હજુ અર્ધ નિંદ્રા માં જ છે, ને હળવું હળવું મલકાઈ છે, કોઈ પરી કથા સાંભળે છે? કે સ્વપ્ન માં છે? એવો અહેસાસ થતો હતો. બારી માંથી આવતી ઠંડા પવન ની લહેરકી એના વાળ એના ગાલ પર ધકેલી ને એના વાળ સાથે ગમ્મત એ ચડી હોઈ એવું લાગે છે. હળવેથી ગાલ પર થયેલ ચુંબન કેટલું હુંફાળું અને મોહક હતું, અચાનક એને એવો અનુભવ થયો. હળવે થી આંખ ઉઘાડી ને જોયું તો સામે ના ડ્રેસિંગ પાસે ઉભો વિરાજ શેવિંગ કરતો હતો. યશ્વી ને આંખ ખોલતા જોઈને મોહક સ્મિત સાથે બોલ્યો "ગુડ મોર્નિંગ યશુ", આજ નો દિવસ કેટલો સ્પેશ્યલ છે, તને યાદ છેને? યશ્વીએ હસીને હકાર માં જવાબ દીધો.
યશ્વી પથારી માં જ બેઠી થઇ. એની નજર બારી માંથી દેખાતા લીમડાના ઝાડ પર સ્થિર થઇ, એક નર અને માદા સુગરી એનો માળો બનાવવા તણખલા જોડતા હતા. આજ થી પાંચ વર્ષ પહેલા યશ્વી એ એના માતા પિતા ને વિરાજ ની વાત કરી હતી ને પછી...
એ વાત ને પાંચ વર્ષ વીતી ગયા છતાંય વાત કેટલી તાજી લાગે છે? જાણે કાલે જ તો બની છે.
હજુ પળભર આટલો વિચાર આવે ત્યાં ડાઇનિંગ હોલ માંથી મધુબેન નો અવાજ આવ્યો. યશુ! ઊઠજે બેટા, તારે ઓફિસે જવામાં મોડું થશે. હા મમ્મી ઉઠી ગઈ છું, આવું હમણાં, કહી ને એ બેડ માંથી ઉઠી ને વિરાજ ને પ્રેમભર્યું આલીંગન આપી ને બોલી Wish you a very happy marriage anniversary વિરાજ.
વિરાજ શેવિંગ કરતા કરતા જ Same too you dear એમ કહી યશુ ના માથા પર હુંફાળું ચુંબન કર્યું. આજે ઓફિએથી વેલી ફ્રી થઇ જજે, હું તને લેવા આવીશ વિરાજ એ કહ્યું. પણ હું તો આજે ઓફિએ જવાની જ નથી. યશુ રમુજી અવાજ માં હોલ માં જતા જતા બોલી. યશુ! પાછી બુમ પાડવા જતા મધુબેન યશ્વીને જોઈને બોલ્યા, સમજતી જ નથી છોકરી, તારે જ મોડું થશે.એમ કહી એ રસોડામાં ગયા. યશ્વી ને વિરાજ નું ટિફિન ભરવા લાગ્યા. ત્યાં જ યશ્વી મધુબેનને પગે લગતા બોલી મમ્મી આજે મારી અને વિરાજ ની લગ્નતિથિ છે, આશીર્વાદ આપો. મધુબેનએ ગુલાબજાંબુ નો ડબ્બો બંધ કરતા કહ્યું, લાબું જીવો ને સદાય સાથે રહો. એમ કહીને યશ્વી ને બાથ માં લીધી. યશ્વી ગુલાબજાંબુ નો ડબ્બો જોતા જ ખુશી થી ઉછળી ને ડબ્બો ખોલતા બોલી, અરે વાહ!!! મમ્મી, તમે ગુલાબજાંબુ ક્યારે બનવી દીધા? મધુબેનએ યશ્વી ના હાથ માંથી ડબ્બો પાછો લેતા બોલ્યા, જા પેલા બ્રેશ કર, ફ્રેશ થા, ઠાકોરજી ના આશીર્વાદ લે, ને પછી કઈ પણ ખાજે. આમતો હવે યશ્વી ને આદત પડી ગઇતી કે નાહી ધોઈ ને પછી જ કંઈ પણ વસ્તુ ખાવાની. આ વિરાજ ના ઘર ની રીત હતી. અહીંયા દરેક સભ્ય આ રીત પ્રમાણે જ ચાલતું.
