Murderer's Murder - 45 in Gujarati Crime Stories by Hardik Kaneriya books and stories PDF | મર્ડરર’સ મર્ડર - પ્રકરણ 45

Featured Books
Categories
Share

મર્ડરર’સ મર્ડર - પ્રકરણ 45

“પછી શું થયું ? મહેન્દ્રએ તમારું શોષણ ક્યાં સુધી કર્યું ? તમે તેની સાથે લગ્ન કરવા તૈયાર કેમ થયા ?” ડાભીએ પૂછ્યું.

“પછી તો, આ કાયમનું થઈ ગયું હતું. ઘણી વાર રામુની હાજરીમાં ય તે મને તેના રૂમમાં લઈ જતો. રામુને થતું કે હું મારી ઇચ્છાથી મહેન્દ્ર સાથે... પણ, તેવું ન હતું. મને કંઈ સૂઝતું ન હતું. સપ્તાહમાં એક વાર થતું શોષણ દરરોજ થવા લાગ્યું ત્યારે મારી સહનશક્તિની હદ આવી ગઈ. પહેલા તો મને લાગ્યું કે હું આપઘાત કરી લઉં, પછી વિચાર આવ્યો કે એવું થશે તો મહેન્દ્રની હિંમત ઓર વધશે. મારા જેવી અન્ય સ્ત્રી તેનો શિકાર બનશે. છેવટે હિંમત કરી, મેં મારા દૂરના મામાને પત્ર લખ્યો. તેઓ પોલીસ ઇન્સ્પેક્ટર હતા.”

“શું નામ એમનું ?”

“સંજય પંચાલ.”

‘ઓહ, તે ભ્રષ્ટ માણસ આનો મામો હતો !’ ઝાલા મનમાં બબડ્યા અને કહ્યું, “મેં તેમના વિશે સાંભળ્યું હતું. તેઓ અત્યારે ક્યાં છે ?”

“નિવૃત્તિના એક વર્ષ પછી તેમને કેન્સર થયું હતું, બે વર્ષ પહેલા તેઓ મૃત્યુ પામ્યા છે.”

“તમે તેમને પત્ર લખ્યો પછી શું થયું ?”

“પત્ર મળતાં જ તેઓ તાબડતોબ વડોદરા આવ્યા અને મહેન્દ્રને ઉઠાવી ગયા. મને હતું કે તેઓ તેને જેલમાં પૂરશે, પરંતુ તેવું થયું નહીં. ઊલટું પાછા ફરી, તેઓ મને સમજાવવા લાગ્યા. તેમણે કહ્યું, “મહેન્દ્રને અંદર કરાવવો એ કંઈ મોટી વાત નથી, પણ તેમ કરવામાં કોઈની ભલાઈ નથી. તેના જેલ જવાથી બલર પરિવાર વેરણછેરણ થઈ જશે અને વાત ફેલાવાથી તારી બદનામી થશે. તારે માનસિક ત્રાસ વેઠવો પડશે અને તારું જીવવું હરામ થઈ જશે. યુવાન વિધવા નોધારાં ખજાના જેવી હોય છે, તું બીજા લગ્ન નહીં કરે તો તને આવા કેટલાંય મહેન્દ્ર ભટકાશે. માટે, તકનો લાભ ઉઠાવી લે. વૈભવી ઝાઝું જીવવાની નથી. તે મરશે એટલે મહેન્દ્ર વિધુર થશે અને તું તો વિધવા છે જ. મહેન્દ્રની આવક અને સામાજિક પ્રતિષ્ઠા સારી એવી છે. અત્યારના સમયમાં, એક વિધવા તરીકે તને, એના કરતા સારો પતિ મળવો મુશ્કેલ છે. મેં તેને દબડાવ્યો હતો, તે તારી સાથે લગ્ન કરવા તૈયાર છે.”

તેમની આ વાત ખૂબ વિચિત્ર હતી : જે પુરુષે તમારું શોષણ કર્યું હોય તેને પતિ તરીકે સ્વીકારવો સ્ત્રી માટે કેટલું ઘૃણાસ્પદ હોય છે તે તો જેના પર વીતી હોય તે જ સમજી શકે. છતાં, મારી પાસે સંજોગો અને પરિસ્થિતિને અનુકૂળ થયા સિવાય કોઈ વિકલ્પ ન હતો.

ટૂંક સમય પછી વૈભવીનું મૃત્યુ થયું અને અમારા લગ્ન લેવાયા. સાચું કહું તો મહેન્દ્ર પ્રત્યે મને ઘૃણા હતી, પરંતુ સમય સાથે બધું બદલાતું ગયું. લગ્નના એક વર્ષ પછી વરુણનો જન્મ થયો અને મેં તેને સ્વીકારી લીધો. મને થયું કે તે સુધરી ગયો છે, પરંતુ માણસ પોતાનો સ્વભાવ બદલી શકતો નથી. તેનો દુરાચાર ફરી બહાર આવ્યો, મહેન્દ્રનો ભોગ બનેલી એક યુવતીએ આત્મહત્યા કરી ત્યારે મહેન્દ્ર વિશેની મારી ભ્રાંતિ તૂટી ગઈ.”

