દરવાજો ખુલતાવેંત જ ડાલામથ્થો પોતાના શિકારને જોઈને ઘૂરકિયા કરતો હોય તે રીતે મીનાબેન કેશવભાઈ અને દ્રષ્ટિને જોઈને આંખો કાઢતા દેખાયા. મધરાતનાં સૂનકારને ગર્જના સાથે તોડતા મીનાબેન તાડૂકયા,"તમને કાંઈ ખબર પડે છે કે નહીં? રોજરોજ આમ ક્યાંકને ક્યાંક ભાગ્યા જાવ છો, અમે તો જાણે કેમ તમને રોજરોજ ઠેરઠેર શોધવા નવરાધૂપ જ હોઈએ. અરે! આ તમારો રોજનો ખેલ જોઈને સોસાયટીમાં અમારી ઈજ્જત શું રહેશે તેનો તમને કાંઈ ખ્યાલ પણ છે? પણ ના! તમારે તો અમને બદનામ જ કરવા છે ને! વાંદરો ઘરડો થાય પણ ગૂંલાટ થોડી ને ભૂલવાનો." "મમ્મી! બોલવામાં થોડું તો ધ્યાન રાખ, દાદાજીની ઉંમર જો." દ્રષ્ટિ માંડ આટલું બોલી રહી ત્યાં સટાક કરતી તેના ગાલ પર થપ્પડ પડી.
"મા સામે મોઢું ચલાવે છે? કોના સંસ્કાર છે આ? આમણે જ બગાડીને રાખી છે તને અને તું!! તને કાંઈ ભાન છે કે નહીં? આ બુઢ્ઢાની ડાગળી તો ચસકી ગઈ છે પણ તારું તો ઠેકાણે છે કે નહીં? કોઈને પૂછ્યા કહ્યા વગરની રાત્રે નીકળી ગઈ. અરે! આમની તો ઉંમર થઈ છે, એક્સપાયરી ડેટ ઉપર જીવી રહ્યા છે પણ તને કાંઈ થઈ જશે તો હું અને તારા પપ્પા કોઈને મોઢું બતાવવા જેવા નહીં રહીએ અને આ ડોસલો ક્યાંય જાય તેમ નથી. અહીં જ આવેત પાછો,નાટકબાજ છે એક નંબરનો." દ્રષ્ટિ પોતાના દાદાનાં અપમાનનાં વધુ કડવા ઘૂંટ ગળે ઉતારી શકે તેમ નહોતી આથી તે ભીની આંખોએ પગ પછાડતી પછાડતી લાલ ગાલ સાથે પોતાના રૂમ તરફ ચાલી ગઈ. નલિનભાઈ પોતાની પત્ની દ્વારા પોતાના પિતાની જીજીવિષાનું થતું ચીરહરણ નજરે નિહાળી રહ્યા હતા પણ તેઓ કાંઈ ઝાઝું કરી શકે તેવી સ્થિતિમાં નહોતા બલ્કે કરવા પણ માંગતા નહોતા. તેમણે પણ ડિચકારો દઈને ત્યાંથી ચાલતા ચાલતા બાપને વધુ અપમાનિત કરવામાં કસર છોડી નહોતી.
એકંદરે છેલ્લા એક અઠવાડિયામાં બનેલો ઘટનાક્રમ કેશવભાઈની જિંદગીને વધુ ને વધુ ઝેર બનાવી રહ્યો હતો. કેશવભાઈએ ક્યારેય પણ કોઈનાં આટલા ધૂત્કારનો સામનો કર્યો નહોતો અને તેથી જ ફરી તેમની આંખોમાંથી ગંગા જમના વહેવાના શરૂ થયા. મીનાબેન જાણે હજુ કોઈ આગતાસ્વાગતા બાકી હોય તેમ આ જોઇ તેમનો પારો વધુ ઊંચે ચડ્યો અને રીતસર રાડ પાડી,"આ પીલૂડાં પાડવાના બંધ કરો,તમને કાંઈ અમે એવા દુ:ખ નથી દઈ દીધા કે રોયરોય કરો છો." કેશવભાઈ હવે રોવાનો હક પણ ખોઈ ચૂક્યા હતા. શરીર તો અપંગ બની ચૂક્યું હતું પણ હૈયાને પણ અપંગ બનાવી દેવાનો આદેશ પારીત કરી દેવામાં આવ્યો હતો. સમગ્ર કંકાસ બાદ બાકી બધા તો ઘસઘસાટ સૂઈ ચૂક્યા હતા પણ કેશવભાઈની અંદરની વિષાદની જ્વાળા તેને ધરાર જગાવી રહી હતી અને અંદરથી તેને બાળી રહી હતી.
