Langotiya - 7 in Gujarati Fiction Stories by HardikV.Patel books and stories PDF | લંગોટિયા 7

Featured Books
Categories
Share

લંગોટિયા 7

ટ્રેન આવી ગઈ. જીગર તેમાં ચડી સીટમાં બેસી ગયો. તેને એટલો આઘાત લાગ્યો હતો કે તે પોતાના આંસુ રોકી નહતો શકતો. તે બસ એક જ વિચારમાં રડતો રહ્યો કે, “દીપકે આજ મને ચરિત્રહીન કહ્યો.” રાતના આઠ વાગવાની તૈયારીમાં હતા. ટ્રેન ચાલવા લાગી. જીગર વિન્ડો સીટ પાસે આવી ગયો પણ હજુ તેના આંસુ બંધ થવાનું નામ નહતા લેતા. ધીમે ધીમે ગાડીએ સ્પીડ પકડી અને હાપા સ્ટેશન આવી ગયું. જીગરની બાજુમાં એક વૃદ્ધ માજી બેઠા હતા. તેમણે જીગરને કહ્યું, “બેટા. મારુ એક કામ કરીશ?” જીગર ભાનમાં આવ્યો, “અહહ... હા દાદી કેમ નહિ બોલોને.” દાદી બોલ્યા, “ગાડી ઉભી છે ત્યાં સુધીમાં પાણી લેતો આવને. ખૂબ તરસ લાગી છે. હવે આ પગમાં ચાલવાની હિંમત નથી રહી. સ્ટેશન સુધી માંડ પહોંચી છું.”

જીગર ફટાફટ દુકાન પર પહોંચી ગયો અને ત્યાં જઈ પાણીની બોટલ ખરીદી.

તે પોતાની સીટ પર જતો હતો તેવામાં જીગરને પાછળથી અવાજ આવ્યો, “હેય. તારું વોલેટ પડી ગયું. સાંભળશ કે નઈ?” જીગરે પાછું વળી જોયું તો એક છોકરી તેને આવાજ આપી રહી હતી. જીગર થોડો દીપકને લઈને ઉદાસ હતો. તેથી તે વધુ વિચારી શક્યો નહિ. તેણે ફરી પોતાની જગ્યા તરફ જવાનું શરૂ કર્યું. ત્યાં પેલી જોરથી બોલી, “અય બહેરો છો? તારું પાકીટ પડી ગયુ.” જીગર તો હજી શોકમાં ડૂબેલો હતો. ત્યાં પેલી તેનું પાકીટ સાથે લઈને તેની પાસે આવી અને જીગરના ખભા પર હાથ મૂકી કહ્યું, “આ પાકીટ તારુ છે?” જીગરે કઈ જવાબ ન આપ્યો બસ તે તેને જોતો રહ્યો. પેલી ફરી હાથ હલાવી પૂછવા લાગી, “હેલો. તને પૂછુ છું. આ પાકીટ તારુ છે? ગુજરાતી સમજાય છે કે નઈ?”

જીગરને ભાન થયુ કે કોઈ તેને કઈક પૂછી રહ્યુ છે. તે બોલ્યો, “શુ થયું? શુ કામ છે?” તે બોલી, “કામ કઈ નથી બસ એટલુ બોલને આ તારુ છે?” જીગરે પાકીટ જોઈ પોતાના ખિસ્સા તપાસ્યા. તે બોલ્યો, “હા મારુ છે. તમારી પાસે ક્યાંથી...” પેલી બોલી, “તુ બોટલ લઈને ચડતો હતો ત્યારે તારા ખિસ્સામાંથી પડી ગયુ હતું. દિવસમાં આટલા બધા સપના ન જોવાય કે પાકીટ પડી જાય તોય ખબર ન રહે. ચાલ જવા દે હવેથી ધ્યાન રાખજે.” જીગરે પાકીટ લઈ કહ્યું, “થેન્ક્સ.” તે છોકરી ત્યાંથી ચાલી ગઈ અને થોડેક આગળ જઇ ખાલી સીટમાં બેસી ગઈ. જીગર બસ એને જોતો રહ્યો તેની સામેથી દીપકના શબ્દો જતા નહતા. ત્યાં પેલા દાદી બોલ્યા, “બેટા. તુ પાણી લાવ્યો છો કે નઈ? નીચે ગયો હતો ને.”