“તમે કોની વાત કરો છો ?”

“માધવી. જામનગરની તે યુવતી મહેન્દ્રની કૉલેજમાં લેક્ચરર તરીકે જોડાઈ હતી. મહેન્દ્રએ તેને મારી જેમ નશીલો પદાર્થ પિવડાવી બેભાન કરી, તેના નગ્ન અને બીભત્સ ફોટા પાડ્યા હતા. સ્ત્રીઓને ફસાવવાની આ તેની સામાન્ય રીત છે, ન જાણે કેટલીય યુવતીઓ તેનો ભોગ બની હશે.”

“પણ, મહેન્દ્ર તો કહેતો હતો કે માધવીએ તેને નશીલો પદાર્થ પિવડાવ્યો હતો, તે તેને બ્લેકમેઇલ કરતી હતી.” ઝાલાએ કહ્યું.

“એ સાવ જૂઠ્ઠો છે. તેણે માધવીનું એટલી હદે શોષણ કર્યું હતું કે તેણે કંટાળીને આપઘાત કરી લીધો. જોકે, મરતાં પહેલા તેણે એક ચિઠ્ઠી લખી હતી જેમાં મહેન્દ્રના બધા કરતૂત ઉઘાડા પાડ્યા હતા.”

“તો મહેન્દ્રની ધરપકડ કેમ ન થઈ ? તેને સજા કેમ ન થઈ ?”

“મહેન્દ્રના નસીબ જોગે આ ઘટના બની તેના એક મહિના પહેલા મારા મામાની ટ્રાન્સફર તે જ વિસ્તારના પીઆઇ તરીકે થઈ હતી. તેઓ ફરી મહેન્દ્રની વહારે આવ્યા અને મહેન્દ્રના પૈસા તેમજ મામાની ઓળખાણના જોરે બધી વાત દબાવી દેવામાં આવી. મને હજુ ય યાદ છે કે પોલીસ સાથે વહીવટ કરવા મહેન્દ્રએ પોતાની પાંચ લાખની એફડી તોડી હતી.”

આ વાત સાંભળી ડાભીએ ખરાઈ કરવા કહ્યું, “મહેન્દ્રની કબૂલાત મુજબ તે રકમ તેણે માધવીને ચૂકવી હતી.”

“માધવીના મૃત્યુ પછી તૂટેલી એફડીની રકમ માધવીને કેવી રીતે ચૂકવાઈ હોય ?”

ઝાલા સમજી ગયા કે મહેન્દ્રએ મૂળ વાતને ઊલટી-પૂલટી કરી જુઠાણું ચલાવ્યું છે. નશીલો પદાર્થ પિવડાવી માધવીનો વીડિયો ઉતારવાની ઘટનામાં તેણે પોતાને માધવીની જગ્યાએ અને માધવીને પોતાની જગ્યાએ ચીતરી હતી. એફડીના નાણાં તેણે માધવીને નહીં, પણ પોતાનો ગુનો દબાવવા પોલીસને ચૂકવ્યા હતા.

“આ બધું થયું ત્યારે તમે કોના પક્ષે હતા ?”

“પોતાનું અંગત સ્વજન ગુનેગાર હોય ત્યારે તેના વિરુદ્ધમાં ઊભા રહી, તેને સજા અપાવવાની વાતો ફક્ત ફિલ્મો અને વાર્તાઓમાં જ સારી લાગે છે. આ બધું 2007-08માં બન્યું હતું. ત્યારે મહેન્દ્ર જેલ જાત તો મને પૈસાની તકલીફ પડત અને વરુણનું ભણતર બગડત. એ સિવાય વરુણ યુવાન થાય ત્યારે તેને લાયક કન્યા પણ ન મળે. જેનો બાપ જેલમાં ગયો હોય તેવા છોકરાને કોણ પોતાની દીકરી પરણાવે ? મારે મારી અને વરુણની સલામતીનો વિચાર પહેલા કરવાનો હતો અને તે માટે મહેન્દ્ર આ ગુનાના આરોપમાંથી છટકી જાય એ જરૂરી હતું.

