Danak - 11 in Gujarati Detective stories by Disha books and stories PDF | ડણક ૧૧

The Author
Featured Books
Categories
Share

ડણક ૧૧

ડણક

A Story Of Revenge.

ભાગ:-11

(કંઈ કેટલીયે વિકટ પરિસ્થિતિ નો સામનો કર્યા પછી છેવટે કાના અને સેજલ નાં પ્રેમ ને સ્વીકૃતિ મળી જતાં એમનાં ધામધૂમ થી લગ્ન થયાં.. વિરજી અને ગાભુ નાં પણ કાના ની સાથે જ પોતાને ગમતી યુવતીઓ સાથે લગ્ન થઈ ગયાં હતાં. કાનો અને સેજલ પણ એકબીજાનાં સાથ માં ખૂબ જ ખુશ હતાં.. હવે વાંચો આગળ.. )

"પ્રેમીપંખીડા ને ભેળા કરી જોને કૃપા કરે મારો દ્વારકાધીશ

કાનો ને સેજલ એવાં મળ્યાં જાણે કાળજે ઉઠી મીઠી ટીસ.. "

એકમેક ની જોડે કાનો અને સેજલ એવા ગૂંથાઈ ગયાં હતાં જેમ વડવાઈઓ એકબીજા સાથે ગૂંથાઈ જાય.. પ્રેમ કરવો અને નિભાવવો બંને અલગ વસ્તુ છે અને એમાં પણ લગ્ન પછી પણ લગ્ન પહેલાં ના જેટલો પ્રેમ કરવો લગભગ તો અશક્ય જ બની જાય છે પણ આ યુગલ બેલડી નો પ્રેમ તો લગ્ન પછી બેવડાયો હતો.

હવે તો એકબીજા થી ઘડીભર છેટું રહેવું પણ બંને માટે મુશ્કેલ થઈ ગયું હતું.. કાનો હવે રાતે ખેતરે પણ ખપ પૂરતો જ જતો હતો. લગ્ન પછી નાં પ્રારંભ નાં દિવસો આમ પણ જીવન નાં સૌથી વધુ યાદગાર દિવસો હોય છે એમાં કોઈ શક નથી.. અને તમે જો પ્રેમ કર્યો હોય અને એની સાથે જ જો તમારો ઘરસંસાર આગળ વધે તો પછી કહેવું જ શું?

એકબીજા ના સાનિધ્ય માં કાનો અને સેજલ એવાં તે ખોવાઈ ગયાં કે આમ ને આમ દોઢ વર્ષ જેટલો સમય ક્યાં વીતી ગયો એની જાણ જ ના રહી.. કાના ના ભાઈ ભાભી અને અને એમના દીકરા રાજુ સાથે સેજલ એવી તે ભળી ગઈ હતી કે જાણે કે દૂધ માં સાકર.. કાના ની ભાભી ના ને તો જાણે સેજલ નાં આવ્યાં પછી નિવૃત્તિ મળી ગઈ હોય એવું લાગતું હતું. દેરાણી જેઠાણી નો સંબંધ ભૂલી એ બંને સગી બહેનો ની જેમ રહેતી હતી.. સેજલ તરફ થી જે માન અને આદર પ્રાપ્ત થતું એ કાના નાં ભાભી એને પ્રેમ અને સ્નેહ સ્વરૂપે પાછું આપી દેતાં.

"અલી સેજલ હવે ક્યારે સારાં સમાચાર આપે છે.. ?"ભાભી અમુક વાર સેજલ ને મજાક માં પૂછતાં ત્યારે એને ફૂલ જેવો ચહેરો શરમાઈને લાલ થઈ જતો.

