આ લેખ વાંચતા નહિ, એમાં ભૂત છે...!
વાહ...! આખરે માન્યું જ નહિ ને..? વાંચવા વગરના શું રહી જતાં હતાં ? હિમંતને દાદ આપવી પડે. વાંચવા ના પાડી છતાં, પણ લેખમાં માથું મારવાનું એટલે મારવાનું. અચ્છા ભૂપનો ડર ના રાખો તો ચાલે, ભૂતનો તો રાખો ? વાંક તમારો નથી, દુનીયાદારીનો છે..! “ જો જેદિખતા હૈ, ઉસે શૈતાન કહતે હૈ લોગ, ઔર જો નહિ દિખતા, ઉસે ભગવાન કહતે હૈ લોગ...! “ જેવી ભૂતનાથની માયા..! ને એમ પણ કોઇપણ સુચનાનો અમલ નહિ કરવો, એ તો આપણો જન્મસિદ્ધ અધિકાર જ છે ને..? ઉલ્લંઘન નહિ કરીએ, ત્યાં સુધી સાલી ખંજવાળ મટે જ નહિ ને..? ગુટખાના પાઉચ ઉપર ચોખ્ખી ચેતવણી આપી હોય, કે આરોગ્ય માટે ફાયદાકારક નથી. છતાં મુખવાસની માફક ઝાપટીએ જ છીએ ને...? જુઓ ને, વાંચવાની ના પાડી છતાં, આટલે સુધી તો વાંચી જ નાંખ્યો ને..? હજી કહું છું, અટકી જાવ, આગળ ભૂત છે, પણ, એ ની (નહિ) માને...!
કહેલું માને તો ગુજરાતી શાનો ? ભૂત મળે તો, ભૂત સાથે પણ ‘ ચીયર્સ ‘ કરી નાંખે, એનું નામ ગુજરાતી. જો કે, ચીયર્સ તો નાની વાત થઇ, ધંધો મળતો હોય તો ભૂત સાથે ધંધાનું પણ ડીલીંગ કરી નાંખે. ગુજરાતીના હૃદય જ પેલી મજબૂત સિમેન્ટ જેવાં. ચાલે વરસો વરસ, ને ટકે ઠસોઠસ...! જાણે ભૂતનાથના હાથ નીચે જ ભણ્યા હોય એમ, ફાંકો જ એવો રાખે કે, “ ભૂત આપણું શું ઉકાળી લેવાનો છે ? “ અચ્છા-અચ્છાથી ડર્યા નથી તો, ભૂત કયા ખેતરની મૂળી..? જાણે એક જ ઘોડિયામાં ભૂત સાથે સુઈને મોટાં નહિ થયા હોય...? ભૂતને પણ ભાઈબંધ બનાવે એનું નામ ગુજરાતી..! પણ એક વાત કહી દઉં.. બહુ ખાંડ ખાવાની જરૂર નહિ. ભૂતની ઝપાટ ગેબી હોય. હજી કહું છું કે, આટલેથી અટકી જ જાવ..! ઈચ્છા તો એવી હતી કે, લેખનું ટાઈટલ જ ‘ ભૂતના ભણકારા રાખું...! પણ સામે ચાલીને ભૂત સાથે દુશ્મનાવટ કોણ વ્હોરે..? બીજું કે, કોઈ “ મારા ભણકારા “ સમજે એ પણ ઠીક નહિ ને? મારું કામ હસાવવાનું છે. કોઈને ડરાવવાનું થોડું છે..? કોઈની દુખતી નસ દબાવવાનું પાપ આપણે શું કામ કરવું જોઈએ. ને ભૂતની પ્રિમાઈસીસમાં જઈને કબજા પ્રવેશ કરવો એ કંઈ આપણા સંસ્કાર થોડાં કહેવાય..? ક્યારેક માણસ કરતાં ભૂતડા પણ આપણા કામમાં આવે..!
