સત્ય-અસત્ય
કાજલ ઓઝા વૈદ્ય
© COPYRIGHTS
This book is copyrighted content of the concerned author as well as Matrubharti.
Matrubharti has exclusive digital publishing rights of this book.
Any illegal copies in physical or digital format are strictly prohibited.
Matrubharti can challenge such illegal distribution / copies / usage in court.
પ્રકરણ - ૨૬
અમોલા બે મોટી બૅગ અને બાઈ સાથે જ્યારે ઘરમાં દાખલ થઈ ત્યારે ડઘાયેલા સોનાલીબહેન કશું જ બોલી શક્યા નહીં. જાણે કંઈ બન્યું જ ના હોય તેમ અમોલા દોડીને સોનાલીબહેનને ભેટી પડી.
‘‘મમ્મી... હું તમારા વિના નહીં જીવી શકું. મારી દીકરી વિના એક કલાક પણ નથી રહી શકતી હું...’’ એણે કહ્યું. સોનાલીબહેન લાગણીથી ભીના થઈ ગયા. આટઆટલું થયા છતાં પણ એમને ફરી એક વાર અમોલાની દયા આવી ગઈ.
‘‘સાચી જ વાત છે, બેટા... એક માનું હૃદય હું સમજી શકું છું. તારો ફોન આવે ત્યારે જ મેં સત્યને સમજાવ્યો, પણ તું તો જાણે છે બેટા...’’
‘‘હું જાણું જ છું અને એટલે જ મેં નક્કી કર્યું કે સત્યજીત તો નમતું નહીં જોખે. મારે મારી દીકરી સાથે જીવવું હોય તો મારે જ અહંકાર છોડીને પાછા ફરવું પડશે.’’ એણે ફરી એક વાર સોનાલીબહેનને વહાલ કરી દીધું, ‘‘મમ્મી, હું હવે તમને ક્યારેય દુઃખ નહીં આપું. તમે મને માફ કરશો ને ?’’ સોનાલીબહેન તો ગદગદ થઈ ગયા. એમણે મનોમન ઈશ્વરનો આભાર માન્યો. આ નાનકડી બાળકી ઘરમાં સાચે જ સુખ-શાંતિ લઈને આવી હતી એવું એમને લાગ્યું. એના પગલા પડતા જ જાણે પરિસ્થિતિ પલટાઈ હતી. ગઈ કાલ સુધી ભયાનક રીતે વર્તતી અમોલા આજે જાણે એક ડાહી, સમજદાર, ઠરેલ ગૃહિણી થઈને પાછી ફરી હતી.
અમોલા પૂરેપૂરા અભિનય સાથે સોનાલીબહેનને પગે લાગી અને પોતાના રૂમ તરફ જવા લાગી. એણે બાઈને ધીમેથી કહ્યું, ‘‘સામાન બેબીના રૂમમાં મૂકી દો.’’ સોનાલીબહેને ઇશારો કરીને અમોલાને કહ્યું, ‘‘સત્યજીત અંદર જ છે.’’
અમોલાએ ડોકું ધુણાવીને હા પાડી. મનને પૂરેપૂરું તૈયાર કરી સોએ સો ટકા અભિનયની તૈયારી સાથે એ નવા જ તૈયાર કરાયેલા નર્સરી રૂમમાં પ્રવેશી. દીવાલો પર બાર્બી અને સિન્ડ્રેલાના ચિત્રો, ગુલાબી રંગની સુંદર છત, પીંક કલરનો બેબી કૉટ... રમકડાંનો ઢગલો... અમોલા ચારે તરફ જોઈ રહી. એક વાર એનું મન પણ સહેજ સંવેદનશીલ થઈ આવ્યું.
