ્ટે 1947માં પહેલવહેલો ત્રિરંગો નડિયાદમાં ટાઉનહોલ પર ફરકાવેલો ત્યારે લોકો જોવા આવેલા ને તેમની દુકાને ટોળું જામેલું.ચોમાસુ હતું તોય પીણાંનો ઉપાડ થયેલો.
થોડા વધારે ભાડામાં બાપુએ મોટી જગ્યા લઈ આગળના ખૂણામાં બે પેટા ભાડવત રાખેલા.પ્રેમજીભાઇ સિન્ધીની શાકની દુકાનમાથી બાપુ રોજ તાજું શાક નોકર સાથે ધેર પહોંચાડતા.બાપુના બીજા ભાડવાત ચંદુભાઈ ચવાણુવાળા હતા.અમે રોજ સાંજે બાપુ ઘેર આવે એટલે એમની થેલીમાંથી પડીકું નીકળે તેને અમારી લાલચુ નજરો ટાંપી રહેતી. બાએ કરેલા ભાગને બિલ્લીપગે લઈ ભાગીએ.બાપુ દુકાનથી થાકેલા ,નોકરોને તતડાવી ,બૂમો પાડી કઁટાળેલા હોય એટલે ઘરમાં તેમને શાંતિ જોઈએ.
દુકાનની પાછળ બસસ્ટેન્ડ હતું.ઉનાળામાં તરસ્યા લોકો માટે ઠન્ડા પીણાં અને શેરડીના રસનો ધન્ધો તેમણે ઓછી મૂડીએ ચાલુ કરેલો. શરૂઆતમાં તેલની ધાણીની જેમ ધૂંસરી બાંધેલો બળદ કે આખલો ગોળ ફરે તેવો શેરડીના રસનો કોલુ હતો.આખલાને આંખે દાબડા બાંધેલા તેથી આડુંતેડું જોયા વગર ગોળ ફર્યા કરે.પણ એક વાર આખલાએ બાપુને પેટમાં લાત મારેલી ને પંદર દિવસનો ખાટલો આવેલો.અમે છોકરાં ડરના માર્યા શિયાવિયા થઈ ગયેલાં.બિલીમોરાથી દાદી આવેલાં ,'હવે આ ધન્ધો બન્ધ કર ને ગામ આવતો રહે 'એમ કહ્યાં કરતાં.પછી બાપુ હાથના સઁચા શેરડી પીલવા લાવ્યા તેમાં બાએ જીદપૂર્વક કહેલું 'તમારે શેરડી સઁચામાં નહિ પીલવાની,' મામાના બુઠઠા હાથની વાત યાદ કરી બાની આંખ ભરાઈ આવેલી.
'મને નોકરીમાં મારા સાહેબને સલામ મારવી પડે ,તેવું હું કોઈ દિવસ કરવાનો નથી.' બાપુએ ચોખ્ખું બધાને સઁભળાવી દીધું.
થોડા વર્ષો પછી ઇલેક્ટ્રિક સઁચા થયા.દુકાનમાં ફરતા બાપુને જુઓ તો વેપારી જેવા નહિ પણ સફેદ ખાદીના કપડામાં કોઈ સામાજિક કાર્યકર જેવા લાગે.નાનો ધન્ધો પણ એમનો રૂબાબ,નિષ્ઠા એવી કે ગામમાં સૌ દેસાઈસાહેબ કહી વાત કરે. નડિયાદમાં વિઠઠલ કન્યા વિદ્યાલયમાં રાજકીય નેતાઓ મુલાકાતે આવતા ત્યારે બાપુ શેરડીનો તાજો રસ પહોંચાડતા.કોમલના મોટા ફોઈ શાન્તાબેન દેસાઈ ત્યારે આચાર્યા હતાં.બાપુ ગૌરવથી કહેતા : મોરારજી દેસાઈ ,બાબુભાઇ જશભાઈ પટેલ,ઇન્દુલાલ યાજ્ઞિક
બધાયને તાજો રસ મોકલ્યો હતો.
