Danak - 12 in Gujarati Detective stories by Disha books and stories PDF | ડણક ૧૨

The Author
Featured Books
  • My Wife is Student ? - 25

    वो दोनो जैसे ही अंडर जाते हैं.. वैसे ही हैरान हो जाते है ......

  • एग्जाम ड्यूटी - 3

    दूसरे दिन की परीक्षा: जिम्मेदारी और लापरवाही का द्वंद्वपरीक्...

  • आई कैन सी यू - 52

    अब तक कहानी में हम ने देखा के लूसी को बड़ी मुश्किल से बचाया...

  • All We Imagine As Light - Film Review

                           फिल्म रिव्यु  All We Imagine As Light...

  • दर्द दिलों के - 12

    तो हमने अभी तक देखा धनंजय और शेर सिंह अपने रुतबे को बचाने के...

Categories
Share

ડણક ૧૨

ડણક

A Story Of Revenge.

ભાગ:-12

(કંઈ કેટલીયે વિકટ પરિસ્થિતિ નો સામનો કર્યા પછી છેવટે કાના અને સેજલ નાં પ્રેમ ને સ્વીકૃતિ મળી જતાં એમનાં ધામધૂમ થી લગ્ન થયાં. કાનો અને સેજલ પણ એકબીજાનાં સાથ માં ખૂબ જ ખુશ હતાં. શ્રાવણ માસ ના પરબડાં કરવા પોતાને ગામ ગયેલી સેજલ નિયત સમયે પાછી ના આવતાં ચિંતિત કાનો ગાભુ સાથે કિસા પહોંચે છે.. જ્યાં જઈને ખબર પડે છે કે સેજલ તો સવારે વહેલી જ નીકળી ગઈ હોય છે. આ સાંભળતા જ કાનો વધુ ચિંતાતુર થઈને સેજલ ની શોધખોળ માં લાગી જાય છે. હવે વાંચો આગળ.. )

"આમ થી તેમ ભટકું હું તો જો ને કેમેય કરી નથી લેવાતો હવે શ્વાસ..

મારી સેજલ મને મળતી નથી,મેં તો ખૂંદી વળ્યાં ધરતી ને આકાશ.. "

કિસા થી પાછો ગયેલો કાનો રસ્તામાં પણ સેજલ ની હાજરી ના એંધાણ શોધતો રહ્યો પણ રાવટા ની ભાગોળે પહોંચ્યા છતાં કાના ને સેજલ ની કોઈ ભાળ ના મળી એટલે એની હતાશા બેવડાઈ ગઈ.

"કાના ભાઈ ભાભી ઘરે પહોંચી ગયાં હોય એવું બને.. ?"કાના ને હતાશ જોઈ ગાભુ એ કહ્યું.

"હા ગાભુ એવું જ હશે.. હવે તો રાત થઈ ગઈ.. આટલો સમય તો સેજલ મોડી ના પડે.. હાલ ઘરે જોતાં આવીએ.. "આમ કહી કાના એ પોતાનું બળદગાડું પોતાનાં ઘર તરફ ભગાવી મૂક્યું.

"સેજલ ઓ સેજલ... "ઘરે પહોંચતાં જ કાના એ બુમ પાડી.

કાના નો અવાજ સાંભળી એનાં ભાઈ ને ભાભી ઘર માં થી બહાર આવ્યાં.. એમનો દીકરો રાજુ પણ દોડીને કાના ની જોડે ગયો અને બોલ્યો.

"કાકા, મારા કાકી ક્યાં ગયાં.. તમે એમને લેવા હારું ગયાં હતાં તો એ કેમ દેખાતાં નથી.. ?"

રાજુ દ્વારા પુછાયેલો આ સવાલ કાના નાં મગજ ને સુન્ન કરી ગયો.. એનો મતલબ એ હતો કે સેજલ હજુ ઘરે નહોતી આવી.. આટલી રાત સુધી સેજલ નું ઘરે ન આવવું એ કોઈ મોટી મહામુસીબત ની એંધાણી સમાન હતું.

"શું થયું કાના.. કેમ કંઈ બોલતો નથી.. ?"કાના નાં મોટાભાઈ લખમણ ભાઈ એ કાના ને ચૂપ જોઈ પૂછ્યું.