હા, મામલો ભીનો સંકેલાઈ ગયા પછી મેં મહેન્દ્રને કડક ચેતવણી આપી હતી કે ફરીથી આવું થશે તો હું તે સાંખી નહીં લઉં. વળી, મહેન્દ્રએ પાડેલા માધવીના ફોટા અને પત્ર મામાએ મને સોંપી દીધા હોવાથી મહેન્દ્ર પરની મારી પક્કડ ઓર મજબૂત બની હતી. મામાએ મને તે જોઈ વાંચી ફાડી નાખવાનું કહ્યું હતું, પરંતુ મેં તેમ ન કર્યું. મને એમ કે મારી પાસે તે પુરાવા રહેશે તો મહેન્દ્ર મારાથી ડરતો રહેશે, પરંતુ પુરાવાઓનો નાશ ન કરવો એ મારી મોટામાં મોટી ભૂલ હતી. તે ભૂલ જ આરવીને મૃત્યુના મુખમાં દોરી ગઈ.” પોતાનો એકરાર રેકૉર્ડ થઈ રહ્યો છે એ વાતથી અજાણ મુક્તાબેન બધું કબૂલ કરી રહ્યા હતા.

“મહેન્દ્રએ તમારા ફોટા પાડ્યા હતા તે ક્યાં છે ?”

“મારા લગ્ન મહેન્દ્ર સાથે થયા તે પહેલા મામાએ તે બાળી નાખ્યા હતા.”

“માધવીના ફોટા અને પત્ર તમે ક્યાં સંતાડ્યા હતા ?”

“હું તે પુરાવા એવી જગ્યાએ છુપાવી રાખતી જેથી તે કોઈના હાથમાં ન આવે, ઘણાં ફાંફા મારવા છતાં ખુદ મહેન્દ્ર ય તે શોધી શક્યો ન હતો. મેં તે તમામ વસ્તુઓ એક પરબીડિયામાં મૂકી હતી. પહેલા તે પરબીડિયું, હું મારા ગાદલાની નીચેની બાજુએ ખોળ(કવર) અને ગાદલા વચ્ચે રાખતી. પછી, અમે હરિવિલા સોસાયટીમાં રહેવા આવ્યા ત્યારે મેં તેનો કાયમી ઇલાજ શોધ્યો. મેં અમારા બેડરૂમમાં લગાવવા ત્રણ સ્પેશ્યલ વૉલ-પીસ બનાવડાવ્યા. એક સરખા દેખાતા ત્રણ ગામઠી દ્રશ્યોને જુદી જુદી સાઇઝની લાકડાની ફ્રેમમાં મઢાવી તેને અમારા બેડની સામેની દીવાલ પર ત્રણ પગથિયાંની જેમ લગાવડાવ્યા. તેમાં સૌથી મોટી વૉલ-ફ્રેમની પાછળની બાજુએ મેં ગુપ્ત ખાનું બનાવડાવ્યું હતું. સામાન્ય દ્રષ્ટિએ જોતાં તેમાં કોઈને નવું ન લાગે, પરંતુ ફ્રેમને ઉલટાવીએ તો ત્યાં ચાર સ્ક્રુ હતા. તે ચારેય સ્ક્રુ ખોલતાં એક ખાનું દેખાતું, જેમાં મેં તે પરબીડિયું સંતાડ્યું હતું. આ ત્રણેય ફ્રેમ મેં અજાણ્યા દુકાનદાર પાસે બનાવડાવી હતી અને તેમાંની એક ફ્રેમમાં છૂપું ખાનું છે એ વાત મારા સિવાય કોઈ જાણતું ન હતું.”

“તો પછી આરવીના હાથમાં તે પરબીડિયું કેવી રીતે આવ્યું ?”

ક્રમશ :

(મર્ડરર’સ મર્ડર નોવેલમાં મુખ્ય ગુનેગાર કોણ હશે તે વિશે અનુમાન કરી આપ આ જ લેખકે લખેલું અને બહુ વખણાયેલું સસ્પેન્સ થ્રિલર પુસ્તક “કારસો” જીતી શકો છો. વાર્તાના પચાસ પ્રકરણ સુધીમાં આપ ધારણા કરીને જણાવી શકશો કે મુખ્ય વિલન કોણ છે. આપની તે ધારણાનો જવાબ નોવેલ પૂરી થતાં સુધી આપવામાં આવશે નહીં. વળી, એક વાચક પોતે જણાવેલા મુખ્ય વિલનનું નામ બદલશે અથવા એક કરતાં વધુ વિલનનું નામ લખશે તો તેને ક્વિઝ માટે ડિસ્ક્વૉલિફાઇ ગણવામાં આવશે. છેલ્લા બે પ્રકરણમાં મુખ્ય વિલન ખુલ્લો થશે ત્યારે ગુનેગારના સાચા નામ ધારનાર વાચકોના નામનો ડ્રો કરવામાં આવશે અને કોઈપણ ત્રણ વાચકને હાર્દિક કનેરિયાએ લખેલું તથા અમોલ પ્રકાશને પ્રકાશિત કરેલું સસ્પેન્સ થ્રિલર પુસ્તક ‘કારસો’ ભેટ આપવામાં આવશે. તો ધ્યાનથી વાંચતા રહો મર્ડરર’સ મર્ડર અને મુખ્ય વિલન વિશે ખાતરી હોય તો કમેન્ટમાં તેનું નામ લખી “કારસો” જીતવાનો પ્રયત્ન કરો.)