‘‘ગમે તેમ તોય બાપ છે. પોતાની દીકરીને તો ચાહે જ ને ?’’ એણે બેબીના કૉટની બાજુમાં નાનકડા કાઉચ ઉપર સૂતેલા સત્યજીતને જોયો. એ કશુંક વાંચી રહ્યો હતો. અમોલા એની નજીક ગઈ. એના પગની પાસે કાઉચ ઉપર થોડી જગ્યા હતી. અમોલા ત્યાં બેઠી. સત્યજીત વાંચતો રહ્યો. એણે અમોલાની હાજરીની નોંધ સુધ્ધાં ના લીધી. અમોલાને હાડોહાડ લાગી આવ્યું તેમ છતાં એણે કોઈ પણ હિસાબે અહીંયા પોતાની જગ્યા બનાવવાની હતી એટલે એણે સ્મિત કરીને સત્યજીતના પગ પર હાથ મૂક્યો. જાણે એ સ્પર્શથી કોઈ ફેર જ ન પડ્યો હોય એમ સત્યજીતે ન પોતાનો પગ ખસેડ્યો કે ન અમોલા સામે જોયું.
‘‘સત્યજીત...’’ એણે હતું એટલું માર્દવ પોતાના અવાજમાં રેડીને ધીમેથી કહ્યું, ‘‘હું પાછી આવી ગઈ છું.’’
હવે સત્યજીતને જવાબ આપ્યા વિના છૂટકો નહોતો, ‘‘સરસ...’’
‘‘તું મને માફ નહીં કરે ?’’
‘‘શેને માટે ?’’
‘‘આપણી વચ્ચે જે કાંઈ થયું તે.’’
‘‘હું ભૂલી ગયો છું.’’
‘‘હું નથી ભૂલી શકતી, સત્યજીત.’’ અમોલાએ આખી પરિસ્થિતિને ઇમોશનલ અને રોમેન્ટિક બનાવવાનો પ્રયત્ન કર્યો, ‘‘તું જ્યાં સુધી મને માફ નહીં કરે ત્યાં સુધી...’’
‘‘જો અમોલા.’’ સત્યજીત પુસ્તક મૂકીને બેઠો થયો. એણે અમોલાની આંખોમાં જોયું, ‘‘તને મારી પાસેથી જે અપેક્ષા છે એવું કશું જ આપણી વચ્ચે નહીં થઈ શકે. મેં મારી જાતને સમજાવી લીધી છે કે મારી જિંદગીમાં સ્ત્રીનો પ્રેમ નથી.’’ એણે ગુલાબીરંગના કૉટમાં સરસ મજાનું રોમ્પર પહેરીને સૂતેલી શ્રદ્ધા તરફ જોયું, ‘‘મોટી થઈને શ્રદ્ધા પણ મને ભૂલી જાય કે મારી ચિંતા ના કરે તો એ વિશે મને દુઃખ નહીં થાય એટલી મારી માનસિક તૈયારી છે.’’
અમોલા નવાઈથી એની સામે જોઈ રહી. સત્યજીતના અવાજમાં એક વિચિત્ર પ્રકારની દૃઢતા અને નિર્ણય હતો. આ બોલતી વખતે એ ક્યાંય લાગણીશીલ કે વિચલિત નહોતો. કોઈ બિઝનેસ ડીલ કરતો હોય એટલી સ્વસ્થતા હતી એના અવાજમાં.
‘‘એટલે ?’’ અમોલાએ પોતાનો ભય વ્યક્ત કરી નાખ્યો, ‘‘તું મને આ ઘરમાં નહીં રહેવા દે ?’’
સત્યજીત હસી પડ્યો, ‘‘મેં તને પહેલા પણ કહ્યું હતું કે આ ઘર જેટલું મારું છે એટલું જ તારું છે. હું કોણ ? આ ઘર સોનાલી પારેખનું છે અને એ જીવે છે ત્યાં સુધી આ ઘરમાં કોણ રહેશે અને કોણ નહીં એનો નિર્ણય ફક્ત સોનાલી પારેખ કરી શકે, સમજી ?’’ આટલું કહીને એ ઊભો થઈ ગયો.
અમોલાને ભયાનક અપમાન લાગ્યું, પણ આજે બાજી જીત્યા વિના એને છૂટકો નહોતો. જો આજે જ એ પોતાનું સ્વમાન વચ્ચે લાવે કે સત્યજીતને આડોતેડો જવાબ આપી બેસે તો બગડેલી બાજી સુધારવાનો રહ્યોસહ્યો મોકો પણ એ ખોઈ બેસવાની હતી એની એને ચોક્કસ ખબર હતી. એ ધીમેથી સત્યજીતની પાસે ગઈ. એણે ફરી એના ખભે હાથ મૂક્યો, ‘‘આપણે નવેસરથી એક શરૂઆત ના કરી શકીએ ?’’
