આ નવલકથાના તમામ પાત્રો, નામ, ઘટનાઓ, સ્થળો કાલ્પનિક છે.
પ્રકરણ ૨૬
વિષ્ણુની આંખોમાં વર્તાતો ભય ખાન સાહેબ જોઇ રહ્યા હતાં. ક્રાઇમ બ્રાંચની આખી ટીમ એક નજરે વિષ્ણુને જોઇ રહી હતી અને તેના બોલવાની આતુરતાથી રાહ જોઇ રહી હતી.
વિષ્ણુ હજુ પણ ડરીને ચુપચાપ જમીન પર પડયો રહ્યો હતો. ખાન સાહેબે ઇશારો કરતાં ઇન્સપેક્ટર મેવાડાએ હાથ પકડીને વિષ્ણુને ઉભો કર્યો. વિષ્ણુ ઇન્સપેક્ટર મેવાડાની આંખોનો ગુસ્સો પારખી લઇ થોડો સ્વસ્થ થયો અને ટેબલ પર પડેલા ગ્લાસમાંથી પાણી પીધું.
વિષ્ણુએ ખાન સાહેબની સામે દયામણી નજરે જોઇને કહ્યું, "હું સટ્ટા બજારી કરુ છુ પણ મેં કયારેય કોઇનું મર્ડર તો શું મારામારી પણનથી કરી. મારા અને બબલુ વચ્ચે બહુ સારા સંબંધો હતાં. હું જરુર પડે બબલુ શેઠ પાસેથી વ્યાજે રુપીયા લઇ આવતો અને વ્યાજ સાથે પરત પણ કરી દેતો. અમારી વચ્ચે કયારેય વ્યાજના રુપીયા અંગે બોલચાલ નથી થઇ."
"તારે બબલુ સાથે છેલ્લે કયારે વાત થઇ હતી." ઇન્સપેકટર અર્જુને પુછયું.
"મારે...બબલુ સાથે...લગભગ ૨૯ તારીખે વાત થઇ હતી."
"શું વાત થઇ હતી? "
"કંઇ ખાસ નહિં, મારે અને બબલુ શેઠને દર બે દિવસે એમ જ વાત થતી રહેતી અને દર અઠવાડિયે અમારે પાર્ટી થતી ,મળવાનું થતું." વાત કરતાં કરતાં વિષ્ણુ ઇમોશનલ થઇ ગયો.
થોડી મીનીટ પછી ફરીથી બોલ્યો, "સાહેબ, બબલુ શેઠ મારે માટે ભગવાન હતાં, મોટા ભાઇ અને જીગરજાન દોસ્ત હતાં. અને હું ..બબલુ શેઠનું..." વિષ્ણુ બોલતાં બોલતાં અટકી ગયો અને આંખોના આંસુ લુછવા લાગ્યો.
ક્રાઇમ બ્રાંચના રાઇટર વિષ્ણુનું સ્ટેટમેન્ટ કાગળ પર નોંધી રહ્યા હતાં. ખાન સાહેબે ફેસ રીડર ચંપાવતને પણ ખાસ હાજર રાખ્યા હતાં, જે વિષ્ણુના ફેસના હાવભાવ જોઇ નોંધતા હતાં.
"તારે બબલુ સાથે છેલ્લો વ્યવ્હાર કયારે થયો હતો? " ખાન સાહેબે કડક અવાજે પુછયું.
"મારે ગયા મહિને કદાચ ૧૦ તારીખે વ્યવ્હાર થયો હતો."
"કેટલી એમાઉન્ટનો વ્યવહાર હતો ?"
વિષ્ણુ એમાઉન્ટના જવાબ પર મૌન બની ગયો એટલે ઇન્સપેક્ટર મેવાડાએ તેની આંખોમાં આંખ નાંખી ગુસ્સામાં કહ્યું, "જલ્દી જવાબ આપ. આમ મૌન બની રહે નહીં ચાલે."