જ્યારથી ‘તારક મહેતાના ઉબડાચશ્મા, સોરી...ઉંધા ચશ્મા ‘ માં ભૂતનો એપિસોડ ચાલુ થયો છે, ત્યારથી મગજમાં ભૂતડા દૌડે છે બોલો. ભૂતની વાત કરું તો, અમારા ચમનીયાની ચડ્ડી આપોઆપ ભીની થવા માંડે, પરસેવાથી...! પવનથી માત્ર બારણા હલવા માંડે, એમાં પણ એ આખો હલી જાય. ભૂતના એવાં તો ભણકારા થવા માંડે કે, અંધારે વાઈફને જોઇને પણ થથરી ઉઠે. બહાર જો કોઈ કુતરું રડવાનું થયું, તો તો ખલ્લાસ..! એને કૂતરામાં પણ ભૂતનાથ દેખાય. મને કહે ‘ માન કે ના માન, પણ મારી જનમ કુંડળીમાં બારમે ભૂત હોવો જોઈએ...! ‘ એના કપાળમાં કાંદા ફોડું...!
વાત જાણે એમ છે કે, એના ઘરે જવું હોય તો, તમારે કબ્રસ્તાન ક્રોસ કરવાની આવે. એકવાર એવું થયેલું કે, ઘોર અંધારી રાતે એ ભાઈ ઘર આવતાં હતાં, ત્યાં કબ્રસ્તાનમાં એક ભાઈને એણે, કબર ઉપર બેસીને બીડી પીતા જોયાં. એના કરમની કમબખ્તી તે એનામાં સમાજ સુધારકનો આત્મા પ્રગટ થયો. ને આ પરદુઃખ ભંજકને એમ થયું કે, લાવ ને, આ ભાઈને કહું કે, ‘ ધુમ્રપાન આરોગ્ય માટે હાનીકારક છે. આમ કોઈની કબર ઉપર બેસીને બીડી પીવી એ શિષ્ટાચાર નહિ કહેવાય. કહેતાં કહેવાય તો ગયું, પણ આમ પાછો પૂરેપૂરો ફાઆઆટુ..! છતાં ‘ હિમતે મર્દા તો મદદે મુડદા ‘ કરીને, પેલાં ભાઈને કહી જ નાંખ્યું કે, ‘ ભાઈ ધુમ્રપાન નહિ કરવાનું. ધુમ્રપાન કરવાથી શરીરને કેન્સર થાય. અને આમ કોઈની કબર ઊપર બેસીને બીડી પીવી એ સંસ્કાર નહિ કહેવાય.. દબાયેલા માણસની કબર પર બેસીને શું કામ આવું અધમ કૃત્ય કરો છો...? પેલો કહે, “ યુ આર રાઈટ દોસ્ત...! ધુમ્રપાન કરવાથી કેન્સર જ થાય. હું એ કેન્સરમાં જ પતી ગયેલો, જેને દશ વર્ષ થઇ ગયાં...! પણ બીડી પીવાની તલબ મર્યા પછી પણ મટતી નથી. બાકી જે કબર ઉપર બેસીને હું બીડી ફૂંકુ છું, એ કબર મારી જ છે. આ તો અંદર બહુ ગરમી લાગતી હતી, એટલે જરા બહાર આવીને બેઠો...! ‘
એના કપાળમાં કાંદા ફોડું, આટલું સાંભળ્યું ત્યાં તો ચમનીયાને મેલડી માતાજી આવ્યા હોય એમ ધ્રુજારી ચઢી ગઈ. બીડી પીવાની મનાઈ કરનારો ચમનીયો, આજે રોજના પાંચ-પાંચ બંડલ ફૂંકે છે. હજી એના મગજમાંથી પેલું ક્બરવાળું ભૂત નાબુદ થયું નથી. એમાં કરમની કઠણાઈ એ આવી કે, ‘તારક મહેતાના ઊંધા ચશ્મા’ વાળાએ ભૂતનો એપિસોડ ચાલુ કર્યો.. જેવી સીરીયલ શરુ થાય એટલે એને તાવ ચઢવા માંડે, ને સીરીયલ પૂરી થાય એટલે ધ્રુજારી છૂટવા માંડે...! પેલાં ચંપકકાકાની ધ્રુજારી તો એની આગળ વામણી લાગે. બોલો, હવે તો ખાતરી થઈને કે, ભૂતની ભૂતાવળ કેવી હોય..? હજી કહું છું અટકી જાવ ને..? આગળ નહિ વાંચો સાહેબ,.! મારો વાંચક હેરાન થાય એ મને નહિ ગમે.