"ભાઈ.. સેજલ વહેલી પરોઢે નીકળી ગઈ હતી.. અને એ પણ એકલી.. પણ એનાં નીકળ્યાં નાં લગભગ અડધો દન ઉપર સમય વીતી જવા છતાં પણ એનું આમ નો આવવું મારી ચીંતા માં વધારો કરી રહ્યાં છે.. "કાનો મોટાભાઈ નાં સવાલ નો પ્રત્યુત્તર આપતાં બોલ્યો.

"તો કાના ભાઈ તમે રસ્તે બરાબર જોયું હતું ને.. ક્યાંય વચ્ચે એ કોઈ કારણ થી અટવાઈ પડી હોય.. ?" ભાભી એ કહ્યું.

"ભાભી હું અને કાનો ભાઈ આવતાં અને જતાં કિસા થી રાવટા આવવાનાં આખા રસ્તે આજુબાજુ નજર કરતાં જ આવ્યાં છીએ.. પણ સેજલ ભાભી ની કોઈ ભાળ નો મળી એટલે નો જ મળી.. "ગાભુ એ કહ્યું.

"હવે તો ભાઈલા રાત પણ બહુ પડી ગઈ.. નક્કી સેજલ કોઈ તકલીફ માં હશે.. હવે તો કાલ સવાર ની રાહ જોયાં વગર છૂટકો જ નથી.. કાલે હું પણ તારી સાથે કિસા આવું.. બસ તું થોડી ધરપત અને હિંમત રાખ.. સૌ હારા વ્હાલા થશે.. "પોતાનાં નાના ભાઈ ને આમ નિરાશ અને હતાશ જોઈ લખમણ ભાઈ બોલ્યાં.

"હા ભાઈ.. કાના.. કાલ પરોઢ સુધી ખમૈયા કર. સવાર પડતાં જ આપણે પાછાં કિસા જઈશું.. જો સેજલ ભાભી નીકળ્યાં હશે તો આમ ગાયબ તો ના જ થઈ ગયાં હોય.. આપણે ત્યાં જઈ ફરી એક વાર બધી તપાસ કરતાં આવીએ.. "ગાભુ એ કહ્યું.

"સારું.. પણ આ રાત મને એકાદ વરહ જેવી લાગશે મારા ભાઈલા.. "ગાભુ તરફ જોઈ કહ્યું.

"કાના મળી જશે તારી સેજલ તું ચિંતા ના કર.. હું નીકળું ઘરે જવા.. સવારે હાકલ કરજે જ્યારે નીકળે ત્યારે.. હું પણ આવીશ તારી જોડે.. રામ રામ !!"આટલું કહી ગાભુ પોતાનાં ઘરે જવા નીકળી પડ્યો.

આજ ની રાત કાના ની જીંદગી ની સૌથી લાંબી રાત બનવાની હતી એમા કોઈ શંકા ને સ્થાન નહોતું.. પથારી માં પડ્યાં પડ્યાં કાના ની નજર આકાશ સામે જ હતી કે ક્યારે સૂરજ નીકળે ને એ પોતાની સેજલ ની ભાળ મેળવવા પાછો કિસા જાય.. આંખો બંધ કરતાં જ કાના ની આંખ સામે સેજલ નો ચહેરો ઉભરી આવતો.. જે એને આજ રાતે સુવા નહીં દે એ નક્કી હતું.. !

***

કુકડા ની બાંગ પણ નહોતી સંભળાઈ અને કાનો જાગી ગયો.. અરે સાચું કહીએ તો એ સૂતો જ નહોતો એટલે જાગ્યો એવું પણ કહેવું ઉચિત નહોતું.. લખમણ ભાઈ ને ગાડામાં બેસાડી એ સીધો ગાભુ ની ડેલી એ પહોંચી ગયો.. ગાભુ ને પણ ખબર હતી કે આજે એનો દોસ્તાર ધરપત રાખ્યાં વગર વહેલો આવી જશે એટલે એ પણ નાહી ધોઈ તૈયાર હતો.

કાનો,લખમણ ભાઈ અને ગાભુ ત્રણેય નીકળી પડ્યાં કિસા ની વાટે.. સેજલ ના આમ અચાનક ગુમ થઈ જવાની ઘટના એ બધાં ને ચિંતિત કરી મૂક્યાં હતાં.. કાનો તો જાણે શ્વાસ લેવાનું પણ ભૂલી જાય એવી સ્થિતિ માં પહોંચી ગયો હતો.. ગાભુ ને પણ કંઈક અમંગળ થયાં ના એંધાણ મનોમન મળી રહ્યાં હતાં.. છતાંપણ એ કાના ને બધું સારાં વાલા થઈ જશે એવી ધીરજ બંધાવી રહ્યો હતો.

