Mari Navlikao - 1 in Gujarati Short Stories by Umakant books and stories PDF | મારી નવલિકાઓ - (૧)

The Author
Featured Books
Categories
Share

મારી નવલિકાઓ - (૧)

પીટર કાગળ વાંચી મૂંઝવણમાં પડ્યો. હજુ બે મહિના ઉપર તો સેમ સાથે એક હજાર ડૉલર મોકલી ગીરવે મુકેલું ખેતર છોડાવેલું, આ બીજા બે અઢી હજાર ડૉલર લાવવા ક્યાંથી? ડોહાને જાણે એમ કે અહીં અમેરિકામાં પૈસાનાં ઝાડ ઊગતાં હશે.!

રોબર્ટે તેને શાંત પાડવા પ્રયત્ન કર્યો. પીટર શું વાત છે ? કેમ આટલો બધો ગુસ્સામાં છે? પીટરે કાગળ રૉબર્ટ તરફ ફેંકીને કહ્યું, ‘લે વાંચ!!’

રૉબર્ટે કાગળ હાથમાં લઈ વાંચ્યો.

ચિ. પીતાંબર,

ઝુલાસણથી લખનાર રણછોડદા ના આશીર્વાદ. જત જણાવવાનું કે ચિ. સવિતાનાં ઓણસાલ વઈશાખમાં લગન લીધાં છે.વળી કમુના સોમલાનું પણ નક્કી કર્યું છે. તારા નાના કાકા જશિયાની છોડીનું પણ લગન લેવા વિચારે છે. કુટુંબના મોટા બાપા તરીકે તેને પણ ટેકો કરવો પડશે. ઓણસાલ મોટો લગનગાળો છે; અને આ મોંઘવારી કેડો નથી મેંકતી. દાળ,ચોખા, બાજરો, ઘી, તેલ, કેરોસિન વગેરેના ભાવ આસમાને પુંગ્યા છે. ગરમીએ માઝા મૂકી છે. અતારથી આટલી ગરમી છે તો વળી વઈશાખમાં કેવી દશા થશે, રામ જાણે.! પૈસાનો વેત કરી વેળાસર મોકલજે, જેથી લૂગડું- ઘરેણું લેવાની સમજ પડે. મારી અને તારી બાની તબિયત હારી છે. સવિ, કમુ અને સોમલાએ હૌએ તારી ખબર પુછાવી છે.તબિયત હાચવજે.પાનાચંદ શેઠની પેઢીએ જવાબ આલજે.

લિખિતંગ

રણછોડદાના જય સ્વામીનારાયણ

રૉબર્ટે કાગળ વાંચી પાછો આપતાં કહ્યું, ડોહાની વાત તો બરોબર છે. કુટુંબના મોભી રહ્યા તેથી સૌ કોઈ તેમની આશા રાખે. તેમનો આધાર તું તેથી તેઓ તારી આશા રાખે. એમાં મૂંઝાવાનુ શું? અને વાત રહી પૈસાના ઝાડની; તો આપણે એ ડૉલરિયા ઝાડનાં ફળ ખાવા માટે તો અહીં દોડી આવ્યા હતા તે કેમ ભૂલે છે? સમસ્યા છે, તો સમાધાન પણ છે. પ્રસંગ માથે લીધો છે, તો તે પાર પાડવો જ પડશે ને.!! રૉબર્ટે ખિસ્સામાંથી ફોન કાઢી નંબર જોડ્યો. હલ્લો !! સાંકળ સમાધાન ?

હા બોલ કોણ ?

હું રમણ, રોબર્ટ, જો સાંભળ, બે થી અઢી હજાર ડૉલર ઝુલાસણની પાનાચંદ શેઠની પેઢી ઉપર રણછોડદા પટેલના નામે પીતાંબર-પીટર તરફથી ટ્રાન્સફર કરવાના છે. ક્યારે કરે છે? એક પેટી થશે ને ?

એક પેટીની આજુબાજુ થશે.આજે સોમવાર છે, ગુરૂવાર શુક્રવાર સુધીમાં પહોંચી જશે, બીજું કૈં ?

“ના, જય શ્રી સ્વામીનારાયણ.”ફોન મૂકી, પીતાંબર-પીટર તરફ ફરી, હવે શાંતિ ? લે !! હવે ડોહાને વાત કર કે પૈસા મોકલી આપ્યા છે, એક પેટી છે.પાનાચંદની પેઢીએ ગુરૂવારે જઈ લઈ આવે.