વિષ્ણુ થોથવાતા અવાજે બોલ્યો, "સાહેબ, બે બે...૨ કરોડ રુપીયાનો વ્યવ્હાર. "
વિષ્ણુની વાત પરથી ત્યાં હાજર રહેલા બધાની આંખોમાં એક ચમક આવી ગઇ.
ખાન સાહેબે તરત હસીને કટાક્ષમાં કહ્યું, "ઓહ! એમ વાત છે. 2 કરોડ માટે થઇને તે બબલુંનું .."
ખાન સાહેબની વાત અટકાવીને વિષ્ણુ ઉતાવળા સ્વરે બોલી ગયો, "ના સાહેબ ના, રુપીયા માટે હું કોઇનું મર્ડર કરુ એવો નથી. મેં બબલુના પત્નીને ૧ કરોડ રુપીયા ચુકવી પણ દીધા છે અને વ્યાજ સાથેની બાકી રકમ પણ આવતા વીકમાં ચુકવી દઇશ તેવી વાત કરી છે. સાહેબ અમારે આ વ્યવ્હારમાં કોઇ લખાણ ન હતું કે કોઇ સાક્ષી ન હતો. પણ સાહેબ ઉપરવાળાની સાક્ષીએ મેં રુપીયા ચુકવ્યા છે અને બાકીના ચુકવી દઇશ."
"તારી વાત પર વિશ્વાસ કેમનો કરવો? " ઇન્સપેક્ટર અર્જુને કહ્યું.
"તમે બબલુના પત્નીને પુછી જુઓ, કદાચ તે તમને સાચી હકીકત કહેશે."
ખાન સાહેબે હસીને કહ્યું, "એ તો અમે કરીશું જ, અમે અમારી રીતે તારી વાતોની તપાસ કરીશું જ અને ખોટી હશે તો તું તો ગયો..."
"વિષ્ણુને પાણી આપો ,આપણે થોડી મીનીટ પછી ફરી પુછતાછ કરીએ છીએ." ખાન સાહેબ ટીમને કહી ઓફિસ બહાર ગયા.
ઓફિસ બહાર જઇ ખાન સાહેબે સુજાતાને કોલ કર્યો અને પુછ્યુ, "હવે તમને કોઇ ડર કે તકલીફ તો નથી ને? "
"ના સર."
"મને તપાસમાં એક પ્રશ્નનો જવાબ જોઇએ છે, તે તમારી પાસેથી જ મળશે એવી મને ખાતરી છે. "
"કયો પ્રશ્ન?"
"વિષ્ણુ તમને કેટલા રુપીયા આપી ગયો છે અને કેટલા બાકી છે?"
"સર, એમાં એવું છે ને.."
"જુઓ, મારી પાસે બધી ઇન્ફરમેશન છે પણ હું તેને ક્રોસ કરીને કન્ફર્મ કરુ છુ એટલે ખોટુ બોલવાનો પ્રયત્ન ના કરતાં."
સુજાતાએ થોડુ વિચારીને કહ્યું, "વિષ્ણુ મને ૧ કરોડ રુપીયા આપી ગયો છે અને બાકીના રુપીયા તથા વ્યાજ આવતા વીકમાં આપી જવાનો છે. "
"તમને આ વ્યવ્હારની ખબર હતી? "
"ના મને બબલુના કોઇ વ્યવ્હાર કે ધંધાની ખબર નથી. "
"તો તમને વિષ્ણુ પર શક છે કોઇ? "
"એવું મેં વિચાર્યુ નથી અને એ કામ પોલીસનું છે એટલે મને .."
"ઓકે.જવાબ આપવા માટે આભાર. "
ખાન સાહેબને જવાબ મળી જતાં ફોન કટ કરીને પાછા ઓફિસમાં આવે છે અને વિષ્ણુને પુછે છે, "તારે બીજું કંઇ કહેવું છે?"