કાનો પણ હવે ખૂબ ખુશ રહેતો અને મન લગાવી ખેતર માં કામ કરતો.. ગયાં વર્ષે જ્યારે ઓછા વરસાદ નાં લીધે બધાં નો મગફળી નો પાક નિષ્ફળ ગયો ત્યારે કાના એ પોતાની બુદ્ધિ ક્ષમતા ના જોરે મગફળી નું મબલખ ઉત્પાદન લઈને સૌને ચોંકાવી મૂક્યાં.. એ વર્ષે મગફળી ની અછત હોવાથી કાના ને એ મબલખ પાક ના સારાં એવાં રૂપિયા મળ્યાં જેમાંથી એને બે માળ નું પાકું મકાન બનાવી દીધું.

ગામ લોકો પણ કહેતાં..

"કાના ની વહુ તો સાક્ષાત લક્ષ્મી નો અવતાર છે.. આવી ગુણિયલ અને સંસ્કારી છોકરી તો નસીબ વાળા વ્યક્તિ ને જ મળે.. "

ટૂંકા ગાળા માં તો સેજલે કાના ના ગામ ને પોતાનું ગામ બનાવી દીધું હતું.. ગામ ના દરેક પ્રસંગ માં કાના ની સાથે ખભે થી ખભો મિલાવી આયોજન માં ભાગ લેવો અને ગામ નાં લોકો ની જરૂર પડે તો સેવા કરવી એ સેજલ માટે રોજીંદી વાત બની ગઈ હતી.

માનસિંહ બાપુ પણ જ્યારે રાવટા સેજલ ની મુલાકાતે આવતાં ત્યારે પોતાની દીકરી ની ખુશી અને કાના ના પરિવાર તરફ થી મળતો અહોભાવ જોઈ ગદગદ થઈ જતાં.. કાના સાથે પોતાની દીકરી ને પરણાવી પોતે સારું જ કર્યું છે એ વાત ની પ્રતીતિ થતાં એમની આંખો હરખ થી છલકાઈ જતી.

***

વરસાદ ની હેલી થઈ ચૂકી હતી.. ધરતી ની તરસ મેહુલા એ અમીછાંટણા વરસાવી બુઝાવી દીધી હતી.. ખેતર ખેડાઈ ચૂક્યાં હતા અને પાક ની વાવણી પણ થઈ ચૂકી હતી.. સાંજે ઘરે વાળું કરતી વખતે સેજલે કાના ને પૂછ્યું.

"જો તમે રજા આપતાં હોય તો આ વખતે પરબડાં માં હું મારાં ઘરે જતી આવું.. ઘણો વખત થયો ઘરે નથી ગઈ.. આમ પણ સાતમ આઠમ નો તહેવાર આવે છે તો બધાં ભેગાં થશે.. "

"અરે એમાં કાના ને શું પૂછે છે.. તું તારે જતી આવ.. અહીં ની થોડી એ ચિંતા ના કર. "કાના ની જગ્યાએ ભાભી એ જવાબ આપી દીધો.

"કાનો આમ પણ ના તો પાડવાનો હતો જ નહીં અને એમાં પણ ભાભી એ સહમતિ આપી દીધાં પછી તો હવે સેજલ ને પોતાનાં પિયર જવાનો માર્ગ મોકળો થઈ ગયો. ગાભુ ની પત્ની રેખા અને સેજલ બોળ ચોથ નાં આગલાં દિવસે કિસા જવા નીકળી ગયાં. બંને સહેલીઓ જોડે હોવાથી કાના કે ગાભુ ના પરિવાર ને ઝાઝી ચિંતા નહોતી. એ લોકો પારણાં કર્યા પછી પાછાં આવવાનાં હતા એટલે સેજલ વગર ના આ સાત દિવસ કાના માટે પસાર કરવા મુશ્કેલ બની જવાના હતાં એ તો નક્કી જ હતું.

ખેતર માં વાવણી કરી દીધી હોવાથી દિવસભર તો ખેતર અને ઢોર ઢાંખર પાછળ વ્યતીત થઈ જતો પણ રાત પસાર કરવી કાના માટે માથા નો દુઃખાવો બની ગઈ હતી. ખેતર માં ખુલ્લા આકાશ નીચે સૂતાં સૂતાં કાનો અધૂરા ચંદ્ર ને જોઈ પોતાની સરખામણી એનાં જોડે કરી બેસતો.. સામે પક્ષે સેજલ પણ રાતે અગાસી પર સૂતાં ચંદ્ર ને જોતી અને મહેસુસ કરતી કે કાનો પણ મારી જેમ ચંદ્ર ને જોઈ રહ્યો હશે તો ચંદ્ર અમારા માટે એક માધ્યમ બની જશે એકબીજા ને નજીક મહેસુસ કરવાનું.

આમ ને આમ પરબડા પૂરાં પણ થઈ ગયાં.. સેજલે રેખા અને મીના સાથે ઘણી જૂની યાદો તાજી કરી અને સોનેરી સમય પસાર કર્યો.. પોતાની દીકરી ને ખુશ જોઈ માનસિંહ બાપુ અને ચંપાબેન નું હૃદય પણ આનંદ થી ભરાઈ જતું.

"સેજલ તું કાલે એકલી હાલી જાજે રાવટા.. મારે હજુ પાંચેક દી લાગશે.. માં ની તબિયત બગડી છે અને ભાભી પણ એમનાં પિયર ગયાં છે એટલે તું તારે નીકળી જાજે.. અને મારાં સાસરે પણ ખબર આપજે કે મારે આવતાં પાંચેક દી લાગી જાશે.. "રેખા એ પારણાં નાં દિવસે સેજલ ના ઘરે આવતાં વેંત જ કહ્યું.

"અલી શું થયું કાકી ને.. કાલ સુધી તો સારું હતું.. ?"ચિંતિત વદને સેજલે પૂછ્યું.

"કાલે ઠંડુ પડેલું ખાધું એટલે પેટ માં તકલીફ થઈ ગઈ છે અને શરીર માં અશક્તિ જેવું છે માટે મારે રોકાવું પડે એમ છે.. "રેખા એ જણાવ્યું.

"અરે વાંધો નહીં રેખલી.. તું તારે શાંતિ થી કાકી ની સેવા કર.. હું તારી સાસરી માં ખબર પહોંચાડી દઈશ.. "રેખા ને ધરપત આપતાં સેજલે કહ્યું.

એટલા માં મીના પણ આવી ગઈ.. બીજા દિવસે સેજલ ને નીકળવાનું હોવાથી ત્રણેય સખીઓ એ મન ભરી ને મોડે સુધી વાતો કરી.. કૃષ્ણ મંદિર માં ભગવાન ના પારણાં નો પ્રસંગ ઉજવ્યો અને એકબીજા ને ગળે મળી પોતપોતાનાં ઘર ની વાટ પકડી.

સવારે માનસિંહ બાપુ અને ચંપાબેન ના આશીર્વાદ લઈ સેજલ નીકળી પડી રાવટા આવવા માટે.. જેટલી એ રાવટા થી કિસા આવવા ખુશ હતી એથીયે વધુ એ કિસા થી રાવટા જતાં ખુશ હતી.. કેમકે આ સાતેક દિવસ એને બધું સુખ મળ્યું પણ કાના સાથે નો વિયોગ એનાં એ સુખ કરતાં વધુ સાબિત થયો.. કાનો પણ સવાર થી જ સેજલ નાં આવવાની રાહ જોઈને બેઠો હતો.

જ્યાં પોતે પ્રથમ વાર સેજલ ને જોઈ હતી એ બાથેશ્વર મહાદેવના ગોકુળ આઠમનાં મેળા માં થી સેજલ હાટુ એક સરસ મજાની બાંધણી અને રંગબેરંગી બંગડીઓ પણ કાનો લાવ્યો હતો.. જે પહેરી સેજલ કેવી સુંદર દેખાશે એની એ કલ્પના કરી રહ્યો હતો.. !!બસ એને રાહ હતી એની રૂદીયાની રાણી, એની મન ની માલિક એવી સેજલ ના આવવાની.. !

"થાક્યો હું તો રાહ જોઈ જોઈ પણ ના આવી મારી સાજન..

યાદ સતાવે મને તારી હૈયે અને ક્યાંય નાં લાગે આ મારું પાગલ મન"

***

આજે સમય જાણે અટકી ગયેલો હોય એવું કાનો મહેસુસ કરી રહ્યો હતો.. વારંવાર એ ઘડિયાળ સામે નજર કરતો અને એવું અનુભવતો કે આજે કાંટા ધીરી ગતિએ કામ કરી રહ્યાં હતાં.. સવાર ના અગિયાર વાગી ગયાં હતાં પણ સેજલ હજુ સુધી આવી નહીં એટલે કાનો ચિંતિત થઈને ફળિયામાં અહીં થી તહીં આંટા ફેરા મારવા લાગ્યો.. કાના ને આમ કરતો જોઈ ભાભી પણ બે ચાર વાર ટકોર કરી ગયાં કે..

"કાના ભાઈ આમ ઘેલાં ના થાઓ પત્ની પાછળ એતો આવી જશે.. ઘરે થી મોડી નીકળી હશે એટલે આવતાં વાર થઈ હશે.. "

"હા ભાભી પણ ચિંતા તો થાય જ ને.. "કાનો વળતો જવાબ આપતો.

"જાદુ કરી ગઈ છે મારી દેરાણી તમારાં પર.. "હસીને ભાભી આટલું બોલતાં ત્યારે કાનો મનોમન શરમાઈ જતો.. સાચે જ સેજલે કંઈક જાદુ જ કરી મૂક્યું હતું એનાં પર.. જાદુગર નો જીવ જેમ પોપટ માં અટકી ગયો હતો એમ કાના નો સેજલ માં અટકી ગયો હતો.

આમ ને આમ બપોર નાં બાર વાગી ગયાં પણ સેજલ આવી નહીં એટલે કાનો થોડો રઘવાયો.. રેખા અને સેજલ સાથે આવવાનાં હોવાથી રેખા આવી કે નહીં એ તપાસ કરવા એ ગાભુ ના ઘરે પણ જતો આવ્યો.. તો ગાભુ પણ બપોર સુધી રેખાની કોઈ ભાળ ના મળવાથી વ્યાકુળ અને ચિંતિત હતો.

"કાના ભાઈ ક્યાં રહ્યાં હશે બંને.. આમ હવે તો સૂરજ માથે ચડ્યો.. ગયાં ત્યારે તો કહ્યું હતું કે પારણાં ના બીજા દિવસે અમે વહેલાં નીકળી જઈશું.. તો અત્યાર સુધી તો એમનું આગમન થઈ જવું જોઈએ.. મને તો ચિંતા થાય છે મારા ભાઈ.. "ગાભુ એ ચીંરભર્યા અવાજે કહ્યું.

"હા ભાઈ.. તારી ચિંતા વ્યાજબી છે.. એક કામ કરીએ ત્રણેક વાગ્યાં સુધી રાહ જોઈએ.. નહીં તો આપણે જ એમને લેવા કિસા જવા નીકળી જઈએ.. "કાના એ સલાહ આપતાં કહ્યું.

"હા કાના ભાઈ એ ઠીક રહેશે.. તમે ઘરે જઈ જમવાનું પતાવી લો અને થોડો આરામ કરી લો ત્યાં સુધી એ લોકો ના આવે તો આપણે નીકળીએ કિસા જવા માટે.. "કાના ની સલાહ ને સહમતિ આપતાં ગાભુ બોલ્યો.

"રામ રામ ત્યારે હું નીકળું.. જો ત્રણ વાગ્યાં સુધી એ બંને નાં આવે તો આપણે ગાડું લઈને નીકળીએ.. "કાના એ કહ્યું.

"હા એવું જ કરીએ.. રામ રામ"પ્રત્યુત્તર માં ગાભુ બોલ્યો.

ગાભુ ના ઘરે થી વિદાય લઈને કાનો ઘરે આવ્યો અને ના મન નું થોડું ઘણું જમી ખાટલો ઢાળી આડો પડ્યો પણ આજે તો જાણે આંખો બંધ જ નહોતી થતી.. સેજલ ની ચિંતા એને સતાવી રહી હતી.. ત્રણ વાગવાની રાહ જોઈ શકાય એવી નહોતી એટલે એ અઢી વાગતાં જ પોતાનાં ધોરીઓને તૈયાર કરી ગાડાં જોડે જોતરી ગાભુ ને લેવાં એનાં ઘર તરફ નીકળી પડ્યો.

સામે પક્ષે ગાભુ પણ કાના ની રાહ જોઈને તૈયાર હતો.. કાના ના આવતાં ની સાથે જ ગાભુ ગાડાં પર ચડી બેઠો અને એ બંને નીકળી પડ્યાં કિસા ગામ ની વાટે. કાના એ રાશ ને જોર થી ખેંચી અને પોતાનાં બંને ધોરીઓને પુચકારતો પુચકારતો ગાડાં ને શક્ય હોય એટલી વધુ ગતિએ કિસા ગામ ની દિશા માં ભગાવી મુક્યો.. રસ્તે જતાં પણ સેજલ કે રેખા કોઈ એમની સામે મળે કે નહીં એ પણ એ બંને જોતાં રહ્યાં.. પણ કિસા સુધી પહોંચ્યા ત્યાં સુધી કોઈ સામે ના મળ્યું એટલે બંને ને નિરાશા સાંપડી.

"ભાઈ એતો કંઈક કારણ હશે એટલે એ લોકો નીકળ્યાં જ નહીં હોય.. "ગાભુ એ કાના ને કહ્યું.

"હા લ્યા મનેય એવું લાગે છે આજે નીકળવાનો વિચાર એમને પડતો મુક્યો હશે.. આમ પણ બાયું માણહ છે ને પોતાનાં પિયર જાય એટલે ઝટ પાછી નો આવે.. "મજાકિયા સુર માં કાનો બોલ્યો.

કાના ની વાત સાંભળી ગાભુ નાં ચહેરા પર પણ હાસ્ય ફરી વળ્યું.

"લે ગાભલા તારી સાસરી આવી ગઈ.. ઉતર હેઠો ને તપાસ કરતો આવ કે રેખા છે કે નહીં.. ?"સાંજ નાં સવા ચાર વાગ્યાં ના સુમારે કિસા માં પ્રવેશતાં ની સાથે રેખા નું ઘર પહેલું આવતું હોવાથી કાના એ બળદગાડા ને ત્યાં અટકાવી ગાભુ ને કહ્યું.

કાના ની વાત સાંભળી ગાભુ નીચે ઉતર્યો અને ડેલી એ જઈને હાથ અફાળી ડેલી નું બારણું ખખડાવ્યું.. બારણું ખખડાવવાનો અવાજ સાંભળી અંદર થી અવાજ આવ્યો..

"એ આવી.. "

અવાજ બીજાં કોઈનો નહીં પણ રેખાનો હતો એટલે ગાભુ નાં મન ને રાહત થઈ.. ડેલી ખોલતાં જ ગાભુ ને સામે ઉભેલો જોઈ રેખા નવાઈ પામી.. એને રસ્તા પર નજર કરી તો કાનો પણ હતો એટલે એની નવાઈ જાણે બેવડાઈ ગઈ.

"અરે તમે અહીં.. કેમ આવ્યાં.. ?" રેખા એ ગાભુ સામે જોઈને કહ્યું.

