ML GRGOV in Gujarati Short Stories by Valibhai Musa books and stories PDF | ML GRGOV (સાંકેતિક શીર્ષક)

Featured Books
Categories
Share

ML GRGOV (સાંકેતિક શીર્ષક)

ML GRGOV (સાંકેતિક શીર્ષક)

– વલીભાઈ મુસા

(આ વાર્તાનું શીર્ષક અને તેનો સાહિત્ય પ્રકાર ZYHFIW અંગ્રેજી બિનકોશીય શબ્દોમાં છે, જે નહિ સમજાય. હું તમારી જિજ્ઞાસાને સમજી શકું છું, પણ એ જાણવા માટે આ કૃતિના અંતે અક્ષરોને ગોઠવવા માટેની ચાવીરૂપ નોંધ સુધી પહોંચો ત્યાં સુધી તમારે ધીરજ ધરવી પડશે. ધન્યવાદ.)

* * *

“એક સમયે એક માણસ હતો કે જે જવલ્લે જ જોવા મળતા વિશિષ્ટ પ્રતિભાસંપન્ન વ્યક્તિત્વોમાંય જેને ખાસ ગણી શકાય તેવો તે પ્રતિભાશાળી માણસ હતો. તેનું નામ હું અનામત રાખું છું; અને જરૂર જણાશે, તો આગળ જતાં તેને જાહેર કરીશ. હાલ પૂરતા તેને શ્રીમાન ‘કોઈ નહિ’ (Mr. Nobody) તરીકે સંબોધીશું. તેનું જીવન માનવવર્તણૂકના સામાજિક વિજ્ઞાન માટે એક પડકારરૂપ હતું. તેની વાતચીત ચપળતાપૂર્ણ હતી, તેના સંવાદો બુદ્ધિયુક્ત હતા અને તેના કટાક્ષો સમજવાની બાબતમાં બહુ જ ઊંડા રહેતા. ઘણીવાર તે લોકોને સંદિગ્ધ સવાલો પૂછતો અને છેવટે તેના જવાબો તેને પોતાને જ આપવા પડતા. લોકો એ સાંભળીને હસતા, પણ શ્રી ‘કોઈ નહિ’ તેના ચહેરા ઉપર કોઈ ભાવ આવવા ન દેતો.

જો કે તેની વાતચીત સંદિગ્ધ લાગતી હોવા છતાં લોકો તેને બુદ્ધિશાળી માણસ તરીકે ઓળખતા હતા. તેની અટપટી કથનશૈલીનો આશય માત્ર લોકોને મનોરંજન પૂરું પાડવાનો રહેતો અને તેથી જ તો લોકો જાહેરમાં તેમનો ઉધડો લેવાતો હોવા છતાં પણ કોઈ માનઅપમાનની લાગણી અનુભવતા ન હતા. એકવાર તેણે નર્સરિમાં ભણાવતી એક શિક્ષિકાને કહ્યું, ‘તમે લોકો બાળકોને અંગ્રેજી મૂળાક્ષર W (ડબલ્યુ)નો ખોટો ઉચ્ચાર નથી શીખવતાં?’ તેણે આગળ ઉમેર્યું, ‘ તે ડબલ (બે વખત) U નથી, પણ ડબલ (બે વખત) V છે!’ વળી તે આટલેથી જ અટક્યો નહિ, પણ આગળ કહ્યું, ‘તમે કદીય એવો વિચાર કર્યો છે ખરો કે કેપીટલ (Capital) ન હોય તેવા (b) અને (d)ની જોડી એ વિશેષ કંઈ નહિ, માત્ર (p) અને (q)નાં અરીસામાં દેખાતાં પરસ્પરનાં ઊંધાં પ્રતિબિંબ જ છે!’

એક દિવસે તે અસાધારણ ખુશ મિજાજમાં હતો અને લોકોના એક નાનકડા જૂથને સંબોધતાં તેણે પોતાના રહસ્યમય જ્ઞાનને છતું કર્યું, આ શબ્દોમાં કે ‘આજે હું તમને હાથી વિષેનો એક મુહાવરો કહીશ કે તે જીવતો હોય ત્યારે લાખ રૂપિયાનો હોય, પણ મરી જાય ત્યારે સવા લાખની કિંમતનો થતો હોય છે.’ પછી તો તેણે તેમના આગળ વેધક પ્રશ્ન મૂક્યો, ‘કોઈ લોકશાહી દેશના સત્તાવિહીન પ્રમુખ વિષે તમારું શું માનવું છે?’ બધા અવાક્ બની ગયા કેમ કે તે શું કહેવા માગે છે, તે તેઓ સમજી શક્યા નહિ. કેટલીક મિનિટોની ચૂપકીદી પછી તેણે કહ્યું, ‘જ્યારે પ્રમુખ તેમના હોદ્દા ઉપર હોય છે, ત્યારે તે રબર સ્ટેમ્પ હોય છે; પણ જ્યારે તે અવસાન પામે છે, ત્યારે તે પોસ્ટલ સ્ટેમ્પ બની જાય છે!’ કેટલાક સમજ્યા અને કેટલાક ન સમજ્યા, પણ બધા ખડખડાટ હસી પડ્યા અને આપસમાં તાળીઓ લીધી; પરંતુ શ્રી ‘કોઈ નહિ’ તો પૂતળાની જેમ જ શાંત ઊભો રહ્યો. તેના બુદ્ધિચાતુર્ય, હાજરજવાબીપણા અને તીવ્ર બુદ્ધિશક્તિના ઘણાબધા દાખલાઓ છે; પણ એ સઘળાને અહીં વર્ણવવાનો અવકાશ નથી.

લોકોને નવાઈ લાગતી હતી કે તે પોતાના સંવેગોને કેવી રીતે નિયંત્રણમાં રાખી શકે છે અને વાતચીત દરમિયાન પોતાના ચહેરાને સાવ શુષ્ક અને ભાવવિહીન પણ જાળવી શકે છે. તે શ્રોતાઓને તો હસાવતો, પણ પોતે જરાય હસતો નહિ. કેટલાક જુવાનિયાઓએ સંશોધન કર્યું તો તેમને જાણવા મળ્યું કે તે પોતાના રોજિંદા અંગત જીવનમાં પણ કદીય હસ્યો નથી. એક દિવસે તેમણે તેને આમ ન હસવા પાછળનું રહસ્ય જણાવવા માટે પૂછ્યું તો બધાના આશ્ચર્ય વચ્ચે તેણે કહ્યું કે તે પોતાની દસ વર્ષની ઉંમરથી આજલગીની પચાસ વર્ષની ઉંમર સુધી એક પણ વખત કદીય હસ્યો નથી કે સ્મિત સુદ્ધાં પણ કર્યું નથી! તેની જિંદગીની શરૂઆતનાં દસ વર્ષ સુધીનું પૂછવામાં આવતાં તેણે જણાવ્યું કે તે માત્ર હસ્યો જ છે, કદીય રડ્યો નથી! તેણે સાવ સહજ રીતે ખુલાસો કરતાં જણાવ્યું કે સામાન્ય રીતે કોઈ પણ બાળક જન્મ્યા પછી રડતું હોય છે, પણ પોતે તો રડવાના બદલે હસ્યો હતો. તેની માતા કહેતી કે તે તેનું અસાધારણ એવું સંતાન હતું કે જે ઊલટી જ રીતે વર્તતું હતું. કુટુંબનાં તમામ માણસો તેની લાગણીની અભિવ્યક્તિને સમજવાને ટેવાઈ ગયાં હતાં. તેઓ તેનું રડવું અને હસવું ઊલટસુલટ રીતે સમજી લેતાં હતાં, જેવી રીતે આપણે ખરેખર સીધેસીધું જ જેમ સમજી લઈએ છીએ.

તે પોતાની સાવ નાની એવી દસ વર્ષની ઉંમરે એ છેલ્લો હસ્યો હતો, જ્યારે કે તેના પિતા ગુજરી ગયા હતા. તમને માનવું અઘરું પડશે કે કેવી રીતે માનસિક રીતે સ્વસ્થ બાળક પોતાના પિતાના અવસાન પ્રસંગે રડવાના બદલે હસે! જ્યારે તેનાં કુટુંબીજનો,તેની માતા, પાડોશીઓ અને અન્ય સગાંસંબંધીઓ રડી રહ્યાં હતાં, ત્યારે શ્રી ‘કોઈ નહિ’ જે માત્રામાં આવા દુખદ પ્રસંગે તેણે રડવું જોઈએ, તે જ માત્રામાં તે મોટેથી ખડખડાટ હસ્યો હતો. તે એટલા સમય સુધી હસતો જ રહ્યો કે જ્યાં સુધી તેના પિતાની અંતિમ વિધિ પૂરી ન થઈ અને પોતાનું દુઃખ હળવું ન થયું!

માતાએ જ્યારે શ્રી ‘કોઈ નહિ’ની શરમજનક વર્તણૂકને જાણી ત્યારે તેના ઉપર ખૂબ ગુસ્સે થઈ. તેણીએ તેને ઠપકો આપ્યો અને ગુસ્સાપૂર્વક ચેતવણી પણ આપી દીધી કે તેણી જ્યાં સુધી જીવતી હોય ત્યાં સુધી કદીય પણ તે હસશે તો તેણી તેને મારી નાખશે. શ્રી ‘કોઈ નહિ’એ ગર્વભેર કહ્યું કે,’તે મારી જિંદગીનું છેલ્લું હાસ્ય હતું. મારી માતા આજે હયાત નથી, તેમ છતાંય હું હસતો નથી. હું મારા પિતાના મૃત્યુ પ્રસંગે જે હસ્યો હતો તે ભૂલની શરમિંદગી આજે પણ અનુભવું છું! મારો તેમ કરવાનો ઈરાદો ન હતો, પણ હું મજબૂર હતો! હું આજ સુધી સમજી શક્યો નથી કેમ મારાથી એમ બનતું હતું! મારી જન્મગત જ્ઞાનતંતુઓની ખામી હોય કે પછી લાગણીઓ વ્યક્ત કરવા માટેની આંતરિક સઘળી પ્રક્રિયા ખોરવાઈ ગઈ હોય! એ ગમે તે હોય, પણ મારી ખુશી દર્શાવવાની કે ગમગીની વ્યક્ત કરવાની પદ્ધતિ અદલબદલ થઈ ગઈ હતી!’

તે દિવસે, કેટલાક યુવાનોએ નક્કી કરી જ લીધું કે શ્રી ‘કોઈ નહિ’ને કોઈપણ ભોગે હસાવવા. તેમને વિશ્વાસ હતો કે ભલે ઘણા બધા તેને હસાવવામાં નિષ્ફળ ગયા હોય, પણ તેમને સફળતા મળશે જ. તેઓ બધા શ્રી ‘કોઈ નહિ’ની આસપાસ ગોઠવાઈ ગયા અને પોતાની આંગળીઓ વડે તેની બગલોમાં ગલીપચી કરવાનું શરૂ કરી દીધું. કોણ જાણે કેમ, પણ અચાનક શ્રી ‘કોઈ નહિ’ રોમાંચક ગલગલી અનુભવવા માંડ્યો અને છેલ્લાં ચાલીસ વર્ષે પ્રથમવાર થોડાક જ સમયમાં તેનું હસવાનું શરૂ થઈ ગયું. એક વખત જ્યાં તેનું હસવાનું શરૂ થયું કે તરત જ ધીમેધીમે તે વધવા માંડ્યું. પાંચ મિનિટમાં તો તેનું હાસ્ય પરાકાષ્ઠાએ પહોંચ્યું. હવે તો તેનું હસવું બેકાબૂ બની ગયું હતું. તેનાં માતાપિતા, જ્ઞાનતંતુઓના નિષ્ણાત ડોક્ટરો, મનોવૈજ્ઞાનિકો, મનોચિકિત્સકો, તેના સહાધ્યાયીઓ, શેરીમિત્રો – યાદી ઘણી લાબી થાય; પણ સૌ કોઈએ ગલીપચીની આ પ્રક્રિયા અજમાવી જોઈ હતી, પરંતુ બધા નિષ્ફળ ગયા હતા. કોણ જાણે પણ આજે પેલા બધા જુવાનિયાઓને અણધારી સફળતા મળી ગઈ હતી. શ્રી ‘કોઈ નહિ’ હસતો જ ગયો, બસ હસતો જ ગયો! હસતાં હસતાં તેના ગાલ લાલચોળ થઈ ગયા અને તેની આંખો આંસુથી છલકાઈ ગઈ. તે કમરમાંથી બેવડો વળીને અટ્ટહાસ્ય કરતો જ રહ્યો. તે જમીન ઉપર બેસી ગયો અને જાણે કે રાક્ષસી હોય તેવું તેનું બુલંદ હાસ્ય ચાલતું જ રહ્યું! જુવાનિયાઓ તો હર્ષઘેલા બની ગયા. તેઓ મોટેથી બૂમો પાડતા અને ખુશી અનુભવતા એટલા માટે હસી રહ્યા હતા કે તેઓ શ્રી ‘કોઈ નહિ’ને હસાવવાના તેમના ઉદ્દેશમાં આજે છેવટે સફળ થયા હતા.

હવે તો, પેલા યુવકો શ્રી ‘કોઈ નહિ’ને હસવા માટે એકલો છોડી દઈને દૂર ખસી ગયા.તેઓ તેમને પ્રાપ્ત થએલા પરિણામથી ઉશ્કેરાટમાં આવી ગયા હતા કે શ્રી ‘કોઈ નહિ’નું ચાલીસ વર્ષ પહેલાં જામ થઈ ગએલું હાસ્યનું એંજિન હવે ચાલુ થઈ ગયું હતું અને તે તેની પૂર્ણ ગતિની નજીક જઈ રહ્યું હતું. ઓછામાં ઓછા અડધા કલાક સુધી શ્રી ‘કોઈ નહિ’એ તેનું હસવાનું ચાલુ રાખ્યું. જોતજોતાંમાં તો લોકોનું એક ખૂબ મોટું ટોળું એકત્ર થઈ ગયુ. બધા શ્રી ‘કોઈ નહિ’ના અવિરત હાસ્યને માણી રહ્યા હતા.

પણ, પણ બધાના આશ્ચર્ય વચ્ચે શ્રી ‘કોઈ નહિ’એ અચાનક તેનું હસવાનું બંધ કરી દીધું; જાણે કે તેના હાસ્યના એંજિનને વેક્યુમ બ્રેક ન લાગી ગઈ હોય! શ્રી ‘કોઈ નહિ’નું અવસાન થઈ ચૂક્યું હતું!

– વલીભાઈ મુસા

* * *

[ચાવીરૂપ નોંધઃ- શીર્ષક ML GRGOV અને આ વાર્તાના વિશિષ્ટ પ્રકાર ZYHFIW ને જાણવા માટે– સફેદ કોરા કાગળ ઉપર અંગ્રેજી મૂળાક્ષર (Alphabet)ના ૨૬ અક્ષર (A to Z) પહેલી લીટીમાં લખો.– તે જ પ્રમાણે બીજી લીટીમાં (Z to A) ઊંધા ક્રમે લખો.– હવે “ML GRGOV” અને “ZYHFIW” શબ્દો માટે બીજી લીટીમાંના લાગુ પડતા અક્ષર સાથે સંબંધિત પહેલી લીટીમાંનો અક્ષર પકડી લો.– આશા રાખું છું કે તમે હવે વાર્તાનું શીર્ષક અને કૃતિનો સાહિત્યપ્રકાર જાણી શક્યા હશો જ.]