Me Too Movement નું સંપૂર્ણ સરવૈયું
છેલ્લા લગભગ એક મહિનાથી ભારતમાં જ્યાં જુઓ ત્યાં અને ખાસકરીને વિવિધ સોશિયલ મિડિયા પ્લેટફોર્મ્સ પર #MeToo નામનો ટ્રેન્ડ જોવા મળી રહ્યો છે. Me Too ને જો સરળ ભાષામાં સમજવું હોય તો આ એવી સ્ત્રીઓની પીડા છે જેમણે જીવનમાં કોઈ સમયે પુરુષો દ્વારા જાતીય સતામણી અથવાતો સેક્સ્યુઅલ એબ્યુઝનો સામનો કર્યો છે.
સેક્સ્યુઅલ એબ્યુઝ કોઇપણ પ્રકારે અને કોઇપણ સ્થળે થતા હોય છે. જો તમે પુરુષ છો અને તમે તમારી ખાસ સ્ત્રી મિત્રને વિશ્વાસમાં લઈને તેને ખાનગીમાં એવો સવાલ કરશો કે શું જીવનમાં તેણે કોઈ વખત જાતીય સતામણીનો ભોગ બનવું પડ્યું છે? મોટાભાગના કિસ્સાઓમાં જો મહિલાઓનો જવાબ હા હશે તો તમને નવાઈ લાગવી જોઈએ નહીં.
એવું જરાય નથી કે દુનિયાનો દરેક પુરુષ રાક્ષસ છે અને તે ટાંપીને જ બેઠો છે કે ક્યારે તેનો સામનો કોઈ સ્ત્રી સમક્ષ થાય અને ક્યારે તે એની જાતીય સતામણી કરી લે. Me Too કદાચ આ જ હકીકતને વધારે સ્પષ્ટ કરે છે કે દુનિયામાં અમુક એવા પુરુષો પણ છે જે સમય, પરિસ્થિતિ અને પોઝિશનનો લાભ લઈને સ્ત્રીઓને સેક્સ્યુઅલી અબ્યુઝ કરવામાં વાર નથી લગાડતા.
ભારતમાં હાલમાં ઘણા જાણીતા પુરુષો આ Me Too હેઠળ આરોપી બન્યા છે, પરંતુ આ Me Too movement એ ભારતની નહીં પરંતુ વિદેશથી અહીં પહોંચેલી ચળવળ છે. કદાચ બહુ ઓછા લોકોને ખ્યાલ હશે કે આ ચળવળ ખરેખર તો કેવી રીતે શરુ થઇ છે અને તેનો ઈતિહાસ શું છે.
૨૦૦૬ Me Tooની શરૂઆત
જેમ હાલમાં ફેસબુક, ટ્વીટર અને ઇન્સ્ટાગ્રામ અતિશય લોકપ્રિય સોશિયલ મિડિયા પ્લેટફોર્મ્સ છે એમ વર્ષ ૨૦૦૬ની આસપાસ MySpace નામનું સોશિયલ મિડિયા પ્લેટફોર્મ ઘણું લોકપ્રિય હતું અને ખાસકરીને અમેરિકામાં.
ન્યૂયોર્કના એક સમાજ સેવિકા તારા બુર્કે જે અત્યારે રંગભેદને લીધે આફ્રિકન અમેરિકન મહિલાઓ સાથે તથા ગરીબ મહિલાઓ થતા જાતીય દુર્વ્યવહાર સામે લડત આપી રહ્યા છે તેમને ૨૦૦૬માં માત્ર ૧૩ વર્ષની એક છોકરીએ MySpace પર પોતાની સાથે થયેલા સેક્સ્યુઅલ એબ્યુઝની વાત શેર કરી હતી. તારા બુર્કે આ છોકરીની વાત સાંભળીને એટલાતો હતપ્રભ થઇ ગયા કે એ છોકરીને સાંત્વના આપવા માટે એમની પાસે કોઈ શબ્દો જ ન રહ્યા.