કાના એ પોતાનાં બળદગાડાની રાશ ખેંચી એને બાપુ માનસિંહ નાં ઘર જોડે ઉભું કર્યું.. ડેલી ખોલી કાનો વીજળી વેગે અંદર ઘૂસ્યો તો અંદર પાંચ સાત વડીલો માનસિંહ બાપુ ની જોડે બેઠાં હતાં અને એમને થોડી ધીરજ રાખવાનું કહી રહ્યાં હતાં.. કાના ને જોઈ માનસિંહ બાપુ સફાળા ઊભાં થયા અને એની નિકટ જઈને આશાભર્યા અવાજે બોલ્યાં..

"શું દીકરા સેજલ ની કોઈ ભાળ મળી કે નહીં.. ?"

માનસિંહ ના સવાલ નો કાના જોડે કોઈ ઉત્તર નહોતો.. એ ચૂપચાપ એમની સામે ઘડીભર ઉભો રહ્યો.. માનસિંહ ને કાના ની ચુપ્પી અકળાવી રહી હતી એટલે એ ફરી બોલ્યાં..

"દીકરા બોલ ને સેજલ તારા ઘરે પહોંચી કે નહીં.. ?"

"ના.. સેજલ હજુ મારાં ઘરે નથ પહોંચી.. મેં આખો રસ્તો ખૂંદી વળ્યો પણ એનો ક્યાંય ભેટો નથી થયો.. "નિરાશ સ્વરે કાનો બોલ્યો.

"દીકરા અમે પણ આખી રાત ના સૂતાં નથી.. સેજલ નો ભાઈ એભલ અને સુરો પણ કાલ રાત નાં સેજલ ને શોધવા આખા ગામ નો દરેક ખૂણો ખૂંદી વળ્યાં પણ હજુ સેજલ નો કોઈ પત્તો નથી લાગ્યો.. ક્યાં ગઈ હશે મારી દીકરી.. "આટલું કહી પથ્થર જેવાં હૃદય નાં માનસિંહ પણ રડી પડ્યાં.

પોતે કઈ રીતે એમને આશ્વાસન આપે એજ કાના ને નહોતું સમજાતું.. છતાંપણ એને માનસિંહ ને થોડી ધીરજ રાખવા કહ્યું.. ચંપાકાકી નો પણ રડી રડી ને બહુ ખરાબ હાલ હતો.. પોતાની એકના એક દીકરી નું આમ અચાનક ગાયબ થઈ જવું એમનાં માટે જીરવી શકવું મુશ્કેલ હતું.. !!

"બાપુ સેજલ... "અચાનક ડેલી એ આવી ને ઉભેલો એભલ નો મિત્ર તભો હાંફતો હાંફતો બોલ્યો.

"શું સેજલ મળી ગઈ.. ??ક્યાં છે એ.. ?ઠીક તો છે ને એ?.. જલ્દી બોલ... ?"કાના અને ત્યાં ઉપસ્થિત બધાં એ એકસાથે સવાલો પૂછી લીધાં.

"ચલો મારી સાથે.. એભલ ભાઈ અને સુરાભાઈ પણ ત્યાં જ છે.. "હજુપણ તભો હાંફી રહ્યો હતો.. જે પર થી અંદાજો આવી જતો હતો કે એ દોટ મૂકી ને અહીં આવ્યો હતો.

તભા ની પાછળ પાછળ બધાં લોકો નીકળી પડ્યાં જ્યાં એ દોરી ને લઈ જતો હતો.. ગામ થી બહાર કિસા થી રાવટા જવા ના રસ્તા ની બાજુ માં એક નાનકડી કેડી પડતી હતી જેની ઉપર તભો ક્યારેક દોડીને તો ક્યારેક ઉતાવળાં પગલે આગળ વધી રહ્યો હતો.. બધાં લોકો પણ એની પાછળ પાછળ આવી રહ્યાં હતાં.. રસ્તામાં સેજલ વિશે ઘણાં સવાલો પૂછાયા છતાં તભા એ એક હરફ ઉચ્ચાર્યો નહીં.