બાપુ ગલ્લા પર બેસી રહેતા નહિ.નોકરોને ટેબલ સાફ કરવા દોડાવે ,ઠન્ડા પીણાંના ગ્લાસની તપાસ કરે ,કોઠીમાં આઈસ્ક્રીમ તેયાર થયો જોઈ ઓર્ડર કરે:
'ભીખા ,શાહસાહેબને પહેલો આપ.'
શાહસાહેબ આઈસ્ક્રીમ ખાતા કહે ,' દેસાઈ તમારા જેવો કોઈ બનાવતું નથી.'
'હજુ સીઝનમાં આફૂસ કેરી આવશે,શેરડીનો રસ હોળી પછી ચાલુ થશે' બાપુ વાતમાં વેપારી ,ઘરાકોને પાણી પાણી કરી દે.કહે: 'ધન્ધામાં દેસાઈગીરી ભૂલવાની.'
બાપુ ઘેર આવે ત્યારે મોં ગંભીર અને બોલમાં કડકાઈ હોય.એમણે કહેલી વાતને વણલખ્યો કાયદો જ માનવાનો.માસા ,મામા,કાકા,ફોઈના કુંટુબોમાં તેમની સલાહ લેવાય.ત્યારે નડિયાદમાં અનાવિલ દેસાઈઓના વીસેક ઘરો હતાં તેમાં તેમને માનઅપાતું .તેમણે ગામથી નડિયાદમાં આવી ધન્ધો કરવાની પહેલ કરેલી.
કોમલે દૂરથી જોયું બાપુને દોડાદોડીમા પરસેવો નીતરે છે , ખભે ખાદીનો રૂમાલ છે પણ તેમના એક હાથમાં ઘરાકે આપેલા પેસા છે,બીજા હાથમાં કોઈ પેપર ઝીણી આંખ કરી જુએ છે.કોમલની આંગળીઓમાં સળવળાટ થાય છે.'લાવ જઇને રૂમાલ આપું ' વળી બાપુએ બીડી છોડેલી તે ભાઈએ કરેલી વાત યાદ આવી એટલે જઇને પગે પડવા ગઈ તો બાપૂએ 'આજે પરીક્ષા આપવા જાય છે? જા તું પાસ થવાની.' કહ્યું
કોમલ આંખમાં આંસુ પણ હસી પડી.કહે:
'તમને ખબર નથી પરીક્ષા દસ દિવસ પછી છે.'
બાપુ કહે: 'આ દુકાનની ખટપટમાં પડેલો છું ,જા હું ઘેર જમવા આવું છું.'.
કોમલ ઘેર જવા ખારી પોળના રસ્તે ઉતાવળી ચાલી.મોટાનું પેકેટ જોવાની તાલાવેલી લાગેલી.રસ્તામાં ગાયો ,સાઇકલો અને હાથલારીઓ કે કોઈક ઘોડાગાડી તબડક કરતી ચાલતી હતી . ત્યાં જમણી બાજુ પીજભાગોળ તરફથી હીજડાની ટૉળકી આવી, કોઈકને ત્યાં છોકરાના જન્મની તાબોટા પાડી વધામણી કરતી રસ્તાની વચ્ચે ઊભી રહી . ફાટેલા સાદે સપાટ છાતી પરના છેડાને પાથરી 'આલો બા,ભગવાન તમને સુખી કરે' ની બૂમો પાડતા તેઓએ રસ્તો રોકેલો .લોકો તમાશો જોવા ઊભા ર હેતા હતા.
કોમલનું ચિત્ત મોટાએ આપેલા પેકેટમાં હતું.