તારા બુર્કે એ છોકરીની વાત સાંભળીને દુઃખી તો થયા જ પરંતુ તેમને પોતાની સાથે થયેલા સેક્સ્યુઅલ અબ્યુઝની ઘટનાઓ એક પછી એક યાદ આવવા લાગી અને તેમણે પેલી છોકરીને જવાબમાં માત્ર એટલું જ કહ્યું, “Me Too”! તારા બુર્કે દ્વારા રચવામાં આવેલી આ નવી ટર્મિનોલોજીનો સીધો મતલબ એ જ થતો હતો કે સેક્સ્યુઅલ એબ્યુઝનો સામનો કરવાવાળી તું એક જ નથી, પરંતુ હું પણ છું અને કદાચ એવી કરોડો મહિલાઓ પણ હશે જ.
૨૦૧૭ – એલીસા મિલાનો દ્વારા અપાયેલું પ્રોત્સાહન
લગભગ અગિયાર વર્ષ સપાટી ઉપર Me Too ન દેખાયું પરંતુ હોલિવુડની જાણીતી અભિનેત્રી એલીસા મિલાનોએ ટ્વીટર પર સ્ત્રીઓને #MeToo હેશટેગનો ઉપયોગ કરવા માટે પ્રોત્સાહન આપીને કહ્યું કે હવે સમય આવી ગયો છે કે આપણે આપણા પર થયેલા જાતીય અત્યાચારો વિરુદ્ધ એક બનીને અવાજ ઉઠાવીએ અને ગુનેગારોને ખુલ્લા પાડીએ. જો કે બાદમાં એલીસા મિલાનોએ સ્વિકાર કર્યો હતો કે આ હેશટેગ તેનો ખુદનો નથી પરંતુ તે પણ દાયકા અગાઉ તારા બુર્કે દ્વારા જાતીય સતામણી માટે શોધાયેલા આ શબ્દપ્રયોગથી પ્રભાવિત થઇ છે અને આથીજ તેણે તેનો ઉપયોગ કર્યો છે.
હાર્વે વેઇનસ્ટેઇન Me Too ચળવળનું પહેલું મોટું નામ
માત્ર એક વર્ષ પહેલા સુધી હોલિવુડના ટોચના અને સન્માનીય પ્રોડ્યુસર્સમાં હાર્વે વેઇનસ્ટેઇનનું નામ લેવામાં આવતું હતું. પરંતુ ડેવિડ લેટરમેનના ટેલિવિઝન શોમાં અત્યંત લોકપ્રિય અભિનેત્રી ગ્વેનેથ પાલ્ટ્રોએ પહેલીવાર આરોપ મુક્યો હતો કે વેઇનસ્ટેઇન સાથે કામ કરવું ઘણું અઘરું હોય છે કારણકે તે “તમારી પાસે એક કે બે એવા કાર્યો કરાવીને જ છોડે છે જે તમને પસંદ ન હોય.”
ગ્વેનેથનો સીધો ઈશારો હતો કે વેઇનસ્ટેઇનની ફિલ્મોમાં કામ કરનારી અભિનેત્રીઓમાંથી મોટાભાગની અભિનેત્રીઓએ તેની જાતીય સતામણીનો ભોગ બનવું જ પડ્યું છે. ગ્વેનેથની આ બોલ્ડ કબુલાતે તો જાણે વેઇનસ્ટેઇનની સતામણીનો ભોગ બનનારી મહિલાઓની લાઈન ઉભી કરી દીધી. ગ્વેનેથ પાલ્ટ્રોની કબુલાત પછી થોડા જ દિવસમાં લોસ એન્જેલસ, ન્યૂયોર્ક અને લંડન એમ ત્રણ શહેરોની એક પછી એક સાત મહિલાઓએ પછી તેઓ અભિનેત્રી હોય કે ન હોય, હાર્વે વેઇનસ્ટેઇન પર જાતીય સતામણીના આરોપ લગાવ્યા.