***

સાંકળચંદ પટેલ એટલે સંકટ સમયની સાંકળ. અમેરિકન પાટીદાર સમાજનો મોભી. પાકો સત્સંગી અને સેવાભાવી જીવડો. કોઈ પણ સમસ્યાનું સચોટ સમાધાન ચપટીમાં. તેમની સેવા ૨૪X૭ એટલે કે ચોવીસ કલાક અને સાતેય દિવસ સતત ચાલુ; અને તેથી જ બધા તેમને ‘સાંકળચંદ સમાધાન` તરીકે ઓળખે.પટેલોના જન્મજાત ગુણ; પડતાંને પાટુ ના મારે, હાથ પકડી ઊભો કરે. તેમાંયે ખાસ કરીને પરદેશમાં વસતા પટેલોનો જીવનમંત્ર,`વિના સહકાર નહિ ઉદ્ધાર.' કોઈને પણ મુશ્કેલ સમયમાં મદદ કરવી એ એમનો વણલખાયેલો નિયમ. કોને પૈસા જોઈએ છે? કેમ જોઈએ છે? શા માટે જોઈએ છે? ક્યારે પાછા આવશે? કોઈ પણ જાતની પડપૂછ વગર એક બોલ ઉપર હાજર. તેમના આ ગુણ વડે તો તેઓ અમેરિકામાં સામ્રાજ્ય ચલાવે છે. પટેલ લૉબીનું આ મહત્ત્વનું જમા પાસું છે.

***

ઉત્તર ગુજરાતનો સાબરકાંઠા. બનાસકાંઠા નપાણિયો અને સૂક્કો ભઠ્ઠ પ્રદેશ. માંડ એક વર્ષ સારું જાય અને એની પાછળ બીજાં ત્રણ વર્ષ ભૂખડી બારશ જેવાં દોડતાં આવે. એક વર્ષની કમાણી ત્રણ વર્ષ વરસાદની રાહ જોવામાં ખર્ચાઇ જાય. ધંધા રોજગાર ખેતી આધારિત. હવામાનની અનિશ્વિતતા, મોંઘવારી, વસ્તુઓની અછત, બેફામ ભાવ-વધારો. લોકો કંટાળી ગયા. શહેરોમાં નોકરી શોધવા લાગ્યા.

લોકોના ભોળપણનો લાભ ટ્રાવેલિંગ એજન્ટોએ ઉઠાવવા માંડ્યો. ઈંગ્લેન્ડ,અમેરિકા અને દુબઈ જેવા વિશાળ અને મોટા દેશો. વસ્તી ઓછી અને નોકરીઓની પુષ્કળ તક, ઊંચા વેતન દર જેવાં પ્રલોભનો આપ્યાં. અહીં નોકરી નથી તો શું થયું, ત્યાં કામ કરનાર માણસો નથી. ત્યાં મોં માગ્યા દામ આપે છે. એમ કહીને લલચાવ્યા. લોકોને પરદેશમાં પૈસાનાં ઝાડ ઊગતાં દેખાયાં.

આવા બે મિત્રો રમણ અને પીતાંબર અમેરિકા આવી ગયા. રમણ બે વર્ષ પહેલાં અને ત્યારબાદ પીતાંબર. ટ્રાવેલિંગ એજન્ટ એક મૉટેલ માલિક મિ. જ્હૉનને સોંપી પલાયન થઈ ગયો. આલિશાન, ભવ્ય અને વિશાળ મૉટેલ, આધુનિક સગવડોથી સુસજ્જ અને રમણનો સાથ જોઈ પીતાંબર તો આભો જ બની ગયો. રમણે તેને સમજ આપીઃ ખાવા તથા રહેવાનું મફત અને ઉપરથી પગાર, અને વળી કામ પણ કેટલું સહેલું! રૂમમાં કચરો વાળવાનુ મશીન, પલંગની ચાદરો, ઓશીકાના ગલેફ (કવર), ટુવાલ, નેપકીન વગેરે કપડાં ધોવાનાં પણ મશીનથી, રૂમમાં સુગંધીદાર દવા છાંટવાની પણ મશીનથી, રૂમને ગરમ ઠંડો કરવાનું પણ મશીનથી, આપણે તો બસ સ્વિચ ચાલુ બંધ કરવાની. રમણે કામની બધી સમજ પાડી અને રાત્રે સૂવા માટે ભંડકિયામાં (બેઈઝમેન્ટમાં) લઈ ગયો. ગામમાં વિશાળ ફળિયામાં લીમડાની શીળી છાયામાં સૂવા ટેવાયેલ પીતાંબરને આ ચારે બાજુથી બંધ ભંડકિયામાં ગભરામણ થવા લાગી. રમણે સમજ પાડી અને એ.સી.ની સ્વિચ ચાલુ કરી.એ.સી.ની ઠંડકમાં લીમડાની શીળી છાયા ક્યાંય ભુલાઈ ગઈ અને એવી સરસ ઉંઘ આવી કે સવાર ક્યારે પડી તેની ખબરેય ના પડી.