થોભો...! આ લેખ લખું છું, ત્યારે રાત્રીના બરાબ્બર બાર ને બાર મીનીટનો સમય થયો છે. ચારેય કોર ભેંકાર અંધારું છે. આકાશમાં કારણ વગરના કડાકા-ભડાકા ને વીજ થવા માંડી છે. દીવાલ ઉપર એક ગરોળી મારા માથાની ચમકતી ટાલમાં જોઇને જાણે ફેસિયલ કરી રહી રહી છે. પંખાના પવનમાં દિવાલનું કેલેન્ડર ફરરરરફર..ફરરરફર થાય છે, ને મારું ચિતભ્રમ કરી રહ્યું છે. ભૂખરી બિલાડી મારી વાઈફની માફક મારા ઉપર ડોળા કાઢીને કુદકો મારવાની તૈયારીમાં હોય, એવી લાગે છે. એવી ભ્રાંતિ થાય છે કે, ભૂતે મારા ઘરમાં પ્રવેશ કરીને એની ચળવળ શરુ કરી દીધી છે. ઘડિયાળના ટકોરા આડેધડ પડવા માંડ્યા છે. શ્વાસોચ્છવાસની ક્રિયા સ્વચ્છંદી બની રહી છે. ધબકારા એવાં વધે છે કે, મારો શ્વાસ નાકમાંથી નીકળે છે કે, કાનમાંથી એ પણ નથી સમજાતું. અલમારીમાંથી ‘ હનુમાન ચાલીસા ‘ ની ચોપડી કાઢવા ગયો તો, હાથમાં ‘ ચૂડેલના પરચા ‘ નામનું પુસ્તક કબાટ ઉપરથી નીચે આવીને મારા હાથમાં પડ્યું. મારી પથારી બીજા કોઈપણ કારણે ભીની થઇ નથી, પણ શરીરે ફરી વળેલા પરસેવાની જ એ કમાણી હતી એની સો ટકા ખાતરી હોવા છતાં, મન કબૂલવા તૈયાર નથી. સંકટ સમયે સાંકળ ખેંચવાનું જ્ઞાન હોવાથી, મેં વાઈફને જગાડવાનો વિચાર કર્યો. પણ એના લઘરવઘર દેહ ઉપર નજર કરી તો, વિખરાયેલા વાળ, અડધી ખુલ્લી રહેલી એની આંખો જોઇને સાચું કહું, એ પણ મને ‘ વાઈફ ‘ જેવી તો લાગી જ નહિ. છતાં તમામ હિમત એકત્ર કરીને મેં એને જગાડી. મારી વ્યથા-કથા એને સંભળાવી. તો કહે, ‘ ચૂપચાપ સુઈ જાઓ. સવારે જોઈ લઈશું. પોતે તો સુતા નથી, અને બીજાને સુવા પણ દેતાં નથી. ભૂત જેવાંને તે વળી કોઈ દિવસ ભૂત ભેટતો હશે...? ડોક્ટરને ફોન કર્યો, તો ફોન સ્મશાનભૂમિવાળાને લાગ્યો. અને મને કહે, “ રાતે બોડી સ્વીકારતા નથી, સવારે આંઠ વાગ્યા પછી આવજો...! એના કપાળમાં કાંદા ફોડું..!
ચુડેલના કસમ ખાયને કહું છું કે, અમારી ઈકોતેર પેઢીમાં કોઈને પણ ભૂત કે ચુડેલ મળ્યાનો લ્હાવો મળ્યો નથી, મળ્યો હોત તો એકાદ આલ્બમમાંથી તો કોઈનો ભૂત સાથેનો ફોટો જોવા મળ્યો હોત. બસ...! આગળની મને ખબર નથી, પણ વાઈફનું કહેવું એવું છે કે, તમે કોમાંમાં હતાં, ત્યારે ફક્કડ લાગતા હતાં. હે...વાંચક ! મારી આટલી ભૂત-કહાણી પછી પણ, આ લેખ જો તમારે વાંચવો જ હોય તો વાંચો. કારણ ભૂતની આગળની રણનીતિ વિષે મને કોઈ માહિતી નથી. ભૂત લેખકને ભેટે તો ભલે ભેટે, પણ મારા વાંચકને ભેટવો જોઈએ નહિ. નહિ તો, મારા લેખ પછી વાંચશે કોણ..? પછી તો જેવી તમારી મરજી. આવ ભાઈ હરખા, આપણે બેઉ સરખા...!
-------------------------------------------------------------------------------------------------------------------------------
-----------------------------------------------------------------------------------------------------------------------------