ત્યારબાદ ન્યૂયોર્કમાં જાતીય સતામણી અને બળાત્કારના આરોપ હેઠળ વેઇનસ્ટેઇનની ધરપકડ થઇ અને ત્યારબાદ તે જામીન પર પણ છૂટી ગયો. પરંતુ જોવાની વાત એ છે કે અત્યારસુધીમાં હાર્વે વેઇનસ્ટેઇન સામે ઓછામાં ઓછી ૮૦ મહિલાઓએ જાતીય સતામણીનો આરોપ જાહેરમાં #MeToo હેશટેગ સાથે મુક્યો છે!!
અમેરિકાના અન્ય ક્ષેત્રોમાં પણ Me Too
હોલિવુડમાં તો હાર્વે વેઇનસ્ટેઇન બાદ ઘણાના નામ તો ખુલ્યા જ પરંતુ ત્યારબાદ #MeToo દ્વારા અમેરિકાના અન્ય ક્ષેત્રોમાં કાર્યરત મહિલાઓએ પણ પોતાના પર ભૂતકાળમાં થયેલી જાતીય સતામણી અંગે ખુલીને સામે આવવાનું શરુ કરવામાં આવ્યું. હોલિવુડ બાદ અમેરિકામાં જે અન્ય ક્ષેત્રો સુધી Me Too પહોંચ્યું તેમાં મુખ્ય હતા ચર્ચ, ફાઈનાન્શિયલ સંસ્થાઓ, રાજકારણ અને અમેરિકન કોંગ્રેસ, સ્પોર્ટ્સ, મેડીકલ, મિલીટરી, મ્યુઝિક અને પોર્ન ઇન્ડસ્ટ્રી પણ.
ટૂંકમાં કહીએ તો અમેરિકાનું એક પણ ક્ષેત્ર બાકી રહ્યું ન હતું જ્યાં શક્તિશાળી પુરુષોએ પોતાની સાથે અથવાતો પોતાના હાથ નીચે કામ કરતી મહિલાઓની કોઈ એક ખાસ સમયે જાતીય સતામણી ન કરી હોય. અમેરિકામાં તો Me Too એ રીતસરનો ખળભળાટ મચાવી દીધો. જોવાની ખૂબી એ હતી કે આ ચળવળમાં એવા જાણીતા નામ પણ સામેલ હતા જેના પર કોઈ સામાન્ય સંજોગોમાં શંકા કરવી પણ આપણને અયોગ્ય લાગે.
આમ, આ રીતે તારા બુર્કે દ્વારા લગભગ અગિયાર વર્ષ અગાઉ શરુ કરવામાં આવેલી Me Too ચળવળે એક દાયકા બાદ રંગ દેખાડ્યો એટલુંજ નહીં પરંતુ તે મજબૂત બની અને દુનિયાના અન્ય દેશોમાં પણ તે ફેલાઈ જેમાં ભારત પણ સામેલ છે.
ભારતમાં Me Too નો પ્રવેશ અને તેનો ઈતિહાસ
ભારતમાં Me Too નો પ્રવેશ સોશિયલ મિડિયાને લીધે લગભગ અમેરિકામાં તેના ફેલાવાના તુરંત બાદજ થઇ ગયો હતો પરંતુ એક તકલીફ હતી. તકલીફ એ હતી કે અહીં સ્ત્રીઓ પહેલાતો Me Too ને eve teasing એટલેકે રોડસાઈડ રોમિયો દ્વારા થતી તેમની છેડતી સાથે સાંકળી લીધી હતી આથી તેની ધારી અસર પડી નહીં. બાદમાં કેટલીક સ્ત્રીઓ દ્વારા તેની વ્યવસ્થિત વ્યાખ્યા કરવામાં આવી અને જાતીય સતામણી ખરેખર શું છે તે અન્ય સ્ત્રીઓને તેમણે પોતાના ઉદાહરણો દ્વારા સમજાવવાનું શરુ કર્યું.