જીગર ફટાફટ તેની આસપાસ તપાસ કરવા લાગ્યો અને બોટલ શોધી દાદીને આપતા કહ્યું, “માફ કરજો મનમાંથી જ નીકળી ગયુ.” દાદી બોલ્યા, “વાંધો નય બેટા. થાય ક્યારેક. તને કાંઈ વાંધો નથી ને? હું આવી ત્યારની જોવ છુ. તુ જામનગરથી ઉદાસ બેઠો છો.” જીગર બોલ્યો, “ના ના દાદી એવુ કઈ નથી. બસ આજ લાખોટા તળાવ ખૂબ ફર્યોને એટલે થાકી ગયો છુ.” દાદી બોલ્યા, “બેટા ઊંઘ આવતી હોય તો કહેજે. હુ અહીં જગ્યા કરી દઈશ. તુ ક્યાં સુધી જઇ રહ્યો છો?” જીગર બોલ્યો, “દાદી હું બોટાદ જાવ છુ અને તમે?” દાદીએ જવાબ આપ્યો, “હું તો અહીં રાજકોટ ઉતરી જવાની છું. મારા પૌત્રનો જન્મદિવસ છે.” જીગર કહ્યું, “સારું સારું. પણ દાદી તમે એકલા કેવી રીતે જશો? તમે કહેતા હો તો હું તમને તમારા સરનામે પહોંચાડી દઉં. મારે બોટાદ જવાની કોઈ ઉતાવળ નથી.”

દાદી બોલ્યા, “તે કીધું એટલુ બહુ છે. આભાર દીકરા પણ મારો દીકરો મને સ્ટેશને લેવા આવે છે. તેથી તું ચિંતા ન કર.” જીગર પોતાનો ફોન કાઢી ઈયરફોન કાનમાં નાખી સોન્ગ સાંભળવા લાગ્યો. તે તેની સામેની સીટ પર પગ લંબાવી સુઈ ગયો.

થોડીવાર થઈ અને રાજકોટ સ્ટેશન આવી ગયુ. પેલા દાદી નીચે ઉતરતા બોલ્યા, “બેટા ધ્યાન રાખજે. મારુ સ્ટેશન આવ્યું હું જાવ છું.” પણ જીગર ઊંઘમાં હતો તે કઈ બોલ્યો નહિ. ટ્રેને ફરી ચાલતી પકડી. પેસેન્જર વધી ગયા હતા. એ પેસેન્જરમાં વૃદ્ધો પણ હતા. પેલી છોકરી જે જીગરની સીટથી આગળની સીટમાં બેઠી હતી તેણે એક દાદીને સીટ આપી પોતાનું બેગ લઈ જીગર પાસે આવી ઉભી રહી અને બોલવા લાગી, “એક્યુઝ મી. જરા તારા પગ લઈ લઈને મારે બેસવુ છે.” પણ જીગર તો હજી ઊંઘમાં હતો.

જીગરને સૂતો જોઈ તેણે જીગરના ગાલ પર હાથ મારી કહ્યું, “મારે બેસવુ છે. સીટ પરથી તારા પગ લઈ લઈને તો હું બેસી શકું. જીગર ઉઠી ગયો. તેને ભાન થયુ કે તેના પગને કારણે પેલી છોકરી સીટ પર બેસી શકે તેમ નથી. તેણે ફટાફટ પગ લઈ લીધા અને કહેવા લાગ્યો, “સોરી સોરી. હું ઊંઘમાં હતો એટલે કઈ બોલ્યો નહિ. સોરી.” તે છોકરી સીટ પર બેસી ગઈ અને બોલી, “ઇટ્સ ઓકે.”

જીગરની ઊંઘ ઊડી ગઈ. તે સામે જુએ તે શક્ય ન હતુ. કારણ કે સામે પેલી છોકરી બેઠી હતી. થોડીક વાર તો તે બારી બહાર નજર રાખી બેસી રહ્યો પણ કંટાળીને સામે જોવા નજર કરી કે ત્યાં પેલી છોકરી તેની સામે જ નજર રાખી તેને જોઈ રહી હતી. આ જોઈ જીગર શરમાઈ ગયો. તે ફરી બારી બાજુ નજર રાખી બેસી રહ્યો. થોડીવાર થઈ અને તેની ડોક એક તરફ જોવાથી દુખવા લાગી. તેણે ફરી સામે જોવા પ્રયત્ન કર્યો કે ફરી તે છોકરી તેની સામે જોવા લાગી. આ જોઈ તેણે ફરી મો ફેરવી લીધુ.