‘‘શેની શરૂઆત, અમોલા ?’’ સત્યજીતનો અવાજ હજી પણ એટલો નિસ્પૃહ હતો, ‘‘હવે કશુંય શરૂ થઈ શકે એમ નથી. આપણે સારા માતાપિતા તરીકે સાથે રહીએ.’’ એણે સહેજ ઊંડો શ્વાસ લઈને ઉમેર્યું, ‘‘જો બની શકે તો... બાકી શ્રદ્ધાના ઉછેરમાં મારે તારી પણ જરૂર નહીં પડે એવી મને ખાતરી છે.’’
‘‘હું આટલું બધું બદલાવા-સુધારવા તૈયાર છું તેમ છતાંય તું...’’ અમોલાએ રડવાનો અભિનય કર્યો.
‘‘તારે સુધરવાની કોઈ જરૂર નથી, અમોલા. પ્રોબ્લેમ મારી સાથે છે. તું તો સાચી અને સ્પષ્ટ જ છે પહેલા દિવસથી... તેં ક્યારેય મને છેતર્યો નથી. તેં તો તારું અસલીરૂપ મને એ જ ક્ષણે દેખાડી દીધું હતું જ્યારે તું મને પહેલી વાર મળી.’’ અમોલા લગભગ ડઘાઈ ગઈ હતી. એને સમજાતું નહોતું કે આ બદલાયેલા સત્યજીત સાથે કઈ રીતે વર્તવું. એ તો માનતી હતી કે ઘરમાં દાખલ થતાની સાથે જ એનું નાટક, એનો અભિનય ઘરના સહુને લાગણીથી પલાળી દેશે. સોનાલીબહેન જ્યારે લાગણીવશ થઈ ગયા ત્યારે એને લાગ્યું કે એ અડધો જંગ જીતી ગઈ છે, પરંતુ સત્યજીતની આ ઠંડક અને બેરૂખી જોઈને એના પગ ઢીલા થવા માંડ્યા હતા.
એ જે પ્રકારના મનસૂબાઓ ઘડીને આ ઘરમાં દાખલ થઈ હતી એ મનસૂબા હવે સફળ થવાના નહોતા એ વાત એને સત્યજીતના વર્તનથી સમજાઈ ગઈ હતી.
એણે દૃઢપણે ગાંઠ વાળી... આગળ વધીને બંને હાથે સત્યજીતને પોતાના બાહુપાશમાં લઈ લીધો. એની પીઠ ઉપર માથું મૂકીને એણે જોર જોરથી રડવા માંડ્યું, ‘‘દરેકની ભૂલ થાય છે, સત્યજીત... હું મૂરખ હતી કે તારા જેવા માણસને ઓળખી ન શકી. તને હાથ જોડું છું... તારા પગે પડું છું... મારા પર અહેસાન કર... પ્લીઝ... પ્લીઝ... પ્લીઝ... મને માફ કર. હું આજ પછી તને ક્યારેય ફરિયાદનો મોકો નહીં આપું.’’
‘‘આજ પછી હું ક્યારેય ફરિયાદ કરવાનો જ નથી.’’ સત્યજીતનો અવાજ હજી પણ એટલો જ સ્થિર હતો, ‘‘એણે બંને હાથે અમોલાના હાથ પોતાની છાતી પરથી કાઢ્યા,‘‘મેં તમામ પરિસ્થિતિઓ, માણસો અને જિંદગીને જેવા છે તેવા સ્વીકારી લીધા. મને કોઈ ફરિયાદ નથી. મારે કશું જ બદલવું નથી. તું આ ઘરમાં આનંદથી રહી શકે છે. તું તારી જિંદગી જીવજે અને હું મારી. એકબીજાને નડ્યા વિના...’’ એ થોડો અચકાયો, ‘‘...અને એકબીજાને અડ્યા વિના...’’ એ થોડો દૂર ખસ્યો. પછી એણે ફરી એક વાર અમોલા સામે જોયું, ‘‘જા... ઉપર તારા રૂમમાં જઈને સૂઈ જા. હું આજથી આ નર્સરી રૂમમાં જ રહેવાનો છું. એક વાર શ્રદ્ધા સેટલ થઈ જાય પછી પહેલાની જેમ જ નીચે ગેસ્ટરૂમમાં રહીશ.’’
