અધુરા અરમાનો-૩૫
જેનું રાંકનુ રતન રોળાયું છે એ તો શાંત બેઠા છે. પણ પારકાને પીડા ઉપડી છે. દુનિયા કેવી છે! દુનિયાને બીજાનો તમાશો કરવો ખૂબ ગમે છે.
એવામાં એક જણે ઉશ્કેરાઈને નર્મશંકર તરફ લાકડી ઉગામી
મજબૂત બાંધાના નર્મશંકરે ચાર પાંચ જણાને ધૂળ ચાટતા કરી દીધા. અચાનક એમની નજર બારણે ઊભેલા કિશોરીલાલ પર પડી. અંદર પ્રવેશવાની અનૂમતિ માંગી. કિશોરીલાલ એમને ડેલીની અંદર લઈ ગયા. બહાર ધમાલ મચાવી રહેલા ટોળાંને એમણે કડકાઇથી ભગાડી દીધું.
કોની દીકરી કોનો વાંક અને નફ્ફટ લોકો ની કેવી મેલી મંશા! કિશોરીલાલના ઘરની આજુબાજુની સોસાયટીઓમાં, બજારમાં અને આખા શહેરના લોકોના મોઢે બસ એક જ વાત:" સેજલ એક ગરીબ યુવક જોડે ભાગી ગઈ!" તો વળી કેટલાક ના મોઢે એવી વાત કે ઝાંઝાવાડાનો યુવાન કિશોરીલાલની દીકરીને તેને ભગાડી ગયો! આ વાતને લોકો એવી તો ચાવી રહ્યા હતા કે ખાવાનું ભૂલી ગયા હતા. એક-એક ના મોઢે એક એકથી ચડિયાતી વાતો થવા લાગી.
"દર્દનું પોટલું ઉપાડ્યું થાકી ગયા દીવાના આખરે;
તોય સિતમો ના ડુંગરા ખડકથી રહી દુનિયા."
એક તરફ સેજલનો ઇન્તેઝાર હતો. એમાં વળી આ નવા આગંતુકો જોડાયા. સાથે જ દરવાજા બહાર મચેલો શૉર! આ બધી ઘટનાઓથી કિશોરી ગડમથલે ચડી ગયા. તેમને આમ વિચારોમાં અટવાયેલા જોઈને નર્મશંકરે વાત ચાલુ કરી:"શ્રીમંત શેઠ!! અમારા નાના હાથે તમારો મોટો ગુનો થઇ ગયો છે. તે ગુના બદલ અમે આપની માફી માગવા આવ્યા છીએ.
"અરે ભલા માણસ! હું આપને જાણતો પણ નથી અને તમે મારો અપરાધ કર્યો? કયો અપરાધ કર્યો છે? તમે મને નિશ્ચિંત બની કહો. ગમે તેવો અપરાધ હશે તોય હું તમને માફ કરી દઈશ. પરંતુ તમે મને ઝટ કહો. મારા સંશયને દુર કરો." બોલતા બોલતા કિશોરીલાલ લમણે હાથ દઈ બેઠા. જોકે એ પામી ગયા હતા કે સૂરજને સેજલ ભાગી ગયા છે. કિન્તુ એમણે પ્રેમલગ્ન કર્યા છે કે નથી કર્યા એની દ્વિધામાં તે અટવાઇ પડયા હતા. નર્મશંકરની સમજદારીપૂર્વકની વાતોથી એમનો સંશય દૂર થયો. કિન્તુ પેલા બે પ્રેમી પારેવડાએ પ્રેમલગ્ન કરી લીધા છે એ વાત જાણીને એમનને રંજ માત્ર ક્રોધ ન થયો. ઊલટાનું ગુનો કબૂલ કરવા આવેલા નર્મશંકર અને કિશનને તેમણે હર્ષાશ્રુથી ભેટીને ઊંચા આસને બેસાડ્યા. એમની ભૂલ બદલ આ બન્ને પરિવાર જનોના સભ્યોએ એક બીજાને ક્ષમા માંગી.