એવું કહેવાય છે કે કેરળની મલયાલમ ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં લગભગ એક વર્ષ અગાઉ એક અભિનેત્રી સાથે પુરુષ કલાકારોના એક આખા જુથે જાતીય સતામણી કરી હતી અને આ કલાકારોનો લીડર મલયાલમ અભિનેતા દિલીપ હતો. કોઈ અકળ કારણોસર આ ઘટનાને સ્થાનિક મિડીયામાં તો સ્થાન મળ્યું પરંતુ રાષ્ટ્રીય મિડિયા કે પછી સોશિયલ મિડીયાનું ધ્યાન તેના પર ન ખેંચાયું. કેટલાક લોકોનું માનવું છે કે ભારતમાં દિલીપનો કિસ્સો Me Tooનો પ્રથમ છતાં બિનઅધિકારીક કિસ્સો હોઈ શકે છે.
આ બધું ૨૦૧૭માં થયું હતું એટલેકે જ્યારે અમેરિકા હાર્વે વેઇનસ્ટેઇન અને તેના જેવા અસંખ્ય સિતમગરોને ખુલ્લા પાડી રહ્યું હતું ત્યારે, પરંતુ ત્યારબાદ ભારતમાં Me Too થોડા સમય માટે શાંત થઇ ગયું. ભારતમાં Me Tooને પુનઃજીવિત કરવાની ક્રેડિટ કદાચ તનુશ્રી દત્તાને આપવી પડે. ઝૂમ નામની એક ટેલિવિઝન ચેનલને આપેલી મુલાકાતમાં તનુશ્રી દત્તાએ લગભગ દસ વર્ષ પહેલા એક ફિલ્મના શુટિંગમાં લોકપ્રિય અભિનેતા નાના પાટેકર દ્વારા પોતાની જાતીય સતામણી થઇ હોવાનું આરોપ મુક્યો.
શરૂઆતમાં પબ્લીસીટી સ્ટંટ તરીકે ગણવામાં આવેલા આ ઇન્ટરવ્યુએ ભારતમાં માત્ર એક અઠવાડિયાની અંદર જ જાણેકે #MeToo નો પાયો નાખી દીધો. તનુશ્રી દત્તાએ નાના પાટેકર પર આરોપ મુકતી વખતે ક્યારેય Me Too શબ્દનો ઉપયોગ કર્યો ન હતો પરંતુ તનુશ્રી બાદ બોલિવુડ સાથે જોડાયેલી અસંખ્ય જાણીતી તેમજ અજાણી મહિલાઓએ #MeToo હેશટેગનો ઉપયોગ કરીને એક પછી એક મોટા નામો ખુલ્લા પાડવાની શરુઆત કરી દીધી.
ભારતના મનોરંજન ઉદ્યોગ સાથે જોડાયેલા નામોમાં Me Too અંતર્ગત સહુથી વધુ નામ જો કોઈનું લેવામાં આવ્યું છે તો તે સંસ્કારી અભિનેતા તરીકે જાણીતા અલોક નાથનું નામ છે. આલોક નાથ પર લેખિકા વિનીતા નંદાએ પોતાના પર તેણે જાતીય સતામણી કરી હોવાનો આરોપ મૂક્યો. ત્યારબાદ ડિરેક્ટર વિકાસ બહલ પર તેની મહિલા કર્મચારીએ જાતીય સતામણી કરી હોવાનો આરોપ મુક્યો અને એક્ટ્રેસ કંગના રનૌતે પણ પોતાની સહુથી સફળ ફિલ્મ ક્વીનના શુટિંગ દરમ્યાન તેમજ પાર્ટીઓમાં બહલે પોતાની શારીરિક છેડતી કરી હોવાનું કબુલ્યું હતું.