અમોલા થોડી વાર જોઈ રહી. પછી એને લાગ્યું કે અત્યારે, આ પળે બહુ જોરજબરદસ્તી કરવાથી કોઈ પરિણામ નહીં આવે એટલે કશું જ બોલ્યા વિના એ ચૂપચાપ નર્સરી રૂમની બહાર નીકળી ગઈ.
સત્યજીત એને જતી જોઈ રહ્યો. પછી એક ઊનો નિઃસાસો નાખીને ફરી કાઉચ પર આડો પડ્યો અને પુસ્તક જ્યાંથી અધૂરું હતું ત્યાંથી વાંચવાનું શરૂ કર્યું.
*
આદિત્ય પોતાની ઑફિસમાં બેઠો હતો. એના મનમાં અનેક વિચારો આવતા હતા. પ્રિયંકાએ એને પ્રેગનન્સીના સમાચાર આપ્યા ત્યારથી શરૂ કરીને આ પળ સુધી એણે પ્રિયંકા સાથે એક વાતની ચર્ચા ટાળી હતી. એ પ્રિયંકાને કોઈ પણ રીતે ડિલિવરી માટે અમદાવાદ મોકલવા માગતો નહોતો.
એની પાછળ કોઈ બીજો ભય નહોતોેેેેે, પણ પ્રિયંકા જ્યારે બાળકને જન્મ આપતી હોય ત્યારે એ પોતે હાજર રહેવા માગતો હતો. એના મનમાં સતત એક ભય ઝળુંબતો રહેતો હતો. એને ઘણા વખત પહેલાં કોઈ જ્યોતિષીએ કુંડળી જોઈને કહ્યું હતું કે એના પ્રથમ સંતાનના જન્મ વખતે એની પત્નીના જીવન પર સંકટ આવશે. એ દિવસથી લઈને આ દિવસ સુધી એણે ક્યારેય કોઈને કહ્યું નહોતું, પરંતુ એના મનમાં આ ભવિયષ્યવાણી સાથે જોડાયેલો એક ભય સતત એને પજવતો રહેતો.
આદિત્ય જ્યોતિષમાં નહોતો માનતો, પરંતુ એના પિતાના મિત્ર નંદનકાકા શોખથી જ્યોતિષ જોતા. નડિયાદમાં રહેતા, ગુજરાતી મીડિયમમાં ભણતા છોકરા વિશે જ્યારે એમણે ભવિષ્ય ભાખેલું કે એ અમેરિકા જશે. ત્યારે ઘરના સૌ હસતા હતા ! આદિત્ય લગ્ન કરવા માગતો જ નહોતો. ત્યારે નંદનકાકાએ કહેલું કે આદિત્ય પ્રેમમાં પડીને પરન્યાતની છોકરી સાથે પરણશે. વિદેશની ધરતી પર એ છોકરી એને મળશે...
આવા તો કેટલાંય ભવિષ્ય કથનો સાચાં પડતાં રહ્યાં હતાં.
આજે પ્રિયંકા મા બનવાની હતી ત્યારે આદિત્યને રહી રહીને નંદનકાકાનું એ ભવિષ્ય કથન તકલીફ આપી રહ્યું હતું...
ભવિષ્યના ગર્ભમાં છુપાયેલો એ ડર આદિત્યને સતત ડરાવતો હતો. એ પ્રિયંકાને પોતાના મનની વાત કહી શકતો નહોતો અને ઉત્સાહમાં અમદાવાદ જવાની તૈયારી કરી રહેલી પ્રિયંકાને રોકી શકતો નહોતો.
(ક્રમશઃ)