હજુ ૧૫ દિવસો પહેલાની તો વાત હતી કે પોતાના જન્મદિવસ પર એક ભવ્ય મિજબાનીનું આયોજન પોતાના પરિવારે પોતાના માટે કર્યું હતું. બધા કેવા હરખમાં હતા અને કિલ્લોલ કરી રહ્યા હતા.આજનાં દિવસનો તો જરા પણ,તસુ ભાર પણ અંદેશો નહોતો. મીના તો કેવી જાણે,દેવીનો અવતાર હોય તેમ જ વર્તતી! પોતાનો પડ્યો બોલ ઝીલતી અને નલિન! એને તો પોતાના વગર ચાલતું જ નહીં, કહો કે ચેન જ ના પડતો. તો પછી આજે થયું તે બધું શું હતું? ભ્રમ કે પછી મોહભંગ? હકીકત આજ હતી તો ગઈકાલ શું હતી? માત્ર માયા? શું રૂપિયો જ સર્વસ્વ છે? પ્રશ્નો હજાર હતા પણ ઉત્તર તે એવા પ્રશ્નોનાં શોધી રહ્યા હતા કે જેના જવાબ તેને જાણવા જ નહોતા અને આ સવાલ જવાબનાં ચક્રવ્યૂહે તેમને તતપૂરતાં બેશુદ્ધ બનાવી દીધા પણ રાત પછીની સવાર તેમના માટે કાંઈ બદલાવ લાવવાની નહોતી.
વ્હીલચેર પર જ સૂઈ ગયેલા કેશવભાઈની ચેરને નલિનભાઈનો ભૂલથી ધક્કો વાગી જતાં તે ચેર સામે ઉભેલા મીનાબેનનાં પગ પર કેશવભાઈનાં ભાર સાથે ચાલી ગઈ. મીનાબેનની રીતસર રાડ ફાટી ગઈ અને તે દર્દથી કણસવા લાગ્યા. વાંક કોનો છે કે કસૂરવાર કોણ છે તેના પર ધ્યાન આપ્યા વગર તેમણે ગુસ્સામાં આવીને વ્હીલચેરને પડખાભેર ફંગોળી. એકાએક થયેલા આ પ્રહારથી કેશવભાઈ ડઘાઈ ગયા પણ તેમની પાસે સ્વબચાવનો કોઈ સમય નહોતો અને હોત તો પણ તેઓ લાચાર જ હોત. ભોંયભેર પડતા વેંત તેમના બરડ થયેલા પગમાંથી લોહી નીકળવું શરૂ થયું. દર્દને અનુભવવા માટે ના તો તેમને શરીરની છૂટ હતી કે ના તો મનની. તેમના જીવનની દોર હવે કોઈ અન્યનાં હાથમાં હતી. કેશવભાઈને થયેલ ઇજા છતાં તેમના લાગનીશૂન્ય પુત્ર કે પુત્રવધૂમાંથી કોઈ તેમને મદદ કરવા આગળ ના આવ્યું. દ્રષ્ટિનાં રૂમને બહારથી મરાયેલ સ્ટોપર તેને પણ પોતાના દાદાની મદદે આવવામાં વિઘ્ન ઉભું કરી રહી હતી. કેશવભાઈ જમીન પર તરફડીયા મારી રહ્યા હતા ત્યાં એકાએક તેમને પોતાના પગ પાસે કોઈ હોવાની અનુભૂતિ થઈ. ત્રાસા ચહેરે તે વધુ તો જોઈ શકે તેમ નહોતા પણ હા! આગુંતકનો પડછાયો પોતાને થયેલ ઇજા પર કપડું બાંધી રહ્યો હોય તેવો અણસાર આવી રહ્યો હતો. દ્રષ્ટિ હશે તેમ માનીને કેશવભાઈનાં જીવમાં જીવ બેઠો પણ જ્યારે તેમણે નલિનભાઇનાં મુખેથી આગુંતકનું નામ સાંભળ્યું તો તે સડક થઈ ગયા. "અરે! શૌર્ય તું?" (ક્રમશ:)
-'ક્ષિતિજ'