Murderer's Murder - 44 in Gujarati Crime Stories by Hardik Kaneriya books and stories PDF | મર્ડરર’સ મર્ડર - પ્રકરણ 44

Featured Books
Categories
Share

મર્ડરર’સ મર્ડર - પ્રકરણ 44

વીરેન્દ્રને જોઈ મુક્તાબેનના હાંજા ગગડી ગયા.

“તેણે અમારી સામે જુબાની આપી દીધી છે, કોર્ટમાં ય આપશે. રાત્રે એક વાગ્યે તમે આરવીના રૂમમાં ગયા હતા તેનો ય અમારી પાસે સાક્ષી છે. તમારા બચવાનો હવે કોઈ ઉપાય નથી.” ઝાલાએ કહ્યું.

ટનબંધ વજન ઉપાડતા ગાડીના ટાયર નાનકડી ખીલી પાસે લાચાર બની જાય તેમ આ બે વાક્યોથી મુક્તાબેનની હવા નીકળી ગઈ. તેમના પગમાંથી જીવ ચાલ્યો ગયો, તેઓ નીચે બેસી ગયા, તેમનું આખું શરીર લસ્ત થઈ ગયું, તેમનું માથું ગરદન પર ઢળી પડ્યું. થોડી પળો એમ જ વીતી. ઝાલાએ મંજુલા સામે જોયું. તેણે મુક્તાબેનના વાળ ખેંચી તેમને ઊભા કર્યા, તેમના ગાલ પર તમાચો મારવા હાથ ઉગામ્યો, પરંતુ મુક્તાબેન પ્રતિકાર કરવા ગયા. મંજુલાનો હાથ તેમને કાનની બૂટ પાસે વાગ્યો. તેઓ ચીસ પાડી ઊઠ્યા, “મેં આ બધું મહેન્દ્રને બચાવવા કર્યું હતું.”

“આટલા ઠંડા કલેજે આરવીની કતલ કરનાર ઓરતનો આ પહેલો ગુનો નહીં હોય. વર્ષો પહેલા મહેન્દ્રને પામવા તેણે વૈભવીની પણ કતલ કરી હશે ! મહેન્દ્રની પહેલી પત્નીનું મૃત્યુ કુદરતી નહીં હોય, આ ઓરતે તેને મારી નાખી હશે.” મુક્તાબેન ફરતે વીંટળાયેલા દબાણના ભરડાની ભીંસ વધારવા ડાભીએ તરંગી આક્ષેપ મૂક્યો.

“એ વાત ખોટી છે.” મુક્તાબેનથી રાડ પડાઈ ગઈ. ડાભીએ અજાણતા તેમના દુખતા અંગ પર ફટકો માર્યો હતો. “મેં વૈભવીને મારી નથી. ઊલટું, મહેન્દ્રએ મને ફસાવી હતી.” તેઓ ઊકળી ઊઠ્યા.

માછલી પકડવા ફેંકેલી જાળમાં મત્સ્યકન્યા ફસાઈ ગઈ હોય તેવો આનંદ ઝાલા અને ડાભીને થયો. “મતલબ ?” ઝાલાએ વાત કઢાવવા પૂછ્યું.

“1992-93ની વાત છે. મહેન્દ્રની પહેલી પત્ની વૈભવી ખાટલાવશ હતી. રામુ ઘરની અને લલિતની દેખભાળ રાખતો, પણ વૈભવીની સેવા કરી શકે એવું ઘરમાં કોઈ ન હતું. પતિ તરીકે મહેન્દ્ર તેની સેવા કરી શકે, પણ ઘર ચલાવવા - વૈભવીની સારવાર કરવા પૈસાની જરૂર હતી અને તે નોકરી છોડી શકે તેમ ન હતો.”

“વૈભવીને એવી કઈ બીમારી લાગુ પડી હતી કે તે ખાટલાવશ થઈ ગઈ હતી ?”

“મલ્ટિપલ સ્કલરોસિસ. તેના દિમાગ અને કરોડરજ્જુને જોડતા ચેતાતંતુ ફરતેનું રક્ષણાત્મક આવરણ નુકસાન પામ્યું હતું. દુનિયાની કોઈ સર્જરી કે દવા તેને સાજી કરી શકે તેમ ન હતા. ફક્ત સેવા અને સારવારથી તેના મૃત્યુને પાછું ધકેલવાનું હતું.”

“તમે બલર પરિવારમાં નર્સ તરીકે જોડાયા ત્યારથી વૈભવી ખાટલાવશ હતી ?”