કાચી કેડી પૂર્ણ થતાં ગીચ ઝાડી વિસ્તાર શરૂ થતો હતો જે વટાવી તભો એક તળાવ જેવી જગ્યા એ આવી ને ઉભો રહ્યો.. એભલ અને સુરો તથા એમનાં મિત્રો પણ ત્યાં જ હતાં.. પણ સેજલ ક્યાંય દેખાઈ નહીં.

"એભલ, ક્યાં છે સેજલ.. કેમ એ અહીં ક્યાંય દેખાતી નથી.. ?"સેજલ ને ત્યાં હાજર ન જોઈ માનસિંહ બાપુ અકળાઈને બોલ્યાં.

"બાપુ સેજલ બેન... "આટલું કહી એભલ રડી ને માનસિંહ ને વળગી ગયો.

"શું થયું સેજલ ને.. તું કેમ રડે છે.. ?" માનસિંહ ને આમ એભલ નું આ વર્તન કંઈક તો ખોટું થયું છે એ જણાવવા કાફી હતું.

"એભલ ભાઈ ક્યાં છે સેજલ.. શું થયું એને.. બોલો.. "કાના એ પણ એભલ ને પૂછ્યું.

"ત્યાં છે સેજલ.. તળાવ ના કિનારે આવેલી ઝાડીઓ ની પાછળ... "એભલે હાથ લંબાવીને કહ્યું.

એભલ નો ઈશારો મળતાં જ કાનો અને એની પાછળ બધાં લોકો એ તરફ દોડતાં ગયાં.. થોડાં રેતીયાળ ઢોળાવ ને ઉતરતાં જ તળાવ નો કિનારો હતો.. જ્યાં તળાવ નાં પાણી અને યોગ્ય જમીન હોવાથી પ્રમાણ માં સારી એવી વનરાજી હતી.. ત્યાં ઝાડીઓ ની પાછળ ખેસ દેખાતો હતો.. જે કોઈ વ્યક્તિ ને ઓઢાડવામાં આવ્યો હોય એવું દૂર થી પ્રતિત થતું હતું.. જે જોઈ કાનો દોડીને ત્યાં ગયો.. ખેસ ખસેડતાં જ એની નજરો સામે જે દ્રશ્ય આવ્યું એને કાના ને અને એની પાછળ આવેલાં માનસિંહ બાપુ,લખમણ ભાઈ,ગાભુ,ચંપાબેન અને અન્ય વડીલો ને પગ થી માથા સુધી ધ્રુજાવી મૂક્યાં.

ત્યાં ખેસ ની નીચે સેજલ હતી પણ એ મૃત હતી.. એનો સુંદર ચહેરો લોહી થી ખરડાઈ ગયો હતો.. આંખો માં દર્દ દેખાતું હતું.. કહેવા પૂરતું આખા શરીર માં એનું માથું જ થોડું ઘણું ઠીક અવસ્થા માં હતો.. બાકી નો સમગ્ર દેહ હતો જ નહીં એવું કહીએ તો ચાલે.. બાકી નો ભાગ તો માત્ર ને માત્ર અવશેષો રૂપે હોય એમ હાડકાં જ વધ્યાં હતાં એમ મોજુદ હતો.

કોઈ હિંસક પશુ એ હુમલો કરી સેજલ નાં દેહ ને ચૂંથી નાંખ્યો હતો.. એનાં લોહી અને માંસ ની જાણે જયાફત ઉડાડી હોય એવું ત્યાં આજુ બાજુ ના દ્રશ્યો જોઈ લાગતું હતું.. કોઈપણ મોટાં ભડવીર ને પણ પરસેવો છૂટી જાય એવી સેજલ નાં દેહ ની હાલત હતી.. વિકૃત રીતે એની ગરદન માં થી નીકળતું લોહી જામી ગયું હતું.

કાનો તો સેજલ ની આવી દશા જોઈ જમીન પર ફસડાઈ પડ્યો.. માનસિંહ બાપુ અને ચંપાબેન તો સેજલ નાં મૃતદેહ ને વળગી ચોધાર આંસુ એ રડતાં હતાં..

"દીકરા સેજલ... જો ને.. બોલ એને ઉભી થાય.. "કાના ને વળગીને માનસિંહ બાપુ કહી રહ્યાં હતાં.

"કોઈ તો સેજલ ને ઉભી થવા કહો.. આમ એ ચૂપ હોય એ સારું નથી લાગતું.. "ચંપાબેન પણ પોક મૂકી રડતાં રડતાં બોલી રહ્યાં હતાં.