***

અતીતનો કાળો અંધકાર કોઈને ગમતો નથી. ખાસ કરીને અમેરિકાની ધરતી પર પગ મૂક્યા પછી આધુનિકતાની હવા લાગી જાય છે.ખાવા-પીવાનું, પહેરવા-ઓઢવાનું, બોલચાલની ઢબ, રહેણીકરણી, અરે ! નામ સુદ્ધાં બદલાઈ જાય છે.

જયંતી અને જનાર્દન,
જ્હોન કે જેકી બની જાય છે;

વિનોદ અને વિનય,
વિલિયમ કે વીકી બની જાય છે;

મણીબહેન અને મંગળા,
મોના કે મેગી બની જાય છે;

કમળા અને કાશી,
કેરોલ કે કેથી બની જાય છે;

અરે! ભલેને કહી ગયો શેક્સપીયર,!!!
ગુલાબને ગમે તે નામ આપો,
ફક્ત તે તેની મધુર,
સુવાસથી જ ઓળખાય છે;’

અરે ! કાળાં કરતૂતો છુપાવવા,
અહીં નામનો જ ઉપયોગ થાય છે.!!!

આપણા ભારતના રમણ રૉબર્ટ અને પીતાંબર પીટર તરીકે અમેરિકામાં નવો જન્મ પામ્યા.

આપણે ભારતીઓ ખાસ કરીને ગુજરાતીઓ દરિયો ખેડી પરદેશ વસ્યા; સાહસિકો ગણાયા; પરંતુ આપણી ભીરૂતા ત્યજી શક્યા નહીં.અહીં અમેરિકામાં આવી, નાનાં જ્ઞાતિમંડળો રચ્યાં અને તેની પ્રવૃત્તિઓ પણ મંદિરો સુધી સીમિત રાખી. મંદિરોમાં સત્સંગ સભા અઠવાડિયામાં એક દિવસ થાય. જાતજાતના ભાઈઓ દૂર દૂરથી આવે. સત્સંગ પૂરો થયા બાદ સાંસારિક વાતચીતો થાય. સુખદુઃખની આપ લે થાય, અંદરોઅંદર સમાધાન શોધી રસ્તો કાઢી લે.

***

મણીભાઈ અને કમુબહેન બન્ને સત્સંગી. આફ્રિકાથી ઈદ્દી અમીનના અત્યાચારનો ભોગ બન્યા. ધનદોલત, મા-બાપ, ભાઈ-ભાંડુ સર્વસ્વ ગુમાવીને અમેરિકા આવી વસેલાં. બંન્ને એકલાં અને સમદુઃખિયાં.અહીં એક બીજાને મળ્યા.એક બીજાને સહારે સુખી થવાનાં સ્વપ્નાં સેવ્યાં. સત્સંગી ગુણાનુવાદ સભાએ ઉકેલ સુચવ્યો. બંન્ને એ તે સહર્ષ સ્વીકાર્યો અને સંસાર માંડ્યો. પ્રસન્ન દાંપત્યના પરિપાક રૂપે સુંદર પુત્રી સુનીતા પામ્યાં. મણીભાઇએ નાનો સ્ટોર્સ શરૂ કર્યો. સંસાર અને સ્ટોર્સ સારા ચાલવા લાગ્યા. વર્ષો સુખમાં વીત્યાં. સત્સંગ સભામાં આવતાં એક દિવસ મોટર અકસ્માતમાં મણીભાઈ અક્ષરવાસી થયા. કમુબહેનને માથે સંસાર અને સ્ટોર્સની બેવડી જવાબદારી આવી પડી સંત્સંગ સભામાં આવતા મણીભાઈના મિત્રોને તેણે વાત કરી સ્ટોર્સ ચલાવવા વિશ્વાસુ યોગ્ય માણસ શોધી જણાવવા કહ્યું.