"તમે લોકો તો આજે પરોઢે નીકળી જવાનાં હતાં તો પછી કેમ નાં નીકળ્યાં.. મને અને કાના ભાઈ ને તમારી ચિંતા થઈ એટલે અમે અહીં આવી પહોંચ્યા.. "ગાભુ એ રેખા ની વાત નો જવાબ આપતાં કહ્યું.

"માં ની તબિયત ખરાબ છે અને ભાભી પણ એમનાં પિયર છે એટલે મેં ભાભી ના આવે ત્યાં સુધી અહીં રોકાઈ જવાનું નક્કી કર્યું અને આ ખબર તમારા સુધી પહોંચાડવા સેજલ ને કીધું પણ હતું.. તો સેજલે આ ખબર તમને નથ આપી.. "રેખા એ કહ્યું.

"પણ સેજલ ભાભી જ હજુ સુધી નથી આવ્યાં.. તો તું નથી આવવાની એવી ખબર કઈ રીતે મળે.. "ગાભુ બોલ્યો.

"પણ એતો આજે સવારે નીકળી જવાનું કહેતાં હતાં.. તો પછી કેમ હજુ સુધી નથ આવ્યાં રાવટા.. મને તો ચિંતા થાય છે.. "રેખા નાં અવાજ માં હવે ચિંતા સ્પષ્ટ જણાઈ રહી હતી.

"અરે એવું પણ બને કે ઓચિંતું કોઈ કામ આવ્યું હોય ને સેજલ ભાભી ના પણ નીકળ્યાં હોય.. ?"ગાભુ એ કહ્યું.

"હા એવું જ બન્યું હોવું જોઈએ.. ચાલો આપણે સેજલ નાં ઘરે જતાં આવીએ.. "રેખા એ કહ્યું.

રેખા સેજલ સાથે નહોતી આવવાની અને સેજલ આજે સવારે નીકળી જવાની હતી.. પણ હજુ સુધી એ રાવટા નહોતી પહોંચી એટલે દાળ માં કંઈક તો કાળુ છે.. કંઈક તો કારણ હશે એનાં નહીં આવવાનું એમ વિચારી કાના એ ગાભુ અને રેખા ને ગાડાં માં બેસાડી ગાડું સેજલ ના ઘર ની દિશા માં ભગાવી મૂક્યું.

જ્યારે એ લોકો સેજલ ના ઘરે પહોંચ્યા ત્યારે માનસિંહ બાપુ વાડી એ નીકળવાની તૈયારી કરી રહ્યાં હતાં.. કાના ને ગાભુ તથા રેખા સાથે આવતો જોઈ કંઈક અજુગતું થયું હોવાનાં એંધાણ પામી ને બાપુ ત્યાં જ થોભી ગયાં.

ગાડાં માં થી ઉતરી કાનો સેજલ ના ઘર માં દાખલ થયો અને ચરણ સ્પર્શ કરી ને માનસિંહ અને ચંપાબેન ને પ્રમાણ કર્યા.

"સદા સુખી થજો.. . "માનસિંહ અને ચંપાબેન એ આશીર્વચન પાઠવ્યા.

"જમાઈ રાજા.. આમ ઓચિંતું આવવાનું કારણ.. બધાં સારા વ્હાલા તો છે ને.. અને સેજલ ક્યાં છે?"માનસિંહ બાપુ એ કાના તરફ જોઈ પૂછ્યું.

"સેજલ ક્યાં છે.. ?આ સવાલ નો જવાબ મેળવવા તો હું અહીં આવ્યો છું. એને મને કીધું હતું કે એ પારણાં નાં બીજા દિવસે સવારે નીકળશે તો હજુ સુધી એ આવી કેમ નહીં.. મને ચિંતા થઈ એની એટલે બધું ઠીક તો છે ને એની ખાત્રી કરવા હું આવ્યો છું. અને તમે મને સવાલ કરો છો કે સેજલ ક્યાં છે.. ?. "સેજલ ની ભાળ મેળવવા અહીં આવેલાં કાના ને સેજલ ક્યાં છે એ વિશે નો સવાલ પુછાતાં એ આશ્ચર્ય સાથે બોલ્યો.