કિશોરીલાલ બોલ્યા:" જુઓ નર્મશંકર! આ બંને નબીરાઓએ ભૂલ કરીને પ્રેમલગ્ન તો કરી લીધા છે. કિંતુ હવે આપણું શું? જો કે આપણે તો નિર્દોષ છીએ. પણ આ દુનિયા આપણને કલંક લગાડી રહી છે એનું શું ? છતાં તમે કહો એમ કરવા હું તૈયાર છું. તમે કહેતા હો તો આ સંબંધને મંજૂરીની મહોર આપી દઉં."
" અરે રહેવા દો, રહેવા દો શેઠ! આ ઉદારી કઈ કામની નથી. દુનિયા તમને એવું કહીને કલંક લગાવશે કે કિશોરીલાલ શેઠ ગરીબના ઘર દીકરી આપીને ગરીબ થઈ ગયો. અને..."
"હવે ઝાઝું બોલશો નહીં નર્મશંકર. મને આ દુનિયાની જાણ છે. સંસાર કેવા કેવા ખેલ ખેલે છે એ પણ હું જાણું છું. કિન્તુ હું મારી દીકરી ખાતર દુનિયાની બદનામી રૂપી કડવા ઝેર પીવા તૈયાર છું. મને તો બસ તમારી તૈયારી ખપે. એય એટલા માટે કે મારી સેજલ તમારા સુરજ વિના એક પળ માટે પણ જીવી નહીં શકે! તમને તો કદાચ એમના પ્રેમની આજે જાણ થઈ હશે, કિંતુ હું તો એમના પ્રેમની પવિત્રતાને ક્યારનોયે જાણી ચૂક્યો છું. તમારો સૂરજ મારી સેજલની જાન છે જાન."
"બધું તો ઠીક છે શેઠ. પરંતુ અમારા સમાજને આવું મંજૂર નથી. અમારા સમાજમાં પ્રેમલગ્ન ભયંકર ગુનો ગણાય છે. આપણા જેવી ઉછરતી નવી પેઢી તો કદાચ માની લે. પરંતુ ઘરડા ગાડા વાળીને બેઠા છે.એ લોકો આજે 21મી સદીમાં પણ ૧૮મી સદીના રિવાજોને પંપાળી રહ્યાં છે. મારા સમાજને જો આ બનાવની જાણ થશે તો અમારી બરબાદી બોલાવી દેશે. જોકે વાત તો ક્યારનીય ફેલાઈ ગઈ હશે ને બરબાદી પણ બોલાવી હશે. આના પહેલા બે ત્રણ જણાએ પ્રેમલગ્ન કર્યા હતા તે બિચારા બરબાદીના તળે એવા દટાઇ ગયા છે કે હજુયે માથું ઊંચુ કરી શકતા નથી."
"તમારા સમાજને હું જવાબ આપીશ. ભૂલ મારી દીકરીની કે સૂરજની? તમારો સમાજ જેટલો દંડ કરશે તેઓ ભરપાઈ કરી આપીશ કિન્તુ બરબાદીથી ડરીને આ બે જીવોને અલગ પાડવાનું વિચારશો નહીં, નર્મશંકર!"
અને બાજુમાં બેઠેલા કિશને આ વાતને સહર્ષ સ્વીકારી લીધી. એમના સંબંધોને મીઠી મહોર મારી દીધી.
ઘણીવાર બને છે એવું કે એકધારી ચાલતી આ સૃષ્ટિ અવનવા રંગ બદલતી નાખે છે. અને આ પ્રકૃતિ જ્યારે રંગ બદલે છે ત્યારે કંઈક નવી ઉથલપાથલ થાય છે. જળની જગ્યાએ સ્થળો અને જમીનની જગ્યાએ જળ ઉભરાઈ આવે છે. માનવ સંસારમાં પણ આવું ઘણીવાર- અનેકવાર બની આવે છે. માણસ ધારે છે કંઈક ને બને છે કંઈક બીજુ જ! વિધિએ આ પ્રેમીઓના એવા તો કેવા લેખ લખ્યા છે કે સમાજના ડરથી તડપવું પડ્યું! હિજરાવું પડ્યું! વિધિની પણ કેવી ક્રુરતા! અહીં આ બંને પ્રેમીઓના પ્રેમની ગાંઠ સામાજિક અને માનવીય સંબંધોથી બંધાઈ રહી છે જ્યારે ત્યાં એ બંનેએ પ્રેમલગ્નની એ મજબૂત ગાંઠને તોડીને પ્રીતમાં તબદીલ કરી દીધી! કેવા સંજોગો આવીને એમને કેવા છેતરી ગયા!