“હા, તેનું હલનચલન બંધ થઈ ગયું હતું. છતાં તેની દેખરેખ કરવી, સમયસર દવા આપવી અને તેની સારવારમાં કસર ન છૂટે એ જોવું મારું કામ હતું. હું મારા કામને સમર્પિત હતી. પહેલા જ દિવસથી હું મારી ફરજ નિષ્ઠાથી બજાવતી હતી. ઘરના બધા સભ્યોને મારી કામગીરીથી સંતોષ હતો, ખાસ કરીને વૈભવીને. તેનો સંતોષ મને આનંદ પ્રેરતો હતો. પરંતુ, તે આનંદ ઝાઝા દિવસ ટક્યો નહીં. સાલસ અને જવાબદાર દેખાતો વૈભવીનો પતિ વ્યભિચારી જાનવર છે તે વાતની મને ખબર પડી ત્યારે મોડું થઈ ચૂક્યું હતું.”

મુક્તાબેનની આપવીતી ઝાલા તેમજ ડાભીને મહેન્દ્રની અસલિયતથી વાકેફ કરાવવા જઈ રહી હતી.

“હું નર્સ તરીકે જોડાઈ તેના ચાર મહિના પછીની વાત છે, હું તે ગોઝારો રવિવાર ભૂલી શકું તેમ નથી. મહેન્દ્રને રજા હતી અને તેણે રામુને કોઈ કામથી બહારગામ મોકલ્યો હતો. ઘરે હું, વૈભવી, લલિત અને મહેન્દ્ર હતા. બપોરે જમી પરવારીને વૈભવીને જરૂરી દવાઓ આપી, તેને સુવડાવી, હું મને ફાળવાયેલા રૂમમાં ગઈ. મેં ઘડિયાળમાં જોયું તો દોઢ વાગ્યો હતો. મેં મારા રૂમનો દરવાજો બંધ કર્યો અને ઝોકું મારવા પલંગ પર આડા પડખે થઈ. થોડી વાર થઈ હશે, હજી મને ઊંઘ ન્હોતી આવી, ત્યાં મારા રૂમનો દરવાજો ખખડયો. મેં ઊભા થઈને દરવાજો ખોલ્યો. સામે મહેન્દ્ર ઊભો હતો, તેના હાથમાં ટ્રે હતી જેમાં બે ગ્લાસ ચીકુનું જ્યુસ હતું.

તેણે કહ્યું, “તમે મારી પત્નીની આટલી સેવા કરો છો તો મારી પણ ફરજ છે કે હું આપની થોડી સેવા કરું.” મેં બારસાખ પાસે ઊભા રહી નમ્રતાથી જવાબ આપ્યો, “તેમ કરીને હું કોઈ નવાઈ નથી કરતી, આપ મને તેના પૈસા ચૂકવો છો.” પછી, તેણે ટ્રેમાંથી જ્યુસનો એક ગ્લાસ ઉઠાવી મારા તરફ લંબાવ્યો અને મેં તે લઈ લીધો. હું રૂમમાં પાછી ફરી, મહેન્દ્ર મારી પાછળ આવ્યો.

અમે બંનેએ જ્યુસના ગ્લાસ ખાલી કર્યા અને વાતચીત કરતા બેસી રહ્યા. થોડી વાર પછી મને ચક્કર આવવા લાગ્યા, હું બેહોશ થઈ ગઈ. પછી શું થયું એ ખબર નથી, પણ હું ભાનમાં આવી ત્યારે નિર્વસ્ત્ર હતી, મારા કપડાં જેમ તેમ પડ્યા હતા, મારું માથું ભમતું હતું, મને થોડી વેદના થતી હતી. મને ખ્યાલ આવી ગયો કે મારી સાથે દુરાચાર થયો છે. મને ખૂબ ગુસ્સો આવ્યો. હું કપડાં પહેરી સીધી મહેન્દ્રના રૂમમાં ગઈ.

મને જોઈ તે નપાવટ લુચ્ચું હાસ્ય હસતાં બોલ્યો, “વૈભવીની જેવી મારી સેવા કરીશ તો તને અલગથી પૈસા ચૂકવીશ.”

હું ક્રોધથી તમતમી ઊઠી. હું તેના પર ધસી ગઈ, પરંતુ તેણે મને પલંગ પર પછાડી. એક હાથે મારું મોઢું દબાવી તે બોલ્યો, “તું બેભાન થઈ પછી મેં પહેલું કામ શું કર્યું ખબર છે ? તારા દેહને, આ મુલાયમ સુંવાળા દેહને વસ્ત્રહીન કરી ફોટા પાડ્યા. તું અદ્ભુત દેખાતી હતી, જાણે સંગેમરમરની પૂતળી. પણ, ચિંતા ન કરીશ, તે ફોટા બહાર નહીં જાય, જ્યાં સુધી તું મારી સેવા કરતી રહીશ ત્યાં સુધી...”