વિષ્ણુ થોડીવાર મૌન ઉભો રહ્યો અને પછી હાથ જોડીને બોલ્યો , "મને જવા દો. મેં મર્ડર નથી કર્યું. "
ખાન સાહેબે તેને ધીમેથી કહ્યું, "તારી પુછપરછ થઇ ગઇ છે અને તને છોડી દેવામાં આવશે. પણ તારે આ શહેર છોડીને જવાનું નથી, જરુર પડે તપાસ માટે હાજર થવુ પડશે અને દર અઠવાડિયે અહિં હાજરી પુરાવવા આવવું પડશે. આ શરતો મંજુર હોય તો લેખિતમાં સ્ટેટમેન્ટ સાથે આપ એટલે તને જવા દઇશું. "
વિષ્ણુએ ખાન સાહેબની શરતોને મંજુર માની સ્ટેટમેન્ટમાં સહી કરી ત્યાંથી રવાના થયો.
ખાન સાહેબે મીટીંગ પતાવતા કહ્યું, "વિષ્ણુએ સુજાતાને રુપીયા આપ્યા છે તે વાત મેં કન્ફર્મ કરી લીધી છે અને તમે બધા તેના સ્ટેટમેન્ટ, ફેસ રીડીંગ રીપોર્ટ, કોલ ડીટેલ પરથી ફાઇનલ રીપોર્ટ બનાવી મને જાણ કરો."
***
હીરાલાલ અને હાફ ટન, ફુલ ટન અવન્તિકાની તપાસ કરવા તેના ઘરે પહોંચ્યા હતાં. આ એડ્રેસ તેમને પિંટોએ આપ્યું હતું પણ અવન્તિકા ઘણા વર્ષોથી ફોરેન જતી રહી હતી. એ એડ્રેસ પર હાલ રહેનારા તેને બરોબર જાણતા ન હતાં પણ તેમની પાસેથી જાણવા મળ્યુ કે પાડોશમાં રહે છે તેમની સાથે અવન્તિકાને સારો સંબંધ હતો.
હીરાલાલ અવન્તિકાની સોસાયટી પાસે આવેલી બેંકના કર્મચારી બની પાડોશમાં રહેનારાને ત્યાં પહોંચ્યા. હીરાલાલે પાડોશીને બેંકમાં kyc માટે અવન્તિકા વિશે માહિતી જોઇએ છીએ તેમ કહી વાતની શરુઆત કરી.
હીરાલાલે નોટપેડમાં માહિતી ભરવાની એકટીંગ કરતાં બોલવાનું શરુ કર્યું, "તમે અવન્તિકાને ઓળખો છો? "
"હા, અમારા બાજુમાં તેના મમ્મી પપ્પા સાથે રહેતી હતી."
"તો અત્યારે કયાં રહે છે? અમારે તેમની કેટલીક વિગતો બેંકમાં આપવાની છે. "
"હાલમાં નથી ખબર પણ બે વર્ષ પહેલા તે કેનેડા રહેતી હતી."
"તેનો કોઇ કોન્ટેકટ નંબર છે તમારી પાસે?"
"ના હમણાંથી તેનો કોઇ કોન્ટેક નથી. "
"કેમ? "
પાડોશી થોડા ભાવુક થઇને બોલ્યા, "પહેલા અમારે બહુ સારો સંબંધ હતો તેના પરિવાર સાથે. "
"પછી શું થયું ?"
"પછી અવન્તિકાનું ..."
થોડીવાર પેલા પાડોશી મૌન થઇ ગયા. હીરાલાલે મનમાં કંઇક અણબનાવ થયાનું વિચારી લઇ ભાવુક સ્વરે પુછ્યું, "પછી શું થયું બેન? "
"અવન્તિકા કોઇની સાથે ગેર સંબંધ રાખે છે તે વાત બહાર આવી અને તેના પપ્પાએ આ આઘાતમાં જીવ ગુમાવ્યો અને એક વર્ષે તેની મમ્મીએ પણ. "
"ઓહ! બહુ ખરાબ થયું. બેંકમાં આ બધી જાણકારી નથી એટલે .."
"હા. બિચારી અવન્તિકા એકલી રહી ગઇ ને તે કયાં કયાં જાય. "
"પછી અવન્તિકાનું શું થયું ?"