પણ કાના ની આંખ માં એક આંસુ ના નીકળ્યું.. એ બસ ચૂપચાપ સેજલ નાં ચહેરા ની તરફ જોઈ રહ્યો હતો.. એને માનસિંહ બાપુ અને ચંપાબેન ને આશ્વાસન પણ ના આપ્યું અને બસ ગુમસુમ આમ જ બેસી રહ્યો.

થોડીવાર સુધી આ રોકકળ ચાલુ જ રહી.. પોતાની એક ના એક વ્હાલસોયી દીકરી ની આમ કારમી વિદાય થતાં એક માં બાપ હોવાનાં નાતે માનસિંહ બાપુ અને ચંપાકાકી ની દુઃખ બધાં સમજતાં હતાં.. પણ આમ કાના નું આમ કંઈપણ બોલ્યાં વગર ગુમસુમ થઈ જવું અને આવી કારમી સ્થિતિ માં પણ પોતાનાં હૃદય ના ભાવો ને આંસુઓ રૂપે વ્યક્ત ના કરવું એ એનાં જીવ ને જોખમ રૂપ બની શકે એવું હતું.

"એ ભાઈ.. કાના આ શું થઈ ગયું.. તારી સેજલ તને મૂકીને ચાલી ગઈ મારા ભાઈ.. "ગાભુ કાના ને વળગી ને રડી રહ્યો હતો... પણ કાના ની આંખ માં આંસુ નું એક ટીપું એ નહોતું.

લખમણ ભાઈ પણ કાના એ આમ ચૂપ જોઈને ચિંતિત હતાં.. પોતાનાં નાના ભાઈ ની મન ની સ્થિતિ એ સમજતાં હતાં.. કાનો હતો તો કઠણ દિલ નો પણ સેજલ માં તો એની જાન વસતી હતી એટલે સેજલ ની આ રીતે અણધારી વિદાય અને આવી અવદશા માં લાશ જોઈને પણ એનાં ચહેરા પર કોઈ ભાવ ના ઉપસી આવવા એ ખરેખર અચરજ ભર્યું તો હતું જ.

"ચાલો હવે.. સેજલ બેન ના અંતિમ સંસ્કાર ની તૈયારી કરીએ... આમ એમનાં મૃતદેહ ને વધુ સમય આમ રાખવો યોગ્ય નથી.. "સુરા એ હળવેક થી જઈને એના પિતાજી અને માનસિંહ ના નાનાભાઈ લાલસિંહ ને કહ્યું.

લાલસિંહ અને બીજા વડીલો એ મહાપરાણે માનસિંહ અને ચંપાબેન ને સેજલ ના મૃતદેહ થી અળગા કર્યા અને એનાં મૃતદેહ નું તત્કાળ અંતિમ સંસ્કાર કરી દેવા કહ્યું.

સેજલ નાં મૃતપાય પડેલાં દેહ ને અંતિમ સંસ્કાર માટે ઘરે લઈ જવામાં આવ્યો.. શરીર પર લાલ રંગ ની સાડી પહેરાવી અને માથે સિંદૂર ભરી એને સુહાગણ ની જેમ સજાવવામાં આવી.. ઘરે બીજી અન્ય પરંપરાગત ધાર્મિક વિધિ પતાવી ને સેજલ ને અગ્નિ સંસ્કાર માટે લઈ જવામાં આવી.

સેજલ ની મોત ના સમાચાર સાંભળી આખું કિસા ગામ હિબકે ચડ્યું હતું.. એનાં અગ્નિ સંસ્કાર વખતે પણ આખું ગામ જાણે ઉપસ્થિત હોય એવું લાગતું હતું.. કાના એ સેજલ નાં મૃત શરીર ને અગ્નિદાહ આપ્યો ત્યારે બધાં ની આંખો ઉભરાઈ આવી હતી.. પણ એક કાનો હતો જે ના રડતો ના કોઈ જોડે બોલતો.

ધીરે ધીરે અગ્નિ સંસ્કાર માં આવેલા બધાં લોકો વિખેરાઈ ગયાં.. ચિતા ની આગ પણ ઠરી ગઈ પણ કાનો ત્યાં જ બેસી રહ્યો.. નજીક નાં સગા વહાલા એ ઘણું સમજાવ્યું છતાં એ ત્યાંથી ઉભો ના થયો.. એને તો આજે આખી રાત સેજલ ની ચિતા જોડે બેસી ને પસાર કરવી હતી.

