લલિતની કબૂલાતથી ઝાલાને વિચાર આવ્યો, ‘આ માણસ અભિલાષાની હત્યાની યોજના વિશે અજાણ છે. મનીષાબેન અને તેની મેસેજ બાબતની કબૂલાતમાં સહેજ ય વિરોધાભાસ નથી. ઊલટું લલિતે તો, આરવીએ તેને શું મેસેજ કર્યા હતા તે પણ જણાવી દીધું છે. વળી, હત્યાની રાત્રે તે આરવી કે અભિલાષાના રૂમની આસપાસ ફરક્યો જ નથી. આમેય, તેવું કંઈ પણ થયું હોત તો મનીષાબેન તેને ચોક્કસ જોઈ ગયા હોત.
આરવીએ કરેલા મેસેજ બાબતે વિચાર કરીએ તો સ્પષ્ટ થાય છે કે તે કોલ્ડ ડ્રિંક લેવા નીચે ગઈ ત્યારે તેણે લલિતને પહેલો મેસેજ કર્યો હતો. તેના બીજા મેસેજમાં અભિલાષાની હત્યા કરવાનો, ન કરવા જેવું કામ કરવાનો આડકતરો ઉલ્લેખ છે. પરંતુ, હત્યાની યોજના વિશે અજાણ લલિત તેને ધમકી સમજી બેઠો. પછી, લલિતે જે દ્વિધા અનુભવી તે ય ખોટી નથી. આરવી અભિલાષાને, તેના અને લલિતના સંબંધો વિશે લલિતની પહેલા જાણ કરી દે તો, લલિતને પોતાનો પક્ષ રજૂ કરવાનો મોકો જ ન મળે. આત્મસમર્પણ કરવા ઘરેથી નીકળેલો ભાગેડુ આરોપી કોર્ટ રૂમ સુધી પહોંચ્યા પહેલા પકડાઈ જાય તો તે, જીવનભર સાબિત નથી કરી શકતો કે તે આત્મસમર્પણ કરવા નીકળ્યો હતો.’
“સાહેબ, વીરેન્દ્ર ચૌહાણ. ફાર્માસિસ્ટ.” હેમંત પંચાવન વર્ષના પુરુષને લઈ હાજર થયો.
લલિતે વીરેન્દ્ર સામે જોયું, વીરેન્દ્રનું ધ્યાન ઝાલા પર હતું. તેણે પૂછ્યું, “મને અહીં કેમ લાવ્યા છો ?”
ઝાલાએ ઇશારો કરતા લલિતને રિમાન્ડ રૂમની બહાર લઈ જવામાં આવ્યો. “હમણાં ચાર દિવસ પહેલા તેં એક વ્યક્તિને પ્રિસ્ક્રિપ્શન વગર સક્સામિથોનિયમ આપી હતી જે એક યુવતીની હત્યા કરવા વપરાઈ છે. તારા પર તેની હત્યાની યોજનામાં સામેલ હોવાનો ગુનો નોંધાયો છે.”
ઝાલાની વાત વીરેન્દ્રને બંદૂકની ગોળીની જેમ વાગી. તેના ચહેરાની રેખાઓ બદલાઈ. છતાં, તેણે સ્વસ્થ રહેવા પ્રયત્ન કરતા કહ્યું, “સાહેબ, મેં કોઈને દવા આપી નથી.”
“હત્યારીએ લેખિતમાં કબૂલ્યું છે કે તેં તેને સક્સામિથોનિયમ લાવી આપી હતી.” ઝાલા ખોટું બોલ્યા.
વીરેન્દ્ર ઢીલો પડ્યો, તેની આંખોમાં ચિંતા ડોકાઈ.
“જો તું તાજનો સાક્ષી બનવા તૈયાર હો, તો હું તારા વિરુદ્ધ નબળી ચાર્જશીટ ફાઇલ કરીશ. અમારો સાથ આપી સજાને ખો આપવી છે કે ગુનેગારનો સાથ આપી સ્વતંત્રતાને એ તું નક્કી કર.”
થોડી વાર વિચાર કર્યા પછી વીરેન્દ્ર કમને તાજનો સાક્ષી બનવા તૈયાર થયો.
****
બે મહિલા કૉન્સ્ટેબલ સાથેની પોલીસટીમ મુક્તાબેનની ધરપકડ કરવા બલર બંગલે ઊપડી ત્યારે ડાભીએ ઝાલાને પૂછ્યું, “‘મુક્તાબેનના ફોનમાંથી વારંવાર ફાર્માસિસ્ટનો કૉન્ટૅક્ટ થયો છે’ એવા હેમંતના ખુલાસાથી આપ ચોંક્યા ન હતા, આપે કહેલું કે આપને તેના પર શંકા હતી જ.”