મોટાએ ફૅશનેબલ બે સ્કર્ટ અને બ્લાઉઝ કોમલ માટે લીધાં હતાં.એક અમ્બ્રેલા સ્ટાઇલનું ઊભી ડિઝાઈનવાળું સ્કર્ટ અને બીજામાં વિવિધ રંગની ફુલપત્તી હતી.કોમલે પહેર્યું તો ખરું પણ ઘરમાં એકેય આયનો લાંબો મોટો આદમ કદનો નહોતો,'બા તો ખરી છે! કોઇ દહાડો તૈયાર થઈને તક્તામા જોવા નવરી જ નથી,તેમાં ય બાબુના આવ્યા પછી સફેદ સાડલો અને કાયમનું ઢાંકેલું માથું. '
કોમલે ભીંત પરની ગોળ નાની આરસી નીચે ઉતારી આગળ પાછળ જોયું પણ બરોબર દેખાતું નહોતું.પડોશમાંથી ઈલા દોડી આવી.કોમલનો હાથ પકડી એને ત્યાં ખેંચી ગઈ. લાંબા આયનાવાળા બે કબાટો હતા ,તેની સામે ઊભેલી કોમલને જોઈ ઈલા 'વાહ વા 'કરી હસતી હતી.પોતાની જાતને રોજ઼ યુનિફોર્મમાં જોતી કોમલ પોતાના નવા કોલેજીયન રૂપને જોઈ શરમાઈ ગઈ.ઇલાએ કોમલના વાળને ખૂલ્લા મૂકી દીધા.મૂડમાં આવી ગયેલી બન્ને બહેનપણીઓ ડાન્સ કરવા લાગી ત્યાં એના ભાઇઓની ટોળકીનો અવાજ આવ્યો એટલે કોમલ ભાગી.
'અનુજ ,અનિયા અહીં આવ 'બાપુએ દુકાનથી આવી બૂમો પાડી
હરામી ક્યાં રખડવા ગયો? એકેય કામ કરતો નથી.'
કોમલે થાળી પીરસી ,બાપુ માંડ બે કોળિયા ભરી પાણી પી ઊઠી ગયા.
'રમણને બોલાવા કોણ જશે?મારે પેલા સરકારી ઓફિસવાળા દુકાનમાં આવવાના છે.'
કોમલ ભાખરીના કટકા અને શાક ઉપરના રૂમમાં સૂવાડેલા માસાને આપવા ગઈ. ખાટલા પાસે ટેબલ પર થાળી મૂકી.નીચેથી બાપૂની બૂમો ચાલુ છે.'અનુને ક્યાં શોધવો?'સાઇકલ નીચે હતી,શું અગત્યનું કામ હશે?'
કોમલ માસા જમી લે તેની રાહ જોતી હતી.માસાના ધ્રૂજતા હાથની પકડમાં ભાખરીનો કટકો પકડાતો નથી ,એમનું મોં ખોલે પણ ધ્રૂજતો હાથ કેમે કરી જાય નહિ,કોમલ થાળીમાંથી લઈ ખવડાવવા ગઈ પણ માસાએ ના પાડી.કોમલ ઊંચા ,મજબૂત ,ભરાવદાર શરીરવાળા માસાને બે વર્ષથી કમ્પવાથી ધીરે ધીરે લાચાર થતા જોઈ રહી હતી.
'લે આ ચિઠ્ઠી રમણકાકાને પહોંચાડવાનું પેલાને કહેજે''. બાપુ ઉતાવળા દુકાને ગયા.
કોમલે ટેબલ પર પડેલી ચિઠ્ઠી વાંચી .એ વિચારમાં પડી ગઈ.કાકાનું ઘર ડુમરાલ બજારમાં હતું.પણ તેમના મોટાબહેન વિઠઠલકન્યા વિદ્યાલયમાં રહેતાં હતાં . ,ક્યારેક બપોરે તેઓ ત્યાં જતા.શું કરું ?રમણકાકાને ત્યાં જાઉં,કદાચ જમતા હશે!
કોમલે ચિઠ્ઠી અને ચોપડીઓ લીધી.
નાગરવાડાના ઢાળે એની નાગર બહેનપણી ગીતાને ધેર ગઈ.હવેલી જેવાં ઘરમાં મોટા ચોકમાં હિં ડોળા પર મોટાબેન બેઠેલાં હતાં ,આવ કોમલ આજે વાંચવામાં મોડું થયું ' તેમણે વ્હાલથી બોલાવી .
કોમલ :હું આ ચિઠ્ઠી મારા કાકાને ત્યાં આપી આવું.' તે ચોપડીઓ મૂકી ભાગી.
કાકા સ્કૂલમાં શિક્ષક હતા ,જમીને છાપું વાંચતા હતા.'અરે કોમલ,બોર્ડની પરીક્ષાનું કાંઈ પૂછવા આવી છે?' કાકાએ પૂછ્યું .