જયંતી જોખમ, સત્સંગ સભામાં નિયમિત હાજરી આપે. અમેરિકામાં ગેરકાયદે પ્રવેશ કર્યો હોવાથી સંતાતો ફરે.મંદિર પરિસરમાં જ રહે. સત્સંગની અસર પારસમણિના સ્પર્શ જેવી થઈ. જયંતીનો ભૂતકાળ અંધકારમાં ઓગળી ગયો. સૌ સત્સંગીજનોનું કામ સમયસર અને ચીવટથી કરી આપે. કમુબહેનના સ્ટોર્સ માટે આખરે તેની પસંદગી થઈ.

જુઓ બહેન, હું મહેસાણાનો પટેલ છું. મારું નામ જયંતી છે. ગેરકાયદે પ્રવેશ કર્યો હોવાથી મેં મારું નામ જયંતીમાંથી જ્હોન કર્યુ છે. હું એકલો જ છું.રહેવાનું કોઈ ઠેકાણું નથી, એટલે મંદિરમાં જ રહું છું અને ત્યાં જ પતરાળી જમી લઉં છું. નોકરીની મને સખત જરૂર છે. તમે આશરો આપશો, તો તમારો ઉપકાર જનમભર નહીં ભૂલું.

***

જયંતીની નિખાલસ રજૂઆતથી કમુબહેન ખુશ થયાં. તેમણે જણાવ્યું. જો, જયંતી સ્ટોર્સ ચલાવવાનો, સ્ટોર્સની પાછળના ભાગમાં રહેવાનું તથા જમવા માટે ટિફિનની વ્યવસ્થા કરીશું. જો કામ વિશ્વાસપૂર્વક અને નફાકારક જણાશે તો આગળ ઉપર પગાર વધારા સાથે કમિશનનું પણ વિચારીશું. જયંતી ઉપર તો સ્વામી બાપાની મહેર થઈ. જ્યાં રહેવા-ખાવાનાં ઠેકાણાં નહોતાં, ત્યાં પગાર ઉપરાંત રહેવા જમવાની પણ વ્યવસ્થા.!!

જયંતીની આવડત અને ઈશ્વરની કૃપાથી સ્ટોર્સ હવે ૨૪ X ૭ ચાલવા લાગ્યો. ધીમે ધીમે નાના સ્ટોર્સમાંથી મોટો અને આલિશાન સ્ટોર્સ થઈ ગયો.

રૂમઝૂમ પગલે વસંત આવી. યુવાન પ્યાસાં હૈયાંમાં યૌવનનો થનગનાટ જાગી ઊઠ્યો. અનંગના રાગ છેડાયા, નજરો એક બીજા સાથે ટકરાવા લાગી. ‘નૈને નૈન મળે જ્યાં છાની વાતો હૈયાની કહેવાના, તમને પારકા માનું કે પોતાના’. નિયતિએ તેનું કાર્ય કર્યું. સુનીતા અને જ્હોનના માલિક અને નોકરના સંબંધો પ્રણયમાં પલટાયા. કમુબહેનની નજરમાં આવી ગયુ, જોડી મનમાં વસી ગઈ. બન્નેના હાથ પીળા થયા અને પ્રભુસ્મરણમાં ચિત્ત પરોવાયું.

જયંતી-જ્હોન અને સુનીતા-સોનિયાનો ધંધો વિકસ્યો. સ્ટોર્સમાંથી મૉટેલના ધંધામાં પ્રવેશ કર્યો. હાઈવે ઉપર આલિશાન ભવ્ય મૉટેલ શરૂ કરી. પહેલા રમણ-રોબર્ટ તરીકે અને તેના પગલે પીતાંબર - પીટર તરીકે જ્હોનની મૉટેલમાં ગોઠવાઈ ગયા.