"અવન્તિકાને એક બદમાશે ફસાવી હતી, આખા પરિવારને રખડતો કરી દીધો."
"કોણ હતો એ? "
પેલા પાડોશી કંઇ બોલ્યા નહીં પણ હીરાલાલ તો મનમાં એ બદમાશ બબલુ જ હશે તે સમજી ગયા હતાં.
પેલા પાડોશીએ હળવેકથી કહ્યું, "એ બદમાશ પેલો કેબલ વાળો બબલુ હતો. તમે નામ સાંભળ્યું હશે ને."
"હા. બબલુ, તેનું એકાઉન્ટ પણ અમારી બેંકમાં છે. તેનું ય હમણાં મર્ડર થયુ છે, ખબર છે તમને."
"હા, પેપરમાં વાંચ્યું હતું. તેની જોડે બરોબર થયું."
" શું બબલુ અને અવન્તિકા વચ્ચે કોઇ સંબંધ ..."
"ના ભાઈ ના. અવન્તિકાએ તે બદમાશ સાથે કોઇ સંબંધ રાખ્યો ન હતો પણ તે બદમાશે બિચારીને ફસાવી હતી. અવન્તિકાના ગયા પછી તે બદમાશને ઘણા સમયથી અહીં કોઇએ જોયો પણ નથી."
"પણ, આપણી વાત અવન્તિકા કયાં હશે તે બાકી રહી."
"હા, છેલ્લા બે વર્ષથી અવન્તિકા સોસાયટીનું ઘર વેચીને ગઇ પછી કોઇના સંપર્કમાં નથી."
"ચલો, ઘણું જાણવા મળ્યું. પણ કદાચ તેનો કોન્ટેકટ થાય તો બેંકમાં KYC માટે જવાનો મેસેજ આપજો. " હીરાલાલે હાથ જોડીને કહ્યું.
હીરાલાલે બધી વાત નોંધી લીધી હતી. તે સોસાયટી બહાર આવ્યા ત્યારે હાફટન અને ફુલટન તેમની રાહ જોઇને ઉભા હતાં. તે ત્રણે ક્રાઇમ બ્રાંચ જવા નીકળ્યા. રસ્તામાં હીરાલાલે ટુકમાં ત્યાં થયેલી વાત પેલા બે જણાંને કહી.
ક્રાઇમ બ્રાંચમાં પહોંચીને હીરાલાલ સીધા જ ખાન સાહેબને મળવા પહોંચે છે, ત્યાં તેમને જોઇને ખાન સાહેબ હસીને બોલે છે, "અરે! આજે કયા રોલમાં તપાસ કરી આવ્યા હીરાલાલ? "
"સાહેબ, બેંક કર્મચારીનો રોલ કરી KYC અપડેટના નામે અવન્તિકાની તપાસ કરી આવ્યો."
"સરસ. શું અવન્તિકા ગુનેગાર હશે? "
"ના. પણ મને મળેલી માહિતીનો રીપોર્ટ સબમીટ કરી દઉં છુ. તમે ટીમ સાથે ચર્ચા કરી લેજો."
"હા હીરાલાલ."
હીરાલાલના ગયા પછી ખાન સાહેબે ઇન્સપેક્ટર અર્જુનને બોલાવીને કહ્યું, "લાખા પાસે તેણે જોયેલા આરોપીઓના સ્કેચ એક્ષપર્ટ જોડે તૈયાર કરાવડાવો. અને લાખાના હાલ કેવા છે તેની મને જાણ કરજો."
ઇન્સપેકટર મેવાડા ખાન સાહેબ પાસે આવીને કહે છે, "સર, આપણે પુછપરછ માટે બૈજુ શેઠને બોલાવ્યા હતાં, તે આવ્યા છે. "
"કોણ બૈજુ શેઠ? "
"સર, બબલુને ચેનલના ધંધામાં લાવનાર અને બબલુએ દગો કરી તેમનો ધંધો કબજે કર્યો હતો તે બૈજુ શેઠ છે. તેમની પુછતાછ તમે કરશો કે અમે.."