“હા. મુક્તાબેન બલર પરિવારમાં નર્સ તરીકે આવ્યા એ વાત આપણને રામુએ કહી હતી. આ વાત જાણ્યાની થોડી જ મિનિટોમાં મારા હાથમાં આરવીનો પીએમ રિપૉર્ટ આવ્યો હતો. આરવીની નસમાં કોઈએ સક્સામિથોનિયમનું ઇન્જેક્શન માર્યું છે તે વાંચીને મને લાગેલું કે બલર બંગલોમાં ડૉક્ટર સિવાય એક નર્સ પણ છે જે આરવીને ઇન્જેક્શન મારવાનું કામ આસાનીથી કરી શકે. વળી, મુક્તાબેન પાસે આ ગુનો આચરવાનું યથાર્થ કારણ હતું. આરવી પાસે મહેન્દ્ર વિરુદ્ધ સબળ પુરાવા છે એવી જાણ મુક્તાબેનને થઈ હોય તો તે પોતાના પતિને બચાવવા ગમે તે હદ સુધી જઈ શકે.”
“તમારા દિમાગમાં ટપકાં જોડાઈને લાઇન બની ગઈ હતી એટલે... બાકી મને તો હેમંતના ખુલાસાથી આંચકો લાગ્યો હતો. પછી, મનીષાબેને ચોખવટ કરી ત્યારે શંકાને અવકાશ ન રહ્યો.”
“મનીષાબેનના સ્પષ્ટીકરણનો તંતુ રામુ અને સુરપાલની વાત સાથે પણ મળે છે.”
“એ કેવી રીતે ?”
“આરવીના રૂમમાંથી બહાર નીકળતા મુક્તાબેને હાથમોજા પહેર્યા હતા, તેમના એક હાથમાં પૉલિથીન બૅગ હતી અને બીજા હાથે નેણ ખંજવાળી રહ્યા હતા. ઘણાં માણસોને દાંત વડે નખ કાપવાની, હોઠ કરડવાની, આંગળીની ચામડી તોડવાની, થોડી થોડી વારે આળસ મરડવાની, હથેળીઓ મસળવાની, નાક ખોતરવાની, માથું ખંજવાળવાની કે એવી વિચિત્ર ટેવો હોય છે. મુક્તાબેનને નેણ ખંજવાળવાની આદત છે.”
“મેં પણ તે નોંધ્યું છે, દૂધમાં પડેલી માખીની જેમ આવી ટેવો ધ્યાન ખેંચ્યા વગર રહેતી નથી.”
“હવે, રામુએ કહેલી વાત યાદ કરો. તેણે કહ્યું હતું કે મુક્તાબેનને થાઇરોઇડ થયું તે પહેલા તેઓ ખૂબ સુંદર દેખાતા હતા.”
ડાભીએ થોડું વિચાર્યું, “હા કહ્યું હતું, પણ એનું શું છે ?”
“થાઇરોઇડનું એક લક્ષણ એ છે કે તેમાં માણસના વાળ બહુ ખરે છે, મારી બાને પણ થાઇરોઇડનો રોગ હતો એટલે મને તેની ખબર છે. આ વાત સૂઝતાં જ મને આરવીના મૃતદેહની જમણી બાજુના મેજ પરથી મળેલો વાળ યાદ આવ્યો. વાળ નાનો હતો એટલે કોઈ પણ માણસ એવું માની લે કે તે પુરુષનો વાળ હશે, પરંતુ તે સ્ત્રીના નેણનો વાળ પણ હોઈ શકે ને, મુક્તાબેનના નેણનો વાળ !”
“ઓહ.” ઝાલાના તર્કનો અર્ક સાંભળી ડાભી આફરીન પોકારી ગયા.
“ઝેરનું ઇન્જેક્શન આરવીના જમણા હાથે આપવામાં આવ્યું હતું અને નાનકડો વાળ બેડની જમણી બાજુના મેજ પરથી મળ્યો હતો. ઉપરાંત, તે મેજ પર ટેબલ લૅમ્પ હતો અને ટેબલ લૅમ્પની સ્વિચ પર કોઈની આંગળીઓના નિશાન હતા. તે નિશાન તપાસી સુરપાલે તારણ કાઢ્યું હતું કે સ્વિચ અડકનાર માણસે હાથમોજા પહેર્યા હોવા જોઈએ. ત્યારે મને લાગ્યું હતું કે ઘરની વ્યક્તિ ઘરમાં મોજા પહેરીને ન ફરતી હોય, પણ હું ખોટો હતો. આરવીના રૂમમાંથી બહાર નીકળતા મુક્તાબેને હાથમોજા પહેર્યા હતા. એમ તો, ટેબલ લૅમ્પની સ્વિચને કોઈ હાથમોજા પહેરેલો માણસ સ્પર્શ્યો છે અને આરવીના દરવાજાના ડાઘ પાસે એક અજાણી વ્યક્તિની ફિંગરપ્રિન્ટ્સ મળી છે એવા વિરોધાભાસથી મને એ પ્રશ્ન પણ થયા હતા કે ‘રૂમમાં એક જ વ્યક્તિ પ્રવેશી હતી કે બે અલગ અલગ ? શું રૂમમાં પ્રવેશનાર વ્યક્તિએ કોઈ કારણસર મોજું કાઢ્યું હતું ?’ વિચિત્ર રીતે મારી બંને શંકાઓ સાચી પડી છે. મોડી રાત્રે આરવીના રૂમમાં દાખલ થયેલા દુર્ગાચરણ અને મુક્તાબેન બંનેએ હાથમોજા પહેર્યા હતા અને બ્લેડ મારીને બહાર નીકળેલા દુર્ગાચરણે દિલ ઉખેળવા એક હાથનું મોજું કાઢ્યું હતું.”