અચાનક બારણે ગાડીનો અવાજ આવ્યો. કિશોરીલાલે એ અવાજ પારખ્યો. કેમ ના પારખી શકે? એમની જ તોગાડી હતી. એ ત્વરિત બારણે આવ્યા. જોયું તો સેજલ એના માણીગર સાથે શોભી રહી હતી. એમણે કાંડા ઘડિયાળમાં જોયું તો બે વાગી ચૂક્યા હતાં. સૂરજનો વાયદો સાચો પડ્યો. યકીન બઠો. દીકરા સમ લાગ્યો. ભેટી જવાને મન લલચાયું. એ કંઈ પ્રતિક્રિયા આપે એ પહેલા જ સૂરજે મૂંગી જબાન ખોલી:" સોરી શેઠ હું જાણું છું કે મેં મોટી ખતા કરીને તમને અપાર દુઃખ પહોંચાડ્યું છે. મારી ખુશી ખાતર તમારા આત્માને દુભાવ્યા છે. પરંતુ મેં મારી ભૂલનું પ્રાયશ્ચિત કરી લીધું છે. એના માટેનું આ કાગળ સાક્ષી છે. કહીને સૂરજે હરજીવન દ્વારા તલાકનો કાગળ કિશોરીલાલના હાથમાં પહોચાડ્યો. કાગળ વાંચીને કિશોરીલાલની આંખે ઝળઝળિયા બેસી ગયા. સુરજ માટે એમના દિલમાં દરિયે દરિયે વહાલ ઊભરી આવ્યું. સૂરજને ખોઈ નાખ્યાં દુઃખ ઉપડ્યું. એમના મોઢેથી સૂરજ માટે ઉદગાર સરી પડ્યા:' ધન્ય છે સૂરજ તારી ચારિત્ર્યવાન માનવતાને! ધન્ય છે તારા પ્રેમને! અને એમણે દુઃખ સાથે સૂરજની પીઠ થાબડી. પરંતુ એક અફસોસ એમને કાયમ માટે રહી ગયો કે આવો નેકદિલ ઈન્સાન સેજલની જિંદગીમાંથી નીકળી ગયો.
મારુતિની ચાવી શેઠના હાથમાં સોંપીને સૂરજ પગથિયા ઉતરવા લાગ્યો. જતા જતા સૅથી છપાવતી એક નજર સેજલ પર માંડી, અટકાવી અને ચાલતો થયો.
"લ્યો ત્યારે શેઠ, બાવાના બેય બગડતા હતા તે આપણા તો બંને આબાદ રહ્યાં.
સૌ વિખેરાયા.
સૂના ભાસતા ભવનમાં સેજલના આગમને વસંત મહોરાવી દીધી.
ઘરમાં ખુશી હતી કે ગમ એ સ્પષ્ટ કળાતું નહોતું. સેજલ હવે શું કરશે? કે એનું હવે શું થશે? એ સવાલે જોર પકડ્યું.
"મમ્મી, હવે હું ક્યાંય નથી જવાની હો! અને સૂરજને તો સાવ ભૂલી જ જવાની! એને પ્રેમ કરતાં જ ક્યાં આવડે છે. ડરપોક છે એ. હાં, પણ એ મને વીસરી નહી શકે! એ મને મળવા એ દોડતો આવશે. પણ હું હવે બહાર એને મળવા નહી જઉં! તીં એક કામ કરીશ મમ્મી? મારા વિના બેતાબ મારો સૂરજ જો મને મળવા ડેલીએ ડગ મૂકે તો એને આવકારજે. મારા રૂમમાં મોકલજે. હું અહીં જ એને મળીશ. હું એને ભૂલી ગઈ છું એવો અહેસાસ પણ નહીં થવા દઉં હો!" અને એ ઢળી પડી.
થોડાંક દિવસો બાદ વાવડ મળ્યા કે સૂરજ ક્યાંય શોધ્યો જડતો નથી. એ સાંભળીને એ ફાટી પડી.
બીજા દિવસે માનસિક સંતુલન ગુમાવેલી સેજલને તાત્કાલિક ધોરણે મહેસાણાની એક હોસ્પિટલમાં ભરતી કરવામાં આવી.
-ક્રમશ: