કાકાની થેલી
અમદાવાદથી અંદાજે ત્રીસ કિલોમીટર દુર મહેસાણા તરફના રસ્તે આવેલા કલોલ શહેરની આ વાત છે. ભાદરવાની ઋતુ હજુ હમણા જ શરૂ થઈ છે ને સવારના દસ વાગ્યામાં જ સૂર્યનારાયણ કોપાયમાન થઈ એમની કાળઝાળ ગરમી વરસાવી રહયા છે. ચોમાસામાં પણ આ વેળા બરાબર વરસાદ થયો નથી એટલે ધરતી પણ તપી ગઈ છે. રસ્તા પર ચાલતા કંયાક જવા માટે માણસને મૃગજળને જળ સમજી ચાલવાનું મનોબળ જોઈએ. માત્ર કેટલાક બચી ગયેલા વૃક્ષો તેમના પડછાયામાં આવતા લોકોને રાહત આપી રહયા છે.
આવે ટાણે મગનકાકા નામે એક વૃદ્ધ વડીલ એક હાથમાં લાકડી ને બીજા હાથમાં ખાખી કલરના કપડાની સીવેલી થેલી લઈ કપિલેશ્ર્વર મહાદેવ ના મંદિર તરફ જવા નીકળ્યા છે.
આમ તો ચાલીને જવાનો એમણે ઈરાદો કરયો છે પણ આ અસહ્ય ગરમી સામે જયાં આપણા જેવા જુવાનિયાઓ ઘરમાં લપાઈ રહે છે, ત્યારે આ તો એક વયોવૃદ્ધ શરીર હતુ. થોડુ ઘણુ ચાલ્યા પછી એક ઝાડના ઓછાયે મગનકાકા ઉભા રહયા ને રિક્ષા કરવાનુ વિચાર્યું. પાંચેક મિનિટમાં તો ચાર-પાંચ રિક્ષાઓ આવી ગઇ, પણ કેટલાક ને એ તરફ જવુ નહોતું તો કેટલાક નુ ભાડું મગનકાકાને વ્યાજબી ન લાગ્યું. આખરે દસેક મિનિટ પછી એક રિક્ષા આવી. થોડીક રકઝક પછી મગનકાકા રિક્ષામાં બેસવા તૈયાર થયા.
રિક્ષામાં બેસતી વખતે મગનકાકા ના ધ્યાનમાં ન રહયુ કે એમના હાથમાંથી કાપડની પેલી થેલી નીચે પડી ગઈ ને રિક્ષાવાળા નુ એ તરફ બિલકુલ ધ્યાન નહોતું. રિક્ષા સડસડાટ મંદિર તરફ દોડવા લાગી. જોતજોતામાં મંદિર આવી ગયુ ને કાકા રિક્ષામાંથી નીચે ઉતર્યા ને એ સમયે એમનુ ધ્યાન ગયું કે પેલી થેલી કયાંક પાડી આવ્યા છે ને આ ખબર પડતા જ કાકાના પગ નીચેથી જમીન સરકી ગઈ.
રિક્ષાવાળો હજુ માંડ આગળ ધપ્યો કે કાકાએ એને બુમ લગાવી ને હાંફળા-ફાંફળા એ તરફ દોડયા. રિક્ષાવાળાને એમણે વાત કરી કે, "બેટા, મારી થેલી પડી ગઈ લાગે છે ને એ થેલી મારા માટે બહુ મહત્વની છે, મહેરબાની કરી તુ મને એ જ રસ્તે પાછો લઈ જા. " રિક્ષાવાળા એ પહેલા આનાકાની કરી પણ પછી કાકાને ચિંતામાં ભાળી એ પાછો જવા તૈયાર થયો. ચોતરફ જોતા જોતા અને લોકોને પુછતા પુછતા એ લોકો એ જ રસ્તે પાછા વળ્યાં, પણ થેલી કયાંય મળી નહી. કાકાના રઘવાટ નો પાર નહોતો રહયો. મગનકાકા અચાનક ચિંતા અને નિરાશામાં ડૂબી ગયા હતા. રિક્ષાવાળાએ પૂછયુ પણ ખરૂ, " કાકા, કોઈ કિંમતી વસ્તુ તો નહોતી ને અંદર?" કાકાએ માત્ર ડોક ધુણાવી નનૈયો ભણ્યો, કિંતુ કંઈ બોલ્યા નહી.
આખરે કાકાને જયાં થી રિક્ષામાં બેસાડયા હતા, એ જગ્યાએ એ લોકો આવી પંહોચ્યા. ત્યાં પણ થેલી કયાંય નહોતી કે ના તો આસપાસમાં કોઈને એ વિશે ખબર હતી. કાકા ધબ દઈને નીચે બેસી ગયા. દુ:ખ ઝળુંબી ઉઠયુ અને આંખો એમની અચાનક જ બેસી ગઈ હોય એવી ભાસવા લાગી. રિક્ષાવાળો ભલો માણસ હતો. એણે કાકાને રસ્તા પરથી ઉઠાડી પાસેની એક દુકાનના ઓટલે છાંયામા બેસાડયા ને પોતાની બોટલમાંથી થોડુક પાણી પણ પાયુ. બસ એક જ વાત કાકા કહી રહયા હતા કે, "ઘરે જઈ તારા કાકીને શુ જવાબ આપીશ, આ થેલી તો અમારા ઘરનુ સર્વસ્વ છે?" હવે ભીડ જમા થઈ ગઈ હતી. આજુબાજુની સોસાયટીમાં રહેતા લોકો, દુકાનદારો ને રિક્ષાવાળો મોટાભાગે દરેક એ કાકાને ટાઢા પડી ઘરે જવાનુ કીધુ, પણ કાકા માટે થેલી વગર ઘરે જવુ જીવ વગર જવા સમાન હતુ. ધીરે ધીરે ભીડ ઓછી થવા લાગી.
સામેના ઘરના ઓટલા પર, પાસેની વસ્તીમા રહેતો મજુરનો છોકરડો આ બધુ જોઈ-સમજી રહયો હતો કારણકે રસ્તા પરથી એ થેલી એણે જ લઈ જઈને એની બાને આપી હતી. થેલીમાંથી મળેલા ફૂલ એણે વસ્તી ની નાનકડી દેરીએ ચડાવી દિધા હતા. થેલી માટે કાકાનો આટલો સંતાપ જોઈ એક તરફ એને કાકાના કંજુસપણા પર ગુસ્સો આવ્યો ને બીજી તરફ કાકાની વાત સાંભળી એણે થેલી પાછી દેવાનો નિર્ણય કર્યો. એણે વસ્તી તરફ દોટ મુકી ને થોડી જ ક્ષણોમાં એ થેલી લઈ કાકાની સામે આવી ઉભો રહયો.
થેલી આપતા આપતા એ કાકાને પ્રશ્ર્ન કરતા ખુદને ન રોકી શકયો ને એણે પુછ્યું કે, "કાકા, આ રહી તમારી થેલી, મને રસ્તા પર મળી તો ઘરે જઈ બાને આપી હતી. બા તો એને બજારમાંથી વસ્તુઓ લાવવા માટે વાપરત.
પણ આમાં એવુ તો શુ છે કે તમે કયારના તમારો જીવ બાળો છો?"
થેલી મળી જતા જ કાકાના ચહેરા પર ગજબની ચમક દીઠી. કાકા ખુશ થયા ને કયારના આંખમાં ઝળૂંબી રહેલા આંસુ ખુશી ના માર્યા વહેવા લાગ્યા. ગળે બાઝેલો ડૂમો ખરખરો કરી સરખો કર્યો ને પછી કાકાએ વાત શરૂ કરી, "હમણાં આ પાકિસ્તાનીઓ હાહરા ફુંગરયા છે તે આપણા જવાનીયાઓને જતે દહાડે પોતાનો જીવ આપવો પડે છે. મારો દિકરો પણ સરહદે જ હતો. રૂડો રૂપાળો, ભણવામાં હોંશિયાર પણ ઘરમાં બધાના વિરોધ છતાં એ આર્મીમાં જોડાયો. હજુ બે વરસ પહેલા તો એની સગાઈ કરી હતી. રજા લઈ લગ્ન કરવા ઘરે આવવાનો હતો. ખબર નહીં ઉપરવાળાએ શુ ધાર્યુ હશે ને એ પણ દુશ્મનની ગોળીનો ભોગ બન્યો. એણે પણ પાંચ-છ ને ઠાર કરયા ,પણ દસેક ગોળી ખાઈને એ ઢળી પડયો. એની જગ્યાએ માત્ર એની તિરંગામા લપટાયેલ લાશ ઘરે આવી." વાત કરતા કરતા મગનકાકાએ ધ્રુસકે ને ધ્રુસકે રડવા માંડયુ.
સહુ રડમસ બની ગયા, પણ પેલા છોકરાએ ફરી પ્રશ્ર્ન કર્યો કે ,"કાકા, હું સમજી શકુ છુ તમારા ને તમારા પરિવાર પર શુ વીતી હશે, પણ મને માફ કરજો, હું સમજી ન શકયો કે આ નિર્જીવ થેલીને તમારા દિકરા સાથે શુ સંબંધ ?"
મગનકાકાએ આંખો લૂછતા લૂછતા જણાવ્યું,
"તારા કાકીએ આ થેલી એના દિકરાની યાદમાં એના લોહીથી ખરડાયેલા આર્મી ના યુનિફોર્મ ને ધોઈ એમાંથી થી સીવીને બનાવી છે બેટા.
"ને આ જો, ભરતકામ કરી એનુ નામ પણ કાંત્યુ છે." ગુંથણકામ બતાવતા કાકાએ કહયુ,
"ઘણીવાર આ થેલીને બાથમાં લઈ એણે દિકરાને બાથ ભરી હશે. એનુ નામ લખેલી આ કાપડની થેલીએ ખીંટીં પર ટીંગાઈ ઘર પર નજર રાખીને ને બજાર જવા નીકળતી વેળા સાથે થઈ ને દરેક જગ્યાએ દિકરાની યાદગીરી બનીને અમારો ખૂબ સાથ આપ્યો છે. એના વગર હું ઘરે કેમ કરી જઉ?"
છોકરાને થેલી પર કાંતેલુ નામ અચાનક ઉપસી આવેલુ વંચાયુ, "કેપ્ટન સૂરજ" ને એણે કપડાની નિર્જીવ થેલી જેવી વસ્તુને આજે પહેલીવાર જીવંત થતી દીઠી.