Redlite Bunglow - 36 in Gujarati Fiction Stories by Rakesh Thakkar books and stories PDF | રેડલાઇટ બંગલો ૩૬

Featured Books
Categories
Share

રેડલાઇટ બંગલો ૩૬

રેડલાઇટ બંગલો

-રાકેશ ઠક્કર

પ્રકરણ-૩૬

જ્યારથી રાજીબહેને તેને અને રચનાને સાથે બે દિવસ ફરવા જવાની રજા આપી ત્યારથી અર્પિતાના મનમાં તેમના માટે શંકા ઊભી થઇ રહી હતી. અર્પિતાએ ગામ જતાં પહેલાં પોતાના રૂમનું નિરીક્ષણ કરી લીધું હતું. અને ચારેય બાજુની દિવાલના ફોટા પાડી લીધા હતા. તેને ખ્યાલ આવી રહ્યો હતો કે કોલેજ ક્વીન સ્પર્ધામાં તેણે ભાગ લીધો નથી અને રચના હારી ગઇ એ કાવતરું હોવાની રાજીબહેનને શંકા ગઇ હશે. એટલે રાજીબહેન હવે તેમના પર બરાબર નજર રાખશે. અર્પિતાને ગામથી આવીને રૂમમાં પગ મૂક્યા પછી ખ્યાલ આવી ગયો હતો કે કંઇક આ રૂમમાં થયું છે. તેણે આખા ઘરમાં નજર નાખી એટલે તેને ખ્યાલ આવી ગયો કે રાજીબહેને હવે તેમની આંખોથી અમે દૂર હોઇએ તો પણ અમને જોવાની એક આંખ મૂકી દીધી છે. અર્પિતાએ ધ્યાનથી જોયું કે રૂમમાં ટ્યુબલાઇટને કાઢીને ફરી નાખવામાં આવી હતી. તેના સ્ક્રૂના ખાડા ભરીને ત્યાં ફરીથી પ્લાસ્ટર કરી રંગ લગાવવામાં આવ્યો હતો. ટ્યુબલાઇટની પટ્ટીમાં સીસીટીવી કેમેરા લગાવી દેવામાં આવ્યા હતા. અર્પિતાને એ પણ સમજાતું હતું કે ઓડિયો અને વિડીયો બંનેવાળો કેમેરો રાજીબહેને લગાવ્યો હશે. અર્પિતા પણ હોંશિયાર હતી. તે તરત જ બહાર ગઇ અને મેઇન સ્વીચ બંધ કરી દીધી. પછી અંદર જઇ કપડાં બદલ્યાં અને ફરી સ્વીચ ચાલુ કરી દીધી. વીણા જમવાનું આપી ગઇ. તેની સાથેની વાતચીત પરથી અર્પિતાએ માહિતી મેળવી લીધી કે તે એક દિવસ વીણાને લઇને તેમના કોઇ ઓળખીતાને ત્યાં ગયા હતા. અને આખો દિવસ બહાર જ રહ્યા હતા. વીણાને પણ ખબર ના પડે એ રીતે તેમણે કેમેરા લગાવડાવ્યા હતા. અર્પિતા મનોમન બબડી:"રાજીબહેન, તને ખબર નથી કે તું વિચારે એ પહેલાં હું દૂરનું જોઇ લઉં છું."