પછી તો જેમ અમેરિકામાં થયું તેમ ભારતમાં પણ #MeToo હેશટેગ હેઠળ મનોરંજન ઉપરાંત અન્ય ક્ષેત્રોમાં પ્રવર્તમાન Me Too ના કિસ્સાઓ બહાર આવવા લાગ્યા જેમાં યુટ્યુબ ચેનલ AIBના કોમેડિયનોથી માંડીને કોર્પોરેટ ક્ષેત્રના સભ્યો, જાણીતી ન્યૂઝ ચેનલના પત્રકાર, કેન્દ્રીયમંત્રી અને શૈક્ષણિક ક્ષેત્રના મોટા માથાઓ પણ ખુલ્લા પડી ગયા છે. આ તમામમાં કેન્દ્રીયમંત્રી એમ જે અકબરનું નામ સહુથી મોટું છે. જો કે અકબર પરના આરોપ એમના પત્રકારિતાના સમય દરમ્યાનના છે નહીં કે તેમના રાજકારણમાં જોડાયા બાદના, પરંતુ તેમણે મંત્રી પદેથી રાજીનામું આપવું પડ્યું એ હકીકત છે. જાણવા મળ્યા અનુસાર અકબર વિરુદ્ધ બીના રામાણી ઉપરાંત ઓછામાં ઓછી વીસ સ્ત્રીઓએ જાતીય સતામણીનો આરોપ મુક્યો છે.
ચૂપ રહીને આરોપીને મદદ કરવી પણ Me Too જ છે
ભારતમાં જે કોઇપણ Me Too હેઠળ આરોપો લાગ્યા છે તેમાં ઘણા કિસ્સાઓમાં એવું જોવા મળ્યું છે કે સાથી કર્મચારી દ્વારા અન્ય સાથીની કરવામાં આવેલી જાતીય સતામણીની જાણ હોવા છતાં બીજા કર્મચારીઓ ચૂપ રહ્યા હોય. વિકાસ બહલના કિસ્સામાં તેના પાર્ટનર અનુરાગ કશ્યપ ફરિયાદ કરી હોવા છતાં ચૂપ રહ્યા હોવાનું ફરીયાદી મહિલાએ કહ્યું છે. આ જ રીતે AIBના એક કોમેડિયન દ્વારા થયેલી જાતીય સતામણીની ફરિયાદ આ ગ્રુપના અન્ય સભ્યો તન્મય ભટ અને ગુરસીમરન ખંભાને કરવામાં આવી ત્યારે પણ તેમણે એ કોમેડિયન વિરુદ્ધ કોઈજ કાર્યવાહી ન કરી હોવાનું જાણવા મળ્યું છે.
આવું જો તમે પણ કરતા હોવ તો તેનો સીધો મતલબ એક જ છે કે જ્યારે તમારી સામે કોઈ ગુનો થઇ રહ્યો હોય અથવાતો તમને કોઈના ગુનાની માહિતી છે અને તેમ છતાં તમે તમારી સગવડતા સાચવવા ચૂપ રહો છો તો તમે પણ એટલા જ ગુનેગાર છો જેટલો પેલો વ્યક્તિ જે કોઈ સ્ત્રીની જાતીય સતામણી કરે છે.
Me Too ચળવળ સામેના આરોપ
કોઇપણ ચળવળ અને એ પણ આજના સમયમાં અણીશુધ્ધ નથી હોતી અને હોઈ પણ ન શકે એ આપણે સ્વીકારી લેવું જરૂરી છે અને તો જ આપણે તેનું તટસ્થ મૂલ્યાંકન કરી શકીશું. ભારતમાં પણ Me Too ચળવળ વિરુદ્ધ ઘણા આરોપો લાગી રહ્યા છે. આ આરોપોમાં સહુથી મોટો આરોપ છે કે કોઇપણ મહિલા, ઉદાહરણ તરીકે તનુશ્રી દત્તા, ઘટના ઘટ્યાના એક દાયકા બાદ કેમ આરોપ લગાવી રહી છે અને આરોપ માત્ર સોશિયલ મિડિયા કે પછી મેઈન સ્ટ્રીમ મિડીયામાં જ કેમ લગાવે છે. જો તે ખરેખર ગંભીર હોય તો તેણે પોલીસ ફરિયાદ કરવી જોઈએ.