તેણે મારા મોં પરથી હાથ હટાવ્યો, છતાં હું કંઈ બોલી ન શકી. નગ્ન ફોટાઓની વાત સાંભળી હું ડઘાઈ ગઈ હતી, હું ડરી ગઈ હતી. તે મારા શરીર પર હાથ ફેરવવા લાગ્યો, તેણે મારા વસ્ત્રો ઉતાર્યા. હું અનિચ્છા છતાં વિરોધ ન કરી શકી. મારી બેભાનાવસ્થામાં જે થયું હતું તે ફરી એક વાર થયું. ભલે મેં તેનો પ્રતિકાર ન્હોતો કર્યો, પરંતુ તે એક બળાત્કાર જ હતો.”

“તમારે મજબૂર નહીં, મજબૂત બનવું જોઈતું’તું. તમે તેને જેલના સળિયા પાછળ ધકેલી શક્યા હોત.”

“એ કહેવું સહેલું છે, કરવું નહીં. આજે ય સ્ત્રીઓ આવી બાબતમાં ચૂપ રહેવાનું પસંદ કરે છે, તો ત્યારે - આજથી પચીસ વર્ષ પહેલા હું શું કરી શકત ? હું હિમ્મત કરું તો ય મને કોણ સાથ આપે ?”

“બહારનો માણસ સાથ આપે તેમ ન હોય એટલે આપણે આપણો સાથ છોડી દેવાનો ? જે માણસ પોતાની શક્તિઓને ઓળખતો નથી, તે જ બીજામાં પોતાનો તારણહાર શોધતો હોય છે.”

“હું વિવશ હતી. બલર પરિવારમાં નર્સ તરીકે જોડાયાના એક વર્ષ પહેલા હું વિધવા બની હતી, પતિના મૃત્યુ પછી થોડા મહિનામાં પિયરિયાઓને ય બોજ લાગવા લાગી હતી. મમ્મી-પપ્પા નિવૃત્ત હોવાથી લાચાર હતા અને ભાભી મને પસંદ ન્હોતી કરતી. તેણે મારા પર ચારિત્રહીન હોવાના આક્ષેપો કર્યા હતા. જયારે ઘરની વ્યક્તિ જ તમારા પર આવા આરોપો કરતી હોય તો બહારના માણસોને કેવી રીતે વિશ્વાસ અપાવવો કે...”

“એટલે મહેન્દ્ર જેવા હલકટના તાબે થઈ જવાનું ? પોતાને અબળા સમજતી સ્ત્રીઓને ક્યારે સમજાશે કે તાબે થનાર વારાંગના બને છે અને સામે થનાર વીરાંગના ; વેઠવા અને ઉસેટવામાં સરખી તકલીફ પડે એમ હોય ત્યારે બીજો રસ્તો અપનાવવો જોઈએ.”

મુક્તાબેન નીચું જોઈ ગયા.

ક્રમશ :

(મર્ડરર’સ મર્ડર નોવેલમાં મુખ્ય ગુનેગાર કોણ હશે તે વિશે અનુમાન કરી આપ આ જ લેખકે લખેલું અને બહુ વખણાયેલું સસ્પેન્સ થ્રિલર પુસ્તક “કારસો” જીતી શકો છો. વાર્તાના પચાસ પ્રકરણ સુધીમાં આપ ધારણા કરીને જણાવી શકશો કે મુખ્ય વિલન કોણ છે. આપની તે ધારણાનો જવાબ નોવેલ પૂરી થતાં સુધી આપવામાં આવશે નહીં. વળી, એક વાચક પોતે જણાવેલા મુખ્ય વિલનનું નામ બદલશે અથવા એક કરતાં વધુ વિલનનું નામ લખશે તો તેને ક્વિઝ માટે ડિસ્ક્વૉલિફાઇ ગણવામાં આવશે. છેલ્લા બે પ્રકરણમાં મુખ્ય વિલન ખુલ્લો થશે ત્યારે ગુનેગારના સાચા નામ ધારનાર વાચકોના નામનો ડ્રો કરવામાં આવશે અને કોઈપણ ત્રણ વાચકને હાર્દિક કનેરિયાએ લખેલું તથા અમોલ પ્રકાશને પ્રકાશિત કરેલું સસ્પેન્સ થ્રિલર પુસ્તક ‘કારસો’ ભેટ આપવામાં આવશે. તો ધ્યાનથી વાંચતા રહો મર્ડરર’સ મર્ડર અને મુખ્ય વિલન વિશે ખાતરી હોય તો કમેન્ટમાં તેનું નામ લખી “કારસો” જીતવાનો પ્રયત્ન કરો.)