***

સમય થોડો કોઈની રાહ જોવા થોભે છે? તે તો તેની રફતારથી પસાર થતો રહ્યો. જ્હોન અને સાંકળચંદની પુત્રીઓ જશોદા અને શારદા હવે યૌવનને આંગણે આવી ઊભી હતી; તેમની પત્નીઓ, સુનીતા અને શાંતા સારા અને યોગ્ય મુરતિયાની શોધમાં હતી. અમેરિકામાં વસવાટ દરમ્યાન પણ તેઓ ગુજરાતીપણું છોડી શક્યાં નહોતાં. ગ્રોસરી અને મંદિરમાં કથાવાર્તા પૂરતું જ બહાર જવાનું. હળવા-મળવાનું પણ બીજા લોકો સાથે ઓછું અને ગુજરાતી સમાજ પૂરતું મર્યાદિત. પુત્રીઓ જશોદા અને શારદા અહીં જ જન્મેલી અને અહીંના સમાજ અને આધુનિકતાથી ટેવાયેલી તેમની અપેક્ષાઓ અને અરમાનો પણ ઊંચા.

જ્હોન અને સાંકળચંદ, ધંધા વ્યવસાયે બહાર ફરતા હોવાથી બંને સંસ્કૃતિથી વાકેફ, પૂર્વની સંસ્કૃતિના ચાહક અને તરફદાર. પાશ્વાત્ય સંસ્કૃતિના માંસ, મદિરા અને જુગાર પ્રત્યે સૂગ અને અણગમો ધરાવનાર.

દીકરીઓનાં લગ્ન અંગે બંને કુટુંબો, મા-બાપ અને સંતાનોનો 'ટ્રાયો`રચાયો અને વાત ત્રિભેટે આવી અટકી. દીકરીઓ એક તરફ, મા બીજી તરફ અને બાપ ત્રીજી તરફ. ચડભડ થવા લાગી, મન ઊંચા થવા લાગ્યાં. માદીકરીઓને ગામડાંમાં દેવા રાજી નહીં, દીકરીઓ પણ ભારત (ઇન્ડિયા) જવા રાજી નહીં. બાપ ઘણું સમજાવે કે છોકરાને અહીં લાવી સેટલ કરાવીશું વગેરે. દીકરીઓ સામે પ્રશ્ન ઉઠાવે કે ગામડાંના ગમારને અહી આવી સેટ થતાં અર્ધી જિંદગી પૂરી થાય. યુવાનીનાં કિંમતી વર્ષો આમ વેડફાઈ જાય, પછી બાકી શું રહ્યું? તેમની માતાઓએ પણ તેમને સૂચક સંમતિ આપી.સત્સંગીઓની સમસ્યાઓનું સમાધાન કરાવી આપનાર સાંકળચંદ પણ પોતાની સમસ્યામાં અટવાયા.

સાંકળચંદના ઘર અને મંદિર વચ્ચે હાઈવે ઉપર જ્હોનની મૉટેલ હતી. મંદિરના કામથી પરવારી તેઓ ઘેર જવા નીકળ્યા. વિચાર્યું લાવ, જ્હોનને મળતો જાઉ.

જ્હોન કાઉન્ટર પાસે જ વિચારમગ્ન ઊભો હતો.

કેમ જ્હોન, શા વિચારમાં છે ? સાંકળચંદે મૉટેલમાં પેસતાં જ પ્રશ્વ કર્યો.

એક પછી એક ઝંઝટ ઊભી જ હોય છે. મૉટેલનું પતે ત્યાં સ્ટોર્સનું ઊભું થાય, સ્ટોર્સનું માંડ ઠેકાણું પાડું ત્યાં ગૅસ સ્ટેશનની બબાલ. આ બધો પથારો પાથરીને બેઠો છું, તેમાંથી બહાર નીકળાતું જ નથી. વિચાર થાય છે કે હું પણ તમારી સાથે મંદિરમાં આવી બેસી જાઉ.`

સાંકળચંદ અને જ્હોનની વાતો ચાલતી હતી, ત્યાં કામ પ્રસંગે રોબર્ટ જ્હોનને કંઈક પૂછવા આવ્યો. તેમને વાતો કરતા જોઈ તે બાજુ પર ઉભો રહી ગયો.

જય શ્રી સ્વામી નારાયણ, સાંકા કાકા કેમ છો ?

જયશ્રી સ્વામી નારાયણ, કોણ રોબર્ટ તો નહિ ? તું અહીં ક્યાંથી ? અહી તું શું કરે છે ?

હું અહીં જ્હોન ભાઈને ત્યાં નોકરી કરું છું.

સારું સારું.