"તમે જ કરી લો અને જરુર પડે મને કહેજો. હું સીસીટીવીમાં જોવુ છુ તમારી પુછપરછ."
ઇસ્પેક્ટર નાયકે બબલુ મર્ડર કેસમાં તેમને બોલાવવામાં આવ્યા છે તેની માહિતી આપી.ઇન્સ્પેક્ટર નાયકે બૈજુ શેઠને ઓફિસમાં બોલાવીને તપાસ શરૂ કરી.
બૈજુ શેઠે ઇન્સ્પેક્ટર નાયકને કહ્યું, "બબલુ જોડે જે પણ કંઇ થયું તે બહુ ખોટું થયું પણ બબલુએ તેની લાઇફમાં ઘણા બધા જોડે ખોટું કર્યું છે, તેણે ઘણા બધા દુશ્મનો ઉભા કર્યા હતા."
"તમારા બબલુ જોડે કેવા સંબંધો હતા?"
"મારે બબલું જોડે કંઈ ખાસ સંબંધ ન હતા અને ઘણા સમયથી હું બબલુને મળ્યો પણ નહોતો. બબલુ સાથે સંબંધ રાખવાથી કોઈ ફાયદો ન હતો બબલુ મતલબી માણસ હતો."
"તમે બબલુ ના ક્યારથી અને કેવી રીતે ઓળખો?"
"અરે સાહેબ! બબલુ ને આ શહેરમાં ઓળખાણ અપાવનાર જ હું. બબલુને કેબલ નો ધંધો શિખવાડનાર જ હું. એણે મારા ધંધાનો જ દુરુપયોગ કરીને પોતાની ઓળખ બનાવી."
"એટલે બબલુ તમારી સાથે કામ કરતો હતો?"
"હા સાહેબ, બબલુ મારા ત્યાં નોકરી કરતો હતો.બબલુ મારા ત્યાં વાયરમેન હતો."
"પછી શું થયું?"
"બબલુ એ મારી જોડે દગો કરીને મારો કેબલનો ધંધો લઈ લીધો અને હું મારી પારિવારિક તકલીફને કારણે કેબલનો ધંધો સમેટી ગામડે જતો રહ્યો."
" પણ બબલુએ આવું કર્યું કેવી રીતે ?"
" મારે પારિવારિક સમસ્યાઓના કારણે ગામડે અવરજવર કરવી પડતી હતી અને થોડો ટાઈમ હું ગામડે રહેવા માટે પણ જતો રહ્યો હતો. તે સમયગાળા દરમિયાન મેં મારો કેબલનો ધંધો વિશ્વાસથી તેને સોંપ્યો હતો."
વાત કરતા કરતા બૈજુ શેઠની આંખોમા પાણી આવી ગયાં અને તે પળવાર માટે બોલતા અટકી ગયાં. તેમને પીવા માટે ઇન્સપેક્ટર મેવાડાએ પાણીનો ગ્લાસ આપ્યો .
બૈજુ શેઠે પાણી પી ને સ્વસ્થ થઈ ફરી બોલવાનું શરૂ કર્યું, "સાહેબ, હું પણ આ મુંબઈ શહેરમાં ખાલી હાથે આવ્યો હતો. પણ મેં મહેનત કરીને, લોકોની સેવા કરીને, લોકો સાથે સંબંધ બનાવીને મારુ નામ અહીંયા બનાવ્યું છે. આજે મારી પાસે ભલે પૈસા નથી પણ તોય લોકો મને બૈજુ શેઠના નામથી ઓળખે છે."
"તારીખ 30 અને 31 તમે ક્યાં હતા? "
"તારીખ 30 અને 31 હું મારા ઘરે ગામડે જ હતો. હું છેલ્લા છ મહિનાથી મારા ગામથી બહાર નીકળ્યો જ નથી. તમારો ઓર્ડર મળ્યો એટલે પુછપરછ માટે ઘણા મહિને ગામડેથી અહીં સુધી આવ્યો છું."