જીગરને આ પ્રકારની ક્રિયા કરતો જોઈ પેલી છોકરી બોલી, “વાંધો નય મારી સામે જોઇને બેસી શકે છે. મને કોઈ વાંધો નથી.” જીગર બોલ્યો, “શુ તમે કઈ બોલ્યા?” પેલી છોકરી બોલી, “એમ કહું છુ ડોક દુખતી હોય તો મારી સામે મો રાખીને બેસી શકે છે. મને કોઈ વાંધો નથી.” તે સાંભળી જીગર બોલ્યો, “થેન્ક્સ. સારું તમે મને કહી દીધું. ક્યારનો અનકમ્ફર્ટેબલ અનુભવતો હતો.” તેની વાત સાંભળી તે હસવા લાગી અને બોલી, “છોકરીઓ સામે આટલુ બધુ ન શરમાવુ જોઈએ. સામે જોવાથી કોઈ મારી ન નાખે.”

જીગર ફરી હતો એ જ સ્થિતિમાં આવી ગયો. તેને ફરી દીપકની બધી જ વાતો યાદ આવવા લાગી. તે વિચારમાં પડી ગયો. તે જેમ દીપકની વાતોને યાદ કરતો ગયો તેમ તેના ચહેરા પર ઉદાસી છવાઈ ગઈ સાથે સાથે તેની આંખમાં આંસુ પણ આવી ગયા. તે જોઈ પેલી છોકરી બોલી, “ શુ થયુ કેમ રડે છે?” જીગર તેની સામે જોઈ બોલ્યો, “શુ થયુ? શુ તમે કઈ કીધુ?” પેલી બોલી, “મને કંઈ નથી થયુ પણ તુ શા માટે રડે છે? કઈ પ્રોબ્લેમ નથી ને?” જીગર તેની વાત સાંભળી પોતાના ચહેરા પર હાથ ફેરવવા લાગ્યો. તેને ખબર પડી કે તેની આંખમાંથી આંસુ વહી રહ્યા છે. તેથી તે બોલ્યો, “ના ના કઈ નથી થયુ. જસ્ટ આ બારીમાંથી જોરથી હવા આવે છે તેના કારણે આંખમાંથી પાણી આવી ગયુ. આઈ એમ ઓકે. ડોન્ટ વરી.”

થોડીવાર થઈ અને પેલી હસવા લાગી. તેને જોઈ જીગર તેની સામે જોઈ બોલ્યો, “શુ થયુ?” પેલી બોલી, “આપણે એકબીજાની સામે બેઠા તે પછી બે સ્ટેશન નીકળી ગયા પણ આપણે એકબીજાનો પરિચય ન મેળવ્યો. કેવી વિચિત્ર વાત છે ને. વાંધો નય મારુ નામ વંદના છે અને તારુ?” જીગર બોલ્યો, “જી..જીગર.”

વંદના બોલી, “તો જીગર ક્યાં જામનગર રહે છે?” જીગર બોલ્યો, “ના જામનગર જસ્ટ કામ માટે આવ્યો હતો. બોટાદ રહુ છું.” એ સાંભળી વંદના બોલી, “બોટાદ રહે છે. અરે હું પણ બોટાદ જ રહુ છુ.” જીગર બોલ્યો, “બોટાદ કઈ જગ્યાએ?” વંદના બોલી, “સ્ટેશન પાસે જે કોલોની છે ત્યાં જ અને તુ?” જીગર બોલ્યો, “હું સવગણનગરમાં” વંદના બોલી, “હમ્મ. હવે મારે ચિંતા કરવા જેવું કંઈ નથી. તું પણ બોટાદ જાય છે અને હું પણ. કેવી વિચિત્ર વાત છે ને કે બંને એક જ વિસ્તારની આસપાસ રહીએ છીએ છતાં કદી મળ્યા નથી.”

જીગર બોલ્યો, “હા ખરેખર વિચિત્ર વાત છે.” વંદના બોલી, “મારુ એક કામ કરીશ?” જીગર બોલ્યો, “હા બોલોને.” વંદના બોલી, “આમ તો મારે તને આ ન કહેવું જોઈએ પણ.....” જીગર કહે, “પણ શું?” વંદના કહે, “પણ...હું બોલું કે નઈ. કઈ સમજાતુ નથી.”

To be continued.....

Thanks for reading