રોબર્ટ જ્હોનની સાથે વાત કરીને જતો હતો, ત્યાં જ્હોને તેને કહ્યું અંદરથી સાંકળચંદ માટે કેસરવાળુ બદામનું દૂધ મોકલજે અને ધ્યાન રાખજે કાચના ગ્લાસમાં તેમને નહીં ખપે. પાકા મરજાદી છે, માટે ચાંદીના પ્યાલામાં મોકલાવજે.

રોબર્ટ બહાર માણસને સંદેશો આપી પોતાના કામે વળગ્યો. જ્હોન અને સાંકળચંદ એકલા પડ્યા.

આ રોબર્ટ તને કેવો લાગે છે ?

કેમ ? જ્હોને સામો પ્રશ્વ કર્યો.

કુંવારો છે?

હા.

મુરતિયા તરીકે કેવો.? તારા ગામનો છે ? વાત ચલાવવા જેવી છે ?

અરે ! સાંકળચંદ, તમે તો મારા મનની વાત જાણી લીધી. કેડમાં છોકરું અને ગામમાં ગોત્યું. જશોદાની મા રોજ ઘેર જીવ ખાય છે કે આ છોડી માટે મુરતિયો શોધો. છોડીને અને તેની માને ઇન્ડિયાનો મુરતિયો પસંદ નથી.

જ્હોન,મારે ઘેર પણ આજ રામાયણ છે.

સાંકળચંદે ચપટી વગાડતાં કહ્યું; સમસ્યાનો ઉકેલ મળી ગયો.

સાંકળચંદ, તારી વાત વિચારવા જેવી તો છે. રોબર્ટ અને પીટર બન્ને મહેનતુ, હોશિયાર, પ્રમાણિક અને વળી આપણા ગામના છોકરાઓ છે. બધી રીતે મેળ બેસે છે,પરંતુ આપણાં ઘરવાળાં, છોડીઓ અને આ છોકરાઓનો વિચાર જાણી લેવો જોઈએ.

એમ કરો, તમે આ રવિવારે ઘેર આવો. આપણે સાથે બેસી નિર્ણય લઈએ.

હા! બરોબર છે.

રવિવારે બન્ને કુટુંબો જ્હૉનને ત્યાં ભેગાં થયાં. સાંકળચંદે જણાવ્યું, આપણી સમસ્યાનો ઉકેલ અહીં ઘર બેઠાં જ મળી ગયો છે. રોબર્ટ અને પીટરને તો તમે ઓળખો જ છો. તે આપણા રમણ અને પીતાંબર પટેલ છે. ઉત્તર ગુજરાતના મહેસાણા પાસેના ઝુલાસણ અને નંદાસણ ગામના મૂળ વતની છે. ગેરકાયદે વસવાટ હોવાથી તેઓ રોબર્ટ અને પીટર નામે ઓળખાય છે. જ્હૉન ભાઈના હાથ નીચે ટ્રેઈન્ડ થયેલા અને તેમણે જ તેમને અહીં સેટલ કર્યા છે. તમારી ઇચ્છા હોય તો જણાવો તો પછી આપણે વાત આગળ ચલાવીએ.

સૌના મોં પર ખુશીનું મોજું ફરી વળ્યુ. સૌએ એકી અવાજે જણાવ્યું કે તમારા ઉકેલમાં કંઈ કહેવાપણું ના હોય, જે તમારી કસોટીમાંથી પાર ઉતરે તે સો ટચનું શુદ્ધ સોનું જ હોય. તમે વાત આગળ ચલાવો.

બીજા દિવસે સાંકળચંદ જ્હોનની મૉટેલે ગયા, અને બંને છોકરાઓને વાત કરી. તેમનો અને તેમનાં માબાપનો `હા`કે `ના` સ્પષ્ટ જવાબ અઠવાડિયામાં આપવા જણાવ્યું.

બંને છોકરાઓ હોશિયાર અને કાબેલ તો હતા જ. ગેરકાયદે પ્રવેશ હોવાથી વિલન ગ્રીન કાર્ડ તેમની સામે ડોળા કાઢી તેમનો વિકાસ અને કારકિર્દી રુંધતો હતો. લક્ષ્મી ચાંલ્લો કરવા સામે આવી હતી. ના પાડવાનો સવાલ જ નહોતો. માબાપની સંમતિની જરૂર હતી.