કાનો આખી રાત સેજલ ની ચિતા ની રાખ જોડે બેસી રહ્યો.. હૈયે દુઃખ નો મહાસાગર છલકાયો હતો પણ કેમેય કરી એ આંખો થી બહાર ના આવ્યો.. કાનો સેજલ ને પોતાના જીવ થી પણ વધુ પ્રેમ કરતો હતો એટલે આજે તો એ પોતે જીવતી લાશ બની ગયો હોય એવું એને મહેસુસ થઈ રહ્યું હતું.. એની ખુશીઓની ચાવી,એની જીવવાની પ્રેરણા,એની મંજીલ નો આખરી છેડો એવી સેજલ એને આજે નોંધારો મૂકી પ્રભુ ને પ્યારી થઈ ગઈ હતી એ વાત માનવા કાનો કેમેય તૈયાર નહોતો.. !!

"તારા વીનાં તો જાણે મધદરિયે ડૂબ્યાં મારાં સાતેય વહાણ..

હવે તું પણ આવી શામળા લઈ લે આ મારા પ્રાણ.. "

કાના નું સઘળું એક જ દિવસ માં જાણે છીનવાઈ ગયું હતું.. એ દિવસ પછી કાનો પોતાનાં ગામ તો ચાલ્યો ગયો પણ એનું હૃદય અને મન તો ત્યાં જ કિસા માં જ રહી ગયું.. એનાં સઘળાં સપનાં અને ખુશીઓ જાણે સેજલ ની ચિતા જોડે સળગીને ખાખ થઈ ગયાં હતાં.. સેજલ ની અણધારી વિદાય ને મહિના જેટલો સમય વીતી ગયો પણ કાના નાં મન માં અને હૃદય માં થી જાણે આ આઘાત ની અસર જવાનું નામ જ નહોતી લેતી.

ચહેરા પર દાઢી વધી ગઈ હતી.. કપડાં પણ લઘરવઘર જેવાં પહેરતો કાનો ગામ ની બહાર આવેલી અંબે માં ના મંદિર ની દેરી એ બેસી રહેતો.. ના કોઈ જોડે બોલતો કે ના કોઈ જોડે બેસતો. બસ ગોકુળ આઠમ નાં મેળામાંથી લાવેલી બાંધણી હાથ માં લઈને એની સામે જોઈ રહેતો.. મન થાય તો ઘરે આવે નહીંતો આખો દિવસ દેરી ના ઓટલે પડ્યો રહે.. ભત્રીજો રાજુ જમવાનું આપી જતો પણ મન હોય તો ખાય નહીંતો ગાય કૂતરાં ને ખવડાવી દે.

લખમણભાઈ,ગાભુ,વિરજી બધાં એ ઘણો સમજાવ્યો પણ કાનો બધાંને કહી દેતો.. "મને મારાં હાલ પર છોડી દો.. હું આમ પણ સેજલ વગર વધુ નહીં જીવી શકું.. તમે કોઈ મારી ચિંતા ના કરશો.. " કાના નો આ જવાબ સાંભળી બધાં પાછાં વળી જતાં.

હવે તો ગામ ના લોકો એને પાગલ પણ કહેવા લાગ્યાં હતાં.. અને એમાં ખોટું પણ શું હતું.. આમ પણ જો પ્રેમ તમને પાગલ ના કરી મૂકે તો એ પ્રેમ ની સાતત્યા પર શક થવો જોઈએ.. "સેજલ ના વિયોગ માં કાનો હજુ પૂર્ણપણે પાગલ તો નહોતો થયો.. પણ આમ ને આમ એ રહેશે તો નજીક માં પાગલ થઈ જશે એતો નક્કી જ હતું.. !!

વધુ આવતાં અંકે.

શું કાનો પાગલ થઈ જશે.. ?? અને બદલો લેવાઈ ગયો હતો કે બાકી હતો.. ?? શું હતી આ નવલકથા ના શીર્ષક પાછળ ની સચ્ચાઈ.. જાણવા વાંચો ડણક:A Story Of Revange.. નો નવો ભાગ આવતાં સપ્તાહે..

માતૃભારતી પર મારી બીજી નોવેલ દિલ કબૂતર પણ આપ વાંચી શકો છો.. !!આભાર!!

-દિશા. આર. પટેલ