હજુ યશ્વી સોફા પર બેસવા જતીતી ત્યાં જ યશ્વી ના ઘરે થી કોલ આવ્યો. મમ્મી પપ્પા સાથે ખુશી માં મોટા અવાજે થી વાત કરતી યશ્વી ની સામે જરાક મધુબેનની ઊડતી નજર પડી અને યશ્વી ધીમા સાદે આવી ગઈ. એ વાત કલાકો સુધી ચાલી. મધુબેનને આમાં ક્યારેય કોઈ ફરિયાદ નહતી. પરંતુ અમુક નિયમો અને સભ્યતા નું ચોક્કસ પણે પાલન થવું જોઈએ એવું એમને લાગતું હતું.છેલ્લે બેન બનેવી અને નાની પરી સાથે કાલી ઘેલી ભાષામાં વાત પુરી કરી.૯.૩૦ ના ટકોરે વિરાજ ઓફિએ જવા માટે નીકળ્યો. ઘરમાં હવે મધુબેન અને યશ્વી બે જ હતા. ઘરકામ પતાવી નાની મોટી શોપિંગ કરીને સાસુ વહું ઘરે આવ્યા, ત્યાં ૧૨:૩૦ જેવું થયું હતું. શિતલ હજુ કૉલેજથી આવી નહતી એટલે એ ન્યૂઝ પેપર લઇ ને બેઠી. પણ એને કોઈ પણ વાત માં મન ચોંટતું નહતું. યશ્વી સોફા પર પગ લાંબા કરતા કરતા બોલી, મમ્મી હું શું ગિફ્ટ આપું વિરાજ ને? મધુબેન કહે તમારી આજકાલ ની પેઢી માં તો અમને કંઈ ખબર ના પડે, શું ગિફ્ટ અપાય એ.
હું અને તારા પપ્પા તો લગ્નતિથિ પર કોઈ જરૂરિયાત મંદ લોકો ને યથાશક્તિ મદદ કરીયે અને સારું ભોજન બનવી જમીયે. બસ આજ અમારી દરવખત ની લગ્નતિથિ.
સ્કુટી પાર્ક થવાનો અવાજ સાંભળતા જ યશ્વી દરવાજા તરફ દોડી, દરવાજા ની બેલ વાગે એ પહેલા જ દરવાજો ખોલી ને ઉભી રહી ગઈ. શિતલએ આવતા જ બૂમ પાળીને યશ્વીને ભેટી પડી. હેપી એન્નીવર્સરી યશુ. થૅન્ક યુ નણંદબા કહી યશ્વી પણ શીતલને ભેટી પડી. હું ક્યારની તારી જ રાહ જોતી હતી,હજુ તો દરવાજા પાર જ ઉભેલી શીતળ ને યશ્વી એ પૂછ્યું તું કે ને હું વિરાજ ને શું ગિફ્ટ આપું? ભાઈ ને શું ગિફ્ટ આપવી એની સલાહ પણ અમે જ આપીએ ભાભી? આતે કેવું? તમે જ કંઈક વિચારો, કંઈ સારું રોમેન્ટિક.. કાન માં કહીને મજાક ના ભાવે યશ્વી ને ધકો મારી ફ્રેશ થવા જતી રઈ.
યશ્વી એ વિચાર્યુંતું તો ખરા કે સાંજે પપ્પા અને વિરાજ બંને આવે પછી સહ પરિવાર ક્યાંક જઈશું. પણ આ આઈડિયા ને શિતલ અને મધુબેન બંનેએ રિજેક્ટ કરી દીધો. હવે યશ્વી એ કેક બનાવવાની તૈયારી શરૂ કરી. વિરાજ ની ફેવરિટ ચોકોલેટ ચિપ્સ બે કલાક માં તૈયાર થઇ ગઈ.