તનુશ્રી દત્તા અને એમ જે અકબર વિરુદ્ધ ફરિયાદ કરનાર પત્રકાર બીના રામાણી આ બંને કિસ્સાઓમાં એક સમાનતા જોવા મળી છે. આ બંને એ અનુક્રમે મેઈન સ્ટ્રીમ મિડિયા અને સોશિયલ મિડિયાનો સહારો લઈને નાના પાટેકર અને અકબર વિરુદ્ધ આરોપ મુક્યો. હવે, બંને આરોપીઓએ આ બંને મહિલાઓ વિરુદ્ધ માનહાનીનો દાવો ઠોકી દીધો કારણકે બંને માંથી કોઈએ પણ પોલીસ ફરિયાદ કરી ન હતી.
ટેક્નિકલી આ મુદ્દો સાચો છે. તનુશ્રી દત્તાએ તો નાના પાટેકરે નોટીસ મોકલ્યા પછી પણ પોલીસ ફરિયાદ કરી પરંતુ બીના રામાણીએ આવું કશું કર્યું હોવાનું જાણવા મળ્યું નથી. આ બંને મહિલાઓની આટલી નાનકડી ભૂલે એમને હવે આરોપી બનાવી દીધા છે નહી કે પાટેકર કે ‘એમ જે’ ને. જો તેમણે આરોપ મૂક્યા બાદ તુરંત જ પોલીસ ફરિયાદ પણ કરી દીધી હોત તો કોર્ટને દત્તા કે રામાણીની જગ્યાએ આજે જવાબ નાના અને અકબરે આપવાના આવ્યા હોત.
ભારતની Me Too વિરુદ્ધ એક અન્ય ફરિયાદ એ પણ છે કે ઘણી મહિલાઓએ વર્ષો બાદના સમાધાન બાદ પોતાના સિતમગરને ખુલ્લા પાડ્યા છે, અને વિનીતા નંદાએ તો સ્વીકાર પણ કર્યું છે કે એ સમયે તેની કારકિર્દીની હજી શરૂઆત જ હતી એટલે તે ચૂપ રહી. તો એનો મતલબ એવો પણ નીકળી શકે કે જ્યાં સુધી ગરજ હતી ત્યાં સુધી નંદાએ પોતાની જાતીય સતામણી થવા દીધી અને હવે જ્યારે તેની કારકિર્દી સ્થિર થઇ ગઈ છે અથવાતો સમાપ્ત થઇ ગઈ છે ત્યારે તેને આલોક નાથ વિરુદ્ધ ફરિયાદ કરવામાં કોઈજ વાંધો નથી!!
સ્ત્રીઓ પર એક એવો આરોપ પણ મુકવામાં આવે છે અને એ માત્ર ભારતમાં જ નહીં પરંતુ અમેરિકા અને વિશ્વના અન્ય દેશોમાં પણ, કે Me Too ના નામે જુના હિસાબોની પતાવટ કરવામાં આવી રહી છે. આપણે અન્ય દેશોની વાત ન કરીએ પણ જો ભારતની જ વાત કરીએ તો ભારતમાં દહેજ વિરોધી કાયદો એક એવો કાયદો છે જેનો સહુથી વધારે દુરુપયોગ થયો હોવાના આંકડાઓ જોવા મળે છે. શું આવું જ કશુંક આ Me Too માં થવું શક્ય નથી?
ઘણીવાર સ્ત્રીઓની પણ જાતીય ઈચ્છા અપૂર્ણ રહેતી હોય છે અને તેને પૂર્ણ કરવા તે પુરુષને આકર્ષવાની કોશિશો કરતી હોય છે અને જો કોઈ પુરુષ તેની એ ઈચ્છા કે પછી અન્ય કોઈ પ્રોફેશનલ દબાણને વશ ન થાય અને તેના પરિણામ સ્વરૂપે એ સ્ત્રી જો પુરુષ પર એ Me Too નો આરોપ મૂકી દે એની શક્યતા પણ ખરી કે નહીં?