ઇન્સ્પેક્ટર મેવાડાએ બૈજુ શેઠનો મોબાઇલ નંબર લઇ મોબાઇલ એક્ષપર્ટને કોલ ડીટેઈલ માટે મોકલી આપ્યો. તેમને જોઈતી માહિતી મળી રહે રહી એટલે તેમણે બૈજુ શેઠની પૂછપરછ પૂરી કરી. તેમને ત્યાં બેસાડી તેઓ ખાન સાહેબને જાણ કરવા તેમની ઓફિસમાં ગયાં.
ખાનસાહેબની ઓફિસમાં પહોંચીને ઇન્સપેક્ટર મેવાડાએ કહ્યું, "સર, બૈજુ શેઠની પુછપરછ પુરી થઈ ગઇ છે. તેમણે દરેક પ્રશ્નોના યોગ્ય જવાબ આપ્યા છે, તેમણે પૂછપરછમાં સહયોગ કર્યો છે તો હવે.."
"પ્રાથમિક પૂછપરછમાં તમને શું લાગે છે?"
"મને તો પ્રાથમિક પૂછપરછમાં આ વ્યક્તિ નિર્દોષ લાગે છે તો પણ તપાસ પૂરી થાય પછી ખબર પડે."
"તો હવે , જે બધાને શરત કહી છે તે મુજબ તેમને પણ કહીને જવા દો. અને કોલ ડીટેલ મેળવી ફાઇનલ રીપોર્ટ બનાવી મને જાણ કરો."
ઇન્સ્પેક્ટર મેવાડા એ બૈજુ શેઠને તપાસમાં મદદ કરવા બદલ આભાર માન્યો અને કહ્યું, "તમને જવા દેવામાં આવે છે પણ તમારે તમારુ ગામ છોડીને જવાનું નથી, જરુર પડે તપાસ માટે અહીં હાજર થવુ પડશે અને દર અઠવાડિયે અહિં હાજરી પુરાવવા આવવું પડશે. આ શરતો મંજુર હોય તો લેખિતમાં સ્ટેટમેન્ટ સાથે આપો એટલે તમને જવા દઇશું."
બૈજુ શેઠે ઇન્સપેક્ટરની શરતોને મંજુર માની સ્ટેટમેન્ટમાં સહી કરી અને ઓફિસની બહાર જતાં હસીને બોલ્યા, "બબલુ મરતા મરતા ય ધંધે લગાવતો ગયો."
ખાનસાહેબે નિરાંતે બેઠા-બેઠા વિચાર્યું અને ઇન્સપેક્ટર મેવાડાને બોલાવીને કહ્યું, "આપણે તપાસમાં વિમલનો ઉપયોગ કરી શકાય તેમ છે. વિમલ પાસેથી કદાચ પણ માહિતી મેળવી શકાય. તેણે પીછો કરીને સુજાતા પાસેથી પૈસા પડાવવા કંઇક તપાસ કરી હશે તો તેની પાસેથી માહિતી મળી શકે તેમ છે."
ખાન સાહેબે વિમલને મળવા ઓફિસમાં બોલાવ્યો. વિમલ ઓફિસમાં પ્રવેશતા જ અટ્ટહાસ્ય કરવા લાગ્યો. ઇન્સપેક્ટર મેવાડાએ તેના આવા વર્તનથી ગુસ્સે થઇ બોચીમાંથી પકડીને જમીન પર બેસાડી દીધો. ઇન્સપેક્ટર મેવાડાની આંખોનો ગુસ્સો જોઇ વિમલ શાંત થઇ ચુપચાપ જમીન પર નીચી નજર કરી બેસી રહ્યો.
ખાન સાહેબે હળવેકથી તેને પુછ્યુ, "કેમ છે વિમલ? "
થોડી મીનીટ પછી ઉંડો શ્વાસ લઇ વિમલ બોલ્યો, "અહીં આવીને માણસ કેમ હોય એ તમને તો ખબર જ હોય ને સાહેબ. તમે મારી સાથે બહુ ખોટુ કર્યુ છે. મારી વિરુદ્ધ આટલી મોટી ગેમ .."