રાતોરાત ફોન જોડ્યા અને હકીકતની જાણ કરી; છોકરીઓ આપણા મહેસાણાના જયંતીલાલ અને સાંકળચંદ પટેલની છે. જયંતીલાલ મોટી મૉટેલ સ્ટોર્સ અને ગૅસ સ્ટેશનના માલિક છે,અને સાંકા કાકાને તો તમે જાણો જ છો.

છોકરાઓના ઉજ્જ્વળ ભવિષ્ય સામે લાચાર માબાપે મજબૂરીથી સંમતિ આપી; અને લગ્ન ઇન્ડિયામાં કરવા જણાવ્યું જેથી સૌ સગાંવહાલાં લગન માણી શકે. રોબર્ટે આ મુજબ સાંકળચંદને જવાબ આપ્યો.

સાંકળચંદે જ્હોનને વાત કરી. જ્હૉને ધંધાની વ્યસ્તતાને કારણે ઇન્ડિયા જવાની સ્પષ્ટ ના પાડી. સાંકળચંદે તેને ઠંડો પાડતાં કહ્યું.

તું બધું મારી ઉપર છોડી દે; તને મારામાં વિશ્વાસ છે ને ? જાનનો ખર્ચ તો આપણે ભોગવવો જ પડતો હોય છે, તો થોડો વધારે. આપણે તેમને ઇન્ડિયાથી અહીં બોલાવીશું, બસ?”

જ્હૉન ઠંડો પડ્યો. છોકરાઓને બોલાવી તેમનાં વડીલ જોડે વાત કરાવવા કહ્યું.

ફોન જોડીને રમણે કહ્યું બાપુજી, મેં સાંકાકાકાને વાત કરી છે, તેઓ તમારી જોડે વાત કરવા માંગે છે. ફોન ચાલુ રાખજો હું તેમને ફોન આપું છું. આમ કહી ફોન સાંકળચંદને આપ્યો.

જય શ્રી સ્વામી નારાયણ, રણછોડદા. સાંભળો, એક તો જયંતી ધંધામાથી સમય કાઢી ઇન્ડિયા આવી શકે તેમ નથી. બીજું, છોકરાઓ અહી ગેરકાયદે આવેલા છે તે તમે જાણો છો અને તેમની પાસે જરૂરી કાગળિયાં નથી, તેથી મુસાફરી કરવા જાય તો સરકાર તેમને પકડી જેલમાં ઘાલી દે. અને ત્રીજી અગત્યની વાત, આપણા સમાજમાં છોકરા જાન લઈ પરણવા જાય, છોકરીવાળા થોડા સામે આવે ? માટે ઇન્ડિયાની જીદ છોડી વાજતે ગાજતે આવી જાઓ.

સાંકળચંદ, જાન લઈને ત્યાં આવવાના પૈસા અમારી પાસે નથી. રણછોડદાએ ફોડ પાડ્યો…

રણછોડદા, એની ચિંતા તમે છોડો. તમારી જાનનો આવવા જવાનો ખર્ચ જયંતી આપશે, પછી કઈ વાંધો?

ના તો કંઈ વાંધો નથી.

તો જુઓ,અંબિકા ટ્રાવેલ એજન્ટને હું વાત કરું છું. તેને મળીને તેને જોઈતી વિગત પૂરી પાડજો. તે બધી વ્યવસ્થા કરી આપશે. અખાત્રીજ નું મૂરત રાખ્યું છે. તૈયારી કરવા માંડો. જય શ્રી સ્વામી નારાયણ. ફોન મુકાઈ ગયો. બધાંના હૈયે ટાઢક થઈ.

સાંકળચંદે સાવધાનીપૂર્વક જ્હૉન, રોબર્ટ, પીટરનાં નામો ટાળ્યાં હતાં. આ નામથી તેમને ગંધ આવે કે આ લોકોતો ખ્રિસ્તી છે તો પાછું લગ્નમાં સંકટ આવે. સમય તો આમ ચપટીમાં પસાર થઈ ગયો. બે દિવસ અગાઉ જાન ઇન્ડિયાથી આવી ગઈ.મૉટેલમાં તેમને ઉતારો આપ્યો હતો.