જ્યાં સુધી લાંબા સમય સુધી ચૂપ રહેવાનો આરોપ છે, તો સ્ત્રીઓનું કહેવું એવું છે કે મોટાભાગની પ્રતાડિત સ્ત્રીઓને પુરુષની શક્તિશાળી પોઝીશનથી ડર લાગતો હોય છે અને આથી જ તે ચૂપ રહેતી હોય છે. પરંતુ આટલા વર્ષો બાદ જ્યારે Me Too જેવી એક ચળવળ શરુ થઇ અને મોટી સંખ્યામાં સ્ત્રીઓ અને એ પણ જાણીતી સ્ત્રીઓએ ખુલ્લેઆમ પોતે પણ જાતીય સતામણીનો ભોગ બની છે એમ જાહેર કર્યું એ જોઇને એમનામાં પણ આટલા વર્ષો બાદ હિંમતનો સંચાર થયો અને લાગ્યું કે ના, હવે અમે એકલા નથી અને અમે પણ જો આમ ખુલીને સામે આવીશું તો અમને પણ સ્ત્રીઓનો ટેકો મળી જ રહેશે.
જાતીય સતામણીનો મામલો અત્યંત નાજુક છે એ તો આપણે બધાએ સ્વીકારવું પડશે. સ્ત્રી અને પુરુષ વચ્ચેનો કોઇપણ સંબંધ એક પાતળી દોરીથી બંધાયેલો હોય છે અને એ દોરી હોય છે વિશ્વાસની. ભારતમાં જો Me Too જે રીતે આકાર લઇ રહ્યું છે એને જો સમજવા જઈએ તો એટલું સમજાય છે કે જો ભારતીય પુરુષોએ સ્ત્રીઓને પૂરતું સન્માન આપવાની ખૂબ જરૂર છે તો સામે પક્ષે સ્ત્રીઓએ પણ તમામ પુરુષોને એક લાકડીએ હાંકવાથી દૂર રહેવું જોઈએ.
સોશિયલ મિડિયા પર હાલમાં જ એક એવો કિસ્સો પણ જોવા મળ્યો હતો જેમાં ઘણા બધા Me Too કિસ્સાઓને ખુલ્લા પાડનાર એક પત્રકાર મહિલાએ રીતસર પુરુષોને ડરાવી, ધમકાવી અને પોતાની જાત પર શરમ અનુભવો ને ફંડ આપો એવી માંગણી શરુ કરી દીધી હતી જેથી તે આ ફંડ દ્વારા પ્રતાડિત મહિલાઓની મદદ કરી શકે. આ પ્રકારની પરિસ્થિતિ ખરેખર ડરામણી છે. તો બીજી પરિસ્થિતિ એવી પણ છે કે પોતાના આરોપ મૂકનારી મહિલાઓ વિરુદ્ધ પુરુષે બદનક્ષીનો દાવો પણ ન કરવો જોઈએ એવો એક પ્રયાસ પણ ચાલી રહ્યો છે. જો આમ થશે તો ભારતમાં કાયદો અને ન્યાયનું શું મહત્ત્વ રહી જશે?
ટૂંકમાં, આ એક તક છે જ્યારે એક જ સંસ્થામાં કાર્યરત પુરુષો અને મહિલાઓ એકબીજા સાથે બેસીને આ મુદ્દે ખુલ્લા દિલે ચર્ચા કરે અને પરસ્પર વિશ્વાસ વધારવાનું વાતાવરણ ઉભું કરે. આજે એક સંસ્થામાં જો આ પ્રકારે ચર્ચા થશે તો આગળ જતા અન્ય સંસ્થાઓ પણ તેમાં જોડાશે અને છેવટે સ્ત્રીઓ પર થતી જાતીય સતામણી કાબુમાં આવી શકશે જો તેના પર સંપૂર્ણ રોક લગાડવી શક્ય ન બને તો.
***