“હવે એક વાત તો સ્પષ્ટ છે, કે આરવીને સક્સામિથોનિયમનું ઇન્જેક્શન મુક્તાબેને જ માર્યું હતું. છતાં, અમુક પ્રશ્નો મને પજવી રહ્યા છે ; મુક્તાબેને ઇન્જેક્શન માર્યા પછી દવાઓ ઠેકાણે કેમ ન પાડી ? તેમણે તે લલિતના રૂમમાં શા માટે, ક્યારે અને કેવી રીતે છુપાવી ? શું લલિત તેમનો ઓરમાયો દીકરો છે એટલે તેઓ તેને ફસાવવા માગતા હતા કે કોઈ અન્ય કારણ છે ?”
“મુક્તાબેન જ તેના જવાબો આપી શકશે. આપણે તેમની વિરુદ્ધ પુરાવા ભેગા કરવા પડશે. મેજ પરથી મળેલા વાળનો ડીએનએ રિપૉર્ટ આવી ગયો છે, તે વાળ મુક્તાબેનનો જ છે તેવું સાબિત કરવા મુક્તાબેનનું ડીએનએ ટેસ્ટીંગ કરાવવું પડશે.”
“યસ સર.”
***
આજે (28મી તારીખની) સવારથી કેસની કડીઓ ફટાફટ ઊકલી રહી હતી. કામમાં મળતી સફળતા થાકનું મારણ કરતી હોવાથી, સંધ્યા રાતમાં પરિણમવા લાગી હોવા છતાં ઝાલા અને ડાભીને સવાર જેવો ઉત્સાહ વર્તાઈ રહ્યો હતો.
“આરવીની લાશ મળી તેની આગલી રાત્રે એક વાગ્યે તમે આરવીના રૂમમાં શા માટે ગયા હતા ?” ઝાલાએ રિમાન્ડ રૂમમાં ઊભેલા મુક્તાબેનને પૂછ્યું.
પહેલા તો મુક્તાબેન ચોંક્યા, પછી સ્વસ્થ થઈને બોલ્યા, “મારી અમુક દવાઓ તેના રૂમમાં પડી હતી.”
“એવી કેવી ઇમરજન્સી આવી કે રાત્રે એક વાગ્યે તમારે તે દવાઓની જરૂર પડી ? અને એ દવાનું નામ શું હતું, સક્સામિથોનિયમ ?” ઝાલાએ ચપટી વગાડી અને વીરેન્દ્રને હાજર કરવામાં આવ્યો.
ક્રમશ :
(મર્ડરર’સ મર્ડર નોવેલમાં મુખ્ય ગુનેગાર કોણ હશે તે વિશે અનુમાન કરી આપ આ જ લેખકે લખેલું અને બહુ વખણાયેલું સસ્પેન્સ થ્રિલર પુસ્તક “કારસો” જીતી શકો છો. વાર્તાના પચાસ પ્રકરણ સુધીમાં આપ ધારણા કરીને જણાવી શકશો કે મુખ્ય વિલન કોણ છે. આપની તે ધારણાનો જવાબ નોવેલ પૂરી થતાં સુધી આપવામાં આવશે નહીં. વળી, એક વાચક પોતે જણાવેલા મુખ્ય વિલનનું નામ બદલશે અથવા એક કરતાં વધુ વિલનનું નામ લખશે તો તેને ક્વિઝ માટે ડિસ્ક્વૉલિફાઇ ગણવામાં આવશે. છેલ્લા બે પ્રકરણમાં મુખ્ય વિલન ખુલ્લો થશે ત્યારે ગુનેગારના સાચા નામ ધારનાર વાચકોના નામનો ડ્રો કરવામાં આવશે અને કોઈપણ ત્રણ વાચકને હાર્દિક કનેરિયાએ લખેલું તથા અમોલ પ્રકાશને પ્રકાશિત કરેલું સસ્પેન્સ થ્રિલર પુસ્તક ‘કારસો’ ભેટ આપવામાં આવશે. તો ધ્યાનથી વાંચતા રહો મર્ડરર’સ મર્ડર અને મુખ્ય વિલન વિશે ખાતરી હોય તો કમેન્ટમાં તેનું નામ લખી “કારસો” જીતવાનો પ્રયત્ન કરો.)