યશ્વીએ નાની નાની નોટ્સ લઇને કેટ કેટલીય નાની નાની વાતો લખી જે યશ્વી અને વિરાજ હંમેશા જોડે કરતા. આ બધી તૈયારી ચાલતી હતી. હજુ બપોરના ૩:00 વાગ્યા હશે, ત્યાં ડોરબેલ વાગી યશુ તરત દોડી ને ડોર ખોલવા ગઈ એને ખબર હતી કે કોણ હશે.
ડોર ખોલતા જ રેડ રોઝીઝ ના બુકે જોડે વિરાજ દરવાજા પર ઉભો હતો. એને જોઈ ને યશ્વી કૂદી પળી, હાથ માંથી બુકે લઇને એ વિરાજને ભેટી પડે એ પહેલા જ (મજાક માં), અરે અંદર તો આવવાદે,એમ કહી યશ્વી ને જરાક દૂર કરીને એ અંદર જતો રહ્યો અને ઉંચા અવાજમાં બોલ્યો, આજે સાંજે સાત વાગે બધા તૈયાર થઇ જજો, આપડે સાંજે બહાર જમવા જઈશું ને મૂવી જોવા જઈશું. બહાર આવવાની તસ્તી પણ ના લેતી હોઈ એમ શિતલએ એના રીડીંગ રૂમમાંથી જ બૂમ પાળી દીધી. એનિવર્સરી તમારા લોકોની છે, આખા પરિવારની નથી. અમે નહી આવીયે. પણ શું કામ? એમ બોલીને શિતલ ના રૂમમાં જતી યશ્વીને મધુબેનએ એ બોલાવી. બેટા આજનો દિવસ તમારા બંનેનો છે. તમે બંને સાથે હરો-ફરો અને જૂની યાદો ને પળોને તાજી કરો,આવા આગ્રહ સાથે મધુબેન અંદર રૂમમાં જતા રહ્યા.
યશ્વી અને વિરાજ યશ્વી એ બનાવેલી ચિટ ખોલીને એમાં લખેલી એ વાતો ને વાંચીને એ કિસ્સાઓ ને યાદ કરી હસતા હતા કેટલા નાદાન હતા આપડે હેને? વિરાજ એ હકાર માં માથું હુલાવ્યું. યશ્વી ને અચાનક કંઈક વિચાર આવ્યો, વિરાજ ના ખોળા માં માથું રાખી હીંચકા પર હીંચકતી યશ્વી એ વિરાજ ના હાથ માંથી બુક લઇ ને કહ્યું, ચાલને આજે કંઈક એવું કરીયે કે આપણને આપણી કૉલેજ લાઈફ યાદ આવે? વિરાજએ એના હાથ માંથી બુક પાછી ખેંચતા કહ્યું, બેચલર લાઈફ? અને એય પાછી તારી સાથે? ના ભાઈ ના એ રિસ્ક પાછું હું ના લવ. યશ્વી જોશથી હસવા લાગી અને બોલી, હિમ્મત જોઈએ મારી સાથે પાછું જુવાન થવા. તું તો હવે ઘરડો થઇ ગયો. એમ કહી ને છણકો કરીને જતી યશ્વીને પોતાની બાજુ ખેંચીને વિરાજ બોલ્યો, ગોલ્ડન ટાઈમ હતો એ, હેને યશુ?
જુના આલબમ્સ ના ફોટોસ, જૂની વાતોને અને એની સાથે જોડાયેલી યાદો વાગોળતા બન્ને સાંજના સાત વાગ્યા સુધી એમજ હીંચકે બેસી રહ્યા.
શ્રીકાંન્તભાઈ ના આવતા જ ઘર માં પાછી ચહેલ પહેલ શરૂ થઇ. વિરાજ અને યશ્વીને જોતા જ પૂછ્યું, તમે લોકો ક્યાંય ગયા નથી?
આ યશુ ના લીધે. બહું બોરિંગ માણસ છે, એમ કહી વિરાજ શ્રીકાંન્તભાઈને પગે લાગ્યો. યશ્વીએ પણ નીચે નમી. લાબું ને મધુર જીવન જીવો એવા આષિશ કહી ને શ્રીકાંન્તભાઈએ યશ્વીના હાથમાં એક નાની ડબ્બી મૂકી. આ મારા અને તમારા મમ્મી તરફથી તમને નાની એવી ભેટ. આશ્ચર્ય અને ખુશી ના સમિશ્રીત ભાવ સાથે યશ્વીએ ડબ્બી ખોલી. એમાં કાનની બાલીઓ હતી, એ જ બાલી જે એને મધુબેનને ઓનલાઇન બતાવી હતી. પણ ત્યારે કઈ પ્રસંગ ના હોવાથી લેવાનું ટાળ્યું હતું.
બધા આજે કેટલા ખુશ હતા? વાત વાત માં બાળકની વાત નીકળી, અનાયાસએ મધુબેનથી બોલાઈ ગયું, હવે તો આ ઘર એય કિલકારીથી ગુંજે તો જીવન સફળ થાય. અનાયાસે મન ની વાત યશ્વી સામે બોલાઈ જતા મધુબેનએ વાત વાળવાનો પ્રયાસ કરતા બોલ્યા હજુ તો છોકરાઓ નાના છે, સમય આવ્યે બધું ઠાકોરજી ઠીક કરશે. પણ યશ્વી રડવા જેવી થઇ ગઈ, એ તરત રૂમમાં જતી રહી. બધાને ખબર હતી કે યશ્વી ને શું વાત નું દુઃખ છે.
યશ્વીએ ઘરના દરેક સભ્ય નું મનપસંદ પાત્ર છે અને એ આટલા સુખી પરિવાર માં હોવા છતાંય એને હજુ કંઈક અધૂરું હોઈ એવું લાગતું હતું. પોતે અધૂરી હોઈ એવું લાગતું હતું.
રાત ના ૯ વાગ્યા હશે. બંને ડિનર કરીને ફાઈવ સ્ટાર હોટેલ માંથી બહાર નીકળ્યા. એટલા માં યશ્વીની નજર સામે ઉભેલી બરફ ગોળાની લારી પાર પડી. બરફ ના ગોળા ની લારી જોઈને યશ્વી એ તોફાન ભર્યા અવાજમાં કહ્યું,
હું ગોળો ખાઇસ! યશ્વી ના આવા ભાવ જોઈને વિરાજ તરત કળી ગયો કે યશ્વી શું કરવાનું વિચારતી હતી. આજે નઈ હા યશ્વી, હવે આપડે મોટા થઇ ગયા છીએ, લોકો જોવે... આ વાક્ય પૂરું થાઇ એ પહેલા યશ્વી બરફ ગોળની લારી પાસે જઈને કે, કાકા એક બરફ નો ગોળો મને બનાવા આપો. વિરાજ પાછળ દોડ્યો પણ કાકા અને યશ્વી વચ્ચે કંઈક સમજણ થઇ ગઈ હતી. યશ્વીએ ફરી એક વાર સખત ખાટો બરફનો ગોળો બનાવ્યો, વર્ષો પછી...
આસપાસ ના લોકો અંદર અંદર હસતા હતા. પણ યશ્વી ને ક્યાં કઈ ફેર પડે? ગોળો લઈને પૈસા ચૂકવી બંને એક બાકડા પર જઈને બેઠા. વિરાજ એની સામે એકી નજરે જોતો હતો. યશુ તને ખબર છે? તું હજુ પણ પાંચ વર્ષ પહેલાની યશુ જ છો. બસ થોડી સમજદાર થઇ ગઈ છે.
સાવ જાહિલ, જંગલી કેહવાતી, લેધર જેકેટ પહેરીને બુલેટ ચલાવતી છોકરી આજે એની સામે ટ્રેડિશનલ ડ્રેસ માં બેઠી હતી. વિરાજે યશ્વી નો હાથ પોતાના હાથ માં લીધો અને બોલ્યો, ઘણું બધું બદલાઈ ગયું છેને યશુ? બરફ ની ચુસ્કી લેતી અને વિરાજ સામે બરફનો ગોળો ધરી ને યશ્વી બોલી હા ઘણું બધું બદલાઈ ગયું છે.
થોડા અનુભવો અને થોડા નસીબ એ જે પાઠ શીખ્વાડ્યા છે બસ આ સમજદારી એને જ આભારી છે (યશ્વી સ્મિત સાથે બોલી).
પાંચ વર્ષ પહેલા આજ દિવસે યશુએ એના ઘરે વિરાજ ની વાત કરી હતી.
નોર્મલ ફેમિલી કરતા સાવ જુદા જ સબંધ હતા આ ફેમિલીમાં. બે દીકરીઓ દીકરા કરતાંય વિશેષ હતી.
યશ્વી એ જયારે ઘરે વિરાજ ની વાત કરી ત્યારે સૌથી વધારે ખુશી એના પિતા ભાવેશભાઈને થઇ હતી. છેલ્લા 2/3 વર્ષ થી છોકરો શોધી રહેલા એના પિતા ને ખબર પડી કે યશુ ને કોઈ ગમે છે, તો એ જાણવા તત્પર હતા કે એ છોકરો છે કોણ?
છોકરા વિશે ઉપર છલ્લી માહિતી સાંભળીને ભાવેશભાઈ ખુશ હતા. બસ ખાલી એનું ફેમિલી થોડું રૂઢિચુસ્ત છે, એ જાણીને એના પિતાને દુઃખ થયું. નાનપણથી પોતાની મરજી પ્રમાણે જીવેલી યશુને એ લોકો ના ઘરમાં ફાવશે કે કેમ? એ વાતે રસિકભાઈને મૂંઝવણમાં મૂકી દીધા હતા.
પણ જયારે એ વિરાજ ને મળ્યા ત્યારે એના મન ને શાંતિ વળી. વિરાજ સ્વભાવે શાંત અને સુલજેલો લાગતો હતો. આ જોઈ ને યશ્વી ના પાપા એ બે વાર વિરાજ ને પૂછી લીધું તમે સાચે યશ્વી ને પ્રેમ કરો છો? યશ્વીએ જયારે આખો કાઢી ત્યારે આખો પરિવાર હસી પડ્યો.
હવે રાહ હતી વિરાજ ના ઘરે વાત કરવાની. એને ખબર જ હતી એ પ્રસંગ એના જીવન માં ત્રીજા વિશ્વ યુદ્ધથી ઓછો નહિ હોઈ, તેમ છતાંય એને હિંમત ભેગી કરીને વાત એના પાપા ને કરી. બીજી નાતની છોકરી ઘરમાં લાવાના વિચાર માત્ર થી વિરાજ ના પાપા નો મગજ બગડ્યો, ને પ્રથમ પ્રયાસ નિષ્ફળ ગયો. એ પછીના છ મહિનાના સુધી વારે વારે એક જ વિષયની ચર્ચાથી કંટાળીને વિરાજના પપ્પાએ યશ્વીના પપ્પા જોડે મળવાની વાત સ્વીકારી લીધી. મળ્યા પછી મનને થોડી શાંતિ મળે એવો પ્રતિભાવ આવ્યો. “વિચારશું” ને બસ પછી છ મહિના માં જ વિરાજ અને યશ્વી ના લગ્ન ખુબ જ સાદાઈથી અને આમ જોવો તો ખુબ ભવ્ય રીતે પત્યા. દરેક વિધિ માં સાથે રહી, વિધિ અને રિવાજ પાછળ ના ભાવાર્થને સમજી, "પ્રેમીઓ માંથી પતિ પત્ની બન્યા".