કોમલે બાપુની ચિઠ્ઠી આપી જવાની તૈયારી કરી. ત્યાં રસોડામાંથી કાકીએ બૂમ પાડી :લે આ મૂઠિયાં ખાઈને જા'. હવે ખાવાનું નામ લીધું એટલે જરાક લેવું પડે.કોમલને પેટમાં અમળાતું હતું.એનાથી ખાવાનું ભૂલાઈ ગયું હતું.એને તલ હીંગ રાઈના વધારમાં તતડાવેલા મૂઠીયા દાઢે વળગ્યાં કહે ,બહુ સરસ છે ,ફરી કરો ત્યારે મારા માટે રાખજો.'
કાકીને બાળક નહોતું. ટીપ ટોપ વાળ હોળેલા,સેંથીમાં કકું પૂરેલું અને મોટો અંબોડો વાળેલો. કપાળ પર ગોળ લાલચટક ચાદલો અને ચીપીને પહેરેલી મોટી લીલી બોર્ડરવાળી સફેદ ખાદીની બંગાળી ઢબની સાડીમાં કાકીનો ઠસ્સો કોમલ બે ઘડી જોઈ 'આવજો ' કહી નીકળી.
કોમલ રોજની જેમ ગીતાને ત્યાંથી વાંચવાનું પતાવી સાંજે ઘેર આવી ત્યારે આગલા ઓરડામાં દરબાર ભરાયો હતો.
ઑફિસર કહે,'સરકાર ભાડાની મોટી જગ્યા ખરીદી ત્યાં ખાદીભંડાર કરશે.બધા ભાડવતોને સરકાર પટ્ટેથી દુકાન આપશે.બાપુનુ મૉં ગઁભીર હતું.
તેઓ નારાજ હતા ,રમણકાકા કહે,'દેસાઈ પટ્ટેથી દુકાન સ્ટેશન વિસ્તારમાં મળે તો લઇ લો.વહેલો તે પહેલો ,પછી સારું લોકેશન નહિ મળે.'
બે સરકારી માણસો માટે બા ચા -નાસ્તો લાવી.કાકાએ કે બાપુએ ચા પીધી નહિ. ખૂણામાંના લાકડાના મોટા પલંગમાં સૂતેલો બાબુ ,'નાની નાની 'કરતો હતો.કલામાસી માસાને હાથ પકડીને ઘીરેથી દાદરો ઊતારતા હતા.કોમલ નાસ્તો લઈ ઉપર જતી વિચારતી હતી,બાબુની આંખની સર્જરી પતી ત્યાં બા -બાપૂને માથે દુકાનની ચિંતા આવી !
'લાવ મને નાસ્તો આપી દે ,'કહેતા વચેટ ભાઈ અનુએ કોમલ પાસેથી ઝપટ મારી ડીશ ખૂચવી લીધી.એ ગુસ્સામાં હતો.'દોઢ ડાહી તારે લીધે મને શિક્ષા થઈ ,બપોરનું ખાવા નથી દીધું 'અનુજ ભૂખ્યા વાઘ જેવો આંટા મારતો હતો
.'બાપૂની લાડકી જા ,નીચેથી પાણી ને બીજો નાસ્તો લઈ આવ.' એ નાના ભાઈ બહેન પર દાદાગીરી કરતો હતો.
કોમલે વધારેલા ખમણની ખાલી ડીશને ટેબલ પર ઝાટકા સાથે મૂકી ,બેકપેકમાં મોટાનું પેકેટ ખોસ્યું અને સીધી ધડ ધડ દાદરો ઉતરી ગઈ.. આજે એને ઘરની હવામાં બફારો લાગ્યો. ઘણાં બધાં માણસોના પરસેવોની ખારી વાસમાં એવી અકળામણ થઈ ગઈ કે તે ક્યાંક દૂર જવા તડપી ઊઠી.
પાછળથી બાનો અવાજ આવ્યો કોમલ ક્યાં જાય છે? બીજા ઘણા અવાજો તું ક્યાં જાય છે ? ક્યાં જાય છે? એનો પીછો કરતા રહ્યા ... .....!
તરૂલતા મહેતા