અખાત્રીજનો મંગળ દિવસ આવ્યો. બેન્કવેટ હૉલ સુંદર અને આધુનિક રીતે સજાવ્યો હતો. જ્હૉન અને સાંકળચંદની અમેરિકન પટેલ સમાજમાં સારી આબરૂ અને પ્રતિષ્ઠા ભર્યું સ્થાન હતું, તેથી આખો અમેરિકન પાટીદાર સમાજ લગ્નમાં હાજર હતો. ધીરે ધીરે હૉલની ખુરશીઓ ભરાવા લાગી. નાસ્તાની ડીશો અને પીણાંઓની ટ્રે લઈ માણસો ફરવા લાગ્યાં.

મહારાજે લગ્નની તૈયારીઓ કરવા માંડી. રમણ-રોબર્ટને જશોદા સામે અને પીતાંબર-પીટરને શારદા સામે ખુરશીઓ ગોઠવી માંહ્યરામાં બેસાડ્યાં. લગ્ન વિધિ શરૂ કરી. હૉલ શરણાઈના મંગળ સૂરોથી ગુંજી ઊઠ્યો. વરઘોડિયાં તથા તેમનાં અંગત કુટુંબીજનો સિવાય લગ્ન વિધિમાં કોઈને ઝાઝો રસ દેખાતો નહોતો, ફ્ક્ત હાજરીની ઔપચારિકતા જ હતી.

એક બાજુ લગ્નવિધિ ચાલતી હતી, તો બીજી બાજુ પોતાની મહામૂલી વ્હાલી દીકરીનું સુરક્ષિત અને સલામત રોકાણ (ઇન્વેસ્ટમેન્ટ) ક્યાં કરવું.પોતાના મોંઘામૂલના દીકરાની થાપણ (ફિકસ્ડ ડિપોઝીટ) ક્યાં વટાવવાથી વધુ વળતર મળી રહેશે તેની ભાંજગડમાં કુંવારા છોકરી-છોકરાનાં મા-બાપ જૂની જૂની ઓળખાણો કાઢી હસી ખુશીની આપ લે કરી લેતાં હતાં.

લગ્નવિધિ આટોપાઈ ગઈ. કન્યા વિદાયનો કરૂણ પ્રસંગ આવ્યો. વ્હાલસોઈ દીકરીને વળાંમણાનો પ્રસંગ.!! કઠણ કાળજાનો વજ્ર હ્રદયી બાપ જિંદગીમાં ભલે કદી ના રડ્યો હોય પણ આ પ્રસંગે તે પોતાનું હૈયું કાબૂમાં રાખી શકતો નથી; તેની આંખમાંથી દીકરીના વ્હાલનાં ચાર આંસુડાં ટપકી જ પડે છે.

અહીં પરિસ્થિતિ વિપરિત હતી. અહીં કન્યાની વિદાય નહોતી, કન્યાના વળામણાં નહોતાં,અહી તો વરની વિદાય હતી, વરનાં વળામણાં હતાં!!!

પોતાના ઘડપણની લાકડી સમા કંધોતર, કમાતા દીકરાને અહીં અમેરિકામાં છોડી શેષ જીવતરનો ઝુરાપો લઈ ઇન્ડિયા પાછા જવાનુ હતું. એ વરના માબાપની આંખમાંથી શ્રાવણ-ભાદરવાનાં ઘોડાપુર ઊમટી રહ્યાં હતાં.

આમ વર પક્ષનું `ડીસ ઈન્વેસ્ટમેન્ટ’ થયું હતું, જ્યારે કન્યા પક્ષવાળાએ દીકરી આપી દીકરો લઈ `લોન્ગ ટર્મ ઇન્વેસ્ટમેન્ટ કર્યું.

“દીકરો એ વહુની અમાનત છે,

દીકરી એ જમાઈની અમાનત છે.”

વર કન્યાનાં મા-બાપ એક્મેકને તેમની અમાનત સોંપી ૠણમુક્ત થયાં.

કુર્યાત સદા મંગલમ !


લેખકનાં સંપર્કસૂત્રો :-

૨૦, મીડો ડ્રાઈવ,

ટૉટૉવા એન જે. (૦૭૫૧૨)

ન્યુ જર્સી. (યુ.એસ.એ.)

ફોનઃ (૧) ૯૭૩ ૩૪૧ ૯૯૭૯

(૨) ૯૭૩ ૯૪૨ ૧૧૫૨

(મો) ૯૭૩ ૬૫૨ ૦૯૮૭

E-mail : mehtaumakant@yahoo.com