ખાન સાહેબ અને ઇન્સપેક્ટર મેવાડા તેને શાંતિથી સાંભળતા હતાં.તેણે હાથ જોડીને ફરી બોલવાનું શરુ કર્યું, "સાહેબ, મને બચાવો, મને છોડી દો. તમે જ મને બચાવી શકો તેમ છો."
"હા તને મદદ માટે જ બોલાવ્યો છે. તને જલ્દીથી છોડી દઇશું. પણ બબલુનો કેસ સોલ્વ થઇ જાય એટલે." ખાન સાહેબે ધીમેથી વિમલને કહ્યું.
"પણ કયારે ?"
"જો વિમલ, તું અમને તપાસમાં મદદ કરીશ અને બબલુ નો કેસ જેટલો જલ્દી સોલ થઈ જશે એટલું જલ્દી તને છોડી દેવામાં આવશે."
"પણ સાહેબ, હું તપાસમાં કેવી રીતે તમને મદદ કરી શકું, મને કંઈ સમજાતું નથી."
"તારી ઉપર હાલ કોઇ કાર્યવાહી કરવામાં આવતી નથી એટલે તને કોઇ તકલીફ તો હશે જ નહીં. અને તને અહીં રાખવો જરુરી છે, કેમકે તે બહાર રહીને શું કર્યું છે તે તો તને ખબર જ છે. " ખાન સાહેબે શાંતિથી વિમલને કહ્યું.
"મારી ઉપર લગાવવામાં આવેલ આરોપોનું શું? મને તો હજુ પણ સમજાતું નથી કે મારી ધરપકડ કયા ગુના માં થઈ છે અને મને કેટલી સજા થવાની છે, મને કંઈ સમજાતું નથી કે મારી જોડે શું થઇ રહ્યું છે."
"હાલ તારી ઉપર નશો કરી કેમિકલ સાથે પકડાવાનો ગુનો અને સુજાતાને હેરાન કરવાનો ગુનો છે. પણ જો તું અમને મદદ કરીશ અને કેસ જલ્દી સોલ્વ થઇ જશે તો બધા ગુના માફ કરીને છોડી દઇશું."
ખાનસાહેબની વાત સાંભળીને વિમલની આંખમાં ચમક આવી આવી ગઈ. તે ઝડપથી જમીન પરથી ઉભો થઇ ગયો અને મદદ કરવા તૈયાર થઈ ગયો.
તેણે હાથ જોડીને કહ્યું, "બોલો હું તપાસ માં કેવી રીતે મદદ કરી શકુ?"
ખાન સાહેબ અને ઇન્સપેક્ટર મેવાડાના ચહેરા પર તેમનો આઇડીયા કામે લાગી જવાથી અને વિમલની તપાસમાં મદદ કરવાની વાતથી હળવુ સ્મિત આવી ગયું હતું.
ખાન સાહેબે વિમલના ખભે હાથ મુકીને કહ્યું, "જો તે બબલુંનું મર્ડર નથી કર્યું તો તારુ રીપોર્ટર માઇન્ડ કામે લગાડ અને વિચાર કોણે મર્ડર કર્યું હશે."
ઇન્સપેક્ટર મેવાડાએ કહ્યું, "જો વિમલ, ઉતાવળ નથી પણ વિચારીને જવાબ આપજે."
વિમલે માથુ ખંજાવાળતા ઇશારો કરીને કહ્યું, "હા, હું તમને કહું છુ પણ એક મીનીટ .."
પ્રકરણ ૨૬ પુર્ણ
પ્રકરણ ૨૭ માટે થોડી રાહ જુઓ અને જોડાયેલ રહેજો ...
આપની કોમેન્ટ્સ અને રીવ્યુ પણ આપજો
મારી અન્ય વાર્તા, લેખ અને નવલકથાની ઇ બુક પણ વાંચજો અને રીવ્યુ, કોમેન્ટસ આપજો.