"સેજલ.. સેજલ તો અહીં થી વહેલી પરોઢે નીકળી ગઈ છે તમારા ઘરે આવવા માટે.. તો પછી.. "માનસિંહે પોતાની વાત અધૂરી મુકતાં કહ્યું.

"તો પછી.. હજુ સુધી એ આવી કેમ નહીં.. અમે આખે રસ્તે પણ બધે જોતાં આવ્યાં પણ એ દેખાઈ નહીં.. "સેજલ પરોઢે નીકળી ગઈ હોવાની વાત જાણતાં હૈયામાં ફાળ પડી હોય એવું કાનો મહેસુસ કરી રહ્યો હતો.

"પણ એવું કઈ રીતે બને.. સેજલ તો પરોઢે સાત વાગતાં ની નીકળી ગઈ હતી તો બપોર સુધી માં તો એ પહોંચી જવી જોઈએ તમારા ઘરે.. તો પછી એ આવી કેમ નહીં.. ?"પોતાની દીકરી ની હવે ચિંતા સતાવતી હોય એમ ચંપાબેન રડતાં રડતાં બોલી રહ્યાં હતાં.

"અરે તમે આમ ના રડશો.. હું પાછો રાવટા જવાનાં રસ્તે જોતો જોતો ઘરે જવું.. ક્યાંક એવું પણ બન્યું હોય કે સેજલ કોઈ બીજા રસ્તે ઘરે આવી ગઈ હોય તો.. "કાના એ ચંપાબેન ને ધીરજ આપતાં કહ્યું.

"હા એવું જ હશે જમાઈ રાજા.. તમે ઝટ નીકળો રાવટા જવા અને જે હોય એ ઝટ ખબર પહોંચાડો અમારાં સુધી.. હું પણ મારી રીતે અહીં તપાસ કરાવું છું.. "માનસિંહે કહ્યું.

"સારું ત્યારે હું નીકળું.. ચાલ ગાભુ આપણે હવે મોડું નથી કરવું વધારે. રામ રામ.. "આટલું કહી કાનો ઉતાવળાં પગલે ગાડાં તરફ આગળ વધ્યો અને કુદકો મારી ગાડાં માં બેસી ગાડાં ને પુરપાટ ગતિએ હંકારી મૂક્યું રાવટા ની દિશા માં.

કાના ને જતાં જોઈ માનસિંહ અને ચંપાબેન પરમકૃપાળુ પરમાત્મા ને પોતાની દીકરી સહી સલામત કાના ના ઘરે પહોંચી ગઈ હોય એવી પ્રાર્થના કરી રહ્યાં હતાં. !!

"મારી વ્હાલી ને હેમખેમ રાખવાના એ પ્રભુ આપજે તું આશિષ..

એનાં બદલામાં જોઈએ તો લઈ લે અમારાં બંને નાં તું શીશ.. "

વધુ આવતાં સપ્તાહે..

જો સેજલ સમયસર ઘરે થી નીકળી હતી તો કેમ હજુ સુધી એ પહોંચી નહોતી.. ? એની સાથે એવું તે શું બન્યું હશે?? સેજલ સહી સલામત હશે કે કેમ?? આ બધાં સવાલો નાં જવાબ અને નવલકથા માં આવતો ગજબ નો વળાંક જાણવા વાંચો ડણક A Story Of Revange નો નવો ભાગ આવતાં સપ્તાહે.

આપ નો આ નવલકથા ને મળી રહેલો પ્રેમ જોઈ આનંદ ની લાગણી અનુભવી રહી છું.. આગળ પણ આપ નો આવો જ સાથ અને સહકાર મળે એવી આશા.. મારી અન્ય નોવેલ દિલ કબૂતર પણ આપ માતૃભારતી પર વાંચી શકો છો.. આભાર!!

-દિશા. આર. પટેલ