તેણે રચનાને પણ મેસેજ કરી દીધો કે હવે કોઇપણ વાત કરતાં પહેલાં વિચાર કરજે. રાજીબહેન ભૂતનીની જેમ આપણા પર નજર નાખતી બેઠી છે. અર્પિતાને હવે એ વાતનો આનંદ હતો કે રચનાનો સાથ મળશે. રચના રાજીબહેનના આ ધંધાથી કંટાળી ગઇ હતી. ગમે ત્યારે શરીર ચૂંથવા કોઇને આપી દેવાનું હવે ગમતું ન હતું. અને હવે તેના લગ્ન નક્કી થઇ ગયા હતા એટલે આ ધંધાથી દૂર થવાનું જરૂરી હતું. તેણે રાજીબહેનની ચુંગાલમાંથી છૂટવા અર્પિતાને કહી દીધું હતું. અર્પિતાએ નક્કી કરી લીધું કે હવે રાજીબહેન તેના પર કોઇ પગલાં લે એ પહેલાં છેલ્લો ખતરનાક દાવ ખેલી નાખવો પડશે. હવે વધારે મોડું કરવામાં જોખમ છે. રાજીબહેનને કોઇ બાબતે સાબિતી મળી જાય તો એ તેના જીવન સાથે રમત રમી શકે છે. તે ધીમે ધીમે રાજીબહેનના ધંધાને ખતમ કરવા આગળ વધી રહી હતી. પણ બધી જ જગ્યાએ તેમની પહોંચને કારણે ખાસ કોઇ પરિણામ આવી રહ્યું ન હતું. હવે તેને સબક શીખવાડવાનો સમય આવી ગયો હતો. તેણે મનોમન આખી યોજના વિચારી લીધી. ત્યાં રચનાનો મેસેજ આવ્યો. તે ખુફીયા કેમેરાની વાત જાણી ફફડી ઊઠી હતી. અર્પિતાએ તેને ચિંતા ન કરવાની સલાહ આપી. અને લખ્યું કે તે આપણા પર ભલે દૂર બેઠી નજર રાખવા લાગી છે પણ હવે તેનો અંત દૂર નથી.

*

હરેશભાઇનું અચાનક મોત વર્ષાબેનને હચમચાવી ગયું. હરેશભાઇએ તેમના માટે દિયર અને પતિ બંનેની ફરજ બજાવી હતી. છેલ્લે છેલ્લે તેમના સ્વભાવને લીધે તે દૂર થતી ગઇ હતી. તે સતત બીજાઓ પર શંકા કરતા હતા. પોતાને થયેલા અકસ્માત માટે અને પછી ખેતરમાં આગ લાગ્યા પછી તે વધારે શંકાશીલ બની ગયા હતા. પણ જેવા હતા એવા તેના માટે મોટો સહારો હતા. ગામમાં એકલી સ્ત્રી અને તે પણ ફાટફાટ થતી યુવાનીવાળી પુત્રીની મા માટે એકલા રહેવું સહેલું ન હતું. હરેશભાઇ હંમેશા તેમની પડખે રહ્યા હતા અને તેમનું પડખું સેવ્યું હતું. વર્ષાબેનને થયું કે છેલ્લા થોડા દિવસોમાં તેમને હેમંતભાઇનો સાથ મળી ગયો એટલે જીવન સુખમાં વીતી રહ્યું છે. હરેશભાઇ આમ અચાનક ચાલ્યા જશે એવી ખુદ તેમને પણ કલ્પના નહીં હોય. એ તો અકસ્માતમાંથી બેઠા થઇ ફરી ખેતી કરવા માગતા હતા. વર્ષાબેન ભારે હૈયે ઊભા થયા. હરેશભાઇના અંતિમ સંસ્કાર કાલે સવારે કરવાના હતા. એ પહેલાં બધી તૈયારી કરવાની હતી. અર્પિતા હજુ પહોંચી હશે ત્યાં ફરી આવવાનું થયું છે. ગામના વડીલોએ બે માણસોને હરેશભાઇના ઘર બહાર બેસવાનું કહી બધી સ્ત્રીઓને ઘરે જવા કહ્યું. વર્ષાબેન દુ:ખી હ્રદયે હરેશભાઇના ઘરમાંથી નીકળતા હતા. તેમની નજર વળી વળીને હરેશભાઇ જમ્યા હતા એ થાળી પર જઇને અટકતી હતી. થાળીમાં થોડું એંઠું પડ્યું હતું. બધી સ્ત્રીઓ બહાર નીકળી ગઇ એટલે તે ઝડપથી બિલ્લી પગલે એક થેલીમાં એ થાળી લઇને પોતાના ઘરમાં આવ્યા. બાળકો ઊંઘી ગયા હતા. વર્ષાબેને પહેલાં અર્પિતાને ફોન કરીને જાણ કરી. તેને તો સાચું જ ના લાગ્યું. તે તો હબક ખાઇ ગઇ. વર્ષાબેને તેને સાંત્વના આપી સવારે વહેલા આવી જવા કહ્યું. અર્પિતાને લાગેલો આઘાત વર્ષાબેન સમજી શકતા હતા.

રાત આગળ વધી રહી હતી. વર્ષાબેને કંઇક વિચારીને થાળી કાઢી અને પાછળના બારણેથી ચોકડીમાં જઇને મૂકી. પછી આમતેમ નજર નાખી. વાડામાં રોજ બે ગલૂડિયાં ફરતા હતા. એ હવે ઊંઘી ગયા હતા. વર્ષાબેને એક ગલૂડિયું ઊઠાવ્યું અને તેને થાળી પાસે લઇ ગયા. ગલૂડિયાની ઊંઘ ઉડી ગઇ. તેણે આંખો ખોલી. વર્ષાબેને તેને પ્રેમથી પંપાળ્યું અને તેનું મોઢું ધીમેથી થાળીમાં રહેલા એંઠા પાસે લઇ ગયા. ગલૂડિયાએ તરત જ ખાવા માટે મોં માર્યું અને ખાઇ ગયું. બીજી જ મિનિટે તે તરફડવા લાગ્યું. ગલૂડિયું વર્ષાબેનના હાથમાંથી પડી ગયું. વર્ષાબેન પણ થથરી ઊઠ્યા. તે કંઇ વિચારે એ પહેલાં તો ગલૂડિયું નિષ્પ્રાણ થઇ ગયું. વર્ષાબેને ઝટપટ તેને ઊપાડીને બાજુના વાડામાં ફેંકી દીધું. તેમની શંકા સાચી પડી હતી. કોઇએ જમવામાં ઝેર કે વિષવાળી વસ્તુ ભેળવીને હરેશભાઇને સ્વધામ પહોંચાડી દીધા હતા. આવું કોણ કરી શકે? કોનો સ્વાર્થ હોય શકે? હેમંતભાઇએ જ આ કૃત્ય કર્યું હશે? હેમંતભાઇનું નામ આવતાં વર્ષાબેનને તેમની સાથેના સુંવાળા સંબંધ યાદ આવી ગયા. એ મારા પરિવારનું બૂરું શા માટે ઇચ્છે? એ તો હર કદમ પર મને મદદ કરવા દોડી આવે છે. એમણે તો મારા જીવનમાં સુખની હેલી વરસાવી છે. અચાનક તેમને વિનય યાદ આવી ગયો. લાલુ મજૂરે કહ્યું હતું કે વિનયના ઘરેથી જમવાનું આવ્યું હતું. પોતે તો રોજની જેમ હરેશભાઇની રસોઇ બનાવી હતી. તેમણે તો આજે એવું કંઇ કહ્યું ન હતું કે લાભુભાઇને ત્યાંથી જમવાનું આવવાનું છે. વિનયને જમવાનું લાવવાનું કહેવા પાછળ શું કારણ હશે? તે મારાથી નારાજ હતા? ના, એવું તો કોઇ કારણ ન હતું. તો વિનયની આ ચાલ હશે? તે હરેશભાઇની જમીનમાં ખેતીનું કામ સંભાળતો હતો. તેણે કોઇ કાવતરું કર્યું હશે? વર્ષાબેનને જાતજાતના વિચારો આવી રહ્યા હતા. હવે કાલે હરેશભાઇની અંતિમક્રિયા થાય પછી લાલુને શાંતિથી બધું પૂછ્યા પછી જ કોઇ રહસ્ય બહાર આવી શકશે એમ વિચારી વર્ષાબેન ઊંઘવાનો પ્રયત્ન કરવા લાગ્યા.

*

"વાહ લાલુ! તેં તો મોટું કામ કરી દીધું! લે આ તારું મહેનતાણું. અને જો, ચાર દિવસ પછી તું આ ગામને ભૂલી જ જજે. હું વાત ફેલાવી દઇશ કે કોઇ ગુજરી ગયું એટલે તું તારા ગામ જતો રહ્યો છે..." હેમંતભાઇએ રૂપિયાની થપ્પી લાલુ મજૂરના હાથમાં આપતાં કહ્યું:"અને સાંભળ આ ચાર દિવસમાં તારે મહત્વની ભૂમિકા ભજવવાની છે. તારું કામ હવે ખરું શરૂ થશે. મેં કીધું છે એ પ્રમાણે જ થવું જોઇએ. જો એ બરાબર પાર પડશે તો હું તને વધારે ખુશ કરીશ..."

"શેઠ! તમે ચિંતા ના કરો. બધું પતાવીને જઇશ. તમતમારે જલસા કરજો..."

લાલુ હાથમાં પહેલી વખત આટલા બધા રૂપિયા જોઇ રહ્યો હતો. રોજ મજૂરીની એક-બે નોટ કમાતો લાલુ આજે નોટની થપ્પીનો માલિક હતો. તેને થયું કે પોતે હેમંતભાઇનું કામ કરીને સારું કમાઇ લીધું છે. લાલુને તો ખબર જ ન હતી કે તેની લોટરી લાગવાની છે. એક દિવસ હેમંતભાઇએ તેને બંગલા પર બોલાવ્યો અને કહ્યું કે પોતાનું એક કામ કરશે તો એ માલામાલ થઇ જશે. લાલુ નાનીનાની મજૂરીથી કંટાળ્યો હતો. હરેશભાઇ તેને રુપિયા આપતા હતા પણ એનાથી રાતનો દારૂ જ પીવાતો હતો. આખા દિવસના ખર્ચાની સમસ્યા હતી. હેમંતભાઇએ તેને બોલાવ્યો. અને રુપિયાની લાલચ આપી. એમણે એવી યોજના બનાવી હતી કે તેનું કે વર્ષાબેનનું નામ ના આવે અને વિનય તેના પરિવાર સાથે ભેરવાઇ જાય.

લાલુએ આજે એ મોકો ઝડપી લીધો. તેણે હેમંતભાઇએ આપેલું ઝેરી દ્રવ્ય અને તેમણે લખી આપેલા કાગળો લઇને કામને અંજામ આપી દીધો. લાલુએ પહેલું કામ હરેશભાઇને એ કહેવાનું કર્યું કે વર્ષાબેન આજે કોઇને ત્યાં જમવા જવાના છે એટલે તે રસોઇ બનાવવાના નથી. અને જમવા માટે આસપાસમાં કોઇને જાણ કરવા કહ્યું છે. પછી પોતે જ વિનયને એમ કહીને બોલાવી લાવ્યો કે હરેશભાઇ બોલાવે છે. અને વિનયને ત્યાંથી જમવાનું મંગાવવાની વાત પણ એણે જ મૂકી દીધી. વિનય જમવાનું લઇને આવે અને પાછો હરેશભાઇને મળે તો બીજી કોઇ ચર્ચા થાય અને તે ઝેર ભેળવી ના શકે. એમ વિચારીને લાલુ પોતે જ લાભુભાઇને ત્યાંથી જમવાની થાળી લઇ આવ્યો અને ધીમે રહીને એમાં ઝેર ભેળવી દીધું. પછી વિનયને ખેતરનું કામ કરવા સંમતિ પત્ર જોઇએ છે કહીને પત્ર પર સહી કરાવી લીધી. આ પત્ર હેમંતભાઇ માટે હુકમનો એક્કો સાબિત થવાનો હતો.

***

અર્પિતા રાજીબહેનને કયો દાવ ખેલીને હરાવશે ? હેમંતભાઇએ હરેશભાઇને ખતમ કરવાનો આખો ખેલ કેમ ખેલ્યો હતો? હરેશભાઇની સહીવાળો કાગળ કોને ફસાવશે? આ બધું જ જાણવા હવે પછીના રસપ્રચૂર પ્રકરણો વાંચવાનું બિલકુલ ચૂકશો નહીં.