સાવ અલગ જ પરિવાર માં નાને થી મોટી થયેલી યશ્વી હવે રૂઢિચુસ્ત અને નીતિ નિયમ વાળા પરિવાર સાથે રેવાનું શરું કર્યું હતું. યશ્વી પોતાની નોકરી ની સાથે સાથે ઘર પણ સાંભળવા લાગી હતી. બધું જ શાંતિ થી ચાલતું હતું. ક્યારેક નાની મોટી ખેંચતાણ અને છેલ્લે પ્રેમ ભરી મનાવટ મહિના દાળે થઇ જતી. મધુબેન અને શિતલ પ્રત્યે હવે યશ્વી ને માયા બંધાઈ ગઈ હતી. ઘણી વાર મધુબેન નો કડક સ્વભાવ અને શિતલ ની નાદાની યશ્વી મોટા મને જવા દેતી. એવી જ રીતે શિતલ નું વ્યસ્ત વર્ક શેડ્યૂલ, પતિ સાથે ની અચાનક ગોઠવાઈ જતી પાર્ટી ના પ્લાનિંગ, ઘરના સહર્ષ સ્વીકરી લેતા.
દરરોજ ની માફક મધુબેન નો હોલ માંથી અવાજ આવ્યો યશુ! ઊઠજે બેટા, ઓફિસએ જવામાં મોડું થશે. પણ સામેથી કોઈ પ્રતિસાદ ન આવ્યો. વિરાજને પણ નાઈટ શિફ્ટ હતી. દરરોજ ની જેમ આજે યશ્વી નો પ્રતિસાદ ના મળ્યો એટલે મધુબેન રૂમમાં ગયા અને એ દ્રસ્ય જોઈને મધુબેન સ્તબ્ધ થઇ ગયા. યશ્વી બેભાન હાલતમાં નીચે પડી હતી. મધુબેન ને કાંઈજ સમજાતું નહતું. છતાંય આવી પરિસ્થિતિ માં પણ મધુબેન એ હિમ્મત રાખી, શ્રીકાંતભાઈ અને શિતલ ને બોલાવીને યશ્વીને હોસ્પિટલ લઇ ગયા.
હોસ્પિટલ પહોંચતા જ વિરાજ પણ ત્યાં આવી ગયો. અચાનક થઇ ગયેલ ઘટનાથી ગભરાઈ ગયો હતો.એ તરત યશ્વી ના વોર્ડ તરફ દોડ્યો ને ડોક્ટરે અંદર આવાની ના પડી હતી છતાંય એ રૂમમાં જવા પ્રયાસ કરતો હતો. અંતે એ થોડો શાંત થઇ ને ડોક્ટર ની રાહ જોતો રૂમના દરવાજાની બહાર ઉભો રહ્યો.
ડોક્ટર બહાર આવ્યા અને જે સમાચાર આપ્યા એ વિરાજ અને એના પુરા પરિવાર માટે હર્ષ ના સમાચાર હતા. હા! યશ્વી પ્રેગનેન્ટ હતી. પણ આ સુખી સમાચાર વચ્ચે એક ચિંતા હતી. યશ્વી નું શરીર ખુબ નબળું હોવાથી એ આ બાળક ને પોષી શકશે કે કેમ એ ડોક્ટર ને ચિંતા હતી. કાલ સવાર સુધી યશ્વીને અહીંયા જ રાખવાની છે. બધા ટેસ્ટ થઇ ગયા પછી જ આગળ નિર્ણય કરવાનું કહી ડોક્ટરે વોર્ડ માંથી બહાર જતા રહ્યા.
હરખઘેલો થયેલ વિરાજ તરત વોર્ડ માં દોડી ગયો ને યશ્વી ને ભેટી ગયો. પાછળ થી બધા ઘરના સભ્યો નો અવાજ સાંભળી એ જરાક સ્વસ્થ થયો ને બધાએ આવી ને યશ્વી ને ખુબ શુભકામનાઓ આપી. બધું કેટલું સુખદ, ખુશીરૂપ, આનંદ દાયક હતું. પણ આ સુખદ ક્ષણો કેટલી વાર રહેશે? એવો ભય યશ્વી ને સતત સતાવતો હતો. બધા ના મોઢા પર સ્મિત જોઈ ને એ પોતાનો ડર પી જતી.હવે કાલે શું રિપોર્ટ આવશે? ને યશવી ને એના પરિવાર જનો શું નિર્ણય લેશે?
ક્રમશ: